મિતાક્ષર/હર્બર્ટ રીડનું સંસ્કાર-કલા-ચિંતન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હર્બર્ટ રીડનું સંસ્કાર-કલા-ચિંતન


સંસ્કાર અને કલા અંગેનું રીડનું ચિંતન એની આગવી પ્રતિભાનું દ્યોતક છે. સૌથી પ્રથમ એક ધડાકે એ કહી નાખે છે કે આદર્શ સમાજમાં ‘કલા' જેવો કોઈ અલગ શબ્દ જ નહિ હોય; ટકલાકાર' જેવો કોઈ જુદો વર્ગ નહિ હોય. આદશ સમાજમાં સૌ કારીગરો અને કામદારો હશે. દા. ત. ગાયકો, નટો અને નર્તકો રંગભૂમિના કામદારો હશે. એ રીતે, દરેક ક્ષેત્રના વ્યવસાયીઓમાં કલાકાર એક વ્યવસાયી તરીકે ઓતપ્રોત હશે. આગળ વધીને તે એમ પણ કહી નાખે છે કે આદર્શ સમાજમાં સૌ કામદારો કલાકારો હશે. એટલે કે કોઈ વિશિષ્ટાધિકારી વર્ગ કે સમૂહ નહિ હોય જેને કલાકાર કહી બિરદાવવામાં આવશે; અને કોઈ શાપિત તિરસ્કૃત વર્ગ કે સમૂહ નહિ હોય જેને કામદાર કહીને ઊતરતો ગણવામાં આવશે.[1]

“When Adam delved and Eve span
Who was then the gentleman?”
“આદમે ખોદી ધરતી તે ઈવે કાંત્યું સૂતર
પછી રહ્યો હવે કોણ, કહો તો, સાચો સજ્જન ?”

આ દૃષ્ટિએ, રીડને અભિપ્રેત મત એ છે કે કલા એ કંઈ નવરાશના સમયે કરી લેવાની પ્રવૃત્તિ નથી. એ તો પૂર્ણ સમય-શક્તિ માગી લેનારો વ્યવસાય છે. આથી જ તો, મોટે ભાગે, રોજિંદા વ્યવસાયમાં જ એ પ્રવૃત્તિ ઓતપ્રોત હોવી જરૂરી છે. રીડ આ વાત આદર્શ સમાજમાં શક્ય અને સહજ માને છે. તેના મૂળમાં કલા વિશેની તેની વિભાવના કારણરૂપ છે. તે કહે છે તેમ સૌન્દર્યનું મૂલ્ય કંઈ સંશોધનની વસ્તુ નથી, એ તો વિશ્વની રચનાનો અને એ રચના વિશેની આપણી ચેતનાનો ભાગ છે. રીડ કલાકૃતિની વ્યાખ્યા પણ સાદા સમીકરણ દ્વારા આપે છે. નફો નહિ, પ્રયોજન=કલાકૃતિ. અને જે અત્યંત મનોહારી(સુંદર) અને અત્યંત નિપુણ(ઉપયોગી) વસ્તુ બનાવે તે કલાકાર. તેના મતે, જે કોઈ સમાજ જેટલી સરળતાથી બટાટા ઉગાડે છે એટલી સહજતાથી સુંદર હાંલ્લાં અને તાવડીઓ નહિ બનાવે ત્યાં સુધી તે કલાનાં ઉચ્ચ શિખરો સિદ્ધ નહિ કરી શકે. (ખરી વાત એ છે કે મહાન કલાની આકાંક્ષા અનામી — અવૈયક્તિક રહેવામાં છે.) ટૂંકમાં અમૂર્ત વિભાવના એ કંઈ કલાકૃતિ નથી; માનવીની તત્કાલ આકાંક્ષાઓ અને આશાઓ અભિવ્યક્ત કરે નહિ ત્યાં સુધી કલાને સામાજિક સાર્થકતા નથી. રીડના મતે તો, દરેક માનવીના અંતરમાં કલાકાર બેઠેલો જ છે, એને અવકાશ મળે