વાસ્તુ/20

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વીસ

ઍરકન્ડિશન્ડ ટાટા સુમોમાં બધાં ગોઠવાઈ ગયાં. સંજય પ્રફુલ્લિત દેખાય છે. અધૂરી નવલકથા આબુમાં પૂરી કરવાનો એણે સંકલ્પ કર્યો છે. હિલસ્ટેશનનો તથા દરિયાનો તો એ જબરજસ્ત પ્રેમી છે. અમૃતાય ખુશખુશાલ છે. આ રોગ થયા પછી ક્યારેક ક્યારેક અમૃતાના કાનને હોઠ સ્પર્શે એટલું નજીક આવીને, ઉષ્ણ શ્વાસ જેવા સાદે સંજય કહેતો, ‘ફરી સિમલા જવું છે... સિમલામાં ઊજવેલા હનીમૂનના એ દિવસોને ફરી એક વાર જીવી લેવા છે.. સિમલા તો દૂર પડે... ત્યાં ન જઈ શકાય તો કંઈ નહિ પણ મરણ પહેલાં એકાદ વાર આબુ તો જઈએ જ જઈએ.. ને આબુમાં સિમલાના એ દિવસોને, એ ક્ષણોને ફરી પાછી ભરપૂર જીવી લઈએ… વધારે નહિ તો છેવટે બે-ચાર દિવસ પણ…’ મંદાર જરીકે ખુશ નથી. એ સખત ચિંતામાં છે... સંજયના કૅન્સર-નિષ્ણાત ડૉક્ટરેય આબુ જવા માટે ના પાડેલી ને મંદારે પણ... છતાં એ માન્યો નહિ. કવિહઠ લઈ બેઠો. એ પછીયે મંદારે કહેલું – ‘સેકન્ડ કે ફર્સ્ટ એ.સી.માં જઈએ તો આરામ મળે, પરંતુ કમ્પાર્ટમેન્ટમાં કદાચ અન્ય કોઈ રોગી હોય તો તરત ઇન્ફેક્શન લાગે ને મુશ્કેલી થઈ જાય...' ‘તો ટાટા સુમો કરીને જઈશું.’ ‘મારે કશી દલીલ નથી કરવી. પણ સંપૂર્ણ બેડ રેસ્ટ કરવા જેવી હાલતમાં તેં છેક આબુ જવાનું નક્કી કર્યું છે, હજીયે વિચારી જો…’ અમૃતાના પપ્પાએ પણ એને સમજાવેલો પણ એ ન જ માન્યો. ત્યારે થયું, ભલે એની આ ઇચ્છા પૂરી થાય… પણ એની સાથે કોઈ ડૉક્ટર હોય એ ખૂબ જરૂરી છે. છેવટે મંદારે સાથે જવાનું નક્કી કર્યું. એ ફોન દ્વારા સંજયના ડૉક્ટરના સંપર્કમાં રહેશે. સંજયના ડૉક્ટર પણ એના કેસ બાબતે અમેરિકાના એક ડૉક્ટર મિત્રના સંપર્કમાં રહે છે… સંજયને અમેરિકા મોકલવાનો અમૃતાના પપ્પાનો આગ્રહ પણ હજી ચાલુ છે. પણ સંજય એ વાત ટાળતો રહે છે. અંતે, ટ્રેનના બદલે ટાટા સુમોમાં જવાનું નક્કી થયું જેથી મન થાય ત્યારે વચ્ચે આરામ માટે રોકાઈ શકાય. વિસ્મય બા પાસે રહેશે ને રૂપા એની નાની પાસે. નીકળતી વખતે તો સંજય ખુશ હતો. પણ હજી તો કલોલ પણ આવ્યું નહોતું ને એ ટ્રાફિકથી કંટાળ્યો – ‘સવાર સવારમાંયે આટલો ટ્રાફિક?’ ‘હા સાહેબ, છત્રાલનો ટ્રાફિક તો આખો દિવસ રહેવાનો.’ ડ્રાઇવરે જવાબ આપ્યો. નાકે રૂમાલ તો રાખેલો. છતાં ખીચોખીચ ટ્રાફિકના ધુમાડાથી સંજયને અકળામણ – ગૂંગળામણ થતી… વળી અવાજનું પ્રદૂષણ – ખટારાઓની તીવ્ર ચિચિયારીઓ જાણે ભાલાની જેમ સંજયના કાનમાં ભોંકાતી. સખત અકળાયો તે એકાદ વાર તો એ બોલી ઊઠ્યો — ‘આ રોગ હજીયે સહન થઈ જાય છે… પણ હૉર્નની આ તીણી ચીસાચીસ સહન નથી થતી મારાથી…’ મંદારે હસતાં હસતાં પૂછ્યું, ‘તો પાછા જવું છે?’ સંજયે પણ હસીને કોઈ વિદ્યાર્થીના લહેકાથી જવાબ આપ્યો, ‘ડગલું ભર્યું કે ના હઠવું... ના હઠવું...' આગળ નાના ખાડાના કારણે હળવી બ્રેકનો જરી આંચકો આવ્યો કે તરત અમૃતા બોલી, ‘જરા ધીમે ચલાવજો, ભઈ...’ નીકળતા અગાઉ અમૃતાના પપ્પાએ પણ ડ્રાઇવરને એક બાજુએ લઈ જઈને સિગારેટનું પૅકેટ આપતાં સૂચના આપેલી – ‘ગાડીમાં કૅન્સરનું પેશન્ટ છે, એકદમ ધીમેથી પાણીના રેલાની જેમ ચલાવજે.’ છતાં, સંજયના કાને આ વાક્ય પડતાં એણે હસીને ડ્રાઇવરને કહ્યું, ‘હાઈ-વે પર ગાડી સ્ટ્રેચરની જેમ ચલાવજે…’ મહેસાણા આવતાં અગાઉ મોઢેરાનું પાટિયું જોતાં જ સંજય બોલ્યો — ‘મોઢેરા થતાં જઈશું?’ ‘તને થાક લાગશે.’ ‘તો કોઈ ઠેકાણે રોકાઈને આરામ કરી લઈશું.’ ‘મોઢેરા લઈ લઉં, સાહેબ?’ ગાડી ધીમી કરતાં ડ્રાઇવરે પૂછ્યું. ‘હા.’ મોઢેરાનું સૂર્યમંદિર જોઈને સંજય તો ગાંડો.. એને અફસોસ થવા લાગ્યો – પોતે હજી લગી અહીં કેમ આવ્યો નહોતો… ‘વાહ! જીવન સફળ!’ એનાં શિલ્પોનું ચુંબકીય લયનર્તન ને કવિતામય લાવણ્ય સંજયને ઝટ આગળ ખસવા નહોતું દેતું… ‘એક એક શિલ્પ નીરખવા તું આટલી વાર કરીશ તો પછી હદ બહાર થાકી રહીશ. વળી અહીં ડસ્ટ પણ ખૂબ ઊડે છે… તબિયત બગડશે ને આબુના બદલે પાછું અમદાવાદ જવું પડશે…’ ડૉ. મંદારે ચેતવણી આપી. સંજયે વિચાર્યું – ‘મોઢેરા તો નજીક છે, ફરી એકાદ દિવસ આવી જવાશે.’ પછી એ બોલ્યો, ‘સારું ત્યારે, શિલ્પો ધ્યાનથી જોવાના બદલે એક પ્રદક્ષિણા કરીને નીકળી જઈએ, બસ?’ સાવ ધીમે, અટકી અટકીને પ્રદક્ષિણા કરતાં કરતાં કેટલાંક શિલ્પો આગળ જરા થંભીને અમૃતાને કશુંક બતાવીને ધીમા સાથે વાતો કરતો સંજય થાક્યો તો હતો પરંતુ આ શિલ્પોએ જાણે એના મનનો થાક તો ઉતારી દીધો. ફરી ગાડીમાં ગોઠવાયાં. મંદાર આગળ ડ્રાઇવર પાસે બેઠો ને સંજયે અમૃતાના ખોળામાં માથું મૂકીને લંબાવ્યું. અમૃતાને યાદ આવ્યું – સિમલા જતી વખતેય સંજય પોતાના ખોળામાં આમ જ સૂઈ ગયેલો ને પોતે એના વાળમાં આંગળીઓ ફેરવ્યા કરતી... અમૃતાની આંગળીઓ એની મેળે જ સંજયના વાળમાં ફરવા આગળ તો વધી પણ ટકાનો સ્પર્શ જતાં જ જાણે ભોંઠી પડી. ને પછી એ ટકામાં હથેળી ફેરવતી રહી. મહેસાણા ઓળંગ્યું એ પછી સંજયને સખત થાક વરતાતો હતો. થયું, ક્યાંક આરામ કરીએ… ‘ક્યાં?’ અમૃતાને તરત યાદ આવ્યું – ‘બાલારામ?’ ‘હા, હા, બાલારામ.’ સંજય-મંદાર એકી સાથે બોલી ઊઠ્યા. મંદાર અને ગ્રીષ્મા એક પિકનિકમાં બાલારામ ગયેલાં ને ત્યાં... એકમેક પર પાણી ઉછાળીને કેટલું નાહ્યાં'તાં નદીમાં! કેટલું તોફાન કરેલું…! ગ્રીષ્મા તો સ્લેક્સ – ટીશર્ટમાં કાંઠે જ ઊભી રહેલી… પછી એણે મંદાર ભણી હાથ લંબાવ્યો. મંદારે હાથ પકડીને ખેંચી લીધી'તી એને પાણીમાં… નદીમાં… ને પછી તો બંનેની અંદર પણ જાણે એક નદી વહેવા લાગી ને પૂર ઊમટ્યાં ગાંડાંતૂર… રૂમમાં સામાન મૂકીને ખાલી આંટો મારવા જ નીકળેલાં તે કપડાં-ટુવાલ બધું રૂમમાં હતું… ભીનાં કપડે બેય રૂમ તરફ ગયાં… ગ્રીષ્મા એની રૂમમાં પ્રવેશી… ‘હુંય આવું?’ મંદારની આંખોમાં નર્યું તોફાન હતું. એને એમ કે ગ્રીષ્મા ના જ પાડશે ને! પણ ગ્રીષ્માએ કશીક ચમક સાથે આંખો પહોળી કરી. મંદાર અંદર આવી ગયો. ગ્રીષ્માએ એને બહાર જવા માટે કહ્યું નહિ. પણ બારણું બંધ કરી સ્ટૉપર વાસી! દિવાળીમાં દીવાસળી ચાંપતાં જ રૉકેટ ઊડે એમ મંદારની અંદર કશી આગ ઊઠી. પણ ગ્રીષ્મા તો ચાલી ગઈ બાથરૂમમાં. મંદાર ઊભો રહી ગયો ઠોયા જેવો. ‘બાથરૂમ અંદરથી વસાતું નથી. જરા…’ ગ્રીષ્માનો અવાજ આવ્યો. મંદાર બાથરૂમમાં ગયો ને જોયું તો ગ્રીષ્માએ ટી-શર્ટ કાઢી નાખેલું હતું. પછી તો બંને ફરીથી નાહ્યાં. એકમેકના દેહનીયે ઓળખ થઈ ને પોતાના દેહનીય. કેટલી લાઇવ હતી ગ્રીષ્મા! ગ્રીષ્મા એ કોઈ કન્યા નહોતી પણ જાણે ગાંડીતૂર નદી હતી… એનું એમ. ડી. હજી અધૂરું હતું ને અમેરિકાનો કોઈ સારો છોકરો