યુગવંદના/છેલ્લી સલામ
સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે’જો રે,
ઝાઝેરા જુહાર જગને દેજો હો...જી!
મળાયું ન તેને સહુને માફામાફ કે’જો, ને
રુદિયામાં રાખી અમને રે’જો હો...જી!
ટીપેટીપે શોણિત મારાં તોળી તોળી આપું તોયે,
પૂરાં જેનાં પ્રાછત કદીયે જડશે ન જી –
એવા પાપ-દાવાનલમાં જલે છે જનેતા મારી,
દિલડાના ડુંગર સળગ્યા – ઠરશે ન જી!
– સો સો રે સલામું
કીધાં ખાખ ખાંડવવનને* પાંડુ તણા પુત્રે તે દી
નિરદોષી નાગાં લાખો ભુંજાણાં હો...જી:
આદુનાં નિવાસી એ તો આ રે આર્યભોમ કેરાં,
પૂર્વજ મારાને પાપે ઓરાણાં હો...જી.
– સો સો રે સલામું
રઘુપતિ* રામ મારા રુદાનો વિસામો – એણે
ઋષિઓને વચને ખાધેલ ખોટ્યું હો...જી:
પ્રભુનામ ભજતો એણે પારાધી સંહારિયો રે
એનું ઘોર પાતક આજે ઊમટ્યું હો...જી!
– સો સો રે સલામું
છેદ્યાં, બાળ્યાં, ગારદ કીધાં પૃથવીના પેટમાં, ને
અસૂરો કહીને કાઢ્યા વનવાસ જી:
જીવતાંને કાજે જુદી નરકું બંધાવિયું, ને
સદાનાં નરાધમ રાખ્યાં દાસીદાસ જી.
– સો સો રે સલામું
સમર્થોની સત્તા, સંતો, ધુતારાની ધૂતણબાજી,
કૂડિયા ગુરુની કૈં કૈં કરામાત જી:
એની* તો વણાવી ધીંગી ધરમધજાઓ, એને
ભાંડું કેરે રગતે રંગી ભલી ભાત જી.
– સો સો રે સલામું
એવી એવી ઝડીઓ મારાં સહોદરો ઝીલતાં, ને
ધરમધજા કેરે ક્યારે સિંચાણાં હો...જી:
રુદામાં શમાવી સરવે રુદનપિયાલા, વા’લાં
હરિ કેરા રથડા હેઠળ પિલાણાં હો...જી.
– સો સો રે સલામું
રથના સારથિડા – સુણજો, સાધુ ને ગુંસાઈ સરવે,
કડાકા કરે છે રથની ધરીઓ હો...જી:
જુઓ જુઓ જુગનો ભેરવ ઊભો વાટ ખાળી આજે,
ભીતર તો નિહાળો: હરિ ક્યાં પળિયો હો...જી.
– સો સો રે સલામું
જુગનો મહારાજા આજે મહાકાળ જાગિયો, ને
ધરમ કેરા ધારણ-કાંટા માંડે હો...જી:
સતને ત્રાજવડે* મારાં કલેજાં ચડાવિયાં મેં,
શીશ તો નમાવ્યું શાસનદંડે હો...જી.
– સો સો રે સલામું
હરિ કેરાં તેડાં અમને – આવી છે વધામણી રે,
દલિતોને ઉત્સવ હાકલ પડી છે હો...જી;
હસતાં મુખડાંની અમને વિદાયું દિયો રે, વા’લાં!
રખે કોઈ રોકે નયણાં રડીને હો...જી!
– સો સો રે સલામું
૧૯૩૩