લોકમાન્ય વાર્તાઓ/આંબાના રોપ
‘ઝાંપાબારી ભીડતા આવ્યા છો?’ આંબાવાડીના કૈલાસ ભવનના કમ્પાઉન્ડમાં દાખલ થનાર હરેક વ્યક્તિને આ પ્રશ્ન પૂછવાની પોતી કોળણને આદત પડી ગઈ હતી, શાક-બકાલું આપવા આવનાર કાછિયાને આ પ્રશ્ન પુછાતો અને પહેલા વર્ગના રાજ્યના દીવાન મંચેરશાને પણ આ વાડીની રખેવાળણ તરફથી એ જ પૂછપરછ થતી: ‘ઝાંપાબારી ભીડતા આવ્યા છો ને?’ મંચેરશાને સ્થાને બીજો કોઈ દીવાન હોત તો પોતાના જ રહેણાક સ્થાનમાં પોતાને ‘મેરી બિલ્લી ઔર મેરેકું મ્યાઉં’ જેવી બેઅદબીનો અનુભવ કરાવનાર આ વૃદ્ધ કોળણને ક્યારની હાંકી કાઢી હોત. પણ પોતીનું એટલું સદ્ભાગ્ય કે માલિક મંચેરશા રાજ્યની દીવાનગીરી કરવા ઉપરાંત, નવરાશના સમયમાં શાયરી પણ કરતા. એ કવિઆત્મા જ આંબાવાડીની નોકરાણીની આવી વિચિત્ર વર્તણૂક સાંખી લેતા. અવસ્થાને આરે પહોંચેલી આ રખેવાળનું મંચેરશા કવચિત્ મનોવિશ્લેષણ પણ કરવા લાગતા અને ત્યારે એમનો ભાવુક આત્મા આ અભણ ડોસી પ્રત્યે સહાનુભૂતિ અનુભવી રહેતો. કૈલાસ ભવનની આંબાવાડીના માત્ર આંબા જ નહીં, બીજાં અનેક ફૂલઝાડ તેમ જ ફળનો જોટો આ પંથકમાં મળવો મુશ્કેલ હતો. અહીંના આંબામાંથી ઊતરતી કેરીની જુદી જુદી જાતો – લંગડો, કેસર, જમાદાર, આંબડી અને આફૂસ – નો આસ્વાદ કરવાનો અધિકાર તો માત્ર બે જ કુટુંબોને મળ્યો હતો: એક રાજકુટુંબને અને બીજા દીવાન મંચેરશાના કુટુંબને. એજન્સીના ગોરા પોલિટિકલ એજન્ટ કોઈ કોઈ વાર ઉનાળામાં અહીં મહિનોમાસ આવી ચડતા, તે આંબાવાડીનાં આમ્રફળોથી આકર્ષાઈને જ આવતા એવી લોકવાયકા હતી. પણ કૌતુકપ્રિય લોકમાનસે તો એટલે સુધી વાત જોડી કાઢી હતી કે કૈલાસભવનના આંબા વેડાય ત્યારે પહેલવહેલું પાર્સલ તો શહેનશાહ પંચમ જ્યોર્જને ઠેઠ વિલાયત સુધી પહોંચાડવામાં આવે છે. પાંચમા જ્યોર્જના મૃત્યુ બાદ એના બબ્બે અનુગામીઓ ગાદી પર આવી ગયા પછી પણ આ વાયકામાં નામોલ્લેખ તો પાંચમા જ્યોર્જનો જ થતો. કૈલાસ ભવનના દીવાન, બંગલો અને આંબાવાડીનો પણ થોડો ઇતિહાસ હતો. મૂળ તો આ રાજ્યના દીવાનોના ઉતારા માટે એક ખખડેલ દરબારગઢ દાયકાઓથી વપરાતો આવેલો. એ વેળાના દીવાનકારભારીઓ પણ કાઠિયાવાડના દાયકે દાયકે પલટાતા નાગરી રાજકારણ અને વાણિયાશાહી રાજકારણના તબક્કાઓ પ્રમાણે અચૂક વાણિયા-બ્રાહ્મણો જ આવતા, એટલે તેઓ આ અંધારિયા દરબારગઢને