એ જોવાનું કામ સમાજનું છે. જે કારીગર જીવનને ખરેખરી ઉપયાગી વસ્તુ બનાવે છે તે સુંદર જ હોઈ શકે — શરત એટલી કે (૧) તેમાં ચેાગ્ય માલ વપરાયેલો હોય જેથી તે ટકાઉ અને; (૨) તેની ડિઝાઇન સુયોગ્ય હોય જેથી તે આકર્ષક બને; અને (૩) તેનું પ્રયોજન (function) યોગ્ય રીતે પૂર્ણ કરે જેથી તેની ઉપયોગિતા સિદ્ધ થાય. આ જ રીતે આને ઉપયુક્ત સમાજની વાત રીડ ત્રણ શરતોમાં કહી દે છે: એક તો, એ સમાજમાં વ્યવસાયગત કામદાર મંડળો (guild) હોય; બીજું, તેઓ લોકોને ઉપયોગી વસ્તુઓનું ઉત્પાદન કરતાં હોય; અને ત્રીજું એ કે, એ ઉત્પાદન ઉપર એમને પોતાનો અંકુશ હોય. રીડના મતે સર્જક સંસ્કૃતિની લોકશાહીનાં આ ત્રણ સૂત્રો છે. આ રસ્તે કારીગરની સ્વતંત્રતા અને સમાજની જરૂરિયાત સુરક્ષિત રહે છે. જેવું કલાનું છે તેવું જ સંસ્કાર(culture)નું છે. સંસ્કારની લાક્ષણિકતા એ છે કે તે સમાજજીવનમાં સહજ રીતે ઓતપ્રોત હોય છે. કશુંક જુદું, ઉપરથી આરોપિત નહિ જ. સંસ્કાર એ તો જેને આપણે ઇતિહાસ કહીએ છીએ તે ‘ઑર્ગેનિક' પ્રક્રિયાની ધીમી નીપજ છે, તેમાં સાહિત્ય, લલિત કલાઓ, કવિતા અને ચિંતનનો સમાવેશ થઈ જાય છે. બલ્કે, આ બધાના સરવાળા કરતાં સંસ્કાર વિશેષ છે. સંસ્કાર તો જીવનનાં સહજ આનંદમય કાર્યોંમાં રમમાણ છે. કલાની જેમ સંસ્કાર પણ ખાસ ગ્રંથો અને મ્યૂઝિયમોમાં સંગ્રહાયેલી જડ વસ્તુઓમાં નહિ, પ્રજાના રોજિંદા જીવનવ્યવહારમાં ઓતપ્રોત હોવા જોઇએ. ‘સંસ્કાર' જેવો જુદો શબ્દ ન જ હોવો જોઈએ — કુદરતની જેમ એ સહજવ્યાપ્ત હોવો જોઈએ. અને તે ઉમેરે છે કે કુદરતી વ્યવહાર અકુદરતી સમાજમાં શક્ય નથી. સમર્થ સંસ્કાર આધ્યાત્મિક સ્વાધીનતાની અપેક્ષા રાખે છે. અને આધ્યાત્મિક શક્તિ કંઈ વ્યક્તિગત રીતે ભાનપૂર્વક પેદા કરી શકાતી નથી. એ તો સામાજિક એકાત્મતામાંથી —સામૂહિક આકાંક્ષાઓના ઐક્યમાંથી — ઝરણાની જેમ ફૂટી નીકળી હોય. આવી સંસ્કારિતાનું રહસ્ય સમજવું હોય તો વાણી, આકારો અને પ્રમાણોનું નિરીક્ષણ કરવું જોઈએ. આ સિદ્ધિઓ મૌલિક અખંડ અને અત્યંત મંદ છતાં નિશ્રિત પ્રક્રિયા—સંશોધન તથા વિસ્તરણ —ને આભારી છે. સંસ્કાર અને કલાનો ઇતિહાસ આ દૃષ્ટિએ તપાસવો રસપ્રદ છે. હજારો વર્ષ પૂર્વે કલાનો પ્રાદુર્ભાવ થયો હતો. આદિવાસીઓની અંધારી ગુફાઓમાં; બાદ, ગ્રીસની પહાડી ઝૂંપડીઓમાં. આ સમાજોમાં વાણી, ભાષા અને