રા’ ગંગાજળિયો/૨૪. રતનમામી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૪. રતનમામી

જૂનાગઢના નાગરવાડામાં આવેલા એક ફળિયામાં ગીચોગીચ ઘરો હતાં. તેમાંના એક ઘરની ખડકી ઉપર બહારથી સાંકળ ચડાવીને ઓટલા ઉપર એક રાતે દસ-પંદર પુરુષો ઊભા હતા. થોડા જુવાન હતા, બાકીના આધેડો ને બુઢ્ઢા હતા. તેમના હાથમાં લાંબી લાકડીઓ ને નાની જેષ્ટિકાઓ હતી. તેમણે કછોટા ભીડ્યા હતા. અંધારી રાતનો બીજો પહોર હતો. તેઓ ચોકી કરતા હતા. ચોર બહારથી આવવાનો નો’તો. ચોકી કોઈક અંદરના ચોર ઉપર ચાલતી હતી. ચોકીદારોને કાને ઘરની અંદરથી એક કોમળ કંઠની કાકલૂદી સંભળાતી હતી. “કૃપા કરીને ઉઘાડો. પગે લાગું છું, ઉઘાડો. એ બીજા કોઈના હાથે પાણી નહીં પીએ. એ તરસે મરી જશે.” એ કંઠ સ્ત્રીનો હતો. એને ચોકીદારો જવાબ દેતા હતા— “મરી જશે તો મુડદું ઢસડીને ગિરનારનાં કોતરોમાં નાખી આવશું. ગીધડાંનાં પેટ ભરાશે.” “એવું અમંગળ ઉચ્ચારો મા, કાકા, મામા ને ભાઈઓ! એ શ્રીહરિનો ભક્ત તરસે મરી જશે, ને મને પાતક લાગશે.” “તારાં પાતકમાં હજી બાકી રહ્યું હશે—હે-હે-હે!” ચોકીદારો હસતા હતા.“ધણી બેઠો હતો ત્યારે તો અમારું કાંઈ જોર નહોતું, પણ હવે વિધવા થઈ છો, નાગરી ન્યાતને બોળવા બેઠાં છો—એક એ ભાણેજ ને બીજી તું મામી! ન્યાત હવે શું તારા ઉધામા ચાલવા દેશે! હે-હે-હે-એ તો ધણી ચાલવા દિયે, ન્યાત ન ચાલવા દિયે.” “શ્રીહરિ! શ્રીહરિ! હે વાલા દામોદરરાય!” અંદરથી એ સ્ત્રી જેમ જેમ રાત જતી ગઈ તેમ તેમ કાકલૂદી છોડીને આવા ઈશ્વરના નામના ઉદ્ગારો રટવા લાગી. રાત કેમેય વીતતી નથી. રાતના પગમાં જાણે કોઈએ મણીકાના ભાર બાંધી દીધા છે. “હરિ! હે મારા વાલા દામોદરરાય! એને મરવા દેજો મા. એને મુખે પાણી પોગાડજો. એનું હવે કોઈ નથી રહ્યું. એ બીજા કોઈના હાથનું જળ નહીં બોટે.” સ્ત્રીએ ઝંખ્યા જ કર્યું. “આજ આપણે એ જ પારખું કરવું છે,” ચોકીદારો વાતો કરતા હતા, “કે એ શઠ આ રતનના હાથના પાણી વગર પ્રાણ છાંડી શકે છે? કે પાણીની ટબૂડી તો ફક્ત આ કુલટાનાં કુકર્મ ઢાંકવાનું જ બહાનું છે?” “જે હશે તે પ્રાત:કાળે જ પરખાઈ જશે.” “ત્યાં એ પાખંડીના ભજન-સમારંભમાં તો પૂરી કડકાઈ રાખી છે ને, કે કોઈ બીજું આવીને એને પાણી ન પાઈ જાય?” “ત્યાં તો જડબેસલાક કામ છે.” રાત ગળતી હતી, ને ઓરડામાંથી ‘શ્રીહરિ! હે હરિ! હે મારા વાલા દામોદરરાય! મારાં કાજ સારી જજો! હે વિઠ્ઠલા, વહેલા થજો!’ એટલા જ જાપ જપાતા હતા. રાત ભાંગતી હતી, ને ઓરડામાંથી વિલંબિત સૂરે ‘હે … હરિ! હે… દામો…’ એટલા જ સૂરો ચાલતા હતા. રાતનો છેલ્લો પહોર બેસતો હતો—ને ઓરડામાંથી સૂરો આવતા અટકી ગયા હતા. “રંડા સૂઈ ગઈ લાગે છે થાકીને!” ચોકીદારો બોલતા હતા. છેલ્લો પહોર પૂરો થવા પર આવ્યો હતો ત્યારે બીજા પાંચ-દસ જણા દોટ કાઢતા એ નાગર-ફળીમાં આવી પહોંચ્યા. તેઓ ગાભરા સ્વરે બોલી ઊઠ્યા : “કેમ આમ થયું?” “કેમ, ભાઈ?” “તમે ક્યાંઈ આડાઅવળા થયા હતા?” “ના રે.” “ઝોલે ગયા હતા?” “અરે, હાટકેશ્વરની દુહાઈ. એક મટકું પણ કયા સાળાએ માંડેલ છે.” “રતન અંદર જ છે?” “ક્યારની ઘોંટી ગઈ છે.” “પણ ત્યારે આ શું કહેવાય! ત્યાં તો હમણાં જ એ પાખંડીને રતન પાણી પાઈ ચાલી ગઈ.” “ઘેલા થયા, ઘેલા! ભાન ભૂલી ગયા લાગો છો!” “અમે ભાન ભૂલી ગયા, પણ હજારો માણસોની નજર શું જૂઠી? સૌએ જોયું, એકેએક જણને દીઠામાં આવ્યું, રોજની માફક આજે પણ વખતસર આવીને રતને નરસૈંયાને ટબૂડી પાઈ.” “એને કોઈએ પકડી નહીં?” “ના, કોઈ હિંમત કરી શક્યું નહીં. કોણ જાણે કેમ પણ સૌની છાતી બેસી ગઈ. બધાના હાથપગ ઝલાઈ ગયા. નરસૈંયો તો પાણી વગર બેહોશ પડ્યો હતો, અવાચક બની ગયો હતો. રતને આવીને કહ્યું, ‘લો ભાઈ, લો ભક્તજી, પાણી પીવો.’ “આંખો ખોલીને એ શઠે પાણી પીધું. એણે કરેલું તે વખતનું હાસ્ય સૌનાં અંતર પર શારડી ફેરવી ગયું. ને ઝબકેલા સૌ ભાનમાં આવે તે પહેલાં તો રતન સૌની વચ્ચે થઈને બેધડક ચાલી ગઈ.” ચોકીદારોએ સામસામું જોયું. મોં વીલાં પડી ગયાં. ખડકીની પછીતે જુવાનો દોડીને જોઈ આવ્યા. ત્યાં તો કોઈ દ્વાર નહોતું. ઘરનું છાપરું કે ખપેડો ફાટેલ નહોતો. સૌનાં હૈયાં પર ધાક બેસી ગઈ. સૌના અવાજ ઊંડા ઊતરી ગયા. “ઘર ઉઘાડીને અંદર તો જુઓ!” પોહ ફાટવા પહેલાંની અંધારી વેળા હતી. રાત્રિના અંધકાર કરતાં પણ રાત સમેટાતી વેળાનો આ અંધકાર વધુ બિહામણો હતો. સૌએ એકબીજા સામે જોયું, પણ એકેય હાથ એ ખડકીની સાંકળ તરફ વળ્યો નહીં. ડાચાં સૌનાં ફાટેલાં હતાં. ચોકીદારો પોતે જ ચોરડાકુ જેવા બન્યા હતા. વિસર્જન થતી રાત તેમને ઝાલી લેશે, કે ચાલ્યો આવતો વિશ્વચોકિયાત સૂરજ તેમને કેદ કરશે!