મળ્યો તે પરણીને ચાલી ગઈ એ અમેરિકા... ‘બાલારામ’ શબ્દમાત્રથી જ મંદારની ભીતર સુષુપ્ત પડેલી શૂન્યતા કોઈ કરુણ શાસ્ત્રીય રાગની જેમ ઘૂંટાવા લાગી. નાનકડી નદી દેખાય એ અગાઉ તો સંજયને જાણે નદીની ગંધ આવી ગઈ ને પછી ખળખળ ખળખળ અવાજ એના કાને પડ્યો ને બોલ્યો – વાહ! એ પછી નદી દેખાતાં જ સંજય નિઃસ્તબ્ધ થઈને ઊભો જ રહી ગયો! પછી વહેતાં જળના અવાજને કે કોઈ અજાણ્યા પંખીના વિસ્તરતા જતા ટહુકાને ખલેલ ન પહોંચે એમ ધીમે ધીમે દબાતે પગલે વહેતા પાણીની નજીક ગયો ને નીચે પલાંઠી વાળીને બેસી ગયો. થોડી ક્ષણ કેવળ પાણીનું વહેવું જોયા કર્યું... જાણે આંખોથી એ નદીને પી રહ્યો હતો. પછી આંખો બંધ કરીને માત્ર પાણીના વહેવાનું ગીત એ સાંભળી રહ્યો… ત્યાં અમૃતાય આમતેમ થોડો આંટો મારીને આવી ને સંજય પાસે બેઠી ને એના ખભે હાથ મૂકી એ કશુંક બોલી ત્યાં તો સંજય તાડૂક્યો – ‘જરી વાર ચૂપ નથી રહી શકાતું? વહેતા જળની કવિતાને ખલેલ પહોંચાડે છે?’ અમૃતા ડઘાઈ ગઈ. રૂમની વ્યવસ્થા કરીને આવી રહેલા મંદારને પણ સંજયનું આવું વર્તન જાણે ઝેરી કાંટાની જેમ ભોંકાયું. અમૃતા ઊભી થઈને થોડે દૂર જઈને બેઠી. પણ સંજય ત્યાંથી હાલ્યો નહિ. મંદાર પણ આવીને ચુપચાપ સંજયથી જરી દૂર બેઠો. હવાનું અને અવાજનું પ્રદૂષણ ઓળંગીને આવ્યા હોવાથી અહીંની રમ્ય શાંતિ અને જળના વહેવાનો અવાજ જાણે મનને અજવાળતો હતો… જાણે મનના પહાડોની ભીતરથીયે કશુંક ફૂટી ફૂટીને વહેવા લાગ્યું હતું. અત્યારે કોઈ પ્રવાસીઓ નહોતા તે કેટલું સારું લાગતું હતું…! પાણી કેટલું ચોખ્ખું! – બરફવર્ષા પછી પહાડોમાં ઊઘડેલા તડકા જેટલું ચોખ્ખું! માનસરોવર જેટલું ચોખ્ખું! નવજાત શિશુના મન જેવું ચોખ્ખું… અમૃતાએ ચંપલ કાઢી સાડી ઊંચી લઈને વહેતા પાણીમાં પગ બોળ્યા. ને એ સિમલાના કોઈ ઝરણામાં પગ ઝબોળીને બંને ક્યાંય સુધી બેઠેલાં એ વાગોળવા લાગી. ત્યાંનું પાણી તો બરફ જેટલું ઠંડું હતું જ્યારે અહીંનું પાણી કેવું હૂંફાળું છે! જાણે સાક્ષાત્ પ્રિયજનના હૈયાની હૂંફ! ત્યાં સંજયની નજર પડતાં જ એનો મિજાજ છટક્યો – ‘ભાન છે કશું? આટલા ચોખ્ખા પાણીમાં તે કદી પગ બોળાય?! પાણી મેલું થઈ જશે તો? પગ બાર કાઢી લે...’ પગ બહાર કાઢીને સર્ કરતી ઊભી થઈ જતાં અમૃતા બોલી, ‘નદી કોઈના બાપની નથી.’ પછી બે-ત્રણ શ્વાસ લીધા ને બોલી, ‘હનીમૂન માટે સિમલા ગયેલા ત્યારે તો મારી સાથે કેવું, કૂણું-કુમળું વર્તન હતું તારું… અત્યારે કેમ આમ વડચકાં..’ ‘હું રોજેરોજ મોત સાથે હનીમૂન કરું છું એ જાણે છે તું?’ સંજય ખૂબ મોટેથી બોલતાં બોલી ગયો. એનો અવાજ વધુ પડતા પવનના કારણે ઊડતો પતંગ ફાટી જાય એમ ફાટી ગયો. ને એનો ચહેરો, તરડાઈ-ચિરાઈ ગયેલા જીર્ણશીર્ણ મહોરા જેવો થઈ ગયો… કશો જવાબ આપવાના બદલે અમૃતા ખૂબ ઝડપથી કોક અજાણી કેડી પર ચાલવા લાગી. જાણે પૃથ્વીનો છેક છેડો આવી જાય ત્યાં લગી ઝટ પહોંચી જવું હોય ને પછી કૂદી પડવું હોય અવકાશમાં… એવી ઝડપથી, ગુસ્સાથી, રાતીચોળ, ઉઘાડા પગે…! કોઈ કોઈ વૃક્ષ તળે વેરાયેલાં સુક્કાં પાંદડાં અમૃતાના ભીના, રેતી ચોંટેલા પગ તળે કચડાતાં હતાં. સાથે સાથે એના હૃદયમાં પણ અનેક સુક્કાં પાંદડાં જેવું કશુંક કચડાતું હોય એવું લાગતું… શું હતું આ કશુંક? – સિમલાનાં સ્મરણો? આબુ યાત્રાની અપેક્ષાઓ? કે હૃદયમાં જ પટકાઈને ફૂટી ગયેલા ઝુમ્મરની વેરાયેલી કાચની ઝીણી ઝીણી કરચો જેવી કેટલીક ક્ષણો?! અમૃતાની ચાલવાની ઝડપ વધતી જતી હતી… સંજય જાણે ભાનમાં આવ્યો. પણ એને અમૃતાની પાછળ જવું ઉચિત ન લાગ્યું. ‘મંદાર,’ એણે મંદારને કહ્યું, ‘તું અમૃતાની પાછળ જા… જલદી… એ ક્યાંક કશું કરી ન બેસે..’ હતપ્રભ થઈ ગયેલો મંદાર ઊભો થઈને અમૃતા ગઈ હતી એ કેડી પર ઉતાવળે ચાલવા લાગ્યો… અમૃતા ટેકરીની ટોચ ઓળંગી ગઈ હતી તે હવે દેખાતી નહોતી… ‘અમૃતા…’ મંદારે બૂમ પાડી. સંજયના કાને મંદારની બૂમ સંભળાઈ ને પછી એના ડૂબતા જતા પડઘા.. ‘અમૃતા...’ વળી મંદારે બૂમ પાડી. પડઘા પડ્યા ને શમી ગયા. થયું, આટલી વારમાં ટેકરી ઓળંગીને એ ક્યાં અદૃશ્ય થઈ ગઈ? અમૃતાનો કોઈ જ જવાબ ન આવ્યો. હાંફળો-ફાંફળો મંદાર ચારે તરફ જોવા લાગ્યો. ચારે બાજુ વૃક્ષો જ વૃક્ષો. પવનમાં હાલતી ડાળીઓ – પાંદડાં. કાગડાઓનું ક્રા… ક્રા… ક્રા… ત્યાં મંદારની નજર પડી – એક વૃક્ષ નીચે અમૃતા બેઠી હતી ચુપચાપ, નજર જમીન પર ખોડી દઈને, ઢીંચણ પર હડપચી ટેકવી, સળેકડીથી જમીન પર આડાઅવળા લીટા કરતી... મંદાર પણ આવીને એની પાસે બેઠો. ‘ખોટું ન લગાડીશ અમૃતા, સંજય અત્યારે પાગલ થઈ ગયો છે… તારું અપમાન કરવાનો એનો ઇરાદો નહોતો. પણ, આ રોગના કારણે એણે અંદર ને અંદર સપ્રેસ કરી રાખેલું બધું હવે વિસ્ફોટની જેમ બહાર આવે છે…’ કહી મંદારે અમૃતાના ખભે હાથ મૂક્યો. ‘પણ સપ્રેસ થયેલું બધું માત્ર મારી એકલી પર જ...’ એનો સાદ ગળગળો થઈ ગયો ને એ મંદારને બાઝીને નાની બાળકીની જેમ રડી પડી, હીબકાં ભરતી રહી… મંદારનો હાથ એની પીઠે ફરતો રહ્યો... રડી રહ્યા પછીયે અમૃતા મંદારને બાઝી રહી… દૂરથી કોઈ જુએ તો એને એમ જ લાગે કે કોઈ સ્ત્રી કેવી એક પુરુષને… પણ અહીં તો અમૃતામાંથી ઊભરાઈ રહી હતી કેવળ પીડા… અંદર અંદર સંઘરી રાખેલી… કોઈનીયે સાથે નહિ વહેંચેલી… મંદારને રીતસર અનુભવાય છે કે એની પીડા પાતાળ ફોડીને બહાર આવી રહી છે ને પોતાનામાં પ્રવેશી રહી છે… હાથ પકડીને મંદારે અમૃતાને ઊભી કરી… ‘ચાલ, સંજય રાહ જોતો હશે...’ અમૃતા-મંદાર ગયેલાં એ સૂની દિશામાં સંજય ચિંતાતુર તાકી રહેલો. દૂરથી આવતાં અમૃતા-મંદાર નજરે પડ્યાં ને હા…શ થઈ. આવીને મંદારે કહ્યું, ‘તું ખૂબ થાકી ગયો છે, સંજય. તારે આરામની જરૂર છે. ચાલ, રૂમની વ્યવસ્થા મેં કરી દીધી છે.’ ત્રણે જણાં રૂમમાં પ્રવેશ્યાં. ‘તમે લોકો આરામ કરો.. હું જરા બહાર આંટો મારી આવું…’ કહી મંદાર રૂમનું બારણું આડું કરતો બહાર નીકળી ગયો. મંદાર પાછો ફર્યો ત્યારે વાવાઝોડા પછીની શાંતિ હતી. પછી જમવાનું પતાવ્યું. એ પછી સંજયે થોડું ઊંઘી લીધું. જાગ્યો ત્યારે એના મોં પર તાજગી જણાતી હતી. અમૃતાનો ચહેરોય ખૂબ વરસાદ પછી નીકળેલા ઉઘાડ જેવો દેખાતો હતો.

પહાડોની વચ્ચે થઈને ટાટા સુમો દોડવા લાગી. અહીં બહુ ટ્રાફિક નહોતો ને જરીકે પ્રદૂષણ નહોતું. તે અહીં નાકને ને ફેફસાંને ખૂબ સારું લાગતું હતું. માઈલસ્ટોન પર ‘આબુ રોડ’ના કિલોમીટર ઓછા ને ઓછા થતા જતા… એમ એમ સંજયનું મન વધુ ને વધુ પ્રફુલ્લિત થતું જતું… જાણે પોતે પહેલી જ વાર કોઈ હિલસ્ટેશન પર જઈ ન રહ્યો હોય! સંજયનેય નવાઈ લાગી કે પહેલી વાર આબુ જતા બાળક