આસાનીપૂર્વક નિભાવી લેતા. પણ એક મહારાજા સગીર વારસ મૂકીને મૃત્યુ પામ્યા ત્યારે રાજ્ય ઉપર ગોરા ‘એડ્મિનિસ્ટ્રેટર’ની હકૂમત આવી અને એ ગોરાસાહેબ માટે તાબડતોબ ઇજનેરો બોલાવીને ગામથી દોઢેક ગાઉ દૂર આ બંગલો બાંધવો પડેલો. ‘એડ્મિનિસ્ટ્રેશન’ની મુદત પૂરી થયા પછી દીવાનોનું રહેઠણ અહીં જ રાખવામાં આવ્યું અને દરબારગઢના અંધારા ઓરડાઓ વેપારીને કપાસની વખારો બનાવવા ભાડે અપાઈ ગયા. કૈલાસ ભવન બંધાયું ત્યારે આંબાવાડી નહોતી. ગોરાસાહેબની મડમ માટે આવશ્યક એવાં થોડાં વિલાયતી ફૂલોના ક્યારાઓ જ એ કમ્પાઉન્ડમાં હતા. આંબાવાડીની જગ્યા પર તો એ વેળા ‘એડ્મિનિસ્ટ્રેટર’ સાહેબ ક્રિકેટ ખેલતા અને એમનાં ભૂલકાંઓને રાજ્યની ઘોડારનો રાવત સવારે વછેરા ઉપર બેસાડીને ઘોડેસવારીની તાલીમ આપતો. સાંજે મેમસાહેબ આ મેદાન પર લટાર મારતાં. પણ છપ્પનિયાની સાલમાં ગામડાં-ગોઠડાંમાંથી રાંકાઓનાં ધણનાં ધણ રાજધાનીમાં ઊભરાવા લાગ્યાં; કેમ કે એમને રોજી આપવા માટે રાજ્ય તરફથી એક જબ્બર તળાવના ખોદકામનો આરંભ થયો હતો. એક વેળા ઉબેણના પટમાં આંખ ઠરે એવાં તડબૂચ-તળિયાના વાડા વાવનાર ધનો કોળી પણ વખાનો માર્યો પોતાના કુટુંબકબીલાને લઈ રાજધાનીમાં આવી ચડ્યો હતો. પણ એણે તળાવના ખોદકામમાંથી પેટિયું રળવાને બદલે એ વેળા નાગરી દીવાન ભગવંતરાયની સૂચનાથી કૈલાસબાગમાં જ કામ કરવાનું પસંદ કર્યું; કેમ કે કળશી એકનું કુટુંબ ધરાવનાર દીવાનસાહેબને ત્યાં થતા બહોળા જમણવારની એઠ તેમ જ થાળીઓનું સામટું ધોણ આ ક્ષુધાર્ત કુટુંબને મળવા લાગ્યું. ધનાના કુટુંબની આ ખુશનસીબીની તો બીજાં રાંકાઓને પણ ઈર્ષ્યા ઊપજી. ધનાએ પેટગુજારા માટે મળતા આ એઠ-ધોણનું ઋણ ચૂકવવા ઝાડપાન-ઉછેરના પોતાના આગવા કસબનો લાભ આ બંગલાને આપ્યો. ગોરા સાહેબના સમયમાં ક્રિકેટ તેમ જ ઘોડેસવારીના મેદાન તરીકે વપરાતો સોનાની લગડી જેવો જમીનનો ટુકડો હવે અવાવારુ જ પડ્યો હતો; કેમ કે દીવાન ભગવંતરાયને બોલબેટની ફટકાબાજી ને ગોલંદાજીને બદલે એ વેળાનાં રજવાડાંઓમાં ચાલતી હોદ્દો-શિકારની વણિક- વિરુદ્ધ નાગરી હોડમાં ગોલંદાજી અને ફટકાબાજી અજમાવવામાં વધારે રસ હતો. ભગંવતરાયની નાગરી નાતમાં ઓઝલપરદાનો રિવાજ નહોતો, છતાં એમનાં પત્ની તો જ્ઞાતિ-પરંપરા મુજબ પરદેનશીન બીબી કરતાંય વધારે આકરો મલાજો પાળતાં, તેથી