રવીન્દ્રપર્વ/મૃત્યુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મૃત્યુ

મૃત્યુનો ભય સૌથી મોટો ભય છે. નચિકેતાની જેમ સૌ કોઈ મૃત્યુના દ્વાર સુધી જઈને પાછું આવી શકતું નથી. મૃત્યુનો અતલ અન્ધકાર માનવબુદ્ધિને મૂંઝવી નાંખે છે. ભગવાન બુદ્ધને આ અતલ અન્ધકાર જ જ્યોતિ તરફ લઈ ગયો. મૃત્યુના ભયમાંથી વિરલા જ મુક્ત થઈ શકે છે. સ્ટીફન ઝ્વેઇગે એમની આત્મકથા ‘World of Yesterday’માં સ્પૅનના એક ધામિર્ક સમ્પ્રદાયના સાધુઓની વાત નોંધી છે. એ સાધુઓ મૃત્યુથી ટેવાઈ જવાને માટે દરરોજ રાતે કોફિનમાં જ સૂઈ જતા. ટોલ્સ્ટોયને મૃત્યુના ભયે જ વિલાસી જીવને આણેલી જડતામાંથી જગાડ્યા હતા. એઓ એવી રીતે ઝઝૂમતા રહ્યા એનું સરસ ચિત્ર સ્ટીફન ઝ્વેઇગે ‘Three Adepts in Self-portraiture’ નામના પુસ્તકમાં આપ્યું છે. ભારતીય દશનમાં આથી જ મોક્ષથી પ્રાપ્તિને જ ચરમ પુરુષાર્થ લેખ્યો છે. આ મોક્ષ એટલે આત્યન્તિકી દુ:ખનિવૃત્તિ — માત્રાસ્પર્શના કારાગૃહમાંથી મુક્તિ. ઈશ્વરની સૃષ્ટિને આનન્દયજ્ઞરૂપે જોનાર કવિવર રવીન્દ્રનાથે મૃત્યુને કેવે સ્વરૂપે જોયું છે એ જાણવા જેવું છે. રવીન્દ્રનાથના સુદીર્ઘ જીવનમાં સ્વજનોના તેમ જ પ્રિયજનોના મૃત્યુના પ્રસંગો ઓછા આવ્યા નથી. આથી મૃત્યુ વિશે એમને વિચારવું તો પડ્યું જ છે. એમની કૃતિઓમાં ક્યાંય મૃત્યુના દુ:ખથી અસહાય બનીને પાડી દેવાની ચીસ સંભળાતી નથી. આપણે મૃત્યુને આત્યન્તિક વિનાશ સ્વરૂપે જોઈને છળી મરીએ છીએ. મૃત્યુને ચરમ પરિણતિ (consummation)ને રૂપે આપણે જોઈ શકતા નથી. રવીન્દ્રનાથે મૃત્યુને આપણા આત્યન્તિક વિકાસમાં આવતી એક અનિવાર્ય અવાન્તર અવસ્થારૂપ ગણ્યું છે. એમની આ પ્રતીતિ એમના કાવ્યમાં કેવી રીતે ક્રમશ: દૃઢ થઈને પ્રકટ થતી ગઈ એ આપણે જોઈએ. રવીન્દ્રનાથ ચૌદ વરસના હતા ત્યારે એમનાં માતા મૃત્યુ પામ્યાં. આ એમનો મૃત્યુ સાથેનો પ્રથમ પરિચય. પણ એ પ્રસંગે મૃત્યુની વિભીષિકાનો એમને ખાસ પરિચય થયો નહીં. માતાનો પ્રશાન્ત અને મનોહર મૃતદેહ જોતાં એમને એમ જ લાગ્યું કે એ સુખનિદ્રામાં પોઢી ગઈ છે. સ્મશાનેથી પાછા આવતાં માત્ર મનમાં થયું કે હવે માતા આ ઘરમાં કદિ પ્રવેશશે નહીં. જ્યોતિરિન્દ્રનાથનાં પત્ની કાદમ્બરીદેવીએ એમને માતાની ખોટ લાગવા દીધી નહીં. પણ ત્યાર બાદ નવ વરસ પછી જ્યારે કાદમ્બરીદેવીનું મૃત્યુ થયું ત્યારે એમને મૃત્યુનો સાચો પરિચય થયો. આ વિચ્છેદનાં અશ્રુ ત્યાર પછીના દરેક મૃત્યુજનિત વિચ્છેદનાં અશ્રુ સાથે ભળી જઈને સુદીર્ઘ માળા ગૂંથતાં જ ગયાં. શૈશવમાં પ્રાણશક્તિ નવીન અને પ્રબળ હોવાને કારણે એના અજ પ્રવાહમાં મૃત્યુની કાલિમા જલદી ઘોળાઈ જાય છે, પણ વય વધતાં મૃત્યુને એટલી સહેલાઈથી અવગણવાનું બની શકતું નથી. આથી કવિને કાદમ્બરીદેવીના મૃત્યુનો દુ:સહ આઘાત ઝીલી લેવો પડ્યો. આ પહેલાં કવિને કોઈ વાર જીવનમાં ક્યાંય કશી રિક્તતાનો અનુભવ થયેલો નહીં. મૃત્યુએ જીવનમાં પાડેલા આ છિદ્રમાંથી અતલસ્પર્શ અન્ધકારનું ઘોડાપૂર જાણે એમના પર ધસી આવ્યું. દેહ પ્રાણ હૃદય અને મનની સાથેના સહવિધ સ્પર્શ દ્વારા જે ચારે બાજુની સૃષ્ટિથીય અધિક સાચું લાગતું તેનો એકાએક વિલોપ થવાથી એમના અન્તરમાં હાહાકાર મચી ગયો. દૃષ્ટિ ફરીફરીને એ અતલ અન્ધકારના પર જ આવીને સ્થિર થવા લાગી. આપણું હૃદય નરી શૂન્યતાને કદી સ્વીકારી લઈ શકતું નથી. આથી જ જે દૃષ્ટિથી અતીત થઈ ગયું હોય છે તેને જોવાની ઝંખના, જે પ્રાપ્તિની પરિધિની બહાર ચાલી ગયું હોય છે તેને પામવાની વાસના આપણામાં ઉત્કટ બની ઊઠે છે. મૃત્યુના ચરમ નકારનો નીરન્ધ્ર અન્ધકાર આપણને ચારે બાજુથી ભીંસી રહ્યો હોય છે ત્યારે જ આપણે એ અન્ધકારની ગુફામાં બિરાજતી પરમ સત્તાની એંધાણી પામવાને સર્વાત્મના મથીએ છીએ. આ અન્ધકારને ઉલ્લંઘવાની કેડી જેને હાથ લાગતી નથી તેની યાતનાનો પાર રહેતો નથી. પણ કવિને તો એ કેડી લાધી. મૃત્યુને કેવળ ક્ષતિની દૃષ્ટિએ જોઈએ તો સન્તાપનો પાર રહે નહીં. કવિ એને મુક્તિને રૂપે જોઈ શક્યા, ને તેથી જ એમને એક પ્રકારની અપૂર્વ શાન્તિનો અનુભવ થયો. આ સંસારમાં જો કેવળ જીવન જ હોત, મૃત્યુ હોત જ નહીં. તો એ જીવન કેટલું બધું ભારરૂપ બની ગયું હોત! એવા એકેશ્વર જીવનનું દૌરાત્મ્ય કેમે કર્યંર્ંુ સહ્યું જાત નહીં! આ આશ્ચર્યપૂર્ણ નૂતન સત્યની ઉપલબ્ધિથી કવિનું ચિત્ત આશ્વસ્ત બન્યું. એમના આ અનુભવનું વર્ણન કરતાં કવિ કહે છે: ‘જીવન પ્રત્યેની અન્ધ આસકિત થોડા દિવસ સુધી બિલકુલ દૂર લઈ જવાને કારણે ચારે બાજુના પ્રકાશિત નીલ આકાશની નીચેનું વનસ્પતિનું આન્દોલન મારી અશ્રુધૌત આંખોમાં અજબ માધુરી રેલાવી મૂકતું. જગતને સંપૂર્ણ ને સુન્દર બનાવીને જોવા માટે જે દૂરત્વની અપેક્ષા રહે છે તે દૂરત્વ મૃત્યુએ લાવી દીધું હતું. મેં નિલિર્પ્તભાવે ઊભા રહીને મરણની બૃહત્ પટભૂમિકા ઉપર સંસારનું ચિત્ર અંકાએલું જોયું ત્યારે એ કેટલું તો મનોહર હતું તે મને સમજાયું.’ (જીવનસ્મૃતિ : પૃ.૧૧૪-૧૫) આથી જ સોળ વર્ષની વયે રવીન્દ્રનાથે મૃત્યુને મુગ્ધભાવે જ જોયું છે. ‘ભાનુસિંહેર પદાવલિ‘માં કૃષ્ણવિરહથી પીડાયેલી રાધા આખરે મરણને સમ્બોધીને કહે છે :

