ભાષા, સમાજ અને સાહિત્ય/વ્યાકરણનું શિક્ષણ
૭
વ્યાકરણનું શિક્ષણ
ભણેલાં આપણો સૈાનો અનુભવ છે કે નિશાળમાં ભણતી વખતે સૌથી કંટાળાજનક વિષય વ્યાકરણ હતો. મનોવિજ્ઞાન એમ કહે છે કે વ્યાકરણનો કંટાળો દરેક વ્યક્તિને એટલા માટે આવે છે કે તેણે જે કંઈ ભાષાનું માળખું સમાજ પાસેથી મેળવ્યું છે તે આ દૃષ્ટિએ કે તે દૃષ્ટિએ યોગ્ય નથી પરંતુ તેને બદલે આમ હોવું જોઈએ કે આમ છે એમ કહેવામાં આવે છે. બને છે એમ કે જે ટેવોને આદર્શ માનીને તમે પાંચ-સાત વરસ સુધી પૂરી મથામણથી કેળવી હોય છે તે ટેવો યોગ્ય નથી એમ કહેવાતાં પ્રત્યાઘાત જન્મે છે, ભાષાવિજ્ઞાની ભલે એમ કહેતા હોય કે ભાષામાં શુદ્ધ-અશુદ્ધ કે હલકું –ઉચ્ચ જેવું કંઈ હોતું નથી, પણ સમાજમાં તો અમુક પ્રકારની કે સ્તરની ભાષા બોલનારનો સામાજિક-સાંસ્કૃતિક મોભો ઊંચો અને અમુક સ્તરની ભાષા બોલનારનો સામાજિક-સાંસ્કૃતિક મોભો હલકો એમ મનાય જ છે. આ વાસ્તવિકતાનો સ્વીકાર તો ભાષાવિજ્ઞાનીએ પણ કરવો પડવાનો અને એ કારણે સમાજ જેને શિષ્ટ-માન્ય ભાષા ગણતો હોય તે ભાષા બોલવાનો પ્રયત્ન સંપ્રજ્ઞાત –અસંપ્રજ્ઞાતપણે તે ભાષાસમાજના બધા સભ્યો કરવાના. શિષ્ટ-માન્ય ભાષામાં વાગ્વ્યવહાર કરનાર જો કેળવાયેલો ભણેલો–સુસંસ્કૃત અને મોભાદાર ગણાતો હોય તો આમ થવું સ્વાભાવિક છે. ગમે તેટલી ભણેલી કે પૈસાપાત્ર કે સત્તાધારી વ્યક્તિ પણ જો શિષ્ટ-માન્ય ભાષામાં વ્યવહાર ન કરે તો તેની ઠેકડી કરવામાં આવે છે. સમાજમાં મોભો મેળવવામાં દરેક વ્યક્તિ મથતી હોય અને ભાષા એ મોભો મેળવવામાં નડતરરૂપ કે મદદરૂપ છે. એમ જણાતાં મદદરૂપ થાય તેવી ભાષા બોલતાં શીખવા બધાં સ્વાભાવિક રીતે પ્રેરાય. સામાન્ય રીતે ભાષાસમાજમાં જે શિષ્ટ-માન્ય ભાષા મનાતી હોય તેનું વ્યાકરણ લખાતું હોય છે, એટલે ભાષકો એમ માની લે છે કે વ્યાકરણ શીખીએ તો શિષ્ટ-માન્ય ભાષા આવડી જાય. પણ જેમ બીજી ભાષા શીખવામાં તેનું વ્યાકરણ પાછળથી આંશિક રીતે મદદરૂપ થાય એવું જ આમાં પણ બનવાનું. પહેલાં તે। ભાષકને માન્ય ભાષા જ શીખવવી જોઇએ (એટલે કે તેનો વ્યવહારમાં ઉપયોગ કરતાં શીખવવો જોઈએ) અને પછી આંશિક રીતે વ્યાકરણ એમાં મદદરૂપ થાય. જો માત્ર વ્યાકરણના નિયમો જ શીખવી દેવામાં આવે તો તેથી એ નિયમો પ્રમાણેની ભાષા ભાષક બોલશે એમ માની શકાય નહીં. નિસરણી ઉતરનાર વ્યક્તિ નિસરણી ઊતરવાના નિયમો જાણતી હોય તોય એ નિયમોનો ઉપયોગ નિસરણી ઊતરતી વખતે સભાન રીતે કરતો જાય તો નિસરણી ઊતરતાં પડવાની શક્યતા વધારે. આમ છતાં તાલીમના સમય દરમ્યાન નિયમો પણ શીખવાય તો તાલીમ લેવામાં સમયગાળો ઓછો જોઈએ એ બાબત જાણીતી છે એટલે માન્ય ભાષા શીખવામાં પણ વ્યાકરણ આંશિક રીતે ઉપયોગી થાય. વ્યાકરણનો અભ્યાસ મુખ્યત્વે તો ઉપયોગી થઈ શકે વિદ્યાર્થીના ચિત્તને બૌદ્ધિક તાલીમ આપવામાં, વિદ્યાર્થી આઠ-દસ મહિનાનો થયો ત્યારથી ભાષાનો વ્યવહાર કરે છે. એમ પણ કહી શકાય કે એની બધી જ અનુભૂતિઓનું પૃથક્કરણ કરવાની તાલીમ એને ભાષા નામના સાધને પૂરી પાડી છે. હવે અનુભૂતિઓનું પૃથક્કરણ કરવા માટેના સાધનનું પણ પૃથક્કરણ કરવામાં એને વધુ અમૂર્ત રીતે વિચારોને ગ્રહણ કરવાના ન રહે અને છતાં અમૂર્ત વિચારણા કઈ રીતે કરી શકાય તેની તાલીમ એને મળવા માંડે. આ દૃષ્ટિએ પૃથક્કરણની તાલીમ, અમૂર્ત વિચારણાની તાલીમ અને એ રીતે બુદ્ધિના વિકાસ માટેની તાલીમ એને આ અભ્યાસ પૂરો પાડી શકે. ભાષા એ વિદ્યાર્થીનું જાણીતું અને આત્મસાત થયેલું સાધન છે અને એની સાથે કામ પાડવામાં એને રસ પડે એ દૃષ્ટિએ બૌધિક વિકાસની તાલીમ માટે વ્યાકરણના અભ્યાસને મહત્ત્વ આપવામાં આવે તો એ ઘણું મહત્ત્વનું શિક્ષણ બને. આગળ ઉપર ભાષાને એ ભાષાથી દૂર રહીને વસ્તુલક્ષી રીતે જોતાં શીખ્યો હોય તો અન્ય ભાષકોની ભાષા વિશે સૂચનો કરવામાં આ અભ્યાસ એને ઉપયોગી થાય. અન્ય ભાષીને પોતાની ભાષા ભણાવતી વખતે, પોતાની ભાષાના ભાષકને પણ માન્ય ભાષા શીખવતી વખતે, રેડિયો, છાપાં કે સાહિત્યમાં વપરાતી ભાષા ઉપર ટીકા–ટિપ્પણ, સૂચનો કે વિવેચન કરતી વખતે—ટૂંકમાં ભાષાવ્યવહારના પ્રત્યેક સ્તર ઉપર ભાષા વિશે સૂચનો કરી શકે, તેની કામગીરીને તપાસી શકે અને એનું સામાજિક દૃષ્ટિએ મૂલ્ય કેટલું તેને વિશેની માહિતી આપી શકે. આમ વ્યાકરણના અભ્યાસનું પ્રયોજન પ્રાથમિક અને માધ્યમિક શાળાની કક્ષાએ મુખ્યત્વે બૌદ્ધિક વિકાસની તાલીમ આપવા માટેનું અને ઉચ્ચતર શિક્ષણની કક્ષાએ ભાષાશિક્ષણ કે ભાષા સાથે સંકળાયેલ અન્ય વ્યવસાયોમાં પડવા માટેની પૂર્વતૈયારીરૂપે ગણાય. વ્યાકરણના અભ્યાસ માટેનાં આ પ્રયોજનો જો દૃષ્ટિ સમક્ષ રાખવામાં આવે તો વ્યાકરણના આજના અભ્યાસક્રમમાં આમૂલ પરિવર્તન લાવવાનું રહે. દેખીતી રીતે આદેશાત્મક નહીં પરંતુ વર્ણનાત્મક રજૂઆત કરવાની રહે અને પ્રાથમિક-માધ્યમિક કક્ષાએ તો વિદ્યાર્થીઓ માટે ઉદાહરણાત્મક (illustrative) રજૂઆત કરવાની રહે. આ કારણે ભણાવનારા શિક્ષકો માટે એક સળંગ વર્ણનાત્મક વ્યાકરણ તૈયાર કરવાનું રહે જે શિક્ષકપોથી તરીકે ઉપયોગી થાય અને જે પાંચ-છ વરસોમાં વિદ્યાર્થીએ વ્યાકરણ શીખવાનું છે તે વિદ્યાર્થીઓ માટેના અભ્યાસક્રમમાં એક સળંગ ક્રમબદ્ધ, પુનરાવર્તનો વિનાનું ઉદાહરણાત્મક વ્યાકરણ તૈયાર કરવાનું રહે. વિદ્યાર્થી જે પુસ્તક વાંચતો હોય (બને ત્યાં સુધી તો સાહિત્યનાં અને એ ઉપરાંત ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન વ.નાં એના પાઠ્યક્રમનાં જ.) તેમાંથી ઉદાહરણો શેાધી કાઢીને એ વાક્યોમાં વ્યાકરણના કયા નિયમોનો સમાવેશ થયો છે તે બતાવતાં બતાવતાં તેને વ્યાકરણના નિયમો તારવતાં અને એ નિયમો કેવી રીતે પ્રવર્તે છે તે સમજતાં શીખવવું જોઈએ. આમ થાય તો ‘બૌદ્ધિક વિકાસ સાધવાનું’ પ્રયોજન રસિક રીતે પૂર્ણ કરી શકાય. વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રયોજન અને આ પદ્ધતિ સ્વીકારવામાં આવે તો આજનો અભ્યાસક્રમ, તે અભ્યાસક્રમ પ્રમાણે તૈયાર થયેલાં પાઠયપુસ્તકો અને વ્યાકરણની કોઈ પૂર્વ-તાલીમ વિનાના શિક્ષકો નભી શકે નહીં, આજના આ અભ્યાસક્રમે, પાઠ્યપુસ્તકોએ અને શિક્ષકોએ સામાન્ય વિદ્યાર્થીને જ નહીં. પરંતુ આપણા તેજસ્વી અને ઉત્સાહી વિદ્યાર્થીને પણ ગોખણપટ્ટીના રાજમાર્ગ ઉપર મૂકી દીધો છે. શિક્ષક પોતે ઘણી બાબત સમજ્યો જ નથી, પાઠ્યપુસ્તક લખનાર પણ કેટલીક બાબતેમાં ઘણું અસ્પષ્ટ લખે છે અને અભ્યાસક્રમ ઘડનાર પણ ઘણી ગૂંચો એમની એમ રાખે છે એવી સ્થિતિનું આ પરિણામ છે. અભ્યાસક્રમની સ્પષ્ટતા હોય, પાઠયપુસ્તકની પણ ઘણા મોટા પ્રમાણમાં સરળ રજૂઆત હોય અને શિક્ષક ઠીક ઠીક સજ્જ હોય તો ઘણા પ્રશ્નો ઉકેલી શકે. પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ માતૃભાષા તરીકે ગુજરાતીનું વ્યાકરણ ભણાવનારા કેટલા શિક્ષકો વ્યાકરણના ઠીક ઠીક કહી શકાય તેવા જ્ઞાનથી પણ સજ્જ છે. તેનું માપન કરવામાં આવે તો કદાચ આઘાતજનક તારણો મળે. માત્ર ઓપવર્ગોના શિક્ષણથી તો કદાચ વ્યાકરણનું ઉપલકિયું જ્ઞાન આપી શકાય અને એ તો મોટે ભાગે ધૂળ ઉપરનું લીંપણ જ પૂરવાર થશે. પરંતુ બી.એ./બી.એડ્. કે એમ.એ. કક્ષાએ જ્યારે ગુજરાતી વિષય સાથે વિદ્યાર્થી ભણતો હોય ત્યારે જ તેને વ્યાકરણની ચોકસાઈપૂર્વકની તાલીમ આપવી જોઈએ અને એવા વિદ્યાથીઓને જ પાંચમાથી નવમા કે દશમા સુધી વ્યાકરણ ભણાવવાની લાયકાત પ્રાપ્ત થઈ છે તેમ સ્વીકારવું જોઈએ. આ તો થઈ આદર્શોની વાત. આખા ગુજરાતમાં પથરાયેલાં શહેરો, નગરો અને ગામડાંઓની અસંખ્ય નિશાળો અને તેમાં ભણતાં પાંચ-સાત લાખ કરતાંય વધારે બાળકોનો વિચાર કરીએ તો વ્યવહારમાં આ આદર્શ ઉતારવો આપણી આજની સ્થિતિ જોતાં મુશ્કેલ લાગે છે. પ્રશ્ન એ છે કે આપણે અભ્યાસક્રમ આ બધાં જ બાળકો માટે ઘડવા માંગીએ છીએ ખરાં? કહેવામાં આવ્યું તેમ માત્ર ઉત્તમ બાળકોને શીખવનારા સજ્જ શિક્ષકોને જ નજર સામે રાખીને અભ્યાક્રમ ઘડવાનો હોય તો કોઈ વિવાદને અવકાશ નથી. જો કે આપણે વરસોથી એમ જ કરતા આવ્યા છીએ કે અભ્યાસક્રમ ઉત્તમ વિદ્યાર્થીઓને નજર સામે રાખીને ઘડીએ છીએ પણ તે ભણાવીએ છીએ સામાન્ય વિદ્યાર્થીઓને નજર સામે રાખીને અને છેલ્લે કસોટી યોજીએ છીએ ત્યારે તો નબળા વિદ્યાર્થીઓને પણ નજર સામે રાખવાનો આગ્રહ થાય છે. આ પદ્ધતિના શિક્ષણમાં આપણે ત્રણે કક્ષાના વિદ્યાર્થીઓને સરખો અન્યાય કરીએ છીએ એ સ્પષ્ટ છે. આ સ્થિતિ બદલવી હોય તો અન્ય અભ્યાસક્રમોની સાથે વ્યાકરણનો અભ્યાસક્રમ પણ કયા વિદ્યાર્થીઓ માટે કેટલા સજ્જ શિક્ષકો શીખવશે તેની ચોકસાઈ કરી લેવી ઘટે અને પછી જ્યાં વિદ્યાર્થીને વ્યાકરણ કરતાં અન્ય વિષયની જરૂર વધુ હોય ત્યાંની સ્થિતિ પ્રમાણે વ્યાકરણ શીખવવાનો આગ્રહ ન રાખવો જોઇએ. આમ નહીં થાય તો ચીલા ચાલુ પદ્ધતિએ લગભગ બધાં બાળકો માટે વ્યાકરણનો અભ્યાસ વેઠરૂપ બની જશે અને તેને માટેના પૂર્વગ્રહો બંધાઈ જશે; જેથી પૂર્વસ્તાતક કક્ષાએ પણ વ્યાકરણનો અભ્યાસ એક મોટો હાઉ લાગે છે તે સ્થિતિ ચાલુ રહેશે.