વીક્ષા અને નિરીક્ષા/રાષ્ટ્રીય એકતા અને બંગાળી સાહિત્ય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
રાષ્ટ્રીય એકતા અને બંગાળી સાહિત્ય

મારો આજનો વિષય છે `રાષ્ટ્રીય એકતા અને બંગાળી સાહિત્ય’. એમાં જે `એકતા’ શબ્દ વાપર્યો છે તે મારા ધારવા પ્રમાણે અંગ્રેજી શબ્દ `ઇન્ટિગ્રેશન’ નો અનુવાદ છે. `નૅશનલ ઇન્ટિગ્રેશન’ શબ્દપ્રયોગ છેલ્લાં થોડાં વર્ષોથી પ્રચારમાં આવ્યો છે અને હમણાં હમણાં ખૂબ જ વપરાય છે. એનું કારણ એ લાગે છે કે આજે આપણે સાચી રાષ્ટ્રભાવના જાણે ખોઈ બેઠા છીએ. રાષ્ટ્રને બદલે પ્રદેશ, ધર્મ, ભાષા વગેરેના ઓઠા નીચે સ્વાર્થ જ વધુ પ્રબળ બનતો રહ્યો છે. અને એના મારણ તરીકે આપણે ફરી લોકોના હૃદયમાં સાચી રાષ્ટ્રભાવના જગાડવા મથી રહ્યા છીએ. આપણને એમ લાગે છે કે રાષ્ટ્રભાવનાને ખંડિત કરનારા જે તત્ત્વો કે બળો છે, તેને ગૌણ બનાવી દઈ આપણે માણસોને વિશાળ એકમના અંશો તરીકે એકતાસૂત્રે બાંધી શકીએ, અર્થાત્ માણસોનાં મન અને હૃદયને પ્રદેશ, ધર્મ, ભાષા વગેરેના સંકુચિત સ્વાર્થથી પર થઈ સમગ્ર વિશાળ રાષ્ટ્રના હિતનો વિચાર કરતાં કરી શકીએ તો આજે આપણા માર્ગમાંની ઘણી મોટી મુશ્કેલી દૂર થઈ શકે અને સ્વાધીનતા પ્રાપ્ત થયા પછી આપણા રાષ્ટ્રની જે ત્વરિત ગતિએ પ્રગતિ થવી જોઈતી હતી તે થતી નથી, બલકે કેટલીક વાર આપણા મનમાં એવી પણ આશંકા જાગે છે કે આ તે આપણે આગળ જઈએ છીએ કે પાછળ? – એ દુઃખદ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળી શકીએ. આજે આપણા હાથમાં રાજસત્તા આવી છે એટલે એનો લાભ ઉઠાવી અંગત કે સંકુચિત પ્રાદેશિક, ફિરકાગત સ્વાર્થો સાધી શકાય એવી સ્થિતિ પેદા થઈ છે, એટલે રોટલા માટેની ખેંચતાણ ખૂબ વધી ગઈ છે. રમણભાઈએ `ભદ્રંભદ્ર’માં વર્ણવેલી

ब्राह्मणो ब्राह्मंण द्ष्टवा श्वानवत् घुर्घुरायते |

બ્રાહ્મણ બ્રાહ્મણને જોતાં કૂતરાની પેઠે ઘુરકિયાં કરે છે! –એ સ્થિતિમાં આપણે મુકાઈ ગયા છીએ. નહિ તો નર્મદા કે ગોદાવરીનાં જળની વહેંચણીનો પ્રશ્ન સત્તાવીસ સત્તાવીસ વર્ષ સુધી વણઊકલ્યો રહ્યો ન હોત. પણ જ્યારે આપણે સ્વાધીનતા માટે મથતા હતા ત્યારે લાભ ખાટવાનો સમય આવ્યો નહોતો એટલે આ બધા પ્રશ્નો એટલા ઉગ્ર સ્વરૂપે પ્રગટ્યા નહોતા. અને તે વખતે આપણે મોટે ભાગે રાષ્ટ્રીય ભાવના એટલે દેશ કે રાષ્ટ્રને માટે ઘસાઈ છૂટવાની ભાવના એમ જ સમજતા હતા. આથી મેં આજના વ્યાખ્યાનમાં બંગાળી સાહિત્યમાં રાષ્ટ્રભાવના એ વિષયને અમુક મર્યાદામાં રહીને નિરૂપવાનો પ્રયત્ન કર્યો છે. બંગાળ એક રીતે ખૂબ ભાગ્યશાળી ગણાય કે ત્યાં બહુ જ ટૂંકા ગાળામાં એક પછી એક અનેક મહાન વિભૂતિઓનો જન્મ થયો. ખાલી નામાવલિ જોઈ જઈએ તોય સ્તબ્ધ થઈ જવાય. રાજા રામમોહન રાય, મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, બંકિમચંદ્ર, રવીન્દ્રનાથ, અરવિંદ, જગદીશચંદ્ર બસુ, પ્રફુલ્લચંદ્ર રાય, સત્યેન્દ્રનાથ બસુ, શરચ્ચંદ્ર ચટ્ટોપાધ્યાય વગેરે. આપણા આજના વિષયની વાત કરીએ તો રાજા રામમોહન રાયથી શરૂઆત કરવી જોઈએ. સૌ જાણે છે કે એમણે પોતાનાં જીવનકાર્યની શરૂઆત ધાર્મિક સંસ્કારથી કરી હતી અને ધર્મ જ જીવનનો પાયો હોઈ એ પ્રવૃત્તિ જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં વ્યાપી વળી