ભારેલો અગ્નિ/૩ : જૂની મહેમાનગીરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩ : જૂની મહેમાનગીરી

ઉન્નત ગિરિશૃંગોનાં વસનારાં તમે
      ઉતર્યા રંક ઘરે! શો પુણ્ય પ્રભાવ જો
શુષૂષા સારી ના અમને આવડી :
કાન્ત

ગૌતમના પગ સ્થિર થઈ ગયા. કલ્યાણીની પાછળ તારાઓ ચમકતા નહોતા; ત્ર્યંબકની આંખો ચમકતી હતી. પ્રભાતના ઉજાસમાં ત્ર્યંબકનું મુખ બરાબર ઓળખી શકાયું. નિશ્ચલ આંખોમાં કશો બાવ વાંચી શકાતો નહોતો. સૂર્યના તપ્ત નયનો અગ્નિ વરસતાં દેખાય છે. પરંતુ એક કાચમાં નિહાળતાં તે નયનો મૃદુતાભર્યું સપ્તરંગી મેઘધનુષ્ય ચીતરતાં પકડાઈ જાય છે. ગૌતમે ત્ર્યંબકની આંખમાં પણ મેઘધનુષ્યના રંગ ઓળખી કાઢયા.

કલ્યાણી પણ આશ્ચર્ય પામી સ્થિર બની ગઈ. દોડતો ગૌતમ એકાએક અટકી જઈ ટગરટગર કેમ જોયા કરતો હતો? એટલું જ નહિ તે પાછો આવતો હતો! શા માટે? તેણે સહજ પાછળ જોયું. કલ્યાણીએ ત્ર્યંબકને પોતાનાથી સહજ દૂર ઊભેલો જોયો. કલ્યાણી સમજી ગઈ.

ગૌતમે પાસે આવી પૂછયું :

‘ત્ર્યંબક! શું જોયા કરતો હતો?’

‘તારે શી પંચાત?’ ત્ર્યંબકે જવાબ આપ્યો.

‘બળ્યું ગૌતમ! આ શી અદેખાઈ? ત્ર્યંબક તો તારો નાનો ભાઈ છે.’ કલ્યાણી બોલી ઊઠી.

‘હું.’ ગૌતમને ઉદ્ગાર નીકળ્યો.

‘સાથે જ વાગતે બ્યૂગલે ઘોડાઓની ખરીઓના પડઘા સંભળાયા. ગૌતમ પાછો ફર્યો અને ઝડપથી નદી તરફ જવા લાગ્યો. ઓળખીતા લશ્કરીઓ સજ્જ બની આગળ વધવા હુકમની રાહ જોતા હતા. ગૌતમને છુપાઈને નદી તરફ દોડવા માંડયું. નદીનો ઢોળાવ આવતાં જ પીટર્સ તેને સામે મળ્યો. સલામ કરવા ટેવાયેલા સૈનિક ગૌતમની યંત્રની માફક લશ્કરી સલામ થઈ ગઈ. સાથે જ તેને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો.

‘અનિચ્છા છતાં ટેવાયેલું મસ્તક નમે છે!’ તેને વિચાર આવ્યો.

સાહેબે હસીને તેની સલામ ઝીલી; પરંતુ ગૌતમ સાથે વાતચીત કરવાને બદલે તેણે ઘોડાને આગળ લીધો.

‘સાહેબ! આ જ ગૌતમ!’ એક સ્વારે કહ્યું.

‘હરકત નહિ. એને માટે મેં બીજી યુક્તિ ગોઠવી છે.’ પીટર્સને જાહેર કરવું નહોતું કે તેણે ગૌતમને જાણીબૂજી જતો કર્યો છે. આ રીતે ગૌતમ દેખાયો એ તેને ગમ્યું નહિ.