‘મરણ રે તું હું મમ શ્યામ સમાન!’

મૃત્યુની કાલિન્દીમાં અવગાહન કરવાથી જ એના વિરહતપ્ત ચિત્તનો દાહ શમી શકે એમ છે, ‘પ્રભાતસંગીત’માં કવિ જીવનની અનન્ત ધારાને જુએ છે. કવિને મન મરણ એક નિસ્તબ્ધ જલરાશિ જેવું દેખાય છે. ચારે બાજુથી જીવનનાં અસંખ્ય ોત એમાં આવીને મળતાં જ જાય છે. આ સાગરના ઊંડાણમાં જ અનન્ત જીવનનો મહા દેશ પળે પળે રચાઈ રહ્યો છે. મૃત્યુના ઊંડાણમાં રહેલા જીવનનાં અંકુર કવિને વિકસતાં દેખાય છે. જીવન અને મૃત્યુ વચ્ચેનો વિરોધ કવિને મન છે જ નહીં. વર્તમાનમાં જ પુરાઈને આપણે થોડા જ જીવીએ છીએ? એ વર્તમાન પણ કેવો? પ્રત્યેક પળે એના પર ભૂતનો ભાર લદાતો જ જાય છે. આથી જ એ વર્તમાનને જ સત્ય માનીએ તો પ્રત્યેક પળે વર્તમાન ભૂતમાં પરિણમતો જાય છે. તો તો બૌદ્ધોના ક્ષણિકવાદને સ્વીકારીને આપણને એમ જ કહેવું પડે કે આપણે પ્રત્યેક પળે મરતા જ જઈએ છીએ. તો તો પછી નિરાશાના અતલ ગહ્વરમાંથી આપણને કોઈ બહાર કાઢી શકે જ નહીં, જીવનમાં પ્રથમ મૃત્યુને વિશે મૂઝાએલા ચિત્તે વિચારવા બેસીએ છીએ ત્યારે આપણું હૃદયદૌર્બલ્ય આપણને નિરાશાની કેડીએ ઘસડી જાય છે. પણ રવીન્દ્રનાથ તો કહે છે કે મૃત્યુનું આવું રૂપ જોઈને શા માટે કકળી ઊઠવું? કારણ કે — ‘જીવન જ મૃત્યુની સમાધિ!’(પ્રભાતસંગીત) ને એક રીતે જોઈએ તો મરણ કાંઈ આપણું એકલાનું જ છે? જે જે પરિવર્તન પામતું દેખાય છે તે મરણની સ્થિતિમાંથી જ પસાર થાય છે ને? આ સૃષ્ટિમાં અપરિવર્તનશીલ ને અચલ એવું શું છે? આથી જ કવિ કહે છે કે આપણે સૌ આ સમસ્ત ચરાચર વિશ્વ મરણના સૂત્રમાં પરોવાઈ ગુંથાઈ ગયાં છીએ. ત્યાંય આપણે સમસ્તમાં ઓતપ્રોત થઈને જ રહ્યાં છીએ ત્યાંય વિચ્છેદ ક્યાં છે? ને એ અસ્તિત્વના ચક્ર સાથે બંધાઈ ચૂક્યો તે પછીથી એની ગતિમાંથી શી રીતે છુટકારો પામી શકવાનો હતો? આ દૃષ્ટિએ જોતાં અણુમાત્ર આપણે મૃત્યુ દ્વારા ચરાચરમય બની જઈએ છીએ આથી જ ‘પ્રભાતસંગીત’માં કવિ મૃત્યુનો આ મહિમા સ્વીકારીને ગાય છે.

‘મરણ, તારો જ થાઓ જય.’