જેવું જ નર્યું વિસ્મય અનુભવાતું હતું ને પોતાની જ અંદર ઊછરતું મરણ જાણે ક્યાંક પાછળ રહી ગયું હતું… આવો વિચાર આવતાં સંજયે ગાંડાની જેમ પાછળ પણ જોઈ લીધું ને પછી પોતાના આવા ગાંડપણ ઉપર હસવું આવ્યું. ‘આબુ પહોંચીને નાહી-ધોઈ ફ્રેશ થઈને પછી સીધા જઈશું નખી તળાવ... ઢળતી સાંજના આછા ઉજાસમાં પહાડોની વચ્ચે નીલા-ભૂરા નખીના જળમાં પહાડોના પડછાયાઓ સાથે અથડાયા વિના સરતી-તરતી હશે આપણી નાવ… દુનિયાભરની બધીયે ચિંતાઓને કોક ખીણમાં પધરાવી દઈને આપણે એ...ય આરામથી બેઠાં હોઈશું નાવમાં આ...મ પગ લંબાવીને... ને ચારે કોરથી વરસી રહેલા પ્રકૃતિના અમૃતને ઝીલતાં હોઈશું આપણે હૃદયમાંની બધીયે છીપ ખોલીને.’ – બોલતાં બોલતાં. સંજયને જરી હાંફ ચઢી. ‘સારું, સારું… પહોંચતાંવેંત નખી તળાવ જઈશું… પણ અત્યારે તું વધારે બોલીશ તો શ્રમ પડશે. મૌન રહીને શક્તિ સંચિત કરી રાખ… આબુ માટે.’ મંદારે કહ્યું. આબુની તળેટી સુધી પહોંચી ગયા. સંજય સાવ મૌન રહ્યો. ટાટા સુમો અનેક વળાંકોવાળા વર્તુળાતા રસ્તા પરથી ઉપર ચઢવા લાગી. આબુની પ્રદક્ષિણા કરતી કરતી… સંજયને થયું, આબુની ફરતે વીંટળાઈને ઊંચે ચઢતો જતો આ ડામરનો રસ્તો – જાણે વાસુકી નાગ… મરણનો અજગર પણ પોતાની અંદરના મેરુની ફરતે આમ જ ભરડો લઈને બેઠો છે ને ભીંસ વધારતો જાય છે. હાડકેહાડકું અંદરથી તોડતો જાય છે... એના ફુત્કાર માત્રથી જાણે હાડકેહાડકું અંદરથી સળગે છે ભડ ભડ ભડ… અહીં પણ સૌંદર્યબોધના બદલે કેમ થઈ રહ્યો છે મને મરણબોધ? અમૃતાને ચક્કર-ઊલટી જેવું થવા લાગ્યું. મંદારે કહ્યું, ‘ના, કોઈ દવા નથી આપવી… બસ, લવિંગ રાખે મોંમાં...’ હૉટલમાં રૂમ અગાઉથી જ બુક કરી રાખેલા. સંજય-અમૃતા બાથટબમાં સાથે નાહ્યાં ને ફ્રેશ થઈ ગયાં. મંદાર પણ એની રૂમમાંથી તૈયાર થઈને આવ્યો ને બારણે ટકોરા દેતો બોલ્યો – ‘આવું?' ‘યેસ…’ અમૃતા બોલી. સદ્યસ્નાતા અમૃતા પાણી ટપકતા એના વાળ ટુવાલથી કોરા કરી રહી હતી. વાળમાંની શૅમ્પૂની ગંધ ચોતરફ પ્રસરતી હતી. સંજયે પોચા પોચા ગાદલામાં લંબાવ્યું હતું. ‘અમૃતા…’ સંજયે કહ્યું, ‘ચાલ હવે જલદી તૈયાર થઈ જા…’ બૅગમાંથી ચાર-પાંચ ડ્રેસ સંજય સામે પાથરી દેતાં અમૃતાએ પૂછ્યું – ‘કયો ડ્રેસ પહેરું?’ ‘આ… ઑફ વ્હાઇટ’, સંજય બોલ્યો. એને જાણ હતી, મંદારનેય ઑફ વ્હાઇટ રંગ બહુ ગમે છે. એ ડ્રેસ લઈને અમૃતા અંદર ગઈ… ને ફટાફટ તૈયાર થઈને આવીયે ગઈ. ‘લે, તું હજી સૂતો છે?! તૈયાર નથી થયો? રસ્તામાં તો, પહોંચીને તરત નખી તળાવ જવાનું વિચારતો’તો…' દીર્ઘ નિઃશ્વાસ નાખતાં સંજયે કહ્યું, ‘ના, મારે નથી આવવું… હું સખત થાકી ગયો છું… તમે લોકો જઈ આવો…' સંજયનો ઉચ્છ્‌વાસ અમૃતાને ગરમ લાહ્ય લાગ્યો. કપાળે હાથ મૂકી જોયો તો સખત તાવ. ‘અરે, તને તો સખત તાવ છે!’ મંદારે તાવ માપ્યો. દવા આપી. સંજયે હઠ પકડી – ‘મને તાવ છે એથી નખી તળાવનો પ્રોગ્રામ મુલતવી નથી રાખવાનો… જાઓ, તમે બંને જાઓ. ને મારા માટે આખુંયે નખીતળાવ ને આસપાસનો પરિવેશ આંખોમાં ભરી લાવજો.’ અમૃતા-મંદાર ના પાડતાં રહ્યાં તેમ તેમ સંજયની કવિહઠ વધતી ગઈ – ‘મારે અત્યારે અધૂરી નવલકથા આગળ ચલાવવી છે... મારે અડાબીડ એકાન્ત જોઈએ છે… તમે બંને જાઓ અહીંથી… ને પ્લી...ઝ મને એકલો રહેવા દો… તમે બે માત્ર મારી સારવાર માટે અહીં નથી આવ્યાં… તમે નથી જતા તો મને ખૂબ ખરાબ લાગે છે… મારો જીવ રૂના ઢગલાની જેમ સળગી ઊઠે છે… પ્લી...ઝ, તમે લોકો જઈ આવો. તાવ તો હમણાં ઊતરી જશે… વળી આ હૉટલથી નખી તળાવ ક્યાં બહુ દૂર છે?’ છેવટે મંદાર-અમૃતાને જવું પડ્યું. સંજય હૉટલના ઝાંપા પાસે ઊભો રહ્યો. હૉટલ ખાસી ઊંચાઈ પર હતી… ઢાળ ઊતરતાં મંદાર-અમૃતા જઈ રહ્યાં હતાં. બરાબર સામેના પહાડ પાસે સૂરજ પણ નીચે ઊતરતો જતો હતો. એનાં આથમતાં કિરણો સીધાં આંખોમાં આવતાં હતાં તે અમૃતા-મંદારની બે છાયાઓ પાસપાસે ચાલી જતી દેખાતી હતી... થોડે સુધી સીધો જઈને પછી રસ્તો મોટો વળાંક લઈ ડાબી બાજુએ વળી જતો... રસ્તાનો વળાંક શરૂ થયો એ પછી પાસપાસે ચાલતી બે છાયાઓ ધીમે ધીમે એકમેકની નજીક આવતી ગઈ.. એકમેકમાં નજીક આવતી ગઈ. રસ્તો ડાબી બાજુએ બિલકુલ વળી રહ્યો એ ક્ષણે બે છાયાઓ એકમેકમાં ભળીને એક બની ગઈ… ને પછી એ એક છાયા એક ટેકરી પાછળ ચાલી ગઈ… તાવથી ધખતા સંજયના ચહેરા પર કોઈ પહાડની ટોચ પરની કોઈ દેરીની ધજાની જેમ હળવું સ્મિત ફરફરતું હતું…