રવીન્દ્રનાથ-એક કવિનું શબ્દચિત્ર/5

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૫. આંતરિક નાટ્ય પ્રવાહ: સીમાંતે
‘આ શું કૌતુક છે નિત્યનૂતન હે કૌતુકમયી, હું જે કાંઈ બોલવા ચાહું બોલી દેતું કોઈ. અંતરમાં બેસી અવિરત મુખેથી શબ્દ લઈ તમે કરતા મારી વાત તમારા સૂરે. . . . બેસીને મારા દ્વારે કહેતો હતો હું ઘરની વાત પોતાના જ સ્વજનોને - તમે દીધા તે શબ્દો અનલને ડૂબાડ્યા તે અશ્રુજલે ઘડી તેની નવીન પ્રતિમા મનગમતી.’

‘નિરુદ્દેશ જાત્રા’ પછી એક વર્ષે ઊપરની પંક્તિઓ લખાઈ હતી. જે કાવ્યમાં તે આવે છે તે રવીન્દ્રનાથની બીજી આદર્શ પ્રતિભાને ઉદ્દેશીને લખાઈ છે. તે અમૂર્ત અને અપાર્થિવ છે પણ સોનેરી નાવના સુંદર કર્ણધાર સાથે ચોક્કસ સંબંધ ધરાવે છે. તેનું સંબોધન છે કૌતુકમયી, જે સ્તબ્ધ અને શાંત પ્રતિભા નથી પણ ક્રિયાશીલ વ્યક્તિ છે. હવે તે બોલે છે. જે કાવ્યો તે બોલે છે તે કવિને અને તેમના શિષ્ટ લક્ષ્યને અતિક્રમી જાય છે. તેના સહકાર વિના આ કાવ્યોનું ખાસ મહત્વ ન હોત. માનસ સુંદરી અને વિદેશિનીની માફક તે જગતની બહાર નથી પણ તેનો જ એક અંશ છે. તેને કોઈ માનવીય શરીર નથી. તે કવિની અંદર જ છે અને છતાં ગતિશીલ છે. તે ટાળે છે, દોરે છે, ગૂંચવે છે અને મુગ્ધ કરે છે. તેનામાં ઈચ્છા કરવાની અને સર્જવાની શક્તિ છે તેમ જ આંતર્ચેતનાનું રહસ્ય છે; કવિ સ્વભાવગત કારણોથી તેને સમજી શકતા નથી અને તેનું સાધન, મંત્રમુગ્ધ વાદ્ય અને માધ્યમ બની રહે છે. અહીં કવિ અને એેમની પ્રતિભા વચ્ચે સાહિત્યિક સંઘર્ષ છે.

કાવ્યનું શીર્ષક છે ‘અંતર્યામી’. આ શબ્દ પુલ્લિંગમાં છે તે મને અકસ્માત નથી લાગતો. કાવ્ય જેમ આગળ વધે છે તેમ આ રમતિયાળ સ્ત્રી તેના નિર્ધારિત ક્ષેત્રની બહાર પદાર્પણ કરતી જણાય છે. તેને દેવ અને દેવી બંને તરીકે સંબોધન કરવામાં આવે છે; તે કવિની પ્રેયસી તેમ જ વિશ્વરૂપી છે. તેને માટે વપરાયેલા વિશેષણો સ્ત્રીલિંગ તેમ જ પુલિંગ છે. તે છે ઊષા, જે વિકસતી મરણનિશામાંથી અને નિખિલ ગગન કાંપતું તેના સ્પર્શરસતરંગે. આવો દાવો પ્રેરણામૂર્તિ માટે થઈ શકે?

આ કાવ્ય ‘ચિત્રા’ નામના પુસ્તકમાં છે જે ૧૮૯૬માં પ્રગટ થયું હતું. તેને અને તે જ નામના અંગ્રેજી નાટક સાથે કોઈ જ સંબંધ નથી. નાટકનું શીર્ષક મૂળ ‘ચિત્રાંગદા’નું સંક્ષિપ્ત સ્વરૂપ છે જે આંગ્લભાષીઓની વિદેશી શબ્દો બોલી શકવાની સીમિત ક્ષમતા જોતાં ક્ષમ્ય છે. કાવ્યના પુસ્તકમાં ‘ચિત્રા’ કોઈ સ્ત્રીનું નામ નથી પણ ‘ચિત્ર’નું સ્ત્રીલિંગ છે. તેનો અર્થ ‘બહુવિધ’ કે ‘વિવિધરંગી’ પણ થઈ શકે. આ છેલ્લો ભાવ શીર્ષક-કાવ્યની પ્રથમ પંક્તિમાં વ્યક્ત થયો છે: ‘જગત મધ્યે કેટલી વિચિત્ર તું, હે વિચિત્રરૂપિણી.’ આમાં અને ‘અંતર્યામી’માં કાંઈક સામ્ય છે. બંનેમાં વચ્ચે સર્વવ્યાપકતાની વિભાવના છે. બંનેમાં આપણો પરિચય થાય છે એક એવા અસ્તિત્વ સાથે જે વિવિધરૂપી, ચંચળ, ઈન્દ્રીયોને મંત્રમુગ્ધ કરે છે, અખંડ ઐક્ય ધરાવે છે, અસીમ અને શાંતિદાયક છે અને સ્થળ-કાળથી પર છે. બંને કાવ્યોનો અંત આવે છે પ્રાર્થનાના સૂરમાં. ‘ચિત્રા’માં સન્માનીય અસ્તિત્વ છે. ‘અંતર્વાસિની’ અને આ સ્ત્રીમાં કવિની પ્રેરણામૂર્તિના દર્શન કરવા અસંભવ છે. તેના વિવિધ સ્વરૂપને કારણે તે પ્રકૃતિ હોઈ શકે પણ જ્યારે તે ‘ઊષાપ્રકાશસમ સ્થિર’, નિત્ય અને અનિર્વચનીય બને છે ત્યારે તે ઈશ્વરસ્વરૂપની અત્યંત નજીક પહોંચી જાય છે. આ મુદ્દા માટે કોઈ પણ શંકા રહી જતી હોય તો તે આ જ પુસ્તકના બીજા એક કાવ્ય - ‘જીવનદેવતા’ દ્વારા નિર્મૂળ થઈ જાય છે. અહીં કવિની પ્રેયસી જે હજી સુધી સ્ત્રી હતી - અને ક્યારેક તો ઈન્દ્રિયગમ્ય પણ - તે નિ:શંક પુરૂષ ઈશ્વરનું સ્વરૂપ ધારણ કરે છે. આ ઈશ્વર ‘અંતરાત્મા’ છે અને કાવ્ય બોલનાર સ્ત્રી તેની સાથે પરણેલી છે. તે પરંપરાગત, આદર્શ, હિંદુ પત્નીના ભાવથી આ કાવ્ય બોલે છે.