રુદ્રદત્ત કિનારા ઉપર બેસી ધ્યાનમાં લીન બની ગયા હતા. જગતને જીવતું જાગતું રાખવા સત્ત્વને ઈશ્વર કહી તેનામાં જગત્કતૃત્વ કે જગતનિયમનનો ગુણ સ્વીકારીએ, અગર કુદરત કહી તેના સ્વભાવમાં બુદ્ધિજન્ય રચનાશક્તિનું અભાન સ્વીકારીએ તોયે તે સર્વદા ધ્યાનને યોગ્ય તો છે જ. એ તત્ત્વના વિચારમાં માનવીનાં મહા કર્તવ્યો તુચ્છ બની જાય છે. મહાન રાષ્ટ્રોને ઉથલાવી પાડનાર સિકંદર, ચંગીખ કે નેપોલિયન આ મહાતત્ત્વની ગણતરીમાં કયું સ્થાન પામે છે? સમુદ્રકિનારાની આ રેતીમાંના એક કણ સરખું પણ સ્થાન એ શહેનશાહનું નથી. એ તત્ત્વના એક પલકારામાં તો એવા અસંખ્ય શહેનશાહો ઊપજી, વિલય પામી જાય છે.

રુદ્રદત્ત તે તત્ત્વને નિહાળવા-ઓળખવા બેઠા હતા. જગતની તુચ્છ વસ્તુઓ વિસારે પડયા સિવાય એ તત્ત્વ નિહાળી શકાય નહિ અંગ્રેજો હિંદીઓનું ભલું કરશે કે હિંદીઓ અંગ્રેજોનું ભલું કરશે એ પ્રશ્ન અતિ ગૌણ બની ગયો, અને રુદ્રદત્તની આસ્તિક વૃત્તિએ તો માની જ લીધું કે એ તત્ત્વ અંગ્રેજોનું તેમ જ હિંદુઓનું – નહિ ચરાચરનું. ભૂત માત્રનું ભલું કરે છે – કરશે એમ નહિ.

ગુરુને ધ્યાનમાંથી જગાડવાની જરૂર નહોતી. મંગળ પાંડે લશ્કરીઓ સાથે, પીટર્સ સાથે કે ગુરુ સાથે નહોતો. તે પકડાયો નથી એવી ગૌતમને ખાતરી થઈ, પરંતુ તે ક્યાં હશે તેની ચિંતા પણ સાથે થવા લાગી. તેણે સ્નાન કર્યું. નદીના શીતળ વહેતા પાણીએ ગૌતમના મનને પ્રફુલ્લ બનાવ્યું. તેના દેહમાં પણ અવનવી સ્ફૂર્તિ આવી. નદીના પટની વિશાળતા વહી જતા પાણીની મોજભરી ઉદારતા, સૂર્યનું સનાતન હાસ્ય, પંખીઓના કિલકિલાટ તથા રમતાં મોજાંનો મીઠો સ્વર ઝીલતાં રંગીન વાતાવરણની હસમુખી શાંતઃ એ સઘળું ગૌતમને શાંત બનાવી શક્યું. સ્નાન કરી તે પણ ગુરુ પાસે બેઠો. તેણે પણ આંખ મીંચી શાંત નિર્વૈર બની ગયેલા હૃદયે આખા જગત સાથે ઘડીભર એકતા અનુભવી.

એ બળ રુદ્રદત્તના સંકલ્પનું હતું. આંખ ઊઘડી ગયા પછી પણ ગૌતમને તેમના સાંનિધ્યમાં બેસી રહેવું ગમ્યું. શાંત ચિત્ત રાખી તેણે સઘળી સત્ત્વગુણભરી અસરો ઝીલી. ગામની બહાર સૈનિકો નીકળી ગયા. એવું બ્યૂગલના સૂરથી તેણે જાણ્યું; છતાં તેના હૃદયમાં કશી ઉશ્કેરણી થઈ નહિ.

રુદ્રદત્તે આંખ ઉઘાડી. તેમની આંખો અમૃત વરસાવતી હતી. ગૌતમે નમસ્કાર કર્યાં.

‘ગૌતમ! તું ક્યારનો આવ્યો છે?’

