લઘુ સિદ્ધાન્તવહી/સંપાદકીય લેખ : પ્રજવાલક
સંપાદકીય લેખ : પ્રજ્વાલક
સંપાદકીય લેખનો સંદર્ભ અહીં જો દૈનિકમાં રાજકીય, સામાજિક કે આર્થિક ટીપ્પણી માટે અને દિશાસૂચનો માટે લખાતાં તાત્કાલિક લખાણથી અલગ કરીને અને જો અન્ય વિષયના સામયિકના તંત્રીલેખોથી અલગ કરીને કેવળ સાહિત્યિક સામયિકના સંપાદકીય લેખ પૂરતો મૂકરર કરીએ તો કહી શકાય કે ગુજરાતી સાહિત્યમાં આજ સુધીનાં અનેક સાહિત્યિક સામયિકોમાં સંપાદકીય લેખો આવતા રહ્યા છતાં એનો રીતસરનો અભ્યાસ કે એનું ઝીણવટભર્યું વિશ્લેષણ આપણને હજી લગી મળતાં રહ્યાં નથી. કેટલાંક સાહિત્યિક સામયિકોએ સંપાદકીય લેખો કરવા અંગે પણ ખાસ્સા અખાડા કર્યાં છે. સંપાદકીય લેખ પરત્વે આપણું વલણ ઓછેવત્તે અંશે ઉપેક્ષિત રહ્યું છે અને તેથી ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ રચવા માટેની એક મૂલ્યવાન સામગ્રી ઉપલબ્ધ બની શકી નથી. ગુજરાતી સાહિત્યમાં આજ સુધીનાં પ્રકાશિત થતાં રહેલાં અલગ સાહિત્યિક સામયિકોના સંપાદકીય લેખોનું સર્વેક્ષણ તો વિશિષ્ટ પરિયોજના માગી લે તેવું છે. શોધપ્રબંધના બહુ સહેલા માર્ગોથી ગંભીરપણે પાછા વળીએ તો જ એ શક્ય છે. એ થાય ત્યારે ખરું. પણ સાહિત્યિક સંપાદકીય લેખનાં સ્વરૂપ અને કાર્ય અંગે પણ આપણે ત્યાં ઝાઝી વિચારણા થઈ નથી. ‘પરબ’ (માર્ચ ૧૯૯૫)માં કિશોર વ્યાસે ૧૯૯૪ના વર્ષના સાહિત્યિક સામયિકોને અનુલક્ષીને ‘સંપાદકીય લેખોને શું તાકવું છે?’ માં સંપાદકીય લેખો અંગે ચર્ચા કરી છે તો ‘પ્રત્યક્ષ’ (જુલાઈ-ડિસે. ૧૯૯૫)ના સામયિક-સંપાદક-વિશેષાંકમાં કેટલાક સંપાદકોએ પોતાની કેફિયતમાં ક્યારેક સંપાદકીય લેખો અંગે કેટલાક નિર્દેશો આપ્યા છે. આજે નવ્ય પત્રકારિતામાં વ્યક્તિત્વ પત્રકારિતા (Personality Journalism)ને આગળ કરાતું હોય ત્યારે સંપાદકના વ્યક્તિત્વના ભાગ રૂપે પ્રગટ થતા સાહિત્યિક સંપાદકીય લેખનું મહત્ત્વ સમજવું રહેશે. સંપાદકીય લેખ તંત્રીલેખ તંત્રીનોંધ કે અગ્રલેખ તરીકે પણ ઓળખાય છે. અને સામાન્ય રીતે એવું મનાય છે કે પોતાના અભિપ્રાયો કે પોતાના પ્રતિભાવો સંપાદક એમાં વ્યક્ત કરતો હોય છે. પણ એક રીતે જોઈએ તો આ સંપાદકીયપૃષ્ઠ (Editorial Page) સંપાદકનું મુદ્રાલેખન (Signature