ભારતીયકથાવિશ્વ-૫/ત્રિપુરાની પ્રદેશની લોકકથાઓ/નુવઈની કથા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નુવઈની કથા

એક સમયે કોઈ ખેડૂત પોતાના ઘરડા માબાપ, પત્ની અને નાની દીકરી સાથે રહેતો હતો, દીકરી તો બહુ નાની -માના ખોળામાંથી ઊતરે જ નહીં. એક દિવસ તેની પત્ની મૃત્યુ પામી, પતિને અને દીકરીને તેમના ભાગ્યને ભરોસે ત્યજી દીધા.

સંજોગોએ તે ખેડૂતને પુનર્લગ્ન કરવાની ફરજ પાડી. નવી પત્નીએ બીજે જ વર્ષે દીકરીને જન્મ આપ્યો, તેનું નામ પાડ્યું કોર્મોતી. મોટીનું નામ ખુમ્તી. મોટી ભીનેવાન હતી. તે પોતાની નાની બહેનની ઈર્ષ્યા કરતી હતી. નાની તો હળદર વર્ણની હતી. સમય વીતતાં બંને કન્યાઓ લગ્ન કરવા જેટલી મોટી થઈ. કોર્મોતીને ગમે તે કામ સોંપો, તે બહુ સારી રીતે પાર પાડે, ઘરમાં શું કે બહાર શું. એક દિવસ જ્યારે ખેતરમાં પાક બહુ સારો થયો ત્યારે બંને બહેનો કોથળામાં શાકભાજી ભરવા નીકળી. નાનીએ તો ખેતરમાં પહોંચીને કોથળામાં બધું ભરવા માંડ્યું. મોટી તો કામચોર હતી એટલે પાક કાપી કાપીને ખાવા લાગી. તેનો કોથળો ખાલીખમ જ રહ્યો. જ્યારે કોર્મોતીનો કોથળો ભરાઈ ગયો ત્યારે ઘેર પાછા વળવાનો સમય થઈ ગયો. તેણે મોટી બહેનને બૂમ પાડી, ‘ચાલ હવે. મારો કોથળો તો ભરાઈ ગયો છે. તારું કામ પત્યું? ચાલો, ઘેર જઈએ.’

‘બહેન, મારો કોથળો તો ખાલીખમ છે. તારો તો પૂરેપૂરો ભરાઈ ગયો છે. મને તારા કોથળામાંથી થોડું આપ. નહીંતર હું શું બતાવીશ?’

‘ના, તું બધું ખાઈ ગઈ છે, હું શા માટે મારામાંથી તને આપું? મેં તો બટકુંય ચાખ્યું નથી.’

ખુમ્તી કશું બોલી નહીં, મનમાં ને મનમાં તો સમસમી ગઈ. ધીમે ધીમે તેઓ ઘેર જવા નીક્ળ્યા. રસ્તામાં એક નદી ઓળંગવાની હતી. કિનારે પહોંચીને ખુમ્તી બોલી, ‘કોર્મો, ચાલ અહીં થોડો આરામ કરીએ.’

નદી તેમના ઘરથી બહુ દૂર ન હતી, ઘરનાં બધાં અવારનવાર ત્યાં આવતાં હતાં. નદીનું પાણી નહાવાધોવામાં કામ લાગતું હતું. કોર્મો તો તરત રાજી થઈ ગઈ. નદીકાંઠાના વડવૃક્ષ નીચે કોથળા મૂકીને તેઓ ત્યાં આરામ કરવા બેઠી. વડનાં મૂળિયાં અને ડાળીઓ પાણી પર પથરાઈ ગયાં હતાં. ખુમ્તીએ પાણી પર પથરાયેલી એક ડાળી બહેનને બતાવી. ‘જો જો, કોર્મો. ડાળી સરસ રીતે પાણી પર પથરાઈ છે. આપણે તેના પર ઝૂલા ખાઈએ. ચાલ હીંચકો તૈયાર કરીએ.’ ખુમ્તીએ તરત જ એક મોટી ડાળી વીણીને હીંચકો તૈયાર કરી દીધો. ખુમ્તી તેના પર બેસી ગઈ અને કોર્મોને હીંચકા નાખવા કહ્યું. જ્યારે ખાસ્સો સમય તેણે હીંચકા ખાધા ત્યારે કોર્મો બોલી, ‘મોટી બહેન, તું એકલી જ હીંચકા ખાઈશ?’ એટલે ખુમ્તી હીંચકા પરથી ઊતરી ગઈ અને કોર્મો બેસી ગઈ. હવે મોટી બહેન જોરજોરથી હીંચકા નાખવા લાગી. કોર્મો તો ગભરાઈ ગઈ, બોલી, ‘બહેન, મને બીક લાગે છે. ધીમેથી નાખ.’ પણ હવે ખુમ્તીના મનમાં વેરની લાગણી પ્રગટી. તેણે તો નાની બહેન પાસે થોડો ભાગ જ માગ્યો હતો અને તે તેણે આપ્યો ન હતો. એટલે વધુ ને વધુ જોરથી હીંચકા નાખવા લાગી. ‘આટલા જોરથી નહીં. હું પડી જઈશ.’ ખુમ્તીએ કશું સાંભળ્યું નહીં, તેણે વધુ જોરથી હીંચકા નાખ્યા અને કોર્મો નદીમાં પડી ગઈ, ત્યાં સામેથી એક બહુ મોટી માછલી આવતી હતી. તેને તરત જ ગંધ આવી અને કોર્મોને ગળી ગઈ.