‘થોડી વાર થઈ.’

‘મંગળને શોધવા નીકળ્યો હોઈશ.’

‘હા, જી.’

‘એ તો સામે પાર નાસી ગયો.’

‘નાસી ગયો?’

‘હા, મારાથી બીઈને.’

‘આપનાથી બીવાનું કેવું?’

‘હું એના રાજસી સ્વભાવને બદલી નાખીશ એવી તેને બીક લાગી.’

અને એ બીક ખરી નહોતી એમ ગૌતમથી શી રીતે કહી શકાય? હમણાં જ તે કેવું અપૂર્વ શાંત માનસ અનુભવતો હતો? આવા થોડા ઋષિઓ જગતમાં ફરે તો માનવીનાં યુદ્ધો કેટલાં ઘટી જાય? ગૌતમે આગળ કશી વાત કરી નહિ.

વિદ્યાર્થીઓ સામા મળતા રુદ્રદત્તને નમસ્કાર કરી નદી તરફ ઉતાવળા જતા હતા. અને ગૌતમને નિહાળી આશ્ચર્યની છાપ મુખ ઉપર પ્રદર્શિત કરતા હતા. જેની પાછળ આવા ઉત્તેજક બનાવો બને તે વ્યક્તિ નાનકડા વિદ્યાર્થીઓમાં આશ્ચર્ય ઉપજાવે જ.

પાઠશાળા નજીક આવતાં રુદ્રદત્તે અને ગૌતમે જોયું તો એક પાલખી અને ચારપાંચ ઘોડેસવારો દેખાયા. ત્ર્યંબક અને કલ્યાણી પણ બહાર નીકળ્યાં હતાં.

‘કોણ હશે?’ ગૌતમે પૂછયું.

‘ખબર નથી. હમણાં સમજાશે. પણ જો ગૌતમ! તું હવે અહીં રહે તો મારો ભારો ઓછો થાય.’

‘મને તો બહુ ઇચ્છા છે કે અહીં રહું. પરંતુ લશ્કરનું પણ વ્યસન પડી જાય છે અને… અને… મેં મંગળને વચન આપ્યું છે.’

‘શાનું વચન?’

‘કંપની સરકારની સત્તા તોડવાનું.’

‘તે તમે બે શું કરશો?’

‘ધાર્યું છે તે પાર પાડીશું.’

વસ્તી નજીક આવી જવાથી રુદ્રદત્તે આગળ કશી વાત કરી નહિ. રુદ્રદત્તને જોતાં પાલખીમાં બેઠેલો પુરુષ નીચે ઊતર્યો; અર્ધ લશ્કરી પોશાકવાળા સવારો પણ નીચે ઊતર્યાં. પાલખીમાંથી ઊતરતા પુરુષે રુદ્રદત્તને નમસ્કાર કર્યા, તેનું મુખ આકર્ષક હતું; તેની આંખોમાં ચંચળતા અને તીખાશ તરી આવતાં હતાં. સુપ્રમાણ નાક અને સહજ આગળ પડતી હડપચી તેના હૃદયમાં છુપાયેલા અભિમાનને વ્યક્ત કરતાં હતાં. તેણે એક મુત્સદ્દીને છાજે એવો પોશાક પહેર્યો હતો. સૈનિકનું એક પણ ચિહ્ન તેના પોશાકમાં નહોતું. ચંચળ દક્ષિણવાસીની ઉગ્રતા અને ઉત્તરવાસીની સ્થિર મર્દાનગીનું તેનામાં મિશ્રણ દેખાતું હતું.

‘કલ્યાણ થાઓ!’ રુદ્રદત્તે નમસ્કારનો જવાબ આપ્યો.

‘અમે આજનો દિવસ મહેમાન થઈશું.’ નવીન આવનાર પુરુષે કહ્યું.