—બધા જાણે બેય બાજુએથી રૂંધાઈ રહ્યા હતા. “સૌ સાથે ખોલીએ.” એવી મસલત કરીને બધાએ સામટા વળી અધ્ધર શ્વાસે ખડકી તરફ પગ મૂક્યા. સામટા હાથે સાંકળ ઉઘાડી. અંદર જતાં પરસેવો છૂટી ગયો. અંદર ઘીનો દીવો બળે છે. ફૂલોની સુગંધ આવે છે. પરોઢનો વાયુ વીંઝણો ઢોળી રહેલ છે. અને શ્વાસોચ્છ્વાસ લીધા વગર પણ જાણે ગાઢ નીંદરમાં સૂતેલ છે રતનબાઈ નાગરાણીનું સુંદર ગૌર શરીર. પાસે પડી હતી એક પાણીથી ભરેલી ટબૂડી. “એ જ ટબૂડી ને એ જ લૂગડાં : અમે સૌએ ત્યાં જોયું.” થોડાક બોલી ઊઠ્યા, “ઊંઘે છે. આવીને ઘોંટી ગઈ લાગે છે.” “ઉઠાડશું?” “રતન! રતન! ઊઠ, એઈ ચોટ્ટી!” એક જણે અવાજ દીધો. રતનબાઈ તો એવી નીંદમાં પડી હતી, કે જેમાંથી કોઈ ન જગાડી શકે. “એલા ક્યાંઈક મરી ન ગઈ હોય. છેટા રહીએ. નાહક અત્યારમાં અભડાવું પડશે.” એમ કહી એક જણે સૌને દૂર ખસેડ્યા. થોડી વારે ઓરડામાં મૃત્યુની ટાઢાશ પ્રસરી વળી ને બીધેલા નાગરો બહાર નીકળી ગયા.

પ્રભાત થતાં થતાંમાં તો ઉપરકોટની દેવડી પર નાગરો, બ્રાહ્મણો, રજપૂતો, શૈવભક્તો ને અન્ય સંપ્રદાયીઓના સેંકડો લોકોની ભીડ મચી ગઈ. ચીસો પડી, રીડિયા ઊઠ્યા, દરવાજા બહાર ધસારા ચાલ્યા, બારણાં કડડવા લાગ્યાં. “શું છે આ ગોકીરો?” રા’ માંડળિકે જ્યારે પાસવાનોને પૂછ્યું ત્યારે એના શરીરમાં નસેનસો તૂટેલી હતી. એના મોં પરથી સ્વચ્છતાનો છેલ્લો છાંટો પણ ચાલ્યો ગયો હતો. એ જાણે અસલ હતો તે રા’ નહીં, પણ બીજો કોઈ વેશધારી રા’ લાગે. આગલા દિવસની સાંજ સુધી પણ જે વિભૂતિ એના ચહેરા ઉપર તરવરતી હતી તે એક જ રાતમાં અલોપ થઈ ગઈ હતી. આ એક જ રાતમાં એણે એવા કયા પાપની ઉપાસના કરી હતી! કયાં સ્મશાનચારી પ્રેતોની સાધના કરી હતી! એના જીવતરની આ ગઈ રાત કાળીચૌદશની રાત હતી. એના છેલ્લામાં છેલ્લા સંસ્કારને ઉતરડી લઈને આ રાત જાણે કોઈ બિલાડીની માફક એના ઓરડામાં લપાઈ બેઠી હતી. પણ ઉપરકોટ એ છૂપી વાતથી હજુ અજાણ હતો. “ગોકીરો શેનો છે?” “વસ્તી વીફરી ગઈ છે. ઉપરકોટ ઘેર્યો છે. મહારાજની પાસે ફરિયાદ છે.” “પણ આ ગામમાં ને બજારોમાં ફડાફડી શેની ચાલે છે? ઓ પણે ઢેડવાડો કળાય, તેમાં જઈને કોણ સોટા ચલાવી રહેલ છે? ઓ પેલા કૃષ્ણમંદિર પાસે આ બધા કોને પીટી રહ્યા છે?” રા’ માંડળિક પોતાના ઝરૂખા પરથી નગરનો મામલો નિહાળતો હતો. “મહારાજ! નરસૈંયાએ કેર કર્યો છે. ઢેડવાડે જઈ કાલ રાતે કીર્તનો કર્યાં છે, ને એની રખાત રતનબાઈનું રાતમાં ભેદી ખૂન થયું છે. શિવભક્તો ને રામભક્તો ગોપીભક્તો પર પીટ પાડી રહેલ છે. હુલ્લડ ફાટી નીકળ્યું છે. આપ જલદી લોકોને મોં બતાવો, ને નરસૈંયાને યોગ્ય દંડ થશે એવી ખાતરી કરાવો.” “વીસળ કામદાર ક્યાં મરી ગયો છે?” “મહારાજ, એને તો આપે જ કાલ પરગામ મોકલેલ છે, એ શું આપ ભૂલી ગયા?” એક અનુચરે રા’ સામે આંખની ઇશારત કરી. “હા—હા—ઠીક! હું તો ભૂલી જ ગયો. ભૂલી શકું તો—ભૂલવા મથું છું—ભૂલી શકીશ—નહીં ભુલાય!—” પોતે વીસળ કામદારને શા માટે બહારગામ મોકલ્યા હતા તેનું રા’ને ભાન થયું. રાત એને ઘેર ગુજારીને તો પોતે પ્રભાતે મહેલે આવ્યા હતા. “મહારાજ!” અનુચરો રા’ની વાણીનો મર્મ સમજતા હતા. તેમણે એ વાતને રોળીટોળી નાખવા કહ્યું, “દેકારો બોલે છે. હમણાં ઉપરકોટ ઠાંસોઠાંસ ભરાશે, ઝટ મોં બતાવો! નરસૈંયાને શિક્ષા કરવા લોકોને કોલ આપો.” “હું શા માટે?—હું નહીં—કુંતાદે મોં બતાવે ને! એ કોલ આપે ને! એણે જ પાખંડીને રક્ષ્યો છે. એને કહો, વસ્તીને જવાબ આપો—એને કહો—એ રૂપાળીને કહો—એ ભગતડીને કહો—હો-હો-હો!” “એને પણ આપે જાત્રાએ મોકલેલ છે,” અનુચરોએ રા’ને યાદ કરાવ્યું. “હા, યાદ આવ્યું; હું જાણું છું, એ તો ગયાં હશે દોંણેશરની જાત્રાએ—એના સગા પાસે. ભલે ગયાં. એ એને ઠેકાણે ગયાં, તો હું મારે ઠેકાણે કાં ન જાઉં?” કુંતાદે માટે રા’ના મોંમાંથી ગંધારા શબ્દો પ્રકટપણે તો પહેલી જ વાર નીકળ્યા. અનુચરો પણ આ હીણી વાણી સાંભળી ડઘાઈ ગયા. ત્યાં તો માણસોએ દરવાજેથી દોડતા આવી ખબર દીધા : “મહારાજ, જલદી કરો! નરસૈંયાને કેદ કરો!” “હા, સાચું. મેં નરસૈંયાને હજી નિહાળીને જોયો છે ક્યાં? એનાં ગીત સાંભળ્યાં છે ક્યાં? એનાં ચેટક જોયાં છે ક્યાં? હજી મારી તો મનની મનમાં રહી ગઈ છે. ચાલો, હું પ્રજાને ખાતરી આપું—પાકે પાકી—કે નરસૈંયાનાં રોનક તો હું જ હવે પૂરાં કરીશ. બોલાવો નરસૈંયાને!” રા’નું ડોકું જ્યારે ગોખની બહાર દેખાયું, ત્યારે ઉપરકોટના અંદરના વિશાળ ચોગાનમાં કિકિયારા કરતી ઠઠ હૂકળતી હતી, ને એ ઠાંસામાંથી એક ટોળું આગળ ધસી મોખરે આવવા મથતું હતું. ટોળું મોખરે આવ્યું ત્યારે એમની વચ્ચે એક માણસ હતો. એના શરીર પરની પોતડી અને ઉપરણી, એ બે પણ લીરેલીરા થઈ ચૂક્યાં છે : એના હેમવરણા દેહ પર માથાની ને કપાળની ફૂટમાંથી લોહીના રેગાડા ટપકે છે. “આ પાખંડી : આ મેલા મંત્રોનો સાધનારો : આ વ્યભિચારનો અખાડો ચલાવનારો : દંડ દ્યો, રા’! શિરચ્છેદ કરો, રાજા! નીકર ગિરનારનાં શૃંગો તૂટશે. ભૂકંપો થશે. દટ્ટણ પટ્ટણ થશે.” એક નગરજનનો ભૈરવી અવાજ આવા બોલ બોલતો હતો. “એને—” રા’એ ઊંચે ઝરૂખેથી હાથ હલાવ્યો. “બંદીગૃહે રાખો, કોટવાલ! એનો ન્યાય થશે. પ્રજા વિશ્વાસ રાખે.” એટલું બોલીને રા’ ઊભા રહ્યા. લોકમેદનીના હર્ષલલકાર ને ‘જય હો જૂનાના ધણીનો! જય હો શંભુના ગણનો!’ એવા જયજયકાર ગગનને વિદારી રહ્યા. રા’ સૌની સામે હસ્યો, એનું ડોકું ગોખમાંથી અદૃશ્ય થયું. નરસૈંયાએ ગોખ પરથી આંખો ઉપાડી લઈ, એથી થોડે દૂર દેખાતા બીજા એક શૂન્ય ગોખ પર મીટ માંડી… ત્યાંથી એની દૃષ્ટિ ઠરી રહી ગિરનારનાં એ શિખરો ઉપર, જે શિખરો ત્રણસો વર્ષ પર એક રાજરાણીને ઠપકે તૂટી ખાંગાં થયાં છે, ને આજ પણ એ ખાંગાં ચોસલાં, ગરવાના હૈયાફાટ વિલાપનાં થીજી ગયેલાં આંસુ સમાં પડેલાં છે. તે દિવસ બપોરની રાજકચેરી બેઠી. આખું જૂનાગઢ હલક્યું. રા’ માંડળિકને ન્યાયકામમાં મદદ આપવા પુરોહિતો ને નાગર ગૃહસ્થો બેઠા હતા. તેમણે સૌથી વધુ મહેનત કપાળનાં ત્રિપુંડો વગેરે તિલકો તાણવામાં લીધી હતી તે કળાઈ આવતું હતું. પ્રત્યેકના પોશાક અને લલાટમાંથી ધર્મ જાણે હાકોટા કરતો હતો. તેમના હાથમાં શાસ્ત્રોનાં મોટાં-નાનાં પોથાં હતાં. નરસૈંયાનો અપરાધ સાબિત કરવા તેમણે પ્રમાણો તૈયાર રાખ્યાં હતાં. બાકીની લોકમેદનીનો મોટો ભાગ રોનક માટે આવેલો હતો. તેમની અંદર વાતો થતી હતી : ‘હજુ કેટલીક વાર લાગશે? નરસૈંયાને હજુ લાવતા કેમ નથી? પહેલેથી આંહીં લાવ્યા હોત તો જરા ચેટક તો થાત. એને શું બંદીગૃહની અંદર જ પાછો લઈ જઈને શિરચ્છેદ કરશે? એ કરતાં બહાર મેદાનમાં કાળવા દરવાજે કરે તો કેવું સારું! …ના ભૈ ના, ગિરનાર દરવાજે જ વધુ સગવડ પડે; ખરું કહું તો એને ભૈરવજપ માથેથી જ પછાડવો જોઈએ એટલે ફોદેફોદા વેરાઈ જાય!… હવે ભૈ, તમેય કાંઈ સમજો નહીં ને? ભૈરવજપ ખવરાવે તો એને આવતે અવતારે રાજયોગ જ થાય ને.’ લોકમેદનીનો બીજો ભાગ વળી બીજું જ બોલતો હતો : ‘શું થવા બેઠું છે જૂનાગઢનું! ઓલી રતન એમ ને એમ મૂઈ એ બરાબર ન થયું : એને ભૂંડે હવાલે મારવી જોતી’તી : બેયને માથાં મૂંડી, ચૂનો ચોપડી, અવળા ગધેડે બેસાડી ગામમાં ફેરવવાં જોતા’તાં… ના ભૈ ના, એને બેઉને તો એક લોઢાનો થંભ ધગાવી બાથ ભિડાવવી જોતી’તી.’