મંત્રકવિતા/૩
યંત્રવિજ્ઞાનનો પાંચેક લાખ વર્ષનો ઇતિહાસ. એમાં અનેક નાનીમોટી ક્રાંતિઓ. મનુષ્યે જે ક્ષણે હાથથી પથ્થર ઊંચક્યો એ ક્ષણે એના પોતાનામાં જે શક્તિ હતી એની એટલે કે મનુષ્યશક્તિની શોધ. એ મનુષ્યની પ્રથમ શોધ. પછી અગ્નિશક્તિની શોધ. આ અગ્નિશક્તિની શોધથી મનુષ્ય પશુથી હંમેશનો અલગ થયો. પછી પશુપાલન દ્વારા પશુશક્તિની શોધ. અન્નની શોધ અને હળ-ચક્ર આદિ યંત્રો-સાધનોની શોધ તથા પવનશક્તિની શોધ અને જલશક્તિની શોધ. પરિણામે દસેક હજાર વર્ષ પૂર્વે યંત્રવિજ્ઞાનના ઇતિહાસમાં પ્રથમ મહાન ક્રાંતિ – કૃષિક ક્રાંતિ-નો જન્મ થયો. એનો વિકાસ અને વિસ્તાર થતાં કૃષિમનુષ્ય, કૃષિસમાજ, કૃષિસંસ્કૃતિ, કૃષિયુગ અસ્તિત્વમાં આવ્યાં. પાંચેક હજાર વર્ષ પૂર્વે આફ્રિકા અને એશિયામાં નાઇલ, યુફ્રેટીસ, ટાઈગ્રીસ, સિન્ધુ અને યાંગ્સે – પંચનદીના તટ પર ઇજિપ્તની, મૅસોપોટેમીઆની, ભારતની અને ચીનની પ્રાચીન સંસ્કૃતિઓનું, ત્યાર પછી યુરોપમાં ગ્રીસની અને રોમની શિષ્ટ સંસ્કૃતિઓનું અને ત્યાર પછી મધ્યયુગમાં અને પુનરુત્થાનયુગમાં મધ્યપૂર્વ – એટલે કે પશ્ચિમ એશિયાની અને પશ્ચિમ યુરોપની મધ્યકાલીન અને અર્વાચીન સંસ્કૃતિઓનું સર્જન થયું. બસો વર્ષ પૂર્વે વરાળ-શક્તિની શોધ અને એન્જિન – વરાળયંત્રની શોધ. પરિણામે ઇંગ્લંડમાં ૧૭૬૦માં યંત્રવિજ્ઞાનના ઇતિહાસમાં દ્વિતીય મહાન ક્રાંતિ – ઔદ્યોગિક ક્રાંતિ–નો જન્મ થયો એનો વિકાસ અને વિસ્તાર થતાં ઔદ્યોગિક મનુષ્ય, ઔદ્યોગિક સમાજ, ઔદ્યોગિક સંસ્કૃતિ, ઔદ્યોગિક યુગ અસ્તિત્વમાં આવ્યાં. આ ઔદ્યોગિક ક્રાંતિને કારણે આ ક્રાંતિ પૂર્વેના નિકટના ભૂતકાળના સમયમાં અને આ ક્રાંતિ પછીના સમયમાં યંત્રવિજ્ઞાનનો ઇતિહાસ એટલે ઉદ્યોગનો, યંત્રોદ્યોગનો ઇતિહાસ, ઉત્પાદનનો, ઉત્પાદનનાં સાધનોનો ઇતિહાસ, વ્યાપારનો, આયાત-નિકાસનો ઇતિહાસ, નફાખોરી અને સત્તાખોરીનો ઇતિહાસ. પૂર્વેની નાનીમોટી સૌ ક્રાંતિઓથી, કૃષિક ક્રાંતિ સુધ્ધાંથી, આ ઔદ્યોગિક ક્રાંતિ એનાં પ્રકાર, સ્વરૂપ અને પ્રમાણને કારણે તથા એની ગતિ અને સાર્વભૌમિકતાને કારણે અનોખી છે, અદ્વિતીય છે; યંત્રવિજ્ઞાનના ઇતિહાસમાં યંત્રવિજ્ઞાનની પ્રથમ પરાકાષ્ઠારૂપ છે. કૃષિક ક્રાંતિના કેન્દ્રમાં અન્ન હતું, કૃષિ હતી. એમાં મનુષ્ય મુખ્યત્વે કૃષિપ્રધાન હતો. એમાં વસ્ત્ર અને ઓટલો એટલે કે ઉદ્યોગ હતો, પણ તે ગૌણ હતો. અને તે પણ હસ્તઉદ્યોગ, ગૃહઉદ્યોગ, ગ્રામઉદ્યોગ, લઘુઉદ્યોગ હતો. ઔદ્યોગિક ક્રાંતિના કેન્દ્રમાં વસ્ત્ર અને ઓટલો (તથા ઉપયોગની, ઉપભોગની અનંત સામગ્રી) એટલે કે ઉદ્યોગ છે બલકે – અસંખ્ય ઉદ્યોગો છે; અને આ ઉદ્યોગોનું યંત્રીકરણ થયું છે એથી યંત્રઉદ્યોગો છે, આ ઉદ્યોગો કારખાનાંઓમાં, નગરોમાં કેન્દ્રિત છે એથી નગરઉદ્યોગો છે, મહાન ઉદ્યોગો છે. એમાં મનુષ્ય મુખ્યત્વે ઉદ્યોગપ્રધાન, યંત્રઉદ્યોગપ્રધાન છે. એમાં અન્ન એટલે કે કૃષિ છે, પણ તે ગૌણ છે અને તે પણ એનાં સાધનો અને તંત્રો તથા પદ્ધતિઓ અને વ્યાપારવાણિજ્યની વ્યવસ્થાઓ એ યંત્રઉદ્યોગોનાં સાધનો અને તંત્રો તથા પદ્ધતિઓ અને વ્યાપારવાણિજ્યની વ્યવસ્થાઓનાં જ અનુસરણો, અનુકરણો છે એથી ક્રમે ક્રમે ઉદ્યોગ બની ગયો છે. કૃષિઉદ્યોગ. અને કૃષિઉદ્યોગનું પણ યંત્રીકરણ થયું છે એથી કૃષિયંત્રઉદ્યોગ. આ ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ ઇંગ્લંડમાં ૧૭૬૦માં એટલે કે એક નાનકડા ટાપુમાં માત્ર બસો વર્ષ પૂર્વે જ થયો છે પણ એની વરાળ, વિદ્યુત, તેલ વાયુશક્તિઓ; એનાં એન્જિન આદિ યંત્રો, એનાં રસ્તાઓ, પુલો, નહેરો, મોટરગાડી, આગગાડી, આગબોટ, વિમાન, તાર, ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન આદિ વાહન અને સંદેશાવ્યવહારોનાં સાધનો; એનાં આર્થિક, રાજકીય, સામાજિક તંત્રો – આ સૌ વિશિષ્ટ સંદર્ભોને કારણે અકલ્પ્ય ગતિથી એનો વિપુલ વિકાસ થયો છે અને સદી, અર્ધીસદીમાં યુરોપ, અમેરિકા, એશિયાનાં મહાન રાષ્ટ્રોમાં એનો અનંત વિસ્તાર થયો છે, અત્યારે અર્ધવિકસિત, અલ્પવિકસિત રાષ્ટ્રોમાં એનો વિસ્તાર થતો જાય છે એથી એ વિશ્વવ્યાપી છે, સાર્વભૌમ છે. ઔદ્યોગિક ક્રાંતિની પૂર્વે યંત્રવિજ્ઞાનના ઇતિહાસમાં જે અનેક નાનીમોટી ક્રાંતિઓ જન્મી છે એની વિગતો સુલભ નથી, કારણ કે એ ક્રાંતિઓને જન્મ આપનાર મનુષ્યશક્તિ, પશુશક્તિ, પવનશક્તિ, જલશક્તિ, અગ્નિ, અન્ન આદિ શક્તિઓની શોધ અને હળ, ચક્ર આદિ સાધનો – યંત્રોની શોધ કોણે, ક્યાં, ક્યારે, કેમ કરી એની વિગતો સુલભ નથી. જ્યારે આ ઔદ્યોગિક ક્રાંતિની સૌ વિગતો સુલભ છે. ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ ઇંગ્લંડમાં ૧૭૬૦માં થયો અને અન્ય સ્થળે કે અન્ય સમયે ન થયો એનું કારણ એ છે કે એક માત્ર ઇંગ્લંડમાં જ એને અનુકૂળ પૂર્વભૂમિકા હતી. ઇંગ્લેડની મધ્યયુગની અને પુનરુત્થાનની ધાર્મિક, બૌદ્ધિક, સાંસ્કૃતિક – આર્થિક, રાજકીય, સામાજિક – પરંપરાઓ; વૈજ્ઞાનિક – યંત્રવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ અને ભૌગોલિક પરિસ્થિતિ એ ઔદ્યોગિક ક્રાંતિની પૂર્વભૂમિકા છે. આ પૂર્વભૂમિકા સાથે ઇંગ્લંન્ડમાં ૧૭૬૦ની આસપાસ વરાળશક્તિની શોધ અને એન્જિનની શોધ થતાં વરાળયંત્રનું સર્જન થયું. એથી ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ ઇંગ્લંન્ડમાં ૧૭૬૦માં થયો. ઔદ્યોગિક ક્રાંતિ એ સમસ્ત યુરોપના અને ઇંગ્લંન્ડના મધ્યયુગના અને પુનરુત્થાનયુગના સમગ્ર જીવનદર્શનનો, સર્વતોમુખી પરિવર્તનનો એક અંતર્ગત અંશ છે – બલકે કહો કે એની પરાકાષ્ઠા છે. આ યુગોમાં મનુષ્ય વિશેની, પ્રકૃતિ વિશેની, મનુષ્ય અને પ્રકૃતિના સંબંધ વિશેની સમજમાં આમૂલ પરિવર્તન થયું. એકાદ હજાર વર્ષથી સમસ્ત યુરોપ પર સેંટ ઑગસ્ટાઈનનો પ્રબળ પ્રભાવ હતો. ‘Go not out of doors. Return into thyself, In the inner man dwells the truth.’ – ‘બહિર્મુખ નહીં, અંતર્મુખ થા. સત્ય તારા આત્મામાં વસે છે.’ એવો એમનો આદેશ હતો એથી સમસ્ત યુરોપ અંતર્મુખ હતું, પરલોકપરાયણ હતું. મધ્યયુગમાં પૂર્વના આહ્વાનના પ્રતિકાર રૂપે, ઇસ્લામ સાથેના સંઘર્ષને કારણે ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન થયું. એમાં નવું જીવનદર્શન પ્રગટ થયું. આ વિશ્વ એ પરમેશ્વરનું સર્જન છે અને પરમેશ્વર એના સર્જનમાં – વિશ્વમાં – વ્યાપ્ત છે. પરમેશ્વરે એનું સર્જન-વિશ્વ, મનુષ્યને ભેટ ધર્યું છે. મનુષ્યે એનો ઉપભોગ કરવાનો છે. મનુષ્યે વિશ્વ પર સત્તા ભોગવવાની છે. આ નવું જીવનદર્શન બાઇબલના ઓલ્ડ ટેસ્ટામેન્ટના જીવનેસિસ ૧ઃ ૨૮માં ‘Be fruitful, and multiply, and replenish the earth, and subdue it.’ – ‘સફળ થા, અને સમૃદ્ધ થા, અને પૃથ્વીને સભર કર, અને એને પરાજિત કર.’ એવા પરમેશ્વરના વચનમાં પ્રગટ થયું છે. આ જીવનદર્શનથી અને આ પરિવર્તનથી હવે સમસ્ત યુરોપ બહિર્મુખ થયું, ઇહલોકપરાયણ થયું. પ્રાકૃત મનુષ્ય માટે પ્રકૃતિ પવિત્ર હતી, પૂજનીય હતી. ગ્રીક સંસ્કૃતિમાં, પ્રકૃતિમાં, પ્રકૃતિના સૌ પદાર્થોમાં આત્માઓ વસે છે એવું Animism – આત્મારોપણવાદનું દર્શન હતું એથી મનુષ્ય સર્વોપરી ન હતો, પ્રકૃતિ સર્વોપરી હતી. પણ મધ્યયુગમાં ખ્રિસ્તી ધર્મનું આ પરિવર્તન, આ નવું જીવનદર્શન તો એવું હતું કે એમાં આ વિશ્વ એ પરમેશ્વરનું સર્જન છે અને પરમેશ્વર એના સર્જનમાં-વિશ્વમાં વ્યક્ત થાય છે. પરમેશ્વર અને એનું સર્જન-વિશ્વ બુદ્ધિજન્ય છે, બુદ્ધિગમ્ય છે. આઇન્સ્ટાઇનેે કહ્યું છે, ‘God does not play at dies with the universe.’ – ‘પરમેશ્વર વિશ્વની સાથે જુગાર ખેલતો નથી.’ બુદ્ધિ દ્વારા, જ્ઞાન દ્વારા પરમેશ્વરનો અને એના સર્જનનો-વિશ્વનો-પ્રકૃતિનો પાર પામી શકાય છે અને એ દ્વારા વિશ્વ પર, પ્રકૃતિ પર સત્તા ભોગવી શકાય છે. એથી હવે પ્રકૃતિ સર્વોપરી ન રહી, મનુષ્ય સર્વોપરી થયો. ગ્રીક સંસ્કૃતિના Animism–આત્મારોપણવાદના જીવનદર્શનને સ્થાને ખ્રિસ્તી ધર્મના આ Rationalism–બુદ્ધિવાદના જીવનદર્શનને કારણે યુરોપ હવે બુદ્ધિવાદી થયું, જ્ઞાનપરાયણ થયું. રોમન સામ્રાજ્યના પતન અને પરાજ્ય પછી યુરોપમાં અજ્ઞાનનો અંધકાર હતો. એમાં હવે જ્ઞાનનો પ્રકાશ થયો. આ જ્ઞાન એટલે જ્ઞાન ખાતર જ્ઞાન નહીં, આ જ્ઞાન એટલે ગ્રીક સંસ્કૃતિનું મનન-ચિંતનનું જ્ઞાન નહીં, આ જ્ઞાન એટલે ખ્રિસ્તીધર્મનું અંતર્મુખ, પરલોકપરાયણ દર્શનનું જ્ઞાન નહીં, આ જ્ઞાન એટલે આધ્યાત્મિક જ્ઞાન નહીં. આ જ્ઞાન એટલે ભૌતિક વિશ્વ વિશેનું, પ્રકૃતિ વિશેનું ભૌતિક જ્ઞાન. આ જ્ઞાન એટલે શક્તિ, ભૌતિક શક્તિ. આ જ્ઞાન એટલે વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાન. આ જ્ઞાન એટલે ભૌતિક શક્તિ દ્વારા ભૌતિક વિશ્વ સાથે, પ્રકૃતિ સાથે સંઘર્ષ અને સ્પર્ધા અને અંતે ભૌતિક વિશ્વ પર, પ્રકૃતિ પર, પ્રકૃતિના સૌ પદાર્થો પર મનુષ્યની સત્તા, આ જ્ઞાન દ્વારા બિનસાંપ્રદાયિકતાવાદ અને માનવતાવાદનો આરંભ થયો. બૅકને કહ્યું છે, ‘The end of our foundation is the knowledge of causes, and the secret of things, and the enlarging of the bonds of human empire to the effecting of all things possible.' કારણો વિશેનું જ્ઞાન, વિશ્વનાં રહસ્યો વિષેનું જ્ઞાન, અને વિશ્વના સૌ પદાર્થોના પરિવર્તન દ્વારા મનુષ્યના સામ્રાજ્યની સીમાઓનો વિસ્તાર એ આપણા જીવનની ચરિતાર્થતા છે.’ બૅકનના આ શબ્દોની સમસ્ત યુરોપ પર ભારે જાદુઈ અસર હતી. આ જીવનદર્શનમાં અને આ પરિવર્તનમાં ધાર્મિક ક્ષેત્રના પ્રતિભાપુરુષો અને એમની પ્રવૃત્તિઓનું પરોક્ષ અને બૌદ્ધિક ક્ષેત્રના પ્રતિભાપુરુષો અને એમની પ્રવૃત્તિઓનું પ્રત્યક્ષ અર્પણ હતું. આ જીવનદર્શન અને આ પરિવર્તનનો સાર એક જ વાક્યમાં આપવો હોય તો, ‘Man is the measure of all things.’—મનુષ્ય છે માપ સમગ્ર વિશ્વનું. ખ્રિસ્તી ધર્મને ઇતિહાસનું ભૂતકાળ અને ભવિષ્યકાળનું, વર્તુલાકાર નહીં પશુ રેખાકાર પરિમાણ છે. એથી પ્રગતિને મહિમા થયો, સમયનું મૂલ્ય થયું. એથી ગતિનો મહિમા થયો, કર્મમાત્રનું ગૌરવ થયું, ગરીબો અને ગુલામો પરમેશ્વરનાં સંતાનો છે એથી એમનું ગૌરવ થયું. રૅફર્મેશને અને પ્રોચેસ્ટેટાનિઝમે ચર્ચની અને પોપની સત્તાને આહવાન કર્યું. માર્ટિન લ્યુથરના લ્યુથેરીઆનિઝમે ભૌતિક કર્મ, એની અનિવાર્યતાને કારણે, મહિમા કર્યો. જહોન કાલ્વીનના કાલ્વીનીઝમે કેવળ ભૌતિક કર્મનો જ નહીં પણ ભૌતિક કર્મના ફળરૂપ ભૌતિક સફળતાનો, પરમેશ્વરની કરુણા રૂપે, મોક્ષના અધિકારના પ્રતીક રૂપે, મહિમા કર્યો. પ્યુરિટાનિઝમે વ્યક્તિવાદને, નૈતિક મૂલ્ય રૂપે, મહિમા કર્યો. આ સર્વના સરવાળે સમસ્ત યુરોપમાં રાજ્યની, રાષ્ટ્રની સત્તાનો અને મૂડીવાદની સત્તાનો આરંભ થયો, ગરીબોએ અને ગુલામોએ આ એમનો શ્રમ રાજ્યને, રાષ્ટ્રને અને મૂડીવાદને ચરણે ધર્યો અને સમસ્ત યુરોપ કર્મપરાયણ થયું. મધ્યયુગમાં જ્ઞાનની સાધના-ઉપાસના અથે પ્રથમ ઇટલીમાં અને પછી યુરોપમાં અન્યત્ર અને ઇંગ્લંડમાં ઑક્સફર્ડ – કૅમ્બ્રિજમાં યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી. ઑક્સફર્ડનો – સ્નાતક અને ફ્રાન્સિસ્કન ફાયર રોજર બૅકન આ જ્ઞાન-વિજ્ઞાનયુગનો વૈતાલિક હતો. એણે અજ્ઞાનની ગાઢ નિદ્રામાં પોઢેલી મનુષ્યજાતિને ઢંઢોળીને કહ્યું, ‘Look at the world! – વિશ્વનું નિરીક્ષણ કરો!’ એણે નિષ્ક્રિય મનુષ્યોને એરિસ્ટોટલના ગ્રંથની પૂજા કરવા ઉપરાંત યંત્રવિજ્ઞાનના પ્રયોગ કરવાનું કહ્યું. એણે મોટરગાડી, આગગાડી, આગબોટ અને વિમાન શક્ય છે એવી ઔદ્યોગિક ક્રાંતિ પછીના યંત્રવિજ્ઞાનની સિદ્ધિઓ વિશેની આ ભવિષ્યવાણીનું ઉચ્ચારણ કર્યું. જર્મનીમાં ગુટનબર્ગે અને પછી ઇંગ્લંડમાં કેક્સ્ટને મુદ્રણયંત્ર દ્વારા જ્ઞાનનો પ્રસાર અને પ્રચાર કર્યો. – કૉપરનિકસે અને ગેલિલીઓએ આકાશ વિશેનું, ક્રિસ્ટોફર કોલંબસ, વા દ ગામા, પ્રથમ પૃથ્વી પ્રદક્ષિણા કરનાર ફર્ડિનાન્ડ મેગેલન, ફ્રાન્સિસ ડ્રેઈક, વૉલ્ટર રાલે આદિએ સમુદ્ર વિશેનું અને માર્કોપોલોએ ભૂમિ વિશેનું જ્ઞાન સિદ્ધ કર્યું. સમુદ્રનો માર્ગ સ્થળાંતર માટે ખૂલી ગયો. એથી maritime world-સમુદ્રમાર્ગી જગત અસ્તિત્વમાં આવ્યું. જ્ઞાન-વિજ્ઞાન-યંત્રવિજ્ઞાન અને કળાને અદ્વિતીય સર્જક લિયોનાર્ડો દ વિન્ચી આ યુગની સર્વતોમુખી પ્રતિભાનું સર્વશ્રેષ્ઠ પ્રતીક છે. રૉજર બૅકનના વારસ પ્રસિદ્ધ અંગ્રેજ નિબંધકાર ફાન્સિસ બૅકને ‘The Advancement of Learning '-જ્ઞાનની પ્રગતિમાં ‘Knowledge is Power'—જ્ઞાન એ શક્તિ છે, સત્તા છે એવું દર્શન અને ‘New Atlantis'-નૂતન સુવર્ણ દ્વારિકામાં એક આદર્શ વૈજ્ઞાનિક અને યંત્રવૈજ્ઞાનિક સમાજ અને સંસ્કૃતિનું સ્વપ્ન પ્રગટ કર્યું. બૅકન આધુનિક પ્રાયોગિક વિજ્ઞાનનો, યંત્રવિજ્ઞાનનો પિતા છે – ઍરિસ્ટોટલની deductive – નિગમન પદ્ધતિની વિરુદ્ધ નિરીક્ષણ, અનુમાન, પ્રયોગ, સિદ્ધાન્ત અને પ્રમાણની inductive-આગમન પદ્ધતિનો, વૈજ્ઞાનિક પદ્ધતિનો પ્રણેતા છે. આ વૈજ્ઞાનિક પદ્ધતિ એ બૅકનની મનુષ્યજાતિને મહાન અમૂલ્ય ભેટ છે. ‘New Atlantis'માં એક વિભાગ છે, ‘The House of Salomon’–સલોમનનું ઘર. એમાં ‘Twelve Fellows’-બાર સભ્યો છે. આ સભ્યો Merchants of light’-પ્રકાશના વ્યાપારી છે. અને તેઓ ‘a trade for light, God's first creuture, to give light, I say, of the growth of all parts of the world’–‘સમસ્ત વિશ્વના વિકાસની પ્રકાશ અર્થે, પરમેશ્વરના પ્રથમ સજનશા પ્રકાશ અર્થે વ્યાપાર કરે છે.’ બૅકને એમાં વિજ્ઞાનીઓ અને યંત્રવિજ્ઞાનીઓનું મિલન, વૈજ્ઞાનિક પદ્ધતિએ જ્ઞાનની પ્રાપ્તિ અને જ્ઞાન દ્વારા મનુષ્યજાતિનું કલ્યાણ એમ ત્રિવિધ આદર્શ પ્રગટ કર્યો છે. ઑક્સફર્ડમાં ૧૬૬૦ના નવેમ્બરની ૨૮એ (અને રાજ્યાશ્રયથી લંડનમાં ૧૬૬૨ના જુલાઈની ૧૫મીએ) ‘The Royal Society' – ધ રૉયલ સોસાયટી સ્થાપવામાં આવી. એમાં બૅકનનું ‘The House of Salomonનું સ્વપ્ન સાકાર થયું, એનો ત્રિવિધ આદર્શ મૂર્ત થયો. એમાં બેતાલીસ જેટલા પ્યુરિટન – ધાર્મિક-સભ્યો સહિત કુલ અડસઠ જેટલા gentlemen-scientists-સજ્જન-વિજ્ઞાનીઓ સભ્યો હતા. એમાં ‘Two Cultures’—બે સંસ્કૃતિઓ-નો સંપૂર્ણ સંવાદ સિદ્ધ થયો હતો. એમાં ધાર્મિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક ક્ષેત્રના તે સમયના પ્રસિદ્ધ બુદ્ધિજીવીઓ હતા. એમાં પૅપીસ અને ઍવૅલીન જેવા વાસરિકાલેખકો અને ગદ્યકારો તથા ડ્રાયડન જેવા મહાન કવિ પણ સભ્ય હતા. ‘All things mathematical, philosophical, mechanical’—ગણિત, ફિલસૂફી, યંત્રના સૌ પ્રશ્નો, જ્ઞાન-વિજ્ઞાન-યંત્રવિજ્ઞાનથી માંડીને અર્થશાસ્ત્ર અને વ્યાપાર લગીના સૌ બૌદ્ધિક પ્રશ્નોમાં એમને તીવ્ર રસ હતો. એના નામાભિધાનમાં જ ‘for the Promotion of Natural Knowledge’–ભૌતિક જ્ઞાનના વિકાસ અર્થે-એવો સ્પષ્ટ હેતુ હતો. ‘the recovering of all such allowable arts and manufactures as are lost, the improvement of all useful arts, manufactures, mechanical practices, engines and inventions' – વિસ્મૃત કળા કારીગરીનો ઉદ્ધાર અને સૌ ઉપયોગી કળા, કારીગરી, યાંત્રિક પદ્ધતિઓ, યંત્ર અને યાંત્રિકસર્જનોની સુધારણા–એવું એનું કાર્યક્ષેત્ર હતું. આ મહાન સંસ્થા ‘an enterprise for the benefit of human life by the advancement of real knowledge'. સાચા જ્ઞાનની પ્રગતિ દ્વારા મનુષ્યજીવનના કલ્યાણ અર્થેનું સાહસ હતું. પરિણામે ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ, થરમોમીટર, બૅરોમીટર, કંપાસ, ક્લૉક આદિ સાધનો અને ગાણિતિક સંજ્ઞાઓ, લૉગેરીથમ્સ, કૅલક્યુલસ આદિ શાસ્ત્રોનું સર્જન થયું. આ સાધન અને શાસ્ત્રો દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિએ, ભૌતિક વિશ્વને, પ્રકૃતિને, એના સૌ પદાર્થોને માપવાનું, તોલવાનું, ગણવાનું, જાણવાનું, સમજવાનું શક્ય થયું. અણુથી માંડીને બ્રહ્માંડના સર્વતોમુખી અભ્યાસનો આરંભ થયો. અનેક રહસ્યોનાં ઉદ્ઘાટનો, ભૌતિક વિશ્વ, પ્રકૃતિ અને એના સૌ પદાર્થો વિશેનાં સિદ્ધાન્તો, નિયમો, સમીકરણો સિદ્ધ થયાં. વૈજ્ઞાનિક પદ્ધતિના પ્રભાવમાં ટૉમસ હૉબ્સે એની ફિલસૂફીમાં ભૌતિકવાદને અને જ્હૉન લૉકે એની ફિલસૂફીમાં અનુભવવાદને તથા એના અનુગામીઓ જ્યૉર્જ બર્કલી, ડેવિડ હ્યુમ, વૉલ્તૅર આદિએ એમની ફિલસૂફીમાં બુદ્ધિવાદને પુરસ્કાર કર્યો. હૉબ્સે ૧૬૫૧માં ‘Leviathan’-મહામત્સ્ય-માં મનુષ્યનાં સર્વ કર્મોનું પરમ અને ચરમ સાર્થક્ય શક્તિમાં, સત્તામાં છે એવું ભૌતિકવાદી જીવનદર્શન પ્રગટ કર્યું છે. રૉજર બૅકને ‘વિશ્વનું નિરીક્ષણ કરો!’ એમ કહ્યું પછી લગભગ ચારસો વષે ઇંગ્લંડના આ બૌદ્ધિક પરાક્રમ અને પુરુષાર્થની પરાકાષ્ઠા રૂપે ૧૬૮૭માં મહાન–કદાચને વિશ્વના સૌથી મહાન – વિજ્ઞાની ન્યૂટને ‘Principia Mathematica' – ગાણિતિક સિદ્ધાન્ત–માં ગુરુત્વાકર્ષણના સિદ્ધાન્તમાં વિશ્વનું કાર્યકારણસંબંધથી સુલિષ્ટ અને સુસંચાલિત એવા એક ભવ્યવિરાટ યંત્ર રૂપે દર્શન કર્યું. ન્યૂટન ‘ધ રૉયલ સોસાયટી’નો પ્રમુખ હતો. ન્યૂટનની વૈજ્ઞાનિક પ્રતિભા એ સૈદ્ધાંતિક વિજ્ઞાનની પ્રતિભા હતી. એની આ પ્રતિભાના પ્રભાવથી એના પ્રમુખપદે ‘ધ રોયલ સોસાયટી’ના બૅકનની પરંપરાના પ્રાયોગિક વિજ્ઞાનને સ્થાને સૈદ્ધાતિક વિજ્ઞાનને સ્થાપ્યું. ત્યારથી ‘ધ રૉયલ સોસાયટી' પ્રાયોગિક વિજ્ઞાન પ્રત્યે ઉપેક્ષા દ્વારા ઉદાસીન રહી. ‘ધ રૉયલ સોસાયટી’ની પૂર્તિ રૂપે અને કંઈક અંશે એના વિકલ્પ રૂપે ઇંગ્લંન્ડમાં ૧૭૫૨-૧૭૮૧ની વચમાં અનેક ‘Learned Societies' –વિદ્વદ્સંસ્થાઓ અને ‘Scientific Societies of laymen’-બિનવૈજ્ઞાનિકોની વૈજ્ઞાનિક સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. આ સંસ્થાઓએ પ્રાયોગિક વિજ્ઞાનનો, યંત્રવિજ્ઞાનનો મહિમા કર્યો. એમાં મુખ્યત્વે વ્યાપારીઓ અને યંત્રવિજ્ઞાનીઓ સભ્યો હતા. શરાફો, વકીલ, ઇજનેરો, અમલદારો, સજ્જને સ્ત્રીઓ સુધ્ધાં–ને એમાં રસ હતો. વ્યાખ્યાને, વાચનાલયો, સામયિકો, પુરસ્કારો, પ્રયોગશાળાઓ આદિ એમની પ્રવૃત્તિઓ યંત્રવિજ્ઞાનીઓ અને પ્રજાજનો વચ્ચે સેતુ સમાન હતી. એમાંની એક મુખ્ય સંસ્થા તે બર્મિન્ગહામની ‘The Lunar Society' – ધ લ્યુનર સોસાયટી – પ્રતિમાસ પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રના પ્રકાશમાં કોઈ પણ એક સભ્યના નિવાસસ્થાને. – ભજનસમયે વધુમાં વધુ દસ સભ્યોનું અનૌપચારિક મિલન થતું હતું. કવિતા, ધર્મ, કળા, રાજકારણ, સંગીત, વિજ્ઞાન વિશે એમને પરસ્પર સંવાદ, વાર્તાલાપ થતો હતો. આ સ-સ્વાભાવિક જ The Lunatics–પાગલો-ને નામે પ્રસિદ્ધ હતા. એમાંને એક સભ્ય તે જેઈમ્સ વૉટ. વૉટ ગ્લાસગો યુનિવર્સિટીને ‘philosophical instrument maker' – વૈજ્ઞાનિક સાધનોનો કારીગર હતો. એના ગ્રાહકોમાં બે અધ્યાપકે જ્હોન ઍન્ડરસન અને જોસેફ બ્લૅંક હતા. એન્ડરસને બૅટને ન્યૂકમનનો ‘The Miner's Friend'–ખાણિયાનો મિત્ર–ને નામે પ્રસિદ્ધ ફાયરપમ્પ સુધારવા આપ્યો. વૉટે બ્લૅંકના પ્રચ્છન્ન ઉષ્ણતા-latent-heat-ના સિદ્ધાન્તની સહાયથી અને ૧૭૬૫ના વસંતના એક રવિવારની સાંજની કેાઈ એક શુભ ક્ષણે ગ્લાસગો ગ્રીન પરથી પસાર થતાં ‘I had not walked further than the Golf House when the whole thing was arranged in my mind, the waste of heat could he avoided by keeping the cylinder at steam-heat and condensing the steam in a separate boiler.’ – ‘હું ગોલ્ફ હાઉસથી આગળ નહોતો ગયો ને મારા મનમાં બધું બેસી ગયું. સિલિન્ડરને વરાળની ઉષ્ણતા જેટલી ઉષ્ણતાએ રાખવાથી અને વરાળને સ્વતંત્ર બોઈલરમાં પૂરવાથી ઉણુતાને દુર્વ્યય ટાળી શકાય છે.’ – એ સહજ સ્ફુરણાથી સ્ટીમએન્જિન – વરાળયંત્રનું સર્જન કર્યું. બૅકનના સમયથી મનુષ્યનું શક્તિ, સત્તા વિશેનું જે સ્વપ્ન હતું તે વરાળમાં સાકાર થયું અને ન્યૂટનના સમયથી મનુષ્યનું યાંત્રિકતા, યંત્ર વિશેનું જે દર્શન હતું તે એન્જિન, યંત્રમાં મૂર્ત થયું. મનુષ્યના આ સ્વપ્ન અને આ દર્શનનું મિલન સ્ટીમ-એન્જિનમાં, વરાળયંત્રમાં થયું. આ સ્ટીમ એન્જિન વરાળયંત્રથી યંત્રવિજ્ઞાનના ઇતિહાસમાં યંત્રવિજ્ઞાનની પ્રથમ પરાકાષ્ઠારૂપ ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ થયો અને ઔદ્યોગિક આ મનુષ્ય, ઔદ્યોગિક સમાજ, ઔદ્યોગિક સંસ્કૃતિ, ઔદ્યોગિક યુગનો આરંભ થયો. સ્ટીમ-એન્જિન – વરાળયંત્ર એ ઔદ્યોગિક ક્રાંતિનું પ્રતીક છે. વૉટે વરાળયંત્રનું સર્જન નહીં પણ પુનઃસર્જન કર્યું એમ કહેવું જોઈએ. ઈ. સ. પૂર્વે ૨૦૦થી ઈ. સ. ૩૦૦ની વચમાં એટલે કે દોઢ-બે હજાર વર્ષ પૂર્વે ઍલેક્ઝાન્ડ્રીઆમાં હીરોએ પ્રથમ વરાળયંત્રનું સર્જન કર્યું હતું. (પછી ૧૭મી સદીમાં ઇટલીમાં દ કોસ, ગૅલિલિયો, તેરીસેલી આદિએ સ્ટીમ-એન્જિનના સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું હતું. ૧૯૧૯માં ઇટલીમાં બ્રાન્કાએ અને ૧૭૦૬માં ફ્રાન્સમાં પાપેએ સ્ટીમ-એન્જિનનું અર્ધસફળ સર્જન કર્યું હતું. ઇંગ્લંડમાં ૧૬૯૮માં ટૉમસ સૅવરીએ અને ૧૭૦૫માં ટૉમસ ન્યૂકમને સ્ટીમ-એન્જિનનો અર્ધસફળ પ્રયોગ કર્યો હતો. ૧૭૬૯થી ૧૭૭૪ લગી જ્હોન સ્મીટને ન્યૂકમનના અપૂર્ણ સ્ટીમ-એન્જિનનો પૂર્ણ કરવાનો અસફળ પ્રયોગ કર્યો હતો. પણ તે પૂર્વે ૧૭૬૫માં વૉટે એનો સફળ પ્રયોગ કર્યો અને ૧૭૭૪માં વિલિયમ મર્ડોક અને મૅથ્યુ બૉલ્ટનની સહાયથી બર્મિંગહામમાં સોહમાં બૉલ્ટનની ફાઉન્ડ્રીમાં આ પૂર્ણ સ્ટીમ-એન્જિનનો પ્રથમ નમૂનો તૈયાર કર્યો અને ૧૭૮૩માં બ્રૅડલીમાં જહોન વિલ્કિન્સનની ફાઉન્ડ્રીમાં એનો પ્રથમ વાર ઉપયોગ કર્યો. ૧૭૯૪ લગી વૉટે આ સ્ટીમ-એન્જિનમાં ચારેક વાર નાનો-માટો સુધારો કર્યો અને એ દ્વારા ઔદ્યોગિક ક્રાંતિ સર્જાય એવું એને કાર્યક્ષમ કર્યું.) પણ ગ્રીક સમાજમાં અસંખ્ય ગુલામો હતા, ગ્રીક સંસ્કૃતિ એ ગુલામોની સંસ્કૃતિ હતી. એમાં મનુષ્યશક્તિ અખૂટ હતી. મનુષ્યની મજ્જાઓને વિકલ્પે વરાળયંત્રની અપેક્ષા ન હતી. ગ્રીક સંસ્કૃતિમાં વરાળયંત્રની કોઈ ઉપયોગિતા ન હતી. એથી ગ્રીક સંસ્કૃતિમાં વરાળયંત્ર એ માત્ર યંત્રવૈજ્ઞાનિક કૌતુક રૂપે, એક ક્રીડનક રૂપે જ રહ્યું. એમાંથી કોઈ ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ ન થયો. જ્યારે ઇંગ્લંડમાં મધ્યયુગની અને પુનરુત્થાનયુગની ધાર્મિક અને બૌદ્ધિક ક્ષેત્રોના પ્રતિભાપુરુષો અને એમની પ્રવૃત્તિઓ તથા વૈજ્ઞાનિક અને યંત્રવૈજ્ઞાનિક ક્ષેત્રોના પ્રતિભાપુરુષો અને એમની પ્રવૃત્તિઓ ઉપરાંત સાંસ્કૃતિક – આર્થિક, રાજકીય, સામાજિક-પરંપરાઓ અને ભૌગોલિક પરિસ્થિતિની પૂર્વભૂમિકા સાથે વરાળયંત્રનું સર્જન થયું એથી ઇંગ્લંડમાં ૧૭૬૦ની આસપાસ ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ થયો. મધ્યયુગમાં ૧૧મી સદીથી યુરોપમાં અને ઇંગ્લંડમાં ગ્રામપ્રદેશમાં એક વિશિષ્ટ સમાજતંત્રની પરંપરા અસ્તિત્વમાં હતી અને તે Manorial System – જમીનદારી પદ્ધતિ. એમાં ઉચ્ચાવચતાક્રમ હતો. વિવિધ આર્થિક – સામાજિક વગેરેને કારણે વર્ગભેદ હતો. પ્રાચીન યુગમાં ગ્રીસ અને રોમના સમાજમાં slaves – ગુલામ હતા. તેમ મધ્યયુગમાં ઇંગ્લંડના ગ્રામપ્રદેશના સમાજમાં sers-ગુલામ હતા. પણ આ સમાજમાં પ્રત્યેક વ્યક્તિ સ્વાશ્રયી હતી એથી એનું સ્વમાન સુરક્ષિત હતું. પ્રત્યેક ગામડું પ્રધાનતઃ સ્વાવલંબી હતું એથી સમગ્ર સમાજ સુખી અને સંતોષી હતો. જીવન શ્રમસાધ્ય અને એકવિધ હતું પણ એમાં ધાંધલધમાલ ન હતી, લૂંટાલૂંટ, દોડાદોડ ન હતી, ભૂખ-બેકારી ન હતી, કૈષણ, વિતૈષણા ન હતી, પ્રવાસની પણ ભાગ્યે જ જરૂર હોય એવું સાદું અને સરળ જીવન હતું. આર્થિક, સામાજિક અસમાનતા હતી છતાં સૌ સ્તરો વચ્ચે સંઘર્ષ અને સ્પર્ધાની નહીં પણ મુખ્યત્વે સંવાદ અને સહકારની ભાવના હતી. સંકુચિતતા અને સ્વાર્થનો નહીં પણ ઉદારતા અને નિઃસ્વાર્થની પ્રણાલીનો પ્રબળ પ્રભાવ હતો. ત્રણ ચાર સદીથી આ પ્રકારનું સમાજતંત્ર અને મનુષ્યજીવન અસ્તિત્વમાં હતું. ત્યાં Black Death – શ્યામ મૃત્યુને નામે જે પછીથી પ્રસિદ્ધ, ચીનમાં જેનો જન્મ, પશ્ચિમમાં યુરો૫ભરમાં એટલે કે પૅસિફિકથી ઍટલાન્ટિક લગી જે પ્રસર્યો, મનુષ્યજાતિને જે એક કરુણતમ અનુભવ, જગતઇતિહાસની જે એક દુર્ભાગી ઘટના એવો પ્લેગ ૧૩૪૮માં ઇંગ્લંડમાં ચોમેર વ્યાપી વળ્યો. એક જ વર્ષમાં ઇંગ્લંડની તેત્રીસથી પચાસ ટકા વસ્તીનો નાશ થયો. વસ્તીનું પ્રમાણ નીચું ને વેતનનું ધોરણ ઊંચું ગયું. એમાં ગુલામોને લાભ થયો પણ જમીનદારોને ભારે ગેરલાભ થયો. એથી ૧૩૫૧માં રાજ્યે કૃષિકાર ધારો કર્યો. એના વિરોધમાં ૧૩૮૧માં કૃષિકપ્રતિકાર થશે. ઇંગ્લંડમાં નાણું ચલણમાં આવ્યું પછી ૧રમી સદીથી જમીનદારો ગુલામોને શ્રમના બદલામાં વેતન તરીકે Commutation-નાણું ચૂકવતા હતા અને ૧૩મી સદીથી ગુલામો જમીનદારોને એ જ નાણું પાછું ચૂકવીને બદલામાં વધુ ને વધુ સંખ્યામાં મુક્ત થતા હતા તેમાં આ કૃષિકપ્રતિકાર થયો એને પરિણામે ૧૫૦૦ લગીમાં ગુલામીપ્રથાનો લગભગ અંત આવ્યો અને ૧૬૧૭માં સંપૂર્ણ અંત આવ્યો. તો સાથે સાથે આ કૃષિકપ્રતિકારને પરિણામે ૧૨૩૫ -૩૬માં રાજ્યે ક્ષેત્રબંધીનો ધારો કર્યો હતો અને હવે ૧૪૫૦થી અમલ થયો. જમીનદારોએ કૃષિક્ષેત્રો પર સ્વામિત્વ સિદ્ધ કર્યું. ૧૫૫૦ લગીમાં પચાસ ટકા કૃષિક્ષેત્રો કૃષિ માટે બંધ થયાં. પરિણામે અસંખ્ય કૃષિકારો આજીવિકા અર્થે ગ્રામપ્રદેશમાંથી નગરોમાં ગયાં, કૃષિમાંથી ઉદ્યોગમાં ગયાં. એથી નગરોના ઉદ્યોગનો વિકાસ થયો. જે કૃષિક્ષેત્રો કૃષિ માટે બંધ થયાં એમાં હવે ઘેટાંઉછેરનો ધંધાને વિકાસ થયો. ઊનનું ભારે ઉત્પાદન થયું. ઇંગ્લંડનું ઊન સમગ્ર યુરોપમાં સર્વશ્રેષ્ઠ હતું એથી ઊનની નિકાસના વ્યાપારનો – વિશેષ ફ્લૅન્ડર્સ સાથે વિકાસ થયો. ક્રમે ક્રમે સમગ્ર યુરોપ એકમાત્ર ઇંગ્લંડના જ ઊનની આયાત કરતું થયું. એથી ઇંગ્લંડની સમૃદ્ધિનો આરંભ થયો. મધ્યયુગની ઇંગ્લંડના ગ્રામપ્રદેશના વિશિષ્ટ સમાજતંત્રની પરંપરાનો અંત આવ્યો. ઉદારતા અને નિઃસ્વાર્થનો અંત આવ્યો. સંકુચિતતા અને સ્વાર્થનો આરંભ થયો. સંવાદ અને સહકારનો અંત આવ્યો. સંઘર્ષ અને સ્પર્ધાનો આરંભ થયો. આ છે ઔદ્યોગિક ક્રાંતિનું સૂક્ષ્મ બીજ. કહેવું હોય તો કહી શકાય કે આધુનિક સંસ્કૃતિ ઘેટાંની પીઠ પરથી ઊતરી આવી છે. મધ્યયુગમાં ૧૨મી સદીથી યુરોપમાં અને ઇંગ્લંડમાં નગરમાં એક વિશિષ્ટ અર્થતંત્રની પરંપરા અસ્તિત્વમાં હતી અને તે Gild System (Merchant Gild and Craft Gild) – મહાજનપદ્ધતિ (વ્યાપારી મહાજન અને ઔદ્યોગિક મહાજન). પ્રત્યેક નગર, રાજા પાસેથી Charter-સ્વાયત્તતાપત્ર પ્રાપ્ત કર્યું હતું એથી, સ્વાયત્ત હતું. પણ એમાં મહાજન પાસે વ્યાપાર અને ઉદ્યોગનો ઇજારો હતો. મહાજનનો સભ્ય હોય તે જ વ્યાપાર અને ઉદ્યોગ કરી શકે. આરંભમાં એક જ મહાજન હતું, વ્યાપારી મહાજન. પણ નગરોના વિકાસ અને કારીગરોની સંખ્યામાં વૃદ્ધિને કારણે ઔદ્યોગિક મહાજન અસ્તિત્વમાં આવ્યું, એથી વ્યાપારી મહાજનની એકમેવતાનો અંત આવ્યો અને બન્ને મહાજનો વચ્ચે સંઘર્ષ અને સ્પર્ધાનો, સંકુચિતતા અને સ્વાર્થનો આરંભ થયો. જોકે પ્રત્યેક મહાજનના સભ્યો વચ્ચે મુખ્યત્વે સંવાદ અને સહકારની, ઉદારતા અને નિઃસ્વાર્થની ભાવના હતી. વ્યાપારી મહાજનમાં fair price – વાજબી ભાવ અને fair profit – વાજબી નફો આદિ મૂલ્યનો મહિમા હતો. ઔદ્યોગિક મહાજનમાં Masters – સંચાલકો, Apprentices – શિક્ષણાર્થીઓ અને Journeymen – સવેતન કારીગરો એમ ત્રિવિધ વર્ગો હતા. અને સાત વર્ષનું અનૈચ્છિક શિક્ષણ, ઉદ્યોગ અને ઉત્પાદનની ગુણવત્તા, વેતનનું ધારણ આદિ મૂલ્યોનો મહિમા હતો. ઔદ્યોગિક મહાજન અનેક પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓનું પણ સંચાલન કરતું હતું એથી એ ધર્મસંસ્થારૂપ પણ હતું. હવે પછી તરત જોઈશું તેમ પ્રથમ ૧૫મી સદીમાં ઊનની નિકાસના વ્યાપારને અને પછી ૧૬મી સદીમાં ગરમ કાપડના ઉદ્યોગ અને ઉત્પાદનનો અને એની નિકાસના વ્યાપારનો ભારે અસાધારણ વિકાસ થયો. એને પરિણામે ઇંગ્લંડના ગ્રામપ્રદેશમાં નવી ઉદ્યોગપદ્ધતિ, ઉત્પાદન પદ્ધતિ, વ્યાપારપદ્ધતિ અને નગરોમાં ભિન્ન ભિન્ન પ્રકારના નવા વ્યાપારીવર્ગો અસ્તિત્વમાં આવ્યા. આ ભિન્ન ભિન્ન પ્રકારના નવા વ્યાપારીવર્ગો અને મહાજને વચ્ચે સંઘર્ષ અને સ્પર્ધાને આરંભ થયો. એથી વ્યાપારી મહાજનમાં આ સંકુચિતતા અને સ્વાર્થનો જન્મ થયો. એને પરિણામે ૧૭મી સદી લગીમાં વ્યાપારી મહાજનનો સંપૂર્ણ અંત આવ્યો. ઔદ્યોગિક મહાજનમાં પણ સંકુચિતતા અને સ્વાર્થનો જન્મ થયો. એથી અનેક સવેતન કારીગરે સંચાલક પદ પ્રાપ્ત કરવાની અશક્યતા અથવા અનિચ્છાને કારણે મુક્ત થયા. અને એમનું તે સ્વતંત્ર મહાજન અસ્તિત્વમાં આવ્યું. અન્ય અનેક સવેતન કારીગરો નગરોમાંથી ગ્રામપ્રદેશમાં ગયા એથી ગ્રામપ્રદેશના ઉદ્યોગનો વિકાસ થયો. આ સર્વને પરિણામે ૧૪-૧૫મી સદીમાં ઔદ્યોગિક મહાજનનો લગભગ અંત આવ્યો અને ૧૬મી સદીમાં ઇંગ્લંડમાં રૅફર્મેશન અને પ્રોટેસ્ટંટાનિઝમને પરિણામે ૧૫૩૬-૪૦માં ધર્મ સંસ્થાઓ પર પ્રતિબંધ આવ્યો ત્યારે ઔદ્યોગિક મહાજનોને ધર્મસંસ્થાઓ લેખીને રાજ્યે ૧૫૪૭માં એમનું ધન જપ્ત કર્યું. એને પરિણામે ૧૭મી સદી લગીમાં ઔદ્યોગિક મહાજનનો સંપૂર્ણ અંત આવ્યો. મધ્યયુગની ઇંગ્લંડનાં નગરોના આ વિશિષ્ટ અર્થતંત્રની પરંપરાનો અંત આવ્યો. ઉદારતા અને નિઃસ્વાર્થનો અંત આવ્યો. સંકુચિતતા અને સ્વાર્થનો આરંભ થયો. સંવાદ અને સહકારનો અંત આવ્યો. સંઘર્ષ અને આ સ્પર્ધાને આરંભ થયો. આ છે ઔદ્યોગિક ક્રાંતિનું સ્ફુટ બીજ. પુનરુત્થાનયુગમાં ઇંગ્લંડમાં એક વિશિષ્ટ રાજ્યતંત્રની પરંપરા અસ્તિત્વમાં આવી અને તે Mercantile system – વ્યાપારપદ્ધતિ ૧૪ મી સદીમાં યુરોપમાંથી અને વિશેષ તો ફલૅન્ડર્સમાંથી ગરમ કાપડના ઉદ્યોગના અતિકુશળ અને અતિકસબી એવા અસંખ્ય કારીગરો એમના રાજ્યના અત્યાચારોથી ત્રાસીને નિર્વાસિતો તરીકે ઇંગ્લંડના રાજ્યના આમંત્રણ, આશ્રય અને પ્રોત્સાહન, ઉત્તેજનથી ઇંગ્લંડમાં આવીને વસ્યા. પરદેશી કારીગરોને સભ્યપદ ન આપવાનો અને બિનસભ્યોને વ્યાપાર-ઉદ્યોગનો અધિકાર ન આપવાનો નગરના મહાજનોનો નિયમ હતો એથી આ કારીગરો અનિવાર્યપણે સ્વતંત્ર મહાજન સ્થાપીને નગરોમાં અને મુખ્યત્વે ગ્રામપ્રદેશમાં વસ્યા. એથી ગ્રામપ્રદેશના ગરમ કાપડનાં ઉદ્યોગ, ઉત્પાદન અને વ્યાપારનો ભારે અસાધારણ વિકાસ થયો. આ પૂર્વે ઇંગ્લંડ ગરમ કાપડનાં ઉદ્યોગ, ઉત્પાદન અને વ્યાપારમાં પછાત હતું. એટલે તો ઊનની નિકાસ કરતું હતું. પણ હવે ઇંગ્લંડના ગ્રામપ્રદેશના ગરમ કાપડના ઉદ્યોગના અસંખ્ય કારીગરો – સ્ત્રી, પુરુષ અને બાળકોએ આ પરદેશી કારીગરો પાસેથી કાંતણ અને વણાટનો એમનો વધુ વિકસિત – યુરોપમાં સર્વશ્રેષ્ઠ-કસબ હસ્તગત કર્યો. એથી ક્રમે ક્રમે ઇંગ્લંન્ડને ગરમ કાપડનો ઉદ્યોગ યુરોપના અન્ય