ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/કૂટવાણિજ જાતક
પ્રાચીન કાળમાં વારાણસીમાં જ્યારે બ્રહ્મદત્ત રાજા હતા ત્યારે બોધિસત્ત્વ અમાત્યકુળમાં જન્મ્યા હતા અને મોટા થયા ત્યારે ન્યાયાધીશના પદે નિમાયા હતા.
તે વેળા બે વણિકો વચ્ચે મૈત્રી હતી, એક ગ્રામવાસી અને બીજો નગરવાસી. ગ્રામવાસીએ નગરવાસીને ત્યાં લોખંડની પાંચસો પાટો મૂકી. તેણે એ બધી પાટો સંતાડી દીધી. અને જ્યાં પાટો રાખી હતી ત્યાં ઉંદરની લીંડીઓ વેરી દીધી. થોડા સમય પછી ગ્રામવાસીએ આવીને પોતાની પાટો માગી ત્યારે ધૂર્ત વણિકે તેને ઉંદરોની લીંડીઓ બતાવીને કહ્યું, ‘તારી પાટો તો ઉંદરો ખાઈ ગયા.’
એટલે ગ્રામવાસીએ કહ્યું, ‘સારી વાત છે, ખાઈ ગયા તો ખાઈ ગયા. ઉંદરો ખાઈ ગયા તેમાં આપણે શું કરી શકીએ?’
પછી સ્નાન કરતી વખતે નગરવાસીના દીકરાને પોતાની સાથે લઈ ગયો, એક મિત્રને ત્યાં તેને બેસાડ્યો અને તેણે મિત્રને કહ્યું, ‘આને ક્યાંય જવા દઈશ નહીં.’ પછી નાહીધોઈને તે દુષ્ટ વણિકને ત્યાં ગયો. તેણે પૂછ્યું, ‘મારો દીકરો ક્યાં છે?’
‘અરે તારા દીકરાને કાંઠે બેસાડીને હું ડૂબકી ખાઈ રહ્યો હતો ત્યારે એક ચકલી આવી અને તેને પોતાના પંજામાં પકડીને ઊડી ગઈ. મેં હાથ પછાડ્યા, બૂમો પાડી પણ કોઈ રીતે તારા દીકરાને છોડાવી ન શક્યો.’
‘તું જૂઠું બોલે છે. ચકલી કંઈ બાળકને ઉપાડી ન જાય.’
‘મિત્ર, અસંભવ લાગે એવી આ વાત છે પણ હું શું કરું? તારા દીકરાને ચકલી જ લઈ ગઈ.’
એટલે તે વણિક ગભરાઈને બોલ્યો, ‘હત્યારા, દુષ્ટ, હું હમણાં જ દરબારમાં જઉં છું.’ એમ કહેતો તે તો ચાલી નીકળ્યો. ‘તને જે ઠીક લાગે તે કર.’ એમ કહી તે પણ તેની સાથે દરબારમાં ગયો. ધૂતારાએ બોધિસત્ત્વને કહ્યું, ‘સ્વામી, આ મારા દીકરાને નહાવા લઈ ગયો. મેં મારો દીકરો ક્યાં છે પૂછ્યું તો તેણે મને કહ્યું: તારા દીકરાને તો ચકલી લઈ ગઈ. મને ન્યાય અપાવો.’
બોધિસત્ત્વે ગ્રામવાસીને પૂછ્યું, ‘શું આ વાત સાચી છે?’
‘હા સ્વામી, હું એને લઈ ગયો હતો, પણ તેને ચકલી ઉઠાવી ગઈ એ વાત પણ પૂરેપૂરી સાચી.’
‘શું આ દુનિયામાં ચકલીઓ બાળકોને ઉઠાવી જાય છે?’
‘સ્વામી, હું પણ તમને પૂછવા માગું છું. જો ચકલીઓ બાળકોને લઈને ઊડી ન શકતી હોય તો શું ઉંદરો લોખંડની પાટો ખાઈ જાય ખરા?’
‘એટલે?’
‘સ્વામી, મેં આ વાણિયાને ત્યાં લોખંડની પાંચસો પાટો મૂકી હતી. આ એવું કહે છે કે તારી પાટો ઉંદરો ખાઈ ગયા, પછી તેણે મને ઉંદરોની લીંડીઓ પણ બતાવી. જો ઉંદરો લોખંડની પાટો ખાઈ શકતા હોય તો ચકલીઓ બાળકોને ઉપાડી જઈ શકે. જો ઉંદરો લોખંડ ન ખાઈ શકે તો બાજ પણ બાળકોને લઈ જઈ ન શકે. આ તો એમ કહે છે કે તારી પાટો ઉંદરો ખાઈ ગયા. તેમણે ખાધા કે નહીં તેની પરીક્ષા કરી ફેસલો કરો.’
બોધિસત્ત્વે વિચાર્યું, આણે લુચ્ચાઈનો આશ્રય લીધો છે. ‘તારી વાત સાચી. લુચ્ચાઈની સામે લુચ્ચાઈ. કુટિલની સામે કુટિલ. જો ઉંદર લોખંડ ખાઈ જાય તો ચકલી શા માટે બાળકને ઉપાડી ન જાય. એટલે તું આ વાણિયાની પાટો આપી દે. કુટિલતાની સામે કુટિલતા. તું આને લોખંડની પાટો આપી દે. નહીંતર તે તારા દીકરાને લઈ જશે.’
‘સ્વામી, હું તેને બધી પાટો આપી દઉં છું.’
‘હું દીકરો આપી દઈશ, જો તે મને મારી પાટો આપે તો.’
આમ જેનો પુત્ર ખોવાયો હતો તેને પુત્ર મળ્યો. જેની પાટો ગુમ કરી દેવાઈ હતી તેને તેની પાટો મળી.