અને સમસ્ત વિશ્વને પણ મરણરૂપી નાવિકને વધાવી લેવાનું ગીત ઉમળકાથી ગાવાનું કહે છે. એ મરણની એની નૌકામાં શતલક્ષ જાત્રીઓને લઈને સુદૂરના અદૃશ્ય તરફ લઈ જઈ રહ્યું છે. કવિને પ્રતીતિ થાય છે કે આખરે આપણે સૌ બિન્દુઓ સૂદૂરના અનન્તમાં અસીમ માધુરીના પારાવારમાં ભળી જવાનાં છીએ (છબિ ઓ ગાન). મૃત્યુ કશાથી આપણને વિચ્છિન્ન કરતું નથી. વિચ્છેદનો આપણને ભાસ થાય છે એટલું જ. એ વ્યવહારિક બોધમાત્ર છે. સાચી રીતે જો જોઈ શકીએ તો આપણને દેખાશે કે ‘આકાશમણ્ડપે માત્ર બિરાજે છે એક ચિરદિન.’ (કડિ ઓ કોમલ) દૃષ્ટિની આડેના વૈકલ્યના આવરણને જો આપણે ખસેડી લઈએ તો મરણનું ભયંકર રૂપ આપણને દેખાશે નહીં. પછી મરણ જીવનનો અન્ત છે એવું આપણને નહીં લાગે. અન્ત જો આવતો હોય તો દેહનો, બાકી જીવન તો એક ચંચલ અસમાપ્તિ. (પંચભૂત: મનુષ્ય) એ આપણને સદા બૃહત્ ને અપરિસીમ ભવિષ્ય તરફ લઈ જઈ રહ્યું છે. છાન્દોગ્ય ઉપનિષદમાં કરેલો અલ્પ ને બૃહત્ની વચ્ચેનો વિવેક ભૂલવો ન જોઈએ. જો અલ્પને જ સ્વીકારી લઈએ તો ખોટનો પાર ન રહે. તો તો એક કણ સરખું ખોઈને આપણે હાહાકાર મચાવી ઊઠીએ.(નૈવેદ્ય) પણ જો આપણે આપણને સમસ્તથી અવિચ્છિન્નરૂપે જોઈ શકતા હોઈએ તો પછી આપણને શાની ક્ષતિ? સમસ્તની બહાર તો કશું હોઈ શકે જ નહીં. વ્યક્તિની સંકીર્ણ દૃષ્ટિએ જોતાં જેને ક્ષતિ ગણીને વિક્ષુબ્ધ થઈ ઊઠીએ છીએ તેને જ જો નૈર્વૈયક્તિકભાવે સમસ્તથી અવિચ્છિન્ન બનીને જોઈએ તો આપણો બધો ક્ષોભ ચાલ્યો જાય. આપણું સાચું અધિષ્ઠાન ભૂમામાં જ રહ્યું છે. આ દૃષ્ટિએ જોઈએ તો મૃત્યુ આપણને જીવનનું પ્રાતિભાસિક પ્રકારાન્તર જ લાગશે. આથી જ કવિ કહે છે કે મૃત્યુની પૂત ોતસ્વિનીમાં આ જીવનનાં દ્વન્દ્વ, વિરોધ ને ગ્લાનિ ધોવાઈને શુચિ બને છે. પછી અનન્ત શાન્તિ જ રહે છે. જેનાથી આપણે અપરિચિત હોઈએ છીએ તેનો જ હંમેશાં આપણને ભય લાગે છે. ‘નૈવેદ્ય’માં કવિને મૃત્યુનો આભાસ દેખાય છે. મૃત્યુથી ભયભીત થનારને કવિ કહે છે,

ઓ રે મૂઢ જીવનસંસાર
કોણે કરી રાખ્યો હતો આટલો આત્મીય
જનનમુહૂર્તથકી તારાથી અજ્ઞાતે,
તારી ઇચ્છાનીય પૂર્વે? મૃત્યુના પ્રભાતે
એ અજાણ્યાતણું સુખ જોઈશ તું ફરી
ક્ષણેકમાં પરિચિત જેમ. આ જીવન
ચાહું છું આટલું તેથી જન્મ્યો છે પ્રત્યય,
મૃત્યુનેય એટલું જ ચાહીશ નિશ્ચય. (નૈવેદ્ય, ૯૦)

જે જીવનને સમગ્રરૂપે સ્વીકારે છે તેને માટે મૃત્યુ પણ ચાહવા જેવું જ બની રહે છે. આથી જ મૃત્યુની આશંકાથી વિષણ્ણ બનીને જીવનની ઉપેક્ષા કરવી, વૈરાગ્ય કેળવવાને મથવું એ રવીન્દ્રનાથને મન ઇષ્ટ નથી. મૃત્યુને એમણે ચિરોત્સુક પ્રણયીને રૂપે જોયું છે. એ આપણી સર્વ પ્રવૃતિઓના નેપથ્યમાં રહીને આપણા પ્રાણનો પ્રેમ પામવાને માટે સદા સાધના કરી રહ્યું છે. મૃત્યુની એ ચંચલ પ્રેયસી પહેલાં તો એને વશ થતી નથી. એની અનેક વર્ણની પાંખો પ્રસારીને અનેક શાખાઓ પર એ ઊડતી ફરે છે. ને છતાં મૃત્યુ મૌનવ્રત ધારણ કરી તે નિરલસ બનીને એના આસન પર સ્થિર બેસી રહે છે. એને ખાતરી છે કે આખરે એનાં ગીત થંભી જવાનાં છે, ‘સોનાર તરી’માંના ‘પ્રતીક્ષા‘ નામના કાવ્યમાં કવિએ મૃત્યુને આવે રૂપે આલેખ્યું છે. આ વિશ્વ કવિને અત્યન્ત સુન્દર ને ચાહવા જેવું લાગે છે. એ ભલે ને ક્ષણભંગુર હોય! અરે, એથી તો એ વધુ ચાહવા જેવું બની રહે છે. આથી જ તો કવિ ‘નૈવેદ્ય‘માં કહે છે:

મરવા ચાહું ના હું આ સુન્દર ભુવને,
માનવોની મહી હું તો જીવવાને ચાહું.