‘હે અંતરતમ, છિપે છે શું તારી સકલ તૃષા આવીને અંતરે મારા? દુ:ખસુખની લક્ષ ધારાથી પાત્ર ભરી દીધું તારું, નિષ્ઠૂર પીડને નીચોવી છાતી પીસાતી દ્રાક્ષની જેમ. કેટલા રંગ, કેટલી સુગંધ કેટલી રાગિણિ, કેટલા છંદ ગૂંથી ગૂંથી વણી સુહાગરાતસેજ તારી - ગાળી ગાળી વાસના સુવર્ણ પ્રતિદિન હું કરતો સર્જન તારી ક્ષણિક લીલા માટે મૂર્તિ નિત્યનવ.’

‘દ્રાક્ષ’ અને ‘સુહાગરાતસેજ’માં શૃંગારપ્રધાન રણકો છે અને ‘રંગ’ તેમ જ ‘છંદ’ નિ:શંક કવિતા પ્રતિ અંગુલિનિર્દેશ કરે છે. પણ આ અવાજ એક નિષ્ઠાપૂર્ણ પત્નીનો છે જે પોતાના સ્વામીને પ્રસન્ન કરવા બધું જ કરી છૂટી છે અને તેને ભય છે કે કાંઈક ક્ષતિ રહી ગઈ હશે.[1] આશ્ચર્યની વાત એ છે કે રૂપકો મિશ્રિત જણાય છે; એક તરફ પ્રિયતમ ‘બેઠો પોતાના સિંહાસને’, જેથી તે એક દૂર બેઠેલી કે અલગ વ્યક્તિ લાગે તેમ જ તે એક કવિ, સંવાદિતાનો સ્રોત અને માલિક, બંને લાગે; બીજી તરફ તે સૌથી વધુ અંગત વ્યક્તિ છે - જીવનનો નાથ - જેની સાથેના ‘લગ્ન’ને કારણે તો અસ્તિત્વ અર્થપૂર્ણ બને છે. અંતિમ ચરણમાં પત્ની પૂછે છે:

‘શિથિલ થતાં બાહુબંધન મદિરાવિહીન મમ ચુંબન, જીવનકુંજે અભિસારનિશા આજે કેમ થતું પ્રભાત? નૂતન કરો ફરી એક વાર ચિરપુરાતન મને નૂતન વિવાહે બાંધો મને નવીન જીવનદોરે.’
આ વૈવાહિક સંબંધમાં ક્યારેય શ્રાંતિને સ્થાન હોતું જ નથી; તેનું નવીનીકરણ, તેનો કાયાકલ્પ, તેનો જીર્ણોદ્ધાર સદા થતો જ રહે છે.

આપણે એમ કહી શકીએ કે આ કાવ્યમાં પહેલી જ વાર રવીન્દ્રનાથે નામ પાડ્યા વિના તેમના ઈશ્વરને સીધેસીધા સંબોધ્યા? તેમ હોય તો પણ એમ માનવાને કારણ નથી કે હવે રવીન્દ્રનાથ ઈશ્વર સુધી ‘પહોંચી’ ગયા છે કારણ તે ક્યારેય ‘પહોંચતા’ નથી પણ તેમના પ્રેમપાત્રોની વચ્ચે હરતાફરતા, જતા આવતા રહે છે. તેમની અને રહસ્યવાદીઓ વચ્ચે સાદૃશ્ય સામ્ય હોવા છતાં આ ફરક પણ છે તે આપણે નોંધવું રહ્યું. રવીન્દ્રનાથ ઉપર વૈષ્ણવોની અસર સીધી હતી અને તેને વિષે ઘણું લખાયું છે. પણ રવીન્દ્રનાથનો પ્રકૃતિ પ્રત્યેનો ભાવ અને તેમની કવિતાને વ્યવસાય તરીકે જોવાની દૃષ્ટિ - આ બે નવા અને આધુનિક મુદ્દાને કારણે તેમનો ઈશ્વર વૈષ્ણવોના ઈશ્વર કરતાં વધુ જટિલ અને ઓછો વાસ્તવિક બને છે. તદુપરાંત ઘણા વિદ્વાનો એમ માને છે વૈષ્ણવ કવિતાને સમજવા માટે વૈષ્ણવ ફિલસૂફીનું જ્ઞાન હોવું આવશ્યક છે. મારા જેવા, ફિલસૂફીથી અજ્ઞાત માણસો માટે સખેદ નોંધવું ઘટે કે કવિએ એક ગૂઢ સિદ્ધાંત માટે તેના વાચકોના જ્ઞાન ઉપર આધાર રાખવો પડે છે. પણ રવીન્દ્રનાથ કોઈ ફિલસૂફ કવિ નથી અને તે હતા તેમ સાબિત કરવાના પ્રયત્નથી આપણે તેમની કોઈ સેવા કરવાના નથી. તેમની નિખાલસતા અને સહજ નિરૂપણમાં જ તેમની શક્તિ છે. તમે આસ્તિક, અજ્ઞેયવાદી કે નાસ્તિક હો, તમને તેમની કવિતામાં ભાવભર્યું નિમંત્રણ છે. તેમની માન્યતાનું વિશ્લેષણ કરતાં જણાશે કે તેમનામાં ઉપનિષદ અને વૈષ્ણવ તત્વોનું મિશ્રણ છે. એક અને અનેક વચ્ચેની તેમની ગતિશીલતા, કલાત્મકતા અને શ્રેષ્ઠ સૌંદર્યમીમાંસા - આ તેમની નવી, નોંધનીય અને આગવી લાક્ષણિકતાઓ છે જેનાથી તેમના આ વિરોધાભાસી તત્વો વચ્ચે સમતુલન જળવાઈ રહે છે.

તરત જ એક ઉદાહરણ યાદ આવે છે. ‘ચૈતાલી’ નામના પુસ્તકમાં પ્રકૃતિ સ્વાયત્ત છે; તેને સંપૂર્ણ કરવા માટે, સામૂર્ત કરવા માટે તેમની પ્રિય નદી, પદ્મા સિવાય બીજું કાંઈ જ જરૂરી નથી. પણ ‘ચિત્રા’માં પ્રકૃતિ દૈવીતત્વનું નિર્ગમન છે, શાશ્વતનું વિવિધરંગી પ્રતિબિંબ છે. જ્યારે આપણે યાદ કરીએ કે આ બે પુસ્તકો એક જ વર્ષમાં પ્રગટ થયા હતા અને આ બે કાવ્યો - સુવિખ્યાત પદ્મા કાવ્ય અને ‘ચિત્રા’નું શીર્ષક કાવ્ય - માત્ર ચાર જ માસના અંતરે લખાયા હતા ત્યારે આ ભેદ વધુ રસપૂર્ણ થઈ પડે છે. આ બંને ભાવ કે મનોવૃત્તિ રવીન્દ્રનાથમાં એક સાથે અતિત્વ ધરાવે છે; તે ઘણી વાર એકબીજામાં ભળી જાય છે તો ક્યારેક પરસ્પરની સીમા પાર પણ કરી દે છે. આ જ પ્રમાણે પ્રેમ અને ભક્તિપૂર્ણ પ્રાર્થના પણ એકબીજામાં ભળી જતી કે એકબીજા પર છવાઈ જતી જોવામાં આવે છે. રવીન્દ્રનાથની આધ્યાત્મિકતા ઈન્દ્રીયજન્ય છે. તેમનો ઈશ્વર સકલ પ્રકૃતિમાં અને સમગ્ર અનુભવોમાં દેખા દે છે. તેમની સંપૂર્ણતા અને સમન્વયની મૂર્તિની શોધમાં તેમણે જે દિવસે ‘જીવન દેવતા’નું - તેમના આવેગના ‘સ્વામી-સ્વામિની’ - નિર્માણ કર્યું તે એક મહત્વપૂર્ણ દિવસ હતો.

