રસસિદ્ધાંત—એક પરિચય/ભટ્ટ તૌતનો ‘અનુવ્યવસાયવાદ’

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ભટ્ટ તૌતનો ‘અનુવ્યવસાયવાદ’

ભટ્ટ તૌતની રસવિચારણાને મૂળ ગ્રંથ હજુ લગી ઉપલબ્ધ બન્યો નથી. પણ અભિનવ આદિ આચાર્યોએ તેમની રસવિચારણામાંથી જે કેટલાક ઉલ્લેખો કર્યા છે તે પરથી તેમની તેજસ્વી પ્રતિભાનો અણસાર મળી જાય છે. શ્રીશંકુકના ‘અનુકૃતિ’ના ખ્યાલની સમીક્ષા કરી તેમણે પોતાનો ‘અનુવ્યવસાયવાદ’ રજૂ કર્યો છે. ‘અનુવ્યવસાય’ સંજ્ઞાનો વિશિષ્ટ અર્થસંકેત છે. ‘અનુવ્યવસાય’ એટલે ઇન્દ્રિયોએ ગ્રહણવ્યાપારથી પૂરી પાડેલી સામગ્રી ઉપર ચાલતો મનનો વ્યાપાર. ઇન્દ્રિયો મારફત મળતું પ્રત્યક્ષ જ્ઞાન તે વ્યવસાય. એ પછી મનસ્‌ દ્વારા તેનો જે સાક્ષાત્કાર થાય છે તે ‘અનુવ્યવસાય’. કલાના અનુભવના સંદર્ભે વાત કરીએ તો, ‘અનુવ્યવસાય વ્યાપાર’ એટલે સત્યાસત્યના લૌકિક ખ્યાલોથી મુક્ત રહીને તેનો કેવળ મનથી જ સાક્ષાત્કાર કરવો તે. આવા સાક્ષાત્કારમાં પ્રધાનપણે પ્રમાતૃ વ્યાપાર જ પ્રવર્તે છે. તે કેાઈ વ્યક્તિવિશેષથી સંબદ્ધ નહિ પણ સાધારણીકૃત રૂપે જ સાક્ષાત્કારાય છે. તાત્પર્ય કે, નાટ્યપ્રયોગમાં પ્રવૃત્ત થયેલાં નટનટીઓ અનુકાર્ય પાત્રો અને તેમના ભાવોનું ‘અનુકરણ’ કરતાં નથી, પણ ‘અનુવ્યવસાય’ના વ્યાપાર દ્વારા તેઓ તેનો સાધારણીભૂત રૂપે બોધ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો અભિનયની પ્રવૃત્તિમાં નટનટીઓ માનવજીવનના પ્રસંગોની સ્થૂળ નકલ કરતાં હોતાં નથી, પણ તેને અવલંબીને નવું સર્જનાત્મક રૂપ રચે છે. નાટકના સર્જક પક્ષે તેમ અનુકર્તા નટનટીઓને પક્ષે ‘અનુવ્યવસાય’ના વ્યાપારથી લૌકિક જગત જોડેના સંબંધો નષ્ટ થઈ જાય છે, અને તેની એક સ્વતંત્ર સૃષ્ટિ નિર્માણ થાય છે. ‘અનુવ્યવસાય’ એ માનસી સાક્ષાત્કાર છે, અને એ સાક્ષાત્કારની ક્રિયામાં મૂળની કાચી સામગ્રી પર નવા જ સંસ્કારો બેસે છે; એટલું જ નહિ તેને એક નવું જ રૂપ પ્રાપ્ત થાય છે. મહત્ત્વની વાત એ છે કે આ પ્રક્રિયામાં મૂળ સામગ્રી તેના સ્થળકાળના વિશિષ્ટ એવા સંદર્ભોથી મુક્ત થઈ જાય છે અને એ કારણે રાગદ્વેષયુક્ત લૌકિક સાહચર્યો પણ તેમાંથી છૂટી જાય છે. શ્રીશંકુકે ‘અનુકૃતિ’નો જે ખ્યાલ રજૂ કર્યો, તેમાં રામાદિ અનુકાર્યોની જે અનુકૃતિ અભિપ્રેત હતી તેમાં અનુકાર્ય વ્યક્તિઓ ઐતિહાસિક સ્થળકાળમાં સંબદ્ધ રહી હતી. તેથી ‘અનુકૃતિ’ના એ વ્યાપારમાં નટનટીઓ દ્વારા છેવટ સુધી લૌકિક સંદર્ભોનું અનુસંધાન રહેવા પામ્યું હતું, અને તખતા પરની નાટ્યસૃષ્ટિ એ રીતે સતત પોતાની બહારની લૌકિક પરિસ્થિતિ તરફ સંકેત કરતી હતી. તૌતના ‘અનુવ્યવસાય’માં એવા સ્થૂળ અનુકરણને સ્થાન નથી. સ્થળકાળમાં બદ્ધ એવી વ્યક્તિ કે પદાર્થનું યથાતથ અનુકરણ કરવાનો એ પ્રશ્ન નથી. ‘અનુવ્યવસાય’ દ્વારા નટનટીઓ નાટ્યવસ્તુને એના લૌકિક સંદર્ભોથી વિચ્છિન્ન કરે છે, અને તખતા પર એક સ્વતંત્ર સ્વાયત્ત સૃષ્ટિ ખડી કરે છે. લૌકિક સત્યાસત્યનો પ્રશ્ન પણ એને નડતો નથી, કેમ કે કલાની સૃષ્ટિ લેખે એને એનું આગવું સત્ય મળી મળી ગયું હોય છે. તખતા પર નટનટીઓ દ્વારા જે ભાવસૃષ્ટિ રજૂ થાય છે, તેનો ખુલાસો આ ‘અનુવ્યવસાયવાદ’માં વધુ સારી રીતે મળે છે એમ કહેવું જોઈએ. તખતા પર નિર્માણ થતી ભાવસૃષ્ટિનું સ્વરૂપ અને સામાજિકની રસપ્રતીતિ એ બંને પ્રશ્નો અલબત્ત, ગાઢ રીતે સંકળાયેલા છે. આ સંદર્ભમાં અભિનવની એક ચર્ચા અત્યંત પ્રસ્તુત બની રહે છે. સામાજિક નટનટીઓને રામસીતા આદિના વેશમાં જુએ છે. ત્યારે ખરેખર તેને કેવી પ્રતીતિ થાય છે તે સમજાવવા અભિનવે એ ચર્ચા કરી છે. સામાજિકની એ પ્રતીતિનું સ્વરૂપ કેવું છે? તો કે (૧) એ સાચેસાચાં ઇતિહાસ-પ્રસિદ્ધ રામસીતા જ છે, એ જાતનું પ્રત્યક્ષ સમ્યક્‌ જ્ઞાન તેને થતું નથી. (૨) જોડકાં રૂપે જન્મેલાં બાળકોના દૃષ્ટાન્તમાં એક બાળકની ઉપસ્થિતિ પરથી બીજાનું જ્ઞાન થાય તે પ્રકારનું એ કાલ્પનિક જ્ઞાન પણ નથી. (૩) છીપલાંને જોતાં રૂપાનું સ્મરણ થઈ આવે, તો એવું એ સ્મૃતિરૂપ જ્ઞાન પણ નથી. (૪) છીપમાં રૂપાની ભ્રાન્તિ થાય, અર્થાત્‌ છીપમાં રૂપાના જ્ઞાનનું આરોપણ થાય, તો એવી મિથ્યા બોધની એ પ્રતીતિ પણ નથી. (૫) નારીના ચારુમનોહર વદન માટે ચંદ્રની ઉત્પ્રેક્ષા કરીએ અને એ રીતે ઉત્પ્રેક્ષાથી ચંદ્રનું જે જ્ઞાન થાય, તેવું એ ઉત્પ્રેક્ષા. જ્ઞાન પણ નથી. (૬) ‘વાહીક બળદ છે’ – જેવા શબ્દપ્રયોગમાં અધ્યવસાયરૂપ એવું જે જ્ઞાન સંભવે છે તે જાતનું જ્ઞાન પણ એ નથી. (૭) ચિત્રમાં આલેખાયેલી પુસ્તકની પ્રતિકૃતિ જોઈને અન્ય પુસ્તકની તે પ્રતિકૃતિ છે એવું જે જ્ઞાન થાય છે તે પણ એમાં નથી. (૮) પ્રવચન કરતી વેળા શિષ્ય જે રીતે પોતાના આચાર્યની મુદ્રા ધારણ કરે, અર્થાત્‌ અનુકરણ રૂપ એવી છટા ધારણ કરે, અને આ જાતની તેની અનુકરણ વૃત્તિથી તેના આચાર્યની મુદ્રાનું જે જ્ઞાન થાય તેવુંય આ જ્ઞાન નથી. (૯) નાટ્યસૃષ્ટિ એ તત્કાલ ઉત્પન્ન થયેલી ઇન્દ્રજાલ જેવી કોઈ માયાવી સૃષ્ટિ છે એવું કોઈ ભાન પણ એમાં સંભવતું નથી. (૧૦) યુક્તિથી ઉત્પન્ન કરેલા આભાસ દ્વારા હસ્તલાઘવની જે માયાવી આકૃતિ ઉત્પન્ન થાય