રવીન્દ્રપર્વ/૭૮. ઓગો કિશોર, આજિ
હે કિશોર, આજે તારે દ્વારે મારા પ્રાણ જાગે છે. હે નવીન, તું એને તારા રંગથી (પ્રેમથી) રંગીન ક્યારે કરીશ? જેમાં બંધન છૂટી ગયાં છે એવી ભાવનાઓ તારો ઝૂલો રચી દેશે. હે ભાવભૂલ્યા, મારી આંખ સામે આવીને ઊભો રહી જજે. હંડોિળાના નૃત્યમાં જાણે તું અમરાવતીમાં છે એવું લાગે છે — તું હૃદયની પાસે વેણુ વગાડે છે. લજ્જા, ભય બધું જ ત્યજીને માધવી તેથી જ તો સજીને આવી છે. એ માત્ર પૂછ્યા કરે છે, ‘કોણ કોણ મધુર મધુ સૂરે બજાવી રહ્યો છે?’ આકાશમાં આ શી વાત સાંભળું છું? વનમાં આ શું જોઉં છું? આ શું મિલનની ચંચળતા છે કે વિરહની વ્યથા છે? ધરાના વક્ષ પરનો પાલવ કંપી રહ્યો છે, એ સુખથી કે દુ:ખથી તે શી ખબર? — જેને એ ધરી શકતી નથી તેને શું એ સ્વપ્નમાં જોઈ રહી છે? જળે સ્થળે ઝોલો ચઢ્યો છે, વને વને ઝોલો જાગ્યો છે — સોહાગણના હૃદયતળમાં ને વિરહિણીના મનમાં. એની વેણુના સુદૂરના સૂરથી મધુર મને વિહ્વળ કરી મૂકે છે. સમસ્તનું હૃદય કોને કાજે અકારણે દોલાયમાન થઈ ઊઠ્યું છે? કરેણની માળાથી છાબ ભરીને લાવો, કોમળ કિસલયથી થાળ સજાવીને લાવો. પીત વસન સજીને આવો. ખોળામાં વીણા બજી ઊઠો. ધ્યાનમાં અને ગાનમાં છો આજની રાત વીતી જતી. હે હંડોિળાવિલાસી, આવો, મારી વાણીમાં ઝૂલો. અચાનક મારા છન્દમાં આવીને એને મત્ત કરી મૂકો. ઘણા દિવસથી હૃદયની નિકટ રસનો ોત થંભી ગયો છે. હવે સમય થઈ ગયો છે, એ તમારા નૃત્યે આજે નાચશે. (ગીત-પંચશતી)