આ ‘જીવન દેવતા’ તેમની સાથે ‘ગીતાંજલિ’ સુધી રહે છે. વર્ષો વીતતા જાય છે; તે ખૂબ લખે છે; કાવ્યોમાં હંમેશની જેમ પ્રચૂર વૈવિધ્ય છે. એક નહીં તો બીજા સમયે પેલી સ્ત્રીનો અવાજ સંભળાય છે જે પ્રેમ કરે છે અને સહન કરે છે; પોતાની જાતને અર્પણ કરે છે પ્રેમને જે માત્ર તેની જાતિ માટે જ શક્ય છે. ‘ચિત્રા’નું સહજ માધુર્ય ક્યાંય દેખાતું નથી; શૃંગારપ્રધાન તત્વનું બાષ્પીભવન થઈ ગયું છે; માત્ર તેની સુગંધ રહી ગઈ છે. આજ્ઞાંકિત અને સંલગ્ન પત્ની હવે એક યુવાન કન્યા બની ગઈ છે અને તેને કોઈ પ્રેમ કરતું નથી પણ તે પ્રેમ કરે છે; તેની રહસ્યમય, વ્યાકુળ અને નિરાશ ક્ષણોનો પાર નથી. ક્યાં તો તેનો પ્રિયતમ મિલનનો સમય સાચવી નથી શકતો કે પછી તે પોતે શરમની મારી બોલી નથી શકતી. અહીં નોંધવું જોઈએ કે બોલવાનું તેણે જ છે. હું વાત કરું છું ‘કલ્પના’ નામના પુસ્તકમાં આવતા ‘ભ્રષ્ટ લગ્ન’ નામના કાવ્યની. રથ તેના દ્વારે આવીને ઊભો રહે છે અને રથારૂઢ યુવાન તેના ખોવાયેલા પ્રેમને શોધતો હોય છે. પણ બિચારી શરમાળ કન્યા પગથિયા ઊતરીને તેની જાતને પ્રગટ નથી કરી શકતી. આપણને લાગે કે ઓળખાણને વળી શબ્દોની શી જરૂર - આગળ જોયેલા ‘સ્વપ્ન’માં તો ન જ હતી! - પણ અહીં રથ ચાલ્યો જાય છે અને યુવતી આખી રાત બારી પાસે બેસીને સ્વગત બોલ્યા કરે છે: ‘તે જ છું હું, અરે, તે જ છું હું.’ તે સદા તૈયાર હોય છે, પ્રતીક્ષા કરતી, ભયગ્રસ્ત, આશા રાખતી; તે વિરહિણી છે; વિખૂટી પડેલી, વ્યાકુળ વધૂ, જેને માટે પ્રિયતમના પુનરાગમન સિવાય બીજા કશાયનો કાંઈ જ અર્થ નથી. બીજું એક કાવ્ય - ‘ઉત્સર્ગ’ નામના પુસ્તકનું ૧૦મું કાવ્ય - છે જેમાં રવીન્દ્રનાથ એક ચાતુર્યમય કબૂલાતના સ્વરૂપમાં પ્રસંગ વર્ણવે છે. તે કહે છે કે, તેમના પોતાનામાં એક વિરહિણી વસે છે પણ તે આ વિખૂટી પડેલી સ્ત્રીનો પ્રેમ જીતી નથી શકતા કારણ કે પુષ્પ, રત્ન કે પ્રેમસભર પ્રલાપ તેને ક્ષણભરથી વધારે રાજી નથી રાખી શકતા. અંતે તે પ્રેયસી કહે છે, ‘હું જેના પ્રેમમાં છું તેનું નામ નથી કહી શકતી! દિવસો વીતતા જાય છે, ક્યારે હું એ અજ્ઞાતને મારો બનાવીશ.’

‘ક્ષનિકા’ નામના પુસ્તકના બીજા એક કાવ્યમાં કવિ પોતાનામાં વસેલી આ સ્ત્રીને કવિ વધૂના સ્વરૂપમાં જુએ છે. આ કાવ્યનું શીર્ષક છે ‘અતિથિ’ અને તે અદ્‌ભુત નજાકતથી સાવ બોલચાલના લહેકામાં લખાયું છે. ઢળતી સાંજે એક અસ્પષ્ટ સમાચારથી આ વધૂ આશ્ચર્ય પામે છે - ‘અરે સાંભળ, આવશે અતિથિ આજે, રાખ તારું કામ બાજુએ’. કવિ કહે છે, ‘તારા દરવાજાની સાંકળ ખખડતી સાંભળી કે નહીં? ના, આ પવન નથી. ભયનું કોઈ કારણ નથી. જા અને મળ અતિથિને. ન બોલાય તો ઊભી રહેજે નત આંખે, પણ જા અને મળ અતિથિને.’ અતિથિ આવ્યા કે નહીં તે અપ્રસ્તુત છે. કાવ્યમાં ક્યારેક વર્તમાન કાળ તો ક્યારેક ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. એક આવનારા પણ અનિશ્ચિત પ્રસંગની આગાહી જેવું આ કાવ્ય છે. અહીં વાત એક બીજા જ દૃષ્ટિકોણથી કરાઈ છે. એમ લાગે છે કે વધૂ તૈયાર નથી અને પ્રિયતમ અચાનક કે ઓચિંતો જ આવી જવાનો હોય તેમ લાગે છે. તેનો અસ્વીકાર થવાની પૂરેપૂરી સંભાવના છે તે આ નાનકડી પણ ઉત્કૃષ્ટ રચનામાં દર્શાવાયું છે. માત્ર ચાળીશ પંક્તિના આ કાવ્યમાં એક નાટ્યમય ઘટના સમાવાઈ છે.[2]