પણ આખરે મૃત્યુને વરવાનું તો છે જ. આથી કવિ મૃત્યુને નિર્જન શયનપ્રાન્તે વરવેશે આવવાને નિમન્ત્રે છે. ત્યારે પ્રાણવધૂ એને પોતાના ક્લાન્ત હસ્ત પ્રસારીને આવકારશે. ને પછી મૃત્યુના નિબિડ ચુમ્બનદાને પ્રાણપ્રેયસીનો રક્તિમ અધર પાણ્ડુ થઈ જશે. ‘સોનાર તરી’માંના ‘યેતે નાહિ દિબ’ નામના કાવ્યમાં સંસારને માટેની આ આસક્તિ ને મરણની નિશ્ચિતતા અત્યન્ત સુન્દર રીતે નિરૂપાઈ છે. આ પૃથ્વીમાં જે કાંઈ છે તે ચલિષ્ણુ છે, મૃત્યુ તરફ જઈ રહ્યું છે. પણ આપણા પ્રેમમાં, વાત્સલ્યમાં આપણને જે આનન્દ આ સૃષ્ટિના મૂળમાં રહ્યો હોય છે તેની આંશિક ઉપલબ્ધિ થાય છે. એ આનન્દ મૃત્યુની સીમાની બહાર છે. આથી જ આપણો પ્રેમ મૃત્યુથી પરાભવ સ્વીકારતો નથી. સૃષ્ટિનું નિયમન કરનારું વિધાન નિષ્ઠુર છે. એ વિધાનની નિષ્ઠુરતાને માનવહૃદયની મૃદુ લાગણી વચ્ચેનો સંઘર્ષ ‘જેતે નાહિ દિબો તોમાય’માં અત્યન્ત સમર્થ રીતે નિરૂપાયો છે. આ પ્રેમના માહાત્મ્યને કારણે જ મૃત્યુ પણ મહત્ત્વ પામે છે. મૃત્યુને જે મનોહર બનાવીને જોઈ શકે છે તે તો એની સાથેના મિલનને માટે સમુત્સુક બની રહે છે. ‘ઉત્સર્ગ’માં પાર્વતી અને શિવના પરિણયનું આ દૃષ્ટિએ કવિએ આલેખન કર્યંુ છે. સ્મશાનવાસી શિવને વરમાળા આરોપતી પાર્વતીની આંખો તો આનન્દાશ્રુથી છલકાઈ ઊઠી છે. પણ જેઓ મૃત્યુને શિવ રૂપે જોઈ શક્યા નથી તેઓ માથું કૂટીને રડે છે. મૃત્યુને જો આવકારવાનું હોય તો પછી સર્વોત્તમતાને શા માટે નહીં આવકારીએ? પ્રથમ મિલને નવોઢાને જે ભય હોય છે તે તો પ્રિયતમની વિરાટ મધુર મૂર્તિનું દર્શન થતાં જ દૂર થાય છે. પછી તો મિલનના આનન્દની શરણાઈ બજી ઊઠે છે. સર્વત્ર પ્રિયતમનો ખોળો જ દેખાય છે. જન્મ પહેલાં આ સંસાર ને જીવન પણ અજાણ્યાં નથી હોતાં? પણ જન્મતાં જ.

નિમેષમાં મને લાગ્યું માતૃવક્ષ:સમ
નિતાન્ત આ પરિચિત કેવળ છે મમ.

એ મરણ મધરાતે ગૃહદ્વારે આવીને સર્વ પરિચિતોના બાહુબન્ધમાંથી છોડાવીને આપણને લઈ જશે ત્યારે શું આપણે નિર્જન શૂન્યના અતલ અન્ધકારમાં રઝળતા થઈ જઈશું? ના, જે જીવનના અધીશ્વર હતા તે મૃત્યુના અધીશ્વર છે. ત્યાં પણ આપણે એકાકી નહીં હોઈએ. ત્યાં આપણો એ ક્રીડાનો ચિરસંગી તો હશે જ. આથી જ કવિ ગીતિમાલ્ય’માં કહે છે કે મૃત્યુના એ અજાણ્યા પારાવારમાં મારી હોડીમાં મારી સાથે એ જીવનના અધીશ્વર પણ જરૂર બેઠા હશે. સાચી રીતે તો એ અધીશ્વરને અનેક રૂપે પ્રાપ્ત કરવાને માટે જ યુગેયુગે વિશ્વજીવનમાં આપણા પ્રાણ વધૂવેશે અભિસારે નીકળી પડે છે. આપણા પ્રિયતમની પાસે લઈ જનાર મૃત્યુ આથી ભયાનક નથી લાગતું. એ તો આનન્દદૂત છે. આથી જ કવિ મૃત્યુને કહે છે:

 
મૃત્યુ, લઈ લે બન્ધન છેદી
તું જ છો મારો આનન્દ.

આ મરણના જળમાં સ્નાન કરીને જ પ્રાણવધૂ પરિણયને માટે પૂત બને છે. આથી જ મૃત્યુ આગળ દીનવેશે જવાનું નથી.
રાજાને વેશે ચાલ તું હસી
મૃત્યુપારના એ ઉત્સવ.

જે જીવનેશ્વર છે તેનો પરિચય તો જીવન સમર્પી દઈને જ પામવાનો હોય ને! એ જીવનેશ્વરને પામવાને યોગ્ય ન થયા હોઈએ તો પછી કેવળ મોહથી પ્રેરાઈને એને પામવાની વાસના રાખવી ન જોઈએ. આથી જ કવિ એમના જીવનદર્શનની દ્યોતક એવી કવિતા ‘જીવનદેવતા’માં કહે છે:

વિખેરી દો ભલે આજની આ સભા,
આણો નવરૂપ, આણો નવ શોભા,
નૂતન કરીને સ્વીકારી લો ફરી
ચિરપુરાતન મને.
નૂતન વિવાહે બાંધી દિયો મને
નવીન જીવનસૂત્રે. (ચિત્રા, જીવનદેવતા)

જીવનમાં નિરાશાના આઘાત ન ઝીલી શકવાથી આપણે નિર્બળ બનીને મરણનું શરણ શોધવા મથીએ છીએ. પણ એમાં નથી જીવનનું ગૌરવ કે નથી મરણનું ગૌરવ. જેણે જીવનને માણ્યું છે તે જ મરણ પણ માણી શકે. આથી મરણનો પણ મોહ ન હોઈ શકે. આ સૃષ્ટિની અંદર પ્ર્રત્યેક પળે ચાલી રહેલા સર્જનની પાછળ જેણે અનાદિ એકની લીલા જોઈ છે ને કહ્યું છે:

વૃક્ષ ઇવ સ્તબ્ધો દિવિ તિષ્ઠત્યેક:| તે મૃત્યુમાં પણ એ એકને જોઈને આશ્વસ્ત બને છે. પછી મૃત્યુ એને પરાયું લાગતું નથી. પછી એનું હૃદય ગાઈ શકે છે :

જીવને મરણે નિખિલ ભુવને
લઈ જાઓ જે કો સ્થાને
ચિર જનમના પરિચિત ઓહે,
તમે ઓળખાવશો એ.

