મર્મર/હે ભારત દેશ!
હે ભારતદેશ સર્વરાષ્ટ્રશિરોમણિ!
ન્યાળી તને વેદનાવ્યાકુલ થાય વાણી.
સુજલા હે! સુફલા હે! આર્ય તપોવન
વહેતો જ્યાં સંસ્કૃતિનિર્ઝર મુક્તમન.
સઘન કાનન વિષે ઋષિકુલવાસે
યજ્ઞધમ ઉત્સરત ધૂસર આકાશે.
વિશ્રબ્ધ હરિણ ચરે કૂળાં તૃણાંકુર
રણઝણી રહે જહીં નિર્ઝરનૂપુર.
મંત્રધ્વનિમુખરિત જ્યાં પ્રભાત સંધ્યા
ફલફૂલપલ્લવે જ્યાં પ્રકૃતિ અવંધ્યા.
અરુણ ઉદય આવકારે પંખી સૂર
શ્યામઘનગર્જને નાચી ર્હેતા મયૂર.
વૈભવમાં હતી ત્યારે આત્માની સુગંધ
આનંદમાં ભળ્યો હતો તપ કેરો રંગ.
અને આજે! દીન હીન ભારત વિદીર્ણ
કાલને કુઠારઘાતે બન્યું જીર્ણ શીર્ણ.
શમ્યાં સહુ કલગાન સ્રોતનાં મધુર
વાઈ રહ્યો હિમવાયુ વ્યગ્રતાનો ક્રૂર.
પ્રજા રહી આજ તારી મિથ્યાત્વને ભજી
રહેતી કપટવેશ વિધવિધ સજી.
જુલ્મનાં સિંહાસનોને કરંત પ્રણિપાત
સત્યના કલેવરે કરંત ક્રૂર ઘાત.
ભોગનું મંગળ ભૂલી ત્યાગનું ગૌરવ
મહાભારતે શું મચ્યા પાંડવ કૌરવ!
હે ઉદાર દેશ! તારા અનુદાર સુત
ભ્રષ્ટ કરી રહ્યા નિજ ધર્મ પરિપૂત.
સ્થલ સ્થલ થઈ રહી અસત્યની પૂજા
પરાજિત આત્મગઢે ઊડે પાપધજા.
ભૂલી મુક્ત પંથ, મુક્ત વિહંગડ્યન
જીવી રહ્યા આજ સહુ પિંજરજીવન.
સિદ્ધિઓમાં નથી રહી શુદ્ધિની સુવાસ
પ્રવૃત્તિમાં રહ્યો નથી હૃદયનો પાસ.
ક્ષુલ્લકના ગૌરવનું ગાઈ રહ્યા ગાન
બુદ્ધિસર ડ્હોળી કરી રહ્યા જલપાન.
હે પ્રિય ભારત! સર્વરાષ્ટ્રશિરોમણિ!
ક્યારે તારા વિક્રમનો હય હણહણી
દિગ્વિજય અર્થ ધાશે દિગન્તની ભણી
ગાજી ર્હેશે ગાથા તારા પુરુષાર્થ તણી?
તારો મુક્ત કંઠ ક્યારે ગાશે મુક્ત ગાન?
ક્યારે સ્હોશે, સ્મિતે તારી અધર કમાન?
ઉષાના મંગલ સ્મિતે તારી સ્વર્ણ કાય
ક્યારે સ્હોશે, લેશે-ક્યારે તિમિર વિદાય?