મિતાક્ષર/અનુભૂતિ : પ્રતીતિ : અભિવ્યક્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અનુભૂતિ : પ્રતીતિ: અભિવ્યક્તિ


રોજ રોજ પ્રત્યેક માનવી સંકેત દ્વારા, શબ્દ દ્વારા, સ્થૂળ કર્મ દ્વારા અને સૂક્ષ્મ સર્જન દ્વારા કેટકેટલું વ્યક્ત કરતો હોય છે! માનવમાત્રની આ નિરવધિ સહજ અભિવ્યક્તિને તોલનક્ષમ ગણીને જોખીએ તે રોજના અબજો ટન થાય, અને માપનક્ષમ ગણીને માપીએ તે રોજના અબજો જોજન થાય! પરંતુ આ બધી પારાવાર અભિવ્યક્તિઓની પાછળ રહેલું પ્રતીતિનું સત્ત્વ કેટલું ? તોળીએ તો રતીભાર તો માપીએ તો તસુભાર જેટલુંય હશે ખરું? એ વાત સાચી છે કે માનવી જે કાંઈ વ્યક્ત કરે છે એ દરેકની પાછળ કોઈ ને કોઈ પ્રકારની અનુભૂતિ તો હોય જ છે. પરંતુ અનુભૂતિ સ્વતઃ કાંઈ પ્રતીતિ નથી. એને માટે તે અનુભૂતિનું રૂપાંતર થવું રહ્યું. એટલે કે દરેક અનુભવને અંતે ચિંતનનો પિંડ બંધાવો રહ્યો અને એમાંથી જ ચિંતનારૂઢ શ્રદ્ધાનો સ્થિર દીપ પ્રકટવો રહ્યો. આ પછી જ માનવી પોતાને કશુંક પ્રતીત થયાનું કહી શકે. આપણા આજના આ જમાનામાં આવો દાવો કોણ કેટલા કરી શકે એમ છે? આજે તો દોદળી અભિવ્યક્તિના ઠાલા છતાં કર્ણભેદી ઘંટારવોમાં પ્રતીતિનો સાચો રણકો ભાગ્યે જ કાન સુધી પહોંચવા પામે છે. આજના યુગમાં જે ઝડપે આપણે સૌ ઘસડાઈ રહ્યાં છીએ એમાં સ્વતંત્ર કર્મ જેવું કંઈ છે ખરું? સ્વતંત્ર અનુભૂતિ જેવું છે ખરું ? સ્વાયત્ત ચિંતનનું કોઈ સ્થાન છે ખરું? સ્વતંત્ર કર્મને નામે આપણે બાહ્ય-સંચાલિત બાહ્ય-પ્રેરિત ઝંઝાવાતી ગતિના ચક્કરમાં ઘૂતોમી નથી રહ્યાં ને? તમને થશે હું અધ્યાત્મના ક્ષેત્રે પ્રવેશ કરી રહ્યો છું. ના, હું તો આપણા રોજિંદા દુન્યવી વ્યવહારની જ વાત કરું છું. આપણે સવારથી રાત સુધી કર્મોની ઘટમાળમાંથી જે રીતે પસાર થઈએ છીએ એ પ્રક્રિયાને અંતે આપણી જાતને પૂછીએ કે એમાંનાં કેટલાં કર્મો આપણી પોતાની સ્વેચ્છાનાં? હું સવારે ઊઠી ચા પીતાં પીતાં છાપું વાંચી જમી પરવારીને નોકરીએ જાઉં છું; ને સાંજે ક્લબમાં રમવા જાઉં છું કે તમે સવારે ઊઠીને સ્નાનાદિથી પરવારી પૂજાપાઠ કરી ધંધા વ્યવસાયમાં પરોવાઓ છે — વેપાર, અધ્યાપન, વકીલાત, દાક્તરી યા એન્જિનિયરિંગના ક્ષેત્રે કે બીજે ક્યાંક અને સમય મળ્યે અવારનવાર સાંજાંમાદાં સગાં સ્નેહી સંબંધીને મળવા જાઓ છો, કે પછી રાતે પત્તાં રમીને કે સિનેમા-નાટક જોઈને કે ડિટેક્ટિવ નવલકથા વાંચીને સૂઈ જાઓ છો. કદાચ નફાતોટાના હિસાબો લખીને કે પરીક્ષાના જવાબપત્રો તપાસીને કે ગાઇડ માટેની તૈયારી કરીને કે ટ્યૂશન પતાવીને કે પછી છાપાં માટેનો લેખ તૈયાર કરીને કે રેડિયોની ટૉક મઠારીને કે પછી, રાજદ્વારી નેતા હશો વા સંસારસુધારક હશો તો, પ્રજાને સુફિયાણો બોધ પીરસીને જંપતા હશો. પરંતુ આ કશા પાછળ કોઈ ઊંડું ચિંતન અને ચિંતનારૂઢ શ્રદ્ધા જેવું છે ખરું? મોટે ભાગે તો આ બધું યંત્રવત્ કરીએ છીએ. એની પાછળ આદત, ફૅશન, પ્રતિષ્ઠા, ઉપભોગ આદિ ગમે તે હો. બહુ બહુ તો, તત્કાળ કે લાંબા