રંગોની જેમ કલા અને સંસ્કાર અભાનપણે સહજ રીતે જીવનમાં ઓતપ્રેત હતાં. આ પછી, રોમનોના યુગમાં પ્રથમ વાર પુરાણયુગી યુરોપી મૂડીવાદનો વિકાસ થતાં ‘રોમન-સંસ્કાર’ પ્રગટ થયો જે આક્રમક રહ્યો. પરંતુ, એ સંસ્કારિતા રંગરોગાન અને પૉલિશના જેવી ઉપરછલ્લી હતી. આ પછીના અંધાર યુગમાં તો ‘સંસ્કાર’ નષ્ટપ્રાય બન્યો. બાદ, મધ્યયુગમાં વળી એણે ગ્રીક સમયની સ્મૃતિ તાજી કરાવે એવો ઉછાળો માર્યો. તે સમાજમાં મકાનની રચના કરનારો ફૉરમૅન સ્થપતિ હતો, કડિયો શિલ્પી હતો અને ઘણી વાર કારકુન ચિતારો હતો. એ જમાનામાં ‘આંખને જે પકડે તે કલા’— કેવી સરળ સહજ વિભાવના હતી! દેવળો, મીણબત્તીની દીવીઓ અને રમતોનાં સાધનો—સર્વત્ર કલાનો ઝબકારો દેખાતો હતો. બાદ, પુનરુત્થાન(રેનેસાં)નો યુગ આવ્યો. નવતર મૂડીવાદના અંકુરો દેખાયા. વસ્તુઓ ‘વપરાશ’ને બદલે ‘વેચાણ’ માટે પેદા થવા માંડી. અને હોશિયાર લોકો ઉત્પાદનનાં સાધનો ઉપર કબજો લેવા લાગ્યા. પરંતુ, હજી મહદંશે સમાજ જૂનાં મૂળિયાંમાંથી ઊખડી ગયો ન હતો. આ સમય જ્ઞાન અને કલાના ક્ષેત્રે મોટી સિદ્ધિઓનો યુગ બની ગયો : ‘સંસ્કાર'(culture) એવો શબ્દપ્રયોગ પ્રથમ વાર ઈ. સ. ૧૫૧૦માં થયો. આની પૂંઠે આવ્યો ઔદ્યોગિક ક્રાંતિનો યુગ. પરંપરાગત ઉત્પાદનની પદ્ધતિનો અંત આવ્યો. સંરકાર અને રોજિંદા કાર્ય વચ્ચે સમૂળો વિચ્છેદ પડ્યો. પરંપરાગત વિચારો- મૂલ્યો અદૃશ્ય થયાં. નવાં ધોરણોમાં વસ્તુની ‘ઉપયોગિતા' મહત્ત્વની બની; ઉત્પાદકને મન ‘નફો' જ મુખ્ય બન્યો, એટલે ઉપરાઉપરી તકલાદી સસ્તો માલ ઉત્પન્ન કરવાથી અધિક એનો રસ ઉત્પાદનમાં ન રહ્યો. કલા ગૂંગળાઈ રહી. અંતે, વીસમી સદીના મૂડીવાદી-નાઝીવાદી અને સામ્યવાદી સમાજમાં કલાકાર વિચ્છિન્ન એકલવાયો બની સમાજની બહાર ફેંકાઈ ગયો. રીડે એરિક ગિલનું સૂત્ર પુનરુચ્ચાર્યું : ‘જહન્નમમાં જાય એ સંસ્કારિતા' (‘To Hell with Culture’). અદ્યતન યુગની સમસ્યાના મૂળમાં ઊતરતાં રીડને જણાયું કે આજનો કલાકાર સ્વકેન્દ્રિત બન્યો છે; એની સામાજિક ચેતના નષ્ટ પામી છે. એથી તે અગાઉ કરતાં ઘણી વધુ કાતિલ વિચ્છિન્નતા અને એકલતા અનુભવે છે; પરિણામે સમાજ અને એની વચ્ચે મેળ ખાવો જ મુશ્કેલ છે. કલાને મારી નાખીને કલાકારને જિવાડવાનાં ફાંફાં જોઈને રીડ અકળાય છે. અગાઉ સામંતશાહી સમાજમાં અને હાલમાં મૂડીવાદી છત્રછાયા નીચે