રાજા-રાણી/પહેલો પ્રવેશ2

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પહેલો પ્રવેશ

ત્રીજો અંક

         સ્થળ : કાશ્મીર. રાજમહેલની સામે રાજમાર્ગ. દરવાજે શંકર બેઠો છે.

શંકર : ત્યારે તો ભાઈ આવડાક હતા; મારા ખોળામાં રમ્યા કરતા. ચાર જ દાંત ફૂટ્યા’તા ને, ત્યાં તો મને ‘સંકલભાઈ’ ‘સંકલભાઈ’ કરતા. હવે તો મોટા થયા; હવે સંકલભાઈના ખોળામાં ક્યાંથી સમાય? હવે તો સિંહાસન જોઈએ, બાપા, સિંહાસન! મરવા ટાણે, મહારાજ, એ ભાઈબહેન બેયને મારે ખોળે મેલતા ગયેલા. બહેન તો બિચારી બે દી પછી ધણીને ખોળે વહી ગઈ. મનમાં ઘણુંય હતું કે કુમારસેન ભાઈને મારે ખોળેથી પરબારા જ સિંહાસને બેસાડી દઉં. પણ બુઢ્ઢા મહારાજ સિંહાસનેથી ઊતરે છે જ ક્યાં? કેટલી કેટલી વાર મૂરત જોયાં, પણ આજકાલ કરી કરીને ટાણું જ ન આવવા દીધું. સો જાતનાં બહાનાં, ને હજાર જાતના વાંધા! એ બાપા! સંકલનો ખોળો નોખો, ને સિંહાસનની વાતુંય નોખી. હવે તો હું બુઢ્ઢો થઈ ગયો — તને સિંહાસને બેઠો જોઈને આંખો ઠાર્યા પછી જાઉં, એવાં મારાં ભાગ્ય ક્યાંથી હોય?

[બે સૈનિકો પ્રવેશ કરે છે.]

