યુગવંદના/ઝંખના

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઝંખના
[ઢાળ: ‘મારા કેસરભીના કંથ હો’]


મારી માઝમ રાતનાં સોણલાં ચમકી ચમકી ચાલ્યાં જાય:
મારી આતમ-જ્યોતના દીવડા ઝબૂકી ઝબૂકી ઝંખવાય.
જંપે જરી રોતાં લોચનિયાં ત્યાં
ઝબકીને જાગી જવાય;
આઘે આઘે આછા યુગનર કેરા
પડછાયા પથરાય રે:
મહાવીર દૂરે દરશાય. – મારી

આભ લગી એનાં મસ્તક ઊંચાં ને
પગ અડતા પાતાળ;
જુગજુગના જેણે કાળ વલોવ્યા ને
ડોલાવી ડુંગરમાળ રે:
ફોડી જીવનરૂંધણ પાળ. – મારી

ઠપકા દેતી હસતી મૂરતી એ
ઝળહળતી ચાલી જાય;
સ્વપ્ન સરે, મારે કાન પડે
મારા દેશની ઊંડેરી હાય રે:
એનાં બંધન ક્યારે કપાય! – મારી

ઘન ઘન અંધારાં વીંધણહારો
જાગે ન કો ભડવીર;
ડરતાં ડરતાં ડગલાં ભરતાં આ તો
વામન સરખાં શરીર રે
અણભીંજલ ઊભાં છે તીર. – મારી
જરીક જરીક ડગ માંડતાં મારી
જનનીને ના વળે જંપ;
આવો, વિપ્લવ! આવો જ્વાલામુખી!
આવો, રૂડા ભૂમિકમ્પ રે:
ભેદો જીર્ણતા-દારુણ થંભ. – મારી
૧૯૨૮