કલાકારોને ઉત્તેજન — પૅટ્રોનેજ અપાતું રહ્યું છે. પરંતુ, ઉમરાવો અથવા ધનિકોના[2] વ્યક્તિગત પૂર્વગ્રહો કલાકારો માટે ભારે માથાશૂળ બન્યા છે. મોટા ભાગના કલાકારોને sense of audienceના અભાવે ઘણું સહેવું પડ્યું છે. વીસમી સદીમાં, ખાસ કરીને નાઝી-ફાસી અને સામ્યવાદી સરસુખત્યાર સત્તાની છત્રછાયામાં કલાકારોને આર્થિક ઉત્તેજન ઠીક ઠીક આપવામાં આવ્યું છે. તેમના સંઘો દ્વારા તેમની કૃતિઓનું વેચાણ કરી આપવાની પદ્ધતિ તથા પ્રજામાં એને વિષે વધુ માગ ઊભી કરવાની પેરવીઓને રીડ ઉત્સાહભેર આવકારે છે. આ પદ્ધતિ હયાત મૂડીવાદી દેશોની સ્થિતિની સરખામણીએ ‘એક કદમ આગળ’ લેખે છે. પરંતુ, આમ કહ્યા પછી એ ઉમેરે છે કે કલાકાર બીજી ‘કોમેડિટી’ (વેચાણ વસ્તુ)ની જેમ ક્લાનું ઉત્પાદન ધારી ગતિએ અને નિશ્ચિત પદ્ધતિએ નથી કરી શકતો. આથી સર્વસત્તાવાદી સમાજમાં તેને કશો જ બીજો આધાર રહેતો નથી, કાં તો ભૂખે મરવું પડે છે વા આત્માનો(એટલે જ કલાનો) દ્રોહ કરીને જીવવું પડે છે. રશિયાનું દૃષ્ટાંત તે ફોડ પાડીને આપે છે. ત્યાંના કલાકારોને સત્તાને નાપસંદ વિચારો પ્રગટ કરવા માટે તો સહેવું પડે છે; પરંતુ અમુક સૂચિત ‘સ્ટાઈલ' (સોશિયાલિસ્ટ રિયાલિઝમે માન્ય કરેલી)માં ન ચીતરવા માટે અથવા બીજી સ્ટાઈલમાં ચીતરવા માટે તેને ભારે સજાઓ ખમવી પડે છે. સાચી વાત એ છે, અને રીડ એ જાણે છે, કે સામ્યવાદી સત્તાને પોતાના પ્રચાર માટે કલાકારોની ઘણી ગરજ છે. પરંતુ, ક્લા સાથે સ્નાનસૂતક નહિ ધરાવનારા નોકરશાહો અને સત્તાધીશો કલાકારોના સંગઠન ઉપર જહાંગીરી અંકુશ ધરાવતા હોય છે.[3] આથી તેઓ સત્તાના પ્રચારના સાધન તરીકે જેઓ ખપમાં આવે એવા કલાકારોને ન્યાલ કરી નાખે છે—બાકીનાઓ માટે અસ્તિત્વ પણ મુશ્કેલ બનાવી દે છે. રીડ આ આખી પરંપરા માટે માર્ક્સને જવાબદાર લેખે છે. ત્રણ પેઢીની વંશાવળી આ રીતે રજૂ કરે છેઃ સ્તલિન પૂર્વે લેનિન પૂર્વે માર્ક્સ; મુસોલિની પૂર્વે લાબ્રીઓલા પૂર્વે માર્ક્સ; હિટલર પૂર્વે નાંસ્કે પૂર્વે માર્ક્સ. પરંતુ, રીડ હતાશ નથી. તે જેને સાચો લોકશાહી અરાજક સમાજ કહે છે તેવા સમાજમાં સંસ્કાર અને કલાની સાચી સિદ્ધિ શક્ય છે, એવી એને પ્રતીતિ છે. એવા સમાજમાં નફાનો હેતુ દૂર થયો હોઈને, તથા સૌ સ્વેચ્છાએ સહકારયુક્ત ઉત્પાદનમાં જોડાયેલા હોઈને કૃતિને સૌંદર્યની કસોટીએ કસવાનું