વીક્ષા અને નિરીક્ષા/સજીવ બંધન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સજીવ બંધન

સાહિત્ય શબ્દની નિરુક્તિ કરતાં કવિકુલગુરુ રવીન્દ્રનાથે કહ્યું છે કે : `સહિત શબ્દમાંથી સાહિત્ય શબ્દની ઉત્પત્તિ થઈ છે. એટલે ધાતુગત અર્થ લઈએ તો સાહિત્ય શબ્દમાં એક પ્રકારનો મિલનનો ભાવ જોવામાં આવે છે; એ કંઈ કેવળ ભાવ સાથે ભાવનું, શબ્દ સાથે શબ્દનું, ગ્રંથ સાથે ગ્રંથનું મિલન છે એમ નથી, – માણસની સાથે માણસનું, અતીતની સાથે વર્તમાનનું, દૂરની સાથે નિકટનું અત્યંત અંતરંગ મિલન સાહિત્ય સિવાય બીજા કશાથી જ સંભવિત નથી. જે દેશમાં સાહિત્ય નથી તે દેશના લોકો પરસ્પર સજીવ બંધનથી જેડાયેલા નથી – તેઓ વિચ્છિન્ન છે.’ નિખિલ ભારત બંગ સાહિત્ય સંમેલને પોતાના મિલન ભારતના ભિન્ન ભિન્ન પ્રદેશોમાં ગોઠવવાનો અને ત્યાંના સાહિત્ય-સંસ્કાર-રસિક વર્ગને તેમાં સામેલ કરવાનો જે પ્રઘાત પાડ્યો છે, તે સાહિત્યના આ મૂળ ધર્મને કેટલો તો અનુરૂપ છે, તે કહેવાની ભાગ્યે જ જરૂર હોય. એ માટે એના સંયોજકોને જેટલાં અભિનંદન આપીએ તેટલાં ઓછાં છે. આવા એક મિલનના પ્રસંગે સાહિત્ય વિભાગનું મંગલાચરણ કરવા મને બોલાવ્યો એને હું મારે માટે આનંદ અને ગૌરવનો વિષય ગણું છું અને એનો સ્વીકાર કરવામાં મેં મારા અધિકાર કરતાં બંગાળી મિત્રોના સ્નેહનો જ પ્રધાનપણે વિચાર કર્યો છે. આજે આપણા દેશમાં ભાષાને નિમિત્ત બનાવીને પ્રાંત પ્રાંત વચ્ચે જે વેરઝેર અને કડવાશ ફેલાવાઈ રહ્યાં છે, તેનો અત્રે ઉલ્લેખ કરતાં પણ શરમ આવે છે. એ દુઃખદ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો અને એ અનિષ્ટમાંથી ઊગરવાનો આપણી પાસે એક સાચો માર્ગ છે; અને તે ભિન્ન ભિન્ન પ્રદેશોના સાહિત્યનો ગાઢતર પરિચય સાધી તે દ્વારા ત્યાંના બંધુઓ સાથે આંતરિક સંબંધ બાંધવાનો. સાહિત્ય જેવું હૃદયને દ્રવીભૂત કરી એક કરનારું બીજું સાધન ભાગ્યે જ હશે. આપણા દેશનાં વિશ્વ-વિદ્યાલયો આ મિલનયોગની સાધનામાં મહત્ત્વનો ફાળો આપી શકે એમ છે. મારા પોતાના દાખલાથી આ વસ્તુ સ્ફુટ કરવા પ્રયત્ન કરું તો આપ મને ક્ષમા કરશો. હું હાઈસ્કૂલમાં ભણતો હતો ત્યારથી જ કોણ જાણે કેમ, મને બંગાળી શીખવાની ઇચ્છા જાગી હતી. મરાઠી તો હું તે વખતે પણ વાંચતો થયો હતો. અમારા ગામની હોમરૂલ લીગના વાચનાલયમાં તિલક મહારાજનું ‘કેસરી’ આવતું તે હું વાંચતો અને ઘણુંખરું સમજતો. પણ ત્યાં બંગાળી તો મને વાંચવા પણ ક્યાંથી મળે? પણ ૧૯૨૧માં અસહકાર કરી હું ગૂજરાત