પહેલો : હેં ભાઈ, કુંવર સાહેબ તે હવે ક્યારે ગાદીએ બેસશે? તે દિવસે તો, દોસ્ત, તમને સૌને મારે દારૂ પાવો છે.
બીજો : તું તો દારૂ પાઈશ, પણ હું તો જાન દઈ દેવાનો, દોસ્ત! બસ લડાઈ કરતા કરતા જ આથડશું, અને પાંચ ગામડાં લૂંટીને માલ ઘરે લાવશું. અને મારો બેટો મોદી હમણાં બહુ ઉઘરાણી કર્યા કરે છે; એનું તો તે દી માથું જ ભાંગી નાખું. અરે, તું કહેતો હોય તો કુંવર સાહેબની સામે ઊભો રહીને આમ જ મરી જાઉં.
પહેલો : અને મારાથી એમ ન બને, કાં? મરવામાં મોટી વાત શી છે? સવાસો વરસનું આયખું હોય તો કુંવર સાહેબ સારુ રોજ સવાર-સાંજ બબ્બે વાર મરું —
બીજો : કુંવર સાહેબ તો આપણા જ કહેવાય. મરવા ટાણે મહારાજાએ આપણા હાથમાં એનું કાંડું ભળાવ્યું છે. આપણે તો એને ખંભે ઉપાડી, ઢોલ વગાડી, સડાક્ દઈને સિંહાસને બેસાડી દેશું, કોઈની બીક નથી રાખવાની.
પહેલો : બુઢ્ઢા મહારાજાને જઈને કહી દઈએ કે તમે હેઠા ઊતરી જાવને, કુંવર બાપાને ગાદીએ બેસાડીને અમારે લહેર ઉડાવવી છે.
બીજો : સાંભળ્યું છે કે આવતી પૂનમે કુંવર બાપાના વીવા’ છે.
પહેલો : એ તો પાંચ વરસથી સાંભળતા જ આવીએ છીએ.
બીજો : પણ આ વખતે તો પાંચ વરસ પૂરાં થઈ ગયાં છે. ત્રિચૂડના રાજવંશમાં એવો ધારો જ ચાલ્યો આવે છે કે પાંચ વરસ સુધી તો કન્યાને તાબે જ રહેવું પડે. ત્યાર પછી હુકમ થાય ત્યારે વીવા’ કરાય.
પહેલો : ઓય બાપા! એવો ધારો વળી ક્યાંથી? આપણે તો ક્ષત્રિય; અનાદિ કાળથી આપણે તો સાસરાને ગાલે એક અડબોત લગાવી અને કન્યાને ચોટલે ઝાલીને જ ઉપાડતા આવીએ છીએ : બસ, બે કલાકમાં કામ પતી જાય; ત્યાર પછી ભલેને એકને બદલે લાખ વીવા’ થયા કરે!
બીજો : હેં જોધમલ, તે દી તું શું કરવાનો?
પહેલો : આપણે તો તે દી એક વધુ બાયડી પરણી લેવાના.
બીજો : શાબાશ, દોસડા.
પહેલો : ઓલ્યા મહિચંદની છોકરી! જોઈ છે ને! ભારી રૂપાળી! આહા, શું એની આંખ કેરીની ફાડ જેવી! તે દી ઘડામાં પાણી ભરવા જાતો’તો; બે વાત બોલવા ગયો, ત્યાં તો બલોયું ઉપાડીને મારવા આવી. મને લાગ્યું કે એની આંખ કરતાં તો એનું બલોયું ગજબનું. મોં લાળીને ભાગવું જ પડ્યું, ભાઈ.
[ગાય છે]
પાછું વાળી જો મા, જો મા,
જો મા રે અલી આંખડલી.
જા રે, ઊભી રે’ મા, રે’ મા,
રે’ મા રે અલી મારકણી
કલેજાં ચીરી દીધાં, ખજાના લૂંટી લીધા,
નેણાંની નીંદ ઉપાડી જા મા, જા મા,
જા મા રે એલી લેરખડી.
પાછું વાળી જો મા, જો મા,
જો મા રે અલી આંખડલી.
બીજો સૈનિક : શાબાસ રે, દોસડા, શાબાસ!
પહેલો : આ રહ્યા શંકરભાઈ! જુઓ તો! કુંવર સાહેબ નથી તોય ડોસો કેવું સાફસૂફ કરીને દરવાજે બેઠો છે! આખી ધરતી ભલેને ઉથલપાથલ થઈ જાય, તો પણ એ ડોસાના નિયમમાં ફેર ન પડે.
બીજો : ચાલ તો, એને કુંવર સાહેબની બેક વાતો પૂછીએ.
પહેલો : પૂછ્યે શું એ કાંઈ જવાબ દેવાનો છે? ના, ભાઈ, ના, એ ડોસલની વાત નોખી છે. એ તો જાણે ભરતજીના રાજમાં રામચંદરજીના બે જોડા મૂંગા મૂંગા પડ્યા હોય ને, એવો છે.
બીજો : [શંકર પાસે જઈને] હેં ભાઈ, કહો તો ખરા, આ કુંવર સાહેબ કે’ દહાડે રાજા થશે?
શંકર : તમારે એ વાતનું શું કામ છે?
પહેલો : ના, એ તો હું સહેજ પૂછું છું કે કુંવર સાહેબ ઉમ્મરલાયક થયા તોય બુઢ્ઢો મહારાજા ગાદીએથી કાં ન ઊતરે?
શંકર : એમાં ખોટું શું છે? ગમે તેમ તોય પાકટ આદમી તો ખરા ને!
બીજો : પાકટ તો ખરા, પણ દેશદેશનો જેવો ધારો — આપણા દેશનો ધારો એવો છે—
શંકર : ધારો તો મારા — તારા જેવાને પાળવાનો હોય, મોટાં માણસોને વળી ધારા કેવા? બધાય જો ધારા પાળશે તો ધારા બાંધશે કોણ?
પહેલો : ઠીક, ભાઈ, એ તો પત્યું. પણ આ પાંચ-પાંચ વરસ થયાં વીવા’ થયા જ કરે, એ ધારો તે ક્યાંનો? હું તો કહું છું કે વીવા’ કરવા, ને બાણ મારવું, એ બેય બરાબર. પટ દઈને તીર વાગી જાય એટલે કાયમને માટે કલેજું વિંધાઈ જાય! બીજી પંચાત જ નહીં. એમાં પાંચ-પાંચ વરસ થયાં પ્રેમ બાંધવાના આવા ચાળા શા?
શંકર : તમને ચાળા લાગે એટલા માટે શું દેશનો ધારો હોય તે બદલી શકાય? ધારા ઉપર તો આ આખો સંસાર ચાલે છે. જાવ, જાવ, બોલ બોલ કરશો નહીં. નાને મોંએ મોટી વાતો ન શોભે.
પહેલો : ચાલો ત્યારે. આજ કાલ કોણ જાણે કેમ પણ શંકરભાઈની તબિયત ઠેકાણે નથી. શરીર તો સાવ સૂકલ ડાળખી જેવું થઈ ગયું છે.