ગાળાની જરૂરિયાતનો, તત્કાળ કે લાંબા ગાળાના લાભાલાભનો વિચાર કરતાં હોઈશું. કદાચ, આજે જે રીતે જીવનપ્રવાહ વહી રહ્યો છે એ જોતાં પ્રતીતિનો સવાલ પૂછવાની જરૂર પણ ભાગ્યે જ વરતાતી હશે. ત્યાં વળી તેની ખોજ કરવાની જરૂર કોને? એટલી નિરાંત પણ કેટલાને ? વાત સાદી છેઃ આપણે આપણા રોજિંદા વ્યવહારમાં એટલા રમમાણ છીએ, બલ્કે એટલા અજ્ઞાત રીતે ગળાબૂડ છીએ કે સાચી અને બનાવટી પ્રતીતિ વચ્ચેનો ભેદ પણ ભાગ્યે જ આપણી ચેતનાને ઢંઢોળે છે. વાંક કોનો કાઢીશું ? આજના અતિકેન્દ્રિત સમાજની સમસ્યાઓ એટલી જટિલ છે—સાધારણ નાગરિકના ગજા—પહોંચ બહારની છે કે એ કરેય શું? એના જીવનને ગંભીર રીતે અને નિર્ણાયક રીતે સ્પર્શતા સવાલો પરત્વેય એ લાચાર જેવો છે. ત્યાં, આખા સમાજની દૃષ્ટિએ શ્લીલ શું, અશ્લીલ શું, નૈતિક શું, અનૈતિક શું, કઈ આદર્શનિષ્ઠા ને કઈ આદર્શભ્રષ્ટતા, કયો રાષ્ટ્રધર્મ ને કયો વિશ્વધર્મ ? લોકશાહી શું છે ને સરમુખત્યારશાહી શું છે, સાચું શિક્ષણ કયું ને બ્રેઈન-વૉશિંગ કયું? આવા તો કંઈ કેટલા સવાલો માથે ઠોકાતા મૂંઝવતા રહ્યા છે. જૂના આટોપાતા નથી તે નવા જાગતા જ જાય છે. અદ્યતનયુગી નિષ્ણાતીકરણે લગભગ દરેક ક્ષેત્રે એવી એકાંગિતા અને એવો ઇજારો જમાવ્યો છે કે એ ક્ષેત્રના નિષ્ણાતોનેય ભારે પડે. ત્યાં સર્વસાધારણ નાગરિકનું તો ગજું જ શું ? એકંદર જોઈએ તો એક બાજુ આજના નાગરિકની પ્રવૃત્તિ વધી છે ને ગતિય વધી છે; પરંતુ બીજી બાજુ, એની મતિ મૂર્છિત બની રહી છે. માનવી મધદરિયે ફેંકાયેલો, લગભગ દિશાહારા હોકાયંત્ર વિનાનો બન્યો છે. ધરતી પરથી એના પગ ઊખડી ગયા છે ને આકાશમાંય એ ત્રિશંકુ જેવો લટકે છે ! આવા અદ્યતનયુગી નાગરિકને માથે થઈ હજારો ઘટનાઓ પસાર થઈ રહી છે : અનુભવોનો શુમાર નથી. પરંતુ સાચી ઊંડી અનુભૂતિ ક્યાં ? યત્કિંચિત અનુભૂતિ હશે ત્યાંય એની પાછળનું ચિંતન ક્યાં? ચિંતનારૂઢ પ્રતીતિની તો વાત જ શી ? અને છતાં, દરેક ક્ષણે એની વાચા મોઢે ચડ્યું તેવું, એનું ચિત્ત તુક્કા આવે એમ, એની કાયા ઠેલો લાગે ત્યાં, કંઈનું કંઈ વ્યક્ત કર્યા જ કરે છે! આ છે આપણ સૌ સાધારણ જનની આપવીતી. આપણે માટે ‘અભિવ્યક્તિ પૂર્વે પ્રતીતિ' (કન્વિક્શન બિફોર એક્સ્પ્રેશન)નો આદર્શ અબજો જોજન દૂર છે, પરંતુ એથી કાંઈ ‘અભિવ્યક્તિ પૂર્વે પ્રતીતિ’નો આદર્શ લોપ થતો નથી, બલ્કે અદ્યતન યુગના નાગરિકની રામકહાણી ઊલટો એ આદર્શ વધુ ભારપૂર્વક પ્રકાશમાં આણે છે; વધુ નિશ્ચિત દિશા તરફ આપણને પ્રેરે છે. જે છે, જે આવી પડ્યું, જે માથે ઠોકાયું, જે ગમતું લાગ્યું, જે ભાવતું માન્યું, જે આપણું પોતીકું હોવાનું દેખાયું, એ બધાનો આપોઆપ સહજ સ્વીકાર કરી લેવાને બદલે, બાહ્ય-નિર્ણીત ગુણો લક્ષણો અને નિર્ણયોને માથે ચડાવી લેવાને બદલે, આપણે આપણો કોક પોતીકો માપદંડ ઊભો કરવો રહે છે. અને આ કાર્યનો પ્રારંભ દરેક જાગ્રત નાગરિકે પોતાનાથી, પોતાના આંતરિક ઘડતરના ભાગ તરીકે, કરીને સામાજિક નિષ્ઠાનો માપદંડ તૈયાર કરવા મથવાનું રહે છે.