દેશોને જ નહીં પણ સ્વયં ફલૅન્ડર્સના ગરમ કાપડના ઉદ્યોગને પણ અતિક્રમી ગયો. સ્પેઈન એનું ઊન ઇંગ્લંડ મોકલે, ઇંગ્લંડમાં એનું ગરમ કાપડ થાય અને સ્પેઈન જાય એવી ઇંગ્લંડના ગરમ કાપડ ઉદ્યોગની સિદ્ધિ હતી. પૂર્વે ઇંગ્લંડમાંથી ઊનની નિકાસ થતી હતી એના પર હવે પ્રતિબંધ આવ્યો અને હવે યુરોપભરમાંથી ઊનની આયાત થાય એટલું ઇંગ્લંડમાં ગરમ કાપડનું ભારે ઉત્પાદન હતું. ૧૭મી સદી લગીમાં ઇંગ્લંડની કુલ નિકાસમાં ચાલીસ ટકા નિકાસ ગરમ કાપડની નિકાસ હતી. ઇંગ્લંડમાં ત્યારે – ઔદ્યોગિક ક્રાંતિ પૂર્વે – ગરમ કાપડનો ઉદ્યોગ એ હસ્તઉદ્યોગ, ગૃહઉદ્યોગ, ગ્રામઉદ્યોગ. લઘુઉદ્યોગ હતો. ગરમ કાપડનાં ઉદ્યોગ, ઉત્પાદન અને વ્યાપારના આ ભારે અસાધારણ વિકાસ પૂર્વે ઇંગ્લંડ જ્યારે ગરમ કાપડનાં ઉદ્યોગ, ઉત્પાદન અને વ્યાપારમાં પછાત હતું ત્યારે કારીગરો પાસે પછાત ઉદ્યોગ અને ઉત્પાદનને જરૂરી એટલું સામાન્ય ધન હતું અને એટલો કસબ હતો. એથી તેઓ ઉદ્યોગના સ્વામી હતા. સાધને અને ઉત્પાદનના માલિક હતા. કાચા માલની ખરીદીથી માંડીને પાકા માલનું ઉત્પાદન અને વેચાણ કરવામાં સ્વતંત્ર હતા. હવે એમની પાસે વધુ વિકસિત કસબ હતો પણ વધુ વિકસિત ઉદ્યોગ અને ભારે અસાધારણ ઉત્પાદનને જરૂરી એટલું ધન ન હતું. એથી, વ્યાપારીની સંસ્થા અને દલાલીની પદ્ધતિ અસ્તિત્વમાં આવી. અને આ ઉદ્યોગના કારીગરો સ્વામી હતા તે દાસ થયા, માલિક હતા તે નોકર થયા, સ્વતંત્ર હતા તે પરતંત્ર થયા. વ્યાપારી ઊન, કાચો માલ અને સાધનો કાંતણ માટે સ્ત્રીઓ અને બાળકોને આપે, પછી વણાટ માટે પુરુષોને આપે અને અંતે ગરમ કાપડ-પાકો માલ દેશપરદેશનાં બજારોમાં વેચે એમ પૂર્વે જે શ્રમના વિભાજનની પદ્ધતિ હતી તે દ્વારા જ Commission System – દલાલીપદ્ધતિ અથવા Domestic system–ગૃહપદ્ધતિને નામે પ્રસિદ્ધ ઉદ્યોગ, ઉત્પાદન અને વ્યાપારની વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. કવચિત્ રાસકાવ્યોમાં ‘જૅક ઑફ ન્યૂબરી’ને નામે પ્રસિદ્ધ એવા જ્હૉન વીન્ચકૉમ્બ જેવી એક વ્યક્તિઓનાં જે વિરલ ઉદાહરણો ઇતિહાસ નોંધે છે તેમની દ્વારા ઘરને બદલે કારખાનામાં અનેક કારીગરો ઉદ્યોગ અને ઉત્પાદન માટે એકત્ર થયા એથી Factory Systemને નામે પછીથી જે પ્રસિદ્ધ તે Workshop System-કારખાના પદ્ધતિ અસ્તિત્વમાં આવી. ગુણવત્તા અને ભાવનું નિયંત્રણ થયું. આમ, ઇંગ્લંડમાં ગ્રામપ્રદેશમાં મૂડી, રોકાણ, ધિરાણ, વેચાણ, નફો – એમ લઘુ પાયાના ઉદ્યોગ, ઉત્પાદન અને વ્યાપારનું એક નવું જ અર્થતંત્ર રચાયું અને Capitalist-મૂડીવાદીનો જન્મ થયો, Capitalism-મૂડીવાદનો આરંભ થયો. જેમ જેમ ઇંગ્લંડમાં ગરમ કાપડનાં ઉદ્યોગ અને ઉત્પાદનનો વધુ ને વધુ વિકાસ થયો તેમ તેમ નગરમાં ભિન્ન ભિન્ન પ્રકારના નવા વ્યાપારી વર્ગો અસ્તિત્વમાં આવ્યા અને જેમ જેમ પરદેશો સાથેના વ્યાપારનો વધુ ને વધુ વિકાસ થયો તેમ તેમ વધુ ને વધુ પરદેશનાં બજારો અસ્તિત્વમાં આવ્યાં. પ્રાચીન અંગ્રેજી ભાષાનું પ્રસિદ્ધ કાવ્ય ‘The Seafarer – સમુદ્રયાત્રી સૂચવે છે તેમ નૉર્મનવિજય પૂર્વે, ૧૧મી સદી પૂર્વે ઇંગ્લંડની પ્રજામાં સમુદ્રયાત્રાનું સાહસ હતું, નૌકાશાસ્ત્ર અને નૌકાબળ હતું. પણ ૧૧મી, ૧૨મી, ૧૩મી સદીમાં એ લુપ્ત થયું હતું. એથી ઇંગ્લંડ ત્યારે નૌકાશાસ્ત્ર અને નૌકાબળમાં પછાત હતું. તે ઇંગ્લંડનો પરદેશો સાથેનો વ્યાપાર Hanse Merchants-પરદેશી વ્યપારીઓ-સવિશેષ Flemish – ફ્રેન્ચ અને Teutonic – જર્મન વ્યાપારીઓ-ના હાથમાં હતું. અને એમની દ્વારા રાજ્યને આર્થિક લાભ હતો એથી રાજ્યે એમને આશ્રય અને અધિકાર આપ્યો હતો, પ્રોત્સાહન અને ઉત્તેજન આપ્યું હતું. હવે ૧૪મી સદીથી પ્રથમ ઊનના અને પછીથી ગરમ કાપડના ઉદ્યોગ, ઉત્પાદન અને વ્યાપારનો વધુ ને વધુ વિકાસ થયો એથી પ્રથમ Merchants of the Staple ૨૪૮૯૧ Merchant Staplers અને પછી ૧૫મી સદીમાં પિતાનું અલ્પ પણ આગવું સ્વતંત્ર નૌકાબળ જેમણે સર્જ્યું હતું એવા Merchant Adventurers એમ ક્રમે ક્રમે ભિન્ન ભિન્ન પ્રકારના નવા અંગ્રેજ વ્યાપારી વર્ગો અસ્તિત્વમાં આવ્યા. એથી પરદેશી વ્યાપારીઓ અને આ અંગ્રેજ વ્યાપારી વર્ગો વચ્ચે સંઘર્ષ અને તે સ્પર્ધાનો જન્મ થયો. એમાં હવે આ અંગ્રેજ વ્યાપારી વર્ગો દ્વારા રાજ્યને વધુ લાભ હતો એથી રાજ્યે એમને આશ્રય અને અધિકાર આપ્યો, પ્રેત્સાહન અને ઉત્તેજન આપ્યું. આ જ સમયે યુરોપના ઇતિહાસમાં રોમન સામ્રાજ્યના પતન અને આ પરાજ્ય પછી મોટામાં મોટો બનાવ, ચર્ચના પતન અને પરાજ્યનો બનાવ બન્યો. ૧૬મી સદીમાં રૅફર્મેશન અને પ્રોટેસ્ટંટાનિઝમને પરિણામે ચર્ચની, પોપની સત્તાનો સાંપ્રદાયિકતાનો અને યુરોપની એકતાનો – સાંસ્કૃતિક એકતાનો પણ – અંત આવ્યો. સમસ્ત જગત પર, મનુષ્યના સમગ્ર જીવન પર, અર્થકારણ, રાજકારણ, સમાજકારણ પર ધર્મનું, ધર્મકારણનું વર્ચસ્ હતું એનો અંત આવ્યો. States – રાજ્યો, Nation States – ૨ાષ્ટ્ર-રાજ્યોનો જન્મ થયો. બિનસાંપ્રદાયિક જગતનો, બિનસાંપ્રદાયિક જીવનનો, બિનસાંપ્રદાયિક મૂલ્યોનો, બિનસાંપ્રદાયિક સંસ્કૃતિને આરંભ થશે. બિનસાંપ્રદાયિક મનુષ્યનો જન્મ થયો. સમગ્ર યુરોપમાં રાજ્યની, રાષ્ટ્રની સર્વોપરી સત્તાનો આરંભ થયો. રાષ્ટ્રવાદની પ્રબળ ભાવના અસ્તિત્વમાં આવી. રાજ્ય રાજ્ય વચ્ચે, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે સંઘર્ષ અને સ્પર્ધાનો આરંભ થયો. સંકુચિતતા અને સ્વાર્થને જન્મ થયો. અર્થતંત્રમાં નફાખોરી અને રાજ્યતંત્રમાં સત્તાખોરીનો મહિમા થયો. અર્થતંત્ર પર રાજ્યતંત્રનું વર્ચસ થયું. સત્તાની સમતુલા અને સર્વોપરીતા – સિદ્ધ કરવા બૌદ્ધિક અને ભૌતિક સાહસને આરંભ થયો. આગળ જોયું તેમ સ્પેઈન, પોર્ટુગલ, હોલંડ અને ઇંગ્લંડના મહાન નાવિકોએ પૂર્વમાં અને પશ્ચિમમાં સમુદ્ર પારના પ્રદેશોનું – જ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી એમને પગલે પગલે આ પ્રદેશો સાથે, આગળ જોયું તેમ, આ રાજ્યોના વ્યાપારનો આરંભ થયો. – યુરોપનાં રાજ્યોએ સુવર્ણપ્રાપ્તિ અર્થે ભારે અસાધારણું સાહસ કર્યું. આગળ જોયું તેમ, ઇંગ્લંડ ૧૪મી સદી લગી નૌકાશાસ્ત્ર અને નૌકાબળમાં પછાત હતું. ઇંગ્લંડમાં પ્રથમ નૌકાધારો ૧૩૮૧માં થયો હતો. પણ ૧૫મી, ૧૬મી, ૧૭મી સદીમાં ઇંગ્લંડે અનેક નૌકાધારાઓ અને લોખંડનાં ઉદ્યોગ અને ઉત્પાદન પર પ્રતિબંધ તથા ગ્રામપ્રદેશમાં ધાતુનાં ઉદ્યોગ અને ઉત્પાદન અંગેની ઇજારાશાહી દ્વારા વિપુલ નૌકાદળનું સર્જન કર્યું. ૧૪૯૪માં પોપે યુરોપના બે રોમન કૅથલિક રાજ્યોને વ્યાપાર અર્થે જગત વહેંચી આપ્યું હતું, ૪૪મી મૅરિડિઅનથી પૂર્વનું જગત પોર્ટુગલને અને પશ્ચિમનું જગત સ્પેઈનને. આ વહેંચણી ઇતિહાસમાં Papal Bull-પૅપલ બુલને નામે પ્રસિદ્ધ છે. એથી ઇંગ્લંડ પ્રોટેસ્ટંટ થયું ત્યારથી ઇંગ્લંડ અને પેઈન-પોર્ટુગલ વચ્ચે ધાર્મિક, રાજકીય અને આર્થિક એમ ત્રિવિધ સંઘર્ષ અને સ્પર્ધાને આરંભ થયો. ૧૫૮૮માં ઇંગ્લંડે સ્પેઈનના પ્રસિદ્ધ અજેય નૌકાસૈન્ય Armeda, -આર્મેડાનો પરાજ્ય કર્યો જ્ઞાન, ધન, સત્તા અંગેનું ઍલિઝાબેથન યુગના આ ઇંગ્લંડનું દર્શન સમકાલીન નાટકકાર-સવિશેષ માર્લો-નાં નાટકોમાં પ્રગટ થયું છે. ૧૭મી સદીમાં ઇંગ્લંડમાં રાજ્યના વર્ચસ્ અને નિયંત્રણથી જગતભરની સાથે વ્યાપાર અર્થે અનેક Regulated Companies, Chartered Companies અને Joint-Stock Companies – કંપનીઓ અસ્તિત્વમાં એવી. ઇંગ્લંડના રાજ્યકર્તાઓને હવે સત્તા વિશે ભારે સૂઝસમજ હતી કે Wealth is Power – સંપત્તિ એ જ સાચી સત્તા છે. આ કંપનીઓ દ્વારા રાજ્યને ભારે આર્થિક લાભ. હતો. એથી રાજ્ય એમને આશ્રય અને અધિકાર આપ્યો, પ્રોત્સાહન અને ઉત્તેજન આપ્યું. રાજ્યે સ્વેચ્છાએ કરકસર, અલ્પ ઉપભોગ, નીચું જીવનધોરણ, સ્વાશ્રય, ઉત્પાદન અને વ્યાપારને અનુદાન અને આર્થિક સહાય દ્વારા ઉત્પાદન અને વ્યાપારને પ્રોત્સાહન અને ઉત્તેજન આપ્યું; વધુમાં વધુ નિકાસ, ઓછામાં ઓછી આયાત, વધારાની મોજશોખની મોંઘી ચીજવસ્તુઓની નિકાસ, આવી ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ, આયાત પર કરવેરો, સુવર્ણની નિકાસ પર પ્રતિબંધ આદિ દ્વારા ઉત્પાદન અને વ્યાપારનું નિયંત્રણ અને નિયમન કર્યું. આથી સમાજસ્થગિત અને જડ થયો પણ રાજ્ય સબળ, સધ્ધર અને સમૃદ્ધ થયું. ૧૬મી સદીના આરંભથી જ સ્પેઈન-પોર્ટુગલે જગતભરમાં, પૂર્વ અને પશ્ચિમમાં સંસ્થાને સ્થાપ્યાં હતાં. ઇંગ્લંડ સંસ્થાનો સ્થાપવામાં પછાત હતું, પણ ૧૭મી સદીમાં ઇંગ્લંડ આ કંપનીઓ દ્વારા સંસ્થાને સ્થાપવામાં સર્વોપરી થયું, વ્યાપારમાં સર્વોપરી થયું. રાજ્યતંત્રની આ Mercantile System અથવા એના આ Mercantilism – વ્યાપારપદ્ધતિ, વ્યાપારવાદ દ્વારા ઇંગ્લડ યુરોપનાં સૌ રાષ્ટ્રોમાં, રાજ્યોમાં સર્વોપરી સત્તા સિદ્ધ થયું. ત્યારથી ઇંગ્લંડનું રાજ્યતંત્ર અપૂર્વ આત્મશ્રદ્ધા અને રાષ્ટ્રીય એકતાને કારણે સુદૃઢ અને સુવ્યવસ્થિત થયું. હવે – રાજ્યતંત્રનું અર્થતંત્ર પર સંપૂર્ણ વર્ચસ્ હતું. રાજ્યે ગ્રામપ્રદેશમાં – અકિંચન્ અને ભિક્ષુકોના પ્રશ્નના ઉત્તર રૂપે ૧૫૫૦માં statute against Enclosure-ક્ષેત્રબંધી વિરુદ્ધ પ્રતિબંધધારો, મહાજનના વિલોપન અને ગ્રામઉદ્યોગના વિકાસના સમયમાં કુશળ કસબી કારીગરોની કાર્યક્ષમતા, એમના વેતનનું પ્રમાણ આદિ પ્રશ્નોના ઉત્તર રૂપે ૧પ૬૩માં Statute of Artificers of Apprenticeship – કારીગરધારો, ચર્ચની સત્તાના અને ધાર્મિક સંસ્થાઓના વિલોપન અને ક્ષેત્રબંધીને કારણે અસંખ્ય નિષ્ક્રિય અને દરિદ્ર નાગરિકોના પ્રશ્નના ઉત્તર રૂપે ૧૬૦૧માં Poor Law – અકિંચનધારો, કૃષિકારોની સુરક્ષિતતા અને અન્નના ભાવની સમતુલા અથે ૧૬૮૯માં Corn Law – અન્નધારો કર્યો. ૧૫૭૫માં નૌકાવીમો અસ્તિત્વમાં આવ્યો. ૧૬૯૪માં બૅંક ઑફ ઇંગ્લંડ અસ્તિત્વમાં આવી. આમ, ૧૬મી, ૧૭મી સદીમાં ઇંગ્લંડમાં રાજ્યતંત્રની આ Mercantile System – વ્યાપારપદ્ધતિ દ્વારા અર્થતંત્રમાં નફાખોરી અને રાજ્યતંત્રમાં સત્તાખરી અસ્તિત્વમાં આવી, રાજ્યતંત્રનું અર્થતંત્ર પર વર્ચસ્ થયું. ઉદારતા અને નિઃસ્વાર્થનો સંપૂર્ણ અંત આવ્યો. સંકુચિતતા અને સ્વાર્થનો સર્વત્ર અને સર્વદા આરંભ થયો. સંવાદ અને સહકારનો સંપૂર્ણ અંત આવ્યો. સંઘર્ષ અને સ્પર્ધાનો સર્વત્ર અને સર્વદા આરંભ થયો. આ છે ઔદ્યોગિક ક્રાંતિને અંકુર. ઇંગ્લંડ એની વિશિષ્ટ અને વિરલ ભૌગોલિક પરિસ્થિતિથી અજાણ ન હતું. પૃથ્વીના પટ પર એનું સ્થાન, એનાં બંદરો, એનો સમુદ્ર, એની નદીઓ, એની આબોહવા અને એની ભૂગર્ભ સંપત્તિ – આ સૌના અસ્તિત્વથી એ સભાન હતું. પણ આ સૌના મહત્ત્વથી એ સભાન થયું ૧૮મી સદીમાં જગતના કોઈ પણ અન્ય રાજ્યની ભૂમિમાં ન હતો એટલો ઇંગ્લંડની ભૂમિમાં કોલસ અને લોખંડ – આ બે સંપત્તિનો ભર્યોભર્યો ભંડાર હતો. ૧૮મી સદી લગી ઇંગ્લંડમાં કોલસાનું નહીં પણ લાકડાનું બળતણ લોકપ્રિય અને પ્રચલિત હતું. રાણી ઍલિઝાબેથને તો કોલસા પ્રત્યે શુદ્ધ તિરસ્કાર હતો. લોખંડનું ઉત્પાદન કરવામાં ઑકનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થતો. પણ ૧૫મી, ૧૬મી, ૧૭મી સદીમાં ઇંગલંડે વિપુલ નૌકાદળનું સર્જન કર્યું ત્યારે એમાં ઑકના લાકડાને ઉપયોગ કરવો હતો એથી લોખંડના ઉદ્યોગ અને ઉત્પાદન પર પ્રતિબંધ હતો અને ઇંગ્લંડ યુરોપમાંથી લોખંડની આયાત કરતું હતું. પણ ૧૮મી સદીના આરંભથી ઇંગ્લંડમાં કોલસો અને લોખંડ – આ બે ભૂગર્ભ સંપત્તિનાં ઉદ્યોગ અને ઉત્પાદનમાં ક્રમે ક્રમે ભારે પડી અસાધારણ વિકાસ થયો. ઇંગ્લંડમાં ૧૫૫૦માં પચાસ હજાર ટન, ૧૬૮૦માં બે લાખ ટન, ૧૭૦૦માં પચીસ લાખ ટન, ૧૭૫૦માં પિસ્તાલીસ લાખ ટન, ૧૮૦૦માં એક કરોડ ટન, ૧૮૨૯માં એક કરોડ સાઠ લાખ ટન (ત્યારે અન્યત્ર, યુરોપમાં કુલ એક લાખ ટન) કોલસાનું ઉત્પાદન હતું. ઇંગ્લંડ હવે કોલસાની નિકાસ કરતું હતું. ઇંગ્લંડમાં ૧૭૨૦માં વીસ હજાર ટન, ૧૭૮૮માં સિત્તેર હજાર ટન, ૧૭૯૬માં એક લાખ છવ્વીસ હજાર ટન, ૧૮૦૪માં બે લાખ પચાસ હજાર ટન, ૧૮૨૦માં ચાર લાખ ટન, ૧૮૩૯માં સાડા તેર લાખ ટન લોખંડનું ઉત્પાદન હતું. ઇંગ્લંડ હવે લોખંડનાં યંત્રોની નિકાસ કરતું હતું. કોલસાનાં ઉદ્યોગ-ઉત્પાદનના આ વિકાક્ષ અર્થે જ કોલસાની ખાણોમાંથી પાણી ઉલેચવા માટે ૧૬૯૮માં સૅવરીના સ્ટીમ એન્જિનનું, ૧૭૦૫માં ન્યૂકમનના સ્ટીમ-એન્જિન (ફાયર પમ્પનું) અને ૧૭૬૫માં વૉટના સ્ટીમ-એન્જિનનું સર્જન થયું હતું. કોલસાની ખાણોમાં દસથી વીસ હજાર સ્ત્રી, પુરુષ અને બાળકો પ્રવૃત્ત હતાં. આ પરથી ઇંગ્લંડમાં ૧૮મી સદીમાં, એક જ સદીમાં કોલસો અને લોખંડ – આ બે ભૂગર્ભ સંપત્તિનાં ઉદ્યોગ અને ઉત્પાદનના વિકાસનો ક્યાસ કાઢી શકાય છે. આ કોલસા અને લોખંડનાં ભારે અસાધારણ ઉદ્યોગ અને ઉત્પાદનને કારણે આરંભમાં અસંખ્ય વરાળયંત્રોનું અને પછી સુતરાઉ કાપડનાં ઉદ્યોગ અને ઉત્પાદનનાં અસંખ્ય યંત્રોનું અને ત્યાર પછી ગરમ કાપડનાં ઉદ્યોગ અને ઉત્પાદનનાં અસંખ્ય યંત્રોનું ઉત્પાદન થયું. અસંખ્ય યંત્રોનું ઉત્પાદન અને એ યંત્રોનું ઉત્પાદન કરતાં અન્ય અસંખ્ય યંત્રોનું ઉત્પાદન વળી એ યંત્રોનું ઉત્પાદન કરતાં અન્ય અસંખ્ય યંત્રોનું ઉત્પાદન... આમ અનંત યંત્રોનું ઉત્પાદન થયું. આરંભમાં ઇંગ્લંડમાં અસંખ્ય વરાળયંત્રો ચોમેરથી સક્રિય થયાં. વરાળશક્તિ પરની સૌ શક્તિઓની સરખામણીમાં વરાળશક્તિની વિશિષ્ટતા, અદ્વિતીયતા અને સર્વોપરીતા સ્પષ્ટ છે. અન્ય સૌ શક્તિઓ-મનુષ્યશક્તિ, પશુશક્તિ અગ્નિશક્તિ, વાયુશક્તિ અને જલશક્તિ – એ પ્રકૃતિદત્ત શક્તિઓ છે. આ વરાળશક્તિ એ યંત્રવિજ્ઞાનના પાંચ લાખ વર્ષના ઇતિહાસમાં પ્રથમ મનુષ્યસર્જિત શક્તિ છે. અન્ય સૌ શક્તિઓ : વિના મૂલ્યે સુલભ છે પણ એમને મહાન મર્યાદાઓ છે. અગ્નિશક્તિ પરનું નિયંત્રણ અશકય છે. મનુષ્યશક્તિ, પશુશક્તિ અને વાયુશક્તિને સમયની મર્યાદા છે. જલશક્તિને સ્થળની-અને અતિશત ઋતુમાં સમયની પણ મર્યાદા છે. વરાળશક્તિ નિયંત્રણ, સમય અને સ્થળની મર્યાદાઓથી મુક્ત છે. એની જે સ્થળે જરૂર હોય, જે સમયે જરૂર હોય તે સ્થળે અને સમયે એ સુલભ છે. અને એકમાત્ર અલ્પ મર્યાદા છે, એ સમૂલ્ય છે. આથી ૧૭૬૦ પછી ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં ઇંગ્લંડમાં કોલસાની સહાયથી વરાળશક્તિ અને લોખંડમાંથી યંત્રો દ્વારા અસંખ્ય વરાળયંત્રો ચોમેરથી સક્રિય થયાં. વરાળયંત્રો હવે ખાણમાંથી ખસ્યાં અને કારખાનાંઓમાં વસ્યાં. ઇંગ્લંડની ધરતી જાણે લોહથી મઢી ન હોય! ઇંગ્લંડનું આકાશ જાણે ધૂમ્રથી છાયું ન હોય ઇંગ્લંડ યંત્રોના ઘેરાઘર્ઘર કટુકર્કશ નાદથી ગાજતું ન હોય! ઇંગ્લંડમાં ત્યારે આ અસંખ્ય યંત્રોનું સર્જન થાય અને આ અસંખ્ય યંત્રો દ્વારા ભારે અસાધારણ ઉદ્યોગ અને ઉત્પાદન થાય એવો જેમને રસ હોય, એવી જેમની ઇચ્છા હોય એવી અનેક વ્યક્તિઓ અને કંપનીઓ હતી. એમની એટલી સમૃદ્ધિ હતી. ઇંગ્લંડમાં ત્યારે આ અસંખ્ય યંત્રો દ્વારા ભારે અસાધારણ ઉદ્યોગ અને ઉત્પાદન થાય એટલી વસ્તી હતી. ૧૮મી સદીના આરંભથી ઇંગ્લંડમાં વસ્તીની વૃદ્ધ થતી રહી છે. ઇંગ્લંડમાં ૧૭૦૦માં પચાસ લાખ, ૧૭૦૫માં સાઠ લાખ, ૧૮૦૧માં (પ્રથમ વસ્તીગણતરી સમયે) નેવું લાખ, ૧૮૨૧માં એક કરોડ વીસ લાખ, ૧૮૩૧માં એક કરોડ ત્રીસ લાખ, ૧૮૭૧માં બે કરોડ વીસ લાખ મનુષ્યોની વસ્તી હતી, અને ત્યાર પછી ઉત્તરોત્તર ઇંગ્લંડમાં વસ્તીની વૃદ્ધિ થતી રહી છે. કયારેક તો વસ્તીની આ વૃદ્ધિને કારણે ઇંગ્લંડ પરદેશમાંથી અન્નની આયાત કરતું હતું. વળી ઇંગ્લંડમાં ત્યારે આ અસંખ્ય યંત્રો દ્વારા જે ઉદ્યોગ થાય એમાંથી જે ભારે અસાધારણ ઉત્પાદન થાય એની નિકાસ થાય એટલાં ઇંગ્લંડનાં સંસ્થાનો અને પરદેશોમાં બજારો હતાં, એટલે ઇંગ્લંડને પરદેશો સાથે વ્યાપાર હતો. વૉટે વરાળયંત્રનું સર્જન કર્યું એની સાથે સાથે જ ઇંગ્લંડમાં અન્ય યંત્રવિજ્ઞાનીઓએ સુતરાઉ કાપડનાં ઉદ્યોગ અને ઉત્પાદન માટેનાં કાંતણ-વણાટનાં અનેક યંત્રોનું સર્જન કર્યું. વરાળયંત્ર આ સૌ યંત્રોનું Prime Mover – ચાલકયંત્ર હતું. ૧૭૩૩માં જ્હૉન કૅએ ફલાય શટલનું, ૧૭૬૪માં જેઈમ્સ હાર્ગ્રીવ્સે સ્પિનિંગ જૅનીનું, ૧૭૬૯માં રિચર્ડ આર્કરાઈટે વૉટર ક્રેઈમનું, ૧૭૭૯માં સેમ્યુઅલ ક્રોપ્ટને મ્યુલનું, ૧૭૮૫માં ઍડમંડ કાર્ટરાઈટે પાવરલૂમનું, ૧૭૯પમાં જૉસફ જૅકાર્ડે જેકાર્ડ લૂમનું સર્જન કર્યું. આ યંત્રની સાથે સાથે રસાયણવિજ્ઞાન આદિ વિજ્ઞાનોમાં પણ અનેક શોધ અને સંશોધનને કારણે સાનુકૂળ વિકાસ થયો. પછી વળી અન્ય યંત્રવિજ્ઞાનીઓએ આ યંત્રોનું વધુ સંશોધન, સંવર્ધન કર્યું. ગરમ કાપડનાં ઉદ્યોગ અને ઉત્પાદન માટેનાં આવાં યંત્રોનું સર્જન ત્યારે થયું ન હતું. એથી ઇંગ્લંડમાં પૂર્વે, ગરમ કાપડનાં ઉદ્યોગ, ઉતપાદન અને વ્યાપારનો જેવો અને જેટલો વિકાસ થયો હતો તે અને તેટલો જ હવે સુતરાઉ કાપડનાં ઉદ્યોગ, ઉત્પાદન અને વ્યાપારનો વિકાસ થયો. ઇંગ્લંડની આબોહવામાં ભેજ છે એ આ સુતરાઉ કાપડનાં ઉદ્યોગ અને ઉત્પાદનને અનુકૂળ હતો. પરિણામે હવે ઇંગ્લંડ પરદેશમાંથી રૂની આયાત કરતું હતું. ઇંગ્લંડ ૧૭૦૧માં દસ લાખ પાઉન્ડ, ૧૭૫૦માં ત્રીસ લાખ પાઉન્ડ, ૧૭૭૧માં સુડતાલીસ લાખ સાઠ હજાર પાઉન્ડ, ૧૭૮૧માં ત્રેપન લાખ પાઉન્ડ, ૧૭૮૪માં એક કરેડ પંદર લાખ પાઉન્ડ, ૧૭૮૯માં ત્રણ કરોડ વીસ લાખ પાઉન્ડ, ૧૮૪૧માં ઓગણપચાસ કરોડ પાઉન્ડ રૂની આયાત કરતું હતું. એક સદીથી પણ ઓછા સમયમાં ઇંગ્લંડ ત્રણસો ટકા વધુ રૂની આયાત કરતું હતું. આ પરથી ઇંગ્લંડમાં ૧૮મી સદીના અંત લગીમાં અને ૧૯મી સદીના મધ્યભાગ લગીમાં સુતરાઉ કાપડનાં ઉદ્યોગ, ઉત્પાદન અને વ્યાપારના વિકાસનો ક્યાસ કાઢી શકાય છે. ઇંગ્લંડ પૂર્વે ગરમ કાપડની નિકાસ કરતું હતું એથીય વિશેષ હવે સુતરાઉ કાપડની નિકાસ કરતું હતું, સવિશેષ ગરમ દેશોમાં. ઇંગ્લંડની કુલ નિકાસની ચાલીસ ટકા નિકાસ સુતરાઉ કાપડની નિકાસ હતી. પછી ગરમ કાપડનાં ઉદ્યોગ અને ઉત્પાદન માટેનાં કાંતણ-વણાટનાં આવાં અનેક યંત્રોનું સર્જન થયું. ત્યારે ગરમ કાપડનાં ઉદ્યોગ અને ઉત્પાદનને પૂર્વે થયો હતો એથીયે વિશેષ વિકાસ થયો. એથી હવે ઇંગ્લંડ ઊનની વધુ આયાત કરતું હતું અને ગરમ કાપડની પૂર્વે હતી એથીયે વિશેષ નિકાસ કરતું હતું. ઇંગ્લંડમાં સુતરાઉ કાપડ અને ગરમ કાપડનાં ઉદ્યોગ, ઉત્પાદન અને વ્યાપારનો વિકાસ થયો એની સાથે સાથે જ અન્ય યંત્રવિજ્ઞાનીઓએ વાહનવ્યવહારનાં અનેક સાધનોનું સર્જન કર્યું. ૧૭૬૧માં ડ્યુક ઑફ બ્રિજવૉટર અને જૅઈમ્સ બ્રિન્ડલીએ પ્રથમ વાર નહેરનું, ૧૭૬પમાં જ્હૉન મેટકાફે પ્રથમ સડકનું, ૧૭૭૯માં અબ્રાહમ ગલ્કિ અને જ્હૉન વિલ્કિન્સને પ્રથમ પુલનું, ૧૮૦૨માં લોર્ડ ડુન્ડ સ અને સિમિંગ્ટને પ્રથમ આગબોટ ‘શાર્લોટ ડુન્ડાસ'નું, ૧૮૧૩માં સ્ટીફન્સને પ્રથમ આગાડીનું સર્જન કર્યું. આ સાધનોની સાથે સાથે પૃથ્વી પર રાત્રિના સમયે પ્રકાશ માટે ૧૭૯૨માં વિલિયમ મેર્ડોકના ગૅસ લૅમ્પનું અને પૃથ્વીના પેટાળમાં પ્રકાશ માટે ૧૮૧૫માં ડેવીએ સેઈફ્ટી લૅમ્પનું સર્જન કર્યું. એથી સુતરાઉ કાપડ અને ગરમ કાપડનાં ઉદ્યોગ અને ઉત્પાદન ત્વરિત અને વિશેષ વિકાસ થયો.. પછી વળી અન્ય યંત્રવિજ્ઞાનીઓએ આ સાધનોનું વધુ સંશોધન, સંવર્ધન કર્યું. આ સૌ વાહનવ્યવહારનાં સાધનોનાં ઉદ્યોગ અને ઉત્પાદનનો આરંભ થયો અને ઉત્તરોત્તર એનો વિકાસ થયો. આ સાધનો દ્વારા સુતરાઉ કાપડ અને ગરમ કાપડનાં ભારે અસાધારણ ઉત્પાદનનું ત્વરિત સ્થળાંતર થયું એથી પણ સુતરાઉ કાપડ અને ગરમ કાપડનાં ઉદ્યોગ, ઉત્પાદન અને વ્યાપારને ત્વરિત અને વિશેષ વિકાસ થયો. એથી ઇંગ્લંડ સુતરાઉ કાપડ અને ગરમ કાપડની વધુ નિકાસ કરતું થયું અને રૂ અને ઊનની વધુ આયાત કરતું થયું. આ આયાત અને નિકાસને કારણે ઇંગ્લંડના વ્યાપારને અકલ્પ્ય વિકાસ થયો. આ વ્યાપારને કારણે પરદેશોમાં, જગતના અનેક-શીત અને ઉષ્ણ બન્ને પ્રકારના પ્રદેશમાં, પૃથ્વીના પાંચ ખંડોમાં – ટ્રેલિયા, એશિયા, આફ્રિકા, કૅનેડા-અમેરિકા, દક્ષિણ અમેરિકામાં અનેક દેશોમાં, અનેક સંસ્થામાં ઇંગ્લંડનું આર્થિક અને પછીથી આર્થિકને કારણે રાજકીય વર્ચસ્ અનિવાર્ય થયું. ઇંગ્લંડ મનુષ્યજાતિના ઇતિહાસમાં મહાનમાં મહાન-મન સામ્રાજ્યથી પણ વિશેષ મહાન સામ્રાજ્ય થયું. નેપોલિયને ઇંગ્લંડને ‘a nation of shopkeepers – વ્યાપારીઓનું રાષ્ટ્ર કહ્યું એમાં કંઈક તથ્યાંશ હતું. જોકે એણે વ્યાપારીઓની સાથે સાથે નાવિકોનું, સૈનિકનું અને વિશેષ તો અનેક કારખાનામાં અણેરાત કાર્યરત એવાં કારીગરોનું મરણ ન કર્યું એથી તો એનો પરાજ્ય થયો. ઇંગ્લંડ, આગળ જોયું. તેમ, કોલસાની ભૂગર્ભ સંપત્તિમાં અત્યંત સમૃદ્ધ હતું. યુરોપના કોઈ પણ રાજ્યમાં કોલસાની ભૂગર્ભ સંપત્તિ ન હતી. એથી યુરોપ વરાળશક્તિનો ઉપયોગ કરી શકયું નહીં. એથી જગતના કે યુરોપના કોઈ પણ રાજ્યમાં ઔદ્યોગિક ક્રાંતિને જન્મ ન થયો, એકમાત્ર ઇંગ્લંડમાં જ થયો. હવે પછી જોઈશું તેમ, અન્ય શક્તિઓ – વિદ્યુતશક્તિ તેલશક્તિ, વાયુશક્તિ – ની શોધ પછી જ યુરોપમાં અને ત્યારપછી અમેરિકા અને એશિયામાં ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ થયો. ત્યાં લગી સમૃદ્ધિ માં અને સત્તામાં ઇંગ્લંડ જગતનું સર્વશ્રેષ્ઠ રાજ્ય હતું, ઇંગ્લંડ એકમેવ અદ્વિતીયમ્ એવું ઔદ્યોગિક રાજ્ય હતું. ઇંગ્લંડમાં જે ઉદ્યોગ, ઉત્પાદન, વ્યાપાર, આયાત, નિકાસ, સમૃદ્ધિ, સંસ્થાનો આદિ હતાં એનો અધઝાઝેશે યશ કોલસાને છે. એથી કોલસો Black Gold – શ્યામ સુવર્ણને નામે પ્રસિદ્ધ થયો કહેવું હોય તો કહી શકાય કે ભારતવર્ષની પરાધીનતાનો જન્મ ઇંગ્લંડની કોલસાની ખાણામાંથી થયો હતો. ઔદ્યોગિક ક્રાંતિના વિદ્વાનો અને વિવેચકો માને છે કે ઔદ્યોગિક ક્રાંતિ ઉદ્યોગ અને ઉત્પાદનની શક્તિ અને એનાં યંત્રો એટલે કે ચાલકયંત્ર – વરાળયંત્ર અને અન્ય યંત્રો તથા વાહનવ્યવહારનાં, સ્થળાંતરનાં સાધનોથી યે વિશેષ તો ઉદ્યોગ, ઉત્પાદન, આયાત, નિકાસ, વ્યાપારની એટલે કે મૂડી, રોકાણ, ધિરાણ, વેચાણની વ્યવસ્થાની સરજત છે. ટૂંકમાં, ઔદ્યોગિક ક્રાંતિ એ યંત્રથીયે વિશેષ જો તંત્રની, અર્થતંત્રની સરજત છે. યંત્ર હોત પણ જો તંત્ર ન હોત તો ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ થયો હતો? ગ્રીક સમાજમાં યંત્ર હતું પણ તંત્ર ન હતું એથી ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ થયો ન હતો. (આ સંદર્ભમાં સામો પ્રશ્ન પૂછી શકાય કે તંત્ર હોત પણ જો યંત્ર ન હેત તે ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ થયો હોત?) જે. બ્રૉનોસ્કી એમના પ્રસિદ્ધ પુસ્તક ‘The Western Intellectual Tradition’ (પશ્ચિમની બૌદ્ધિક પરંપરા)માં કહે છે, ‘...inventions were not the core and crux of that revolution. For the essential change which the Industrial Revolution brought was not in machines but in method. The Industrial Revolution was only incidentally a change in industrial techniques, it was more profoundly a change in industrial organization' (શોધો એ ક્રાંતિનું હાર્દ કે અંતસ્તત્ત્વ ન હતું, કારણ કે ઔદ્યોગિક ક્રાંતિથી જે તાત્ત્વિક પરિવર્તન થયું તે યંત્રમાં નહીં પણ પદ્ધતિમાં થયું. ઔદ્યોગિક ક્રાંતિમાં ઉત્પાદનનાં સાધનોમાં જે પરિવર્તન થયું તે ગૌણ હતું, પણ ઉત્પાદનની પદ્ધતિમાં જે પરિવર્તન થયું તે ગહન હતું). પછી એ જ પુસ્તકમાં કહે છે, ‘This change was not brought about by any single factor: for example, it was not simply brought about by new inventions. Like all great movements of history, it has no single explanation. It was the result of the interplay of many factors, some small in themselves, whose cumulative weight combined to overbalance the traditional way of making things so that it became modern industry.' (આ પરિવર્તન કોઈ એક જ પરિબળને કારણે થયું ન હતું. ઉદાહરણ રૂપે, માત્ર નવી શોધોને જ કારણે આ પરિવર્તન થયું ન હતું. ઇતિહાસનાં સૌ મહાન પરિવર્તનની જેમ આને માટે પણ કોઈ એક જ ખુલાસો નથી. અનેક પરિબળોની પરસ્પર અસરનું આ પરિણામ હતું. એમાંનાં કેટલાંક પરિબળોમાંથી પ્રત્યેક સ્વયં ભલે અલ્પ હોય પણ એ સૌના સામૂહિક બળથી ઉત્પાદનની પરંપરાગત પદ્ધતિમાં એવું તે પરિવર્તન થયું કે પરિણામે એમાંથી આધુનિક ઉદ્યોગ થયો.) આ ઔદ્યોગિક ક્રાંતિ મનુષ્યજાતિના ઇતિહાસમાં, અને યંત્રવિજ્ઞાનના ઇતિહાસમાં પણ, પાંચેક હજાર વર્ષ પૂર્વેની કૃષિક ક્રાંતિ પછીની મહાનમાં મહાન ઘટના છે, કદાચને કૃષિક ક્રાંતિથીયે વધુ મહાન ઘટના છે. એનો ઇતિહાસ સંકુલ ન હોય તો જ નવાઈ! આવી ક્રાંતિ અનિવાર્યપણે અનેક પરિબળોનો પરિપાક હોય! આ વ્યવસ્થા અથવા તંત્ર, અર્થતંત્રને કારણે મનુષ્યમાં, સમાજમાં, સંસ્કૃતિમાં, સમસ્ત મનુષ્યજાતિના સમગ્ર જીવનમાં – આર્થિક, રાજકીય, સામાજિક, આધ્યાત્મિક જીવનમાં આમૂલ પરિવર્તન થયું એથી જ એને ક્રાંતિનું નામ આપવું રહ્યું! (ઔદ્યોગિક ક્રાંતિ’ એવો શબ્દપ્રયોગ – પ્રથમ વાર ફ્રેન્ચ લેખક લુઈ સાગસ્ત બ્લાંકીએ ૧૮૩૭માં કર્યો હતો, પછી આર્નલ્ડ ટોઇન્બીએ ૧૮૮૪માં કર્યો હતો અને ત્યાર પછી જૅવન્સ, ઍન્ગલ્સ, માસ આદિએ કર્યો હતો.) એથી જ ક્રાંતિ શબ્દ સાર્થ થાય છે. આર. જે. ફૉર્બ્સ ‘Britannica. Perspectives’ (બ્રિટાનિકા પરિપ્રેક્ષ્યો)માં એમના નિબંધ ‘The Technological Order’ (યંત્રવૈજ્ઞાનિક રચના)માં કહે છે, ‘From a social point of view, however, the changes during the period from ૧૭૩૦ to ૧૮૮૦, dramatic in their strange medly of good and evil, often tragic in their combination of material progress and social suffering, might indeed be described as revolutionary.’ (સામાજિક દૃષ્ટિથી, જો કે, ૧૭૩૦થી ૧૮૮૦ લગીમાં પરિવર્તનોને, એમાંના સદ્ અને અસદ્નાં મિશ્રણને કારણે નાટ્યાત્મક તથા એમાંના ભૌતિક વિકાસ અને સામાજિક વેદનાના મિશ્રણને કારણે કરુણ એવાં પરિવર્તનોને સાચે જ ક્રાંતિકારી એવું નામ આપવું રહ્યું.) જે. બૉનોસ્કી એમના પૂર્વોક્ત પુસ્તકમાં આ ક્રાંતિનું વિગતે વર્ણન કરે છે અને કહે છે, ‘...the Industrial Revolution was more than a change in the system of production; it was also a revolution in the conditions of life for entire sections of society. The main social development was in the creation of a new locus for an increasing number of people--the factory and the city. More and more, men spent their working hours in the factory and their leisure hours in the crowded streets and tenements of the city. These tremendous changes in the conditioni of life had profound repercussions in the thought of the time. In addition to the newly created proletariat, an older class had become more important : the middle class, their power visible in the Refrom Bill of ૧૮૩૨ which, in effect first gave the middle class a voice in public voting and affairs. A new man, the Captain of Industry, became a hero. Most important... these people had new ideas and values and new sensibility entered into and began to change the arts, the literature, and the thought of the period. The Industrial Revolution changed Western man from head to foot, and thence more deeply from head to heart.' (ઔદ્યોગિક ક્રાંતિ એ માત્ર ઉત્પાદનની પદ્ધતિમાં જ પરિવર્તન ન હતું. એમાં એથી કંઈક વિશેષ હતું. સમાજના આખા ને આખા સમૂહના જીવનની સ્થિતિમાં એ ક્રાંતિ હતી. વધુ ને વધુ સંખ્યામાં મનુષ્ય માટે એક નવી કર્મભૂમિનું, કારખાના અને નગરનું સર્જન એ એમાંનું મુખ્ય સામાજિક પરિવર્તન હતું. અસંખ્ય મનુષ્યો એમના કામના કલાકો કારખાનામાં અને એમના ફુરસદના કલાકો નગરના ગીચ માર્ગોમાં અને વસવાટમાં વિતાવતા હતા. જીવનશૈલીમાં આ અસાધારણ પરિવર્તનોની તે સમયના ચિંતન પર ગહન અસર હતી. આ નવા કારીગરવર્ગ ઉપરાંત એક જૂનો વર્ગ પણ વધુ મહત્ત્વનો થયો – મધ્યમવર્ગ, ૧૮૩૨ના Reform Bil – સુધારણા ધારામાં એની મહત્તાનું દર્શન થાય છે. એ દ્વારા જાહેર મતદાન અને અન્ય પ્રવૃત્તિઓમાં એને પ્રભાવ હતો. એક નવા પ્રકારને મનુષ્ય, ઉદ્યોગને કપ્તાન એ હવે વીરનાયક થયો. સૌથી વધુ મહત્ત્વનું તો...આ સૌ મનુષ્યો પાસે નવા વિચારો અને નવાં મૂલ્યો હતાં. કળામાં, સાહિત્યમાં અને તે સમયના ચિંતનમાં એક નવા પ્રકારની સંવેદનાએ પ્રવેશ કર્યો,. અને એથી એ સૌમાં પરિવર્તન થયું. ઔદ્યોગિક ક્રાંતિએ પશ્ચિમના મનુષ્યને પ્રથમ પગથી માથા લગી અને પછી વધુ તાત્ત્વિકપણે બુદ્ધિથી હૃદય લગી પલટી નાંખ્યો. ઇંગ્લંડ ૧૮મી સદીના મધ્યભાગમાં, આગળ જોયું તેમ, જગતનું સૌથી વધુ સમૃદ્ધ રાજ્ય હતું. વ્યાપારમાં અને સત્તામાં સર્વોપરી હતું. અનેક વ્યક્તિઓ, વ્યાપારી વર્ગો, કંપનીઓ પાસે અઢળક ધન હતું; મૂડી, રોકાણ, ધિરાણ, વેચાણ આદિ વ્યાપારનું તંત્ર હતું. પરદેશમાં સંસ્થાનો હતાં, એમાં વિશાળ બજાર હતાં, એમાં એમનું વર્ચસ્ હતું. આ વ્યક્તિઓ, વ્યાપારી વર્ગો, કંપનીઓને એમનું ધન ઉદ્યોગ અને ઉત્પાદનમાં રોકવાની ઇચ્છા અને ઉત્કંઠા હતી, એમની મૂડી વ્યાપારમાં રોકવાનો રસ અને ઉત્સાહ હતો. સૌથી વિશેષ તો પરદેશમાં સંસ્થાનોમાં વિશાળ બજારો હતાં એથી ભારે અસાધારણ ઉત્પાદન કરવું આવશ્યક હતું, બલકે અનિવાર્ય હતું. અને ઇંગ્લંડમાં વિપુલ પ્રમાણમાં કોલસો અને લોખંડ તથા અસંખ્ય યંત્રો હતાં, હવે પછી જોઈશું તેમ, શોધ, સંશોધન અને સુધારણાને કારણે કૃષિમાં સમૃદ્ધિ હતી, વસ્તીમાં વૃદ્ધિ હતી એ કારણે અસંખ્ય મનુષ્ય કારખાનામાં કારીગર તરીકે કામ કરવાને સુલભ હતાં એથી ભારે અસાધારણ ઉત્પાદન કરવું શકય હતું. એથી ૧૭મી સદીમાં જેમાં unlimited liability-અમર્યાદિત સાહસ, partners – ભાગીદારો અને અલ્પસંખ્ય વ્યવસ્થાપકો હોય એવી જે કંપનીઓ હતી એને સ્થાને હવે જેમાં limited liability-મર્યાદિત સાહસ, shareholders – હોલ્ડરો અને બહુસંખ્ય વ્યવસ્થાપકો હોય એવી કંપનીઓ અસ્તિત્વમાં આવી. રાજ્યે ૧૮૫૫, ૧૮૫૮, ૧૮૬૨, ૧૮૬૭માં કંપનીધારો કર્યો. બહુસંખ્ય પણ લઘુક કંપનીઓને સ્થાને અપસંખ્ય પણ વિશાળ કંપનીઓ અસ્તિત્વમાં આવી. પરિણામે વ્યાપારની નવી પદ્ધતિ અસ્તિત્વમાં આવી. ઉદ્યોગ, ઉત્પાદન, આયાત, નિકાસ, વ્યાપાર પર, અર્થતંત્ર પર Individuals-વ્યક્તિઓ, Capitalists-મૂડીવાદીઓ અને Captains of Industry-ઉદ્યોગપતિઓનું વર્ચસ હતું અને રાજ્યતંત્ર પર અર્થતંત્રનું વર્ચસ્ હતું. આમ, ૧૬મી, ૧૭મી સદીની જેમાં અર્થતંત્ર પર રાજતંત્રનું વર્ચસ્ હોય એવી Mercantile System-વ્યાપારપદ્ધતિનો અંત આવ્યો. આ વ્યક્તિઓનું, મૂડીવાદીઓનું, ઉદ્યોગપતિઓનું