હવે આપણે ૧૯૦૬માં આવીએ અને પહેલાં જેની વાત કરી ગયો છું તે ‘ખેયા’ આપણી સમક્ષ છે. એક કાવ્ય બે ભાગમાં બે જુદા જુદા શીર્ષક નીચે પ્રસ્તુત છે - ‘શુભ ક્ષણ’ અને ‘ત્યાગ’ - બંનેમાં એકસરખી પંક્તિઓ તેમ જ શબ્દ-સમૂહો છે. એક કાવ્ય ભવિષ્યકાળમાં લખાયું છે જ્યારે બીજું ભૂતકાળમાં. પહેલા ભાગમાં જેની અપેક્ષા છે તે બીજા ભાગમાં યાદ કરાય છે. ઘટના પશ્ચાદ્‌ભૂમાં સ્થાન લે છે. ફરી એક વાર વક્તા છે એક કન્યા જે નિખાલસતાથી અને ઉત્સાહથી પોતાની મા સાથે પોતાના પ્રેમની વાત કરે છે. ‘નિરુદ્દેશ જાત્રા’ની માફક જ અહીં પણ વાત અચાનક શરુ થાય છે અને સ્વગત સંવાદના સ્વરૂપે કહેવાઈ છે. ‘ઓ મા, રાજાનો કુંવર જશે આજ મારા ઘરની સામેના રસ્તે, કહે મને, શા સજું હું સાજ, કેમ બાંધું હું વાળ. મા રે, શું થયું તને, અવાક્‌ નયને તું કેમ મુખ જોઈ રહેતી?’ આમ બોલતી કન્યાને સાંભળતા તેના સવાલનો જવાબ આપણને મળે છે. માતા વિસ્મિત છે કારણ તેણે તો રાજકુંવરના આવવાના સમાચાર સાંભળ્યા જ નથી અને તેની પુત્રી એવી રીતે વાત કરે છે કે જાણે તેને ખબર હોય! કન્યા એક વિશિષ્ટ વ્યક્તિ છે પણ તે જાણતી નથી. તે તેની ખાનગી વાત તેની માતાને કહે છે. કદાચ ‘વિશિષ્ટ’ યોગ્ય શબ્દ નથી કારણ કે રાજકુંવરના આવવા અંગે તેને જેટલી ખાતરી છે તેટલી જ તેની ઉદાસીનતા અંગે પણ છે. તે કહે છે, ‘તે જોશે નહીં મને પણ મારે બેસવું બારી પાસે.’ તે પ્રતીક્ષા કરે છે અને ક્ષણમાત્ર માટે જુએ છે પોતાના પ્રિયતમને. ‘તોડીને મણિહાર ફેંક્યો તેના પથ પરની ધૂળ પર. મણિ છૂંદાયા રથના ચક્ર તળે. પડી રહ્યા તે ધૂળ તળે, ન જાણ્યું કોઈએ મેં શું આપ્યું કે કોને આપ્યું.’ ફરી એક વાર મા વિસ્મિત નજરે જુએ છે પણ કન્યાને તો આ અસ્વીકારથી કોઈ જ વેદના નથી થતી કે નથી તેની કોઈ લાગણી દુભાતી તે જાણે મૂઢ થઈ ગઈ છે જે માનવીય દૃષ્ટિથી આપણે સમજી નથી શકતા કે તેનું સમર્થન પણ કરી નથી શકતા. તેનો અવાજ તો કાવ્યના આરંભથી અંત સુધી એજ આનંદથી સભર છે. ઈશ્વર આપણને પ્રેમ કરવાની ફરજ પાડી શકે પણ તે તેનો સ્વીકાર કરવા બંધાયેલો નથી. આ પ્રતીક્ષા કરવાની અને પરિશુદ્ધ આનંદ અને અવિરત પુનર્જિવિત થતી આશા સાથે સમર્પિત થવાની ફરજ માટે પણ એક લાયકાત હોવી જોઈઅ. આ અર્થમાં આ કન્યા એક વિશિષ્ટ વ્યક્તિ છે.

મને લાગે છે કે આ કાવ્યમાં ઈશ્વર સપાટી પર તરી આવે છે. ‘ખેયા’ના સંખ્યાબંધ કાવ્યોમાં આ જોવા મળે છે. આ પુરૂષપ્રધાન ઈશ્વર વધુ ને વધુ જાહેર થતો જાય છે. યુવાન રાજકુંવરમાંથી તેનું રાજા, મહારાજા અને નાદાન બાળવધૂના સ્વામીનાથમાં તેનું પરિવર્તન થતું જાય છે. તે ગમગીન અથવા ઉદાસ છે; તે માનવને બંદી બનાવે છે અને તેને શિક્ષા કરે છે; વીજકડાકા તેના પરિચારકો છે; જ્યાં હારની અપેક્ષા હોય ત્યાં તે લઈ આવે છે તલવાર. આમાંના થોડાંક કાવ્યો અંગ્રેજી ગીતાંજલિમાં છે (નં. ૩૧, ૫૦, ૫૧ અને ૫૨). આમાં શ્રેષ્ઠતમ રવીન્દ્રનાથનું દર્શન નથી થતું કારણ કે તે બોધકથા જેવા લાગે છે અને સાવ સ્પષ્ટ છે. પણ તેમાં દુ:ખ એક મધ્યસ્થીનું સ્થાન લે છે અને મૃત્યુ જીવનના જોડિયા સાથી તરીકે દેખાય છે. ‘ખેયા’નાં લગભગ બધાં જ કાવ્યોમાં એક જાતનો અપેક્ષાનો સળવળાટ દેખાય છે જે અનિશ્ચિતતાનો બીજો પ્રકાર કહી શકાય - જાણે અંધકારમાં લપકારા મારતી ઝબૂકતી જ્યોતિ. અહીં રવીન્દ્રનાથ એમના ઈશ્વરને જાહેર કરે છે પણ આ (‘ખેયા’) એમનું સૌથી વધુ અંધકારમય કે પછી સૌથી ઓછું પ્રકાશમય પુસ્તક કહી શકાય; અહીં ઝાંખી થાય છે પવનમાં ઝબોળાયેલા અવકાશની, ચંદ્ર અને નિદ્રા વિનાની રાત્રિની અને મધરસ્તે થતા પડછાયા જેવા આવિષ્કારની. આ પુસ્તકના પહેલા કાવ્યનું શીર્ષક છે ‘શેષ ખેયા’ અર્થાત્‌ અંતિમ નાવ. પણ તેનું શીર્ષક ‘અવઢવ’ પણ રાખી શકાય. સાંજનો સમય છે, ‘નિદ્રાના ઘુંઘટથી ઢંકાયેલા પડછાયા’થી મુગ્ધ કવિ સામે પાર જવા માટે નાવની પ્રતીક્ષા કરી રહ્યા છે. અત્યારે યાદ આવે છે પેલી સોનેરી નાવ જે કવિનો પાક લઈને અને એમને એકલા મૂકીને અદૃશ્ય થઈ ગઈ હતી. સરખી પરિસ્થિતિનું વર્ણન કરતાં આ બે કાવ્યો વચ્ચેની વિષમતા જોતાં આપણને ખ્યાલ આવી શકે કે કવિ હવે શું કહેવા માંગે છે. આ કાવ્યમાં તો નાવ આવતી જ નથી. કવિના મંત્ર સમા સાદનો કોઈ જ પ્રત્યુત્તર નથી આવતો. તે પ્રતીક્ષા કરતા જ રહે છે - ‘ઘરે પણ નહીં, સામે પાર પણ નહીં’, જ્યારે ‘દિવસનો પ્રકાશ હોલવાયો નથી અને સાંધ્યદીપક પ્રગટ્યો નથી’ ત્યારે! ભારતીય કવિતાના સદીઓ જૂના, રૂઢિગત રુપકની અહીં વાત છે - આ જીવનમાંથી સામે પાર જવાની અને વૈતરણી નદી પાર કરવાની પ્રતીક્ષા કવિ કરી રહ્યા છે? હું નથી માનતો કે રવીન્દ્રનાથે આ સુંદર કાવ્ય આવી ચવાઈ ગયેલી સંવેદના પ્રસ્તુત કરવા લખ્યું હોય. કાવ્યનો મધ્યવર્તી વિચાર બે નકારની વચ્ચે છે. કવિ સિદ્ધ અતીત અને નજીકના પણ હજી હાંસલ ન થયેલા ભાવિની વચ્ચ્ચે મધરસ્તે છે. એમને પ્રતીક્ષા છે ખોવાયેલા દિવસો પાછા મેળવવાની. હું માનું છું કે આ સિદ્ધિ મળે છે ‘ગીતાંજલિ’માં.

