મંત્રકવિતા/૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રણજિતરામની પુણ્યસ્મૃતિ અને એમની એક સુંદર કૃતિના અનુસંધાન અને અનુલક્ષ્યમાં આપ સૌ વિદગ્ધોની સાથે આપણા યુગનો સમગ્ર મનુષ્યજીવનના સંદર્ભમાં સમસ્ત મનુષ્યજાતિનો જે મહાપ્રશ્ન છે તે વિશે અને એની સાથેના કવિતાના સંબંધ વિશે સ્વલ્પ સહચિંતન કરું તો મને શ્રદ્ધા છે કે રણજિતરામનો આત્મા પ્રસન્ન થશે. અને આ ચન્દ્રકમાં સુવર્ણ છે એને અલ્પાંશે પણ સાર્થક કરે એવા આ શ્રમ દ્વારા મને આશા છે કે મારું હૃદય કંઈક ઋણમુક્ત થશે. મારા વ્યાખ્યાનનો વિષય છે ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’. યંત્રવિજ્ઞાનમાં કે મંત્રકવિતામાં મારું કોઈ અર્પણ નથી. હું નથી યંત્રકવિજ્ઞાની કે નથી મંત્રકવિ. છતાં આ વિષય પર વ્યાખ્યાન કરવાનું સાહસ કરું છું. કારણ આપ સૌની જેમ હું પણ એક એવા યુગમાં જીવી રહ્યો છું કે જેમાં યંત્રવિજ્ઞાન અકલ્પ્ય ગતિથી અસંખ્ય પરિવર્તનો દ્વારા સમગ્ર મનુષ્યજીવનને એવું તો વ્યાપી વળ્યું છે કે કોઈ પણ ક્ષણે સમસ્ત મનુષ્યજાતિ સમક્ષ જાણે કે જીવન-મૃત્યુ જેવા અંતિમ વિકલ્પો રજૂ કરશે એવો ભય અનુભવી રહ્યો છું. તો સાથે સાથે મંત્રકવિતા આ અંતિમ વિકલ્પોમાં મનુષ્ય માત્રને જે પસંદગી કરવાની રહેશે એમાં સહાયરૂપ થવાનો એનો ધર્મ બજાવશે એવી શ્રદ્ધા અનુભવી રહ્યો છું. એથી ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ પર વ્યાખ્યાન કરવાનું આ સાહસ કરું છું – બલકે એને હું મારું કર્તવ્ય સમજું છું. આરંભે જ વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાન વચ્ચેનો ભેદ સમજી લેવો જરૂરી છે. નહીં તો ભારે ગેરસમજ થવાનો સંભવ છે. વ્યાખ્યાનનો વિષય ‘વિજ્ઞાન અને કવિતા’ નથી, પણ ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ છે. વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાન બે વિભિન્ન વિષયો છે. વિજ્ઞાનનો અંગ્રેજી પર્યાય Science શબ્દ લૅટિન શબ્દ Scire એટલે જાણવું, જ્ઞાન પ્રાપ્ત કરવું–માંથી આવ્યો છે. યંત્રવિજ્ઞાનનો અંગ્રેજી પર્યાય Technology શબ્દ ગ્રીક શબ્દ Techne એટલે કળા, કસબ, કારીગરી, કૌશલ્યમાંથી આવ્યો છે. વ્યાખ્યાથી અને હેતુથી પ્રત્યેક સ્વતંત્ર પ્રક્રિયા છે. બન્નેનો સંબંધ, અલબત્ત, ભૌતિક વિશ્વ સાથેનો, પ્રકૃતિ સાથેનો, પદાર્થો સાથેનો છે. વિજ્ઞાનની પ્રેરણા વિરલ વ્યક્તિની માનસિક-આધ્યાત્મિક જિજ્ઞાસામાં છે. યંત્રવિજ્ઞાનની પ્રેરણા વ્યક્તિમાત્રની, સમાજની શારીરિક-ભૌતિક જરૂરિયાતમાં છે. ભૌતિક