વિદ્યાપીઠના પ્રથમ વર્ષમાં દાખલ થયો ત્યારે મેં જોયું તો અમારા અભ્યાસક્રમમાં અંગ્રેજીને બદલે ભારતની કોઈ એક પ્રાદેશિક ભાષા લઈ શકાય એવી જોગવાઈ હતી, અને એમાં હિંદી, બંગાળી અને મરાઠી એ ત્રણ ભાષાના શિક્ષણની વ્યવસ્થા હતી. મેં ઝાઝો વિચાર કર્યા વગર મારી લાંબા સમયની ઇચ્છા પૂરી કરવાની આ તક ઝડપી લીધી અને અંગ્રેજીનો વધુ અભ્યાસ કરવાનું છોડી બંગાળી શીખવા માંડ્યું. શરૂઆતમાં અભયાશ્રમવાળા શ્રી અરુણોદય પ્રામાણિક અને ત્યાર પછી પાછળથી જલપાઈગુડી કૉલેજના આચાર્યપદે નિમાયેલા શ્રી ઇન્દુભૂષણ મજુમદાર અમારા બંગાળીના અધ્યાપક હતા. સ્નાતક માટે અમારે કોઈ પણ બે ભાષા લેવાની હતી એટલે પછીના ત્રણ વરસ મેં બંગાળી સાથે ગુજરાતીનો પણ વિશેષ અભ્યાસ કર્યો. આમ હું અંગ્રેજી વગર જ સ્નાતક થનારાઓમાંનો એક છું. અંગ્રેજીના ફરજિયાત ભારણ વિના પણ સ્નાતક થવાની જોગવાઈ રાખવી એ ગાંધીજીનું બીજું મહત્ત્વનું પ્રસ્થાન હતું. બંને બાબતમાં આપણા વિશ્વવિદ્યાલયો હજી પછાત છે. અમારી ગુજરાત યુનિવર્સિટીની જ વાત કરું તો મરાઠી, બંગાળી વગેરેના પરીક્ષણની જોગવાઈ થઈ છે, પણ શિક્ષણની વ્યવસ્થા થવી બાકી છે. મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠે અમારે ત્યાં આજથી પાંત્રીસ વર્ષ પહેલાં આ દિશામાં મહત્ત્વનું પ્રસ્થાન કર્યું હતું અને ભારતીય ભાષાઓના રીતસરના વ્યવસ્થિત અભ્યાસની જોગવાઈ કરી હતી. આવી વ્યવસ્થા ન હોવાને લીધે આપણા જે વિદ્યાર્થીઓ ભારતની ભિન્ન ભિન્ન ભાષાઓ શીખવા ચાહે છે તેમની એ ઇચ્છા વણપુરાયેલી જ રહે છે અથવા મહામુસીબતે જેવી તેવી જ પૂરી પડે છે; પરિણામ એ આવે છે કે એમની મારફતે પરભાષાના સાહિત્યનો જે પરિચય આપણને થાય છે તે પણ પૂરતો સંતોષકારક નથી થઈ શકતો. આપણે ગુજરાતને થયેલા બંગાળી સાહિત્યના પરિચયની જ વાત લઈએ તો માલૂમ પડશે કે બંગાળી સાહિત્યમાંથી ભિન્ન ભિન્ન વિષયોનાં પુસ્તકો ગુજરાતીમાં ઉતારવાનું કામ નારાયણ હેમચંદ્રે શરૂ કર્યું હતું. એ પોતે જેટલા ગરીબ હતા તેટલી જ એમની જ્ઞાનપિપપાસા અને જ્ઞાનપ્રસારની ધગશ તીવ્ર હતી. દૈવયોગે એઓ બાબુ નવીનચંદ્ર રાય નામના એક વિદ્યાપ્રિય અને ઉદારચરિત સજ્જનના સંપર્કમાં આવ્યા. એ નવીનચંદ્ર રાયે કોઈ પણ વિશ્વવિદ્યાલયની કોઈ પદવી મેળવી નહોતી. અંગ્રેજી પણ એઓ પાછળથી જાતમહેનતે શીખ્યા હતા, અને કેવળ પોતાના પુરુષાર્થને બળે જ એક સામાન્ય ઓવરસિયરમાંથી ઉત્તરોત્તર આગળ વધતાં એઓ પંજાબ યુનિવર્સિટીના પરીક્ષક, પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના એક્ઝામિનર, પેમાસ્ટર, લાહોરની ઓરિએન્ટલ કૉલેજના પ્રિન્સિપાલ તથા ત્યાંની યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સુધ્ધાં થયા હતા. એમણે હિંદીમાં વિવિધ વિષયો ઉપર ૪૦ જેટલાં પુસ્તકો લખ્યાં હતાં. સંસ્કૃત, ફારસી, ઉર્દૂ, અંગ્રેજી, હિંદી અને બંગાળી એટલી ભાષાઓ એઓ જાણતા. હિંદીમાં વિજ્ઞાનનાં પુસ્તકો લખવાની શરૂઆત કરનારામાંના એઓ એક હતા. કાશ્મીરના મહારાજાની સૂચનાથી એમણે સિવિલ એન્જિનિયરિંગ ઉપર પણ પુસ્તકો લખ્યાં હતાં. આવા એક વિદ્યોપાસક સજ્જનના કુટુંબીજન તરીકે રહેવાનું નારાયણ હેમચંદ્રને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. વળી પોતે મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર, સત્યેન્દ્રનાથ ઠાકુર, રવિન્દ્રનાથ ઠાકુર, કેશવચંદ્ર સેન, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર વગેરે અનેક બંગાળી મહાપુરુષોના અંગત પરિચયમાં પણ આવેલા હતા. એમણે બંગાળી પુસ્તકો ગુજરાતીમાં ઉતારવાનું શરૂ કર્યું તેમાં એમનો હેતુ પ્રધાનપણે જ્ઞાનપ્રચારનો જ હતો. એમની આત્મકથા ઉપરથી જાણવા મળે છે કે ઈ. સ. ૧૮૮૯ પહેલાં એમણે બંગાળીમાંથી જુદા જુદા વિષયોનાં પચાસ ઉપરાંત પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો, અને તે પછી પણ એ પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. એમણે અનુવાદ કરેલા પુસ્તકોમાં ‘સીતાર વનવાસ’, ‘આર્યકીર્તિ’, ‘ગંગાગોવિંદસિંહ’, ‘બ્રાહ્મધર્મ’, ‘બ્રાહ્મધર્મનાં વ્યાખ્યાન’, ‘સદ્ધર્મસૂત્ર’, ‘ભારતમહિલા’, ‘બ્રાહ્મધર્મમતસાર’, ‘વિષવૃક્ષ’, ‘અશ્રુમતી’, ‘પુરુવિક્રમ’ વગેરેનો સમાવેશ થાય છે. નારાયણ હેમચંદ્રની ભાષા ખીચડિયા હતી, ભાષાનું એમને મન મહત્ત્વ પણ નહોતું, એટલે એમણે કરેલા અનુવાદો ઘણી વાર ખૂબ ખરબચડા અને દુર્બોઘ બની જતાં. ગુજરાતના જાણીતા કવિ, પ્રસિદ્ધ ભાષાશાસ્ત્રી અને નીડર વિવેચક શ્રી નરસિંહરાવ દિવેટિયાએ બાબુ નવીનચંદ્ર રાય ચૌધુરીની નવલકથા `સંન્નાસી’નો નારાયણ હેમચંદ્રે જે અનુવાદ કર્યો હતો તેની સમાલોચનામાં એની ભાષા વિશે લખ્યું હતું : `નારાયણની ભાષાને લીધે અનેક સ્થળે અર્થનું વિશદત્વ તદ્દન ઢંકાઈ ગયું છે. કેટલેક સ્થળે તો હમે મથી મથીને તપાસતાં પણ અર્થ સમજી શક્યા નથી. અને આ વાર્તામાં એટલા મહાન ગુણો છે કે સાધારણ વાંચનારને સમઝવાને માટે સુગમતા થવાનો સંભવ છતાં, માત્ર ભાષાંતરકર્તાની ઉતાવળથી તથા ભાષા જેવી અપ્રધાન બાબત ઉપર બેદરકારીથી, તે દ્વાર બંધ થતું જોઈ ક્ષણવાર ક્રોધ અને ખેદ ઉત્પન્ન થયા વિના રહેતો નથી.’ – ‘બુદ્ધિપ્રકાશ’, ફેબ્રુઆરી, ૧૮૮૯. નારાયણ હેમચંદ્રે શરૂ કરેલી બંગાળીમાંથી અનુવાદ કરવાની આ પ્રવૃત્તિ આજ દિન સુધી ક્યારેક મંદ તો ક્યારેક તેજ બનતી ચાલુ રહી છે. આ પ્રવૃત્તિ, સ્વાભાવિક રીતે જ, મોટા ભાગે તે તે અનુવાદકની પોતાની રુચિથી દોરવાતી રહી છે, એટલે એમાં યોજનાબદ્ધતા કે રુચિનું પણ એકસરખું ધોરણ જળવાય એવી અપેક્ષા ભાગ્યે જ રહે. એ અનુવાદપ્રવૃત્તિની સાથોસાથ જ બંગાળી શીખવાની પ્રવૃત્તિ પણ ગુજરાતમાં ચાલુ રહી છે. એટલું જ નહિ, હું મારા પોતાના અનુભવથી જાણું છું કે વરસો જતાં વધતી ગઈ છે. સ્વાતંત્ર્યની લડતને અંગે જ્યારે જ્યારે મારે જેલમાં જવાનું આવ્યું છે ત્યારે ત્યારે હું ગમે તે જેલમાં હોઉં – સાબરમતી, યરોડા, યરોડા કૅમ્પ, નાશિક કે વિસાપુર – બધે મને બંગાળી શીખનાર મળી રહ્યા છે અને તે પણ ગુજરાતી, મહારાષ્ટ્રી, કર્ણાટકી એમ તે વખતના મુંબઈ રાજ્યના ત્રણે પ્રદેશના. બહાર પણ કોઈ ને કોઈ ભાઈ મારી પાસે મદદ લેવા આવતાં. હમણાં ચારેક વર્ષ પહેલાં ગુજરાત વિદ્યાસભા તરફથી અમે બંગાળીના વર્ગો શરૂ કરેલા ત્યારે પણ અમને વીસ પચીસ વિદ્યાર્થીઓ મળી રહેલા. અમારો એ વર્ગ અમે ચાલુ રાખ્યો હોત તો વિદ્યાર્થીઓની ખોટ પડવાની નહોતી. આ અનુવાદ પ્રવૃત્તિનું એક ચાલકબળ તે આપણા દેશમાં વ્યાપેલી ધર્મ અને સમાજની સુધારણાની પ્રવૃત્તિ. બંગાળમાં બ્રાહ્મસમાજની સ્થાપના થઈ, પૂનામાં ઈશ્વરપ્રાર્થના સમાજની સ્થાપના થઈ, તેમાંથી પ્રેરણા લઈને અમદાવાદમાં પણ ઈશ્વરપ્રાર્થના સમાજ સ્થપાઈ. એ પ્રવૃત્તિને અંગે મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરના ગ્રંથોનો, કેશવચંદ્ર સેનના `નવવિધાન’નો, ‘વિદ્યાસાગર’ના `વિધવાવિવાહ’નો અનુવાદ થયો. અશ્વિનીકુમાર દત્તનાં `ભક્તિયોગ’ અને `પ્રેમ’ પણ ગુજરાતીમાં ઊતર્યા. બંકિમચંદ્રનાં `ધર્મતત્ત્વ’, `કૃષ્ણચરિત્ર’, `લોકરહસ્ય’, `વિવિધ પ્રબંધ’, `કમલાકાંતેર દફતર’, `કમલાકાંતેર પત્ર’ વગેરેએ પણ નવ વિચારધારાને પોષી. આનાથી કંઈક જુદી પણ ધર્મપ્રચારની દૃષ્ટિથી જ શ્રીરામકૃષ્ણ પરમહંસને લગતાં પુસ્તકો – શ્રીરામકૃષ્ણ કથામૃત વગેરે – અને સ્વામી વિવેકાનંદનાં અને તેમને લગતાં પુસ્તકો પણ ગુજરાતીમાં ઊતર્યા. શ્રી નાગમહાશય, પાગલ હરનાથ ઠાકુર, શ્રી મા આનંદમયીનાં અને તેમને લગતાં પુસ્તકો પણ એ જ ધારામાં આવે. દિનેશચંદ્ર