ત્યાં સુધીમાં એમણે બીજું ઘણું સર્જન કર્યું હતું અને પોતાની ભાષા અને ક્ષમતાનો ઘણી બધી રીતે આશ્ચર્યજનક ઉપયોગ કર્યો હતો. પોતાના વિવિધ અને મહાન વિષયોને જાતજાતની રીતે એમણે તપાસ્યા અને તારવ્યા હતા. સ્વદેશી આંદોલનને પગલે આવ્યાં હતાં તેમના માતૃભૂમિ અને જગત વિશેનાં કાવ્યો. એમની માતૃભૂમિની વિભાવનામાં જગત અદ્‌ભુત રીતે સમાઈ જાય છે. દેશભક્તિની કવિતાથી હું હંમેશા અસ્વસ્થ થઈ જાઉં છું. રવીન્દ્રનાથ અને કીટ્‌સ સિવાય બીજા કોઈ કવિ મારા ખ્યાલમાં નથી આવતા જેમનાં દેશભક્તિનીં કવિતામાં પોતાનો દેશ સર્વશ્રેષ્ઠ છે એવી ભાવના પ્રસ્તુત ન થઈ હોય અને કવિતાની દૃષ્ટિએ પ્રમાણભૂત અને સંતોષકારક હોય. જે રીતે રવીન્દ્રનાથે સ્વદેશ અને જગતનો સમન્વય કર્યો છે તેને હું એમનો મેધાવી પ્રતિભાનો આવિષ્કાર માનું છું અને તેનાથી તે બીજા દેશભક્ત બંગાળી કવિઓથી જુદા તરી આવે છે. જેમ એમના ‘જીવન દેવતા’માં બધા જ પ્રેમનો સમાવેશ થાય છે તેમ એમના ‘જગત દેવતા’ના દર્શન એમના સ્વદેશના વેશમાં થાય છે અને એમની માતૃભૂમિની ધૂળ પર પાલવ પથરાય છે એ ‘વૈશ્વિક’નો, ‘જગતવ્યાપી’નો. રવીન્દ્રનાથનો અલૌકિક માટેનો ભાવ તેમની દેશભક્તિમાં પણ પ્રાણ પૂરે છે અને ઇતિહાસ અને ભૂગોળના અકસ્માતોથી ઊભી થતી ક્ષતિઓમાંથી તેને મુક્ત કરે છે. એમના ‘જગત દેવતા’ અને ‘જીવન દેવતા’ બંને એક જ રહસ્યનું મૂર્ત સ્વરૂપ છે. ‘મેં ચાહ્યો છે તને, ચાહીને સમગ્રને’ અને ‘ઘણાં બધાં નામથી તે એક નામને ગ્રહ્યું છે’. આ બે પંક્તિઓ એકબીજાની સાથે જ હોય એમ લાગે છે પણ ખરેખર તો તે જુદાં જુદાં પુસ્તકમાંના બે જુદા જુદા કાવ્યોમાંથી લીધેલી છે. આવી બીજી અનેક પંક્તિઓ માટે તમારે ‘ગીતાંજલિ’ના કાવ્યો પર નજર ફેરવવી રહી.

રવીન્દ્રનાથનું કોઈ પણ એક પુસ્તક એવું નથી કે જેને માટે આપણે એમ કહી શકીએ કે આ એમના સર્જનનું આદર્શ પ્રતિનિધિત્વ કરે છે કે આમાં એમની બધી જ લાક્ષણિકતાઓનો સમાવેશ થાય છે. ‘ગીતાંજલિ’ની એક લાક્ષણિકતા એવી છે જે રવીન્દ્રનાથના બીજા પુસ્તકોમાં સામાન્યત: જોવા નથી મળતી. તે છે સંવાદિતા અને સુસંગતતા. આમાંના બધાં જ કાવ્યો પરસ્પર સુસંગત છે. અહીં કોઈ વિનોદી કાવ્ય કે કોઈ પાઠ્યપુસ્તક માટેનું કાવ્ય આ એકાગ્ર સંવાદમાં ખલેલ પાડતું નજરે નહીં ચડે. ‘ગીતાંજલિ’ એક રેલ્વે જંક્શન છે જ્યાં અનેક સમાંતર રેખાઓ આવી મળે છે. પ્રકૃતિ, સ્ત્રી અને માનવજાતિ માટેનો પ્રેમ, કવિતા, માતૃભૂમિ-જગત અને વેદના માટેની નિષ્ઠા, મૃત્યુ અને ઈશ્વર - આ બધાં જ તત્વો જે આ પહેલાં એકબીજાંથી અલગ અલગ કે પછી આંશિક જૂથમાં પ્રસ્તુત થયાં હતાં તે સર્વેનો અહીં ઐક્યમાં સમાવેશ થયો છે. અહીં ‘ગીતાંજલિ’ એટલે માત્ર અંગ્રેજી કે બંગાળી ‘ગીતાંજલિ’ની વાત નથી પણ ૧૯૦૬ અને ૧૯૧૪ વચ્ચે લખાયેલાં અને ત્રણ પુસ્તકોમાં પ્રગટ થયેલાં ગીતોની હારમાળાની વાત છે. આ પુસ્તકો છે ૧૯૧૦માં પ્રગટ થયેલું ‘ગીતાંજલિ’ અને ૧૯૧૪માં પ્રગટ થયેલાં ‘ગીતિમાલ્ય’ અને ‘ગીતાલિ’. ગીતોની અંજલિ, માળા અને હારમાળા. શીર્ષકો ભલે રૂઢિગત અને સામાન્ય લાગે પણ આ ત્રિપુટીમાંના ૩૭૬ કાવ્યોમાંના ઓછામાં ઓછા ૧૦૦ કાવ્યો આંજી નાંખતું અને અક્ષય સૌંદર્ય ધરાવે છે. તેમનું સ્વરૂપ આદર્શ અને પ્રેરણાને આધાર આપતું છે. હું ‘આદર્શ’ શબ્દનો ઉપયોગ જાણી જોઈને કરું છું અને મને બરાબર ખ્યાલ છે કે રવીન્દ્રનાથ કલાને ક્યારેય સંપ્રદાય તરીકે જોતા ન હતા અને એમની અગણિત ક્ષતિઓ અને પુનરાવર્તનમાંથી પસાર થઈને મહત્તા પામ્યા હતા. તેઓ ઘણી વાર અતિશય લખતા અને ક્યારેક જાણે ટેવ પડી હોય તેમ પણ લખતા. એમની સમૃદ્ધિ એટલી વિપુલ હતી કે એમને બગાડ પરવડતો. પણ ‘ગીતાંજલિ’માં એમની સાધારણ ક્ષતિઓ નથી કારણ કે તેના કાવ્યોનું સ્વરૂપ ઈટાલિયન સોનેટ જેટલું ચૂસ્ત અને તેમના વ્યક્તિત્વને અનુરૂપ છે. બંગાળી ગીતનું રવીન્દ્રનાથે શિસ્તબદ્ધ અને વિસ્તરિત કરેલું સ્વરૂપ અહીં દેખાય છે. આ સ્વરૂપ માટે થોડા શબ્દો અહીં અસ્થાને નહીં ગણાય.