સહજ બનશે. આવા સમાજમાં મૂડીવાદી નોકરશાહી જમાતનો અંકુશ અને ફાસીવાદી-સામ્યવાદી આપખુદ સત્તાનો અંકુશ દૂર થતાં, માનવીય મિજાજ(spirit) પ્રગટવાનો અવકાશ ઊઘડી જશે. રીડને શ્રદ્ધા છે કે સાચી સ્વાધીનતાના વાતાવરણમાં જવાબદારીની ભાવના સહજ બની ગયા વિના નહિ રહે. આ બધું કહી ચૂક્યા પછીય સર્જન-પ્રક્રિયાની સમસ્યા રીડની સામે પડકાર કરતી ઊભી જ છે : શું એમ કહી શકાય એવું છે કે, સંસ્કાર સામૂહિક પ્રક્રિયાને અંતે પરિણમે છે. માટે એનું વ્યક્તિગત મૂલ્ય નહિવત્ છે? શું એવું સાબિત થઈ શકે એમ છે કે, સમાજની વિકાસકક્ષા અને તેનાં કલા-સર્જનો વચ્ચે કોઈ અવિનાભાવી મેળ છે? આદર્શ સમાજમાંય શું બધા જ કામદારો સમાન કક્ષાના કલાકારો હશે ? શું એવા કોઈ નિયમો છે ખરા કે જેના જોરે સર્જનની ઉચ્ચાવચતાનો ક્યાસ કાઢી શકાય? To Hell with Cultureમાં આવા ઘણા બધા કોયડા ચર્ચીને રીડે તેના જવાબ પણ આપ્યા છે : “કલાની નિષ્પત્તિ ઘણી સૂક્ષ્મ છે. કલાનાં તમામ રૂપો માનવીય સિદ્ધિઓની તમામ અભિવ્યક્તિઓ અપવાદરૂપ વ્યક્તિઓની મેધાનું પરિણામ હોય છે. ભલે એ સર્જનો ગણનાપાત્ર હદે સમાજના પ્રકાર ઉપર આધાર રાખતાં હોય, પરંતુ, તેમનું અંતિમ નક્કર પરિણામ તો વ્યક્તિની માનસિક સૃષ્ટિમાંનાં પરિણામોની નાજુક અને ચૈતસિક સમતુલા પર આધાર રાખે છે.” વળી, “હજી સુધી વિજ્ઞાન સાધારણ ચિત્તમાં સર્જક પરિબળોને પ્રવેશ કરાવી શક્યું નથી અથવા અસાધારણ ચિત્તમાં તેના પ્રભાવને અંકુશમાં લાવવાનો ઉપાય શોધી શક્યું નથી. બીજી બાજું, ઘણી વખત સર્જકને રૂંધી નાખવામાં નાનાં-અમથાં પરિબળો પણ જવાબદાર બન્યાં છે.” કલા, અંતે તો, આધ્યાત્મિક જીવનની સ્વયમેવ અભિવ્યક્તિ રૂપે પ્રગટે છે. આ આખી પ્રક્રિયા મૌલિક છે માટે કરીને ક્રાંતિકારી છે એ પણ રીડ જણાવે છે. જુદા જુદા દેશોનો અભ્યાસ કર્યાં પછી એવો કાનૂન લગાડવો શક્ય નથી કે અમુક સમાજમાં રાજકીય અને સામાજિક સંગઠનો અમુક હદે વિકસ્યાં છે માટે તેનું કલાધેારણ અમુક કક્ષાનું હોવું જોઈએ; અથવા અમુક સામાજિક પદ્ધતિનું આપોઆપ પરિણામ શ્રેષ્ઠ ચિત્રકલાની ગૅરંટીરૂપ છે. કોઈ પણ સમાજનાં આર્થિક તો શું પણ નૈતિક ધોરણો સાથે તેનાં કલા-ધોરણોનો મેળ ખાશે જ એવો અવિનાભાવી સંબંધ માની લેવાય એમ નથી. બહુ બહુ તો, એટલું કહી શકાય કે જીવનની vitality જે સમાજમાં વિશેષ હોય ત્યાં