વિશ્વનું, પ્રકૃતિનું, પદાર્થોનું નિરીક્ષણ એ વિજ્ઞાનની પ્રક્રિયા છે. અને એ દ્વારા મનન-ચિંતન-દર્શન, discovery એ વિજ્ઞાનનો હેતુ છે. ભૌતિક વિશ્વનું, પ્રકૃતિનું, પદાર્થોનું પરિવર્તન એ યંત્રવિજ્ઞાનની પ્રક્રિયા છે. અને એ દ્વારા કૃત્રિમ પદાર્થોનું સર્જન, invention અને સ્થળાંતર એ યંત્રવિજ્ઞાનનો હેતુ છે. વિજ્ઞાન એ જ્ઞાનયોગ છે, એમાં અનાસક્તિ છે. યંત્રવિજ્ઞાન એ ક્રમયોગ છે, એમાં ફળની આસક્તિ છે. વિજ્ઞાન એ Homo Sapiensની, Vatesની, ઋષિની પ્રવૃત્તિ છે, અનુભૂતિ છે. યંત્રવિજ્ઞાન એ Homo faberની, Artifexની, કર્મયોગીની પ્રવત્તિ છે, કૃતિ છે. વિજ્ઞાન એ આધ્યાત્મિક અનુભવ છે. યંત્રવિજ્ઞાન એ ભૌતિક અનુભવ છે. સાપેક્ષતાવાદ વિજ્ઞાન છે. ઍટમ બૉમ્બ યંત્રવિજ્ઞાન છે. આઇન્સ્ટાઇન વિજ્ઞાની છે. ઓપનહાઈમર યંત્રવિજ્ઞાની છે. વિજ્ઞાન ફિલસૂફી, ધર્મ, સાહિત્યમાં પ્રભાવ પાડે છે. યંત્રવિજ્ઞાન અર્થકારણ, રાજકારણ, સમાજકારણમાં પ્રભાવ પાડે છે. યુગોથી સવિશેષ ગ્રીક સંસ્કૃતિના યુગમાં, વિજ્ઞાને યંત્રવિજ્ઞાનની ઉપેક્ષા કરી છે, પણ આધુનિક યુગમાં વિજ્ઞાન યંત્રવિજ્ઞાનસર્જિત યંત્રોની સહાય લે છે. આદિયુગથી યંત્રવિજ્ઞાને મુખ્યત્વે ‘પ્રયોગ અને ભૂલ’ની પદ્ધતિથી વિકાસ કર્યો છે. પ્રાગ્-ઐતિહાસિક યુગોમાં તો લિપિ, ગ્રંથ, મુદ્રણ આદિને અભાવે યંત્રવિજ્ઞાનને વિત્રાનની સહાય હતી જ નહીં. પણ ઐતિહાસિક યુગથી ક્યારેક ક્યારેક અને આધુનિક યુગમાં વારંવાર યંત્રવિજ્ઞાનને વિજ્ઞાનની સહાય છે. આમ, હવે વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાન અન્યોન્યની નિકટ આવ્યાં છે, પરસ્પરાવલંબી થયાં છે. એથી બન્ને વચ્ચેનો ભેદ કંઈક ભૂંસાયો છે. વળી કેટલાક વિચારકો તો એમ પણ માને છે કે ભવિષ્યમાં આ ભેદ સાવ જ ભૂંસાશે છતાં આજે પણ વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાન એ વિભિન્ન વિષયો છે. વ્યાખ્યાથી અને હેતુથી પ્રત્યેક સ્વતંત્ર પ્રક્રિયા છે અને હંમેશાં રહેશે. વિજ્ઞાન-Science શબ્દનો પહેલવહેલો ઉપયોગ ૧૯મી સદીના આરંભમાં વિલિયમ વ્હૅવૅલ નામના અંગ્રેજે કર્યો હતો. યંત્રવિજ્ઞાન-Technology શબ્દનો પહેલવહેલો ઉપયોગ ૧૭૭૨માં જોહાન બૅખમાન નામના જર્મને કર્યો હતો. યંત્રવિજ્ઞાન વિજ્ઞાનનું પુરોગામી છે – બલકે અતિપ્રાચીન છે. મનુષ્યની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિના સ્તબક અને સમય વિશે વિજ્ઞાનીઓ હજુ સર્વસંમત નથી પણ આજ લગીમાં – સવિશેષ આ દસકામાં – જે અવશેષો પ્રાપ્ત થયા છે એને આધારે એવું અનુમાન થયું છે કે સાતેક કરોડ વર્ષ પૂર્વે Lemurમાંથી Primates–મનુષ્યસમાન પ્રાણીઓ–અસ્તિત્વમાં આવ્યાં હશે. પછી દોઢેક કરોડ વર્ષ પૂર્વે Primatesમાંથી Hominids અસ્તિત્વમાં આવ્યાં હશે. પછી સાડા સત્તર લાખ વર્ષ પૂર્વે Hominidsમાંથી Homo habilis અસ્તિત્વમાં આવ્યાં હશે. પછી દસેક લાખ વર્ષ પૂર્વે Homo erectus અસ્તિત્વમાં આવ્યાં હશે. આરંભમાં તો કેટલાંયે લાખ વર્ષ લગી મનુષ્ય પણ અન્ય પ્રાણીઓની જેમ હાથ, પગ અને હૈયું લઈને આ પૃથ્વી પર ભમ્યો- ભટક્યો હશે. પણ પછી પાંચેક લાખ વર્ષ પૂર્વે જે ક્ષણે મનુષ્યે પ્રથમ વાર હાથથી પથ્થર ઊંચક્યો હશે તે ક્ષણે એ Homo faber – યંત્રવિજ્ઞાની થયો હશે. એ ક્ષણે યંત્રવિજ્ઞાનનો જન્મ થયો હશે. ત્યારથી પ્રત્યેક મનુષ્ય, મનુષ્યમાત્ર યંત્રવિજ્ઞાની છે. અને માત્ર માનુષ્ય જ યંત્રવિજ્ઞાની છે. અન્ય સૌ જીવો-વાનર આદિ મનુષ્યસમાન પ્રાણીઓ સુધ્ધાં – પ્રકૃતિદત્ત પદાર્થો પર જીવે છે. એકમાત્ર મનુષ્ય જ પ્રકૃતિદત્ત પદાર્થોનું સતત પરિવર્તન કરે છે અને એ દ્વારા કૃત્રિમ પદાર્થોનું સતત સર્જન અને સ્થળાંતર કરે છે. મનુષ્યનાં શરીરની અને મગજની વિશિષ્ટ રચના અને શક્તિને કારણે મનુષ્ય મનુષ્ય થયો છે, મનુષ્ય યંત્રવિજ્ઞાની થયો છે. અન્ય સૌ કારણોની સાથે સાથે આ યંત્રવિજ્ઞાનને કારણે મનુષ્ય અન્ય જીવોથી જુદો છે મનુષ્ય મનુષ્ય છે. મનુષ્યની ઉત્તરોત્તર ઉત્ક્રાંતિને કારણે યંત્રવિજ્ઞાન અને/અથવા યંત્રવિજ્ઞાનને કારણે મનુષ્યની ઉત્તરોત્તર ઉત્ક્રાંતિ એવો કાર્યકારણ સંબંધ યોજી શકાય. પ્રકૃતિની વિકૃતિને કારણે સંસ્કૃતિ અને/અથવા સંસ્કૃતિને કારણે પ્રકૃતિની વિકૃતિ એવો કાર્યકારણ સંબંધ પણ યોજી શકાય. આમ, યંત્રવિજ્ઞાન–ઉત્ક્રાંતિ–સંસ્કૃતિ એવું સમીકરણ યોજી શકાય. આ યંત્રવિજ્ઞાન એટલે સીધાસાદા ત્રણ ગુજરાતી શબ્દોમાં કહેવું હોય તો અન્ન, વસ્ત્ર અને ઓટલો. પાંચેક લાખ વર્ષ પૂર્વેની કોઈ એક ક્ષણે વન કલ્પો, એની વચમાં વસતો મનુષ્ય કલ્પો, ફળ-માંસ, વલ્કલ-ચર્મ અને ગુફા-વન પર નભતો મનુષ્ય કલ્પો; અને આ ક્ષણે ન્યૂયૉર્ક નગર નિહાળો, એની વચમાં વસતો મનુષ્ય નિહાળો, અન્ન, વસ્ત્ર અને ઓટલો – ભૂમિ, સમુદ્ર અને આકાશમાં અસંખ્ય કૃત્રિમ પદાર્થો પર નભતો મનુષ્ય નિહાળો; યંત્રવિજ્ઞાનની અનંત સિદ્ધિ અને અસીમ સમૃદ્ધિનો પલકવારમાં પરિચય થશે. મનુષ્ય ફળાહારી-માંસાહારી, વલ્ક્લધારી-ચર્મધારી, ગુફાવાસી-વનવાસી હતો. એમાંથી પછી અન્નાહારી, વસ્ત્રધારી, ગૃહવાસી-ગ્રામવાસી-નગરવાસી થયો. આમ, યંત્રવિજ્ઞાનનો પાંચેક લાખ વર્ષનો અખૂટ અતૂટ ઇતિહાસ છે. અંગ્રેજ કવિ વિલિયમ કુપરે આ સમગ્ર ઇતિહાસ એક જ કાવ્યપંક્તિમાં આલેખ્યો છે, ‘God made the country and man made the town’ (પ્રભુએ રચ્યું વન અે મનુષ્યે રચ્યું નગર). વિવિધ સમયમાં અને વિવિધ સ્થળમાં વિવિધ સાધનો અને યંત્રો, વિવિધ શક્તિઓ અને શાસ્ત્રો, વિવિધ વાહનો અને તંત્રો દ્વારા યંત્રવિજ્ઞાનનો અનંત વિકાસ અને અસીમ વિસ્તાર થયો છે. એમાં મનુ,્યનો પરમ પુરુષાર્થ પ્રગટ થાય છે. યંત્રવિજ્ઞાન એ મનુષ્યના શાશ્વત કર્મયોગનું મહાકાવ્ય છે. યંત્રવિજ્ઞાનની અગણિત વિવિધતામાં અને અપરિમેય વિપુલતામાં મનુષ્યનું સાહસ અને સ્વપ્ન પ્રગટ થાય છે. મનુષ્યની મહત્તા અને મહત્ત્વાકાંક્ષા પ્રગટ થાય છે. યંત્રવિજ્ઞાનનો ઇતિહાસ એટલે મનુષ્યનાં યંત્રવિજ્ઞાનનો શૌર્ય અને વીર્યનો, સ્થૈર્ય અને ધૈર્યનો ઇતિહાસ. ઇતિહાસ એક રસિક અને રોમાંચક ઇતિહાસ છે. વિદ્વાનોએ એક ગ્રંથાલય થાય એટલા ગ્રંથોમાં આ અદ્ભુત અને આશ્ચર્યસભર ઇતિહાસ આલેખ્યો છે. યંત્રવિજ્ઞાનનો આ ઇતિહાસ કાર્યકારણની ચિત્રવિચિત્ર લીલા છે અંગ્રેજીમાં કહેવત છે, ‘Necessity is the mother of invention’. જરૂરિયાત શોધની જનેતા છે.) આગળ કહ્યું તેમ યંત્રવિજ્ઞાનની પ્રેરણા વ્યક્તિમાત્રની, સમાજની શારીરિક-ભૌતિક જરૂરિયાતમાં છે. જરૂરિયાત કારણ છે, યંત્રવિજ્ઞાન કાર્ય છે. પણ ક્યારેક – આપણા યુગમાં એટલે કે સંદેશાવ્યવહારનાં સામૂહિક માધ્યમોના, ‘પ્રચ્છન્ન પ્રચારકો’ના, ‘વાસનાની વ્યૂહરચના’ના યુગમાં છે તેમ–યંત્રવિજ્ઞાન કારણ હોય છે, જરૂરિયાત કાર્ય હોય છે. આમ, ક્યારેક કહેવતનું શીર્ષાસન થાય છે, ‘Invention is the mother of necessity’ (શોધ જરૂરિયાતની જનેતા છે.) વળી આગળ કહ્યું તેમ યંત્રવિજ્ઞાન અર્થકારણ, રાજકારણ, સમાજકારણ પર પ્રભાવ પાડે છે. યંત્રવિજ્ઞાન કારણ છે; અર્થકારણ, રાજકારણ, સમાજકારણ કાર્ય છે. પણ ક્યારેક – મધ્યયુગમાં હતું તેમ – અર્થકારણ, રાજકારણ, સમાજકારણ કારણ હોય છે, યંત્રવિજ્ઞાન કાર્ય હોય છે, ક્યારેક યંત્રવિજ્ઞાનને કારણ ગણ્યું હોય ત્યારે કદાચને એ કાર્ય હોય અને યંત્રવિજ્ઞાનને કાર્ય ગણ્યું હોય ત્યારે કદાચને એ કારણ હોય તો વળી ક્યારેક યંત્રવિજ્ઞાન એક સાથે કારણ અને કાર્ય બન્ને હોય. યંત્રવિજ્ઞાનનો આ ઇતિહાસ પરિવર્તન, સર્જન અને સ્થળાંતરની એક અખંડ પરંપરા છે. આગળ કહ્યું તેમ યંત્રવિજ્ઞાન ભૌતિક વિશ્વનું, પ્રકૃતિનું, પદાર્થોનું પરિવર્તન કરે છે અને એ દ્વારા કૃત્રિમ પદાર્થોનું સર્જન અને સ્થળાંતર કરે છે. યંત્રવિજ્ઞાનની આ પ્રક્રિયા કોઈ કાળમાં, સંસ્કૃતિ યુગ પૂર્વે અને ઔદ્યોગિક યુગ પછી થયું હતું