‘ગીતાંજલિ’ના દૃષ્ટાંતપૂર્ણ ગીતમાં ચાર પંક્તિની ચાર કડી હોય છે અને પહેલા પ્રાસનું બીજી અને ચોથી ક્ડીના અંતે પુનરાવર્તન થાય છે. પંક્તિઓની સંખ્યામાં અને પ્રાસની વ્યવસ્થામાં સાધારણ ફેરફાર થતા હોય છે પણ મૂળભૂત માળખું બદલાતું નથી. આનાથી વાચાળતા અને લંબાણ પર પ્રતિબંધ આવે છે. સંગીતને કારણે ટૂંકી પંક્તિઓમાં આભૂષણોને અવકાશ નથી રહેતો. કાવ્યો તીરની જેમ ગતિશીલ કે પછી ઝરણાં પર નાચતાં કિરણો જેવાં લાગે છે. ઘણી વાર પંક્તિઓ એટલી ટૂંકી હોય છે કે કાવ્યમાંની ૧૬ કે ૨૦ ખરેખર ૮ કે ૧૦ હોય. ક્યારેક એક પંક્તિને ત્રણ સૂક્ષ્મ ભાગમાં વહેંચી નાંખવામાં આવી હોય, જે દરેક એક પ્રાસનો એકમ બની જાય અથવા તો શાસ્ત્રીય દૃષ્ટિથી એક પંક્તિ કે કાવ્ય જ બની રહે. એવા પણ અસંખ્ય ઉદાહરણો છે જેમાં એક શબ્દ પણ છાંદસ પંક્તિ હોય છે. અહીં હું ‘ગીતાંજલિ’માં રહેલા કલાચાતુર્યની વાત નથી કહી શકતો પણ મારે નોંધવું જ જોઈએ કે તેમાં એવા કાવ્યો છે જે રવીન્દ્રનાથે તેમને માટે લખેલા સંગીતની પ્રતીક્ષા કર્યા વિના પણ જાતે જ ગાય છે. તે કાવ્ય તરીકે એટલાં સંગીતમય છે અને યથાર્થ કવિતા છે કે તે બીજી કોઈ પણ કલાની મદદ વિના ચલાવી શકે તેમ છે. સંગીતની પૂર્તિથી તે વધુ પ્રચલિત જરૂર થયાં છે પણ તે રવીન્દ્રનાથનાં બીજાં અસંખ્ય કાવ્યો જેવાં નથી કે જેને સંપૂર્ણપણે માણવા માટે ગવાતાં સાંભળવાં પડે. ‘ગીતાંજલિ’નાં કાવ્યોમાં સંગીત ભૂલી જવાથી ફાયદો એ થાય છે કે કવિતાનું નગ્ન સૌંદર્ય મૌનમાં આપણી સમક્ષ ઝળહળી ઊઠે છે. ગીત તરીકે લખાયા હોવાથી કાવ્યોને ઘણો લાભ થયો છે પણ તેમાં સંગીત કરતાં ઘણી વધારે કવિતા છે.

‘ગીતાંજલિ’ના શીર્ષક નીચે લખી શકાય: ‘સીમાંતે’ અને તા. ક. કરીને ઉમેરી શકાય: ‘માત્ર પ્રતીક્ષા’. કાવ્યો જાણે એક ધાર પર ઊભા છે; બે જગતના સીમાંતે; કોઈ પણ એક સ્થળે સ્થાયી ન થતાં તે ફરતાં અને સ્થાન બદલતાં રહે છે. આને કારણે જ જિદેના કહેવા પ્રમાણે કાવ્યોમાં ‘ઝડપી શ્વાસોચ્છ્‌વાસથી જીવન ધબકે છે.’ તેમના આનંદનું રહસ્ય જ આ અવઢવ છે. તે કાંઈ ભૂલતા નથી અને કાંઈ મેળવતા પણ નથી. ‘ગીતાંજલિ’માં સ્વર્ગ પ્રતિ દોટ નથી તેમ જ પૃથ્વીનો ત્યાગ નથી. પાટા એક બિંદુમાં ભેગા થાય છે પણ એક પણ પાટો અદૃશ્ય નથી થતો. અહીં પુરાણો પ્રેમ નૂતન વળ લે છે અને જૂના ‘કલાકારો’ નવી પરિસ્થિતિમાં દેખાય છે. સ્ત્રી, પ્રિયતમ કે મુસાફર કોઈને રૂખસદ મળી નથી કે પછી આપણા પ્રાણ અને કાયાને ‘પીતા’ સ્વામી ક્યાંય અદૃશ્ય થયા નથી. પહેલાંની જેમ કવિના જીવનના સહભાગી છે માનવજાતિ, સ્વદેશ અને જગત. ‘ઋતુઓ તેમને સમાચાર આપે છે અજ્ઞાતના’ અને ‘તેમનો સમગ્ર પ્રેમ વહે છે મૃત્યુના રહસ્ય પ્રતિ’. ‘નિરૂદ્દેશ જાત્રા’ ચાલતી જ રહે છે. અંગ્રેજી ‘ગીતાંજલિ’ના ૪૨મા કાવ્યમાં એ જ ‘તટવિહીન સાગર’ છે અને એ જ ‘ચૂપચાપ સાંભળતું સ્મિત’ છે અને એ જ ‘સૂર્યાસ્તની અંતિમ ચમક’ છે. તમને કદાચ લાગે કે જાત્રા હવે નિરૂદ્દેશ નથી પણ તેનો ઉદ્દેશ ક્યાંય દર્શાવ્યો નથી. કદાચ આ કારણથી જ ઇર્વિન્ગ બેબિટે રવીન્દ્રનાથનો સમાવેશ તેના ‘વમળના પૂજારી’ઓમાં કર્યો હશે. બેબિટ રોમેન્ટીસિઝમ માટે નિષ્પક્ષ વલણ ધરાવતો હતો કે નહીં કે પછી તેની દલીલો એકબીજા સાથે સુસંગત હતી કે નહીં એ સવાલ બાજુ પર રાખીને મારે કહેવું જોઈએ કે રવીન્દ્રનાથનાં જે કાવ્યો આપણને સૌથી વધુ સ્પર્શે છે તેમાં સૌથી ઓછી સ્પષ્ટતા જોવા મળે છે. એમની પ્રતિભાની આ ખાસ લાક્ષણિકતા છે.