સંસ્કાર અને કલાને માટે વધુ અવકાશ રહે છે. આદિયુગના સમાજમાં આ શક્તિ વધુ હતી, તે વધુ સમરસ હતો; ત્યાં કલા સ્વયંભૂ હતી. જગતની કેટલીક સર્વોત્કૃષ્ટ કલાકૃતિઓ સર્જનારા જેમને આપણે જંગલી કહીએ છીએ એ આદિવાસીઓ હતા. લેખક પોતે એવો એકરાર કરે છે કે તેમની એ માન્યતા ખોટી પડી છે કે અમુક પ્રકારની સામાજિક-આર્થિક ક્રાંતિ થતાં ક્લાના આસ્વાદકોનું ધોરણ ઊંચું જશે જ. હકીકતે, એવી ક્રાંતિને અંતે ઊલટા હલકા રસો અને અણઘડ અભિવ્યક્તિઓનો પ્રસાર વધ્યો છે! ઇતિહાસની વાત બાજુ પર રાખીએ. પરંતુ, રીડ જે આદર્શ સમાજની વાત કરે છે એ સમાજમાં શું બધા કારીગરો ક્લાકારો હશે? સૌ સમકક્ષ હશે ? કલાકારોમાં મધ્યમ(mediocre) અને ઉચ્ચ પ્રતિભાવાન(genius) એવા પ્રકારભેદો તો રીડ સ્વીકારે છે. એના ચાર માપદંડ પણ તે સૂચવે છેઃ (૧) પરંપરાગત, (૨) સર્જકની લાગણી (sensibility)ની માત્રા, (૩) સ્થળ અને સમયની તેની કોઠાસૂઝ તથા લય(rhythm) અને સામંજસ્ય (harmony) સાથેનો સંબંધ (૪) નાટ્યાત્મક પ્રતીક શક્તિ. છતાં, અંતે તે એ સ્વીકાર કરી લે છે કે “Art, like the human mind itself, embraces contradiction.” ઉત્તમ ક્લાકૃતિ માટેની ઉત્તમ સમતુલાનો અર્થ ઉચ્ચમાત્રાનો આંતરિક તનાવ (tension). તમામ મહાન કલામાં જે જીવન અભિવ્યક્તિ પામે છે તે નિશ્ચિત રીતે ઑર્ગેનિક-સામૂહિક ચૈતન્ય છે, એવું કહ્યા પછીય, કલાકારને ઇશ્વરદત્ત જે બક્ષિસ મળી છે તેનું શું ? એના જવાબમાં રીડ એ વાતનો સ્વીકાર કરે છે કે અમુક વ્યક્તિને સંગીતની absolute pitchની જન્મજાત બક્ષિસ મળેલી હોય છે; તો બીજાને રંગ, રેખા, આકૃતિના સામંજસ્યની કોઠાસૂઝ. સર્જનની આખી પ્રક્રિયા મહદંશે રહસ્યમય અને બૌદ્ધિક લૅાજિકથી અગમ્ય હોવાનો સ્વીકાર રીડ કરે જ છે. આ બધું સમજી સ્વીકારી લીધા પછી, અદ્યતન યુગના કલાકારોની સ્થિતિનું પૃથક્કરણ કરી લીધા પછી, તેને જે ઉદ્બોધન કરે છે તે કદાચ રીડના સમસ્ત ચિંતનના પરિપાકરૂપ છે : બધા સમાજો કલાકાર પાસે ઘણી વધુ અપેક્ષાઓ રાખે છે. બલ્કે શરણાગતિ માગે છે. પરંતુ, સામેથી એનું એકાંત પણ છીનવી લે છે! સર્જકનું એકાંત એટલે ‘સામાજિક કરાર'માંથી મુક્તિ બલ્કે સમૂહવાદના સિદ્ધાંતનો ઇન્કાર એવો સ્પષ્ટ અર્થ રીડ કરે જ છે. એ જ રીતે, સર્જકની સ્વતંત્રતાનો અર્થ પણ રોજિંદા જીવનવ્યવહારની આર્થિક