લોકમાન્ય વાર્તાઓ/જિંદગી, જ્યાફત ને મોત!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જિંદગી, જ્યાફત ને મોત!

નેમો નોતરિયો આપણા રાષ્ટ્રોત્થાનના અર્વાચીનયુગમાં જન્મ્યો હોત તો એ રાષ્ટ્રસેવકનું નહીં તો નગરસેવકનું સ્થાન તો અવશ્ય પામી શક્યો હોત. નેમાની યાદમાં ભવ્ય નહીં તો સાધારણ નાનુંસરખું સ્મારક પણ થયું હોત. રાજકારણમાં એણે સક્રિય રસ લીધો હોત તો એ રાષ્ટ્રપતિ નહીં તો નગરપતિ તો સાવ સહેલાઈથી બની ગયો હોત. અને આજે અમારા નાગવડ ગામમાં નેમાની હયાતીનું કોઈ નામનિશાન નથી રહ્યું – એના નામનો નાનોસરખો પથરો પણ ક્યાંય શોધ્યો નથી જડતો – એના સ્થાને હમણાં જ રચાયેલી શહેરસુધરાઈએ આ સાચદિલ સેવકની પ્રતિમા ‘પબ્લિક ગાર્ડન’માં જરૂર બેસાડી હોત. પણ અફસોસ એટલો જ છે કે બોલતી ફિલ્મ – ટોકી બોલપટ -ની જેમ બોલતા સેવકોનો યુગ શરૂ થયો એ પહેલાંના જમાનામાં નેમો જન્મેલો, જીવેલો અને મરી પરવાયેલો. પરિણામે, આ મૂંગા સેવકની યાદ પણ આજે પેલી મૂંગી ફિલ્મોની પેઠે લોકહૃદયમાંથી સાવ ભૂંસાઈ ગઈ. નેમાની મુખ્ય કામગીરી હતી ઘેર ઘેર ફરીને જમણવારનાં નોતરાં આપવાની – શુભ તેમ જ અશુભ બન્ને પ્રસંગોનાં નોતરાં આપવાની. એની ‘નોતરિયા’ની શાખ પણ આ વિશિષ્ટ પ્રકારની કામગીરીને કારણે જ બંધાયેલી. જે જમાનામાં સુધારાનો પવન હજી વાયો નહોતો અને મોટા મોટા જમણવારો હજી ‘જંગલિયત’માં નહોતા ગણાતા, નાતવરાનાં જમણ લોકજીવનનાં મહત્ત્વનાં અંગ ગણાતાં એ વેળાના સમાજજીવનમાં નેમાનું સ્થાન કેવું અનિવાર્ય અને ઉપયોગી હશે એ હકીકત હવે આજે સહેલાઈથી નહીં સમજાય. નાનકડા ગામની નાનીસરખી જીવનવ્યવસ્થામાં નેમાનું સ્થાન નિશ્ચિત થઈ ચૂકેલું. અલબત્ત, એ સ્થાન બહુ મોટું કે મોભાદાર નહોતું છતાં ઉપયોગી અને અનિવાર્ય અવશ્ય હતું. નાતનો જમણવાર થવાનો હોય ત્યારે નેમાની સેવાઓ લેવી પડતી. નાતના પટેલની હાજરીમાં ગોરમહારાજ લાંબાલસ ટીપણા જેવો ખરડો તૈયાર કરે અને એમાં કોને કોને ઘેર નોતરાં દેવાનાં છે એની નામાવલિ લખે. બનતું એવું કે આવે પ્રસંગે નેમાની સલાહસૂચના ઘરધણીને બહુ ઉપયોગી થઈ પડતી. ગામમાં કોનું ઘર બંધ પડ્યું છે, કોણ બહારગામ ગયાં છે, કોને ઘેર પરગામથી મહીમહેમાન આવ્યા છે. નાતમાં કોનાં ઘર નવાં ઉમેરાયાં છે એ બહુમૂલ્ય બાતમીઓ નેમા પાસેથી મળી શકતી. એટલું જ નહીં, કોના ઘરમાં એક જ હાંડલે જમનાર ભાઈઓ લડીઝઘડીને નોખા થયા છે અને વહુવારુઓએ નવા ચૂલા માંડ્યા છે, એવી ઝીણી ઝીણી પણ જરૂરી વિગતો નેમાની જાણમાં જ હોય. પરિણામે નેમાનાં સૂચનો અનુસાર ઘણી વાર ગોરમહારાજ નોતરાના ખરડામાં સુધારાવધારા કરતા, નવસંસ્કરણ કરતા, કોઈ વાર પરિશિષ્ટરૂપે નવાં નામ પણ ઉમેરાતાં. આ ઉપરાંત, લાડવા કેટલી ગારીના બનાવવા એનો અંદાજ મેળવવા માટે પણ ઘરધણીએ નેમાને ‘કન્સલ્ટ’ કરવો પડતો. કેમ કે નેમો એક હરહંમેશ તાજું રહેતું વસ્તીપત્રક ગણાતો. કોને ઘેર કેટલો ‘વસ્તાર’ છે એનો છેલ્લામાં છેલ્લો આંકડો નેમાની જીભને ટેરવે જ હોય; એ તો ઠીક, પણ કોને ઘેરે નજદીકના ભવિષ્યમાં વસ્તીવધારો થવાનો છે એની નાજુક બાતમી પણ આ જાણકારની જાણ બહાર ન હોય. તેથી જ આવે પ્રસંગે નેમાનો યોગ્ય આદરસત્કાર થતો, એની કામગીરીની કદરબૂજ પણ થતી. જમણવાર હોય તે દિવસે સવારના પહોરમાં નાતપટેલ આવીને પોતાને જ હાથે નેમાને અસલ ‘મધરાસી’ની પોણા તાકાની પાઘડી બંધાવતા. ગોરમહારાજ નેમાના કોરા કપાળમાં ચાંદલો-ચોખા ચોડીને લાંબો લપસીંદર જેવડો ખરડો પકડાવી દેતા. સાપના કરંડિયા જેવી પાઘડીના સેંથકના આંટા નેમાના માથામાં ન સમાતાં થોડાક તો ગળામાં આવી પડતા. પરિણામે નેમાનો વેશ ઝંડાઝૂલણ જેવો બની રહેતો. ગામલોકો તો નેમાના આ વેશ પરથી જ સમજી જાય કે આજે ચકાચક છે – આજે પરબારા લાડવા પાક્યા છે. લાંબે લહેકે જમણવારની જાહેરાત કરતો નેમો શેરીમાંથી નીકળે ત્યારે એ દૃશ્ય જોવા જેવું બની રહેતું. નેમાની પાછળ પાછળ નાનાં ટાબરિયાંનું ટોળું ઘૂમતું. જે નાકામાં નેમો અને એની વાનરટોળી વળે એ નાકામાં લોકો એનું સ્વાગત કરતા, નેમો જમણવારના શુભ સમાચાર આપે એટલું જ નહીં, અર્વાચીન હોટલના બેરરની અદાથી મીઠાઈઓ અને ફરસાણોની યાદી પણ રજૂ કરે; ‘સવેજણ’ નોતરાનું ઇજન આપીને લાડવા, મેસૂબ ને મોહનથાળની માહિતી આપે; સાથે રાઇતું, ખમણઢોકળાંની વાનગીઓ વિશે પણ ખબર આપી દે. જમણવારનાં નોતરાં આપવામાં નેમો એટલો બધો ઉમંગ અને ઉત્સાહ બતાવતો એનું કારણ એ હતું કે નેમાને ખુદ જમણમાં – જમવામાં જીવંત રસ હતો. નેમાના મનમાં જમવું એટલે ‘જોંહટવું’ એવો વેઠિયો ખ્યાલ નહોતો. જીવનના સર્વ રસ એકઠા કરીને એ જમતો. નેમો જમવા બેઠો હોય ત્યારે એ દૃશ્ય જોવા કુતૂહલ પ્રિય લોકોનું ટોળું જામતું. નેમો દસ લાડવા ખાશે કે વીસ ઝાપટી જશે એ અંગે જોનારાઓ માંહોમાંહે શરત બકતા, ‘બીટ’ લગાવતા. અને બનતું એવું કે ભલભલા ‘બીટ’ બોલાવનારને માટે પણ નેમો અણધાર્યાં આશ્ચર્ય રજૂ કરતો. આનું કારણ એ હતું કે ખાવાની બાબતમાં નેમાને કોઈ પહોંચી શકે એમ નહોતું. અઢી શેર અડદિયા એ ઊભા ઊભા ખાઈ જતો, પાંચ શેર પકવાન કે દસ શેર દૂધપાક વગેરે ઉખાણાં સમી ઉક્તિઓ નેમા નોતરિયાના નામ સાથે સંકળાયેલી હતી. ગામનો એક મકરાણી પસાયતો ખાવાની બાબતમાં એક્કો હોવાની ડંફાસ માર્યા કરતો, એને પણ એક વાર નેમાએ ડબલ માવાના દૂધિયા પેંડા ખાવાની શરતમાં જ્યારે શિકસ્ત આપી ત્યાર પછી તો ખાવાની બાબતમાં નેમાની ખ્યાતિ ગામની સીમાઓ વળોટીને આખા પંથકમાં પહોંચી ગઈ હતી. આજુબાજુનાં દસવીસ ગામમાં તો કોઈનું ગજું નહોતું કે લાડુ ઝાપટવાની બાબતમાં નેમાના પેંગડામાં પગ ઘાલી શકે. નેમા નોતરિયાનું નામ પડે ને બે થાળી બરફી, ચાર થાળી ચૂરમાના લાડુ, દસ શેર દૂધપાક, બાર શેર બાસૂદી – એવા જથ્થાબંધ આહારના સૂચક પ્રાસાનુપ્રાસ જોડાવા માંડતા. ભોજનને ક્ષેત્રે નેમાએ વરસો સુધી જમાવેલી પ્રતિષ્ઠાએ અનેક ભયસૂચક વાયકાઓ પ્રચલિત કરી હતી. નેમો તો આખું કમંડળ દાળ ઊભો ઊભો પી જાય. બે ઘાણવા જલેબી ઊની ઊની ઝાપટી જાય. ઘારી તો જેટલી પીરસી હોય એટલીનો ઘાણ કાઢી નાખે. કથરોટ ભરીને ચૂરમું આરોગી જાય. એક વાર નેમાને શહેરમાં જવાનું થયેલું ત્યારે ‘જય ભવાની હિન્દુ લોજ’માં માલિકને બોકાસું બોલાવી દીધેલું. નેમાએ એકેક બટકે જ હજમ થઈ જાય એવા હળવાફૂલ ફૂલકા ઉપર એવો તો હાથ મારેલો કે વીશીવાળાને ત્રણ ત્રણ વાર રોટલીના લોટની કણક બાંધવી પડેલી! અને પછી પણ માલિક થાકી જઈને નેમાને હાથેપગે લાગેલો અને છૂટક ભાણાના વસૂલ લીધેલા પૈસા પાછા વાળેલા ત્યારે માંડ માંડ નેમાએ અરધો ભૂખ્યો રહીને ભાણા ઉપરથી ઊભા થવાની ઉદારતા બતાવેલી. આજીવન અવિવાહિત અને એકલપંડ નેમાએ આરંભેલી અન્નબ્રહ્મની આવી ઉગ્ર ઉપાસનાને ગામલોકો સહર્ષ પોષતા રહેલા એનું કારણ એ હતું કે બદલામાં નેમો નિ:સ્વાર્થ ભાવે ગામની અનેકવિધ સેવાઓ બજાવતો રહેલો. ‘સ્વયંસેવક’ શબ્દ અર્વાચીન પ્રયોગમાં યોજાયો એ પહેલાંથી જ નેમો ગામના એક સાચા સ્વયંસેવક તરીકે કામ કરતો. આમ તો એ એકાકી આદમી પોતાનું નાનકડું ઘર હોવા છતાં શ્રાવક લોકોના અપાસરામાં પડ્યો રહેતો. પણ નેમાનું સેવાક્ષેત્ર કોઈ એક કોમ કે સંપ્રદાયમાં સીમિત નહોતું રહેતું. અપાસરામાં ઝાડાંઝપટાં કાઢતો, સાધુમહારાજોની શુશ્રૂષા કરતો, મુનિ લોકો પગપાળા વિહાર કરે ત્યારે એમનાં પોથાં-થોથાં ને પાતરાં ઉપાડીને નેમો ભોમિયાની તેમ જ વોળાવિયાની બેવડી કામગીરી બજાવતો. પણ નેમાએ તો પોતાના સર્વધર્મસમભાવને પરિણામે એક પ્રકારનું ‘કોસ્મોપોલિટન’ વ્યક્તિત્વ કેળવેલું. એ તો સ્વામીનારાયણ સંપ્રદાયના પાળાઓની પણ એટલી જ સેવાચાકરી કરતો. વૈષ્ણવોના મહારાજ આવે ત્યારે જુદા જુદા ભગવતીઓને ઘેરે લાલજીની પધરામણી કરાવવામાં પણ આ માણસ માર્ગદર્શક બની રહેતો અને એવે પ્રસંગે નેમો મહારાજના છડીદારો અને મશાલચીઓથી પણ મોખરે ચાલતો. સાચી વાત તો એ હતી કે સેવાકાર્યો નેમાએ શોધવા જવાં ન પડતાં. સેવાકાર્યો પોતે જ સામેથી નેમાને શોધતાં આવતાં. નેમો પારકી છઠ્ઠીનો જાગતલ હતો, કાળી રાતે કોઈ કામ ચીંધે – અરે, અરધું ચીંધ્યું હોય તો નેમો ઉમંગભેર આખું કરી આપતો. ગોરજ ટાણે ધણ ગામમાં ગરી ગયાં હોય ને કોઈનું પાડરું ખીલે ન આવ્યું હોય તો નેમો વગડો વીંધીને ગોતી લાવી આપે. ચોમાસું ધાર્યા કરતાં વહેલું બેસી જાય ને કોઈ રાંડીરાંડનું ખોરડું ચાળ્યા વિનાનું રહી ગયું હોય તો અનરાધાર વરસાદમાં પણ નેમો છાપરે ચડીને નળિયાં ગોઠવવા મંડી પડે ને ચુવાક બંધ કરી આપે. નદીમાં પૂર આવે ત્યારે એમાં કોઈનું ઢોર તણાય તો નેમો ઘોડાપૂરમાં ખાબકીને જનાવરને ખેંચી લાવે. ગામમાં કોઈ સાજુંમાંદુ હોય તો નેમો વગર કહ્યે સારવારમાં હાજર હોય જ. કોઈને ત્યાં ઘર ઊઠ્યું માણસ ન હોય તો વહુદીકરીને ઉપરગામ તેડવામેલવા જવાનું કામ પણ નેમાભાઈને સોંપાતું. આ ગરીબ માણસ આઠેય અંગે એવો તો ચોખ્ખો કે ગામનાં આબાલવુદ્ધ સૌને એના ઉપર ભારોભાર ભરોંસો. અનેક કોમમાં અનેક વાર આણાંપરિયાણાંનાં કામ નેમાએ રંગેચંગે પતાવેલાં. નેમાને ભરોંસે સૂંડલો એક સોનું હોય તો પણ સોંપનારના પેટનું પાણી ન હાલે. નેમાનાં પરચૂરણ નાનાંમોટાં સેવાકાર્યો તો પાર વિનાનાં હતાં. કોઈને અંતરિયાળ ખેપિયાની જરૂર પડે ને નેમો ખડિયો નાખીને નીકળી પડે. બહારગામથી વૈદ્યને બોલાવવો હોય કે કાંઈ દવાદારૂ લાવવાનાં હોય તો નેમાને દોડાવવામાં આવે. અને નેમાની ચાલ પણ એવી ઉતાવળી કે એ પડછંદ આદમી મોટી મોટી ડાંફે પગલાં ભરતો હોય ત્યારે જાણે કે પવનમાં ઊડતો લાગે. કાળી રાતે ગમે ત્યાં જવાનું કહો, નેમો કદી ના પાડે જ નહીં. એક વાર સોનીના છોકરાને સરપ કરડેલો અને ગાડાની જોગવાઈ જલદી થઈ ન શકેલી ત્યારે નેમો છોકરાને ખંધોલે બેસાડીને દોડતો વાછરાદાદાને થાનકે લઈ ગયેલો અને સરપ ઉતરાવીને પૂરા પંદર ગાઉનો પલ્લો કાપીને રાતોરાત પાછો વળેલો. સામા માણસને ઉપયોગી થઈ પડવાની આ સુવાસને પરિણામે નેમો સ્ત્રીવર્ગોમાં તો બહુ જ માનીતો થઈ પડેલો. એ અવિવાહિત હતો છતાં ઉમ્મરમાં બહુ મોટો હોવાને કારણે ગામની નાનકડી વહુવારુઓને એની ઔપચારિક લાજ કાઢવી પડતી. પણ એ લાજના ઘૂમટામાંથી ‘નેમાજેઠ’ને નાનામોટા હુકમો છોડવામાં સ્ત્રીવર્ગને કદી સંકોચ ન થતો. છોકરાને આંગળીએ વળગાડીને દેવદર્શને કે પાણીશેરડે જતાં વહુવારુનું છોકરું કથળી પડે તો નેમાને જોઈને એ બેધડક ફરમાવે: ‘નેમાજેઠ! આ ભનકાને જરાક કાખમાં તેડી લેશો?’ નેમાને આવાં કામમાં જરાય નાનમ નહીં. એ તો ‘હં…અં…ને વવ,’ કરતોકને છોકરાને કાખમાં લઈને કાલીઘેલી બોલીમાં એને રમાડતો રમાડતો ઘર લાગી પહોંચાડી પણ દે. વસ્તારી ઘરનાં લૂગડાં ધોવાની સામટી ધોણ્ય કાઢવાની હોય ત્યારે વહુવારુઓ નેમાની મદદ માગે. પાદરના કૂવાને કાંઠે નહાતાં નહતાં કોઈનો કળશિયો કૂવામાં પડી જાય તો નમો કછોટો મારીને કૂવામાં ખાબકે ને કળશિયો કાઢી આપે. એક વાર તો કાંઠે કપડાં ધોતી કોઈ બાઈની બાવડાસાંકળી કૂવામાં સરી પડેલી એ શોધવા માટે નેમાએ આખા કૂવાનો કાદવ ડખોળી કાઢેલો. આવા અકિંચન છતાં આત્મસંતુષ્ટ નેમાને જિંદગીમાં એક જ અબળખા હતી – નાગવડ ગામની ધરતીમાં જ મૃત્યુ પામવાની અને નાગવડના મસાણમાં જ અગ્નિદાહ પામવાની. આવી અબળખાનું કારણ હતું: નાગવડના એ કાળાભઠ પતરાંના બનેલા મસાણ સાથે નેમાને નિકટનો નાતો બંધાઈ ગયો હતો. નેમાની જીવનશૈલી એવી હતી કે સારે પ્રસંગે તેમ માઠે પ્રસંગે પણ એ સરખી જ સેવા બજાવતો. જેટલો જીવંત રસ એને વરઘોડા-ફૂલેકામાં હતો એટલો જ – બલકે એથી અદકો – રસ એને સ્માશાનયાત્રામાંય હતો. નેમાને મન માતમ કે અવલમંજલનું મહત્ત્વ વિવાહવાજન કરતાં જરાય કમ નહોતું. તેથી જ, ગામમાં થતા એકેએક મરણ પ્રસંગે નેમો કોઈ સમ્યક્દર્શી દાર્શનિકની પેઠે સ્મશાનમાં હાજર રહેતો – પછી એ મૃત્યુ શ્રીમંત શેઠિયાનું હોય કે કોઈ મુફલિસ માણસનું હોય. કોઈ પણ નનામીને નેમાએ કાંધ ન આપી હોય એવો બનાવ જાણમાં નહોતો. કોઈ એકલદોકલે જેવા માણસને ઘેર મરણ થયું હોય તો નેમો એમને નિસરણી લાવી આપે, ચાર કાંધિયા ભેગા કરી આપે. મરનારને ખાંપણના વાંધા હોય તો ખાંપણિયાની દુકાનેથી પીળે પાને ખાંપણ લખાવી લાવે, કોઈ ઘસાઈ ગયેલો હાથ ન પહોંચતો હોય તો અગ્નિદાહ માટેનાં લાકડાં પણ પાંજરાપોળમાંથી પરબારાં અપાવે. નેમાની અનેકવિધ આવડતોમાં નનામી મજબૂત રીતે બાંધવાની અને મસાણમાં સિફતપૂર્વક ઇંધણાં ગોઠવવાની આવડત પણ જાણીતી હતી. જે સ્વસ્થતાથી એ મહાજનવાડીના રસોડાની મેશ ખાઈખાઈને કાળી પડી ગયેલી દીવાલો વચ્ચે કામ કરતો એ જ સ્વસ્થતાથી એ મસાણની કાળીભઠ છાપરી તળે ચિતામાં ઇંધણાં ઓરતો. કોઈ વાર લાંબા સળિયા વડે લાકડાં આઘાંપાછાં કરતી વેળા નેમો હાજર રહેલાઓને ટકોર પણ કરતો: ‘આ હું ગામ આખાની પળોજણ કરું છું તો મને પણ સરખું કરીને દેત દેજો ભલા થઈને.’ ઉત્તરાવસ્થામાં તો નેમો વારંવાર આવી ટકોર કર્યા કરતો. કોઈનું ફરમાસું કામ મફત કરી આપે પછી કહેતો: ‘એલા, મારી પાસે આવી વેઠ કરાવી છે, પણ હું મરી જાઉં તંયે આભડવા આવવાનું ભૂલજે મા.’ કોઈ યુવાનની મશ્કરી પણ એ કરતો: ‘તારા દાદાની નનામીને મેં કાંધ દીધી છે તો તું પણ મને કાંધ દેવા આવજે.’ વૃદ્ધાવસ્થામાં પણ નેમો કડેધડે હતો છતાં એના મનમાં ભય પેસી ગયેલો કે હવે હું લાંબું નહીં જીવું. આડોશીપાડોશીને પોતાની અંત્યેષ્ટિક્રિયા અંગે એ ઝીણાંમોટાં સૂચનો આપ્યા કરતો. પોતાની પાછળ ક્રિયા કરનાર કોઈ માણસ નહોતું એટલે રખેને પોતે યોગ્ય સંસ્કારથી વંચિત રહી જાય એ બીકે બધી વિગતવાર સલાહ આપી રાખી હતી. સાચી વાત એ હતી કે નેમાને મોતનો બહુ ભય નહોતો – એમ તો સાઠીએ પહોંચ્યા છતાં એને નખમાંય રોગ નહોતો. હજી પણ કંદોઈની હાટે ઊભો ઊભો અઢી શેર અડદિયાની શરતો માર્યા કરતો. એવે પ્રસંગે સામો માણસ ભય બતાવતો કે ‘અડદિયો ગળામાં ડસકાશે તો ઊકલી જઈશ,’ ત્યારે નેમો સામું રોકડું પરખાવતો કે, ‘હજી તો તારા જેવા કેટલાયના દાડાના લાડવા ખાધા પછી હું જઈશ…’ નેમાને સાચો ભય તો, કેવા સંજોગોમાં મૃત્યુ થશે, મૃત્યુ પછી શબની શી વલે થશે એ અંગેનો હતો. એ ભય નિવારવા માટે નેમો રાતદિવસ પ્રયત્નશીલ રહેતો. હવેલીના મુખિયાજી પાસેથી જમનાજીનાં પવિત્રોદકની લોટી લાવી રાખેલી ને ગોખલામાં ગૌછાણ વડે એ છાંદી મૂકેલી, અને આ હકીકત એણે અરધા ગામને તો કહી રાખેલી, જેથી છેલ્લી ઘડીએ જલપાન કરાવવા સરતચૂક ન થાય. ‘મને શ્વાસ ઊપડે કે તરત જ બે ટીપાં જમનાજીનાં મોઢામાં મેલી દેજો,’ નેમો ફરીફરીને કીધા કરતો: ‘નહિતર મારી ગત નહીં થાય.’ ‘એલા, પણ ગામને લાડવા જમાડ્યા વિના તારી ગત ક્યાંથી થશે?’ લોકો સામી મશ્કરી કરતા. લોકો તો ટીખળમાં આવું સૂચન કરતા પણ નેમાને એ ટીખળમાં પણ ઘણું તથ્ય લાગ્યું. વાત ગળે ઊતરી ગઈ. મેં જિંદગી આખી ગામનાં જમણ જમીને માથે ‘રણ’ વધાર્યું છે એનું સાટું વાળ્યા વિના જાઉં તો મારી સદ્ગતિ ક્યાંથી થાય? અને એક સવારે નેમો હાથમાં નોતરાનો ખરડો લઈને નીકળી પડ્યો. અને એ જ લાક્ષણિક લયમંજુલ લલકારથી ઘેર ઘેર નોતરાં દેવા લાગ્યો: ‘સાંજે માજનવાડીમાં સવેજણ નોતરું છે.’ ‘એલા પણ કોના ઘરનું?’ લોકો પૂછતા. ‘નેમિદાસ દેવશીના ઘરનું.’ ‘નેમિદાસ દેવશી વળી કોણ?’ પૃચ્છકોને વધારે કુતૂહલ થતું. નેમીદાસ જેવો, બોલતાં મોઢું ભરાઈ જાય એવો, માનાર્થ શબ્દપ્રયોગ નેમા નોતરિયા માટે સ્વીકારવા લોકા તૈયાર નહોતા. ‘નેમિદાસ દેવશી હું પોતે.’ ‘તારા ઘરનું નોતરું શેનું? આ ઘરડે ઘડપણ તને વળી લગન કરવાનું સૂઝ્યું?’ ‘લગનનું નોતરું નથી, મારા કારજનું છે.’ નેમો શૂન્ય ચહેરે પણ સ્વસ્થતાથી ઉત્તર આપતો. ‘તારું કારજ? તું તો હજી જીવતો છે ને તારું કારજ?’ ‘હા. જીવતે જગતિયું કરું છું.’ અને નેમાએ જિંદગી આખીમાં જે કાંઈ ચપટી મૂઠી ભેગું કરેલું એ વાપરીને જીવતે જગતિયું કરી નાખ્યું. માથેથી ઋણ ઉતારવાની ભાવનાથી એણે હોંશે હોંશે આ જમણવાર કર્યો, પોતે જ હોંશે હોંશે સૌને લાડવા પીરસ્યા અને પંગત જમતી હતી ત્યાં જ નેમાએ ગંભીર અવાજે જાહેરાત કરી: ‘મને મસાણ મેલવા આવવાનું પણ સહુને સવેજણ નોતરું અટાણથી આપી રાખું છું. સવેજણ આભડવા આવજો.’ ‘એલા આભડણાનુંય નોતરું?’ ‘ને એય પાછું સવેજણ?’ લોકો ખડખડાટ હસી પડ્યા. પંગત જમી રહી પછી નેમાએ એંઠવાડમાંથી લાડવાની બટકી લઈને મોઢામાં મૂકી. આ રીતે મહાજનની એંઠ વાંદીને પછી વાડીને દરવાજે એ ઊભો રહ્યો ને જમીને પસાર થનાર નાનાંમોટાં સૌની સાથે માફામાફ કરી લીધા. ‘મહાજન તો માબાપ છે, હું તો રાંકના પગની રજ છું.’ એમ કહીને નેમાએ સૌની સાથે જીવ્યા-મૂવાના જુહાર પણ કરી લીધા. ‘એલા! તું તો હજી બીજાં સાઠ કાઢી નાખો એવો કડેધડે છો, ને અટાણથી જીવ્યામૂવાના જુહાર શેના કરે છે?’ કોઈ કોઈ માણસ નેમાને ઠપકો પણ આપતા. નેમો જવાબમાં કહેતો: ‘ના, ના. મારે એટલું બધું જીવીને કાયાને કષ્ટ નથી દેવું. ટાણાસર મરી જવામાં જ મજા છે.’ ટાણાસર મરી જવાની મજા વર્ણવતી વેળા અભણ નેમાને ખ્યાલ પણ નહોતો કે પોતે અજાણતાં જ જર્મન ફિલસૂફ નિત્શેની ફિલસૂફીનો પડઘો પાડી રહ્યો છે. જીવતાં જ જગતિયું કરીને નેમાએ જિંદગીની કમાણીના સરવાળા- બાદબાકી કરી જોયાં તો જણાયું કે હજી નાનીસરખી રોકડ રકમ વધે છે. એ રકમના ઉપયોગની યોજના પણ એણે તુરત વિચારી કાઢી. અને નગરશેઠને ચોપડે એ રોકડ જમા કરાવી દીધી. નેમાના મૃત્યુ પછી મસાણની છાપરીનાં સડેલાં પતરાં દૂર કરીને એની જગ્યાએ પાકું ચણતર કરાવવામાં એ રકમ વાપરવાની નેમાએ જાહેરાત કરી. અને ફરી ગામનાં માણસોને ખડખડાટ હસવાનું મળ્યું. સ્મારકો રચવાની અર્વાચીન ફેશન જ્યારે અસ્તિત્વમાં નહોતી ત્યારે આવા વિચિત્ર સ્મારકની યોજના સાંભળીને ગામલોકોએ પેટ ભરીને નેમાની મશ્કરી કરી. પણ નેમાને આવી મશ્કરીની પડી નહોતી, એ તો પોતાની એ અબળખા હવે પૂરી થશે – એક તો, નાગવડ ગામનાં સ્મશાનમાં જ અગ્નિદાહ પામવાની અને બીજી, પોતાની પાછળ સ્મશાનભૂમિનું પાકા પાણાનું ચણતર થશે – એ જાણીને ઊંડો આત્મસંતોષ અનુભવતો હતો. પણ બિચારા નેમાના નસીબમાં આ બેમાંથી એકેય અબળખા પૂરી થવાનું લખાયું નહીં હોય. બન્યું એવું કે નેમાની પાડોશમાં એક કણબીના છોકરાને ટાઢિયો તાવ લાગુ પડેલો. બેત્રણ મહિના સુધી ઘરમેળે અને પછી ગામના દેશી વૈદ્યનાં દવાદારૂ કરવા છતાં તાવ હાડમાંથી ખસતો ન હતો. છોકરાને હાડકેહાડકું ગાળી નાખે એવી જે સખત ટાઢ આવ્યા કરતી એ જોઈને આખરે વૈદ્યે પણ હાથ ધોઈ નાખ્યા ને કહ્યું કે હવે તો આને ‘કોયલાન’ આપો તો જ ફેર પડે. પણ ક્વિનાઇના તો આ નાનકડા ગામમાં અઠવાડિયે બે બાર શહેરમાંથી ટપાલ વહેંચવા આવનાર પોસ્ટમેન પાસેથી જ મળી શકે. અને હલકારો કહ્યા કરતો હતો કે, ‘હમણાં હાફિસમાં કોયલાન ખલાસ થઈ ગયું છે ને નવું આવશે ત્યારે મળશે.’ આ સાંભળીને નેમાનો જીવ ઝાલ્યો ન રહ્યો ને એ તો, વૃદ્ધાવસ્થામાં હવે આવા ધોડા ન કરવા એવી સલાહને અવગણીને પણ ઊપડ્યો, ‘કોયલાન’ લેવા શહેરની ઇસ્પિતાલે. ઇસ્પિતાલમાંથી ક્વિનાઇનનાં પડીકાં બંધાવીને પછી બજાર વીંધીને પાછો નાગવડ આવવા નીકળતો હતો ત્યાં એક હાટડીએથી બૂમ પડી: ‘એલા નેમા! આવી ગયો છે ને? ઠીક મોકાસર હાજર થઈ ગયો!’ નેમો ઊભો રહ્યો. પેલા દુકાનદારને ઘેરે આજ લગનનો જમણવાર હતો. નેમાને આજે જમવાનું ઇજન મળ્યું. ‘પણ મારે તો આ દવા લઈને ઝટ નાગવડ પહોંચવું છે.’ ‘જરાક મોડો જાજે. ઘડીકમાં શું બગડી જવાનું હતું?’ યજમાનનો બહુ આગ્રહ જોઇને નેમો જમવા રોકાયો. પણ એનો જીવ તો, સાથે લીધેલું ક્વિનાઇન ઝટ ઝટ પેલા કણબીના છોકરાને પહોંચાડવામાં જ હતો. વૈશાખ મહિનાના તડકા આકરા પડતા હતા એ કારણે પણ નેમો પગબળણું થાય તે પહેલાં નાગવડ ભેગો થઈ જવા માગતો હતો. પણ નાતનું જમણ એટલે એક પછી એક ઝઘડાની પતાવટમાં જમવાનું બહુ મોડું પીરસાયું. અને પીરસાયું એ પછી નેમાને જમવામાં બહુ વધારે વાર લાગી. નેમાની ભૂતકાલીન કારકિર્દીની યાદ પરથી યજમાનો તાણ કરીકરીને નેમાની થાળીમાં લાડવા નાખવા લાગ્યા. નેમાએ યજમાનોને બહુ બહુ વીનવ્યા કે હવે લાડવાને ચડસે ચડવાની મારી ઉમ્મર નથી, પણ ઉત્સાહી યજમાનો એક પણ બહાનું સ્વીકારવા તૈયાર નહોતા. એમણે તો નેમાની થાળીમાં