હળદરિયા વર્ણની કોર્મોએ નદીનું બધું પાણી હળદરિયું કરી દીધું. ખુમ્તીને આનો ખ્યાલ ન આવ્યો, પછી તો તે સ્વસ્થ થઈ ગઈ અને તેણે નાની બહેનનો ભરેલો કોથળો લઈને નીકળી પડી ઘરની દિશામાં. ઘેર એકલી પહોંચી એટલે માએ પૂછ્યું, ‘કોર્મો ક્યાં?’ ખુમ્તી સાવ અજાણી થઈ ગઈ. ‘એ તો ધીમે પગલે ચાલે છે. મને તો ભૂખ બહુ લાગી હતી એટલે ઉતાવળે ચાલીને આવી ગઈ.’ આટલું કહીને તે તરત ખાવા બેસી ગઈ.

હવે દાદી નહાવા માટે નદીએ ગયાં. પાણીનો બદલાયેલો રંગ જોઈને તે નવાઈ પામ્યાં, આવો રંગ તો કદી જોયો જ ન હતો. શરૂઆતમાં તો એમ માન્યું કે નદીમાં કોઈએ હળદરનો કોથળો ઠાલવ્યો હતો. પાણીમાં હાથ બોળ્યા, ‘ના, એવું તો લાગતું નથી. આવો રંગ આવ્યો ક્યાંથી?’ પછી તો તેમણે એ દિશામાં વિચારવાનું છોડી દીધું, અને કપડાં ધોવા બેઠા. પણ જેવા તેમણે કાંઠા પરના લાકડાના ઢીમચા પર કપડાં પછાડવા માંડ્યા, ત્યાં અવાજ સંભળાયો, ‘અરે દાદીમા, મારા પગને વાગે છે.’ દાદી શરૂઆતમાં તો નવાઈ પામ્યાં પણ આસપાસ કશું ન હતું એટલે ફરી ધોવા બેઠાં, પાછો અવાજ આવ્યો, ‘અરે દાદીમા, મારા પગને વાગે છે.’ વારેવારે આ ચીસો સાંભળતાં રહ્યાં એટલે તેમને ખાત્રી થઈ કે કોર્મો જ બોલે છે. તેમણે પૂછ્યું, ‘તું ક્યાં છે?’ ત્યારે અવાજ સંભળાયો. ‘ઘાટની નીચે, માછલીના પેટમાં છું.’ પછી દાદીએ ત્યાં મોટી માછલી જોઈ, તે ગળા સુધી કોર્મોને ગળી ગઈ હતી પણ વજનને કારણે તે ત્યાંથી ખસી શકતી ન હતી. પછી હતું તેટલું બધું જોર વાપરીને માછલીને પાણીમાંથી બહાર કાઢી. હવે કોર્મોને માછલીના પેટમાંથી બહાર કાઢવી જોઈએ, નહીંતર તે મરી જશે. તેણે બૂમ પાડીને પોતાના પતિ પાસે દાતરડું માગ્યું. તે વૃદ્ધ પણ જલદી ત્યાં આવી ચઢ્યા અને બંનેએ મળીને માછલીનું પેટ ચીરી નાખ્યું. હવે કોર્મો બહાર આવી, સ્વસ્થ થઈને તેણે રડતાં રડતાં બધી વાત કરી. એ દુષ્ટ છોકરીને પાઠ ભણાવવો જ જોઈએ એવો વિચાર દાદીમાને આવ્યો. તે પોતાની બહેનને મારી નાખવાનો પ્રયત્ન કરે? એ તો ભાગ્યની વાત છે, નહીંતર માછલીના પેટમાં કોર્મો તો મરી જ જાત.

બધાં ધીમે ધીમે ચાલતાં ઘેર પહોંચ્યાં. ઘેર જઈને દાદીમાએ દીકરાને અને ખુમ્તીને સંભળાવવા માંડ્યું. જ્યારે દાદીમાએ આખી ઘટના કહી સંભળાવી ત્યારે બધાં ખુમ્તીની નિંદા કરવા લાગ્યાં. ડરી જઈને ખુમ્તી એક ખૂણામાં ભરાઈને રડવે ચઢી.

ખુમ્તીના બાપે એકદમ તો કશું કર્યું નહીં, પણ પછી દીકરીની ક્રૂરતા પર તેને બહુ ગુસ્સો આવ્યો. તેણે એક પણ શબ્દ બોલ્યા વિના નક્કી કરી લીધું કે ખુમ્તીને કેવી શિક્ષા કરવી. ખુમ્તી સાથે કોઈએ વાતચીત નહીં કરવાનું ફરમાન કરી દીધું.

પછી સવારે બાપ વાંસડા લઈ આવ્યો અને એક મોટું પાંજરું બનાવ્યું. કોઈ માણસ ઊભો રહી શકે તેટલું ઊંચું પાંજરું હતું. ખુમ્તીને બોલાવીને કહ્યું, ‘ચાલ, અંદર જતી રહે.’ ખુમ્તીને કશી સમજ ન પડી, તેણે તો પાંજરામાં પગ મૂક્યો અને બાપે દરવાજો બંધ કરી દીધો. ગભરાઈ જઈને ખુમ્તી ચીસો પાડવા લાગી. પછી દરવાજાને દોરડાથી કસકસાવીને બાંધી દીધો. પછી એ પાંજરું વાડામાં મૂકીને મસમોટા ઝાડની ડાળીએ લટકાવી દીધું. ખુમ્તીએ મોટે મોટેથી ચીસો પાડીને તેને છોડી મૂકવા કહ્યું, પણ કશું વળ્યું નહીં. તેનો બાપ તેને મોટે મોટેથી ગાળો આપતો રહ્યો.

હવે ખુમ્તીએ દિવસો પાંજરામાં કાઢવા માંડ્યા, દિવસે ભયંકર ગરમી અને રાતે કડકડતી ઠંડી. માને-દાદીમાને કાકલૂદીઓ કરી. પણ કોઈએ સાંભળ્યું નહીં. તેને બચાવવાની કોઈનામાં હિંમત ન હતી. ખોરાકપાણી બંધ કરી દીધાં. તે ભૂખે તરસે મરવા લાગી.

એક દિવસ સવારે ઘરનાં બધાં ખેતરે ગયાં અને ઘરની સંભાળ રાખવાનું કોર્મોને સોંપ્યું. આ જોઈને ખુમ્તી બોલી, ‘અરે મારી બહેન કોર્મો, મને થોડું પાણી પીવડાવ. તરસે મારો જીવ જાય છે. મેં તારી સાથે જે કર્યું તે બદલ મને માફ કર.’

કોર્મો તેની બહેનને બહુ ચાહતી હતી. એટલે તેણે બહેનની વિનંતી સ્વીકારી. માબાપથી છાનામાના તેણે બહેન માટે આંસુ સાર્યાં. તેના બાપની બીકે તે ન કશું બોલી શકી, ન કોઈ મદદ કરી શકી. તે દિવસે કોર્મોને તક મળી. તેણે વાંસ ઊભા કરીને બહેનને પાણી પીવડાવ્યું. પછી કહ્યું, ‘જો મોટી, કોઈને તું આ વાત કરતી નહીં. નહીંતર મારી હાલત પણ તારા જેવી કરશે.’ ખુમ્તીએ તેને કહ્યું, ‘ચિંતા ન કરીશ. આ તો મારું દુર્ભાગ્ય છે, મારા કારણે તને દુ:ખી નહીં કરું.’

પાણી પીને ખુમ્તી સ્વસ્થ થઈ. ત્યાર પછીના દિવસોમાં જ્યારે જ્યારે તક મળી ત્યારે ત્યારે કોર્મો બહેનને સાચવતી રહી. ખુમ્તીને પોષણ મળતું રહ્યું. જ્યારે ભયંકર તાપ પડતો હોય, કુટુંબીજનો જ્યારે ખેતરમાં કામ કરતાં હોય ત્યારે ભૂરા આકાશમાં ઊડતી સમડીઓ તે જોયા કરતી. તેમની જેમ હું પણ ઊડી શકતી હોત તો…‘અરે ભગવાન, મને પણ તેમની જેમ ઊડવાની શક્તિ આપ.’