તેમ, ત્વરિત ગતિથી થાય છે તો કોઈ કાળમાં, સંસ્કૃતિ યુગથી ઔદ્યોગિક યુગ લગી થયું હતું તેમ, મંદ ગતિથી થાય છે. યંત્રવિજ્ઞાનની આ પ્રક્રિયા ક્યારેક આ સ્થળમાં થાય છે તો ક્યારેક તે સ્થળમાં થાય છે, તો વળી ક્યારેક આ અને તે સ્થળમાં એકસાથે થાય છે યંત્રવિજ્ઞાનની આ પ્રક્રિયા ક્યાંક ક્યારેક આ સ્વરૂપમાં કે પ્રકારમાં થાય છે, તો ક્યાંક ક્યારેક તે સ્વરૂપમાં કે પ્રકારમાં થાય છે, તો વળી ક્યાંક ક્યારેક આ અને તે એટલે કે અનેક સ્વરૂપમાં કે પ્રકારમાં એકસાથે થાય છે. પણ એની એક અખંડ પરંપરા છે. એક પરિવર્તન, સર્જન અને સ્થળાંતર થાય છે અને એને જ કારણે અન્ય પરિવર્તન, સર્જન અને સ્થળાંતર થાય છે અને એમ એક પછી અન્ય એમ અનંત પરિવર્તન, સર્જન અને સ્થળાંતર થાય છે. યંત્રવિજ્ઞાનની આ પ્રક્રિયાને અંત જ નથી. જ્યાં લગી આ પૃથ્વી પર મનુષ્યનું અસ્તિત્વ છે ત્યાં લગી યંત્રવિજ્ઞાનનું અસ્તિત્વ છે. મનુષ્યનો અંત આવે તો યંત્રવિજ્ઞાનનો અંત આવે. અને યંત્રવિજ્ઞાનના કેટલાક માર્મિક અભ્યાસીઓ કહે છે કે યંત્રવિજ્ઞાનનો અંત આવે તો મનુષ્યનો પણ અંત આવે. એથી મનુષ્યે યંત્રવિજ્ઞાન વિના ચલાવવું એમ કહેવું એ મનુષ્યે મનુષ્ય થયા વિના ચલાવવું એમ કહેવા બરાબર છે. વળી આગળ કહ્યું તેમ અન્ય સૌ કારણોની સાથે સાથે આ યંત્રવિજ્ઞાનને કારણે મનુષ્ય અન્ય જીવોથી જુદો છે, મનુષ્ય મનુષ્ય છે. એથી યંત્રવિજ્ઞાનનો, ૧૯મી સદીમાં ઇંગ્લંડમાં Luddites – લડાઇટ્સે કર્યો હતો તેમ, તિરસ્કાર કરવો, અસ્વીકાર કરવો, પ્રતિકાર કરવો અર્થહીન છે. તો યંત્રવિજ્ઞાનનો અંત આવે, યંત્રવિજ્ઞાન અદૃશ્ય થાય એમ ઇચ્છવું એ વળી એથીયે વધુ અર્થહીન છે. યંત્રવિજ્ઞાનનો આ ઇતિહાસ મનુષ્યનાં શરીર અને મગજનું ક્રમેક્રમે ઉત્તરોત્તર વધુ ને વધુ અનુસંધાન છે. આગળ કહ્યું તેમ મનુષ્યનાં શરીરની અને મગજની વિશિષ્ટ રચના અને શક્તિને કારણે મનુષ્ય મનુષ્ય થયો છે મનુષ્ય યંત્રવિજ્ઞાની થયો છે. વળી યંત્રવિજ્ઞાનની પ્રેરણા વ્યક્તિ માત્રની, સમાજની શારીરિક-ભૌતિક જરૂરિયાતમાં છે એથી યંત્રવિજ્ઞાનના કેન્દ્રમાં મનુષ્યનું શરીર – સવિશેષ બે અવયવો હાથ અને પગ તથા બે ઇન્દ્રિયો આંખ અને કાન – તથા મગજ છે. પાંચેક લાખ વર્ષ પૂર્વે યંત્રવિજ્ઞાનનો જન્મ થયો એ ક્ષણથી આ ક્ષણ લગીમાં મનુષ્યે યંત્રવિજ્ઞાન દ્વારા એનાં શરીર અને મગજનું અદ્ભુત અને આશ્ચર્યસભર અનુસંધાન સિદ્ધ કર્યું છે. યંત્રવિજ્ઞાન મનુષ્યનાં શરીર અને મગજનું વિશ્વરૂપ છે. જોકે આ ક્ષણે પણ આ પૃથ્વી પર ક્યાંક ને ક્યાંક પથ્થર ઊંચકવાના સરળમાં સરળ અને સર્વપ્રથમ યંત્રવિજ્ઞાનથી માંડીને આ ક્ષણ લગીનું પ્રત્યેક સ્વરૂપ કે પ્રકારનું યંત્રવિજ્ઞાન અસ્તિત્વમાં છે અને હંમેશા રહેશે. આ ક્ષણે મનુષ્યે એના હાથનું લ્યુનાખોડમાં, એના પગનું રૉકેટમાં, એની આંખનું ટેલિવિઝનમાં, એના કાનનું રેડિયોમાં અને એના મગજનું કમ્પ્યૂટરમાં અનુસંધાન સિદ્ધ કર્યું છે. એ દ્વારા એણે અકલ્પ્ય ગતિ સિદ્ધ કરી છે. આ બન્ને – અનુસંધાન અને ગતિ દ્વારા એણે સ્થળ અને કાળ પર કંઈક વિજય સિદ્ધ કર્યો છે. વળી ભવિષ્યમાં મનુષ્ય વધુ ને વધુ સ્વરૂપ કે પ્રકારનું વધુ ને વધુ યંત્રવિજ્ઞાન; વધુ ને વધુ ભૌતિક વિશ્વનું, પ્રકૃતિનું, પદાર્થોનું વધુ ને વધુ પરિવર્તન; વધુ ને વધુ કૃત્રિમ પદાર્થોનું વધુ ને વધુ સર્જન અને સ્થળાંતર; ભૂમિ, સમુદ્ર અને આકાશમાં યંત્રવિજ્ઞાનનો વધુ ને વધુ વિકાસ અને વધુ ને વધુ વિસ્તાર, શરીર અને મગજનું વધુ ને વધુ અનુસંધાન, વધુ ને વધુ ગતિ અને સ્થળ અને કાળ પર વધુ ને વધુ વિજય સિદ્ધ કરશે. છેલ્લી એકાદ સદીમાં મનુષ્યે વિજ્ઞાન દ્વારા એનાં શરીર અને નગજનાં અનેક રહસ્યોનું જે અપૂર્વ દર્શન કર્યું છે અને ભવિષ્યમાં હજુ વધુ ને વધુ દર્શન કરશે એની સહાયથી મનુષ્ય એનાં શરીર અને મગજનું વધુ ને વધુ અનુસંધાન જ માત્ર નહીં પણ પરિવર્તન પણ સિદ્ધ કરશે અને ભવિષ્યમાં વધુ ને વધુ પરિવર્તન દ્વારા અંતે કેટલાક યંત્રવિજ્ઞાનીઓ કહે છે તેમ મનુષ્ય કદાચ એનાં શરીર અને મગજનું પૂર્ણત્વ અને અમરત્વ પણ સિદ્ધ કરશે. યંત્રવિજ્ઞાનના આ ઇતિહાસનું રહસ્ય છે મનુષ્ય મનુષ્ય વચ્ચેનો સહકાર, યુગોના યુગો લગીનો જાણ્યે-અજાણ્યે, ઔપચારિક-અનૌપચારિક સહકાર; અને વળી એથીય વિશેષ તો મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેનો સહકાર. પ્રકૃતિ છે તો મનુષ્ય છે. પ્રકૃતિ નહિ તો મનુષ્ય નહીં. પ્રકૃતિ પુરોગામી છે. મનુષ્ય અનુગામી છે. આઇન્સ્ટાઇનેે એમની લાક્ષણિક માર્મિકતાથી કહ્યું છે, is ‘God subtle, but he is not malicious’ (ઈશ્વર સૂક્ષ્મ છે, પણ દુષ્ટ નથી) પ્રકૃતિ એનાં રહસ્યો, અલબત્ત મનુષ્ય જો અને જ્યારે પ્રકૃતિ વિષે સાચો પ્રશ્ન પૂછે તો અને ત્યારે જ ઉત્તર રૂપે, પ્રગટ કરે છે અને એથી જ વિજ્ઞાન-યંત્રવિજ્ઞાન શક્ય થાય છે પ્રકૃતિદત્ત પદાર્થો છે તો મનુષ્ય એનું પરિવર્તન કરે છે અને કૃત્રિમ પદાર્થોનું સર્જન અને સ્થળાંતર કરે છે. આમ, યંત્રવિજ્ઞાનનો, એના અસ્તિત્વ અને ઇતિહાસનો આધાર પ્રકૃતિ પર છે. અતિ પ્રાચીન, પ્રાગ્-ઐતિહાસિક, પ્રાકૃત મનુષ્ય માટે પ્રકૃતિ પવિત્ર હતી, પૂજનીય હતી, એથી મનુષ્ય સર્વોપરી ન હતો. પ્રકૃતિ સર્વોપરી