સાંજે આ મેદાન તો શું, બંગલાની ઓશરીમાં પણ તેઓ ભાગ્યે જ લટાર મારતાં. ભગવંતરાયનાં ભૂલકાંઓ એટલાં તો તકલાદી બાંધાનાં હતાં કે ઘોડા પર સવારી કરવાનું તો દૂર રહ્યું, પણ એના પૂછડાને અડવાનું પણ સાહસ ન કરતાં. આમ બધી રીતે બિનજરૂરી બની ગયેલ આ પડતર મેદાન પર આંબાવાડી ઊભી કરવાનું નાગર દીવાનના ગણતરી-યુક્ત માનસને મુનાસિબ લાગ્યું. ધનો દૂર દૂર રઝળીને આંબાઓની નામી કલમો શોધી લાવ્યો. જમીનને રોપાલાયક બનાવવામાં એનું આખું કુટુંબ કામે લાગી ગયું. એક વેળા ક્રિકેટ રમનારાઓની સગવડ ખાતર રોલ ફેરવીને સપાટ બનાવી દીધેલ જમીનને થોડા જ દિવસમાં આ કોળીકુટુંબે ઘી પાયેલ લાપશી જેવી કણીદાર બનાવી દીધી. ધનો અને એની ઘરવાળી રૂખી રાત કે દિવસ જોયા વિના કાળી મજૂરી કરવા લાગ્યાં; કેમ કે તેઓ માત્ર પેટભરુ રોજિયાં નહોતાં પણ બાગબાનીનાં કસબી દંપતી હતાં, અને એ કસબ-ચાતુરી દીવાનસાહેબને દેખાડી આપવાના એમને કોડ હતા. કોળી દંપતીનો આ કસબ એળે ન ગયો પણ પૂરેપૂરો ઊગી નીકળ્યો. થોડા જ મહિનામાં મેદાન પર જાતવાન ઝાડોની કલમો ડોલવા લાગી. ધનાને લાગ્યું કે હું સારા શુકને જ અહીં આવ્યો છું; કેમ કે જેના ધોણમાં પણ આંગળ આંગળ ઘીની તર બાઝે એવા મોટા હાંડલાની એઠ જમીને, ભૂખમરાથી જેના ડિલની પાંસળીયે પાંસળી ગણી શકાતી હતી એ આ દંપતીનાં દુકાળના આવા કાળા વરસમાં પણ ડિલ વળવા લાગ્યાં અને જ્યારે રૂખીએ એક દિવસ ધનાને વાતવાતમાં અણસારો કર્યો કે બે મહિનાથી પોતાને નાવણ નથી આવ્યું ત્યારે તો ધનાને પાકે પાયે ખાતરી થઈ ગઈ કે ઉબેણને ઉપરવાસથી કોક સારા શુકને જ હું અહીં આવ્યો છું. બીજે વરસે કૈલાસ ભવનની આસપાસનું વાતાવરણ સમૂળું પલટી ગયું. સામસામી ઝૂકતી કેસર આંબાની કૂણી કૂણી બે કલમોના રોપા વચ્ચે રૂખીએ પોતાના સાડલાની ગાંઠ વાળીને ખોઈ બાંધી હતી. અને એની અંદર ટીણકુંડીક બાળકી પોતી ઉવાં…ઉવાં કરતી હતી. રૂખી તો કછોટો ભીડીને આંબાવાડીમાં કામ કરતી જાય અને આંબાશાખે ઝૂલતી પોતીને હીંચકો નાખતી જાય, એકાદ ભાંગ્યું-તૂટ્યું હાલરડું પણ ગાતી જાય અને ફરી કામે લાગી જાય. ધનો કૂવાના રેંટ ઉપર કામે લાગી જાય. ધનો કૂવાના રેંટ ઉપર બેઠો બેઠો પાણી ખેંચતો હોય અને રૂપી રોપાઓના ક્યારા ઠીકઠાક કરતી હોય, પી રહેલા ક્યારામાંથી પાણી વાળતી હોય અને આમ્રફળ ઉછેરતાં ઉછેરતાં આમ્રફળથીયે અદકા મીઠા અવાજે લલકારતી હોય: ચૈતર ચંપો મોરિયો ને મોર્યાં દાડમ દ્રાખ; કોયલડી ટહુકો કરે કાંઈ બેઠી આંબા ડાળ… આંબાની ડાળોએ જેનાં પારણાં ઝૂલ્યાં હતાં એ પોતી આંબાઓમાં જ ઊછરીને મોટી થઈ. બરોબર દોઢ દાયકા સુધી રેંટ ખેંચી-ખેંચીને ધનાએ, રૂખીએ અને પોતીએ આંબાને પાણી પાયાં ને ઉછેર્યાં. એમાંથી જે શાખો ઊતરી તેને ચાખીને સૌ કોઈએ કબૂલ કર્યું કે કેરીની આ મીઠાશ તો જન્મારામાંય ચાખવા નહોતી મળી. ધનાના કુટુંબ માટે કૈલાસ ભવનના નોકરોના આઉટ-હાઉસમાં જ એક મકાન કાઢી આપવામાં આવ્યું હતું, પણ પોતી તો આ આઉટ-હાઉસમાં રહેવાને બદલે આંબાવાડીમાં જ પડી રહેતી. આંબા એને મન સમગ્ર માનવસૃષ્ટિ હતી. વાડીના એકેએક ઝાડ જોડે પોતી આત્મીયતા અનુભવતી હતી. આંબાવાડી જ્યારે ફૂલીફાલી રહી ત્યારે જઇફ અવસ્થાએ પહોંચેલો ધનો સર્જનના આનંદ સાથે જીવનની કૃતકૃત્યતા અનુભવી રહ્યો. આંબાવાડીની ખ્યાતિ તો દૂર દૂર પહોંચી હતી. બાગબગીચાના શોખીનો પણ દૂર દૂરથી આંબાવાડી જોવા આવતા. એ સૌ આગંતુકો સમક્ષ ધનો અર્ધો અર્ધો થઈને આંબાઓની ઓળખ આપતો: ‘આ દેશીની જાત –’ ‘ને આવડી આ છે પાયરી –’ ‘ફળ નાનું પણ માંય રસ છાલિયામાંથી છલકાય એટલો બધો.’ ‘આ જાત ઠેઠ લગણ લીલી જ રિયે એટલે એમ લાગે કે હજી પાક ઉપર નથી આવી; પણ નખે વનારી લ્યો એવો તૈયાર માલ–’ને પછી ધનો જમીન તરફ નિગૂઢ નજરે જોઈ રહીને ઉમેરતો: ‘ધરતીનું પેટ છે ને! એની કોઈને ખબર નો પડે!’ ‘આ જાતને આ પંથકમાં શિંદૂરિયો કિયે છે. એની ધોળીફક્ક છાલ જોઈને તો એમ જ લાગે છે કે માંયથી છાશ્ય જેવાં છોતાં-પાણી નીકળશે. પણ સારીપટ ઘોળીને ડીંટડી તોડો કે ઘૂંટેલા શિંદૂરની શેડ્ય ફૂટી જાણો!’ શિંદૂરિયા આંબાની આટલી પ્રશસ્તિ પછી ધનો એક હકીકત ઉમેર્યા વિના રહી શકતો જ નહીં; ‘હજૂર-બંગલે એક વાર ચંદનગઢના નવાબ મે’માન થઈને આવ્યા તયેં આ શિંદૂરિયાનો રસ કાઢીને બરફમાં ઠારીને જમાડ્યો. તે દીથી નવાબની દાઢમાં આ ફળનો સવાદ રઈ ગિયો છ, તી આજ લગણ મોસમે મોસમે આ ફળનાં પારસલ મંગાવ્યા જ કરે છે.’ કેરીના-આમ્રરસના – ધરવ હોય કે ન હોય પણ આ આમ્રફળોની પ્રશસ્તિનો તો ધનાને ધરવ નહોતો જ. ‘આ ફળમાં ખટાશનું નામ ન મળે…આ ફળનો ગોટલો જુઓ તો બોરના ઠળિયા જેવડો જ.’ એવી એવી તો એ અસંખ્ય વિગતો રજૂ કર્યા જ કરતો. મુલાકાતીઓ પૂછતા: ‘ઝાડને રોપ્યે કેટલાં વરસ થ્યાં?’ ધનો હરખાતો હરખાતો, વાડીમાં રખેવાળું કરતી જુવાન પુત્રી પોતી તરફ નિર્દેશ કરીને કહેતો: ‘આ મારી ગગીને થ્યાં એટલાં જ વરસ આંબાને થ્યાં ગણો ને! છપનિયો ઊતરતે ક્યારા ખોદવા માંડ્યા’તા, ને કલમું રોપી’તી…’ આંબાની જેમ જ યૌવનથી ગૌરવવંતી દેખાતી પોતી ભણી મુલાકાતીઓ જોઈ રહેતા. આવો જ એક ‘મુલાકાતી’ ભાણિયો નામનો કોળી મૂળ આવ્યો હતો તો ધનાને નાતવહેવારે એક રોંઢે રોટલો ખાવા. પણ પોતીને જોઈને એનું મન પીગળ્યું કે કોણ જાણે પણ આંબાવાડીમાં જ ધનાના હાથ તળે એ પેટવડિયે મૂલી તરીકે રહી ગયો. પોતી મોટી થતી ગઈ તેમ તેમ જમાઈ ગોતવાની ચિંતામાં ધનાની ઊંઘ ઓછી થતી હતી એમાં એક દિવસ રૂખીએ જ મર્મમાં કહી દીધું કે જમાઈ તો તમારી આંખ સામે જ ઊભો છે ને આઘો ક્યાં ગોતવા જાવું? ધનાએ રૂખીનું વેણ માન્યું અને પોતીને ભાણિયા વેરે પરણાવી દીધી. આ પગલાનું વાજબીપણું ઠરાવવા ધનો એક દલીલ પણ રજૂ કરતો: ‘મારી પોતડી આંબા વચ્ચે જ નાનેથી મોટી થઈ છે, એને આંબાવાડીની બહાર રોપું તો મૂળ ન ઘાલે.’ ધનામાં વ્યવહારબુદ્ધિ બહુ નહોતી, નહીંતર પોતીને ભાણિયા જોડે પરણાવતી વેળા અને એમને આંબાવાડીમાં જ રાખતી વેળા એ હકીકતનું પણ એને ભાન થયું હોત કે આ રીતે મારા હોદ્દાનો અનુગામી પણ આપોઆપ નિમાઈ જાય છે; કેમ કે ધનાની હયાતી દરમિયાન જ વાડીની માવજતનો બધો ભાર પોતીએ ઉપાડી લીધેલો. તેથી એક શિયાળે ધનાને ટાઢિયો તાવ લાગુ પડ્યો અને બીજે શિયાળે એ તાવમાં જ ઊકલી ગયો ત્યારે એ વેળા કૈલાસ ભવનમાં રહેનાર વણિક દીવાન હેમચંદ ધારશીએ કરકસરની દૃષ્ટિએ બહારથી બીજો માળી બોલાવવાને બદલે ભાણિયા-પોતીને જ બગીચાનાં બાગબાન તરીકે નિયુક્ત કરી દીધાં. પોતીએ પોતાના જીવનની તેમ જ કૈલાસ ભવનના જીવનની પણ અનેક તડકીછાંયડી જોઈ નાખી હતી. કૈલાસ ભવનમાં પોતીની સાંભરણમાં જ અનેક દીવાનો આવ્યા અને ગયા. એ સૌ અમલદારોની – અને વિશેષ તો એ અમલદારોની પત્નીઓની – ચિત્રવિચિત્ર ખાસિયતો, આદતો, તરંગો વગેરેનો પોતીને પૂરતો અનુભવ થઈ ચૂક્યો હતો. એક નાગરાણીને અથાણાંનો એવો તો ભયંકર શોખ કે એક ઉનાળે અર્ધી આંબાવાડી અથાણાં ખાતે જ વેડાવી નાખેલી. મામૂલી શિરસ્તેદારની પાયરી પરથી ખટપટ-ખુશામત દ્વારા દીવાનપદે પહોંચેલા એક વણિક દીવાનની