ને વળી
નૂતનની મહીં તમે પુરાતન.
એ વાત હું શી રીતે ભૂલી જઈ શકું? વિધાતા પ્રાણની સાથે જીવનમરણને ઝૂલે ઝૂલવાની ક્રીડા કરી રહ્યા છે. આ જ સત્ય કવિએ ’નૈવેદ્ય’માં અત્યન્ત સુન્દર રૂપે મૂકયું છે.
સ્તન થકી તેડી લેતાં શિશુ રડે ડરે
ઘડીમાં આશ્વસ્ત થાય જઈ સ્તનાન્તરે
ઇહલોક અને પરલોક એ વિશ્વમાતાના અમૃતપૂર્ણ સ્તન છે. અને મૃત્યુ
એ તો માતૃપાણિ
સ્તન થકી સ્તનાન્તરે લઈ લે છે તાણી (સોનાર તરી, બન્ધન)
માતાથી શિશુ ડરી શકે જ નહીં, મરણ અને માનવીની વચ્ચે પણ માતા અને શિશુનો સમ્બન્ધ સ્થાપીને કવિ આપણને મૃત્યુ વિષે કેવા નિર્ભય બનાવી દે છે! મૃત્યુને આપણે અનન્ત અંધકારરૂપે જોવાને ટેવાયા છીએ. આ ઉષનિષદ્માં તો એમ જ પ્રાર્થ્યું છે:
તમસો મા જ્યોતિર્ગમય|
મૃત્યોર્મામૃતં ગમય|

અન્ધકારમાંથી અમને જ્યોતિમાં લઈ જાઓ. મૃત્યુમાંથી અમને અમૃતમાં લઈ જાઓ. અન્ધકારમાં થઈને જ્યોતિમાં જવાનું છે. મૃત્યુ દ્વારા જ અમૃતને પામવાનું છે. જે આદિત્યવર્ણ પુરુષ છે તે પણ તમસ: પરસ્તાત્| છે. મૃત્યુમાં ભલેને અન્ધકાર હોય, જીવનના સર્વે પ્રકાશનો સંચય કરીને એક ઉજ્જ્વળ દીપ પ્રગટાવીને એનાં દર્શન આપણે કરી શકીએ છીએ. ‘નટીર પૂજા’માં કવિ કહે છે કે જીવનની જયયાત્રા મૃત્યુના સિંહદ્વારમાં થઈને જ થાય છે. એ પ્રાણની જયયાત્રા તો આગળ વધતી જ જાય છે. આથી જીવનના અન્તને આખરી શી રીતે માની લઈ શકાય? શેષ ક્યાંયે છે જ નહીં. જે કાંઈનો અન્ત આવતો લાગે છે તે કેવળ આંખને માટે. આથી કવિએ ગીતાંજલિમાં ગાયું છે કે આજે મારા ગીતને પૂરું કરવાનો વખત આવ્યો છે ત્યારે ક્ષણે ક્ષણે હૃદયમાં તો એક જ ધ્વનિ ઊઠયા કરે છે કે શેષમાં અશેષ જ રહ્યો છે. સૂર થંભી ગયો છે, છતાં વિના પ્રયોજને નીરવતામાં વીણા તો બજ્યા જ કરે છે. સન્ધ્યા જેમ દિવસને અન્તે ગભીર સૂરે બજી ઊઠે છે તેમ બધા આલાપ થમ્ભી ગયા પછી શાન્ત વીણાના સૂરમાં ઊતરી આવે છે, ને ત્યારે જે બહુ દૂર રહેલું ને સૌથી મહાન ગીત તેના સૂર આપણને સંભળાય છે. જે મૃત્યુને આવી રીતે જોઈ શકે છે તેને વિચ્છેદનો ભય હોય તો જ નહીં. આથી રવીન્દ્રનાથ ગાય છે:

મૃત્યુ નહીં, ધ્વંસ નહીં
નહીં વિચ્છેદનો ભય,
માત્ર સમાપન,
માત્ર સુખથકી સ્મૃતિ,
માત્ર વ્યથાથકી ગીતિ,
તરી થકી તીર,
ક્રીડા થકી ક્રીડાશાન્તિ,
વાસના થકી પ્રશાન્તિ,
નભ થકી નીડ. (માનસી)

‘નૈવેદ્ય’ના રચનાકાળ પછી કવિનાં પત્નીનું મૃત્યુ થયું. એ આઘાતને એમણે આક્રોશને રૂપે કદી ક્યાંય પ્રકટ થવા દીધો નથી. વ્યથાને અન્તરમાં ઘૂંટી ઘૂંટીને આનન્દમાં પરિણમવા દીધા પછી જ બહાર પ્રકટ કરવાનું એમને ઇષ્ટ હતું. આથી જ ‘પુનશ્ચ’માં એમણે કહ્યું છે:

દુ:ખને દિવસે લેખિનીને કહું છું,
મને શરમમાં નાખીશ નહી.
જે આઘાત સૌનો નહીં
તેને બધાની આગળ ધરીશ નહીં.
ઢાંકીશ નહીં મુખ અન્ધકારે,
દ્વારના આગળા વાસી રાખીશ નહીં.
ઉજ્જ્વળ રંગની સર્વ જ્યોત પ્રકટાવી દે.
કૃપણ થઈશ નહીં.

એમની પત્નીના વિરહમાં લખાએલા ‘સ્મરણ’નામના કાવ્યસંગ્રહમાં આથી ક્યાંય ઊમિર્વિવશતા દેખાતી નથી. એ શોક પણ ગરવો બની ગયો છે. કવિને લાગે છે કે ઘણું ઘણું ગયું છે છતાં બધે કેવળ શૂન્ય વ્યાપી ગયું છે એવું તો નથી જ.
ત્યાર પછી ગુપચુપે
મૃત્યુરૂપે
વચ્ચે આવ્યો વિચ્છેદ અપાર.
દર્શનશ્રવણ ગયાં,
સ્પર્શહીણાં
એ અનન્તે મૌનનો ના તાગ.
ને છતાં -
તોય શૂન્ય નથી શૂન્ય,
વ્યથામય
અગ્નિબાષ્પે પૂર્ણ એ ગગન.
કવિ વિચ્છેદને સ્વીકારી શકતા જ નથી. મૃત્યુ પછી તો એ એમની પ્રેયસીને નવે રૂપે પામે છે.
મરણના સિંહદ્વારે થઈ
સંસાર વટાવીને તું અન્તર પ્રવેશી અયિ પ્રિયા,
આજે એ વધુ સુન્દર વાગે છે, કારણ કે —
ક્લાન્ત જીવનની સર્વર્ ગ્લાનિ
ધોવાઈ મરણસ્નાને.
નિખિલના પ્રતિબિમ્બે રચાઈ તું હવે.
ચિત્તનું સૌન્દર્ય તવ બાધામુકત આજે
વિગલિત થયું વિશ્વસમસ્તમાં પુલકે.
હવે તું કેવળ અન્ત:પુરવાસિનીને રૂપે જ રહી નથી.
હવે તું સર્વમાં વ્યાપી ગઈ છે:
સકલ આનન્દે અને સકલ આલોકે
સકલ મંગલ સાથે.
........સ્નેહાતુર હૈયું
નિખિલ નારીના ચિત્તે ઓગળી છે ગયું.
આજે કવિને એની વિશ્વમૂર્તિ દેખાય છે. જે કેવળ લક્ષ્મીરૂપે અન્ત:પુરમાં હતી તે સરસ્વતી રૂપે દેખા દે છે:
એ જ વિશ્વમૂર્તિ તવ આજ મારે ઉરે
લક્ષ્મીસરસ્વતીરૂપે પૂર્ણરૂપ ધરે.