હતી. પ્રાચીન સંસ્કૃતિઓના યુગમાં ઈશ્વર અથવા દેવદેવીઓ સર્વોપરી હતાં, મનુષ્ય સર્વોપરી ન હતો. શિષ્ટ સંસ્કૃતિઓના યુગમાં દેવ અથવા દેવદેવીઓ સર્વોપરી હતા, મનુષ્ય સર્વોપરી ન હતો. વળી આ યુગોમાં પ્રકૃતિમાં, પ્રકૃતિના સૌ પદાર્થોમાં આત્માઓ વસે છે એવું Animism–આત્મારોપણવાદનું દર્શન હતું. એથી પ્રકૃતિ સર્વોપરી હતી, મનુષ્ય સર્વોપરી ન હતો. પણ હવે પછી કંઈક વિગતે જોઈશું તેમ, મધ્યયુગમાં અને સવિશેષ તો પુનરુત્થાનયુગમાં મનુષ્યના ધાર્મિક, બૌદ્ધિક અને સાંસ્કૃતિક-આર્થિક, રાજકીય, સામાજિક – જીવનમાં મહાન પરિવર્તન થયું. મનુષ્યને સમગ્ર જીવનનું એક નવું જ દર્શન થયું અને સાથે સાથે વિજ્ઞાન-યંત્રવિજ્ઞાનમાં પણ એટલો જ મહાન વિકાસ થયો. આ સમય જીવનદર્શન અને વિજ્ઞાન-યંત્રવિજ્ઞાનનો પરસ્પર પ્રભાવ પડ્યો, પરિણામે આ વિશ્વમાં ઈશ્વર, દેવદેવીઓ, દૈવ અને પ્રકૃતિ સર્વોપરી નથી પણ પોતે સર્વોપરી છે, સર્વશ્રેષ્ઠ છે, Scala Naturae – વિશ્વક્રમમાં, ઇચ્ચાવચતાક્રમમાં સર્વોચ્ચ છે, Great Chain of Being – જીવનની મહાસાંકળની અંતિમ કડી છે એમ મનુષ્ય સભાન થયો. અને ઉત્તરોત્તર, સવિશેષ તો યંત્રવિજ્ઞાનની વધુ ને વધુ સિદ્ધિ, વૃદ્ધિ અને સમૃદ્ધિને કારણે વધુ ને વધુ સભાન થયો. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ડાર્વિનના ઉત્ક્રાંતિવાદમાં મનુષ્યની આ સભાનતાની પરાકાષ્ઠા છે. ડાર્વિનના પ્રસિદ્ધ શબ્દો ‘Struggle for existence’ (જીવનસંઘર્ષ) અને ‘Survival of the fittest’ (ઉત્તમોનો ઉગારો)ને કારણે ડાર્વિનને અભિપ્રેત નહીં એવા હર્બર્ટ સ્પૅન્સર આદિના સમગ્ર વિશ્વમાં સહકાર, સહઅસ્તિત્વ અને સંવાદ નહીં પણ સત્તા, સ્પર્ધા અને સંઘર્ષ છે એવા સામાજિક ડાર્વિનવાદમાં આ સભાનતાની વિકૃતિ છે. આ વિકૃતિનો મનુષ્ય મનુષ્ય વચ્ચે, વર્ગ વર્ગ વચ્ચે, જાતિ જાતિ વચ્ચે, સમાજ સમાજ વચ્ચે, સંસ્કૃતિ સંસ્કૃતિ વચ્ચે સત્તા, સ્પર્ધા અને સંઘર્ષ છે એવો ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ભૌતિકવાદીઓની સંસ્કૃતિમાં એટલે કે એમના અર્થકારણમાં, રાજકારણમાં અને સમાજકારણમાં વિકાસ અને વિસ્તાર થયો એ આ વિકૃતિની પરાકાષ્ઠા છે. આ વિકૃતિ આજે પણ અસ્તિત્વમાં છે. તો સાથે સાથે છેલ્લી એકાદ સદીથી વિજ્ઞાને – જીવવિજ્ઞાને, પદાર્થવિજ્ઞાને, રસાયણવિજ્ઞાને એક નવું દર્શન સિદ્ધ કર્યું છે. જીવ, જંતુ અને વનસ્પતિની, મનુષ્ય સુધ્ધાંની સૃષ્ટિમાં ભલે સત્તા, સ્પર્ધા અને સંઘર્ષ હોય છતાં મનુષ્યત્વે એમાં સહકાર, સહઅસ્તિત્વ અને સંવાદ છે અને એ જ આ સૃષ્ટિ ટકી રહી છે એનું