Writing) હોય છે. સાહિત્યના સામયિકનો સંપાદક સાહિત્યિક ઘટના, સાહિત્યિક સમસ્યાઓ, સાહિત્યિક વિવાદો, સાહિત્યિક વિરોધો, સાહિત્યિક સિદ્ધાંતો અને સાહિત્યિક પરિવર્તનો સહિતની સાહિત્યિક આબોહવાનો જાણકાર હોય એ આવશ્યક છે. કોઈપણ સાહિત્યિક સામયિક સાહિત્યિક આબોહવામાંથી જન્મે છે, સાહિત્યિક આબોહવા જન્માવે છે અને સાહિત્યિક આબોહવાને પ્રસરાવે છે. એટલે કે સંપાદકીય લેખ સાહિત્ય ચેતનાનું પરિમાપન છે. સંપાદકીય લેખ એક બાજુ દૂરદર્શકની માફક સાહિત્ય જગતમાં આવનારાં એંધાણને પકડે છે, તો બીજી બાજુ સૂક્ષ્મદર્શકની માફક સાહિત્યચિત્તમાં થતી નાનામાં નાની હલચલને નોંધે છે. સંપાદકીય લેખનું કાર્ય સૂત્રિત કરવાનું અને પ્રોત્સાહિત કરવાનું છે. સંપાદક આવતી સામગ્રીનો માત્ર નિષ્ક્રિય સંગ્રાહક કે વાહક નથી, સામગ્રીનો આહ્વાનક અને સંચાલક પણ છે. આથી જ ઘણીવાર સંપાદકીય લેખ એ સામયિકની સામગ્રીનો પ્રજ્વાલક (Igniter) બને છે. પરંતુ આવા સંપાદકીય લેખ માટે સંપાદકનાં ‘આંતરિક શ્રી અને શઉર’ મહત્ત્વનાં છે. સંપાદકની પ્રામાણિકતા, અધિકારિતા અને નીડરતા એમાં નિહિત છે. એની રસરુચિ, એની વિચારધારા, એનો અભિગમ, એની સંપન્નદૃષ્ટિનો એમાં વિનિયોગ છે. એમાંથી પ્રગટ થતાં સંપાદકનાં કદ અને સ્થાન સંપાદકીય લેખની મુખ્ય ધરી તરીકે કામ કરે છે. ‘સંસ્કૃતિ’ની ઉમાશંકર જોશીની સત્ત્વશાળી તંત્રીનોંધો, ‘પરબ’માં પચીસવર્ષ સુધી એકધારી જળવાયેલી ભોળાભાઈ પટેલની સંપાદકીય ઉત્સુકતા, ‘ફાર્બસ ત્રૈમાસિક’માં વાચનના પરિધિને વ્યાપક બનાવતાં મંજુબેન ઝવેરીનાં સંપાદકીય વિચારસૂત્રો, ‘કવિલોક’માં કવિતાનું પ્રશિક્ષણ આપતી ધીરુ પરીખનો સંપાદકીય ઊહાપોહ - આ બધાંનું એક મૂલ્ય છે, પરંતુ ‘ઉદ્દેશ’ના સંપાદકીય પૃષ્ઠના વિફળ રઝળપાટો, ‘શબ્દસૃષ્ટિ’ના સફળ સંપાદન અને સંપાદકીયનો વારંવાર વર્તાતો અભાવ તેમજ ‘બુદ્ધિપ્રકાશ’ની કેવળ ટૂંકીનોંધો બની રહેતી સંપાદકીય માહિતીઓ - આ બધાનો રંજ પણ છે. તો, ઘણાં સામયિકો તો સંપાદકીય વગર જ નભી રહ્યાં છે. કોઈપણ યુગની સાહિત્યિક આબોહવાને પામવા માટે સંપાદકીયો મૂલ્યવાન સામગ્રી છે, એ ભૂલ્યા વગર ગુજરાતી સાહિત્યનું આ ઉપેક્ષિત પાસું વધુ કાળજીપૂર્વકની માવજત પામે એ હવે જરૂરી છે.
●