લઘુ સિદ્ધાન્તવહી/સાહિત્ય પોતાનું મૂળ શોધવામાં પડ્યું છે.

૯૭

સાહિત્ય પોતાનું મૂળ શોધવામાં પડ્યું છે

૨૧મી સદીનું ગુજરાતી સાહિત્ય કેવું હશે કે પછી બીજી રીતે કહીએ તો ગુજરાતી સાહિત્યમાં ૨૧મી સદી કેવી હશે એ વરતારાનો વિષય છે. કોઈપણ વર્તમાનને ભૂતકાળનો વારસો અને ભવિષ્યની કલ્પના આકાર આપે છે. એટલે ભવિષ્યની કલ્પના કરવાનું ખોટું નથી, પણ એ કલ્પનાને કશો નક્કર આધાર આપવો જરૂરી છે, નહીં તો એ શેખચલ્લીનો તરંગ બનીને રહી જાય. ભૂતકાળ અને વર્તમાનમાં એવા કેટલાક અણસાર હોય છે કે, જેને ખપમાં લઈને ભવિષ્યની રૂપરેખાને વિકસાવી શકાય. ગુજરાતીમાં કહેવત છે કે, પુત્રનાં લક્ષણ પારણામાં અને વહુનાં લક્ષણ બારણામાં. તો, એવાં થોડાંક લક્ષણ હાથ આવે તો એને આધારે અટકળ કરવાની, ભવિષ્યને કલ્પવાની ખબર પડે. લાઓ ત્સુએ કહેલી વાત જાણીતી છે કે, આપણી હજારો માઈલની મુસાફરી એક ડગલાથી આરંભ થતી હોય છે. આ પહેલું ડગલું ઓળખવાનું છે. એ કઈ દિશામાં પડે છે, ક્યા પ્રકારે પડે છે એના પરથી પ્રવાસનું સ્વરૂપ નક્કી કરી શકાય. ટૂંકમાં આપણો ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ આપણને ભવિષ્યની ૨૧મી સદીની દિશાની થોડીક અટકળ આપી શકે. ગુજરાતી સાહિત્યે કહો કે, ગુજરાતી ભાષાએ પણ ઈ.સ. ૧૨૯૭માં અલાઉદીન ખીલજીએ ગુજરાત જીત્યું અને ગુજરાતમાં મુસલમાનોનો અમલ શરૂ થયો એ સાથે વિકસવાનું શરૂ કર્યું. ૭૫૦ વર્ષનો ગુજરાતી સાહિત્યનો મધ્યકાળનો ઇતિહાસ બતાવે છે કે, બહારના મુસલમાનોના આક્રમણને કારણે સાહિત્ય આંતરિક એકાગ્રતા તરફ વળી ગયું હતું. આથી જ ભક્તિ આંદોલનના વેગમાં ગુર્જરમાંથી ગુજરાતી દેશી ભાષાએ અને આપણી પ્રાદેશિક સંગીત પરંપરાની દેશીઓએ ખાસ્સો વિકાસ સાધ્યો. આ ધર્મભક્તિનો વેગ અર્વાચીનકાળમાં અંગ્રેજોના આક્રમણ સુધી ટક્યો. મુસલમાનોના આક્રમણથી આપણે આંતરિક એકાગ્રતા તરફ વળી ગયા હતા પણ અંગ્રેજો અને અંગ્રેજોની સંસ્કૃતિના આક્રમણ વખતે આપણે બાહ્ય એકાગ્રતા બતાવી. આપણું ધ્યાન બહાર અંગ્રેજી સાહિત્યના નમૂનાઓ તરફ વળી ગયું, તે ઠેઠ ગાંધી યુગ સુધી આપણે અંગ્રેજી સાહિત્યની અસર હેઠળ રહ્યાં. ગાંધી યુગમાં આપણે ફરી પ્રાદેશિક વિષયવસ્તુઓ અને બોલીઓ તરફ, આપણી ગ્રામીણ સંસ્કૃતિ તરફ, સ્વ-દેશી તરફ વળીને આંતરિક એકાગ્રતા બતાવી. આ આંતરિક એકાગ્રતા છેક સુરેશ જોષીના આધુનિકતાવાદી કાળના આગમનથી તૂટી અને ફરી આપણે યુરોપીય સાહિત્યના નમૂનાઓ તરફ આકર્ષાઈને બાહ્ય એકાગ્રતા તરફ વળ્યા. બોદલેર, લોર્કા, રિલ્કે, કામૂ, કાફકા આપણા આદર્શ બન્યા. આ ગાળો ૨૫ કે ૩૦ વર્ષ ચાલ્યો. હવે આધુનિકતાવાદનાં ઓસરતાં પાણી છે. આજે હવે આપણે દેશીવાદ તરફ આપણાં પોતાનાં મૂળિયા તરફ, દલિતો સહિત આપણી પોતાની ઓળખ તરફ પાછા વળી રહ્યા છીએ. આંતરિક એકાગ્રતા ભણી જઈ રહ્યા છીએ. આશ્ચર્યની વાત એ છે કે, વીજાણુ અને ઇન્ટરનેટની ક્રાંતિના યુગમાં જ્યારે વિશ્વ નાનું ને નાનું થતું આવે છે, વિશ્વકરણ વધુ ને વધુ વ્યાપક બનતું જાય છે. ઈન્ટરનેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓથી ચારેબાજુ વિશ્વ એક બનીને પારાવાર વિનિમય સાધી રહ્યું છે ત્યારે દરેક સાહિત્ય આજે પોતાનાં મૂળને પોતાના પ્રદેશને પોતાની ઓળખને શોધવામાં પડ્યું છે. એક બાજુ સપાટ વિશ્વસંસ્કૃતિનું આક્રમણ અને બીજી બાજુ નિજી સંસ્કૃતિનું સંરક્ષણ આવી બે વિરોધી ક્રિયાઓ એક સાથે ચાલી રહી છે. ટી.