ઉપરની વાત બીજા કોઈને કેટલી ઉપયુક્ત ઠરશે એ તો રામ જાણે. પરંતુ જે નાગરિક વ્યવસાયે જ સર્જક-ચિંતક છે એને માથે આવું કર્તવ્ય કર્મના એક ભાગરૂપે સ્વધર્મ બનીને સામું ઊભું છે. બીજા વ્યવસાયોમાં પડેલાઓ માટે, કદાચ, ઘણે અંશે, પ્રવાહપતિતની સ્થિતિ સહ્ય બની જતી હશે. પરંતુ જેને ક્ષણોક્ષણ નવું સર્જવું છે, ચિંતવું છે, નિત્ય નવોન્મેષો પ્રગટાવવા છે એવા સર્જક-ચિંતક માટે તો કોઈ આરો જ નથી. એનું વ્યાવસાયિક કર્મ જ એવું છે જે એને પરંપરાગત બાહ્ય-પ્રેરિત, બાહ્ય-સંચાલિત કશું નભાવી લેવા ન દે. કેમ કે આત્માનુભૂતિ, આત્મચિંતન, આત્મપ્રતીતિ વિનાનું કશું જ એને પોતાના વ્યવસાય માટે ખપનું નથી. એથી જ તો, આજના ટેકનોક્રસીના યુગમાં અતિ-કેન્દ્રિત સમાજમાં સર્જક-ચિંતકનું ખરેખર એ સદ્ભાગ્ય ગણાવું જોઈએ કે તે સર્વ પ્રકારની અંધસંમતિથી બચીને — લગભગ ગુફાવાસી બનીનેય - વૈયક્તિક અને સામાજિક ચેતનાની દિવેટ જલતી રાખી શકે એમ છે. આ વિધાન આંતરવિરોધી ભાસે છે, પરંતુ આજની વૈશ્વિક પરિસ્થિતિનું એ એક મહાસત્ય છે. આવી સર્જનાત્મક પ્રતીતિના અનેક પ્રકારો હોઈ શકે છે. કેવળ ચિંતન અને સર્જનના ક્ષેત્રે જ નહિ, તમામ ક્ષેત્રના નિષ્ઠાવાન નાગરિક માટેય આ અશક્ય નથી. સાર્થક બનવા મથનાર પ્રત્યેક નાગરિક માટે આ શક્ય છે. અલબત્ત, પ્રતીતિ પોતે પણ પલટાયા કરે છે. આજની પ્રતીતિ આવતી કાલે ખોટી યા અપૂર્ણ લાગેય ખરી. એક રીતે તો આ સ્વાભાવિક છે. માનવીના અનુભવોનો સ્તર બદલાય, તેની ચેતનાનો સ્તર બદલાય, તેમ તેમ તેની પ્રતીતિનુંય રૂપાંતર થાય જ. દરેક અનુભવે, દરેક પ્રતીતિએ અને પ્રત્યેક અભિવ્યક્તિએ અખંડ નવજન્મની યાતના વેઠવી જ રહે છે. કદાચ, આવી લાંબી પ્રક્રિયાને અંતે, પ્રજ્ઞાપારમિતાની કક્ષાએ માનવી પહોંચી શકતો હશે; અને ત્યારે એની અનુભૂતિના સ્તરમાં જ ગુણાત્મક પરિવર્તન થતું હશે; એની મન:સ્થિતિ સ્થિતપ્રજ્ઞતાની કક્ષાએ પહોંચતી હશે, એની અભિવ્યક્તિ સ્થૂળ ભાવો અને રૂપોને વટાવી જઈ સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ બનતી હશે. એનું અસ્તિત્વ પોતે જ સર્જનાત્મક અનુભૂતિ, સર્જનાત્મક પ્રતીતિ અને સર્જનાત્મક અભિવ્યક્તિના પ્રતીકરૂપ હશે ? આ આદર્શ ગમે તેટલો અસાધ્ય લાગે; પરંતુ એની એકનિષ્ઠ આરાધના જ માનવીને તેની માનવતા બક્ષી શકે—નાગરિકને એની નાગરિકતા અને સર્જકને એની સર્જકતા. દરેક ક્ષેત્રના સાધકને સંપૂર્ણ સિદ્ધિ નહિ, તોય, સાધનાનું સુખ અને ગૌરવ તે અર્પી જ શકે.

[આકાશવાણી પ્રસારિત : વિસ્તારીને]

વિશ્વમાનવ મે—જૂન ૧૯૫૫