‘પધારો, પધારો, આપની ઇચ્છામાં આવે ત્યાં સુધી અહીં રહી શકશો. કળજુગના માનવીને નજરે દેખાય એવા દેવ હવે મહેમાનો જ રહ્યા છે. બહેન! ઓસરીમાં બધાની વ્યવસ્થા કરો.’

સવારો બહાર ઊભા રહ્યા. રુદ્રદત્ત મહેમાનને લઈ અંદર ગયા. આગળ કલ્યાણી હતી; પાછળ ગૌતમ અને ત્ર્યંબક આવ્યા. ઓસરીમાં સાદડીઓ અને દર્ભાસનો તો પાથરેલાં જ હતાં. કલ્યાણી એક આસન ઉપર ગાદી પાથરી અને અઢેલવાનો તકિયો ગોઠવ્યો. ગાદીને તકિયો સાદાં અને સ્વચ્છ હતાં.

‘બિરાજો.’ રુદ્રદત્તે કહ્યું.

‘હા જી.’ કહી ગાદી ખાલી રાખીને મહેમાન સાદડી ઉપર જ બેસી ગયા.

‘એમ ન ચાલે; આપ અહીં બિરાજજો.’ રુદ્રદત્તે મહેમાનનો હાથ ઝાલી ગાદી ઉપર બેસાડવા મથન કર્યું.

‘એ સ્થાન તો આપનું – પૂજ્યનું છે; હું અહીં જ ઠીક છું.’ મહેમાને રુદ્રદત્તના પ્રયત્નને નિષ્ફળ કરતાં કહ્યું.

પ્રજાઓની વિશિષ્ટતા તેમની રીતભાતમાં પ્રગટ થાય છે. વય, જ્ઞાન અને સ્થાન પ્રત્યેક યુગમાં અમુક અંશે સભ્યતા માગી લે છે. એ ત્રણેના સ્વીકાર માત્રમાં સહુ સહુની સંસ્કૃતિનું માપ નીકળી આવે છે. હિંદુસ્તાન સભ્ય છે કે અસભ્ય તે હિંદુ-મુસલમાનોની અતિ નાજુક, વિસ્તૃત, લાલિત્યભરી અને પરદેશીઓને નિરર્થક ગૂંચવણભરી લાગતી વિવેકની કલાથી ઝટ સમજાઈ જાય એમ છે. વિવેકની અતિશયતા હોવી એ વિવેકના અભાવ કરતાં સર્વદા સારું છે. મહેમાન અને મેઝબાન-અતિથિ અને ગૃહસ્થનાં વિવેકયુદ્ધ એ હિંદભરનો – એશિયાભરનો દિવ્ય દેખાવ છે; ભલે તેથી અતિશયતા કોઈને હાસ્યજનક લાગતી હોય!

રુદ્રદત્ત મહેમાનથી હાર્યા નહિ. તેમણે મહેમાનને લગભગ ઊંચકી ગાદી ઉપર બેસાડી દીધા. મહેમાનને ગાદી ઉપર બેસવાનું માન ન સ્વીકારવા અનેક મીઠા પ્રયત્નો કર્યા; પરંતુ રુદ્રદત્તના આગ્રહ – શારીરિક આગ્રહ – આગળ તેમનું ચાલ્યું નહિ. રુદ્રદત્ત સરખા વૃદ્ધ પુરુષના શરીરબળથી વિસ્મય બનતા મહેમાને છેવટે અણગતમે મને ગાદી સ્વીકારી. રુદ્રદત્ત સામે બેઠા; પરંતુ તેમના બેસતાં પહેલાં ગુરુનું ગૌરવ જાળવવા ત્ર્યંબકે તેમની બાજઠ તેમની પાસે લાવી મૂકી દીધી હતી. રુદ્રદત્તે કલ્યાણીને કહ્યંૅ :

‘દીકરી! પાણી મૂકી દેજે.’

‘ના. જી. અમે સ્નાન કરીને જ નીકળ્યા છીએ. છતાં નદીએ ફરી નાહી લઈશું.’ મહેમાને જવાબ આપ્યો.

