રમણીક અગ્રાવતની કવિતા/બાકીનાની શોધમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૬૪. બાકીનાની શોધમાં

૧.
ઉપર આકાશી ઘટાટોપ
અસલ ભૂરો
આજુબાજુ અદ્દલ મોકળાશ જેવી મોકળાશ
દેખાયા કરે સતત એવી જોગવાઈ છે
હેઠળ વિવિધ રંગોની વધતી-ઓછી છાયા
વાંસોવાંસ હાજર
‘હેતુ-કારણ’ની સમજણ પણ
તમને એકલું ન લાગે એટલા વાસ્તે
તે પણ તમારી સાથે જ છે
પિંજરમાં.

૨.
ગલીમાં ગલી
ગલી પછી તરત ગલી
ગલીની અંદર વળી પાછી ગલી
હલાવતાં સરનામાની કાપલી
બેવડત્રેવડમાંથી ખરી પડે નવી ગલી
દુઃખતે પગે આવ્યો લાગે છેડો
ત્યાંથી શરૂ અગલી ગલી.

૩.
પિંજરની બહાર પિંજર
તેની બહાર પિંજર
તેની ય બહાર પિંજર
પિંજરોમાં વાંકીચૂકી વિસ્તરેલી
જરીતરી મોકળાશમાં તરતાં
નાનાં નાનાં પિંજર
પોતપોતાનાં.

૪.
ક્યારેક ડાબા હાથ જેવા બેવકૂફ
ક્યારેક જમણા હાથ જેવા ચાલાક
શા માટે એકબીજાને એકબીજાથી વિરુદ્ધ
હાથ કે હથિયાર જેમ ઉઠાવી
ફરી ત્યાં ને ત્યાં પહોંચીએ છીએ?

ઘણીવાર ચીડપૂર્વક ધુત્કારી કાઢું છું
તને મને સૌને

પાણી સરે ને હેઠથી
ચળકતાં પથ્થર રેતી છીપલાં
રૂડાં નજરે ચઢે એમ
મને વારે વારે લજવતી નીતરી શરમ
પજવતી રહે ક્યાંય સુધી...

વારે વારે એકનો એક સિક્કો ઉછાળતો
જોતો રહું ઘૃણા-શરમનો ખેલ

મારા સુધી જતો જતો
અટકી રહું મારામાં જ.

૫.
...બાકીનો માણસ પછી આ બાજુ
ઊતરી પડ્યો વ્યવહારોમાં
ઉતાવળા સ્વરવ્યંજનોમાં અથડાતો
આડે હાથે મુકાયેલી સ્મૃતિઓ વટાવતો
ઉઘરાવતો લાગણીના બાકી હપ્તાઓ
વસૂલતો અમસ્તો ભૂતકાળ
રસ્તાની દુકાનોના આયનાઓમાં ઓચિન્તો
સામસામો થઈ જાય તો છળી પડે
મોં વકાસી જોઈ રહે
ને જાણે ટહેલવા નીકળ્યો હોય એમ
લય બદલી
વળી જાય હાથ ચડડ્યે રસ્તે!

૬.
રોજ રાતે પથારીમાં સમેટાઈ જતા માણસમાં
પૂરેપૂરો એનો એ જ માણસ હોય છે?

તો પછી ક્યાં જતો રહે છે
બાકીનો માણસ?

સવારે પથારી છોડતા માણસમાંથી
આગલી રાતનો માણસ જ જાગે છે?

તો પછી ક્યાં રહી જાય છે
બાકીનો માણસ?

ક્યારેક વિચારમાં
ક્યારેક આયનામાં
ક્યારેક વાતચીતની અધવચ
ક્યારેક એકાંતનું ભેદી પડ ડખોળીને
કોની ઉપસ્થિતિ ભડકાવી દે છે?

કોનું વિસ્મરણ આમ સાવ અમસ્તી બેચેની બનીને
હંફાવ્યા કરે છે વારંવાર?