ભારેલો અગ્નિ/૪ : નવો પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪ : નવો પરિચય

રણશૂરો પ્રખ્યાત
   તાતયા ટોપી ટેડો.
નર્મદાશંકર

‘શ્રીમંત ખુશીમાં છે?’ રુદ્રદત્તે પૂછયું.

‘હાસ્તો. નાખુશ હોય તોય કાંઈ બોલાય એમ છે?’ મહારાષ્ટ્રી વીરની વાણીમાં વ્યંગ આવ્યા કરતો હતો.

‘આપ ક્યાંથી પધાર્યા?’

‘હું પૂને ગયો હતો.’

‘તે આ બાજુ ક્યાંથી ઉતર્યા?’

‘પૂનાથી ખંડેરાવના વડોદરામાં ગયો. ધાર, ઇન્દોર, ઝાંસી તથા ગ્વાલિયર થઈ પાછો બિથુર જઈશ અને નાનાસાહેબને મળી કલકત્તે જઈશ.’

‘આપે અહીં આવવાની કૃપા કરી એ બહુ સારું થયું. શ્રીમંતના પિતાએ તો મને બે વખત બોલાવ્યો હતો.’

‘તે શ્રીમંતે પણ આપને વિનંતી કરી છે. આપ બે-ચાર માસ બિથુર પધારો. એ માટે તો હું આવ્યો છું.’

‘હું બિથુર આવું?’ ના. ના તાત્યાસાહેબ! હું તો બહુ વર્ષોથી નિવૃત્ત થયો છું.’

‘શ્રીમંતની પણ નિવૃત્ત થવાની ઇચ્છા છે. કંપની બહાદુરે તેનું રાજ્ય લઈ લીધું, છતાં તેમનું સાલિયાણું આપવા ના કહે છે. શ્રીમંત એમ ધારે છે કે કાશીવાસ કરવો.’

‘અરેરે!’ નિવૃત્ત, નિર્મોહ રુદ્રદત્તના મુખમાંથી ઉદ્ગાર નીકળ્યો.

‘અને એમની ઇચ્છા છે કે આપ પણ કાશીવાસમાં તેમનો સાથ કરો.’

‘શ્રીમંતને મળવાની મને ઇચ્છા તો થાય છે. પરંતુ હવે ખસું તો પાઠશાળા મરી જાય.’

‘થોડા દિવસ આપ આવી જાઓ.’

‘આવી જઈશ; કોઈક વખત. હમણાં તો બધું વાતાવરણ અનિશ્ચિત લાગે છે.’

‘અનિશ્ચિત?’ કંપની બહાદુરના રાજ્યમાં શાંતિ અને આબાદી સ્થપાઈ ગયાં છે!’ તાત્યાસાહેબે એક આંખ સહજ ઝીણી કરી આછું આછું હસતાં જવાબ આપ્યો.

‘આબાદી તો કોણ જાણે, પણ શાંતિ તો દેખાય છે.’

‘સ્મશાનની શાંતિ. કોઈ દિવસ ભૂતાવળ જાગી ન ઊઠે!’ ઘેરા ધીમા અવાજે તાત્યાસાહેબે કહ્યંૅ.

‘પ્રભુ જે કરે તે ખરું!’ કહી રુદ્રદત્ત પાઠશાળાના કામે લાગ્યા. અને તાત્યાસાહેબ કપડાં બદલી ઓસરીમાં આમતેમ ફરવા લાગ્યા. તેમના ચિત્તમાં અશાંતિ હતી. પાઠશાળાની બહાર પણ તેમણે ફરવા માંડયું. ત્ર્યંબક તેમની સેવામાં હાજર હતો.

‘તારું નામ શું, યુવાન?’ તાત્યાસાહેબે પૂછયું.

‘ત્ર્યંબક.’ ઓછાબોલા ત્ર્યંબકે જવાબ આપ્યો.

‘એ તો શિવનું ધનુષ્ય. મને એ નામ ઘણું ગમ્યું.’

ફરતાં ફરતાં તેમણે ઘોડાઓની ખરીઓ નિહાળી. પોતે તો એ રસ્તે આવ્યા નહોતા; તેમ તેમની સાથે આટલા બધા ઘોડા પણ નહોતા.