છે, તેના જેવું પણ એ જ્ઞાન નથી. તાત્પર્ય કે, વ્યવહારમાં જ્ઞાનની પ્રતીતિના જે જે લૌકિક વ્યાપારો સંભવે છે, તેથી નાટ્યરસની પ્રતીતિ તત્ત્વતઃ ભિન્ન રૂપની છે. કેમ કે, તખતા પર જે નાટ્યસૃષ્ટિ ખડી થાય છે તે પણ લોકસૃષ્ટિથી સ્વરૂપતઃ ભિન્ન છે. નાટ્યમાંના રામાદિ વિભાવો એના લૌકિક સંદર્ભોથી મુક્ત બની ચૂક્યા હોય છે, એ કારણે તે લૌકિક પ્રમાણોથી પણ પર હોય છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે રામનું પાત્ર તો ઇતિહાસપ્રસિદ્ધ છે, એટલે તે લૌકિક સંદર્ભોથી મુક્ત શી રીતે ગણાય? અભિનવનો એ અંગે એવો ખુલાસો છે કે રામનું પાત્ર ઐતિહાસિક છે એ ખરું, પણ દૂર ભૂતકાળનું એ પાત્ર હોવાથી સામાજિકને રસપ્રતીતિની ક્ષણોમાં લૌકિકતાનો અંતરાય રહેતો નથી. અત્યંત સરળતાથી તે સાધારણીભૂત બની શકે છે. પણ વર્તમાનમાં હયાત એવી ઇતિહાસપ્રસિદ્ધ વ્યક્તિઓ પરત્વે સામાજિકના ચિત્તમાં જાણ્યે-અજાણ્યે રાગદ્વેષો બંધાઈ જતા હોય છે, અને નાટ્યસૃષ્ટિમાં એવી વ્યક્તિનો પાત્ર તરીકે પ્રવેશ થાય તો એનું પૂરું સાધારણીકૃત રૂપ સંભવતું નથી, એવા પાત્રમાં ‘ક્રિયાકારિત્વ’નું તત્ત્વ શેષ રહી જાય છે, જે રસબોધમાં વિઘ્નકર્તા બની રહે છે. અભિનવનું સૂચન છે કે નાટ્યકારે શક્ય ત્યાં સુધી વર્તમાન ઇતિહાસની વ્યક્તિને ટાળી દૂર ભૂતકાળના ઇતિહાસ પુરાણમાંથી પાત્ર (અને વૃત્તાંત)ની વરણી કરવી જોઈએ. અભિનવે આ સંદર્ભમાં સ્પર્શેલો બીજો એક મુદ્દો પણ અત્યંત મહત્ત્વનો છે. તેઓ કહે છે કે નાટ્યપ્રયોગ જોવા પ્રવૃત્ત થતા સામાજિકો કોઈ નૈતિક સ્વરૂ૫ના સંકલ્પ-વિકલ્પથી પ્રેરાયા હોતા નથી. સૌંદર્યબોધની એક વિશિષ્ટ ચિત્તવૃત્તિ તેઓ ધારણ કરી રહ્યા હોય છે. એને સૌંદર્યવૃત્તિ (aesthetic attitude) તરીકે ઓળખાવી શકાય. સામાજિકો આવી વૃત્તિને કારણે તખતા પરનાં પાત્રો અને ઘટનાઓને નિષ્પ્રયોજન ભાવે નિહાળવા પ્રેરાય છે. એમાં તેમની લૌકિક સુખની કામનાને અવકાશ રહેતો નથી, તેમ નાટ્યસૃષ્ટિનાં પાત્રો અને પ્રસંગો પરત્વે તેમની કેાઈ સંકલ્પવૃત્તિ સક્રિય બનતી નથી. તેઓ નાટ્યસૃષ્ટિના ભાવ-વિભાવો પરત્વે લૌકિક પ્રયોજનોથી મુક્ત બનીને અભિમુખ બને છે, તેથી તેની સાથે તાદાત્મ્ય સાધી શકે છે. આવી નિષ્પ્રયોજન વૃત્તિ એ સામાજિકની રસપ્રતીતિ માટેની પૂર્વશરત છે. શ્રીશંકુકના મતની આલોચના કરતાં ભટ્ટ તૌત અને અભિનવે કલાસૃષ્ટિનું સ્વરૂ૫ અને સામાજિકની રસપ્રતીતિના સ્વરૂપની અતિ સૂક્ષ્મ ચર્ચા રજૂ કરી. રસસિદ્ધાંતના વિકાસમાં એ અત્યંત મહત્ત્વનું અર્પણ બની રહે છે.