વી.ના આક્રમણને કારણે સાહિત્યના વાચકોનો પણ દિન પ્રતિદિન ખુડદો બોલી રહ્યો છે. એમની સંખ્યા પ્રમાણમાં ઘટતી જાય છે. એમના વાચનનો સમય સંકોચાતો જાય છે. હવે જોવાનું એ રહે છે કે, મૂળિયાંને શોધવાનો પ્રયત્ન કરતું પ્રાદેશિક ઝનૂન અને મૂળિયાંને ઘસી નાખતો વિશ્વકરણનો આતંક - આ બેના તુમુલમાંથી સાહિત્ય કઈ દિશામાં ફંટાય છે. કવિતાના ક્ષેત્રે અછાંદસ પ્રયોગ કે પ્રતિભા રહેવાને બદલે કેવળ સગવડ રૂપ બની ગયું એ વાત જાહેર છે. આ ઝાઝું હવે ઘણું ચાલે એવું લાગતું નથી. બીજી બાજુ, ગીત ગઝલનો ગૃહઉદ્યોગ એટલો ફાલ્યો છે કે, એનાથી વધુ જલદી ધરાઈ જવાનું થશે. આવે વખતે ચિનુ મોદીની છાંદસ દીર્ઘરચના ‘વિ-નાયક’ છાંદસ તરફની ગતિનો અને સિતાંશુ યશશ્ચંદ્રની ‘સિંહવાહિની સ્તોત્ર રચના આપણી દેશી તરફની ગતિનો અણસાર આપે છે. તો ત્રીજી બાજુ ટી.વી.ના આક્રમણથી દેશી તરફની ગતિનો અણસાર આપે છે. તો ત્રીજી બાજુ ટી.વી.ના આક્રમણથી મૌલિક અને પર્ફોમેટિવ કવિતા તરફની ગતિને કૃષ્ણ દવે જેવો કવિ સૂચવે છે. ભવિષ્યની કવિતા ટી.વી.ના દૃશ્ય માધ્યમથી ઓચાઈને મૂર્ત બનવાનું ટાળી વધુ અમૂર્ત બનવા તરફ આગળ વધે એવી પણ એક શક્યતા છે. છેલ્લાં કેટલાંક વખતથી નિબંધમાં વધેલી રુચિ અને આત્મકથા, જીવનકથાઓની થયેલી ભરમાર બતાવે છે કે, કલ્પના કરતાં દસ્તાવેજ તરફ આપણું આકર્ષણ વધ્યું છે. નવલકથા જેવો કાલ્પનિક પ્રકાર પણ વધુ ને વધુ દસ્તાવેજ તરફ ઢળ્યો છે. આજના ગતિગાંડા જીવનમાં એક મનુષ્યને બીજા મનુષ્યને મળવાનો ઝાઝો સમય નથી બચ્યો એટલું જ નહીં એના માર્ગમાં આવતા મનુષ્યને પણ મનુષ્ય સાધન ગણીને ચાલે છે. આવી પરિસ્થિતિમાં મનુષ્યને મનુષ્યની અંદર ડોકિયું કરાવનાર સાહિત્યમાં કુતૂહલ વધે એ સ્વાભાવિક છે. વાર્તા, આત્મકથા, જીવનકથા, નવલકથા વગેરેમાં દસ્તાવેજી સામગ્રીનો ઉપયોગ વધતો જવાનો એવું લાગે છે. વિવેચનમાં પણ આપણે આ છેડે કે પેલે છેડે રહ્યાં છીએ, એક છેડે વિવેચન લેખક, એનું જીવન, એનો સમય, એનો સમાજ વગેરે બાબતને ચર્ચતું સપાટી પર સાહિત્યકૃતિની અવગણના કરતું રહ્યું તો બીજે છેડે લેખક નહીં, વાચક નહીં, માત્ર સાહિત્યકૃતિ - એવો એકાંગી નિર્ણય કરીને સાહિત્યકૃતિની પ્રતિષ્ઠા કરવામાં, એની સાથે સંકળાયેલી ઘણી બધી મૂલ્યવાન સામગ્રીની અવગણના કરતું રહ્યું. જંગલ જોતાં ઝાડ ગુમાવ્યું અને ઝાડ જોતાં જંગલ ગુમાવ્યું - એવો આ ઘાટ છે. આ બંને યોગ્ય રીતે ધ્યાનમાં આવે એવો તરીકો વિવેચને હવે શોધવાનો રહેશે. વિવેચન કદાચ આ બેને સમતુલ કરવા તરફ વળે તો કંઈ કહેવાય નહીં. સાહિત્યનો ઇતિહાસ એક વાત સ્પષ્ટ બતાવે છે કે, સાહિત્યમાં કાં તો બહારથી આવતા અવરોધને કારણે હલચલ મચે છે, કાં તો પોતાની ઠેરની ઠેર પરિસ્થિતિથી કંટાળીને પોતામાંથી જ અવરોધ ઊભો ફરે છે. આ બેમાંથી સાહિત્ય કયું વલણ લેશે અને એ વલણથી કયું પરિણામ આવશે એ કહેવું મુશ્કેલ છે. છેવટે સાહિત્ય પણ એક જીવંત ક્રિયા છે. કોઈપણ જીવંતની પ્રકૃતિ અને પરિસ્થિતિ જાણી લીધા પછી પણ એ કઈ રીતે અને કઈ દિશામાં પ્રતિક્રિયા આપશે એનો વરતારો અઘરો છે.