હતી. સમાજસુધારો, શિક્ષણ, રાજકારણ, સ્ત્રી-ઉન્નતિ, વેપાર-ઉદ્યોગનો વિકાસ, આર્થિક પરિસ્થિતિ – આ બધાં જ ક્ષેત્રોમાં એમણે કોઈ ને કોઈ મહત્ત્વનું કામ કર્યું હતું. શરૂઆત એમણે શુદ્ધ વેદાંત અને એકેશ્વરવાદના પ્રચારથી કરી, અને શંકરના માયાવાદનું નવું અર્થઘટન કરી આપણા સમાજમાં વ્યાપેલા પ્રમાદને ખંખેરી નાખવાનો પ્રયત્ન કર્યો. એકેશ્વરવાદ સ્વીકાર્યો અને સહુ માનવો એક જ ઈશ્વરના સંતાન છે એમ માન્યું એટલે આપોઆપ જ જાતિ, ધર્મ, દેશ, ભાષા વગેરેના ભેદો ગૌણ બની જાય છે; બલકે રહેતા જ નથી. અને રાજા રામમોહનના જીવનમાં આ વસ્તુ ખૂબ જ સારી રીતે પ્રગટ થતી જોવા મળે છે. દુનિયાના જુદા જુદા ધર્મોનો અભ્યાસ કરી એઓ એકેશ્વરવાદના નિષ્કર્ષ ઉપર પહોંચ્યા હતા, તેમ છતાં બીજા મતો પ્રત્યે એમનામાં અસહિષ્ણુતા નહોતી. પોતાની સ્થાપેલી બ્રાહ્મસભાના મકાન માટે એમણે જે ટ્રસ્ટીનામું ૧૮૩૦ના જાન્યુઆરીની ૮મી તારીખે કર્યું તે આપણા દેશના ઇતિહાસમાં એક મહત્ત્વનો દસ્તાવેજ છે. એમાં એવો સ્પષ્ટ આદેશ આપવામાં આવેલો છે કે `ટ્રસ્ટીઓએ કોઈ પણ જાતના ભેદભાવ વિના, જેઓ વ્યવસ્થિત રીતે બિનકેફ હાલતમાં ધર્મ અને ભક્તિપૂર્વક વિશ્વના સર્જક અને પાલક શાશ્વત, અવ્યય અને અજ્ઞેય બ્રહ્મની ઉપાસના અને સ્તુતિ કરવા ભેગા થતા હોય એવા બધા પ્રકારના લોકોને એ મકાન તથા જમીન વગેરેનો ઉપયોગ જાહેર મિલનના સ્થાન તરીકે કરવા દેવાનો છે, પણ એમાં માણસો કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ માટે વપરાતાં હોય એવા બીજા નામે ઈશ્વરની ઉપાસના કરી શકશે નહિ, તેમ જ એ ઉપાસના દરમ્યાન બીજા માણસો જેને પૂજતા હોય એવા કોઈ પણ સજીવ કે નિર્જીવ પદાર્થની નિંદા કે તેનો તિરસ્કારભર્યો ઉલ્લેખ કરી શકશે નહિ, પણ વિશ્વના સર્જક અને પાલકના ધ્યાનને પોષે, માણસોમાં પ્રેમ, નીતિ, પવિત્રતા, પરોપકારિતા અને સદ્ગુણને ઉત્તેજે અને બધા ધર્મના માણસો વચ્ચે એકતાના સંબંધને મજબૂત બનાવે એવા વચનો જ વાપરવા.’ આ ઉદાર એકેશ્વરવાદમાંથી પ્રગટેલો વિશ્વમાનવવાદ જ એમના રાજકીય ચિંતનનો પણ પાયો હતો તે એમણે ફ્રાંસના વિદેશમંત્રી તેલારા(Telleyrand)-ને ૧૮૩૧ના ડિસેમ્બરની ૨૨મીએ લખેલા પત્ર ઉપરથી સ્પષ્ટ થાય છે. એ પત્રમાં એમણે પાસપોર્ટ-પદ્ધતિ રદ કરવાની જિકર કરી હતી જેથી — `આખી માનવજાતના પરસ્પરના લાભમાં અને આનંદમાં વધારો થાય. કેવળ ધર્મ જ નહિ પણ પક્ષપાતશૂન્ય સામાન્ય બુદ્ધિ અને વૈજ્ઞાનિક સંશોધનોના ચોકસાઈપૂર્વક તારવેલા અનુમાનો પણ એ જ નિર્ણય તરફ લઈ જાય છે કે આખી માનવજાત એક જ મહાન કુટુંબ છે અને જુદી જુદી પ્રજાઓ અને જાતિઓ એની ભિન્ન ભિન્ન શાખાઓ માત્ર છે.’ એ જ પત્રમાં એમણે પ્રજા પ્રજા વચ્ચેના ઝઘડાઓનો શાંતિપૂર્વક નિકાલ લાવવા માટે એક અતિરાષ્ટ્રીય સંસ્થા સ્થાપવાની હિમાયત કરી હતી અને લખ્યું હતું કે જેથી — `બે સુધરેલા દેશના લોકો સાથે સંબંધ ધરાવતી બધી રાજકીય કે વેપારને લગતી તકરારી બાબતો એવી સંસ્થા આગળ રજૂ કરીને સમાધાનપૂર્વક અને બંનેને સંતોષ થાય એવી રીતે ન્યાયપૂર્વક પતાવી શકાય, અને પરિણામે તે બંને વચ્ચે પેઢી દર પેઢી શાંતિ અને મિત્રતાની ભાવના રહ્યા કરે.’ આમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ કે દુનિયામાં કોઈને પણ સૂઝે તે પહેલાં રામમોહનને ‘લીગ ઑવ નેશન્સ’ સ્થાપવાને વિચાર સૂઝ્યો હતો જે પહેલા વિશ્વયુદ્ધ પછી જ ૧૯૧૭માં મૂર્ત બન્યો અને તે નિષ્ફળ જતાં નવી સ્થપાયેલી વિશ્વસંસ્થા સંયુક્ત રાષ્ટ્રસંઘ (U.N.O.) આજે આવું કામ કરવા પ્રયત્ન કરી રહી છે. ૧૮૨૩માં દક્ષિણ અમેરિકામાંના સ્પેનના સંસ્થાનો સ્પેનના જુલમી રાજ્યમાંથી મુક્ત થયાના સમાચાર મળતાં જ એમણે પોતાને મિત્રોને ભોજન સમારંભમાં આમંત્ર્યા અને કોઈકે જ્યારે એમ પૂછ્યું કે તમે શા માટે આ પ્રસંગ આ રીતે ઉજવો છો, ત્યારે એમણે કહ્યું હતું: `શું? મારા માનવબંધુઓ ગમે ત્યાં વસતા હોય, અને સ્વાર્થ, ધર્મ કે ભાષાની દૃષ્ટિએ મારી સાથે તેમનો ભલે કશો સંબંધ ન હોય તોય મારે તેમના દુઃખો પ્રત્યે લાગણીશૂન્ય રહેવું?’ એ જ રીતે જ્યારે પોર્ટુગલમાં બંધારણીય શાસન દાખલ થયું ત્યારે પણ એમને ખૂબ આનંદ થયો હતો. એ જ રીતે એમણે તુર્કી વિરુદ્ધ ગ્રીકોના સ્વાતંત્ર્યસંગ્રામને પણ ટેકો આપ્યો હતો. ૧૮૨૧માં નેપલ્સના લોકોનો બંધારણ માટેનો બળવો નિષ્ફળ ગયો અને તેના આગેવાનોને દેહાંતદંડ દેવામાં આપ્યો ત્યારે એમને એટલું બધું દુઃખ થયું હતું કે બકિંગહામનું પાર્ટીનું આમંત્રણ પાછું ઠેલતાં તેમણે લખ્યું હતું: `મારે આજ સાંજની આપની પાર્ટીનો આનંદ ન છૂટકે જતો કરવો પડે છે. ખાસ કરીને તો એટલા માટે કે યુરોપમાંથી આવેલા સમાચારથી મારું મન ખૂબ ગ્લાનિમાં પડી ગયું છે. છેવટના દુઃખદ સમાચારો ઉપરથી મારે એવા નિર્ણય ઉપર આવવું પડે છે કે યુરોપની પ્રજાઓમાં સાર્વત્રિક રીતે સ્વતંત્રતા ફરી સ્થપાયેલી જોવા, અને એશિયાની પ્રજાઓને અને ખાસ કરીને યુરોપીય પ્રજાઓના સંસ્થાનોને પણ આજ કરતાં વધુ પ્રમાણમાં એ સુખ અનુભવતી જોવા હું જીવતો નહીં હોઉં. આ પરિસ્થિતિમાં નેપોલિટનોની લડતને હું મારી પોતાની લડત માનું છું અને તેમના દુશ્મનોને મારા દુશ્મનો માનું છું. સ્વતંત્રતાના દુશ્મનો અને આપખુદ સત્તાના દોસ્તો કદી અંતે વિજયી નીવડ્યા નથી.’ અંગ્રેજો આયલૅન્ડનો કબજો રાખે એની પણ એઓ વિરુદ્ધ હતા. આયલૅન્ડમાં દુકાળ પડતાં એમણે નાણાં પણ મોકલ્યા હતાં. ફ્રેન્ચ ક્રાંતિના સંદેશાથી એમનું હૃદય ખળભળી ઊઠ્યું હતું અને ત્રિરંગી ઝંડાને વંદન કરવા વહાણમાંથી ઊતરવા જતાં પડી જવાથી એમના પગને ઈજા થઈ હતી. રાજા રામમોહન રાય અંગ્રેજોના ભારે પ્રશંસક હતા અને અંગ્રેજો સાથેના સંપર્કથી ભારતને લાભ જ થવાનો છે એવું માનતા હતા, તેમ છતાં ભારત કાયમનું અંગ્રેજોને અધીન રહે એવું એમણે કદી ઇચ્છ્યું નહોતું. ઇંગ્લૅંડમાં એમના મંત્રી તરીકે કામ કરનાર શ્રી આર્નોટે નોધ્યું છે કે ઇંગ્લૅંન્ડનું ભારતમાં જે સાંસ્કૃતિક અને રાજકીય કાર્ય છે તે પૂરું થતાં ચાલીસ વર્ષથી વધુ સમય લાગવો ન જોઈએ એવું રામમોહન માનતા હતા. તેમના મતે એટલા સમયમાં ઇંગ્લૅન્ડ ભારતને વિશ્વસંસ્કૃતિના સંપર્કમાં લાવી મૂકી શકશે અને ભારતમાં લોકશાહી રાજ્યવ્યવસ્થા ઊભી કરી શકશે. એમના જીવન દરમ્યાન એમણે સ્વાધીનતા અને સમાનતા માટે સતત લડત આપી હતી. જૂરીની જે ભેદભાવભરી પ્રથા હતી તેનો એમણે વિરોધ કર્યો હતો અને ભારતીયો અંગ્રેજોના મુકદ્દમામાં પણ જૂરર તરીકે બેસી શકે એવા હકના સ્વીકાર માટે એમણે ઠેઠ બ્રિટિશ પાર્લામેન્ટને હિંદુ-મુસલમાનોની સહીઓવાળી અરજી પહોંચાડી હતી. તેના પરિણામે ૧૮૩૨માં નવું બિલ પસાર થયું હતું. જ્યારે ૧૮૨૩માં છાપાં ઉપર વધુ પડતો અંકુશ મૂકવામાં આવ્યો ત્યારે એમણે તેની વિરુદ્ધ અરજી કરવામાં આગેવાની લીધી હતી અને સુપ્રીમ કોર્ટે એ અરજી કાઢી નાખી ત્યારે નવા અંકુશને તાબે થવાને બદલે એમણે પોતાનું ફારસી પત્ર મિરાત-ઉલ-અખબાર બંધ કરવાનું પસંદ કર્યું હતું. ૧૮૩૨માં સુધારાના બિલને અંગે ઇંગ્લૅન્ડમાં ખૂબ ચર્ચા ચાલતી હતી ત્યારે એમણે સુધારાને ટેકો આપનારા અને તેનો વિરોધ કરનારા વચ્ચેની લડતને આખી દુનિયામાં ચાલી રહેલી સ્વતંત્રતા અને એકહથ્થુ સત્તા વચ્ચેની, ન્યાય અને અન્યાય વચ્ચેની, સત્ય અને અસત્ય વચ્ચેની લડત તરીકે ઓળખાવી હતી અને જણાવ્યું હતું કે અમે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે રાજકારણ અને ધર્મમાં ઉદારમતવાદના સિદ્ધાંતો લાંબા સમયથી ધીમે ધીમે પણ સ્થિર પગલે વિજયી નીવડતા જાય છે – એકહથ્થુ સત્તાધારીઓ અને ધર્માંધોના વિરોધ છતાં. અને આખરે સુધારાનું બિલ પસાર થયું ત્યારે આનંદમાં આવી એમણે પોતાના મિત્ર રૅથબોનને લખ્યું હતું : `ઉમરાવ વર્ગે રાજકીય સિદ્ધાંતોને નેવે મૂકી ઉગ્ર વિરોધ કર્યો હોવા છતાં સુધારાના બિલને સંપૂર્ણ વિજય મળ્યો એથી હવે મને આનંદ થયો છે. લોકોને ભોગે, બલકે લોકોને પાયમાલ કરીને, છેલ્લાં પચાસ વર્ષોથી જે મૂઠીભર માણસો પોતાનાં ખિસ્સાં ભરતા રહ્યા હતા તેઓ હવે તેમ નહિ કરી શકે…… મેં જાહેર રીતે જણાવ્યું હતું તેમ, જો આ સુધારાનું બિલ પસાર ન થયું હોત તો મેં તમારા દેશ સાથેનો સંબંધ તોડી નાખ્યો હોત…પણ ઈશ્વરનો આભાર કે આજે હું તમારા સહનાગરિક હોવાનું ગૌરવ લઈ શકું છું અને અમારા રાષ્ટ્રની બલકે આખી દુનિયાની મુકિત જોવાનું અપાર સુખ અનુભવી શકું છું. એનો મને આનંદ છે.’ બંકિમચંદ્રને શ્રી અરવિંદે `ઋષિ બંકિમ’ કહ્યા છે અને એક અર્થમાં તે સાચું પણ છે. આખા બંગાળમાં જ નહિ સમગ્ર ભારતમાં રાષ્ટ્રભાવના ના જ્વલંત મંત્ર સમું સૂત્ર वन्दे मातरम् એમણે આપ્યું હતું, એટલું જ નહિ, એ જ આપણું પહેલાં રાષ્ટ્રગીત હતું. ભારત જેવા સુવિશાળ રાષ્ટ્રને રાષ્ટ્રગીત પૂરું પાડનાર કવિને `ઋષિ’ કહેવામાં આવે તે યોગ્ય જ છે. સૌ કોઈ જાણે છે કે એ ગીત `આનંદમઠ’ નામની નવલકથામાં આવતા સંતાન સંપ્રદાયનું ગીત છે. એ સંતાનો ભારતને – બલકે ભારતના આર્યધર્મને મુસલમાનોના દમનમાંથી મુક્ત કરવા મથનારું દળ છે. એમનું કામકાજ ગુપ્તપણે ચાલે છે અને તે સશસ્ત્ર બળવા કે યુદ્ધનું રૂપ લે છે અને તે સફળ થાય છે. `આનંદમઠ’ની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં બંકિમચંદ્રે લખ્યું હતું: `બંગાળીની સ્ત્રી અનેક પરિસ્થિતિમાં બંગાળીની મુખ્ય સહાય હોય છે, ઘણી વખત નથી પણ હોતી. સમાજવિપ્લવ ઘણી વખત આત્મપીડન માત્ર હોય છે; વિદ્રોહીઓ આત્મઘાતી હોય છે. `અંગ્રેજોએ બંગાળ દેશનો અરાજકતામાંથી ઉદ્ધાર કર્યો છે. `આ બધી વાતો આ ગ્રંથમાં સમજાવવામાં આવી છે.’ બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં લખ્યું છે: `પહેલી વારની પ્રસ્તાવનામાં જે લખ્યું હતું, તેની ટીકા (વ્યાખ્યા)- રૂપે કોઈ એક જ્ઞાની (વિચક્ષણ) વિવેચકના શબ્દો નીચે ઉતાર્યા છે : કથાવસ્તુનો મુખ્ય વિચાર આ છે – આપણા રાષ્ટ્રનું ચિત્ત બ્રિટિશ સરકાર વિરુદ્ધ હિંસક વિચારો સેવે એ યોગ્ય છે? અથવા એ પ્રશ્ન બીજી રીતે રજૂ કરીએ તો અંગ્રેજોનું આધિપત્ય સ્થપાયું એ કોઈ પણ અર્થમાં ઈશ્વરી યોજના કહી શકાય? અથવા એને હજી વધુ આખરી અને નિર્ણાયક રીતે મૂકીએ તો ઈશ્વરી યોજનાએ શા હેતુથી અને શા તાત્કાલિક પ્રયોજન માટે અંગ્રેજોને આ દેશમાં મોકલ્યા છે? તાત્કાલિક પ્રયોજન ઉપક્રમણિકામાં સંક્ષેપમાં આ રીતે વર્ણવવામાં આવ્યું છે – બંગાળમાં મુસલમાનોના જુલમનો અને અરાજકતાનો અંત આણવો; અને એ મિશનનું પ્રભાવક ચિત્ર અંતિમ પ્રકરણમાં આપવામાં આવેલું છે :– ચિકિત્સકે કહ્યું, ‘સત્યાનંદ, દુઃખ પામશો નહિ. જે કાંઈ થાય છે તે સારા માટે જ થાય છે. અંગ્રેજો રાજા થયા વગર સનાતન ધર્મના પુનરુદ્ધારની સંભાવના નથી. મહાપુરુષો જે રીતે સમજ્યા છે, તે રીતે તમને આ વાત સમજાવું છું. ધ્યાન દઈને સાંભળો. તેત્રીસ કોટિ દેવતાની પૂજા એ સનાતન ધર્મ નથી, એ તો એક લૌકિક અધોગતિને પામેલો ધર્મ છે. તેના પ્રભાવને લીધે સાચો સનાતન ધર્મ – જેને મ્લેચ્છો હિંદુ ધર્મ કહે છે – તે લોપ પામ્યો છે. સાચો હિંદુ ધર્મ જ્ઞાનાત્મક છે – કર્માત્મક નથી. એ જ્ઞાન બે પ્રકારનું છે :– બહિર્વિષયક અને અંતર્વિષયક. અંતર્વિષયક જ્ઞાન એ જ સનાતન ધર્મનો પ્રધાન ભાગ છે. પરંતુ પહેલાં બહિર્વિષયક જ્ઞાન જન્મ્યા વગર અંતર્વિષયક જ્ઞાન જન્મવાનો સંભવ નથી. સ્થૂળ શું એ જાણ્યા વગર સૂક્ષ્મ શું, તે જાણી ન શકાય. અત્યારે આ દેશમાં ઘણા સમયથી બહિર્વિષયક જ્ઞાન વિલુપ્ત થઈ ગયું છે – એટલે સ્વાભાવિક રીતે જ સનાતન ધર્મ પણ લોપ પામ્યો છે. સનાતન ધર્મનો પુનરુદ્ધાર કરવો હોય તો પહેલાં બહિર્વિષયક જ્ઞાનનો વિચાર કરવાની જરૂર છે. અત્યારે આ દેશમાં બહિર્વિષયક જ્ઞાન નથી – શીખવી શકે એવા માણસો નથી; આપણે લોકશિક્ષણમાં કુશળ નથી. માટે બીજા દેશમાંથી બહિર્વિષયક જ્ઞાન લાવવું પડશે. અંગ્રેજો બહિર્વિષયક જ્ઞાનમાં અત્યંત સુપંડિત છે, લોકશિક્ષણમાં ભારે કુશળ છે. તેથી અંગ્રેજોને રાજા બનાવીશું. અંગ્રેજી શિક્ષણથી આ દેશના લોકો બહિર્વિદ્યામાં સુશિક્ષિત થઈને અંતસ્તત્વ સમજી શકશે ત્યાર પછી સનાતન ધર્મના પ્રચારમાં કોઈ વિઘ્ન રહેશે નહિ. તે વખતે સાચો ધર્મ આપોઆપ પુનરુદ્દીપ્ત બની જશે. જ્યાં સુધી હિંદુઓ ફરી જ્ઞાનવાન, ગુણવાન અને બળવાન બનશે નહિ ત્યાં સુધી અંગ્રેજોનું રાજ્ય અક્ષય રહેશે. અંગ્રેજ રાજ્યમાં પ્રજા સુખી થશે – નિષ્કંટકપણે ધર્માચરણ કરી શકશે. માટે હે બુદ્ધિમાન, – અંગ્રેજો સાથે યુદ્ધ કરવાનું છોડી દઈ મારું અનુસરણ કરો.’ (ધ લિબરલ, ૮મી એપ્રિલ, ૧૮૮૨) હવે હું નવલકથામાંથી કેટલાક ભાગો રજૂ કરવા માગું છું. નવલકથા શરૂ થાય તે પહેલાં એક ઉપક્રમણિકા આવે છે તેમાં એક અતિવિસ્તૃત અંધતમોમય અરણ્યની મધ્યરાત્રિની નિ:સ્તબ્ધતાનું અત્યંત પ્રભાવક વર્ણન છે. એ નિ:સ્તબ્ધતામાં એક અવાજ સંભળાય છે : `મારી મનસ્કામના શું સિદ્ધ નહિ થાય?’ ઉપરાઉપરી ત્રણ વાર આ પ્રશ્ન ગાજે છે ત્યારે ઉત્તર આવે છે : `તારું પણ શું છે?’ `પણ મારું જીવનસર્વસ્વ.’ `જીવન તુચ્છ છે; એ તો બધા જ આપી દઈ શકે.’ `બીજું છે શું? બીજું શું આપું?’ `ભક્તિ.’ દશમા પ્રકરણમાં ભવાનંદ મહેન્દ્રને વાતચીતમાં ન ખેંચી શક્યો એટલે ગીત શરૂ કરે છે :

`વંદે માતરમ.
સુજલામ્ સુફલામ્ મલયજશીતલામ્
 શસ્યશ્યામલામ્ માતરમ્.’