સેનની `રામાયણી કથા’, ગિરિશચંદ્ર સેનનું `મુસ્લિમ મહાત્માઓ’, ઈશાનચંદ્ર બસુનું `આર્યધર્મનીતિ’, હરપ્રસાદ શાસ્ત્રીનું `વાલ્મીકિર જય’, બંકિમચંદ્ર લાહિડીનું `મહાભારત મંજરી’, હરિસત્ય ભટ્ટાચાર્યનું `જિનવાણી’, નવીનચંદ્ર સેનનું `કૃષ્ણજીવન’, શિશિરકુમાર ઘોષનું `અમિયનિમાઈ’, હેમચંદ્ર વિદ્યારત્નનું `રામાયણ’, ઉપેન્દ્રકિશોર રાયચૌધરીનું ‘છેલેદેર રામાયણ’, સુબોધચંદ્ર મજુમદારનું ‘બાળ ભારત’, સત્યેન્દ્રનાથ મજુમદાર અને જગદીશ ચટ્ટોપાધ્યાયનાં ‘બાળકોના વિવેકાનંદ’ વગેરે પણ અહીં નોંધવાં જોઈએ. ઇતિહાસના ગ્રંથોનો વિચાર કરતાં રજનીકાન્ત સેનનાં ‘સિપાહી યુદ્ધેર ઇતિહાસ’, તથા અક્ષયકુમાર મૈત્રેયનાં ‘મીર કાસિમ’, ‘સિરાજુદ્દૌલા’ તથા ‘ફિરંગી વણિક’ અને બંકિમચંદ્ર લાહિડીના ‘મહાન સમ્રાટ અકબર’ યાદ આવે છે. ધર્મની પેઠે રાષ્ટ્રવાદે પણ અનુવાદ પ્રવૃત્તિને વેગ આપ્યો છે. એ રીતે બંગાળના અનેક વિપ્લવવાદીઓની આપવીતી અને વિપ્લવવાદને લગતાં પુસ્તકો ગુજરાતીમાં આવ્યાં છે. એમાં ઉપેન્દ્રનાથ બંદોપાધ્યાયનું `નિર્વાસિતેર આત્મકથા’, શ્રી અરવિંદની `કારાવાસની કહાણી’ અને બારીન્દ્રનું પુસ્તક મુખ્ય છે. જીવનચરિત્રોમાં ઉપર ગણાવેલા ધર્મપુરુષોનાં ચરિતો ઉપરાંત શ્રી નગેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયનું ‘રાજા રામમોહન રાયનું ચરિત્ર, મહર્ષિની `આત્મજીવની’, રવીન્દ્રનાથની `જીવનસ્મૃતિ’ અને `છેલબૅલા’, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું ચરિત્ર, ક્ષિતિમોહન સેનકૃત `તાનસેન’ એટલાં ગણાવવાં જોઈએ. ગંભીર ચિંતનાત્મક ગ્રંથોમાં શશિભૂષણ સેનનું ‘કર્મક્ષેત્ર’, રવીન્દ્રનાથનાં ‘સમાજ’, ‘સ્વદેશ’, ‘સ્વદેશી સમાજ’, ‘શિક્ષા’, ‘ધર્મ’, ‘શાંતિનિકેતન’, ‘માનવધર્મ’, ‘સાહિત્ય’, ‘પ્રાચીન સાહિત્ય’, ‘છેલે ભુલાનો છડા’, ‘પંચભૂતેર ડાયરી’, ‘રાશિયાર ચિઠિ’, ‘સભ્યતાર સંકટ’, ‘ચારિત્રપૂજા’, ‘મહાત્મા ગાંધી’, ‘વિશ્વપરિચય’, અવનીન્દ્રનાથ ઠાકુરનું ‘ભારત શિલ્પ’, સુરેન્દ્રનાથ દાસગુપ્તનું ‘કાવ્યવિચાર’, અતુલચંદ્ર ગુપ્તનું ‘કાવ્યજિજ્ઞાસા’, વિષ્ણુપદ ભટ્ટાચાર્યનું ‘કાવ્યમીમાંસા’, દિલીપકુમાર રાયનું ‘તીર્થંકર’, અને દીનેશચંદ્ર સેનનું ‘બાંગ્લા ભાષાનો સાહિત્ય’–એટલાં ખાસ સંભારવાં જોઈએ. પંડિત ક્ષિતિમોહન સેનનાં ‘તંત્રની સાધના’ અને ‘મધ્યયુગની સાધનાધારા’નું પણ ગુજરાતી થયું છે. શુદ્ધ સાહિત્યમાં કાવ્યના અનુવાદો ઓછા જ થાય એ સમજી શકાય એવું છે. તેમ છતાં અત્યાર સુધીમાં અમારે ત્યાં `ગીતાંજલિ’ના આઠ અનુવાદો થયા છે. એમાંના મોટા ભાગના અંગ્રેજી ઉપરથી અને ગદ્યમાં થયેલા છે. બે સળંગ પદ્યમાં અને મારા અનુવાદમાં કેટલાંક કાવ્યો પદ્યમાં અને કેટલાંક ગદ્યમાં કરેલાં છે. અમારા એક શ્રેષ્ઠ કવિ કાન્તે અને પ્રથમ શ્રેણીના વાર્તાલેખક શ્રી ધૂમકેતુએ પણ `ગીતાંજલિ’ના અનુવાદ પર હાથ અજમાવેલો છે એ નોંધપાત્ર ઘટના છે. રવીન્દ્રનાથના `ઉત્સર્ગ’નો અનુવાદ મૂળ છંદોમાં થયેલો છે. ‘નૈવેદ્ય’ના ગદ્યમાં થયેલો છે. ‘કથા ઓ કાહિની’ના ચારેક ગદ્ય અનુવાદો થયેલા છે અને તેમાંથી કોઈ કોઈ કવિતાના પદ્યાનુવાદ પણ પ્રગટ થયેલા છે. ‘કાહિની’માંના સંવાદકાવ્યો, `વિદાય અભિશાપ’ અને `લક્ષ્મીર પરીક્ષા’ના એકથી વધુ ગદ્યાનુવાદ થયેલા છે. અમારા એક પ્રસિદ્ધ અને રાષ્ટ્રશાયરનું બિરુદ પામેલા કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીએ રવીન્દ્રનાથનાં કેટલાંક કાવ્યોનો અનુવાદ ‘રવીન્દ્રવીણા’ નામે કરેલો છે. એણે એ કવિતાઓને આમજનતામાં પહોંચાડવામાં સારો ફાળો આપેલો છે. એ ઉપરાંત ‘ગાર્ડનર’, ‘ફ્રૂટ ગૅધરિંગ’ વગેરેના અનુવાદને પણ અહીં સંભારી શકાય. ‘લિપિકા’, ‘છડા ઓ છબિ’ અને ‘પલાતકા’ વગેરેમાંની કથાઓ પણ ગુજરાતીમાં ઊતરેલી છે. દેશબંધુ ચિત્તરંજન દાસના ‘સાગર સંગીત’નો ગદ્યાનુવાદ પણ થયેલો છે. ‘મેઘનાદવધ’નો મૂળ છંદમાં થયેલો અનુવાદ, માઈકેલ મધુસૂદન દત્તના બે નાટકો – `એકે ઈકિ બલે સભ્યતા? અને ‘બુડો શાલિકેર ઘાડે રોયાં’ના અનુવાદ આપણી સાહિત્ય અકાદમી તરફથી તૈયાર થયેલા છે. તે થોડા સમયમાં પ્રગટ થશે. નાટક સાહિત્યમાં છેલ્લો ઉમેરો `જીવનટાઈ નાટક’નો થયો છે. પ્રકાશકની રાહ જોઈ રહ્યો છે. રવીન્દ્રનાથ સિવાયનાં કોઈ કોઈ કવિનાં છૂટક કાવ્યોના અનુવાદ થયેલા છે પણ એની સંખ્યા હજી ગણનાપાત્ર નથી. નાટકોમાં રવીન્દ્રનાથનાં ‘પ્રકૃતિર પ્રતિશોધ’, ‘વિસર્જન’, ‘ડાકઘર’, ‘શરદુત્સવ’, ‘મુકુટ’, ‘અચલાયતન’, ‘મુક્તધારા’, ‘નટીર પૂજા’, ‘ગૃહપ્રવેશ’, ‘ચિરકુમાર સભા’, ‘રથેર રશિ’, ‘તાસેર દેશ’, ‘રાજા’, ‘રાજાઓ રાણી’, ‘ચંડાલિકા’,—‘વૈકુંઠેર ખાતા’, ‘શોધબોધ’, ‘હાસ્યકૌતુક’, ‘માલિની’, ‘વ્યંગ-કૌતુક’ એમ ઘણાખરાં થયેલાં છે. દ્વિજેન્દ્રલાલ રાયનાં ‘મેવાડપતન’, ‘શાજાહાન’, ‘રાણા પ્રતાપ’, ‘ભીષ્મ’, ‘સીતા’, ‘પરપાર’ વગેરે તેમ જ ગિરિશચંદ્ર ઘોષનું `પ્રફુલ્લ’, શરદચંદ્રની કૃતિઓનાં નાટ્ય રૂપાંતર—`વિજયા’, `વિરાજવહુ’, `બિંદુર છેલે’, `ભૈરવી’, `રમા’, `ચંદ્રનાથ’, વગેરે તથા કેટલાંક