એક દિવસ તે પોતાના હવાઈ ખ્યાલોમાં ડૂબી ગઈ હતી ત્યારે તેના હૃદયની વેદનામાંથી સૂર નીકળ્યો,

‘અરે મારી વહાલી સમડીઓ, મારી ચીસ નથી સંભળાતી મને એક પીંછું આપો. મારે પણ ઊડવું છે.’

ખુમ્તીના મધુર અવાજે સમડીઓનાં હૈયાં ભીંજવી દીધાં. પંખીઓનું આખું ટોળું નીચે ઊતરી આવ્યું અને દરેકે તેને એકએક પીંછું આપ્યું.

બીજે દિવસે બપોરે ફરી ખુમ્તીએ ગાયું.

‘અરે મારી વહાલી સમડીઓ, તમને મારી ચીસ નથી સંભળાતી? મને એક ચાંચ લાવી દો, મારે પણ ઊડવું છે.’

ફરી સમડીઓએ તેની વાત સાંભળીને ચાંચ આપી. ફરી બીજે દિવસે બપોરે તેણે ગાયું.

‘અરે મારી વહાલી સમડીઓ તમને ચીસ નથી સંભળાતી? મને નહોર અને પંજા આપો. મારે પણ ઊડવું છે.’

ફરી સમડીઓએ તેને નહોર-પંજા આપ્યા. હવે જોઈએ સોય-દોરો. બાપ ઘરે નહોતા. તેણે માને બૂમ પાડી પણ માએ ધ્યાન ન આપ્યું, પછી બધા જ્યારે જતા રહ્યા ત્યારે તેણે દાદીમાને કહ્યું, તેની વારંવાર કાકલૂદીઓ સાંભળીને દાદીમા પીગળ્યાં અને ભાંગેલી સોય અને દોરો આપ્યાં.

આટલાથી ખુમ્તી રાજી રાજી થઈ ગઈ. પછી એ તો પંખીનો પોશાક સીવવા બેઠી. પીંછાં, ચાંચ, નહોર સાંધી સાંધીને આખો પોશાક તૈયાર કરી દીધો.

બીજે દિવસે જ્યારે બધાં ખેતરે ગયાં ત્યારે ખુમ્તીએ પોશાક પહેર્યો, પછી તેનામાં અદ્ભુત શકિત આવી. તે ઊડવા તૈયાર થઈ ગઈ. નહોર વડે, ચાંચ વડે પાંજરું તોડવા માંડ્યું અને તરત જ પાંજરું તૂટી ગયું. તે એક ડાળી પર બેઠી, સ્વતંત્રતાથી તેને બહુ રાજીપો થયો. પંખીઓને બોલાવવા લાગી, ‘અરે, મારી વહાલી સમડીઓ, મારી ચીસ નથી સંભળાતી, મારી પાંખોને આશિષ આપો.’

હવે તે મુક્ત પંખીની જેમ આકાશે પહોંચી. બધા પંખી બનેલી ખુમ્તીને જોવા વાડામાં ભેગા થયા. માબાપે તેને પાછા ફરવા કહ્યું, પણ તેણે કહ્યું, ‘હું ભૂખી હતી, તમે મને ખાવાનું ન આપ્યું, હું તરસી હતી, તમે મને પાણી ન આપ્યું. તમે મને ગાળો દીધી, મારી સામે આંખો કાઢી. હવે મને તમે પાંજરામાં રાખી નહીં શકો. હવે હું ભૂરા આકાશમાં પંખી. તમારા કરતાં એ વધુ વહાલા. મેં કોર્મોને મારી નાખવાનો પ્રયત્ન કર્યો ન હતો. એ તેનું ભાગ્ય કે તે માછલીના પેટમાં ગઈ.’ પછી તેણે કોર્મોને ‘બહેન, હું તને ભૂલીશ નહીં. તને સારો વર મળે. તું હળદરિયા કન્યા. તું હળદરિયા નદી તરીકે જાણીતી થઈશ.’

આજે પણ દૂર દૂરના પર્વતોમાંથી વહેતી નદી બે બહેનોની કરુણ કથાની યાદ અપાવે છે.