રસસિદ્ધાંત—એક પરિચય/આમુખ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
આમુખ

ભારતીય કાવ્યશાસ્ત્રની દીર્ઘ પરંપરામાં રસનો સિદ્ધાન્ત અત્યંત મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ રહ્યો છે. સાહિત્યની રમણીયતાનું સ્વરૂપ સ્પષ્ટ કરવાની દિશામાં તેમજ આ રમણીયતાના બોધની ક્ષણોની ચૈતસિક પ્રક્રિયાઓનું વર્ણન કરવાની દિશામાં રસના આચાર્યો ઘણા ઊંડા ઊતર્યા છે, બલ્કે, ભારતીય દર્શનચિંતનનું વિશિષ્ટ અનુસંધાન એની તાત્ત્વિક ચર્ચામાં રહ્યું છે. એટલે રસસિદ્ધાન્ત ઘણી સંગીન ભૂમિકા પર પ્રતિષ્ઠિત થયો દેખાય છે. પ્રાચીન પરંપરાના આવા એક મહત્ત્વના કાવ્યસિદ્ધાંતની આજનો અભ્યાસી ઉપેક્ષા કરી શકે નહિ. પ્રસ્તુત પુસ્તિકા ‘રસસિદ્ધાન્ત : એક પરિચય’ આ વિષયમાં પ્રવેશ કરવા ચાહતા જિજ્ઞાસુઓને તેમ જ ઉચ્ચ શિક્ષણ લેતા સાહિત્યના વિદ્યાર્થીઓને ઉપયોગી બને એ રીતે તૈયાર કરી છે. રસસિદ્ધાંતની મુખ્ય વિચારપીઠિકાનો ટૂંકમાં પરિચય આપવાનો આ એક નમ્ર પ્રયત્ન છે. ગુજરાત રાજ્યનું યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ આ પ્રકાશનમાં સુભગ નિમિત્ત બન્યું છે એ વાતનો અહીં ઉલ્લેખ અનિવાર્ય છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે આ પુસ્તિકા માટે મને આમંત્રણ આપ્યું એટલે એ કામ તરત હાથ પર લઈ શકાયું. આ પ્રકાશન પ્રસંગે બોર્ડના અધ્યક્ષશ્રી સેંડિલ સાહેબનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આ પુસ્તિકાની હસ્તપ્રત સંસ્કૃતના જાણીતા અભ્યાસી ડૉ. નાન્દીસાહેબની બારીક પરામર્શક દૃષ્ટિમાંથી પસાર થઈ છે. તેમનાં સૂચનો અનુસાર મૂળ પાઠમાં જરૂરી સ્પષ્ટતાઓ કે ફેરફારો કરી લીધા છે. તેમના મૂલ્યવાન માર્ગદર્શન માટે અહીં તેમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આ લખાણ તૈયાર થયું તે ગાળામાં પ્રસ્તુત વિષયના કેટલાક જટિલ મુદ્દાઓ વિશે આપણા અગ્રણી વિદ્વાન-વિવેચક શ્રી જયંત કોઠારીએ પણ સ્પષ્ટતા કરી હતી. અહીં તેમનોય હાર્દિક આભાર માનું છું. અલબત્ત, આ વિષયની ચર્ચાવિચારણામાં જે કંઈ અસ્પષ્ટતા, ઊણપ કે વિચારદોષ રહી જવા પામ્યાં હોય તેની જવાબદારી મારી છે. આ અંગે મારે સ્વીકારવું જોઈએ કે સંસ્કૃત પાઠો ઉકેલવામાં કેટલીક વાર ભાષાકીય અંતરાયો મને નડ્યા છે. એવે પ્રસંગે અન્ય વિદ્વાનોનાં વિવરણો, અર્થઘટનો કે સ્પષ્ટીકરણોનો આધાર લઈને હું ચાલ્યો છું. આ વિષયમાં તાત્ત્વિક શોધનને હજીય ઘણો અવકાશ છે એવી મારી પ્રતીતિ રહી છે. એટલે આ વિષયના તજ્‌જ્ઞો આ પુસ્તિકાના ચર્ચાસ્પદ મુદ્દાઓ કે રહી ગયેલા વિચારદોષો તરફ આંગળી ચીંધશે તો આદરપૂર્વક એનો સ્વીકાર કરીશ. આ પુસ્તિકા સાહિત્યના વિદ્યાર્થીઓને અને જિજ્ઞાસુઓને ઉપયોગી બની રહેશે એવી આશા વ્યક્ત કરું છું.

વલ્લભવિદ્યાનગર
તા. ૨૮-૫-’૮૦

પ્રમોદકુમાર પટેલ