કવિ એક વાર બહુ મોટી મૂંઝવણમાં આવી પડ્યા હતા. ત્યારે એમણે દેશબન્ધુ ચિત્તરંજન દાસનાં બહેન અમલાદેવીને ઉદ્દેશીને કહ્યું હતું: ‘જો અમલા, માણસ મરી જાય છે એથી કાંઈ આપણે એને સમૂળગો ખોઈ બેસીએ છીએ, જીવિત પ્રિયજનથી એ બિલકુલ વિચ્છિન્ન જ થઈ જાય છે એ વાત હું માની શકતો નથી. એ આટલા બધા સમયથી મને છોડીને ચાલી ગઈ છે, પણ જ્યારે જ્યારે હું કોઈ ગૂંચમાં આવી પડું છું, ને એનો ઉકેલ મને સૂઝતો નથી ત્યારે ત્યારે હમેશા હું એનું સાન્નિધ્ય અનુભવું છું. માત્ર એટલું જ નહીં, એ જાણે જાતે આવીને મારી ગૂંચ ઉકેલી જાય છે. એ વેળાએ પણ હું ભારે ગૂંચમાં આવી પડ્યો હતો. પણ હવે મારા મનમાં કશી દ્વિધા રહી નથી.’ અહીં નિકટની સહોપસ્થિતિ જ વર્ણવાઈ છે. અહીં વિચ્છેદ છે જ ક્યાં કે રામાનુજાચાર્યે જેને ધ્રુવા સ્મૃતિ કહી છે તે જ અહીં આપણને દેખાય છે. ખલિલ જિબ્રાન પણ કહે છે: Parting is naught but an exhaustion of the mind. Perhaps we have not parted, (The Garden of the Prophet) ‘શેષસપ્તક’માં પણ કવિ પોતાની પ્રિયાની સ્મૃતિમાં કહે છે :

મારો ‘હું’ તારી નિબિડ અનુભૂતિમાં પામ્યો નિ:સીમતા,
તારા કમ્પિત કણ્ઠની વાણીમાં સાર્થક થઈ
મારા પ્રાણની સાધના, એ પામ્યા અમૃત.

મૃત્યુને એઓ કેવી સ્વસ્થતાથી વધાવી લેતા એ એમના જીવનના કેટલાક પ્રસંગો જોવાથી સમજાશે. ૧૯૧૮માં એમની મોટી પુત્રી બેલા માંદી હતી. દરરોજ કવિ એની પાસે જઈને બેસતા. દરરોજની જેમ એક દિવસ શ્રી પ્રશાન્તચન્દ્ર મહલાનવીશની સાથે કવિ બેલાને ઘેર ગયા. દાદર ચઢતાં જ એમને બેલાના મૃત્યુની જાણ થઈ. બેલાની મૃત્યુશય્યા પાસે ગયા વિના જ કવિ નીચે ઊતરી આવ્યા. શ્રી પ્રશાન્તચન્દ્રે ઉપર જવાનું કહ્યું ત્યારે કવિએ કહ્યું: ‘આખરે હું કશું નહીં કરી શક્યો. મને ઘણા વખતથી લાગ્યા કરતું હતું કે એ મને છોડીને ચાલી જવાની છે. છતાં દરરોજ સવારે હું એનો હાથ મારા હાથમાં લઈને બેસતો. એ નાની હતી ત્યારે મને કહેતી: ‘એક વાર્તા કહોને, બાપુજી!’ એની માંદગી દરમિયાન પણ કદિક કદિક એ મને કહેતી : ‘એક વાર્તા કહોને, બાપુજી!’ હું મને જે કાંઇ તે વખતે સૂઝે તે કહી નાંખતો, હવે એનોય અન્ત આવ્યો!’ સ્વદેશી આન્દોલનના એ દિવસો હતા, રાષ્ટ્રીય શિક્ષાપ્રતિષ્ઠાન સમ્બન્ધે દરરોજ સાંજે મારે ચર્ચા થતી. દરરોજની જેમ રામસુન્દર ત્રિવેદી તે દિવસે પણ આવ્યા હતા. ચર્ચા પૂરી થયા પછી દાદર ઊતરતા ઊતરતા એમણે કવિને પૂછ્યું: ‘બેલાને હવે કેમ છે?’ કવિએ કહ્યું: ‘એ તો ગઈ.’ બસ આટલું જ, ત્રિવેદી કશું વિશેષ કહી શક્યા નહીં. દાદર ઊતરીને ચાલ્યા ગયા. એમનાં પત્નીના મૃત્યુ પછી છ મહિનામાં જ એમની પુત્રી રેણુકાનું અવસાન થયું. બહુ જ ધીરજથી એ પુત્રીની સારવાર એમણે કરી હતી. ત્યાર પછી એમના સૌથી વહાલા શમીન્દ્રનું અવસાન થયું. મોઘીરમાં એને એકાએક કોલેરા થઈ ગયો. એઓ મોઘીર પહોંચ્યા તે પહેલાં એનું અવસાન થઈ ચૂક્યું હતું. એમણે જઈને મોંઘીરના એમના યજમાનને આશ્વાસન આપ્યું. ત્યાર પછી તરત જ એઓ શાન્તિનિકેતન ચાલી આવ્યા. ત્યારે માઘોત્સવ ઊજવવાની તૈયારી ચાલી રહી હતી. કોઈકે એ બંધ કરવાનું સૂચન કર્યું. કવિએ કહ્યું: ‘ના, ના, શા માટે?’ એમના દૌહિત્ર નીતુના મૃત્યુ વખતે આવી જ રીતે એમણે વર્ષામંગલનો ઉત્સવ ચાલુ રાખ્યો હતો. એટલું જ નહીં, નાટકમાં પોતે ભાગ પણ લીધો હતો. શમીન્દ્રના મૃત્યુ પછી એક વાર એમણે રથીન્દ્રનાથને કહ્યું હતું: ‘જે રાતે શમીનું અવસાન થયું તે રાતે મેં મારા સમસ્ત હૃદયથી ઇચ્છ્યું હતું કે હવે એની ગતિ આખાય વિશ્વમાં નિર્બાધ થઈ રહો. મારો પ્રેમ હવે ખેચતાણ કરશે નહીં એ તો ઠીક જ થયું. નીતુના મરણ વખતે પણ હું હૃદયમાં એ જ વાતને ફરી ફરી રટયા કરતો હતો હવે મારી જવાબદારી રહી નથી. હવે બૃહત્ વિશ્વમાં એ જ્યાં હોય ત્યાં એનું કુશળ ઇચ્છવા સિવાય મારે બીજું કશું કરવાનું રહ્યું નથી. શમીના અવસાન પછી મોંઘીરથી ગાડીમાં ચાલ્યો આવતો હતો ત્યારે મેં રાત્રિના આકાશને તારાની દીપ્તિથીછલકાતું જોયું. ત્યાં કોઈ સ્થળે સહેજ સરખી ક્ષતિનું ચિહ્ન દેખાતું નહોતું. એ જોઈને હૃદયને થયું કે ક્યાંય કશો વિચ્છેદ નથી, સર્વ સર્વમાં છે ને એ સર્વમાં હું પણ સમાવિષ્ટ છું. તો પછી થાક શાનો? સહજભાવે જે બન્યું છે તેને વધાવી લઉં એ જ ઇષ્ટ. ‘(વિશ્વભારતી’, ૪૯) આવો જ ભાવ ‘શેષસપ્તક’ના એક કાવ્યમાં કવિએ પ્રકટ કર્યો છે. નક્ષત્રલોકના નિમેષહીન પ્રકાશની નીચે લતાવિતાનમાં બેસીને કવિ મહાકાલને નમસ્કાર કરે છે. એમને થાય છે કે માનવીની અમસ્તાને માટેની બધી ધાંધલ એ શિશુની શિથિલ મુષ્ટિમાં રહેલાં રમકડાં જેવી છે. એ હાથમાંથી પડે એટલી જ વાર! પણ જીવનમાં ફરી ફરી અમૃતભરી ક્ષણો પ્રાપ્ત તો થાય છે. એ ક્ષણની સીમા કોણ આંકી શકશે? એની અંદર રહેલા અપરિમેય સત્યને અયુત વર્ષોનાં નક્ષત્રોની પરિધિમાંય કોઈ સમાવી શકે એમ નથી; જ્યારે કલ્પનો અન્ત સૃષ્ટિના રંગમંચ ઉપરના બધા દીવા બુઝાવીને અન્ધકાર ફેલાવી દેશે ત્યારેય એ પ્રલયના નેપથ્યમાં એ સત્ય કલ્પાન્તરની પ્રતીક્ષા કરી રહ્યું હશે, કલ્પના અન્ત સાથે એનો અન્ત આવી નહીં જાય. રવીન્દ્રનાથના જીવનમાં આવી, આપણે મોટે વિરલ એવી, ધન્ય પળો ઓછી નહોતી આવી. એ મહાકાલને જ પ્રાર્થીને કવિ કહે છે: ‘હે સંન્યાસી, તારા અતલસ્પર્શ ધ્યાનના તરંગશિખરે સૃષ્ટિ ઉચ્છિત થઈ ઊઠે છે, ને વળી ધ્યાનના તરંગતલે એ શમી જાય છે. વ્યકત અવ્યકતનું આ ચક્રનૃત્ય પ્રચણ્ડ વેગે ચાલ્યા જ કરે છે. એના નિસ્તબ્ધ કેન્દ્રસ્થલે, હે મહાકાલ, તું અવિચલિત આનન્દે બિરાજી રહ્યો છે. હે નિર્મળ, તું મને આ મારા સંન્યાસની દીક્ષા આપ, જીવન અને મૃત્યુ, પ્રાપ્તિ અને ક્ષતિ — આ બેની વચ્ચે જ્યાં અક્ષુબ્ધ શાન્તિ છે ત્યાં, એ સર્જનના હોમાગ્નિની શિખાના છે ત્યાં, એ સર્જન અને સંહારના આવતની પાર રહેલા અચલ આનન્દને જોઈં શકતી એમની દૃષ્ટિ પછી વિક્ષુબ્ધ થાય ખરી! રવીન્દ્રનાથના જીવનમાં દુ:ખ નહોતું એમ તો કોઈ કહી શકે નહીં. એમણે પોતે જ ‘પ્રાન્તિક’માં કહ્યું છે તેમ એમણે દુ:ખનાગિણીને વ્યથાની બંસીના સૂરે રમાડી