પત્નીને વળી એવી આદત કે વેડામણ વખતે એમના પગ આગળ કેરીનો ડુંગર ખડકાય છતાં રાતવરતે પોતીની નજર ચૂકવીને બેચાર ફળ તેઓ ચોરી જાય ત્યારે જ એમને સંતોષ થાય. કૈલાસ ભવનની દીવાલો વચ્ચે જિવાઈ ગયેલી અનેક જિંદગીઓની પોતી એક મૂક સાક્ષી હતી. આ આલીશાન ઇમારતમાં એણે આનંદના ઓઘ જોયા હતા, તેમ આંસુના મૂંગા ટપકાર પણ એણે સાંભળ્યા હતા. હાસ્ય તેમ જ હીબકાં બંનેના પ્રતિઘોષ પોતીને કાને પડ્યા હતા. એક કાવ્યપ્રેમી રસિક નાગરયુગલ માણેકઠારી પૂનમે કૈલાસ ભવનની અગાશીમાં અમરુશતકમાંથી શ્લોકો ઉચ્ચારતાં એનો રવ પોતીના કાનમાં ઝિલાયેલો. કૈલાસ ભવનમાં એક વેળા રજપૂત દીવાન રહેવા આવેલા ત્યારે ગામની એક ફૂટડી બાળવિધવા પર થયેલા બળાત્કારની ચીસ પણ પોતીએ સાંભળેલી. અને છેલ્લે છેલ્લે, પારસી દીવાન મંચેરશા આવ્યા. એમનાં યુવાન પત્નીએ પોતાને જ હાથે છાતીમાં રિવોલ્વર તાકીને આપઘાત કરેલો, એ વેળાનો રિવોલ્વરનો ધડાકો પણ આ રખેવાળણની સ્મૃતિમાં તાજો જ હતો. અને છતાં આ કૈલાસ ભવન, આંબાવાડી અને પોતી તો એનાં એ જ રહ્યાં હતાં. ભાણિયો જીવ્યો ત્યાં સુધી પોતીનું જીવન ભર્યું ભર્યું હતું. પણ એના મૃત્યુ બાદ ફરી પોતીએ પોતાની કિશોર વયમાં કર્યું હતું એમ આ આંબાઓમાં જ આત્મવિલોપન કરી નાખ્યું. પોતાનાં જીવતાંજાગતાં આપ્તજનોની રક્ષા કરતી હોય એટલી તકેદારીથી એ વાડીનું રખેવાળું કરતી. કમ્પાઉન્ડમાં દાખલ થનાર એકેએક વ્યક્તિને અચૂક પૂછતી: ‘ઝાંપાબારી ભીડતા આવ્યા છો ને?’ માણસ ઉંમરમાં વધે અને એની જીવનસમૃદ્ધિ વધતી જાય એમ પોતીની અવસ્થા વધવા સાથે જ આંબાઓની સત્ત્વશીલતા વરસોવરસ વધતી જતી હતી. પોતી જાગતાં ને ઊંઘતાં આ વૃક્ષોનું જતન કરતી હતી. દીવાન મંચેરશાને કવચિત્ એમ પણ લાગતું કે આ રખેવાળણ ધીમે ધીમે વા-ઘેલી થતી જાય છે. તેથી જ એના રખેવાળપણાની ‘અતિશયતા’ને તેઓ સાંખી લેતા હતા. દીવાનસાહેબ પોતે પણ પત્નીના આપઘાત પછી એકાકી બની ગયા હતા. એકાકી જીવનમાં આવો તરંગ ન ભળે તો એ જીવન કેટલું અકારું અને અસહ્ય બની રહે છે એનો એમને અનુભવ હતો. એ સ્વાનુભવને પરિણામે જ તેઓ પોતી કોળણની આ વિચિત્ર વર્તણૂકને સમભાવપૂર્વક સમજી શક્યા હતા. અવસ્થા વધતી ગઈ તેમ તેમ પોતીની આંખોમાં એક પ્રકારની શૂન્યતા છવાતી ગઈ. ધીમે ધીમે એણે માનવસંપર્ક ઓછો કરી નાખ્યો. આંબાવાડીમાં