‘રસોઈની સગવડ જલદી કરજે.’

‘મારી સાથે બે બ્રાહ્મણો છે.’

‘ભલે. એ બધાય અહીં જમશે : બ્રાહ્મણ અબ્રાહ્મણ સર્વે.’

‘આપની દીકરીને કે આપને તકલીફ આપવા અમે આવ્યા નથી.’

‘જરૂર પડશે તેની સહાય લઈશું.’

‘આ તો આપના પુત્રના દીકરી, ખરું?’

‘હા, જી.’

‘આપે મને હજી ઓળખ્યો નહિ હોય.’

‘ઓળખીશ. એની શી ઉતાવળ છે?’

‘તે સિવાય આટલી બધી મહેમાનગીરી શાને માટે?’

ઓળખ્યા પછી તો તમે મહેમાન મટી જશો. ઘરના જ બની જશો.’

‘ત્યારે હું અત્યારથી જ ઘરનો બનું. પેશ્વા સરકારનું નામ તો મશહૂર છે જ.’

‘અલબત્ત! નામ હજી ભૂલવા જેટલું જૂનું થયું નથી; અને નાનાસાહેબ તો હજી એ નામને ઉજ્જ્વળ કરતા રહે છે.’

પેશ્વાઈ ગયે ભાગ્યે ચાળીશ વર્ષ થયાં હશે, તોય પેશ્વાઓની સ્મૃતિ હિંદુ જનતાએ જાળવી રાખી હતી. ‘હિંદુપદ પાદશાહી’નું લગભગ ખરું પડેલું સ્વપ્ન ઊડી ગયા છતાં ભુલાયું નહોતું.’

‘એ શ્રીમંત નાનાસાહેબનો હું વકીલ. મારું આડનામ ટેપે. એ મારી અટક.’

‘ત્યારે તો આપ જ તાત્યાસાહેબ?’

‘હા, જી.’

આ વીર મુત્સદ્દીના નામને તુચ્છકારી, તેની અટકને બગાડી, ‘તાત્યા ટોપી’ નામની ઓળખાવનાર આંગ્લ ઇતિહાસકારો હજી તેને ઓળખતા થયા નહોતા; છતાં હિંદી જનતામાં ‘તાત્યાસાહેબ ટોપે’ છેક અજાણ્યા નહોતા. અટકનાં પાણી મહારાષ્ટ્રી અશ્વોને પાઈ તેમની તૃષા છિપાવનાર કલકત્તાના કિલ્લાને તૂટતો અટકાવવા અંગ્રેજોએ ખોદેલી ખાઈને પોતાનું નામ આપનાર મરાઠાઓનાં પૂરે ચારે પાસથી ઓસરી ગયાં અને પેશ્વાઈ જતાં હિંદુસત્તાને ઘૂઘવતો સાગર અદૃશ્ય થઈ ગયો. ઓસરતાં નીરને વચ્ચે વચ્ચે પરાશ્રયની પાળે બાંધ્યા અને કેટકેટલાંક ખાબોચિયાં એ જૂના મહાસાગરની સાક્ષી પૂરતાં રહી ગયાં. એ વહનશક્તિવિહોણાં ખાબોચિયાંને જોડી, વહેતાં કરી, તેમાંથી પાછો પેશ્વાઈનો સાગર વહેતો કરવાની ઇચ્છા ધરાવતા છેલ્લા પેશ્વાઈ પુત્ર નાનાસાહેબ પોતાને – પોતાના પિતાને – મળતું સાલિયાણું પણ ગુમાવી બેઠા હતા. લાખો મહોરોનાં દાન કરનાર પેશ્વાઓના એ છેલ્લા વંશજને રોટલો અપાવવા તાત્યાસાહેબ વકીલ મથન કરી રહ્યા. એ મથનમાં તેજસ્વી મહારાષ્ટ્રીથી વીસરાયું નહિ કે આજનો માગણ એક વખતનો હકદાર માલિક હતો.