લાડવાનો મારો ચાલુ જ રાખ્યો. નેમો ‘હવે હાંઉં કરો!’, ‘હવે હાંઉં કરો’, એમ કીધા કરે પણ સાંભળે જ કોણ? આખરે થાકી જઈને નેમાએ થાળી જ ઉપાડી લીધી. છતાં યજમાનો થાક્યા નહીં. એમણે તો કાંડાં મરડી નેમાના મોઢામાં ગોફણિયા ખોસવા માંડ્યા. મોંફાડમાં લાડવાનો ડાટો દેવાઈ જાય એટલે નેમો મૂંગો થઈ જાય – થઈ જવું પડે – અને પછી તો મૂંગા મૂંગા જ ધીમે ધીમે લાકડશાહી લાડવો ગળે ઉતારવો પડે. માંડ માંડ લોચા ગળે ઊતરે ને જીભ છૂટી થાય અને નેમો ‘હવે હાંઉં કરો, બાપલા’, એમ બોલવા જાય ત્યાં તો મોઢાના ગોખલામાં બીજા ગોફણિયાનો દાટો દેવાઈ જ ગયો હોય. અને તુરત છોકરાંઓની ભૂંજર તરફથી તાળીઓના ગડગડાટ સંભળાયા જ હોય. લાડવા ખાઈખાઈને નેમાને નાકે દમ આવ્યો. લોકોને મન તમાસો થતો હતો પણ નેમાનો જીવ જતો હતો, નેમાનો શ્વાસ મૂંઝાતો હતો. લાડવે લાડવે તાળીઓના ગડગડાટ થતા હતા. અને હરેક લાડવે નેમાના જીવને ગભરામણ થતી હતી. આખરે આ ગભરામણ બેહદ વધી ગઈ ત્યારે તો નેમો મોંફાડમાં લાડવા સોતો ઊભો થઈ ગયો અને મહાજનવાડીમાંથી બહાર નીકળી જવા માટે બારણા તરફ ધસ્યો. પણ અહીં તો તરવરિયા જુવાનોએ નાકાબંધી કરી હતી. જુવાનિયાઓએ વૃદ્ધ નેમાને બાવડેથી ઝાલીને રોકી રાખ્યો. મોંફાડમાં ઠસકાઈ ગયેલ લાડવો ગળી જવાની ફરજ પાડી. અને ‘હવે તો મને નીકળવા દિયો ભાઈશા’બ!’ કહેવા એના હોઠ ઊઘડ્યા કે તરત એમાં ગોલંદાજોએ બીજો ગોફણિયો ગોઠવી દીધો! હવે નેમો જીવ પર આવ્યો. બધું ઝનૂન એકઠું કરીને એણે જુવાનિયાઓને ધક્કો માર્યો અને એમાંથી મારગ કરીને એ છટક્યો. જુવાનિયાઓએ નેમાનો પીછો પકડ્યો. પણ જીવ બચાવીને છટકેલો નેમો એટલી તો ઝડપથી ગામના દરવાજા ભણી દોડતો હતો કે કોઈ એને આંબી શક્યું નહીં. માથે મોટું ફીંડલ પાઘડું, મોઢામાં તોપમાં ધરબાયેલા બમગોલા જેવો લાડવો અને ઉઘાડે પગે ઊભી બજારે દોડી રહેલા આ આદમીને જોઈને દુકાનદારો દુકાનને થડેથી ઊભા થઈ ગયા ને હરાયા ઢોર જેવા માણસની પાછળ મશ્કરીમાં હુરિયો બોલાવ્યો. તોફાની છોકરાંઓની ભૂંજર તો નેમાની પાછળ પડીને પાણાવાળી કર્યા કરતી હતી. પાદરથી ઠેડ સીમ સુધી છોકરાંઓએ નેમાનો પીછો પકડ્યો. આગળ નેમો ને પાછળ છોકરાંઓની ઘીંઘ. નેમો ફૂલેલાં ગલોફાંમાંનો લાડવો ધીમે ધીમે ચાવીને ગળે ઉતારતો જાય, પાછળ પીઠ પર પથરાબાજી થતી જાય, છતાં નેમો તો હાંફતો હાંફતો પણ હરણફાળે દોડતો જ જાય. આખરે નેમો ગાડામારગ છોડીને આડેધડે ઊતરી પડ્યો ત્યારે છોકરાં થાક્યાં, નેમો નહોતો થાક્યો. છાતીમાં શ્વાસ તો ધમણની પેઠે ચાલતો હતો પણ દવાખાનેથી માંડ માંડ મેળવેલી દવા પેલા કણબીના છોકરાને ટાણસર પહોંચાડવાની હોવાથી પોરો ખાવાનું એને પાલવે એમ નહોતું. છોકરાંની ઘીંઘ થાકીને પાછી વળી અને પથરાબાજી બંધ થઈ પછી નેમો નચિંત બન્યો. મોઢામાં ઠાંસેલો લાડવો હવે નિરાંતે ચાવવા માંડ્યો ત્યાં તો બે જડબાં વચ્ચે કચડડાટી બોલી. નેમાને નવાઈ લાગી. કશીક ભારે નક્કર ચીજ ચવાતી લાગતાં આંગળી નાખીને એ મોઢામાંથી બહાર કાઢી જોઈ ત્યારે ખબર પડી કે એ તો પેઢામાંથી ઊખડી ગયેલો ખીલડો દાંત હતો! મહાજનવાડીનાં બારણાં પાસે જુવાનિયાઓએ એક દાંત જડમૂળમાંથી ઊખેડી નાખેલો. પેઢામાંથી લોહી વહેતું હતું પણ એ વેદનાની પરવા કર્યા વિના નેમો તો આડેધડ દોડતો જ રહ્યો. આકરા તડકામાં નેમો દિશાશૂન્ય થઈ ગયો હતો. ચારે કોર વગડામાં ઊની ઊની લૂ વરસતી હતી. ઝાડવાં પરથી પંખી શેકાઈને ખરી પડે એવો અંગારા જેવો વાયરો ફૂંકાતો હતો. ચારે દિશાએ દૂર દૂર સુધી એકસરખાં ઝાંઝવાં દેખાતાં હતાં. અને એવામાં નેમાને પાણીની તરસ લાગી. ગળે શોષ પડ્યો. અને એ આંખ મીંચીને ઝાંઝવાંની દિશામાં દોડ્યો. કેટલી વાર સુધી દોડ્યા કર્યું એનું નેમાને ભાન ન રહ્યું. કઈ દિશામાં પોતે આડેધડ ઊતરી રહ્યો છે એનો પણ ખ્યાલ ન રહ્યો. એનું મગજ તો કામ કરતું જ નહોતું. માત્ર પગ આપમેળે આગળ વધી રહ્યા હતા. આખરે એ એક વાડીએ આવી પહોંચ્યો. પણ સાં’તી તો ક્યારના છૂટી ગયેલા એટલે કોસ ચાલતો નહોતો. ‘પાણી! પાણી!’ પોકાર સાંભળીને ચાસટિયે સૂતેલો કોસિયો જાગી ઊઠ્યો. કોઈ વટેમાર્ગુ તરસ્યો થઈને આવ્યો છે એમ સમજાતાં કોસિયાએ પોતાની પાણીની ભંભલી નેમાને આપી. નેમો આખી ભંભલી જાણે એક જ ઘૂંટડે ગટગટાવી ગયો અને ફરી એ જ પોકાર કર્યો: ‘પાણી! પાણી!’ ખેડૂતને નવાઈ લાગી. ભંભલીમાં પાણી તો ખલાસ થઈ ગયું હતું એટલે એણે ખાસ નેમા માટે જ કોસ જોડ્યો. ચાર પગાળાં ઢોરની જેમ નેમો થાળામાં ઘૂંટણિયે પડ્યો અને અવેડામાંથી તરસી ભેંસ પાણી પીતી હોય એમ સીધું મોઢું માંડીને પાણી પીવા માંડ્યું. પાણી પીતી વેળા ઢોરની જેમ સંભળાતા ‘બચક બચક’ બુચકારા અને ‘ગટક ગટક’ અવાજ આવતા જોઈને કોસિયાને અચરજ થયું. એક કોસ ઠાલવીને કોસિયો વરત ઉપર ઊભો રહી ગયો પણ વટેમાર્ગુ હજીય થાળામાં ઘૂંટણિયાભેર જ પડ્યો હતો એ જોઈને એને વધારે અચરજ થયું. ‘બીજો કોહ ઠલવું?’ ખેડુએ પૂછ્યું. પણ કશો ઉત્તર આપવાના નેમાને હોશ નહોતા રહ્યા. પેટમાં પેસી ગયેલી લૂને કારણે એવી તો અગન ઊઠી હતી કે એ હકારમાં માત્ર માથું જ હલાવી શક્યો. ૩૫૬ ચુનીલાલ મડિયાની સમગ્ર નવલિકાઓ બીજો કોસ ઠલાવાયો ને ફરી કોસિલો કુતૂહલથી આ તરસ્યા માણસ સામે જોઈ રહ્યો. ‘હજી ઠલવું વધારે?’ એણે ફરી પૂછ્યું. પણ આ વખતે તો વટેમાર્ગુએ માથું પણ ન હલાવ્યું. કોસિયો વરત પર બેઠો બેઠો વિચારે ચડી ગયો. સારી વાર પછી કશીક શંકા જતાં એ થાળામાં આવ્યો તો પણ ચાર પગે પડેલો વટેમાર્ગુ ન હલ્યો કે ન ચાલ્યો. કોસિયાએ ગભરાઈને એને હલબલાવી જોયો તો જાણે લાકડું પડ્યું હોય એવો એ દેહ નિશ્ચેષ્ટ લાગ્યો. હજીય નેમાની તરસી મોંફાડ વધુ પાણી માગતી અધખુલ્લી જ રહી ગઈ હતી! ‘અરર…બચાડો લૂ ખાઈ ગયો લાગે છે?’ અનુભવી કોસિયો બધું સમજી ગયો. ગામમાંથી માણસોને બોલાવ્યા. મહાજન આવ્યું, પોલીસપટેલ પણ આવ્યા પણ કોઈ કરતાં કોઈ આ અજાણ્યા માણસની લાશને ઓળખી ન શક્યું. પેલી છોકરાંની ભૂંજરથી ગભરાઈને દિશાશૂન્ય નેમો નાગવડને ઉગમણે કેડે જવાને બદલે આથમણે કેડે ચડી ગયેલો અને પરિણામે પોતાને વતન પહોંચવાને બદલે અજાણ્યા પંથકમાં બમણો આઘો પડી ગયો હતો. પોલીસે પંચની હાજરીમાં આ અજાણ્યા માણસની લાશને અગ્નિદાહ દીધો. નેમાએ પોતાના ઘરના ગોખલામાં ગૌછાણથી છાંદી રાખેલ જમનાજીનું પવિત્રોદક વપરાયા વિનાનું જ રહ્યું. નાગવડમાં મોડે મોડે જાણ થઈ કે નેમા જેવો કોઈ માણસ દૂર દૂરના પંથકમાં ક્યાંક મરી ગયો છે ત્યારે એની અંતિમ ઇચ્છા પ્રમાણે મસાણની છાપરીનું પાકું ચણતર કરવાનું શક્ય નહોતું, કેમ કે એ ‘સ્મારક’ માટે નેમાએ જેમને ઘેર થાપણ અનામત મૂકેલી એ નાગવડના નગરશેઠે વેપારમાં દેવાળું ફૂંકી નાખેલું.