એકમાત્ર ધ્યેય હતું નફો, ફાવે છે તેટલો નફો; ફાવે તેમ નફો; નફો, નફો ને નફો. એમાં કંપની અને એના શેરહોલ્ડરોની નિયુક્તિથી Manager – સવેતન સંચાલકનું પદ અસ્તિત્વમાં આવ્યું અને નફો એ કંપનીઓનું એકમાત્ર ધ્યેય હતું એથી મૂડીવાદીઓ અને કારીગરો વચ્ચે સંબંધ જે ભૂતકાળમાં મુખ્યત્વે પ્રત્યક્ષ, અંગત, દયાભર્યો, પ્રેમભર્યો, માનવતાભર્યો હતો તે હવે મુખ્યત્વે અપ્રત્યક્ષ, બિનઅંગત, નિષ્ઠુર, ક્રૂર, અમાનુષી થયો, એથી લાંબી મજૂરી (અને સ્ત્રીઓ તથા બાળકોની તે કારમી, કાળી લાંબી મજરી) ને ટૂંકું વેતન; નીચી છત ને નહીંવત્ નાની બારીઓનાં અંધિયાર, બંધિયાર કારખાનાંઓ; ગંદા લત્તાઓ અને ગીચ વસ્તીમાં ભાંગ્યાંતૂટ્યાં ઘરો; અજ્ઞાન, રોગ, દરિદ્રતા આદિ દ્વારા નરક જેવી નગરીઓમાં અનેક પાપો દ્વારા અસંખ્ય મનુષ્યનું અનેક વર્ષો લગી શોષણ-ભક્ષણ થયું. વળી રાજ્યે ૧૫૬૩માં કારીગરોની કાર્યક્ષમતા અને સુરક્ષિતતા તથા એમના વેતનના ધોરણ અંગે જે Statute of Artificers or Apprenticeship – કારીગરધારો કર્યો હતો તે ઔદ્યોગિક ક્રાંતિ પછી ઉદ્યોગ, ઉત્પાદન અને વ્યાપારની સંકુલતાને કારણે અને સમકાલીન મુક્ત વ્યાપાર (Laissez Faire Trade)ના વિચારના પ્રભાવને કારણે ૧૮૧૩માં એમનો વેતનના પ્રમાણ અંગેને ભાગ દૂર કરીને અને ૧૮૧૪માં કારીગરોની કાર્યક્ષમતા અને સુરક્ષિતતા અંગેના ભાગ પર દૂર કરીને અંતે સંપૂર્ણપણે દૂર કર્યો એથી મૂડીવાદીઓ માટે સરકાર કારીગરોનું આ શોષણ-ભક્ષણ કરવાનું સરળ થયું. ઇંગ્લંડ, આ જ સમયમાં, ૧૭૭૫થી ૧૮૧૫ લગી મનુષ્યજાતિના ઇતિહાસમાં ત્રણ મહાન અનુભવોમાં પ્રત્યક્ષ કે પરોક્ષપણે સક્રિય હતું, અમેરિકાનું સ્વાતંત્ર્યયુદ્ધ (૧૭૭૫-૧૭૮૩), ફ્રાન્સની ક્રાંતિ (૧૭૮૯) અને નેપોલિયનનું યુદ્ધ (૧૭૮૩-૧૮૧૫). યુદ્ધોને કારણે રાજ્યને ધનની ભારે જરૂર હતી એથી એ મૂડીવાદીઓની વિરુદ્ધ અને કારીગરોને પક્ષે કશુંય કરે એ અશક્ય હતું. ફ્રાન્સની ક્રાંતિમાં ફ્રાન્સની પ્રજાએ ફ્રાન્સનાં રાજા રાણી અને મૂડીવાદીઓને નાશ કર્યો હતો એની અસરમાં ઇંગ્લંડની પ્રજાની એવી કોઈ ક્રાંતિની શક્યતાને કારણે ઇંગ્લંડનાં રાજા, રાણી અને મૂડીવાદીઓ ભારે ભય અને ભીરુતાથી અત્યંત સભાન અને સજાગ હતાં. અને એમની સુરક્ષિતતા વિશે સક્રિય હતાં. એથી પણ રાજ્ય મૂડીવાદીઓની વિરુદ્ધ અને કારીગરોને પક્ષે કશુંય કરે એ અશકય હતું. ઊલટાનું રાજ્યે ૧૭૯૮-૯૯ – ૧૮૦૦માં કારીગરોની વિરુદ્ધ Combinations Act–સભાબંધીનનો ધારો કર્યો હતો. ૧૮૦૧ અને ૧૮૧૯માં કારીગરોને પક્ષે Factory Act – કારખાના ધારો કર્યો તો હતો પણ એ ન કર્યા જેવો કર્યો હતો, એ તદ્દન બિનઅસરકારક હતો. ૧૮૧૯માં કારીગરોની વિરુદ્ધ Peterloo Massacre–પીટર્લૂની હિંસાનું ક્રૂર કર્મ પણ કર્યું હતું. ઇંગ્લંડમાં ૧૭૬૦ની આસપાસ ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ અને ૧૮૨૦ની આસપાસ આગગાડી અને આગબોટના ત્વરિત ગતિના વાહનવ્યવહારનો આરંભ – આ બન્નેની વચ્ચેના સમયમાં ૧૭૬૫માં સિત્તેર લાખ પાઉન્ડની, ૧૮૩૦માં પાંચસો લાખ પાઉન્ડની આયાત હતી અને ૧૭૬૦માં એકસો ચાલીસ લાખ પાઉન્ડની, ૧૭૯૩માં ત્રણસો વીસ લાખ પાઉન્ડની, ૧૮૧૫માં પાંચસો એંસી લાખ પાઉન્ડની નિકાસ હતી. આ પરથી ૧૭૬૦ અને ૧૮૨૦ની વચ્ચેના સમયમાં ઇંગ્લંડમાં ઉદ્યોગ, ઉત્પાદન, આયાત, નિકાસ, વ્યાપાર અને નફાખોરીનો ક્યાસ કાઢી શકાય છે. ઇંગ્લંડમાં ૧૭૭૬થી ૧૮૪૮ લગી ફ્રાન્સના ૧૮મી સદીના Les Economistes – અર્થશાસ્ત્રીઓ જેમને પછીથી થ્યુ પોં દ નમુરે Physiocrats – પ્રકૃતિવાદીઓ કહ્યા તેમના Phusiocracy – પ્રકૃતિવાદના, ‘Nature Order’ – ‘પ્રકૃતિક્રમ’ના અને જેનો બ્વાગીલ્બર્તે પ્રથમ શબ્દપ્રયોગ કર્યો તે ‘Laisex Faire, Laissez Passer’ (‘Let Be’) ‘ફાવે તેમ કરવા દો’ના સિદ્ધાન્તોની અસરમાં અનેક Classical Economists – શિષ્ટ અર્થશાસ્ત્રીઓએ Political Economy – રાજકીય અર્થશાસ્ત્ર પરના પ્રભાવશાળી ગ્રંથોનું સર્જન કર્યું. ૧૭૭૬માં ઍડમ સ્મિથે ‘Wealth of Nations’ (રાષ્ટ્રોની સંપત્તિ), ૧૭૯૮માં ટૉમસ માલ્થસે ‘Essay on Population’ (વસ્તી પરનો નિબંધ), ૧૮૧૭માં ડેવિર રિકાર્ડોએ ‘Principles of Political Economy and Taxation’ (રાજકીય અર્થશાસ્ત્ર અને કરશાસ્ત્રના સિદ્ધાંતો), ૧૮૨૧માં જેઈમ્સ મિલે: ‘Elements of Political Economy' રાજકીય અર્થશાસ્ત્રનાં તત્ત્વો), ૧૮૨૫માં જે. આર મૅક્યુલોકે Principles of Political Economy' રાજકીય અર્થશાસ્ત્રના સિદ્ધાંતો), ૧૮૩૬માં નાસે સીનીઅરે ‘Political Economy’ (રાજકીય અર્થશાસ્ત્ર) અને ૧૮૪૮માં સ્ટુઅર્ટ મિલે Principles of Political Economy (રાજકીય અર્થશાસ્ત્રના સિદ્ધાંતો)–આ ગ્રંથમાં ‘Enlightened Self-Interest' ઉજ્જવ સ્વાર્થ અને The greatest happiness (good) to the greatest number – વધુમાં વધુ સંખ્યાના મનુષ્યોનું વધુમાં વધુ સુખ(કલ્યાણ)નું જીવનદર્શન હતું. એમાં પ્રત્યક્ષપણે વ્યક્તિવાદનો, મૂડીવાદનો પુરસ્કાર હતો. ઇંગ્લંડના ઔદ્યોગિક ક્રાંતિના વિશિષ્ટ સંદર્ભમાં Laissez Faire – ફાવે તેમ કરવા-ને અર્થ Free Trade – મુક્ત વ્યાપાર થયો. આ જ સમયે જૅરૅમી બૅન્થામે ૧૭૮૭માં ‘A Defence of Usury’ (વ્યાજવટાને બચાવ) અને ૧૭૮૯માં ‘Principles of Morals and Legislation’ (નીતિશાસ્ત્ર અને રાજ્યધારાશાસ્ત્રના સિદ્ધાંતો) – બે પ્રસિદ્ધ ગ્રંથનું સર્જન કર્યું. એમાં ઉપયોગિતાવાદનું જીવનદર્શન હતું. એમાં પરોક્ષપણે વ્યક્તિવાદનો, મૂડીવાદનો પુરસ્કાર હતો. આ જીવનદર્શનનો, મુક્ત વ્યાપાર અને ઉપાયોગિતાવાદના વિચારોને તત્કાલ પ્રબળ પ્રભાવ હતો. આ જીવનદર્શનનું, મુક્ત વ્યાપાર અને ઉપયોગિતાવાદના આ વિચારોને વ્યક્તિવાદીઓએ, મૂડીવાદીઓએ, ઉદ્યોગપતિઓએ વર્તનમાં રૂપાંતર કર્યું. એમાં આ વિચારોની નરી વિકૃતિ હતી. આ વિકૃતિને પરિણામે અર્થતંત્ર પર રાજ્યતંત્રનું વર્ચસ્ ન હોય, ન હોવું જોઈએ; અર્થતંત્રમાં રાજ્યનાં ધારાધોરણો, નીતિનિયમોની બાધા ન હોય, ન હોવી જોઈએ; અર્થતંત્રમાં આયોજન, નિયોજન. – નિયમન, નિયંત્રણનો વિક્ષેપ ન હોય, ન હોવો જોઈએ એવો વ્યક્તિવાદીઓનો, મૂડીવાદીઓનો, ઉદ્યોગપતિઓનો અત્યાગ્રહ, દુરાગ્રહ થયો. વ્યક્તિવાદીઓએ, મૂડીવાદીઓએ, ઉદ્યોગપતિઓએ, કારીગરોના શોષણ-ભક્ષણ દ્વારા નફાખોરી માટે આ જીવનદર્શનનો, મુક્ત વ્યાપાર અને ઉપયોગિતાવાદના આ વિચારોનો ઉપયોગ-કહો કે દુરુપયોગ કર્યો. Laissez Faire-મુક્ત વ્યાપારના વિચારની આ વિકૃતિને પરિણામે વ્યક્તિવાદીઓ, મૂડીવાદીઓ, ઉદ્યોગપતિઓ અને કંપનીઓમાં સંકુચિતતા અને સ્વાર્થને જન્મ થયો અને પરસ્પર સંઘર્ષ અને સ્પર્ધાનો આરંભ થયો. એના વિકલ્પમાં અથવા પ્રતિકારમાં ૧૮૪૪માં શેશડેઈલમાં Co-Operative Society – સહકારી સમાજની પ્રવૃત્તિનો આરંભ થયો, ૧૮૬૪માં માન્ચેસ્ટરમાં Co-Operative Wholesale Society-વિશાળ સહકારી સમાજ, ૧૮૬૯માં Co-Operative Congress – સહકારી મહાસભા અને Co-Operative Union-સહકારી! સંયુક્ત સમાજ અને ૧૮૭૬માં સહકારી સમાજ અંગેનો ધારો આદિ દ્વારા આ પ્રવૃત્તિનો વિકાસ થયો એટલી એ સફળ હતી. જ્યારે ૧૮૪૮થી રૉબર્ટ ઑવૅનની પ્રેરણાથી અને પછીથી Christian Socialists ખ્રિસ્તી સમાજવાદીઓના પ્રયત્નથી ઉત્પાદન માટેની આવી જ સહકારી સમાજની પ્રવૃત્તિને આરંભ થયો હતો. તેને ૧૮૫૫ લગીમાં તો અંત આવ્યો એથી એ નિષ્ફળ હતી. ૧૮૩૨માં Reform Bill-સુધારણા ધારો અને ૧૮૬૮માં Reform Act-સુધારણા ધારો થયો. એથી આજ લગી રાજ્યતંત્રમાં ગ્રામપ્રદેશના જમીનદારોનું ઔદ્યોગિક ક્રાંતિ પૂર્વે જે સ્વાભાવિક વર્ચસ્ હતું એને સ્થાને નગરોના મધ્યમવર્ગનું અને મૂડીવાદીઓનું, ઉદ્યોગપતિઓનું વર્ચસ થયું. એમને મતાધિકાર અને પાર્લામેન્ટમાં પ્રતિનિધિત્વ પ્રાપ્ત થયાં. આ ધારાથી કારીગરોને પણ મતાધિકાર અને પ્રતિનિધિત્વ પ્રાપ્ત થશે એવી આશા અને અપેક્ષા હતી, પણ એમને કશું જ પ્રાપ્ત ન થયું. એથી એમનામાં અને એમના નેતાઓમાં ભારે નિરાશા અને આ નિઃસહાયતા હતી, રોષ પણ હતો. આ ધારાથી નગરોનો મધ્યમવર્ગ કારીગરોના ભયમાંથી મુક્ત થયો, સુરક્ષિત થયો. એક જૅરેમી બૅન્યામનું સુખ–આનંદનું, ઉપયોગિતાનું જીવનદર્શન જેમાં સાકાર થયું હતું એ Petite (Petty) Boureois-બુર્ઝવા -મધ્યમવર્ગનો સંકુચિત સમાજ, એનાં દંભી મૂલ્યો, એની ભીરુ, એની ભીરુ સંસ્કૃતિ અસ્તિત્વમાં આવ્યાં. Laissez Faire-મુક્ત વ્યાપારના વિચારની આ વિકૃતિને પરિણામે, હવે પછી જોઈશું તેમ, રાજ્ય વ્યક્તિવાદીઓ, મૂડીવાદીઓ, ઉદ્યોગપતિઓની વિરુદ્ધ અને કારીગરોને પક્ષે ભાગ્યે જ ઝાઝું કંઈ કરી શકયું. કારીગરોના અસહ્ય અને અનિર્વચનીયા શોષણ-ભક્ષણના આ સમયમાં રાજ્ય ભાગ્યે જ એના ધર્મનું પાલન કરી શક્યું. કારીગરો અને એમના અનેકવિધ નેતાઓનો કામના વાજબી કલાકો, વેતનનું વાજબી પ્રમાણ, કારીગરોનું વાજબી વય, કારખાનામાં અને ઘરોમાં અનુકૂળ વાતાવરણ, આરોગ્ય, શિક્ષણ આદિ અસંખ્ય પ્રશ્નોના ઉત્તર માટે પ્રયત્ન અને પુરુષાર્થનો આ સમયમાં સતત રહ્યો હતે. ૧૮૩૩થી Trade Union-મહાજન અંગે રાજ્યે ધારો કર્યો ત્યાં લગીમાં કાપડઉદ્યોગ અને અન્ય ઉદ્યોગોનાં કારખાનાઓ અંગે કુલ બાર ધારાઓ, આરોગ્ય અંગે એક ધારે, શિક્ષણ અંગે એક ધારો, એમ કારીગરોને શેષણ-ભક્ષણમાં રાહત અને રક્ષણ આપવા રાજ્ય કશુંક કર્યું પણ તે ન–જીવું નહીં તે ન–જેવું તે હતું જ. એમાં માત્ર કારીગરોના-સવિશેષ તે સ્ત્રીઓ અને બાળકોના–કામના વાજબી કલાકો અને કારીગરોના વાજબી વયના પ્રશ્નોનો કંઈક ઉત્તર હતો, પણ કારીગરોના વેતનના વાજબી પ્રમાણનો પ્રશ્ન, સૌ પ્રશ્નોના પ્રશ્ન જેવો આ પ્રશ્ન તો અનુત્તર જ રહ્યો હતો. કારીગરો અને એમના અનેકવિધ નેતાઓનો Trade Unionism-મહાજન પ્રવૃત્તિ અને Chartism-મતાધિકાર પ્રવૃત્તિના પ્રશ્નો, પાર્લામેન્ટમાં પ્રતિનિધિત્વના પ્રશ્નો, સામાજિક ન્યાયના પ્રશ્નોના ઉત્તર માટે પ્રયત્ન અને પુરુષાર્થ આ સમયમાં સતત રહ્યો હતો. પણ એ અર્ધસફળ, બલકે કહો જે અસફળ રહ્યો હતો, કારીગરોના વેતનના વાજબી પ્રમાણ અંગે રાજ તો કોઈ ધારો ન કર્યો. વળી ૧૮૩૨માં રાજ્ય જે Reform Bill – સુધારણા ધારો કર્યો એમાં પણ કારીગરો અંગે કશું જ ન કર્યું. એથી ૧૮૩૪માં રાજ્યે પૂર્વે ૧૮૦૧માં પ્રથમ વાર અને પછી અવારનવાર જે કર્યો હતો તે Poor Law–અકિંચન ધારો કર્યો, એમાં મૂડીવાદીઓ કારીગરોને વેતનનું વાજબી પ્રમાણ ન આપે તો રાજ્યે કારીગરોને આર્થિક સહાય આપવી એવો નિર્ણય હતો. આ ધારો સૂઝસમજ વિનાનો હતો, એમાં બુદ્ધિનો ઉપયોગ ન હતો. એથી કારીગરોને ભારે ગેરલાભ થયો અને મૂડીવાદીઓને ભારે લાભ થયો. વેતનનું પ્રમાણ નીચું હોય તો રાજ્ય કારીગરોને આર્થિક સહાય કરે એમાં રાજ્યને શિરે ભાર રહ્યો, કારીગરોને વેતનના વાજબી પ્રમાણનો અધિકાર સિદ્ધ ન થયો અને મૂડીવાદીઓએ વેતનના વાજબી પ્રમાણ અંગે કશું જ ન કર્યું. વેતનનું પ્રમાણ નીચું હતું તે નીચું જ રહ્યું. આમ, મૂડીવાદીઓને કારીગરોનું શોષણ-ભક્ષણ કરવાનું સરળ રહ્યું. ઇંગ્લંડમાં નેપોલિયનના યુદ્ધ પછીને સમય યુદ્ધોત્તર શિથિલતાનો, Great Depression-મહાન મંદીનો સમય હતો, એથી રાજ્યતંત્ર અને અર્થતંત્ર માટે એક અર્થમાં આ વિકટતાને અને વિષમતાનો સમય હતો. એથી પણ રાજ્ય મૂડીવાદીઓની વિરુદ્ધ અને કારીગરોને પક્ષે કશુંય કરે એ અશક્ય હતું. ૧૮૨૦ની આસપાસ ઇંગ્લંડમાં આગગાડી અને આગબોટના ત્વરિત ગતિના વાહનવ્યવહારનો આરંભ થયો. એથી ઉદ્યોગ, ઉત્પાદન, આયાત, નિકાસ, વ્યાપારમાં ભારે અસાધારણ વિકાસ થયો. અને એમ રાજ્યતંત્ર અને અર્થતંત્ર આ વિકટતાના અને વિષમતાના સમયને અતિક્રમી જવામાં સફળ થયાં, ૧૫મી સદીથી, વધુ પ્રમાણમાં ૧૬૮૯થી અને છેલ્લે ૧૮૧૫માં રાજ્ય કૃષિકારોની સુરક્ષિતતા અને અન્નના ભાવની સમતુલા અથે Corn Law – અન્નધારો કર્યો હતો તે મૂડીવાદીઓએ ૧૮૪૬માં દૂર કરાવ્યો. એથી જમીનદારો અને ઉદ્યોગપતિ – મૂડીવાદીઓ વચ્ચે સંઘર્ષ થયો. પણ એથી અન્નનો ભાવ નીચે આવ્યો. પરિણામે કારીગરોના વેતનનું પ્રમાણ નીચું આવ્યું. આમ અન્ન સસ્તું એટલે ઉત્પાદન સસ્તું થયું એથી ઉદ્યોગ અને ઉત્પાદનમાં વિકાસ થયો. ૧૩૮૧થી, વધુ પ્રમાણમાં ૧૫મી, ૧૬મી સદીમાં રાજ્યે Navigation Act – નૌકાધારો કર્યો હતો તે મૂડીવાદીઓએ ૧૮૪૯માં દૂર કરાવ્યો. આ Laissez Faire – મુક્ત વ્યાપારનો સર્વશ્રેષ્ઠ વિજય હતો, એના વિજયની પરાકાષ્ઠા હતી. ઇંગ્લંડમાં આગગાડી, નહેર, પુલ, રસ્તો આદિ પ્રત્યેક વાહનવ્યવહાર પર તો મૂડીવાદીઓનું વર્ચસ્ હતું જ. હવે આગબોટ પર પણ મૂડીવાદીઓનું વર્ચસ્ થયું. એથી ઉત્પાદનનું ત્વરિત સ્થળાંતર થયું અને આયાત, નિકાસ, વ્યાપારને વિકાસ થયો. હજુ જગતમાં અન્યત્ર કયાંય કોલસાનો ઉદ્યોગ ન હતો અને એનું ઉત્પાદન ન હતું એથી ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ થયો ન હતો. અમેરિકા, ફ્રાન્સ અને યુરોપના અન્ય દેશોમાં અાંતરવિગ્રહ થયો હતો. જ્યારે ઇંગ્લંડમાં શાંતિ હતી, ઇંગ્લંડમાં આ સમય કૃષિનો સુવર્ણયુગ હતો. કૃષિમાં સમૃદ્ધિ હતી અને વસ્તીમાં વૃદ્ધિ હતી. એથી હજુ ઇંગ્લંડ ઔદ્યોગિક ક્રાંતિમાં, ઔદ્યોગિક વિકાસમાં, ઉદ્યોગ, ઉત્પાદન, આયાત, નિકાસ, વ્યાપારના વિકાસમાં એકમેવ અદ્વિતીયમ્ હતું. જગતભરનાં બજારમાં ઇંગ્લંડની સર્વોપરીતા હતી. એથી આ સમય એ Laissez Faire-મુક્ત વ્યાપારનો સુવર્ણયુગ હતો. ઇંગ્લંડમાં મૂડીવાદીઓની નફાખોરીની પરાકાષ્ઠા હતી, ચરમ સીમા હતી. ૧૮૫૧નું લંડનનું Great Exhibition – ઔદ્યોગિક મહાપ્રદર્શન એનું પ્રતીક છે. ઇંગ્લંડમાં ૧૮૨૦ની આસપાસ આગગાડી, આગબોટ આદિ ત્વરિત ગતિના વાહનવ્યવહારનો આરંભ અને ૧૮૮૦ની આસપાસ જગતમાં નવી શક્તિઓ – વિદ્યુત, વાયુ, તેલ – ની શોધ અને વધુ ત્વરિત ગતિના વાહનસંદેશાવ્યવહારનો આરંભ એ બન્નેની વચ્ચેના સમયમાં ૧૮૩૦માં પાંચ લાખ પાઉન્ડની, ૧૮૮૦માં ચાર હજાર લાખ પાઉન્ડની આયાત હતી અને ૧૮૧૫માં પાંચસો એંસી લાખ પાઉન્ડની, ૧૮૭૫માં બે હજાર છસો લાખ પાઉન્ડની નિકાસ હતી. આ પરથી ૧૮૨૦ અને ૧૮૮૦ની વચ્ચેના સમયમાં ઇંગ્લંડમાં ઉદ્યોગ, ઉત્પાદન, આયાત, નિકાસ, વ્યાપાર અને નફાખોરીને ક્યાસ કાઢી શકાય છે. ૧૮૮૦ની આસપાસ, હવે પછી જોઈશું તેમ, ઇંગ્લંડમાં, યુરોપમાં અને અમેરિકામાં નવી શક્તિઓ-વિદ્યુત, વાયુ, તેલ-ની શોધ, વધુ ત્વરિત ગતિના વાહનસંદેશાવ્યવહાર અને રસાયણવિજ્ઞાન, પદાર્થવિજ્ઞાન અને અન્ય વિજ્ઞાનોમાં વિકાસને કારણે જર્મની, અમેરિકા અને પછીથી યુરોપ અને એશિયાના અન્ય દેશોમાં ઔદ્યોગિક ક્રાન્તિનો જન્મ થયો. એથી જગતભરમાં અર્થકારણ, રાજ્યકારણ અને સમાજકારણ – સમગ્ર મનુષ્યજીવન ક્લિષ્ટ અને સંકુલ થયું. વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાનના આ વિકાસને કારણે અસંખ્ય પ્રકૃતિદત્ત પદાર્થોનું ત્વરિત પરિવર્તન અને ત્વરિત સ્થળાંતર થયું. અસંખ્ય પ્રકારના ઉદ્યોગો અસ્તિત્વમાં આવ્યા, ઉદ્યોગ, ઉત્પાદન, આયાત, નિકાસ, વ્યાપારનો વધુ ત્વરિત વિકાસ થયો. એથી વ્યક્તિઓ, મૂડીવાદીઓ અને ઉદ્યોગપતિઓની વચ્ચે પરસ્પર વધુ સંકુચિતતા અને સ્વાર્થનો જન્મ થયો, સંઘર્ષ અને સ્પર્ધાનો આરંભ થયો. પરિણામે હવે ઇંગ્લંડમાં વિશાળ કંપનીઓને સ્થાને Combines, Corporations, Cartels, Trusts – વિરાટ કંપનીઓ અસ્તિત્વમાં આવી. ઇંગ્લંડમાં આ જ સમયમાં ડાર્વિને ૧૮૫૮માં ‘Origin of Species’ (મનુષ્યની ઉત્પત્તિ) અને ૧૮૭૧માં ‘Descent of Man’ (મનુષ્યની ઉત્ક્રાંતિ) – જીવનવિજ્ઞાનના આ બે ગ્રંથોનું સર્જન કર્યું. એમાં કૉપનિક્સ, ગૅલિલિયો અને ન્યૂટનના પદાર્થવિજ્ઞાનના મહાન ક્રાંતિકારી વિચારો પછીનો સૌથી વધુ ક્રાંતિકારી વિચાર ‘Struggle for Existence’ (જીવન-સંઘર્ષ) અને ‘Survival of the Fittest' (ઉત્તમોનો ઉદ્ગારો) પ્રગટ થયો. એની હર્બર્ટ સ્પૅન્સર આદિના Social Darwinism-સામાજિક ડાર્વિનવાદમાં ડાર્વિનને સ્વપ્નમાં પણ આ જેની કલ્પના ન હતી, જે સહેજ પણ અભિપ્રેત ન હતી એવી વિકૃતિને કારણે મનુષ્ય મનુષ્ય વચ્ચે, વર્ગ વર્ગ વચ્ચે, જાતિ જાતિ વચ્ચે, સમાજ સમાજ વચ્ચે, સંસ્કૃતિ સંસકૃતિ વચ્ચે, સંઘર્ષ અને સ્પર્ધા છે એવો ભૌતિકવાદ અસ્તિત્વમાં આવ્યો. વળી યુરોપભરમાં આ જ સમયમાં પૂર્વે જેમ ૧૬મી સદીમાં થયો હતો તેમ રાષ્ટ્રવાદનો જન્મ થયો. ઇંગ્લંડમાં ૧૭૬૦ની આસપાસ ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ થયો, જ્યારે જર્મની અને અમેરિકામાં ૧૮૮૦ની આસપાસ ઔદ્યોગિક ક્રાંતિને જન્મ થયો. જર્મની અને અમેરિકા ઉદ્યોગ, ઉત્પાદન, આયાત, નિકાસ, વ્યાપારમાં પછાત હતાં. એમણે ઉદ્યોગ, ઉત્પાદન, આયાત, નિકાસ, વ્યાપારમાં ઇંગ્લંડની સમાન વિકાસ કરવો હોય તો ઇંગ્લંડે જે ગતિથી વિકાસ કર્યો હતો એથી અનેકગણી ગતિએ વિકાસ કરવો રહ્યો. એથી એમણે રાજ્યના રક્ષણ દ્વારા આ વિકાસ કર્યો. આમ, જર્મની અને અમેરિકામાં અર્થતંત્ર પર રાજ્યતંત્રનું વર્ચસ્ હતું. એથી હવે પૂર્વે જેમ ૧૬મી, ૧૭મી સદીમાં થયો હતો તેમ સત્તાખોરીનો જન્મ થયો. રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે સંકુચિતતા અને સ્વાર્થનો જન્મ થયો. સંઘર્ષ અને સ્પર્ધાને આરંભ થયો. યુરોપનાં રાજ્યો સંસ્થા સ્થાપવામાં પછાત હતાં. એથી હવે એમણે વ્યાપારનો વિકાસ કરવા, વિશાળ બજારો પ્રાપ્ત કરવા જગતભરમાં–સવિશેષ આફ્રિકામાં-સંસ્થાનો સ્થાપવાનો આરંભ કર્યો. મુક્ત વ્યાપારના સમયમાં ઇંગ્લંડ એના સામ્રાજ્ય પ્રત્યે, એનાં સંસ્થાનો પ્રત્યે ઉદાસીન રહ્યું હતું. એણે હવે એના સામ્રાજ્યનો મહિમા કર્યો, એનાં સંસ્થાનોનું મહત્ત્વ એણે આફ્રિકામાં નવાં સંસ્થાનો સ્થાપવાનો આરંભ કર્યો. પ્રસિદ્ધ અંગ્રેજ પ્રવાસ સાહસિક ડેવિડ લિવિન્ગ્સ્ટને ૧૮૪૯–૧૮૭૨નાં વર્ષોમાં આફ્રિકાના ‘અંધારમય આંતરપ્રદેશ’ – dark interior –નો પ્રવાસ કર્યો હતો. આ સંસ્થાનોમાં બજારોમાં વ્યાપાર અર્થે નવી કંપનીઓ અસ્તિત્વમાં આવી. ઇંગ્લંડનાં સંસ્થામાં, સામ્રાજ્યમાં અર્થતંત્ર પર રાજ્યતંત્રનું વર્ચસ્ થયું. ઇંગ્લંડમાં રાજ્યની સત્તાખોરીની પરાકાષ્ઠા હતી, ચરમ સીમાં હતી. જર્મની, અમેરિકા અને પછી યુરોપ, એશિયાના અન્ય દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી આંતરરાષ્ટ્રીય મૂડીવાદ અસ્તિત્વમાં આવ્યો. એથી રાષ્ટ્ર રાષ્ટ્રના મૂડીવાદીઓ વચ્ચે પરસ્પર સંકુચિતતા અને સ્વાર્થને જન્મ થયો, સંઘર્ષ અને સ્પર્ધાને આરંભ થયો. ઇંગ્લંડના મૂડીવાદીઓ ગત ગૌરવમાં રાચતા હતા. જૂની મૂડી પર નાચતા હતા. એમનામાં વધુ વિકાસ પ્રત્યે ઉપેક્ષા અને ઉદાસીનતા હતી. જ્યારે જર્મની અને અમેરિકાના મૂડીવાદીઓને ઉદ્યોગ અને ઉત્પાદનના વિકાસ પ્રત્યે ૧૭૬૦ અને ૧૮૮૦ની વચ્ચે ઇંગ્લંડના મૂડીવાદીઓને હતો એટલો ૨સ અને ઉત્સાહ હતો, આયાત, નિકાસ અને વ્યાપારના વિકાસ પ્રત્યે ઇંગ્લંડના મૂડીવાદીઓને હતી એટલી ઇચ્છા અને ઉત્કંઠા, હતી. એમને ઉદ્યોગ અને ઉત્પાદનના વિકાસમાં અદ્યતન યંત્રો, અદ્યતન વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને અદ્યતન વૈજ્ઞાનિક પ્રતિભાઓને લાભ હતો. ઇંગ્લંડ જેમ કોલસા અને લોખંડની ભૂગર્ભ સંપત્તિમાં સમૃદ્ધ હતું તેમ જર્મની પોલાદની ભૂગર્ભ સંપત્તિમાં અને અમેરિકા વાયુ, તેલ, ત્રાંબું અને લોખંડની ભૂગર્ભ સંપત્તિમાં સમૃદ્ધ હતું. વળી, જર્મનીમાં ૧૮૭૧માં ફ્રાન્સ સાથેના યુદ્ધને વિરામ આવ્યો પછી શાંતિને સમય હતો એથી ઉદ્યોગ અને ઉત્પાદનમાં ઇંગ્લંડની સર્વોપરીતાને અંત આવ્યો. વળી અન્ય દેશના ઉત્પાદનની જગતભરનાં અને સ્વયં ઇંગ્લંડનાં બજારોમાં પડતર ભાવથી પણ નીચેના ભાવે નિકાસ થતી હતી. અન્ય દેશોના આવા સસ્તા ઉત્પાદનની જગતભરનાં અને સ્વયં ઇંગ્લંડનાં બજારોમાં જકાતમુક્ત નિકાસ થતી હતી, જ્યારે ઇંગ્લંડના મોંઘા ઉત્પાદનની જગતભરનાં બજારોમાં જકાતયુક્ત નિકાસ થતી હતી. એથી આયાત, નિકાસ, વ્યાપારમાં ઇંગ્લંડની સર્વોપરીતાને અંત આવ્યો. હવે ઇંગ્લંડ ઔદ્યોગિક ક્રાંતિમાં, ઔદ્યોગિક વિકાસમાં, ઉદ્યોગ, ઉત્પાદન, આયાત, નિકાસ, વ્યાપારના વિકાસમાં એકમેવ અદ્વતીયમ્ ન રહ્યું. અંતે ઇંગ્લંડના મૂડીવાદીઓએ રાજ્યનું રક્ષણ યાચ્યું. ૧૯૦૨માં રાજ્ય પરદેશના અન્ન અને કાચા માલની જકાતમુક્ત આયાત થાય અને પરદેશના ઉત્પાદનની જકાતયુકત આયાત થાય તથા ઇંગ્લંડના સામ્રાજ્યમાંના સંસ્થાનોના ઉત્પાદનની જકાતમુક્ત અથવા અલ્પ જકાતયુક્ત આયાત થાય એ માટે Tariff Reform – જકાતધારો કર્યો. ઉદ્યોગ અને વ્યાપાર અંગે આ આંતરરાષ્ટ્રીય સંઘર્ષ અને સ્પર્ધાને પરિણામે બે વિશ્વયુદ્ધો થયાં એથી અર્થતંત્ર પર રાજતંત્રનો અનેક પ્રકારને અંકુશ આવ્યો. અને અનેક ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ થયું. વળી ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં અને ૨૦મી સદીના પૂર્વાર્ધમાં ઇંગ્લંડમાં કામદારોના પ્રચંડ પુરુષાર્થને કારણે અને એમના અનેકવિધ નેતાઓના ભવ્ય પ્રયત્નને કારણે અસંખ્ય ધારાઓ દ્વારા અને મતાધિકારની પ્રવૃત્તિ અને મહાજન પ્રવૃત્તિને કારણે પાર્લામેન્ટમાં પ્રતિનિધિત્વ અને સામાજિક ન્યાયની સિદ્ધિ દ્વારા લોકશાહીનો અદ્ભુત વિજય થયો, સમાજવાદનો અસાધારણ વિકાસ થયો. એથી અર્થતંત્ર પર રાજ્યતંત્રનું વર્ચસ થયું. અને Laissez Faire – મુક્ત વ્યાપારનો અંત આવ્યો. અર્થશાસ્ત્રી કૅનૅથ બોલ્ડીન્ગ કહે છે, ‘It was the turnip, not the spinning jenny, which is the father of Industrial Revolution' (ટર્નિપ અને નહીં કે સ્પિનિંગ જૅની, ઔદ્યોગિક ક્રાંતિનું જન્મદાતા છે. ૧૮મી સદીના આરંભથી જ ઇંગ્લંડમાં વસ્તીની વૃદ્ધિ થતી રહી છે. સાથે સાથે ટર્નિપની કૃષિ કરવા માટે જેમને પ્રજાએ લાડથી ટર્નિપ ટાઉનશેન્ડ કહ્યા તે ચાર્લ્સ વાઈકાઉન્ટ ટાઉનશેન્ડ, જેથ્રો ટુલ, ટૉમસ કોક, રૉબર્ટ બેઈકવેલ, કૉલીન્ગ્સ, અને અચ્છા કૃષિકાર એવા ઇંગ્લંડના રાજા જેમને પ્રજાએ લાડથી Farmer George-કૃષિકાર જ્યોર્જ કહ્યા તે જ્યોર્જ ત્રીજા આદિની શોધ અને સુધારણાને કારણે ૧૮મી સદીના અંત લગીમાં ઇંગ્લંડમાં કૃષિક ક્રાંતિનો જન્મ થયો હતો. કહેવું હોય તો કહી શકાય કે આ કૃષિક ક્રાંતિ વિના ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ થવો શક્ય ન હતો. આ કૃષિક ક્રાંતિને પરિણામે વસ્તીની વૃદ્ધિના સમયમાં આવશ્યક અન્ન સુલભ થયું અને ક્ષેત્રબંધીના સમયમાં અસંખ્ય મનુષ્ય આજીવિકા અર્થે કૃષિમાંથી ઉદ્યોગમાં અને ગ્રામપ્રદેશમાંથી નગરોમાં ગયાં. એને પરિણામે ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ શક્ય થયો. આ કૃષિક ક્રાંતિ પછી ઇંગ્લંડમાં ૧૮મી સદીથી પૂર્વેની જેમ Common Land – સહસ્વામિત્વનાં કૃષિક્ષેત્રોમાં Open-Field system-મુક્ત કૃષિક્ષેત્ર પદ્ધતિથી કૃષિ શક્ય ન હતી. ઉપરાંત કૃષિમાં પણ હવે ધનની, મૂડીની આવશ્યકતા હતી. પૂર્વેના નાના નાના કૃષિકારો માટે એમનાં સ્ત્રી-બાળકોની ગૃહઉદ્યોગની આવકનો હવે અંત આવ્યો હતો એથી કૃષિ શક્ય ન હતી. કૃષિક્ષેત્રો પર હવે અલ્પસંખ્ય વ્યક્તિઓએ સ્વામિત્વ સિદ્ધ કર્યું. એથી Landlords, Landed Gentry, Absentee Landlords – જમીનદારો, કૃષિપતિ સજ્જનો, અનુપસ્થિત જમીનદારોને વર્ગ અસ્તિત્વમાં આવ્યું. ૧૪મી, ૧૫મી સદીમાં જેમ ઘેટાંઉછેર માટે ક્ષેત્રબંધી કરવામાં આવી હતી એનાથી ઊલટું હવે કૃષિ માટે ક્ષેત્રબંધી કરવામાં આવી. અસંખ્ય નાનાં નાનાં કૃષિક્ષેત્રોને સ્થાને અલ્પસંખ્ય વિશાળ કૃષિક્ષેત્રો અસ્તિત્વમાં આવ્યાં. ઇંગ્લંડમાં વસ્તીની વૃદ્ધિનો આ સમય હતો. અસંખ્ય મનુષ્યો માટે અન્નનું ઉત્પાદન કરવાનું અનિવાર્ય હતું. વળી વચમાં યુરોપમાં નેપોલિયનના યુદ્ધને સમય હતો એથી યુરોપમાંથી અન્નની આયાત શક્ય ન હતી. શોધ, સુધારણા અને કૃષિક ક્રાંતિને કારણે અન્નનું ભારે ઉત્પાદન છતાં ઇંગ્લંડ ક્યારેક અન્નની આયાત કરતું હતું. ૧૭૬૦થી ૧૮૫૦ની વયમાં ઇંગ્લંડમાં કુલ પંચાણું હજાર ચોરસ માઈલના પ્રદેશમાં જે અઠ્ઠાવન ટકા ભૂમિ કૃષિપાત્ર છે એમાંથી સાઠ લાખ એકરનાં સહસ્વામિત્વનાં કૃષિક્ષેત્રો પર ત્રણ સાડાત્રણ હજાર કૃષિબંધી ધારાઓ દ્વારા ક્ષેત્રબંધી અસ્તિત્વમાં આવી. પરિણામે અસંખ્ય મનુષ્યો આજીવિકા અર્થે કૃષિમાંથી ઉદ્યોગમાં ગયાં, ગ્રામપ્રદેશમાંથી નગરમાં ગયાં. આ અસંખ્ય મનુષ્ય ગ્રામપ્રદેશમાંથી નગરમાં વસ્યાં. ૧૭૬૦માં ગ્રામપ્રદેશમાં પચાસ ટકા અને નગરોમાં પચાસ ટકા, ૧૮૬૧માં ગ્રામપ્રદેશમાં અડત્રીસ ટકા અને નગરમાં બાસઠ ટકા, ૧૮૭૧માં ગ્રામપ્રદેશમાં પાંત્રીસ ટકા અને નગરમાં પાંસઠ ટકા, ૧૮૮૧માં ગ્રામપ્રદેશમાં તેત્રીસ ટકા અને નગરોમાં સડસઠ ટકા, ૧૮૯૧માં ગ્રામપ્રદેશમાં અઠ્ઠાવીસ ટકા અને નગરોમાં બોતેર ટકા વસ્તી હતી. એથી ગ્રામપ્રદેશના હસ્તઉદ્યોગ, ગૃહદ્યોગ, ગ્રામઉદ્યોગ, લઘુઉદ્યોગનો અંત આવ્યો. અને હવે યંત્રઉઘોગ, કારખાના- ઉદ્યોગ, નગરઉદ્યોગ, વિશાળ ઉદ્યોગને આરંભ થયો. આ ઉદ્યોગનો પ્રથમ તે જ્યાં કોલસાની ખાણો હતી અને આબોહવામાં ભેજ હતો એવા – લૅન્કેશાયર આદિ પ્રદેશનાં નગરોમાં અને પછી સૌ નગરોમાં આરંભ થયો. ગોલ્ડસ્મિથના પ્રસિદ્ધ કાવ્ય ‘The Deserted village' અને બ્લેઈકના પ્રસિદ્ધ કાવ્ય ‘London'માં આ કરુણ અનુભવનું તીવ્ર આલેખન થયું છે. હવે જ્હૉન વીમ્બકૉન્ય જેવી એક-બે વિરલ વ્યક્તિઓએ પૂર્વે જે અજમાવી હતી તે કારખાનાપદ્ધતિ અસ્તિત્વમાં આવી. ભારે અસાધારણ ઉત્પાદન માટે fodder-નીરણ રૂપે, સાધન રૂપે, યંત્રોની આ સાથે યંત્ર રૂપે, વેચવા ખરીદવાની ચીજવસ્તુ રૂપે આ અસંખ્ય મનુષ્પો – અસંખ્ય પુરુષો, સ્ત્રીઓ અને વિશેષ તો અલ્પ વેતનને પાત્ર એવાં અસંખ્ય બાળકો – કારખાનાઓમાં અને ખાણોમાં કારીગરો થયાં. એમાં સત્તર ટકા પુરુષો, તેત્રીસ ટકા સ્ત્રીઓ અને પચાસ ટકા બાળકો હતાં. સ્ત્રીઓ અને બાળકો તો ગૃહઉદ્યોગમાં પણ હતાં. પણ ગૃહમાં હતાં એથી એમાં મુક્તપણે, અવકાશે કામ કરવું એમને માટે શક્ય હતું. દસથી વીસ હજાર સ્ત્રી-પુરુષ-બાળકો રોજ ઘેરથી કારખાને અને કારખાનેથી ઘરે પાંચથી દસ માઈલ જાય-આવે. કારખાનાંઓમાં યંત્રો સમક્ષ રોજ દસથી વીસ માઈલ ચાલે. રાજ બારથી પંદર કલાક કામ કરે, બાળકો રોજ બારેક વાર માર ખાય. કેટલાંક બાળકોનું તે પાંચ વર્ષથી નીચેનું વય હોય, ઝાઝા લોક ને ટાંચા સાધન, લાંબી મજૂરી ને ટૂંકી રોજી, ગંદા લત્તાઓ અને ગીચ વસ્તીમાં ઊંચાં ભાડાનાં ભાંગ્યાંતૂટ્યાં, ઘરો, નીચી છત અને નહીંવત્, નાની બારીઓનાં અંધિયાર બંધિયાર કારખાનાંઓ, જીવનભર અજ્ઞાન, રોગ અને દરિદ્રતાનો અનુભવ, સતત ભૂખનો ત્રાસ અને બેકારીનો ભય કોઈ રાહત. નહીં, કોઈ રક્ષણ નહીં, કોઈ ધણીધોરી નહીં, કોઈ આરોઓવારો નહીં. અસંખ્ય મનુષ્યોનો આ કરુણ અનુભવ હતો. ખાણોમાં કામ કરતાં કારીગરોને – સવિશેષ તે સ્ત્રીઓ અને બાળકોનો – અનુભવ તો આથી યે વિશેષ કરુણ હતો. સમકાલીન અંગ્રેજી સાહિત્યમાં – કવિતા, નિબંધ, નવલકથામાં – આ કરુણ અનુભવનું સંપૂર્ણ સંવેદનશીલ અને અપાર અનુકંપાભર્યું તીવ્ર, તીક્ષ્ણ આલેખન થયું છે. એથી સાહિત્યમાં એક નવું સંવેદન પ્રગટ થયું. લંડન જાણે આ પૃથ્વી પરની નરકની શાખા ન હોય! શૅલીએ સ્વેચ્છાએ સ્વદેશત્યાગ કર્યો ત્યારે કહ્યું, ‘Hell must be a place very much like London’ (નરક સાચ્ચે જ લંડનસરીખું જ કોઈ સ્થળ હશે.) ઇંગ્લંડમાં ૧૪મી, ૧૫મી સદીમાં, આગળ જોયું તેમ, ગૃહપદ્ધતિમાં, દલાલીપદ્ધતિમાં કારીગરો દાસ, નોકર તો થયાં હતાં. પણ આ કારખાના- પદ્ધતિમાં માલિકોનો – વ્યક્તિઓ, મૂડીવાદીઓ, ઉદ્યોગપતિઓનો – નફો એ જ એકમાત્ર હેતુ હતો. અને ઓછામાં ઓછું રોકીને વધુમાં વધુ રળવું, ઓછો સમય, ઓછી સામગ્રી, ઓછું ધન, ઓછાં કારીગરે, બધું ઓછામાં ઓછું અને નફો વધુમાં વધુ એ એમને સિદ્ધાંત હતો. વળી કામના કલાકો, વેતનનું પ્રમાણ, નોકરીના નિયમ આદિ પર એમનું સંપૂર્ણ વર્ચસ્ હતું, એથી હવે આ કારીગરો સંપૂર્ણપણે દાસ, નોકર થયાં. ૧૪મી, ૧૫મી સદીમાં ગૃહપદ્ધતિમાં, દલાલીપદ્ધતિમાં વ્યક્તિઓ, મૂડીવાદીઓ, ઉદ્યોગપતિઓ અને કારીગરો વચ્ચેનો સંબંધ સદાય પ્રત્યક્ષ, અંગત, માનવતાભર્યો, દયાભર્યો, પ્રેમભર્યો હતો. હવે આ કારખાનાપદ્ધતિમાં Manager–સંચાલકનું પદ, અસ્તિત્વમાં આવ્યું પછી આ વ્યક્તિઓ, મૂડીવાદીઓ, ઉદ્યોગપતિઓ અને કારીગરો વચ્ચેનો સંબંધ અપ્રત્યક્ષ બિનઅંગત, અમાનુષી, નિષ્ઠુર અને ક્રૂર થયો. વસ્તીની વૃદ્ધિને કારણે મૂડીવાદીને કારીગરની ગરજ ન હતી પણ આજીવિકા અર્થે કારીગરને મૂડીવાદીની ગરજ હતી. એટલે કારીગર આશ્રિત, પરાધીન, નિરાધાર, લાચાર હતો. ભારે અસાધારણ ઉત્પાદનને કારણે ઉદ્યોગનું યંત્રીકરણ થયું. એને પરિણામે કેન્દ્રીકરણ, નાગરીકરણ ઉપરાંત ઉત્પાદનનું એકધારણીકરણ થયું. ૧૪મી, ૧પમી સદીમાં ગૃહપદ્ધતિમાં, દલાલીપદ્ધતિમાં શ્રમનું વિભાજન તે હતું, એથી કસબ-કારીગરી, કૌશલ્યનું એકાંગીકરણ કે વૈશિષ્ટ્યીકરણ તો હતું પણ હવે યંત્રને કારણે કારીગર એ દ્વારા યંત્રવત્ થયો. અલબત્ત, નિપુણ થયો પણ યંત્રવત્, એથી એનું વ્યક્તિત્વ સર્વતોમુખી ન થયું પણ સીમિત, મર્યાદિત થયું. એના વ્યક્તિત્વનો હ્રાસ થયો. એના ગૌરવનો હ્રાસ થયો. એના સ્વમાનનો હ્રાસ થયો. શ્રમનો મહિમા, કર્મનો આનંદ, સર્જનનો સંતોષ – આ અનુભવ ગયો. એકસુરીલાપણું, કંટાળો, નિઃરસતાનો અનુભવ થયો. ભારે અસાધારણ ઉત્પાદનને કારણે હવે જીવનધોરણ કંઈક ઊંચું હતું. એથી તંગી ન હતી, તો તંગદિલી હતી. ઉદ્યોગના યંત્રીકરણને કારણે Prime Movers, Power Looms, Machine. Tools – ચાલકયંત્રો, યંત્રસાળો, યાંત્રિક સાધનોને કારણે સ્નાયુઓની, શરીરની શક્તિને સ્થાને હવે ધાતુની, યંત્રની શક્તિ સક્રિય હતી. એથી હવે વેઠ ન હતી, વૈતરું ન હતું; તે માનસિક વેદના હતો, શોષણ-ભક્ષણની કરુણતા હતી. ગૃહમાં ઉદ્યોગ ન હતો, કારખાનામાં હતો, ગ્રામપ્રદેશમાં નિવાસ ન હતો, નગરમાં હતો એથી હવે Leisure-નવરાશ, ફુરસદ હતી પણ એને મદ્યપાન, દ્યૂત, વેશ્યાગમન અને નગર-સંસ્કૃતિમાં સુલભ એવાં અનેક અન્ય મનોરંજનમાં એનો દુરુપયોગ થયો. ઇંગ્લંડમાં અલ્પસંખ્ય મનુષ્યો ધનિક અને અસંખ્ય મનુષ્યો અકિંચન થયાં. ૧૫મી, ૧૬મી, ૧૭મી સદીનાં Mercantile System – વ્યાપારપદ્ધતિમાં અર્થતંત્ર પર રાજ્યતંત્રનું વર્ચસ્ હતું પણ હવે રાજ્યતંત્ર પર અર્થતંત્રનું વર્ચસ્ હતું. એથી અર્થતંત્રે શોષણ – ભક્ષણ અર્થે રાજ્યતંત્રનો સાધન રૂપે દુરુપયોગ કર્યો. એથી આ કારીગરોને રાજ્યનું રક્ષણ ન હતું, રાજ્યનો આશ્રય ન હતો. વળી ઇંગ્લંડ આ જ સમયમાં ૧૭૭૫થી ૧૮૧૫ની વચમાં અમેરિકાનું સ્વાતંત્ર્ય યુદ્ધ, ફ્રાન્સની ક્રાંતિ અને નેપોલિયનનું યુદ્ધ – એમ મનુષ્યજાતિના ઇતિહાસમાં ત્રણ મહાન અનુભવોમાં પ્રત્યક્ષ કે પરોક્ષપણે સક્રિય હતું. એથી રાજ્યતંત્ર અર્થતંત્રને સહેજ પણ સ્પર્શી શકે એમ ન હતું. એથી પણ રાજ્યતંત્રની કારીગરોની કરુણતા પ્રત્યે ઉદાસીનતા અને ઉપેક્ષા હતી. આટલી કરુણતા ઓછી હોય તેમ નેપોલિયનના યુદ્ધ પછીના સમયમાં કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે કોઈ પણ યુદ્ધ પછી જે અનિવાર્ય તે યુદ્ધોત્તર અસરો આવી, મોંઘવારી આવી, અન્નની અછત આવી. સૈન્યમાંથી સૈનિકો અને નાવિકો મુક્ત થયા એથી બેકારી આવી. ભારે કરવેરો આવ્યો. આમ, ઉત્તરોત્તર કારીગરોનો કરુણતાનો અનુભવ, મુખ્યત્વે કામના કલાકો અને વેતનના પ્રમાણ અંગેનો અનુભવ અસહ્ય થશે. રાજ્ય ૧૮૦૧માં માન્ચેસ્ટરના ડૉ. પર્સિવલ અને સર રૉબર્ટ પીલના પ્રયત્નોથી બાળકોને કામના કલાકો અંગે રાહત અને રક્ષણ આપવા માટે પૂર્વે ૧૬૦૧માં Poor Law–અકિંચન ધારો કર્યો હતો એના અનુસંધાન જેવો First Factory Act પ્રથમ કારખાના ધારે કર્યો. પણ એ અસરકારક ન હતો. પછી રાયે ૧૮૧૯માં રોબર્ટ વૅન અને સર રોબર્ટ પીલના પ્રયત્નોથી Second Factory Act – બીજો કારખાના ધારો કર્યો. એ પણ અસરકારક ન હતો. હવે કારીગરો સમક્ષ એકમાત્ર માર્ગ હતો ઐક્ય, સંઘશક્તિ, મહાજનો. અન્ય કોઈ વિકલ્પ ન હતો. એથી એમણે જેમ મૂડીવાદીઓએ કંપનીઓ સ્થાપી હતી તેમ પૂર્વે મધ્યયુગમાં કારીગરોના સ્વતંત્ર મહાજન Journeymen's Gilda Combinations-મંડળો, સંઘો, મહાજનો સ્થાપવાનો પ્રયત્ન કર્યો પણ રાયે ફ્રાન્સની ક્રાંતિમાં ફ્રાન્સનાં રાજા, રાણી અને મૂડીવાદીઓની હિંસાથી ભયભીત એવા ઇંગ્લંડના મૂડીવાદીઓના પ્રભાવથી ૧૭૯૯માં અને ૧૮૦૦માં આ મંડળો સ્થાપવાની પ્રવૃત્તિની વિરુદ્ધ Combinations Act-મહાજન પ્રતિબિંધ ધારો કર્યો. એની સામે બૅન્જામિન હૉબહાઉસ, લૉર્ડ હૉલૅન્ડ અને શૅરિડને વિરોધ કર્યો પણ તે નિષ્ફળ ગયો. મહાજનો પરના પ્રતિબંધનો આ ધારો મૂડીવાદીઓ અને કારીગરે બન્નેની મંડળો સ્થાપવાની પ્રવૃત્તિની વિરુદ્ધ હતો. પણ રાજ્યતંત્ર પર અર્થતંત્રનું વર્ચસ્ હતું એથી મૂડીવાદીઓની મંડળો સ્થાપવાની પ્રવૃત્તિની વિરુદ્ધ એનું પાલન ન થયું, જ્યારે કારીગરોની મંડળો સ્થાપવાની પ્રવૃત્તિ વિરુદ્ધ એનું કઠોર પાલન થયું. એના પ્રતિકારમાં કારીગરો પ્રત્યે જેમની સહાનુભૂતિ હતી એવી Secret Societies, Friendly Societies, Benefit Clubs-રહસ્યસભાઓ, મૈત્રીસભાઓ, સહાયસભાઓ અને એમની ભૂગર્ભપ્રવૃત્તિ, પત્રિકાપ્રવૃત્તિ અસ્તિત્વમાં આવી. રાજ્યે ૧૭૯૪થી ૧૮૦૨ લગી અને ૧૮૧૬ – ૧૮૧૭માં Habeas corpus Act-હેબીઅસ કૉર્પસ ધારો દૂર કર્યો. એથી ગ્રેવેનર હૅન્સન જેવા નેતાઓનો કારીગરોને સહાય કરવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો. વળી રાણી ઍલિઝાબેથે ૧૫૫૮માં કારીગરના વેતનનું પ્રમાણ નિશ્ચિત કરવાનો રાજ્યનો અધિકાર સ્થાપતો Fifth of Elizabeth – ઍલિઝાબેથના પંચમને – નામે પ્રસિદ્ધ Act of Artificers or Apprentices – કારીગરધારો કર્યો હતો અને ત્યારથી જે અમલમાં હતો તે રાજ્યે ૧૮૧૩માં દૂર કર્યો. વળી ૧૭૯૮થી ટૉમસ માલ્યસના વસ્તી પરના પ્રસિદ્ધ નિબંધમાં જે વિચાર હતો કે વેતનનું પ્રમાણ ઊંચું જાય તો જીવનધોરણ ઊંચું જાય અને તો વસ્તીમાં વૃદ્ધિ થાય-એનો પ્રબળ પ્રભાવ હતો. એથી રાજ્યે વેતનનું પ્રમાણ ઊચું જાય એવું કશું જ કર્યું નહીં. આમ, કામના કલાકો અંગે ધારાઓ કર્યા તે અસરકારક ન હતા અને વેતનના પ્રમાણ અંગે જે ધારો હતો તે દૂર કર્યો અને તે અસરકારક હતો. કારીગરોએ હડતાલનું શસ્ત્ર યોજ્યું તો સામે મૂડીવાદીઓએ લૉક-આઉટનું શસ્ત્ર યોજ્યું. આમ, લાંબી મજૂરી અને ટૂંકી રોજીનો પ્રશ્ન અનુત્તર રહ્યો. કારીગરોનો રોષ અવારનવાર હિંસા દ્વારા પ્રગટ થયો. સૌપ્રથમ ૧૭૭૯માં ચોર્લીમાં કેટલાંક કારીગરોએ આર્કરાઈટના કારખાનામાં કેટલાંક કાંતણયંત્રોનો નાશ કર્યો. ત્યાર પછી ૧૮૧૨–૧૮૧૩માં Ned Ludd-નૅડ લડ નામના કાલ્પનિક નેતાના શિષ્યો તરીકે Luddites – લડાઈટ્સને નામે પ્રસિદ્ધ એવા કેટલાક કારીગરોએ નૉટિંગહેમના એક કારખાનામાં હજારેક યંત્રોનો નાશ કર્યો. લૅન્કેશયર અને ચેશાયરના હાથસાળના કેટલાક કારીગરોએ યંત્રસાળને કારણે એમની આજીવિકા ભયમાં હતી એથી કેટલીક યંત્રસાળને નાશ કર્યો. યૉર્કશાયરના કારીગરોએ યંત્રોનો નાશ કર્યો એનું આલેખન શાર્લોટ બ્રૉન્ટીએ એમની નવલકથા Shirley – શર્લીમાં કર્યું એ પ્રસંગ વધુ નામચીન રહ્યો છે. ૧૮૧૯માં એક રવિવારે માન્ચેસ્ટરના સેઈન્ટ પીટર્સ ફીલ્ડમાં લેન્કેશાયરના સુધારકેના ઉપક્રમે કારીગરોની એક સભામાં વીસેક હજાર સ્ત્રીઓ ઉપરાંત બાળકો સહિત સાઠેક હજારની માનવમેદની ઊમટી હતી. આ સભામાં હેન્રી હંટ વક્તા હતા. એમની ધરપકડ કરવામાં આવી. આ સભાને મધ્યમવર્ગની સહાનુભૂતિ હતી. રાજ્યે આ સભા પર હિંસાનો અત્યાચાર કર્યો. એથી ચારસો મનુષ્યો ઘવાયા. બાર મનુષ્યોનાં મૃત્યુ થયાં. આ પ્રસંગ ઇતિહાસમાં Peterloo Massacre – પીટર્લૂની હિંસાને નામે પ્રસિદ્ધ થયો છે. આમ, કારીગરોનો રોષ અવારનવાર હિંસા દ્વારા પ્રગટ થયો. પણ આ હિંસા ક્ષણજીવી હતી. ૧૮૨૬માં જ્યારે યુદ્ધોત્તર કરુણતાની પરાકાષ્ઠા હતી ત્યારે ઇંગ્લંડના કારીગરોએ, ભારે સ્થિરતા અને ધીરતાથી, શિસ્ત અને શાંતિથી સંયમ પ્રગટ કર્યો. હવે પછીનો, ૧૮૨૦ પછીનો, દોઢસો વરસનો ઇંગ્લંડનો ઇતિહાસ એ અંગ્રેજ પ્રજાનાં સામાજિક ન્યાય, સમાનતા, સમાજવાદ અને લોકશાહીનાં મહાન મૂલ્યો માટેના ભવ્ય પુરુષાર્થનો ઇતિહાસ છે. આ મૂલ્યો ઇંગ્લંડના સમાજમાં એક શાંત અહિંસક ક્રાંતિ દ્વારા સિદ્ધ થયાં છે. આ ક્રાંતિ ફ્રાન્સ અને રશિયાની કે ચીનની મુખર હિંસક ક્રાંતિઓ જેવી નાટ્યાત્મક ભલે ન હોય પણ સહેજ પણ ઓછી મહાન નથી. બલકે કદાચને વધુ મહાન હોય! કદાચને ગાંધીજીના સત્યાગ્રહ જેટલી મહાન હોય! ઇંગ્લંડમાં ૧૮૨૫થી ૧૮૩૫ની વચ્ચે એક દસકામાં રાજ્યે કેટલાક ધારાઓ કર્યા. પ્રથમ દૃષ્ટિએ આ ધારાઓ સામાન્ય ભલે લાગે પણ એનું પરિણામ મહાન હતું. ઇંગ્લંડમાં ૧૮૨૫માં રાજ્યે ફ્રાન્સિસ પ્લેઈસ, મૅક્યુલૉક, જૉસૅફ હ્યુમ આદિના પ્રયત્નોથી Combinations Act – મહાજન પ્રતિબંધ ધારો દૂર કર્યો. ઇંગ્લંડના Trade Unionism – મજૂરમહાજન દ્વારા સામાજિક ન્યાય, સમાનતા અને સમાજવાદના ભવ્યસુંદર ઇતિહાસનો અહીંથી આરંભ થાય છે. ઇંગ્લંડમાં ૧૮૩૨માં રાજ્યે Reform Bill સુધારણા ધારો કર્યો. કારીગરોએ અને એમના નેતાઓએ રાજ્ય આ ધારો કરે એ માટેના આંદોલનમાં અનેક આશાઓ અને અપેક્ષાઓ સાથે સક્રિય ભાગ ભજવ્યો હતો. આ ધારાથી રાજ્યમાં પૂર્વે માત્ર ગ્રામપ્રદેશના જમીનદારોનું જ મતાધિકાર દ્વારા પ્રતિનિધિત્વ હતું એની સાથે હવે નગરોના મૂડીવાદીઓ અને મધ્યમવર્ગના સભ્યોને પણ મતાધિકાર દ્વારા પ્રતિનિધિત્વ પ્રાપ્ત થયું. કારીગરોને મતાધિકાર દ્વારા પ્રતિનિધિત્વ પ્રાપ્ત ન થયું એથી કારીગરો અને એમના નેતાઓ નિઃસહાય અને નિરાશ થયા. એમને રોષ પણ થયો. પણ આ ધારાથી રાજ્યમાં મધ્યમવર્ગના સભ્યોને પ્રવેશ થયો એથી મૂડીવાદીઓના એકપક્ષી વર્ચસૂનો અંત આવ્યો. ઇંગ્લંડના Chartism – મતાધિકાર દ્વારા લોકશાહીના ભવ્યસુંદર ઇતિહાસનો અહીંથી આરંભ થાય છે. આ મજૂરમહાજન અને મતાધિકાર, હવે પછી તરત જ વિગતે જોઈશું તેમ, ઇંગ્લંડના Welfare State – કલ્યાણરાજ્ય – ગોવર્ધનરામના ‘સરસ્વતીચન્દ્ર’માંના સ્વપ્નલોક જેવા કલ્યાણરાજ્યનું રહસ્ય છે. Trade Unionism-મજૂરમહાજનનો આરંભ ૧૮૨૯માં જ્હૉન ડોહર્ટીના અને ૧૮૩૧માં ટૉમસ હેર્બર્નના નેતૃત્વ નીચે હડતાળોથી થયો. પણ આવી એકલદોકલ હડતાળને ઝાઝો અર્થ નથી એ જ્હૉન ડોહર્ટીને અનુભવે સૂઝ્યું એથી એમણે ૧૮૩૨માં Trades Union-રાષ્ટ્રીય મજૂર- મહાજનનું સ્વપ્ન રચ્યું અને એ સિદ્ધ કરવા બે પત્રોનો આરંભ કર્યો. રૉબર્ટ ઑવૅન ઇંગ્લંડના – રાષ્ટ્રીય મજૂરમહાજનના પિતા છે. એમણે ૧૮૩૪માં આ સ્વપ્ન સાકાર કર્યું અને ‘The Grand National Consolidated Trades Union-મહાન રાષ્ટ્રીય સંયુકત મજૂરમહાજનનો આરંભ કર્યો. એમાં પાંચ લાખ સભ્ય થયા અને મજૂરમહાજનનું આંદોલન રાષ્ટ્રવ્યાપી થયું. એના કૃષિકાર સભ્યોએ અન્યાયના એક પ્રસંગે લંડનમાં વિરાટ સભા યોજી. એમાં નિવેદનપત્રમાં અઢી લાખ સહીઓ હતી. આ સૌને પરિણામે રાજ્યે ૧૮૩૩માં Factory Act-કારખાના ધારો અને ૧૮૩૪માં Poor Law–અકિંચન ધારો કર્યો. પછી એક – દોઢ દસકે મજૂરમહાજનમાં ઓટ આવી. આ સમયે યુદ્ધોત્તર Great Depression-મહાન મંદીનો હતો. Hungry Forties–ક્ષુધિત પાંચમા દસકામાં એની પરાકાષ્ઠા હતી. પણ પછી જ્યારે મજૂરમહાજન સજીવન થયું ત્યારે ને આજે પણ જીવંત છે. એવી પ્રણાલી અને પદ્ધતિ દ્વારા એણે પ્રૌઢ અને પરિપકવ સ્વરૂપ ધારણ કર્યું. એણે હડતાળ અને હિંસાનો ત્યાગ કર્યો. એણે વૈજ્ઞાનિક અને વ્યવહારુ દૃષ્ટિથી પરિસ્થિતિ અને પરિબળાની સૂઝસમજ સાથે વાસ્તવદર્શન કર્યું. એણે અમાનુષિતા અને અન્યાયની સામે સવિનય પ્રતિકાર કર્યો. એણે કાનૂની અભ્યાસ દ્વારા પ્રશ્નોનું વિશ્લેષણ કર્યું. એણે બંધારણીય માર્ગે યુદ્ધ કર્યું. એણે પત્રો, પત્રિકાઓ, સામયિકો પુસ્તકાલયો, પ્લેટો-એરિસ્ટોટલ સુધ્ધાંના ઉદાત્ત અને ઉત્તમ વિચારો દ્વારા આ કારીગરના હૃદય-મનનું શિક્ષણ કર્યું. Junta-જન્ટાને નામે પ્રસિદ્ધ માર્ટિન જ્યુડ, વિલિયમ ન્યૂટન, વિલિયમ ઍલન, રૉબર્ટ ઍપલગાર્ડ, ડૅનીઅલ ગાઈલ, ઍડવિન કાઉલસન, જ્યૉર્જ ઑડગર આદિ મુખ્યત્વે સવેતન નેતાઓ અને કાર્યકરોએ મજૂરમહાજનને વધુ વિશાળ અને વિશુદ્ધ, વધુ સદ્ધર અને સમૃદ્ધ કર્યું. ઉપરાંત ફડેરિક હૅરિસન, ઈ. એસ, બીસલી, ટોમ હ્યુ, હૅન્રી ક્રૉપ્ટન આદિ મધ્યમવર્ગના સભ્યોએ અને સવિશેષ તે ટૉમર્સ બર્ટ, એલક્ઝાન્ડર મૅકડોનાલ્ડ આદિ લોકસભાના સભ્યોએ સક્રિય સહકાર દ્વારા મજૂરમહાજન માટે કાર્ય કર્યું. ૧૮૬૮માં Trade Union Congress-મજૂરમહાજનો મહાસભા સ્થાપવામાં આવી. એમાં ૧૮૭૨માં ચાર લાખ અને ૧૮૭૪માં દસ લાખ સભ્યો હતા. ૧૮૭૬માં રાજ્ય Trade Union Act–મજૂરમહાજન ધારો કર્યો. આમ, ઇંગ્લંડમાં અર્ધી સદી જેટલા સમયમાં મજૂરમહાજનનો સંપૂર્ણ વિજય થયો. Chartism– મતાધિકારનો આરંભ ૧૮૩૮ના મેમાં લંડનમાં વિલિયમ લૉવેટના નેતૃત્વ નીચે એક People's Charter-પ્રજાના મતાધિકારપત્રથી થયો. એમાં સંપૂર્ણ મતાધિકાર, મતદાન, ચૂંટણી, લોકસભા આદિ અંગેનો છ મુદ્દાનો રાજકીય કાર્યક્રમ હતો. આગળ જોયું તેમ, ૧૮૩૨માં રાજ્યે Reform Act – સાધારણ ધારો કર્યો એને પરિણામે કારીગરો અને એમના નેતાઓમાં નિઃસહાયતા અને નિરાશા હતી. એટલું ઓછું હોય તેમ ૨ાજ્યે હવે પછી જોઈશું તેમ, ૧૮૩૪માં Poor Law-અકિંચન ધારો કર્યો. એમાં ગુણ ઓછા અને દોષ વધુ હતા. એથી કારીગરોના વેતનનું પ્રમાણ નીચું રહ્યું એના પ્રતિકારમાં આ મતાધિકારના આંદોલનનો આરંભ થયો. લંડનમાં વિલિયમ લૉવેટની સાથે હૅન્રી હૅથરિંગ્ટન, જૅઈમ્સ વૉટ્સન આદિએ એનું સંચાલન કર્યું. ૧૮૩૭ના મેમાં બર્મિગહામમાં ટૉમસ ઍટવુડ, જ્હૉન ફીલ્ડન આદિએ એનું સંચાલન કર્યું. ૧૮૩૮માં બર્મિંગહામની એક સભામાં બે લાખની માનવમેદની ઊમટી હતી. ઉત્તર ઇંગ્લંડમાં અકિંચન ધારા પ્રત્યે પ્રજાનો ભારે ઉગ્ર રોષ હતો. ત્યાં રિચર્ડ ઑસ્લર, જે. આર. સ્ટીફન્સ, ફર્ગસ ઓ’કોનર આદિએ સંચાલન કર્યું. ફર્ગસ ઑ’કોનરે એક પત્ર પણુ પ્રગટ કર્યું. ૧૮૩૮ લગીમાં એકેનર આ આંદોલનના મહાન નેતા તરીકે પ્રસિદ્ધ થયા. મતાધિકારના મહેતાજી’ નામે પ્રસિદ્ધ જૅઈમ્સ બ્રૉન્ટેર ઓ’બ્રાયને અનેક પત્રિકાઓનું સંપાદન કર્યું. ૧૮૩૯માં લંડનમાં એક સંમેલન થયું. એમાં નિવેદનપત્રમાં બાર લાખ સહીઓ હતી. સર્વત્ર મતાધિકારની સભાઓ અહિંસક હતી. અપવાદ રૂપે પોલીસની ઉત્તેજનાને કારણે બર્મિન્ગહામની સભા હિંસક હતી. ૧૮૪૦માં એક નિવેદનપત્રમાં વીસ લાખ અને ૧૮૪૨માં એક નિવેદનપત્રમાં ત્રીસ લાખ સહીઓ હતી. પણ આ સભાઓ અને સહીઓ એ મતાધિકાર માટેના એકલદોકલ પ્રયત્નો હતા. એને કોઈ ઝાઝો અર્થ ન હતો. ૧૭૯૯માં રાજ્ય કોઈ પણ રાજકીય કાર્યક્રમના કેન્દ્રીકરણ વિરુદ્ધ Correspondence Act – મહાસભા પ્રતિબંધ ધારો કર્યો હતો તે હજુ અમલમાં હતો. ઇંગ્લંડને પ્રસિદ્ધ Common Law-સામાન્ય ધારો તો અમલમાં હતો જ. પરિણામે મજૂરમહાજનની જેમ મતાધિકાર આંદોલનનું કેન્દ્રીકરણ શક્ય ન હતું. એથી એ રાષ્ટ્રવ્યાપી ન થયું. વળી એને નેતાઓમાં પણ હિંસા-અહિંસાના સાધન અંગે એકમતિ, સહમતિ ન હતી. આ સમય પણ પ્રતિકૂળ હતો. આ સમય યુદ્ધોત્તર Great Depression મહાન મંદીનો, Hungry Forties-ક્ષુધિત પાંચમા દસકાનો, Laissez Faire-મુક્ત વ્યાપારના વિજયની પરાકાષ્ઠાનો, રાજ્યતંત્ર પર અર્થતંત્રના – વર્ચસુને અને રાજ્યતંત્રમાં માત્ર મૂડીવાદીઓ અને મધ્યમવર્ગના પ્રતિનિધિત્વને હતો. કારીગરોમાં રાજકીય સભાનતાનો અભાવ હતો. ‘મૅકોલે, જ્હૉન રસેલ, પીલ આદિ પ્રતિભાઓ પાર્લામેન્ટની પરંપરાઓની સુરક્ષા અર્થે સક્રિય હતી. ઓ’કોનર આદિ મતાધિકારના નેતાઓનું માર્ક્સ અને ઍન્ગલ્સ સાથે મિલન થયું હતું. મેઝિની ઇંગ્લંડમાં હતા. એથી ૧૮૪૮માં આંદોલન કંઈક સજીવ થયું. પણ ઓ’કોનરની સરમુખત્યારી, નેતાઓની અણસમજ અને અનઆવડત, હિંસાનું સાધન, નિશ્ચિત કાર્યક્રમ તથા હિંસા અને હડતાળના સમયમાં વ્યવસ્થાને અભાવ, દંભ, ખોટી સહીઓનું અસત્ય આદિ દુર્ગુણોને કારણે એનો અંત આવ્યો. એ અર્થમાં આ આંદોલન નિષ્ફળ હતું. પણ એક અર્થમાં એ સફળ હતું. એથી એને ‘Victory of the Vanquished’ – પરાજિતોનો વિજય કહેવાય છે. આ આંદોલનના આદર્શોની અને સવિશેષ તો એના ઓ’બ્રાયન અને લૉવેટ જેવા નેતાઓના દર્શનની કારીગરોના પ્રશ્નો – મુખ્યત્વે કામના કલાકો, વેતનનું પ્રમાણ, આરોગ્ય, શિક્ષણ અને રક્ષણ –ના ઉત્તર રૂપે લોકસભાએ જે અસંખ્ય ધારાઓ કર્યા તેની પર ભારે અસર હતી અને મજૂરમહાજનને સફળ આંદોલનને આ મહાન પ્રેરણા હતી. ૧૮૬૭માં અને ૧૮૮૫માં રાજ્યે Reforms Bills-સુધારણા ધારાઓ કર્યા. એથી નગરના કારીગરોને અને ગ્રામપ્રદેશના કૃષિકારોને મતાધિકાર પ્રાપ્ત થયો. ૧૯૧૮માં અને ૧૯૨૮માં ઇંગ્લંડના પ્રત્યેક નાગરિકને મતાધિકાર, ઇંગ્લંડની સમગ્ર પ્રજાને સંપૂર્ણ મતાધિકાર પ્રાપ્ત થયો. આમ, એક સદી જેટલા સમયમાં મતાધિકારનો સંપૂર્ણ વિજય થયો. ૧૯મી સદીમાં ઇંગ્લંડમાં કારીગરોની કરુણતા પ્રત્યે વર્ડ્ઝવર્થ, કૉલરિજ, બાયરન, શૅલી, સધી, ઍલિઝાબેથ બ્રાઉનિંગ આદિ કવિઓને, ડિકીન્સ, ચાર્લ્સ કિન્ગસ્લી આદિ નવલકથાકારોને, શૅરિડન આદિ નાટકકારોને અને પેઈન, ગૉડવિન, રસ્કિન, કાર્લાઈલ આદિ નિબંધકારોને સંપૂર્ણ સહાનુભૂતિ હતી. એમણે સૂક્ષ્મ સંવેદનશીલતાથી અને અપાર અનુકંપાથી એમની અસંખ્ય કૃતિઓમાં આ કરુણતાનું ગહનગંભીર આલેખન કર્યું રિચર્ડ સ્લર, માઈકલ સૅડલર, લૉર્ડ શૅફ્ટસબરી, જ્યૉર્જ કૉન્ડી, ફીલીપ ગ્રાન્ટ, હૉલંડ, રૅમિલી, વ્હિટબૅન્ડ, સ્પૅન્સર, ઑગિલ્વી, બ્રૅલવૉલ, ચાર્લ્સ હૉલ, રૅવનસ્ટોન, હૉજસ્કીન, ચાસ્કી ગ્રે, ટૉમસ હાર્ડી, ટૉમ હ્યુ, ટી. એમ. લડલો, વૅન્સીટાર્ટ નીલ, ટીન્ડૉલ, જે. આર. સીલી, મૅડૉકસ બ્રાઉન, વિલિયમ કૉબેટ, ડ્યુક ઑફ માર્લબરો, જૉસેફ આર્ચ, જ્હૉન સ્ટુઅર્ટ મિલ આદિ અનેક નામી-અનામી પ્રતિભાશાળી પુરુષોએ કારીગરો અને કૃષિકારોને પક્ષે અને મુક્ત વ્યાપારના અર્થતંત્રની અને રૂઢિચુસ્ત રાજ્યતંત્રની વિરુદ્ધ અવિરત અને અવિશ્રાંત કાર્ય કર્યું. જે. એચ. ન્યૂમને Oxford Movement-ઑક્સફર્ડ આંદોલનનું, લૉર્ડ જ્હૉન મૅનર્સ અને બૅન્ઝામિન ડિઝરાયલીએ Young England Movement – યુવા ઇંગ્લંડ આંદોલનનું તથા ફ્રૅડરિક ડૅનિસન મૉરિસે Christian Socialism- ખ્રિસ્તી સમાજવાદનું સંચાલન કર્યું. કાર્લ માર્ક્સની પ્રેરણાથી અને જ્યોર્જ ઍડ્ગર તથા રૅન્ડૉલ ક્રૅમરના પ્રયત્નથી પ્રો. ઈ. એસ. બીસલીના પ્રમુખપદે લંડનમાં ૧૮૬૪ના સપ્ટેમ્બરની ૨૮મીએ First International Association of Working Men-પ્રથમ આંતરરાષ્ટ્રીય કારીગરમંડળની સભા યોજવામાં આવી. આ પ્રસંગે Address to Working Men-કારીગરોને સંબોધનમાં માર્ક્સે એમના સિદ્ધાન્તોનું સર્જન કર્યું. એમાં અંતે ‘Workmen of all countries, unite!’