અંગ્રેજી ‘ગીતાંજલિ’નાં પાંચમાં અને બંગાળી ‘ગીતિમાલ્ય’નાં ૨૦માં કાવ્યની પ્રથમ પંક્તિ છે: ‘તમે એક વાર કેવળ બેસો પાસે મારી માત્ર ક્ષણેક માટે’. જે પુસ્તકમાં તે પહેલી વાર પ્રગટ થયું હતું તે જોતાં જરૂર એમ માની લેવાય કે અહીં ઈશ્વરની વાત છે. પણ ‘ગીતબિતાન’ - રવીન્દ્રનાથના ગીતોનો સંપૂર્ણ સંગ્રહ - માં તેનો સમાવેશ ‘પ્રેમ’ના વિભાગમાં કરવામાં આવ્યો છે. કોઈને પણ આમાં કાંઈ પણ વિસંગતતા લાગી હોય તેવું મારી જાણમાં નથી. બંગાળીઓ આને પ્રેમકાવ્ય તરીકે જ વાંચે છે, ગાય છે અને સાંભળે છે. રવીન્દ્રનાથને પણ આમાં કાંઈ વાંધો ન હતો એમ કહી શકાય કારણ કે ‘ગીતબિતાન’નું સંપાદન એમના માર્ગદર્શન નીચે થયું હતું અને તે એમની હયાતી દરમિયાન પ્રગટ પણ થયું હતું. ‘ગીતબિતાન’માં ગીતોનું વિભાજન ‘પૂજા’, ‘પ્રેમ’, ‘પ્રકૃતિ’ જેવા વિભાગોમાં કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થામાં થોડો નિયમહીન ભાવ છે. કારણ કે કેટલાંક એવાં શ્રેષ્ઠતમ કાવ્યો છે કે જેમનો ‘પૂજા’ અને ‘પ્રેમ’ બંનેમાં સમાવેશ થઈ શકે કે પછી ‘પ્રકૃતિ’ તેમ જ ‘પૂજા’ અથવા ‘પ્રેમ’માં પણ સમાવેશ થઈ શકે. બીજું ધ્યાન ખેંચે તેવું ઉદાહરણ છે અંગ્રેજી ‘ગીતાંજલિ’નું ૨૨મું કાવ્ય અને બંગાળી ‘ગીતાંજલિ’નું ૧૮મું. આ કાવ્ય ‘ગીતબિતાન’માં ‘પૂજા’માં નહીં પણ ‘પ્રકૃતિ’માં સમાવાયું છે. આ વિભાગો ચોક્કસ નથી તેમાં સંપાદકનો કોઈ જ દોષ નથી. આ તો રવીન્દ્રનાથની ખૂબી છે કે તેમનું વિભિન્ન ખંડમાં વિભાજન શક્ય નથી. એમને પકડવા સહેલા નથી સિવાય કે એમની નબળી ક્ષણોમાં. આપણે માટે આંગળી ચીંધીને કહેવું શક્ય નથી કે ‘આ આમ જ છે અને બીજું કાંઈ જ નથી.’ સ્ત્રી, પ્રકૃતિ, ઈશ્વર કે બીજું જે કાંઈ પણ એમણે લખ્યું છે તે બધાં પર આ સીમાંતિક અસર પડે છે. એમને માટે ‘ભૌતિક’ અને ‘અલૌકિક’ પ્રેમમાં કોઈ ભેદ અસ્તિત્વ ધરાવતો નથી.