પ્રવૃત્તિ માટે આવશ્યક ગણાતાં પગથિયાં અને તેના રૂટીનમાંથી પણ મુક્તિ, એમ પણ તે બેધડક કહી નાખે છે. આ પછી સામાજિકતાનું બંધન કયા પ્રકારનું એ વાત અસ્પષ્ટ રહે છે. પરંતુ, અંતે, કલાકાર અને સમાજ વચ્ચેના સંબંધનો સેતુ તેના મનમાં સ્પષ્ટ છે. આદિયુગમાં જેમ મૅજિક-મૅન અને મેડિસિન-મૅનનું કાર્ય વૈયક્તિક ચૈતન્ય અને સામૂહિક ચૈતન્ય વચ્ચેનો સેતુ બનાવવાનું હતું તે જ કાર્ય આજેય ઊભું છે. એ રીતે જ, સામાજિક પુનરૈક્ય સિદ્ધ કરી શકાશે. આ સિદ્ધુને જ લક્ષમાં રાખીને To Hell with Cultureને જ અંતે રીડ કલાકારને તેની કસોટીનો રાહ ચીંધે છે. તે સ્પષ્ટ કરે છે કે સાચો કલાકાર તેની ચારે બાજુની ભીંસમાં જીવતો છતાં (catalyst) અપરિવર્તનીય રાસાયણિક પદાર્થની જેમ સ્વસ્થ અને અક્ષુણ્ણ રહે છે; પરિણામે સમાજ તેને ન આવકારે એ પણ બને. આથી જ તો, એનું કાર્ય વધુ બેકદર રહે છે. પરંતુ, એથી કંઈ એના પોતાના કર્તવ્યનો લોપ થતો નથી. “To Communicate and yet to be able to do so only from the position of insulation of disaffection.” "Society will never understand or love the artist because it will never appreciate his indifference, his so called objectivity. But the artist must learn to love and understand the society which renounces him. He must accept the contrary experience, and drink, with Socrates, the deadly cup.


  1. [૧. રીડે કલાકારની બાબતમાં જે વિવરણ કર્યું છે તેમાં મોટે ભાગે તેણે શિલ્પી, સ્થપતિ, ચિત્રકાર, સંગીતકાર, નટ-નૃત્યકારનો સમાવેશ કર્યો છે. કવિનું સ્થાન ભિન્ન લેખીને તેને બાકાત રાખ્યો છે. કવિના કાર્યને તે વિરલ અપવાદરૂપ ગણીને કલાકારોથી ભિન્ન અભિગમ રાખે છે.]
  2. [૨. વાન ગૉગે તેના ભાઈ ઉપર લખેલા પત્રમાંથી : “હું બેકાર છું — ઘણાં વરસોથી બેકાર રહ્યો છું. તેનું કારણ એ છે કે જેઓ કામ આપનારા છે તે ગૃહસ્થો પોતાની રીતે વિચારનારાઓને જ કામ પર રોકે છે; મારા વિચારો એમનાથી જુદા છે. . . ”]
  3. [૩. મૂડીવાદી લોકશાહી સમાજમાંય આવા નોકરશાહો હસ્તક મર્યાદિત અંકુશો હોવા છતાં ત્યાં તેમનો કે રાજ્યના સત્તાધીશોના પૂરો અંકુશ ન હોવાને કારણે ત્યાં કલાકાર કોઈ ને કોઈ રાહે જીવે છે, ઝૂઝે છે અને કલાકર્મ ચાલુ રાખી શકે છે.]