‘અહીંથી કોઈ લશ્કર પસાર થયું લાગે છે.’ તેમણે ત્ર્યંબકને પૂછયું.

‘હા, જી.’

‘કોનું હતું.’

‘કંપની સરકારનું.’

‘કંપની સરકાર!’ તાત્યાસાહેબથી બોલાઈ ગયું. ‘અહીં લશ્કર કેવું? આ બાજુએ માર્ગ નથી.’

‘માર્ગ? લશ્કરને બધે માર્ગ મળે. ન હોય તો થાય.’

‘તારું કહેવું ખરું છે. પરંતુ યુદ્ધના સમયની એ સ્થિતિ. તે સિવાય તો લશ્કરના માર્ગ ઠરેલા હોય છે.’

‘અહીં યુદ્ધની જ સ્થિતિ હતી.’

‘કેમ?’

‘ગુરુજીને ગોળીથી મારવા હતા.’ ત્ર્યંબક બોલ્યો. બોલતાં બોલતાં તેના દબાઈ રહેલા ક્રોધે તેના શરીરને ધ્રુજાવી નાખ્યું. તાત્યાસાહેબ ત્ર્યંબક સામે જોઈ રહ્યા. યુવાન બ્રાહ્મણપુત્રના દેહમાં વીરત્વનું ફૂટી નીકળતું તેમની નજરે પડયું. તેમને વિચાર આવ્યો કે જો કોઈ હિંદને જિવાડશે તો તે બ્રાહ્મણ જ. તેમણે પૂછયું :

‘ગુરુજી ઉપર હાથ ઉગામવાનું કારણ?’

‘કિરસ્તાનોને શું? એમના તો પાદરીઓ પણ શિકારી.’

‘પણ કશું કારણ તો હોવું જોઈએ ને?’

‘મારો એક ગુરુભાઈ છે એ કંપની સરકારનો ગુનેગાર છે. તેને ગુરુજીએ સંતાડયો હતો એમ ગોરા અફસરને લાગ્યું.’

‘પછી?’

‘કાંઈ થયું નહિ. ગૌતમ હજી છૂટો છે.’

‘ગૌતમ? તારી જોડે હતો તે ને?’

‘હા, જી.’

‘એને અને લશ્કરને શો સંબંધ?’

‘એ કંપની સરકારનો સૈનિક છે.’

‘એમ? રુદ્રદત્ત હજી લશ્કરીઓ તૈયાર કરે છે?’

‘ના. જી. એ તો યુદ્ધની વિરુદ્ધ છે.’

તાત્યાસાહેબ કાંઈ બોલ્યા નહિ. ત્ર્યંબકને પણ નવાઈ લાગી. ગુરુજી કોઈ વખત સૈનિકો તૈયાર કરતા હતા કે શું? તેમનો ભવ્ય દેહ, તેમના દેહમાં હજી સુધી સચવાઈ રહેલું બળ, તેમના સૌમ્ય શાંત વર્તનની પાછળ સંતાઈ રહેલું દંડધારીનું આજ્ઞાબળ તેમનામાં લશ્કરનું છેક અજ્ઞાન સૂચવતાં નહોતાં. શું હશે? રુદ્રદત્તે પણ કોઈ દિવસ હથિયાર સજ્યાં હશે?

‘ત્ર્યંબક ભટ્ટ!’ તાત્યાસાહેબે ત્ર્યંબકને વિચારમાંથી જાગૃત કર્યો.

‘જી!’

‘આપણે સ્નાન કરી આવીએ. નદી પાસે જ છે, ખરું ને?’

‘હા, જી. હું વસ્ત્રાો લાવું.’

‘ગૌતમ આવશે?’

‘હું કહી જોઉં.’

દસેક ક્ષણમાં ત્ર્યંબક વસ્ત્રાો લઈ આવ્યો.

‘ગૌતમ ન આવ્યો?’

‘ના; એ જરા સૂતો છે.’

‘કેમ?’

‘એને બહુ થાક લાગ્યો હશે. રૂસ યુદ્ધમાંથી તે હમણાં જ આવ્યો.’

‘એમ? ત્યારે એ દરિયાપાર ગયો હતો?’

‘હા જી; અને ત્યાં સારી નામના પણ મેળવી હતી.’

‘પછી એને પકડવાનું કારણ?’

‘ત્યાં કોઈ ગોરા અમલદારને માર્યો.’

‘ઠીક, ત્ર્યંબક! તને યુદ્ધનો શોખ ખરો કે નહિ?’

‘શોખ તો બહુ છે; પરંતુ ગુરુઆજ્ઞા નથી.’

‘તારા સરખા પહેલવાને તો લશ્કરને મોખરે રહેવું જોઈએ.’

‘લશ્કરને મોખરે નહિ, લશ્કરની સામે – જરૂર પડે તો.’

‘એટલે?’

‘મને પણ સમજ પડતી નથી. ગુરુનું એ કથન છે.’

‘ત્ર્યંબક! તારા ગુરુએ હથિયાર નાખી દીધાં એ ઠીક, પણ બીજા પાસે હથિયાર નંખાવી દેવાનું કાર્ય એમને શોભે ખરું?’

‘એ કહે છે કે બ્રાહ્મણોથી અડકાય પણ નહિ.’

‘એ તૂત એમણે ક્યાંથી કાઢયું? દ્રોણ ગુરુ બ્રાહ્મણ જ હતા ને? પેશ્વાઓ પણ બ્રાહ્મણ જ હતા ને?’

‘એ તો આપ ગુરુજીને પૂછી શકશો. હું ચર્ચા માટે અપાત્ર ગણાઉ; હજી હું તો શિષ્ય છું.’

‘ત્ર્યંબક! તું શાનો અભ્યાસ કરે છે?’

‘દર્શનો પૂરાં કર્યા.’

‘હવે શું બાકી રહ્યું.’

‘ગુરુઆજ્ઞા.’

‘ચાલ, હું તને મારી સાથે લઈ જઈશ. રુદ્રદત્ત પાસે હું તારી માગણી કરીશ.’

ત્ર્યંબક કાંઈ બોલ્યો નહિ. તાત્યાસાહેબ સરખા મુત્સદ્દીની પાસે રહેવાથી અનેક આશઅભિલાષ પૂરા પડે એવો સંભવ આ દબાઈ રહેલા યુદ્ધભિલાષી શિષ્યને દેખાયો. ગૌતમ નાસી ગયો અને લશ્કરમાં નામ કાઢી આવ્યો; ત્ર્યંબક ખુલ્લી રીતે જશે અને નામ કાઢી શકશે. કલ્યાણીને એમ ન લાગવું જોઈએ કે ગૌતમ જ યુદ્ધ કરી જાણે છે.

સ્નાન કરી પાછા આવતાં સુધી બંનેમાંથી કોઈ કશું બોલ્યા નહિ. યૌવનથી સહજ આગળ વધતા તાત્યાસાહેબ અને યૌવનમાં પ્રવેશતો ત્ર્યંબક દિવાસ્વપ્ન નિહાળી રહ્યા. એકાએક ત્ર્યંબકે પૂછયું :

‘મારે યુદ્ધમાં ઊતરવાનું છે?’

‘ના… ના ભાવિ કોઈના હાથમાં નથી; પરંતુ તારું દર્શનજ્ઞાન શ્રીમંતને ઉપયોગી થઈ પડશે.’

પાઠશાળામાં પ્રવેશ કરતાં જ તાત્યાસાહેબે અંગ્રેજ કન્યાને બહાર નીકળતી જોઈ. તાત્યાસાહેબનાં ભવાં ઊંચાં ચડયાં.

કન્યા બોલી :

‘ત્ર્યંબક ! આજે સાંજે ન આવે?’

‘આવીશ.’

કન્યા ઝડપથી ચાલી ગઈ.

તાત્યાસાહેબે પૂછયું :

‘એ કોણ છે?’

‘અહીંના પાદરીની દીકરી.’

‘રુદ્રદત્ત પાદરીને કેમ રહેવા દે છે?’

‘એ બે મિત્રો છે.’

અને રુદ્રદત્ત તાત્યાસાહેબને લેવા સામે આવ્યા.