રહસ્ય છે. પદાર્થોની સૃષ્ટિમાં જડ અને ચેતન એકમેકમાં રૂપાંતર પામી શકે છે અને એ જ આ સૃષ્ટિ, સમગ્ર ભૌતિક વિશ્વનું અણુએ અણુ ચૈતન્યમય છે એનું રહસ્ય છે અને સૌ જીવ, જંતુ, વનસ્પતિ, પદાર્થો, મનુષ્ય સુધ્ધાં વાતાવરણની સાથે એક છે, ઓતપ્રોત છે, વાતાવરણથી અભિન્ન છે, અવિચ્છિન્ન છે. વિજ્ઞાનનું આ દર્શન એ અખિલાઈનું, સમગ્રતાનું દર્શન છે. આ અખિલાઈમાં, સમગ્રતામાં કોઈ રહસ્યમય સતત સમુત્ક્રાંતિશીલ, સર્જનશીલ અંતસ્તત્ત્વ છે – ભલે એનું નામ ઈશ્વર ન હોય – જે આ અખિલાઈનો, સમગ્રતાનો આધાર છે. આ વિશ્વમાં મનુષ્ય ભલે સર્વોપરી, સર્વશ્રેષ્ઠ, સર્વોચ્ચ હોય પણ એ આ વિશ્વનો, સમગ્રતાનો, અખિલાઈનો એક અંતર્ગત અંશ છે. મનુષ્ય આ વિશ્વમાં આગંતુક નથી. મનુષ્ય આ વિશ્વમાંથી જ ઉત્પન્ન થયો છે અને ઉત્ક્રાન્ત થયો છે. વિશ્વથી, પ્રકૃતિથી નિરપેક્ષ એવું એનું સ્વતંત્ર, આગવું, નિજી કોઈ અસ્તિત્વ કે જીવન જ નથી, હોઈ જ ન શકે. વળી આ વિશ્વમાં મનુષ્ય જો સર્વોપરી, સર્વશ્રેષ્ઠ, સર્વોચ્ચ હોય તો આ વિશ્વ – જીવ, જંતુ, વનસ્પતિ, પદાર્થો–માં, પ્રકૃતિમાં સત્તા, સ્પર્ધા અને સંઘર્ષ હોય તો પણ આ વિશ્વ – જીવ, જંતુ, વનસ્પતિ, પદાર્થો – સાથેના, પ્રકૃતિ સાથેના એના સંબંધમાં તો સહકાર, સહઅસ્તિત્વ અને સંવાદની જ અપેક્ષા રહે છે, પશુમાં હોય છે તેમ એક સહજ વૃત્તિ તરીકે નહીં, પણ મનુષ્યમાં હોવું ઘટે તેમ એક સંપ્રજ્ઞાત મૂલ્ય તરીકે અપેક્ષા રહે છે, ઓછામાં ઓછું મનુષ્ય મનુષ્યની વચ્ચે સત્તા, સ્પર્ધા અને સંઘર્ષ તો ન જ હોય; પણ સહકાર, સહઅસ્તિત્વ અને સંવાદ જ હોય એટલી સૂઝસમજની અપેક્ષા રહે છે. વિજ્ઞાને આ નવું દર્શન પ્રત્યક્ષ પ્રયોગોથી સિદ્ધ કર્યું છે. ઋષિઓને અને યોગીઓને, સંતોને અને કવિઓને આ દર્શન આંતરસૂઝથી સદાય સુલભ હતું. વિજ્ઞાનનું આ નવું દર્શન એ Symbiosis અને Ecology દર્શન છે. ફિલસૂફી, ધર્મ અને કવિતાની ભાષામાં અદ્વૈતનું, ઐક્યનું, પ્રેમનું, વસુધૈવ કુટુમ્બકમ્‌નું, એકનીડમ્‌નું દર્શન છે. છેલ્લી એકાદ સદીના વિજ્ઞાનનું આ નવું દર્શન એ ભવિષ્યના વિજ્ઞાનની, યંત્રવિજ્ઞાનની અને સંસ્કૃતિ-અર્થકારણ, રાજકારણ, સમાજકારણ-ની સંજીવની છે. અત્યારે અહીં આ દર્શનનું એક દર્શન તરીકે મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કર્યો. હવે પછી અન્યત્ર, આ વ્યાખ્યાનના અંતભાગમાં યંત્રવિજ્ઞાનિક મનુષ્ય, યંત્રવૈજ્ઞાનિક સમાજ, યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિ, યંત્રવૈજ્ઞાનિક યુગના વ્યાપક સંદર્ભોમાં એનું મૂલ્યાંકન કરવાનો કંઈક પ્રયત્ન કરીશું.