છે.. પણ એ દુ:ખમાંથી છટકી જવા માટે એમણે કદી મૃત્યુનું શરણ શોધ્યું નથી. ‘બલાકા’માં જેઓ મૃત્યુથી ભયભીત થઈને મૃત બની ગયા છે તેમને ઉદ્દેશીને રવીન્દ્રનાથે કહ્યું છે કે બંદરે હોડી લાંગરીને સુખચેનથી પડી રહેવાનો સમય હવે જતો રહ્યો છે. પુરાણા સંચયનો વેપાર હવે ઝાઝો ચાલે એમ નથી. ઝંઝાવાતની ગર્જના વચ્ચે થઈને નૂતન સમુદ્રને તીરે જવાને માટે હવે સુકાની સાદ દઈ રહ્યો છે. જે લોકો ચાલી નીકળ્યા છે તેની પાછળ માતા રુદન કરતી રહી છે. પ્રેયસી દ્વારે ઊભી ઊભી આંસુ લૂછી રહી છે. ઝંઝાવાતના ગર્જનમાં ભલે ને વિચ્છેદનો હાહાકાર બજી ઊઠે, હવે યાત્રા આરમ્ભવાનું મુહૂર્ત આવી લાગ્યું છે. ને એ યાત્રીઓની હોડી મૃત્યુને ભેદીને ડોલતી ડોલતી આગળ ચાલી જાય છે. હવે કયે ઘાટે હોડી લાંગરવાની છે એ પૂછવાનો પણ સમય નથી. સમસ્ત હિંસા ને હલાહલ આજે જાણે કાંઠાની સીમાને કારણે છલકાઈ ઊઠ્યાં છે, છતાંય નાવને લાંગરવાની નથી. નિખિલનો હાહાકાર કાનમાં ભરીને, ઉન્મત્ત દુુર્દીનને માથે લઈને અન્તહીન આશાસહિત નિર્ભીક બનીને પ્રણયના પારાવારને પાર કરવાનો છે ને નૂતન સૃષ્ટિના ઉપકૂલે નૂતન વિજયધ્વજને ફરકાવવાનો છે. દુ:ખના અભ્રભેદી વિરાટ સ્વરૂપને ભયભીત થયા વિના જોઈને એની સમ્મુખ ઊભા રહી અકંપિત વક્ષે મૃત્યુને કહેવાનું છે: તારો મને નથી ભય આ સંસાર પ્રતિદિન તારા પર મેળવ્યો વિજય: તારાથીય હું છું સત્ય એ વિશ્વાસે, જો, હું દઉં પ્રાણ, શાન્તિ સત્ય, શિવ સત્ય, સત્ય એ જ ચિરન્તન એક. આ વાણીની અંદર જે ઓજસ્ છે, પૌરુષ છે તે ભયજનક હૃદયને કેટલું બધું જોમ આપે છે! આ વાણીની પાછળ અડગ શ્રદ્ધા રહી છે. જે બધા યાત્રીઓ બંદર છોડીને ચાલી નીકળ્યા છે એઓ મૃત્યુના અન્તરમાં પ્રવેશીને અમૃતને ન પામી શકે, દુ:ખ સાથે ઝૂઝીને સત્યને નહીં પામે, પાપ જો પોતે જ પોતાની શરમે મરી નહીં જાય, અહંકાર પોતે જ પોતાની અસહ્ય લજ્જાએ ભાંગી નહીં પડે તો પછી પ્રભાતના પ્રકાશ ભણી જતા લક્ષ લક્ષ નક્ષત્રની જેમ મૃત્યુ ભણી દોડી જતા શત લક્ષ યાત્રીઓને આશ્વાસન શાનું રહે? પણ વીરનો એ રક્તોત, માતાની એ અશ્રુધારા એનું બધું મૂલ્ય ધરાની ધૂળ ભેગું ભળી જવાનું નથી. રાત્રિની તપસ્યા દિવસને જેમ પ્રગટાવે છે તેમ માનવી આખરે મૃત્યુના આઘાતથી જ પોતાની મર્ત્ય સીમાના ચૂરેચૂરા કરી નાખશે ને પોતાનામાં રહેલા દેવતાના અમર મહિમાને વ્યક્ત કરશે. માનવીને ‘અમૃતના પુત્રો’ કહેનાર ઋષિ દ્રષ્ટાની જ પ્રતીતિ આની પાછળ રહેલી છે. ‘ફાલ્ગુની’માં પણ રવીન્દ્રનાથે પુરાતનમાંથી સદા થતા નૂતનના આવિર્ભાવને જ નિહાળ્યો છે. મૃત્યુને જેઓ સામી છાતીએ ભેટે છે તેઓ જાણે છે કે જેને આજ સુધી મૃત્યુ માની બેઠા હતા તે મૃત્યુ નથી, એ તો ચિર નૂતન જ છે. જેઓ ભયના માર્યા એની પીઠ કરીને ઊભા રહે છે તેઓ જ એનો પડછાયો જોઈને છળી મરે છે. મૃત્યુને ટાળી શકાય તેમ તો નથી જ, પણ મૃત્યુના પાત્રમાં જ અમૃતરસ રહ્યો છે (બલાકા).મૃત્યુને કારણે જીવનનો રસ સુકાઈ જાય છે એવું નથી. એથી તો ઊલટું, જીવન વધારે રસમય બને છે. રવીન્દ્રનાથ ‘પંચભૂત’માં કહે છે કે આપણ જો જગતને કાવ્ય રૂપે જોઈએ તો મૃત્યુ જ એનો પ્રધાન રસ છે. જગતમાં જો મૃત્યુ ન હોત, જગતમાંની વસ્તુઓ જ્યાં છે ત્યાં ચિરકાળ સુધી અવિકૃતભાવે ટકી જ રહી હોત તો જગત સમાધિમન્દિરની જેમ અત્યન્ત સંકીર્ણ બની ગયું હોત. એ અનન્ત નિશ્ચલતાનો ચિરસ્થાયી ભાર વહેવાનું આપણે માટે બહુ જ કઠિન થઈ પડ્યું હોત. મૃત્યુએ જ અસ્તિત્વના એ ભીષણ ભારને સાવ હળવો બનાવી દઈને જગતમાં આપણને મોકળાશથી વિહરવાની જગા કરી આપી છે. આથી મૃત્યુને લીધે જ અસીમતાનું આપણને ભાન થાય છે. જો મરવાનું ન હોત તો જગતમાં કશું ગૌરવ જેવું રહ્યું જ ન હોત. જગતમાં રહેલી નશ્વરતાએ જ જગતને સુન્દર બનાવ્યું છે. આથી મનુષ્યની કલ્પનાના દેવલોકમાં પણ મૃત્યુ આવ્યા વિના નથી રહેતું. દક્ષકન્યા સતીનો દેહત્યાગ અને મદનનું ભસ્મીભૂત થવું એ આનાં જ ઉદાહરણો છે. ૧૯૩૭માં કવિ મૃત્યુની સરહદ સુધી જઈને પાછા આવ્યા. એમના મગ્ન ચૈતન્યમાં એ અવસ્થાની જે અસર નોંધાઈ હતી તેને એમણે ‘પ્રાન્તિક’ નામના કાવ્યસંગ્રહમાં વ્યક્ત કરી છે. આ એક વિરલ અનુભવ છે. એ અનુભવે મૃત્યુને કેવે રૂપે પ્રકટ કર્યું? એકાએક એક વાર જીવનના દિગન્તે જે કાંઈ નાની સરખી પણ રજ રહી હતી તે વ્યથાના દ્રાવક રસે ધોવાઈ ગઈ. શૂન્યમાંથી જ્યોતિની તર્જની જીવનને એક ખૂણે સ્તમ્ભિત બનીને રહેલા અન્ધકારને સ્પર્શી ગઈ ને નવી રંગભૂમિ પરની જવનિકા ઊપડી.. દ્યુતિના કમ્પે તન્દ્રાના સ્તરેસ્તરને વિદીર્ણ કરી નાખ્યા. પ્રકાશ અને અન્ધકારે મળીને ચિત્તકાશમાં અર્ધસ્ફુટ અસ્પષ્ટનો વિભ્રમ રચી દીધો. પણ આખરે એ દ્વન્દ્વ છેદાઈ ગયું. પુરાતન સમ્મોહના કારાગૃહની દીવાલ તૂટી પડી. સ્વચ્છ શુભ્ર ચૈતન્ય પ્રકટ્યું.