[જાય છે. પુરુષવેશે સુમિત્રા પ્રવેશ કરે છે.]

સુમિત્રા : શંકરભાઈ! તમે જ શંકરભાઈને?
શંકર : અરે! પ્રીતિભર્યો એ જૂનો પરિચિત સ્વર ક્યાંથી? કોણે મને બોલાવ્યો? તું કોણ છો, ભાઈ મુસાફર?
સુમિત્રા : હું પરદેશમાંથી આવું છું.
શંકર : આ શું સ્વપ્ન જોઉં છું? જાદુગરો કુમારસેન ફરી શું બાળક બની એના શંકરભાઈને ખોળે રમવા આવ્યો? જાણે એ જ સંધ્યાકાળ થયો; મારા કુમારની બાળ-કાયા જાણે રમી રમીને થાકી ગઈ, કમળ જેવા એના પગ જાણે દુઃખવા આવ્યા; ગાલ જાણે રજોટાઈ ગયા; થાકેલું બાળ-હૃદય જાણે આજ બુઢ્ઢા શંકરભાઈની છાતીએ વિસામો માગે છે! કેવો જૂનો મીઠો અવાજ! કુમાર બાપુ જાણે બાળપણનું રૂપ લઈને આવ્યા!
સુમિત્રા : ભાઈ, હું જાલંધર દેશથી કુમારસેન ભાઈને સંદેશો દેવા આવેલ છું.
શંકર : આહા! કેવું રૂપ! કુમાર બાપુનું બાળપણ પોતે જાણે પાછું આવ્યું છે! તે દા’ડાની રમતગમત સંભારી દેવા જાણે એને નાની બહેને જ મોકલ્યું લાગે છે. રે દૂત! આવું રૂપ તું ક્યાંથી લાવ્યો? ખોટું શીદને બોલ છ? ના, ના. માફ કરજે, બાપા! કહે, કહે, શા સમાચાર છે? મારાં બહેનબાં સારાં છે ને? સુખી છે ને? રાજાજી રૂડી રીતે રાખે છે ને? મહારાણીપદનાં માનપાન બરાબર પામે છે ને? મારી લાડીલી બહેનબાને પ્રજા મા કહીને દુવા દે છે ને, ભાઈ? અન્નપૂર્ણા દેવી રાજમાં બરકત વરસાવે છે ને? અરે રામ! હુંય કેવો નાદાન! તું થાકી ગયો હોઈશ, બાપા! ચાલ, મારે ઘેર ચાલ, વિસામો ખાઈને પછી મને એક પછી એક તમામ ખબર દેજો, હો ભાઈ. ચાલ ઘેરે.
સુમિત્રા : શંકરભાઈ, રાણી બહેન શું હજુય તને સાંભરે છે?
શંકર : આ...હા! એ જ ગળું! હેતમાં લળી પડતી એ જ બે ઊંડી ઊંડી આંખો! કે આ શું મારા મનનો ભ્રમ? છોકરા! તું શું મારી સુમિત્રા બહેનની અણસાર ચોરીને લાવ્યો છે? મારી બહેનબા મને ન સાંભરે, ઘેલા? હાં, હાં, તું પોતે જ એ બહેનબાના બાળાપણની સ્મૃતિ! મને છેતરવા તું મારા હૈયામાંથી બહાર નીકળેલ લાગછ, ખરું? તું જ એ! હાં, તું જ! ના, ના, ઓ જુવાન! મને માફ કરજે, ભાઈ; બુઢ્ઢાપણ ખરું ને, તે આવું બકી જવાય છે. ઘણાય દિવસ મૂંગો રહ્યો; પણ આજ અંતરમાં કૈક જૂનાં આંસુ આવી જાય છે. કોણ જાણે કેમ મને તારા ઉપર આટલું હેત વછૂટે છે, છોકરા! જાણે તારે ને મારે કોઈ જૂની ઓળખાણ હોય ને! જાણે તું મારા આખા જીવતરની કોઈ અતિ વહાલી કમાણી હો ને!

[જાય છે.]