હમણાંથી રવીન્દ્રનાથની માનવતા પર ભાર મૂકાય છે અને એમના ઈશ્વર માટે થોડી શરમની લાગણી અનુભવાય છે. ‘રવીન્દ્રનાથે ઈશ્વર વિશે લખ્યું હતું એ સાચું, પણ ચાલો એમના બીજા કામોની પણ વાત કરીએ.’ આવો અભિગમ હાલમાં જોવામાં આવે છે. જે ફિલસૂફીના ધુમાડામાં તેઓ સારો એવો સમય લપેટાયેલા રહ્યા હતા તેનો આ સ્વાભાવિક પ્રત્યાઘાત હોઈ શકે. છતાં એમના ઈશ્વર વિનાની રવીન્દ્રનાથની પ્રતિભા ઘણી ઝાંખી થઈ જાય. આ વિધાનને એમની અંગત માન્યતા સાથે કોઈ જ સંબંધ નથી તેમ જ હું એમ પણ નથી માનતો કે તે એક અલૌકિક પ્રકાશ પામેલા આત્મા હતા. પાશ્ચાત્ય અર્થમાં કે ભારતીય સંદર્ભમાં જેને રહસ્યવાદી કહેવાય છે તે અર્થમાં રવીન્દ્રનાથ ધાર્મિક કવિ કહેવાય કે કેમ તે અંગે મને શંકા છે. દાંતે જેને ‘પરમ’ અથવા ‘પૂર્ણ’ કહે છે કે ઉપનિષદો જેને ‘સાર’ કહે છે (જેમાં આપણે આપણું અસ્તિત્વ કે વ્યક્તિત્વ ભેળવી દેવું જોઈએ) તે બેમાંથી એકે રવીન્દ્રનાથના ઈશ્વર સાથે સુસંગત નથી. હોલ્ડરલિન કહે છે કે જેણે ઈશ્વરને જોયા હોય તેણે મૃત્યુને ભેટવું જ રહ્યું. રવીન્દ્રનાથનું મંતવ્ય આનાથી સાવ વિરુદ્ધ કહી શકાય. ઈશ્વરને જોવા સાથે એમને કોઈ જ નિસ્બત નથી. ‘માનસી’થી ‘ગીતાંજલિ’ સુધીના સર્જનોમાં એમણે ઈશ્વરની પ્રતીક્ષાને પોતાનું કર્તવ્ય બનાવ્યું છે. ‘ડાકઘર’ના અમલની માફક એમનું કામ છે પ્રતીક્ષા કરવાનું અને ઈશ્વર સિવાય બીજા કોની પ્રતીક્ષા કરી શકાય? આ પ્રતીક્ષા પરસ્પર છે કારણ ઈશ્વર પણ નિદ્રાહીન છે, આગળ જોયેલી શરમાળ કન્યાની જેમ. તેને પણ મનુષ્યના પ્રેમની આવશ્યકતા છે અને માટે જ તે માણસને બોલાવે છે ‘રાત્રિના અંધકારમાં’ (‘ગીતાંજલિ’નાં કાવ્ય નં. ૨૭ અને ૩૨). મિલનની ઘડી વિરલ અને ક્ષણિક હોય છે. કાગળો અને સંદેશા વધુ આવે છે અને અતિથિ ઓછા. એવો પણ અણસાર મળે છે કે કાગળ અને સંદેશાનું મૂલ્ય ઓછું નથી. ભાર મૂકાયો છે કામના ને વિયોગ ઉપર, ખાતરી વિનાની આશા ઉપર અને અપૂર્ણ રહી શકે તેવા વચનો ઉપર. આ વચનો પ્રિય છે કારણ કે તે ‘સુદૂર’ના છે. માનવીય અનુભવો આ માનવ અને ઈશ્વર વચ્ચેની લીલાના પ્રતીક છે અને માટે જ જીવન અને મૃત્યુ અર્થપૂર્ણ બને છે. પોતાના ઈશ્વર પાસેથી રવીન્દ્રનાથ આપણને પાછા મોકલે છે આપણા જીવનમાં - આપણા નશ્વર જીવનના દરિદ્ર, નાજુક અને આશાવિહીન પ્રેમ પ્રતિ. આ પરિવર્તન સહેલું છે પણ તેઓ એનાથી અપણને અને આપણા પ્રેમને એકબીજા માટે વધુ લાયક બનાવે છે. એમને માટે આ જીવન એક પુસ્તક છે જેના પ્રત્યેક પાના પર ઈશ્વરના હસ્તાક્ષર છે અને આપણે તે હસ્તાક્ષરને ઓળખવાના છે અને તેને ઉકેલીને વાંચવાના છે. માણસ, જગત અને ઈશ્વર એમનાં કાવ્યોમાં પ્રવેશીને પરસ્પર અંગત અને મર્મભેદક સંબંધ બાંધે છે. ઈશ્વરીય આનંદ નહીં પણ માણસ અને ઈશ્વર જેમાં સહભાગી હોય તેવો સનાતન આનંદ - સરકતો, નજર નાંખતો, વેધક અને પ્રક્ષુબ્ધ આનંદ - રવીન્દ્રનાથ સિવાય બીજા કોઈ પણ કવિ આપી શકે તેમ હું નથી માનતો. રવીન્દ્રનાથ જ્યારે આ સંબંધને બાહ્ય સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમાં સંપૂર્ણ સફળતા મળતી નથી[3] પણ અતિરેક કે આભૂષણો વિનાની, નિર્મળ, તીક્ષ્ણ અને અખંડ ગીતોની ક્ષણોમાં તે જીવંત થઈ ઊઠે છે. આને કારણે રવીન્દ્રનાથ જગત કવિઓ વચ્ચે પોતાનું સન્માનીય સ્થાન પ્રસ્થાપિત કરે છે. જ્યાં સુધી એમની ભાષા ટકશે ત્યાં સુધી તેમનાં શ્રેષ્ઠ કાવ્યોમાંનું એમનું ભાષા પરનું પ્રભુત્વ એક વિસ્મયનો વિષય બની રહેશે.




  1. ઍડવર્ડ થોમ્પ્સનને લાગતું હતું કે ‘રવીન્દ્રનાથનાં આ બધાં અંત:પુરનાં દૃશ્યો - સુહાગરાત્રિ ઈત્યાદિ - માં એક કોહવાટની વાસ વર્તાય છે.’ તે આગળ કહે છે, ‘રવીન્દ્રનાથ એક વાર સરસ રીતે વપરાયેલી વસ્તુથી સંતુષ્ટ ન રહેતા અને તેમનાં દૃશ્યો સતત વપરાશને કારણે ઘસાઈ જતાં.’ આ વિધાનમાં રહેલા સત્યને સ્વીકારવું જ રહ્યું. ‘ચિત્રા’માં ‘સુહાગરાત્રિ’નો ઉપયોગ વધુ પડતો છે પણ થોમ્પ્સન કહે છે તેમ ‘શોનાર તરી’માં નથી. ‘સુહાગરાત્રિ’ના દૃશ્યનો ઉપયોગ રવીન્દ્રનાથે છોડી દીધો હતો અને ‘ખેયા’ અને ‘ગીતાંજલિ’માં તે ભાગ્યે જ જોવા મળે છે.
  2. ૪થા અને ૫મા પ્રકરણમાં જેને વિષે ચર્ચા થઈ છે તેવાં થોડાંક કાવ્યોનો અનુવાદ ‘ધ કલેક્ટેડ પોએમ્સ એન્ડ પ્લેઝ ઑફ રવીન્દ્રનાથ ટાગોર’માં આપેલો છે. વાચકોને મારી નમ્ર વિનંતિ કે રવીન્દ્રનાથને કે મારા અભિપ્રાયને આ અવિશ્વસનીય રચનાઓથી મૂલવવા નહીં.
  3. હું ‘ડાકઘર’ અને ‘રાજા’ જેવા નાટકોની વાત કરું છું. એક લાગણીપૂર્વક ઘેરી વળતું અને નાજુક અને બીજું વધુ સાહસિક પણ ઓછું સંતોષકારક. ‘ડાકઘર’માં એક સ્પર્શી જતું આવરણ છે પણ તે કરુણ નથી કારણ કે તે નક્કર નથી અને બાળક પાત્રો પર આધારિત છે. ‘રાજા’નો આરંભ સરસ છે પણ ગીતો, મેદનીનાં દૃશ્યો અને સર્વવ્યાપી ઠાકુરદાદા તેના અવરોધક છે. જ્યારે હેતુ સિદ્ધ કરવાનો સમય આવે છે ત્યારે જણાય છે કે જેના પર આધાર રાખ્યો છે તે યંત્ર તો તકલાદી છે અને પછીના ‘પાપ’ અને ‘પ્રાયશ્ચિત’ ગળે નથી ઉતરતા.