આ છેડેથી પેલા છેડા લગી નિરુદ્દેશ આંટા મારવા સિવાય એના જીવનમાં બીજી કોઈ પ્રવૃત્તિ રહી નહીં. વાતચીતો પણ એ આંબાઓ સાથે કરવા લાગી. આંટા મારતાં મારતાં ઘડીક ‘લંગડા’ પાસે વિસામો ખાતી તો ઘડીક ‘જમાદાર’ના થડ સામે ઊભી રહેતી. ઊંડી ઊતરેલી આંખો જરા વાર ‘શિંદૂરિયા’ની ડાળ પર ઠેરવતી અને ‘આંબડી’ સામે જોઈને આછું આછું મલકતી. એક ઉનાળે આંબાઓ શાખને ભારે લૂંબઝૂમ હતા. આખું વરસ જેમણે ડાળે બેસીને રખોપું કર્યું હતું એ કોયલ, આંબે મોર આવવા ટાણે જ ચાંચ પાકી હોવાથી ફળ આસ્વાદવાની પોતાની અશક્તિ દર્દનાક સ્વરે ટહુકા દ્વારા વ્યક્ત કરતી હતી. એ ટહુકાને આત્મસાત્ કરતી પોતી પાયરીના ઝાડ તળે એક ખાટલીમાં કાગાનીંદરમાં પડી હતી. મોડી રાતે જરીક જંપવારો મળતાં ઓચિંતી એ જાગી ઊઠી અને ‘મરે મરે!’ની બૂમો પાડતી બેબાકળી પાયરીના થડ પર ચડવા લાગી. બાળપણમાં ખિસકોલીની જેમ ડાળે ડાળે કૂદાકૂદ કરવા ટેવાયેલી પોતી હવે પાકી અવસ્થાએ અગાઉના જેટલી ઝડપ નહોતી દાખવી શકતી. છતાં વાંદરાની ગુલાંટની જેમ પોતી પણ વૃક્ષારોહણ ભૂલી તો નહોતી જ. ‘કોણ ઝાંપો ઉઘાડો મેલી ગયું?…’ ‘જરાક જંપવાય નથી દેતાં…’ ‘સંધાય સાંકોટા ચૂંથી નાખશે,’ ‘રખોપું તી હું કેટલુંક કરું?’ એવાં એવાં વાક્યો બબડતી પોતી વાંદરાને પકડી પાડવા એક ડાળેથી બીજી ડાળ પર ફાંફાં મારવા લાગી. છતાં વાંદરા નામનું પ્રાણી ક્યાંય હાથ ન લાગ્યું અને સામે આફૂસના ઝાડ પર કશોક ફફડાટ સંભળાયો ત્યારે એને થયું કે પીટડિયો વાંદરો પાયરીએથી ઠેક લઈને આફૂસે આંબ્યો. પોતી પણ બાળપણની આદતને જોરે આફૂસના ઝાડ પર એવી જ ઠેક લેવા ગઈ ત્યાં એટલી ઊંચાઈએથી ભફ કરતીકને સીધી જમીન પર પછડાટ ખાધી. મોડે મોડે હજૂર બંગલેથી મહારાજા જોડે ગુફ્તેગો કરીને મંચેરશા પાછા ફરતા હતા ત્યારે કૈલાસબાગના કમ્પાઉન્ડમાં પ્રવેશતાં જ ડ્રાઇવરે ગાડી થોભાવી. મંચેરશાએ પણ, આજે પોતીએ પડકાર્યા નહીં એ પ્રણાલિકાભંગનું આશ્ચર્ય અનુભવ્યું, સુદ આઠમના અર્ધ-ચંદ્રના ઉજાશમાં શિંદૂરિયા આંબા તળે બેશુદ્ધ સ્થિતિમાં પડેલી પોતી તુરત ઓળખાઈ આવી. મંચેરશાના વાચનાલયમાં એક સોફા પર પોતીનું લાકડા જેવું શરીર પડ્યું હતું અને બાજુમાં ખુરસી પર બેઠેલા મહારાજાના કુટુંબ તબીબ ડૉ. સુખથણકર પોતીના હાથની નાડ પર આંગળાં મૂકી, ‘પલ્સ’ પકડવા મથી