– સૌ રાષ્ટ્રોના કારીગરો, એક થાઓ!’નો આપણા યુગનો પ્રસિદ્ધ મંત્રોચ્ચાર કર્યો. આ ઉપરાંત સારાયે સમયમાં અન્ય અનેક નામી અનામી નેતાઓ, કાર્યકર, વક્તાઓ, કવિઓ, લેખકે, માનવતાવાદીઓ, દાનવીરો, સુધારકો, સમાજવાદી–ટોરી-કંઝરવેટિવ-લિબરલ આદિ રાજકીય પક્ષના સભ્યો, પાર્લામેન્ટના સભ્યો તથા મૂડીવાદી વર્ગ અને મધ્યમવર્ગ સુધ્ધાંના કેટલાક સભ્યોને કારીગરોને સહકાર હતો વળી પત્રિકાઓ, પત્રો, સામયિકો, પુસ્તકાલયો, હૅમડન ક્લબ્સ જેવી સંસ્થાઓ, મંડળો, સભાઓ, વ્યાખ્યાનો, ભાષણો આદિ દ્વારા ચર્ચાવિચારણા, વિચારવિનિમય, મનનચિંતનદર્શનને કારણે કારીગરોનું શિક્ષણ થયું. એક પ્રજાના આવા પ્રચંડ પુરુષાર્થને પરિણામે શાંત, અહિંસક ક્રાંતિ દ્વારા ઇંગ્લંડમાં અંતે એક સદી પછી કલ્યાણરાજ્યનું સર્જન થયું. ૧૮૩૩માં રાજ્યે રીચડ ઑસ્લર, માઈકલ સૅડલર, લૉર્ડ એફલી અને લૉર્ડ ઑલથૉર્પના પ્રભાવથી બાળકોના કામના કલાકો, બાળકોનું વય આદિ પ્રશ્નોના ઉત્તરરૂપ Factory Act – કારખાના ધારો કર્યો. એમાં નિરીક્ષકો અને શિક્ષાની વ્યવસ્થા હતી એથી આ ધારો અસરકારક હતો. આ પછી ૧૮૪૪થી ૧૮૫૩ લગીમાં રાજ્યે સ્ત્રીઓના કામના કલાકેાના પ્રશ્નના ઉત્તરરૂપ, ચાર Factory Acts – કારખાના ધારાઓ કર્યા. ૧૮૪પથી ૧૮૮૦ લગીમાં રાજ્યે કાપડ ઉદ્યોગના કારખાના સિવાયના અન્ય અનેક કારખાનાના કારીગરોના કામના કલાકોના પ્રશ્નના ઉત્તરરૂપ ચાર ધારાઓ કર્યા, ૧૮૮૩થી ૧૯૬૧ લગીમાં રાજ્યે અન્ય વધુ સારા કારખાનાના કારીગરોના કામના કલાકોના પ્રશ્નના ઉત્તરરૂ૫ અઢાર ધારાઓ કર્યા. ૧૮૪રથી ૧૯૧૧ લગીમાં રાજ્યે કોલસાની ખાણોના કારીગરોના કામના કલાકોના પ્રશ્નના ઉત્તરરૂપ દસ ધારાઓ કર્યા. ૧૯૧૯માં અને ૧૯૨૬માં રાજ્ય દ્વારા કોલસાની ખાણોના કારીગરોના પ્રશ્નો અંગે Royal Commission-શાહી કમિશન સ્થાપવામાં આવ્યું. ૧૯૪૬માં રાજ્યે કોલસાની ખાણોનું રાષ્ટ્રીયકરણ કર્યું. ૧૮૩૨માં રાજ્યે Reform Bill-સુધારણા ધારો કર્યો. એથી, આગળ જોયું તેમ, કારીગરોમાં અને એમના નેતાઓમાં નિ:સહાયતા અને નિરાશા હતી, એમનામાં રોષ પણ હતો. એથી ૧૮૩૪માં રાજ્યે લોકસભાના મધ્યમવર્ગના સભ્યોના પ્રભાવથી અને વિશેષ તો નાસો સીનીઅર અને ઍડવિન ચૅડવિકના પ્રયત્નથી પૂર્વે ૧૬૦રમાં રાજ્યે Poor Law – અકિંચન ધારો કર્યો હતો. એના અનુસંધાનમાં Poor Law – અકિંચન ધારો કર્યો. પણ એથી તે, આગળ જોયું તેમ, કારીગરોના વેતનનું પ્રમાણ નીચું હતું તે નીચું જ રહ્યું. ૧૮૬૪માં રાજ્ય મુક્ત વ્યાપારના, મૂડીવાદીઓના, ઉદ્યોગપતિઓના પ્રભાવથી Corn Law – અન્ન ધારો દૂર કર્યો એથી પણ કારીગરોના વેતનનું પ્રમાણ નીચું હતું તે નીચું જ રહ્યું. પણ પછી ઇંગ્લંડમાં, આગળ જોયું તેમ, ભારે આર્થિક અને રાજકીય પરિવર્તન થયું અને ૧૮૮૮માં મજૂરમહાજને જે વેતનનું પ્રમાણ નિશ્ચિત કર્યું તે રાજ્યતંત્રે માન્ય રાખ્યું. રાજ્યે ૧૮૬૯માં Board of Trade Act – વ્યાપારમંડળ ધારો અને ૧૯૧૦માં Regulation of Wages Act – વેતનનિયમન ધારો કર્યો અને અંતે ૧૯૧૧માં રાજ્ય દ્વારા એક સ્થાયી Industrial Commission – ઔદ્યોગિક કમિશન સ્થાપવામાં આવ્યું. ૧૯૧૩માં રાજ્ય કોલસાની ખાણોના કારીગરના વેતનના પ્રશ્નના ઉત્તરરૂપ Coal Mines Wages Act – કોલસાની ખાણોનો વેતનધારો કર્યો. ૧૮૭૦માં રાજ્યે Elementary Education Act – પ્રાથમિક શિક્ષણધારો કર્યો. એથી શિક્ષણની રાષ્ટ્રીય યોજના અસ્તિત્વમાં આવી અને રાજ્ય દ્વારા રાષ્ટ્રભરમાં અસંખ્ય School Boards – શાળામંડળો સ્થાપવામાં આવ્યાં. ૧૮૭૬માં Bloral Compulsory Education Act – અનૈચ્છિક શિક્ષણધારો કર્યો. અને તરત જ અનૈચ્છિક શિક્ષણનો આરંભ થયો. ૧૮૮૯માં રાજ્યે ઔદ્યોગિક શિક્ષણનો પણ આરંભ કર્યો. ૧૮૯૧માં રાજ્યે પ્રાથમિક શિક્ષણ ફી – મુક્ત કર્યું. ૧૯૦૨માં Blor Education Act-શિક્ષણ ધારો કર્યો એથી School Boards – શાળામંડળોને સ્થાને Education – Committees-શિક્ષણસમિતિઓ અસ્તિત્વમાં આવી. અને ઇંગ્લૅન્ડની શિક્ષણ પરંપરામાં પ્રસિદ્ધ માધ્યમિક શિક્ષણનો આરંભ થયો. ૧૯૧૮માં રાજ્ય Education Act-શિક્ષણધારો કર્યો અને ૧૪ વર્ષની વય લગીનાં સૌ બાળકો માટે શિક્ષણ અનૈચ્છિક કર્યું. ૧૯૩૯માં રાજ્યે Education Act-શિક્ષણધારો કર્યો અને ૧૫ વર્ષની વય લગીનાં સૌ બાળકો માટે શિક્ષણ અનૈચ્છિક કર્યું. ૧૯૪૪માં રાજ્ય Educatiou Act- શિક્ષણધારો કર્યો અને ૧૬ વર્ષની વય લગીનાં સૌ બાળકો માટે શિક્ષણ અનિચ્છિક કર્યું. ૧૮૩૫માં રાજ્યે કારીગરોના આરોગ્યના પ્રશ્નના ઉત્તરરૂપ Municipal Corporation Act – મ્યુનિસિપલ કૉર્પોરેશન ધારો કર્યો. ૧૮૪૮માં રાજ્ય Public Health Act – જાહેર, આરોગ્યધારો કર્યો. અને મુખ્યત્વે પાણી અને ગટરના પ્રશ્નોના ઉત્તરરૂપ Board of Health-આરોગ્યમંડળ અસ્તિત્વમાં આવ્યું. પછી ૧૮૬૮ લગીમાં રાજ્યે ગૃહનિર્માણ આદિ અનેક પ્રશ્નોના ઉત્તરરૂપ અન્ય પાંચ Public Health Acts – જાહેર આરોગ્યધારાઓ કર્યા. ૧૯૧૧માં રાજ્યે National Health Insurance Act-રાષ્ટ્રીય આરોગ્ય વીમાધારો કર્યો. ૧૯૧૯માં રાજ્ય દ્વારા Ministry of Health – આરોગ્ય ખાતું અસ્તિત્વમાં આવ્યું. ૧૯૪૬માં રાજ્ય ઇંગ્લંન્ડમાં સૌ નાગરિકોને ફી-મુક્ત આરોગ્યસેવા સુલભ થાય એ માટે National Health Service Act-રાષ્ટ્રીય આરોગ્યસેવાધારો કર્યો ૧૯૯૨-૧૯૬૩માં – રાજ્ય દ્વારા હૉસ્પિટલ અને અન્ય આરોગ્ય સેવાઓ અંગેની એક દશવર્ષીય યોજના અસ્તિત્વમાં આવી. ઇંગ્લંડમાં Common Law-સામાન્ય ધારો હતો. એથી, કારીગરોને અંશતઃ રક્ષણ તો હતું. ૧૮૪૭માં રાજ્યે એક વિશેષ ધારો કર્યો. એથી કારીગરનું અકસ્માતથી મૃત્યુ થાય તો એના કુટુંબને સહાય અસ્તિત્વમાં આવી. પછી ૧૮૮૦માં રાજ્ય Employee's Liability Act-કારીગરોને જોખમધારો કર્યો. અને ૧૯૦૬માં રાજ્યે Workmen's Compensation Act કારીગરોનો વળતરધારો કર્યો. એથી હવે કારીગરોને પૂર્ણ રક્ષણ હતું. ૧૯૦૮માં રાજ્યે Old Age Pension Act-વૃદ્ધાવસ્થા પેન્શનધારો કર્યો. એથી સિત્તેર વર્ષની વય પછી મર્યાદિત આવકના કારીગરોને અઠવાડિયે પાંચ શિલિંગનું પેન્શન પ્રાપ્ત થયું. ૧૯૦૯માં રાજ્ય દ્વારા રાષ્ટ્રભરમાં Labour Exchanges અથવા Employment Exchanges-મજૂરી વિનિમય સંસ્થાઓ અથવા રોજગારી વિનિમય સંસ્થાઓ તથા યુવાનો માટે Juvenile Employment Bureaus-યુવા રોજગારી સંસ્થાઓ સ્થાપવામાં આવી. ૧૮૩૪માં રાજ્યે જે Poor Law–અકિંચન ધારો કર્યો હતો તે ૧૯૨૭માં દૂર કર્યો. અને રાજ્ય દ્વારા Public Assistance Committee-જાહેર સહાય સમિતિ સ્થાપવામાં આવી. અને Unemployment Scheme-બેકારી યોજના તથા Unemployment Benefit -બેકારી લાભયોજના અસ્વિત્વમાં આવી. ૧૯૩૪માં રાજ્ય દ્વારા Ministry of Labour-મજૂરખાતાને આશ્રયે Unemployment Assistnce Board-બેકારી સહાય મંડળ સ્થાપવામાં આવ્યું અને રાષ્ટ્રભરમાં Unemployment Assistance Offices-બેકારી સહાય કચેરીઓ સ્થાપવામાં આવી. આમ, ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં ઇંગ્લંડમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી ૧૯મી સદીમાં નેપોલિયનના યુદ્ધને કારણે અને મધ્યમાં યુદ્ધોત્તર Great Depression – મહાન મંદી તથા Hungry Forties – ક્ષુધિત પાંચમા દસકાને કારણે કોઈ મહાન આર્થિક કે રાજકીય કે સામાજિક પરિવર્તન શક્ય ન હતું. પણ આ સમયમાં Trade Unionism-મજૂરમહાજન અને Chartism-મતાધિકારનો જન્મ અને અલ્પ વિકાસ થયો. મજૂર મહાજન એ આર્થિક આંદોલન હતું. મતાધિકાર એ રાજકીય આંદોલન હતું. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં આરંભમાં મુક્ત વ્યાપારનો સુવર્ણયુગ હતો, મૂડીવાદીઓની સમૃદ્ધિની પરાકાષ્ઠા હતી. ઇંગ્લંડમાં શાંતિ હતી. એથી હવે રાજ્યતંત્ર કારીગરોને પક્ષે કશુંક કરે એ શક્ય હતું. ૧૯મી સદીના અંતમાં અન્ય દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિને જન્મ થયો. એથી ઉદ્યોગ અને વ્યાપારમાં આંતરરાષ્ટ્રીય સંઘર્ષ અને સ્પર્ધાને આરંભ થયો. એમાં ઇંગ્લંડના મૂડીવાદીઓએ ૨ાજ્યતંત્રનું રક્ષણ યાચ્યું. મુક્ત વ્યાપારનો અંત આવ્યો. એથી હવે અર્થતંત્ર પર રાજ્યતંત્રનું વર્ચસ શક્ય હતું. ૨૦મી સદીના પૂર્વાર્ધમાં આ આંતરરાષ્ટ્રીય સંઘર્ષ અને સ્પર્ધાને પરિણામે બે વિશ્વયુદ્ધો થયાં, સમગ્ર પ્રજાને સંપૂર્ણ મતાધિકાર પ્રાપ્ત થયો. એથી અર્થતંત્ર પર લેકશાહીનું લગભગ સંપૂર્ણ વર્ચસ્ શક્ય હતું. છેલ્લી એક સદીમાં ઇંગ્લંડમાં મજૂરમહાજનનો ભારે અસાધારણ વિકાસ થયો. કારીગરોએ પિતાને સ્વતંત્ર રાજકીય પક્ષ Labour Party – મજૂર પક્ષ સ્થાપ્યો અને બન્ને વિશ્વયુદ્ધો પછી ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કર્યો, અને સરકાર રચી. આ એક સદીના સમયમાં ક્રમે ક્રમે મજૂરમહાજનના પ્રભાવથી તથા સંપૂર્ણ મતાધિકાર અને પ્રજા સમસ્તના પ્રતિનિધિત્વની આદર્શ લેકશાહી પરંપરાની સિદ્ધિથી કારીગરના અનેક પ્રશ્નો-કામના કલાકો, વેતનનું પ્રમાણ, શિક્ષણ, આરોગ્ય, રક્ષણ આદિ-ના ઉત્તરરૂ૫ અસંખ્ય ધારાઓ દ્વારા, – બીજા વિશ્વયુદ્ધ પછી અંકુશો અને રાષ્ટ્રીયકરણ દ્વારા ઇંગ્લંડમાં કારીગરો પ્રત્યેના ધર્મનું પાલન થયું અને અંતે કલ્યાણરાજ્યનું સર્જન થયું. ઔદ્યોગિક ક્રાંતિ એ સ્થળ (ઇંગ્લંડ) અને સમય (૧૭૬૦) બન્નેની દૃષ્ટિએ એક દૂરવર્તી ઘટના છે. એથી એની પૂર્વભૂમિકા અને એનાં પરિણામો અંગે કંઈક વિગતે આ ઇતિહાસ અહીં નોંધ્યો છે. પણ એમ કરવાનાં એથી વધુ મહત્ત્વનાં એકથી વિશેષ કારણો છે. આરંભમાં જોયું તેમ, યંત્રવિજ્ઞાનનો વ્યક્તિમાત્રની, સમાજની શારીરિક – ભૌતિક જરૂરિયાત તથા સમાજકારણ, અર્થકારણ, રાજકારણ સાથે કાર્ય – કારણનો સંબંધ છે. એમની પરસ્પર અસર હોય છે. આ ઇતિહાસ દ્વારા એનાં અનેક – ઉદાહરણો ઉપલબ્ધ થાય છે. એમાં કયારેક યંત્રવિજ્ઞાનની સમાજકારણ, અર્થકારણ, રાજકારણ પર અસર છે તો ક્યારેક સમાજકારણ, અર્થકારણ, રાજકારણની યંત્રવિજ્ઞાન પર અસર છે. વળી કયારેક યંત્રવિજ્ઞાનને કારણે સમાજકારણ, અર્થકારણ, રાજકારણની પરસ્પર અસર છે, યંત્રવિજ્ઞાનની સમાજકારણ, અર્થકારણ, રાજકારણ પર જે અસર છે એથી જે અનેક સામાજિક, આર્થિક, રાજકીય પ્રશ્નોને જન્મ થયો એના ઉત્તરમાં મનુષ્યના જે પુરુષાર્થનું દર્શન થાય છે એનાં પણ આ ઇતિહાસ દ્વારા અનેક ઉદાહરણો ઉપલબ્ધ થાય છે. ઔદ્યોગિક ક્રાંતિ એ માત્ર યંત્રવિજ્ઞાનમાં, યંત્રોમાં જ, ક્રાંતિ નથી, એ ઉદ્યોગ, ઉત્પાદન, વ્યાપાર, અર્થકારણમાં ક્રાંતિ છે, અર્થકારણને કારણે રાજકારણમાં ક્રાંતિ છે, અને અર્થકારણ – રાજકારણ બન્નેને કારણે સમગ્ર જીવનમાં ક્રાંતિ છે. એથી જ આ ઔદ્યોગિક ક્રાંતિને કારણે – યંત્રવિજ્ઞાનનો ઇતિહાસ એ અંતે સમસ્ત મનુષ્યજાતિના સમગ્ર જીવનનો ઇતિહાસ છે. આજે જગતભરમાં જે ઔદ્યોગિક મનુષ્ય, ઔદ્યોગિક સમાજ, ઔદ્યોગિક સંસ્કૃતિ, ઔદ્યોગિક યુગ અસ્તિત્વમાં છે એ ઔદ્યોગિક ક્રાંતિની સરજત છે. આ ઇતિહાસ દ્વારા એનું સ્વરૂપ કંઈક સ્પષ્ટ થાય છે. યંત્રવિજ્ઞાન એટલે, આગળ જોયું તેમ, ભૌતિક વિશ્વનું, પ્રકૃતિનું, પ્રકૃતિદત્ત પદાર્થોનું પરિવર્તન અને એ દ્વારા મનુષ્યસર્જિત કૃત્રિમ પદાર્થોનું સર્જન અને સ્થળાંતર. ઔદ્યોગિક ક્રાંતિની પૂર્વભૂમિકા રૂપે ઘેટાંઉછેર અને નૌકાદળને પરિણામે ઊનનું કાંતણ-વણાટના યંત્રઉદ્યોગ દ્વારા પરિવર્તન અને એ દ્વારા ગરમ કાપડનું સર્જન અને સ્થળાંતર થયું. ઔદ્યોગિક ક્રાંતિમાં મનુષ્યસર્જિત વરાળશક્તિની શોધ, લોખંડ-કોલસાની સહાયથી વરાળયંત્ર તથા અન્ય યંત્રોની શોધ અને અનેક વાહનવ્યવહારનાં સાધનાની શોધને પરિણામે કપાસનું કાંતણ–વણાટના યંત્રઉદ્યોગ દ્વારા સુતરાઉ કાપડનું સર્જન અને સ્થળાંતર થયું. એથી ઇંગ્લંડના સમાજમાં અનેક આર્થિક, રાજકીય, સામાજિક પ્રશ્નોનો જન્મ થયો અને એના ઉત્તરમાં ઇંગ્લંડની પ્રજાના પુરુષાર્થનું દર્શન થયું. વળી એથી આરંભમાં શીત પ્રદેશમાં અને પછીથી ઉષ્ણુ પ્રદેશોમાં ઇંગ્લંડનાં સંસ્થાનો અને એના સામ્રાજ્યનું સર્જન થયું પરિણામે આરંભમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વ્યાપાર દ્વારા અને પછીથી ઇંગ્લંડના રાજ્યની સત્તા દ્વારા ભારતને ઇંગ્લંડ સાથે આર્થિક અને રાજકીય સંબંધ થયો અને એ દ્વારા ભારત પર ઇંગ્લંડનુ આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક એમ ત્રિવિધ વર્ચસ્ થયું. એની ભારતની પ્રજાના ધાર્મિક, આધ્યાત્મિક, નૈતિક, બૌદ્ધિક, સાંસ્કૃતિક, સાહિત્યિક, સામાજિક, આર્થિક અને રાજકીય જીવન પર, સમગ્ર જીવન પર અસર છે. હવે પછી ગુજરાતી ભાષાની પાંચ પદ્યગદ્ય કૃતિઓનું આ વ્યાખ્યાનના વિષયના સંદર્ભમાં મૂલ્યાંકન કરવાને કંઈક પ્રયત્ન છે. આ ઇતિહાસ દ્વારા એની ભૂમિકા કંઈક સ્પષ્ટ થાય છે. મધ્યયુગમાં ઇંગ્લંડના સમાજમાં એના વિશિષ્ટ સમાજતંત્ર, અર્થતંત્ર અને રાજ્યતંત્રને કારણે મુખ્યત્વે સંવાદ અને સહકારની, ઉદારતા અને નિઃસ્વાર્થની પરંપરા હતી તેને યંત્રવિજ્ઞાનની અસરને કારણે ક્રમે ક્રમે અંત આવ્યો અને પછી મુખ્યત્વે અનેક સ્તરે, અનેક કક્ષાએ, અનેક પ્રકારે સંઘર્ષ અને સ્પર્ધાનો, સંકુચિતતા અને સ્વાર્થનો, નફાખોરી અને સત્તાખોરીનો, વિતૈષણા અને લોકૈષણાનો આરંભ થયો. ઔદ્યોગિક ક્રાંતિ પછી હવે આજે જગતભરમાં એની પરાકાષ્ઠા છે, ચરમસીમા છે. આજે જગતભરના અર્થકરણ, રાજ્યકારણ અને સમાજકારણમાં એ જ એકમાત્ર શૈલી છે. આ ઇતિહાસ દ્વારા એની ભૂમિકા પણ કંઈક સ્પષ્ટ થાય છે. ઔદ્યોગિક ક્રાંતિના આરંભે વરાળશક્તિ, વરાળયંત્ર, અન્ય અનેક યંત્રો, વાહનવ્યવહારનાં અનેક સાધનોની શોધ પછી, હવે પછી જોઈશું તેમ, વિદ્યુત, તેલ, વાયુ આદિ શક્તિઓ, અનેક યંત્રો અને વાહનવ્યવહાર તથા સંદેશાવ્યવહારનાં અનેક સાધનની – અને સવિશેષ તે છેલ્લે છેલ્લે સર્વશ્રેષ્ઠ શક્તિ અણુશક્તિની શોધને પરિણામે આજે કૃષિક ક્રાંતિ અને ઔદ્યોગિક ક્રાંતિથી પણ વધુ મહાન એવી યંત્રવૈજ્ઞાનિક ક્રાંતિને જન્મ થયો છે. એ દ્વારા અદૂરના ભવિષ્યમાં જ યંત્રવિજ્ઞાનિક મનુષ્ય, યંત્રવૈજ્ઞાનિક સમાજ, યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિનું સર્જન થશે. આજે સમગ્ર મનુષ્યજાતિ યંત્રવૈજ્ઞાનિક યુગના ઉંબર પર ઊભી છે. હવે પછી યંત્રવિજ્ઞાનની સમાજકારણ, અર્થકારણ, રાજ્યકારણ પર જે અસર હશે અને એમાંથી જે સામાજિક, આર્થિક, રાજકીય પ્રશ્નોનો – અને એથીયે વિશેષ તો ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક પ્રશ્નોનો જન્મ થશે એના ઉત્તરોમાં સમગ્ર મનુષ્યજાતિએ જે પુરુષાર્થ પ્રગટ કરવાનો થશે એમાં આજે જગતભરમાં સમગ્ર જીવનમાં – સવિશેષ સમાજકારણ, અર્થકારણ, રાજ્યકારણમાં જે સંઘર્ષ અને સ્પર્ધાની, સંકુચિતતા અને સ્વાર્થની પરંપરા છે, જે નફાખોરી અને સત્તાખોરીની, વિતૈષણા અને લોકૈષણાની પરાકાષ્ઠા છે, ચરમસીમા છે એનો અંત અને હવે પછી જોઈશું તેમ સંવાદ અને સહકારની, ઉદારતા અને નિઃસ્વાર્થની પરંપરાનું, શૈલીનું સર્જન, બલકે પુનઃસર્જન અનિવાર્ય હશે. આ ઇતિહાસ દ્વારા વળી એની ભૂમિકા પણ કંઈક સ્પષ્ટ થાય છે.