રેડિયો નાટકો પણ ઊતરેલાં છે. નવલકથામાં બંકિમચંદ્ર, રમેશચંદ્ર, રવીન્દ્રનાથ અને શરચ્ચંદ્રની બધી જ કૃતિઓ એકથી વધુ વાર ગુજરાતીમાં ઊતરી છે. શરચ્ચંદ્રનો ગુજરાતને પહેલો પરિચય કરાવનાર સ્વ. મહાદેવભાઈ દેસાઈ હતા એ નોંધપાત્ર છે. એમણે `બિંદુર છેલે’ અને `વિરાજવહુ’ એ બે પુસ્તકોનો અનુવાદ જેલમાં કર્યો હતો અને `ચંદ્રનાથ’નો અધૂરો રહ્યો હતો. ઉપર ગણવેલા લેખકો ઉપરાંત પ્રભાતકુમાર મુખોપાધ્યાય, ચારુચંદ્ર બંદ્યોપાધ્યાય, હરિસાધન મુખોપાધ્યાય, રાખાલદાસ બંદ્યોપાધ્યાય, શેલજાનંદ મુખોપાધ્યાય, સૌરીન્દ્રમોહન મુખોપાધ્યાય, બલાઈચાંદ મુખોપાધ્યાય, પ્રેમેન્દ્ર મિત્ર, નારાયણ ભટ્ટાચાર્ય, યતીન્દ્રમોહન બાગચી, વિભૂતિભૂષણ બંદ્યોપાધ્યાય, તારાશંકર બંદ્યોપાધ્યાય, માણિક બંદ્યોપાધ્યાય, નિરૂપમા દેવી, પ્રભાવતીદેવી સરસ્વતી, સ્વર્ણકુમારી દેવો, અનુરૂપા દેવો, સીતાદેવી, શાંતાદેવી, નરેશચંદ્ર સેનગુપ્ત, જલધર સેન, હુમાયુન કબીર, અવનીન્દ્રનાથ ઠાકુર વગેરે લેખકોની સંખ્યાબંધ કૃતિઓ ગુજરાતીમાં ઊતરી છે. પાંચકડી દેની પણ ત્રણેક રોમાંચકર નવલકથાઓ અમારા વાચકોને ઉપલબ્ધ છે. આ યાદી સંપૂર્ણ કરવાનો પ્રયત્ન મેં કર્યો નથી, પણ અમારે ત્યાં કેવું કેવું સાહિત્ય ઊતર્યું છે તેનો આપને ખ્યાલ આપવા પૂરતો મેં અહીં પ્રયત્ન કર્યો છે. આમ, આપ જુઓ છો કે બંગાળીમાંથી નવલકથા અને વાર્તાઓ મોટાં પ્રમાણમાં ગુજરાતીમાં ઊતરી છે, એણે અમારા વાચક વર્ગની રુચિને સારી પેઠે પોષી છે. તેમ છતાં, મારે નોંધવું જોઈએ કે એ અનુવાદોએ અમારા પોતાના વાર્તા અને નવલકથા લેખકો ઉપર નજરે ચડે એવો પ્રભાવ પાડ્યો નથી. કોઈએ એમાંના કોઈ લેખકનું અનુકરણ સુધ્ધાં કરવાનો પ્રયત્ન કર્યો નથી. કવિતામાં પણ અમારા કવિઓ રવીન્દ્રનાથના એવા પ્રભાવથી એકંદરે મુક્ત રહ્યા છે. ગુજરાતીમાં બંગાળી સાહિત્ય ઊતર્યું તેની સાથોસાથ તેનું વિવેચન પણ થતું રહ્યું છે, એ પ્રત્યે હું આપનું ધ્યાન દોરવા માગું છું. નારાયણ હેમચંદ્રે `સંન્યાસી’ નવલકથાનો અનુવાદ કર્યો તે જ વખતે શ્રી નરસિંહરાવે તેનું વિસ્તૃત વિવેચન કરેલું એ હું આગળ કહી ગયો છું. એ જ રીતે અમારા એક પ્રૌઢ કવિ અને વિવેચક શ્રી બળવંતરાય ઠાકોરે બંકિમની ‘રજની’નું તેમ જ રવીન્દ્રનાથની `જોગાજોગ’નું વિવેચન કરેલું છે. શ્રી કાકાસાહેબ કાલેલકરે ‘દેવી ચૌધુરાણી’, ‘ઘરે બાહિરે’, ‘ગીતાંજલિ’, ‘સ્વદેશી સમાજ’, ‘અચલાયતન’, ‘વિદાય અભિશાપ’, ‘ચિત્રાંગદા’, ‘પ્રાચીન સાહિત્ય’, ‘માલંચ’ અને શરચ્ચંદ્રના ‘ગૃહદાહ’ વગેરેનું વિવેચન કરેલું છે. અમારા આ જમાનાના સર્વશ્રેષ્ઠ વિવેચક શ્રી રામનારાયણ વિ. પાઠકે શરચ્ચંદ્રની લગભગ બધી જ મહત્ત્વની કૃતિઓનું વિસ્તૃતે વિવેચન કરેલું છે. એ લખાયું ત્યારે શરદબાબુ પણ હયાત હતા. એટલે એમની એવી ઇચ્છા હતી કે એ વિવેચન બંગાળીમાં ઊતરે તો એ વિશેની બંગાળની પ્રતિક્રિયા જાણવા મળે. પણ એ એમના જીવન દરમિયાન તો ન થઈ શક્યું. હવે પણ કોઈ બંગાળી એને બંગાળ સમક્ષ રજૂ કરે એવી આશા રાખીએ. શ્રી પાઠકે એ ઉપરાંત, ‘નૌકાડૂબી’, ‘મુક્તધારા’, ‘નટીર પૂજા’, ‘પંચભૂતેર ડાયરી’, ‘દુઇ બોન’, ‘ચતુરંગ’ વગેરેનું વિવેચન પણ કરેલું છે. શ્રી ઝવેરચંદ મેઘાણીએ શ્રી દ્વિજેન્દ્રનાથ ઠાકુરના `સ્વપ્ન પ્રયાણ’નો વિસ્તૃત પરિચય પુષ્કળ ઊતારા આપીને કરાવેલો છે. એ જ રીતે શ્રી કીકુભાઈ દેસાઈએ દેશબંધુ દાસની કવિતાનો તથા મેં કાજી નજરુલ ઇસ્લામ અને યતીન્દ્રનાથ સેનનાં કાવ્યનો તેમ જ `દત્તા’ અને `ડાકઘર’નો પરિચય કરાવેલો છે. દ્વિજેન્દ્રલાલના હાસ્ય રસ ઉપર પણ અનેક ઉતારાઓ સાથે મેં લખેલું છે. તે ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદના બારમા સંમેલન માટે મેં ‘બંગાળી સાહિત્યનું વિહંગદર્શન’ લખ્યું હતું તે પછી અવારનવાર બંગાળી સાહિત્યની નવાજૂની નોંધી હતી. આ બધું કંઈક વિસ્તારથી આપને નિવેદન કરવામાં મારો હેતુ અમારે ત્યાં બંગાળી સાહિત્યનો પરિચય અને પ્રભાવ કેવો અને કેટલો છે, એ જણાવવાનો છે. અહીં મને નિખિલ ભારત બંગ સાહિત્ય સંમેલનના મુંબઈમાં મળેલા અધિવેશનના પ્રમુખશ્રીએ કહેલી એક વાત યાદ આવે છે. તેમણે એવી મતલબના શબ્દો ઉચ્ચાર્યા હતા કે બંગાળી સાહિત્યમાંની અનેક કૃતિઓના અનુવાદ ભારતની બીજી ભાષાઓમાં થાય છે પણ હજી આપણે બંગાળીઓએ બીજા પ્રદેશોની ભાષા અને સાહિત્યનો પરિચય સાધી તેમાંની શ્રેષ્ઠ કૃતિઓને બંગાળીમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો નથી – એ હવે થવો જોઈએ. એ થશે ત્યારે જ આદાનપ્રદાનની પ્રક્રિયા પૂર્ણાંગ બનશે. અંતમાં, આવાં સંમેલનો દ્વારા સાહિત્ય પ્રત્યેની અભિરુચિ વધે, અને સાહિત્યના સેવનથી આપણામાં હૃદયની વિશાળતા, વિચારની ઉદારતા અને મનની મોટાઈ આવે, અને આપણે બધા માનવ તરીકે એકબીજાની વધુ નિકટ આવીએ, ભારતના ભિન્ન ભિન્ન પ્રદેશો વચ્ચે પ્રેમભાવ અને એકતાની ભાવના વિકસે અને દૃઢ બને તથા એકંદરે આખા માનવકુટુંબમાં આત્મીયતા જાગે એવી પ્રાર્થના સાથે મારું વક્તવ્ય પૂરું કરું છું.

૨૫-૧૨-’૫૭
`પરબ’ ૧૯૭૮ : ૪