રહ્યા હતા. મંચેરશા તો એટલા બધા અસ્વસ્થ થઈ ગયા હતા કે ખુરશી પર બેસવાના પણ એમને હોશ નહોતા રહ્યા. તેઓ ડૉ. સુખથણકરને તરેહતરેહની સૂચના આપતા પોતીના માથા પાસે ઊભા જ રહ્યા હતા. આખરી ઉપાય તરીકે ડૉક્ટરે એક ઇન્જેક્ષન આપ્યું અને પછી મંચેરશાને કહ્યું: ‘આ ઉંમરે પેશન્ટને સ્ટેમિના ઓછો છે, એટલે રિકવરીની આશા જેવું ઓછું છે. કદાચ બેપાંચ મિનિટ માટે આંખ ઉઘાડે તો નસીબદાર –’ મંચેરશાનો કવિઆત્મા અત્યારે આ રખેવાળણની આખી જિંદગીના સરવાળા-બાદબાકીના આંક મનમાં ને મનમાં માંડી રહ્યા હતા. તેઓ વિચારતા હતા: ‘અબુધ કોળણના આવડા જીવતરની કરીકમાણી કઈ? આ કેસરિયા ને શિંદૂરિયા આંબા? આ કૈલાસ ભવન? જોઈને આંખ ઠરે એવું આ આંબાવાડિયું?…’ મંચેરશા અત્યારે રાજ્ય ખટપટના ઢાલ-લાકડી-દાવ ખેલનાર દીવાન મટીને પોતીના પાછલા જીવન પર પોતાના પ્રિય ફારસી કવિની શેરો મનમાં વાગોળી રહ્યા હતા ત્યારે જ પોતીએ હળવેથી આંખ ઉઘાડી. ડૉક્ટર સુખથણકરનું મોં આનંદથી નાચી ઊઠ્યું. દીવાનસાહેબ પણ મનમાં ગુંજતી બેત અધૂરી મૂકીને પોતીની ઊંડી ઊતરેલી કરચલિયાળી આંખો ભણી તાકી રહ્યા. પોતીએ ડૉક્ટરની આગાહીને માન આપીને આંખ તો ઉઘાડી હતી, પણ એ અગાહી મુજબ બેપાંચ મિનિટ સુધી નહીં પણ એક જ મિનિટ સુધી ખુલ્લી રહેવા માટે ઊઘડી હતી. ડૉક્ટર કે દીવાનસાહેબ હજી કશો પ્રશ્ન પૂછે એ પહેલાં તો પોતીએ જ ડૉક્ટરને ઓળખી જતાં પ્રશ્ન પૂછ્યો: ‘દાક્તરસા’બ, તમે ક્યે ઝાંપેથી આવ્યા?’ ‘ઉગમણે ઝાંપેથી.’ મંચેરશાએ ઉત્તર આપ્યો. પણ આટલા ઉત્તરથી પોતીને સંતોષ થાય એમ નહોતો ઊલટી, ચિંતા વધતી હતી. એણે પૂરકપ્રશ્ન પૂછ્યો: ‘ઝાંપાબારી ભીડતા આવ્યા છો ને?’ ‘હા, ભઈ, હા,’ વચ્ચે મંચેરશાએ પોતીના આ બાલિશ પ્રશ્ચ પર રોષે ભરાઈ મોટો ઘાંટો પાડીને ઉત્તર આપ્યો. એ રોષયુક્ત ઉત્તર પણ આ રખેવાળણ માટે શીતળ ચંદન સમો શાતાદાયી બની રહ્યો. પોતે ફરજની બજવણીમાંથી ચ્યુત નથી થઈ, પોતાનાં પેટનાં જણ્યાં સમાં ઝાડ હેમખેમ છે અને ઝાંપાબારી હજી ભીડેલી જ છે એવી બાંયધરી મળતાં પોતીનાં આંખનાં પોપચાં ભિડાઈ ગયાં અને નાકની દાંડી ઠરડાઈ ગઈ. પોતીની નાડની પલ્સ પકડવાનો પ્રયત્ન છોડી, ‘ફિનિશ્ડ!’ એમ મોટેથી બોલીને ડૉક્ટર કૈલાસ ભવનના કમ્પાઉન્ડની બહાર જવાનું કરતા હતા ત્યારે આફૂસના આંબા ઉપર કોયલ ટહુકતી હતી.