મહેન્દ્ર ગીત સાંભળીને કંઈક આશ્ચર્ય પામ્યો, કંઈ સમજી ન શક્યો. સુજલા, સુફલા, મલયજશીતલા, શસ્યશ્યામલા માતા કોણ? તેણે પૂછ્યું : `માતા કોણ?’ જવાબ આપ્યા વગર ભવાનંદ ગાવા લાગ્યા :

`શુભ્રજ્યોત્સ્નાપુલકિતયામિનીમ્
ફુલ્લકુસુમિતદ્રુમદલશોભિનીમ્
સુહાસિનીમ્ સુમધુરભાષિણીમ્
સુખદામ્ વરદામ્ માતરમ્.’

મહેન્દ્ર બોલ્યો, `આ તો દેશ છે, આ કંઈ મા નથી—’ ભવાનંદે કહ્યું, `અમે બીજી મા માનતા નથી—જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી. અમે કહીએ છીએ—જન્મભૂમિ જ જનની છે, અમારે મા નથી, બાપ નથી, ભાઈ નથી,—સ્ત્રી નથી, પુત્ર નથી, ઘર નથી, વાડી નથી, અમારે તો ફક્ત એ સુજલા, મલયજ-સમીરણ-શીતલા, શસ્યશ્યામલા—’ ત્યારે સમજાતાં મહેન્દ્રે કહ્યું `તો ફરી ગાઓ.’ ભવાનંદ આખું ગીત ગાય છે. ત્યાર પછીની વાતચીત દરમ્યાન એ મહેન્દ્રને પૂછે છે : `તારી ધીરજ કશાથી જ ખૂટતી નથી... બધા દેશનું રાજા રક્ષણ કરતો હોય છે; આ૫ણા મુસલમાન રાજા રક્ષણે ક્યાં કરે છે? ધર્મ ગયો, જાતિ ગઈ, માન ગયું, હવે તો પ્રાણ સુધ્ધાં જવા બેઠા છે. આ નશાખોર દાઢીવાળાઓને તગેડી કાઢ્યા વગર હિંદુનું હિંદુપણું સચવાય એમ નથી.’ મહેન્દ્ર : કેવી રીતે તગડી કાઢશો? ભવાનંદ : મારીને. મહેન્દ્રઃ તું એકલો તગેડી કાઢશે?... ભવાનંદ ગાય છે :

`સપ્તકોટિકંઠકલકલનિનાદકરાલે
દ્વિસપ્તકોટિભુજૈર્ધૂતખરકરવાલે
અબલા કૅન મા ઍત બલે.’

*

અગિયારમા પ્રકરણમાં સંતાનોના મુખી સત્યાનંદ મહેન્દ્રને માતાના પ્રકૃત, ભૂત, વર્તમાન અને ભાવિ સ્વરૂપનાં દર્શન કરાવે છે તે જોઈએ : સત્યાનંદ મહેન્દ્રને એક અંધારા ભોંયરામાં લઈ જાય છે. ત્યાં ૫હેલાં તો કશું દેખાતું નથી. પછી આંખ ટેવાતાં જુએ છે તો એક પ્રચંડ ચતુર્ભુજ મૂર્તિ ઊભી છે. તેણે શંખચક્રગદાપદ્મ ધારણ કરેલાં છે. હૃદય ઉ૫ર કૌસ્તુભમણિ શોભે છે, સામે સુદર્શનચક્ર ફરતું હોય એમ ગોઠવેલું છે. મધુકૈટભરૂપી બે પ્રચંડ કાપેલાં માથાંવાળી મૂર્તિ લોહીથી નીગળતી હોય એવી સામે ચીતરેલી છે. ડાબી બાજુએ લક્ષ્મી છૂટા કેશે શતદલની માળાથી શોભતી ભયત્રસ્તની જેમ ઊભી છે. જમણી બાજુએ સરસ્વતી પુસ્તક, વાજિંત્ર, મૂર્તિમાન રાગરાગિણી વગેરેથી વીંટળાઈને ઊભી છે. વિષ્ણુના ખોળામાં એક મોહિની મૂર્તિ છે – લક્ષ્મી અને સરસ્વતીના કરતાં વધુ સુંદર, લક્ષ્મીસરસ્વતી. કરતાં વધુ ઐશ્વર્યવતી. ગંધર્વ, કિન્નર, દેવ, યક્ષ, રાક્ષસ તેની પૂજા કરે છે. બ્રહ્મચારીએ અત્યંત ગંભીર સ્વરે મહેન્દ્રને પૂછયું, `બધું દેખાય છે?’ મહેન્દ્ર કહ્યું, `દેખાય છે.’ બ્રહ્મચારી : વિષ્ણુના ખોળામાં શું છે, દેખાય છે? મહેન્દ્ર : દેખાય છે. એ કોણ છે? બ્રહ્મચારી : મા. મહેન્દ્ર : મા કોણ? બ્રહ્મચારીએ કહ્યું : અમે જેનાં સંતાન છીએ તે. મહેન્દ્ર : એ કોણ? બ્રહ્મચારી : વખત આવ્યે સમજાશે. એ પછી બ્રહ્મચારી તેને બીજા ખંડમાં લઈ જાય છે; ત્યાં મહેન્દ્રે એક અપૂર્વ સર્વાંગસંપન્ન સર્વાભરણભૂષિત જગદ્ધાત્રીની મૂર્તિ જોઈ. મહેન્દ્રે પૂછ્યું, `આ કોણ?’ બ્રહ્મચારી : મા – જેવાં હતાં. મહેન્દ્ર : એટલે શું? બ્રહ્મચારી : એમણે કુંજર, કેસરી વગેરે જંગલી પશુઓને પગ તળે કચડી નાખીને જંગલી પશુઓના વાસસ્થાનમાં પોતાના પદ્માસનની સ્થાપના કરી હતી. એ સર્વ અલંકારોથી વિભૂષિત હાસ્યમય વદનવાળાં અને સુંદર હતાં. એમનો વર્ણ બાલ સૂર્યના તેજ જેવો હતો. એ સકલ ઐશ્વર્યશાલી હતાં. એમને પ્રણામ કર. ત્યાર પછી બ્રહ્મચારી તેને એક અંધારી સુરંગમાં થઈને એક બીજા અંધારા ઝાંખા પ્રકાશવાળા ઓરડામાં ખંડમાં લઈ ગયા. એ આછા અજવાળામાં એક કાલીમૂર્તિ દેખાઈ. બ્રહ્મચારીએ કહ્યું, `જો, મા, જેવાં થયાં છે.’ મહેન્દ્ર સભય બોલી ઊઠ્યો, `કાલી!’ બ્રહ્મચારી : કાલી – એ અંધકારથી આચ્છન્ન અને કાલિમામય બની ગયાં છે. એમનું સર્વસ્વ હરાઈ ગયું છે તેથી નગ્ન છે. આજે દેશમાં સર્વત્ર સ્મશાન છે – તેથી માએ કંકાલની માળા પહેરેલી છે. પોતાના શિવને પોતાના પગ તળે કચડે છે – હાય મા! બ્રહ્મચારીની આંખોમાંથી દડ દડ આંસુ પડવા લાગ્યાં. મહેન્દ્રે પૂછયું, `હાથમાં ખેટક ખર્પર શા માટે છે?’ બ્રહ્મચારી : અમે સંતાનોએ માતાના હાથમાં હમણાં જ અસ્ત્ર આપ્યાં છે – બોલ, વંદે માતરમ્. `વંદે માતરમ્’ બોલીને મહેન્દ્રે કાલીને પ્રણામ કર્યા. ત્યાર પછી તેઓ બીજી સુરંગ વાટે ઉપર ચડવા લાગ્યા. એકાએક તેમની આંખ આગળ પ્રભાતસૂર્યનાં કિરણો પ્રકાશવા લાગ્યાં. ચારે બાજુએથી મધુરકંઠનાં પંખીઓ ગાઈ ઊઠ્યાં. જુએ છે તો સંગેમરમરના વિશાળ મંદિરમાં સુવર્ણની બનાવેલી એક દશભુજાવાળી પ્રતિમા નવારુણનાં કિરણથી ઝળહળતી હસી રહી છે. બ્રહ્મચારીએ પ્રણામ કરીને કહ્યું, `આ મા – જેવાં એ થશે. દશ ભુજા દશ દિશામાં ફેલાવેલી છે. તેમાં નાના આયુધરૂપે વિવિધ શક્તિ શોભી રહી છે. પગ તળે શત્રુ રોળાઈને પડેલો છે. ચરણ આગળ બેઠેલા વીરકેસરી શત્રુનિપીડનના કાર્યમાં રત છે. દિગ્ભુજા –’ બોલતાં બોલતાં સત્યાનંદ ગળગળા થઈને રડવા લાગ્યા. `એ દિગ્ભુજાએ નાના પ્રહરણ ધારણ કર્યાં છે, શત્રુનું વિમર્દન કર્યું છે. વીરેન્દ્ર કેસરીની પીઠ ઉપર બેસી એ વિચરે છે, જમણે હાથે ભાગ્યરૂપિણી લક્ષ્મી છે, ડાબે હાથે વિદ્યાવિજ્ઞાનદાયિની વાણી છે, સાથે બળરૂપી કાર્તિકેય અને કાર્યસિદ્ધિરૂપે ગણેશ છે; આવ, આપણે બંને માને પ્રણામ કરીએ.’ બંને ભક્તિભાવે પ્રણામ કરી ઊઠ્યા પછી મહેન્દ્રે ગદ્ગદ કંઠે પૂછયું, `માની આ મૂર્તિ ક્યારે જોવા પામીશું?’ બ્રહ્મચારીએ કહ્યું, `જ્યારે માનાં બધાં સંતાનો માને મા કહીને બોલાવશે તે દિવસે એ પ્રસન્ન થશે.’ આપણે જોયું કે સંતાનો સશસ્ત્ર બળવાને – હિંસાને માર્ગે દેશને મુસલમાનોના જુલમથી મુક્ત કરવા માગે છે. એ હિંસામાર્ગનું સમર્થન નવલકથાના બીજા ખંડના ચોથા પ્રકરણમાં આવે છે તે આપણે જોઈએ. ત્યાં સત્યાનંદ મહેન્દ્રને પોતા પાસે નવા મંત્રની દીક્ષા લેવાનું કહે છે ત્યારે મહેન્દ્ર પૂછે છે : `નવો મંત્ર શા માટે લેવો પડશે?’ સત્યાનંદ : સંતાનો વૈષ્ણવ છે. મહેન્દ્ર : એ નથી સમજાતું. સંતાનો વૈષ્ણવ કેવી રીતે? વૈષ્ણવોને તો અહિંસા જ પરમ ધર્મ હોય છે. સત્યાનંદ : એ ચૈતન્યનોદેવના વૈષ્ણવ... સાચા વૈષ્ણવધર્મનું લક્ષણ દુષ્ટનું દમન છે, પૃથ્વીનો ઉદ્ધાર છે. કારણ, વિષ્ણુ જ સંસારના પાલનકર્તા છે. તેમણે જ દશ વાર શરીર ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો. તેમણે જ કેશી, હિરણ્યકશિપુ, મધુકૈટભ, મુર, નરક વગેરે દૈત્યોનો, રાવણ વગેરે રાક્ષસોનો, કંસ, શિશુપાલ વગેરે રાજાઓનો યુદ્ધમાં નાશ કર્યો હતો. તેઓ જ જેતા, જયદાતા, પૃથ્વીના ઉદ્ધારકર્તા અને સંતાનોના ઇષ્ટદેવતા છે... ચૈતન્યદેવના વિષ્ણુ પ્રેમમય છે – પરંતુ ભગવાન કેવળ પ્રેમમય નથી – તેઓ અનન્તશક્તિમય છે. ચૈતન્યદેવના વિષ્ણુ ફક્ત પ્રેમમય છે – સંતાનોના વિષ્ણુ ફક્ત શક્તિમય છે. અમે બંને વૈષ્ણવ છીએ પણ બંને અર્ધા વૈષ્ણવ છીએ. સમજ્યો? `ના...’ `ઈશ્વર ત્રિગુણાત્મક છે, એ તેં સાંભળ્યું છે?’ `હા, સત્ત્વ, રજસ, તમસ – એ ત્રણ ગુણ.’ `વારુ. એ ત્રણ ગુણની જુદી જુદી ઉપાસના હોય છે. સત્ત્વગુણમાંથી તેમના દયાદાક્ષિણ્યની ઉત્પત્તિ થાય છે. તેની ઉપાસના ભક્તિ દ્વારા કરવી. ચૈતન્યના સંપ્રદાય એ કરે છે. રજોગુણમાંથી તેમની શક્તિ ઉત્પન્ન થાય છે. તેની ઉપાસના યુદ્ધ દ્વારા – દેવદ્વેષીઓના નાશ દ્વારા થાય છે – અમે તે કરીએ છીએ. અને તમોગુણમાંથી ભગવાન શરીરધારી ચતુર્ભુજ વગેરે રૂપ ઇચ્છા મુજબ ધારણ કરે છે. તેની પૂજા હાર, ચંદન વગેરે ચડાવીને કરવાની હોય છે – સામાન્ય લોકો એ કરે છે. હવે સમજ્યો?’ `સમજ્યો, ત્યારે સંતાનો એક ઉપાસક સંપ્રદાય માત્ર છે, ખરું ને?’ `એમ જ. અમારે રાજ્ય નથી જોઈતું, ફક્ત મુસલમાનો ભગવાનના વિદ્વેષી છે એટલે અમે તેમનો જડમૂળથી નાશ કરવા માગીએ છીએ.’ એ પછીના પ્રકરણમાં સત્યાનંદ મહેન્દ્રને અને એક બીજા માણસને દીક્ષા આપે છે, તે દીક્ષાવિધિ જોઈએ : `તમે આ ભગવાનની સાક્ષીએ પ્રતિજ્ઞા કરો, સંતાનધર્મના બધા નિયમોનું પાલન કરશો?’ `કરીશું.’ `માતાપિતાનો ત્યાગ કરશો?’ `કરીશું.’ `ભ્રાતાભગિની?’ `ત્યાગ કરીશું.’ `દારાસુત?’ `ત્યાગ કરીશું.’ `આત્મીય સ્વજન, દાસદાસી?’ `બધું જ છોડ્યું.’ `ધન-સંપત્તિ-ભોગ?’ `બધું જ છોડ્યું.’ `ઇન્દ્રિય ઉપર વિજય મેળવશો? સ્ત્રીની સાથે કદી એકાસને નહિ બેસો?’ `નહિ બેસીએ, ઇન્દ્રિય ઉપર વિજય મેળવીશું.’ `ભગવાનની સાક્ષીએ પ્રતિજ્ઞા કરો કે પોતાને માટે અથવા સ્વજનને માટે અર્થોપાર્જન કરશો નહિ. જે કંઈ ઉપાર્જન કરશો તે વૈષ્ણવભંડારમાં આપી દેશો?’ `આપી દેશું.’ `જો પ્રતિજ્ઞાભંગ થાય તો?’ `બળતી ચિંતામાં પ્રવેશ કરીને કે વિષપાન કરીને પ્રાણત્યાગ કરીશું.’ `તમે જાતિત્યાગ કરી શકશો? બધાં સંતાનોની એક જ જાત છે. આ મહાવ્રતમાં બ્રાહ્મણશૂદ્રનો ભેદ નથી. તમે શું કહો છો?’ `અમે એવો ભેદ રાખીશું નહિ. અમે બધા એક જ માનાં સંતાન છીએ.’ `તો હું તમને દીક્ષા આપું છું. તમે જે બધી પ્રતિજ્ઞા કરી તેનો ભંગ ન કરશો. મુરારિ સ્વયં એના સાક્ષી છે. જેણે રાવણ, કંસ, હિરણ્યકશિપુ, જરાસંધ, શિશુપાલ વગેરેનો નાશ કર્યો હતો; જે સર્વાન્તર્યામી, સર્વજયી, સર્વશક્તિમાન અને સર્વનિયંતા છે; જે ઇન્દ્રના વજ્રમાં અને બિલાડીના નહોરમાં સરખી રીતે વસે છે, તે પ્રતિજ્ઞાનો ભંગ કરનારનો નાશ કરી તેને અનંત નરકમાં નાખશે.’ `તથાસ્તુ.’ `આનંદમઠ’ લખવા પાછળ બંકિમચંદ્રનો હેતુ ગમે તે હોય, તેમાં વિદેશી રાજ્યકર્તાઓના હાથમાંથી દેશને મુક્ત કરવા મથનાર ઉજ્જ્વળ દેશભક્તિ અને તેવી જ ઉત્કટ ત્યાગભાવના તથા રાજકારણી દૂરદૃષ્ટિ અને વિરલસંગઠન શક્તિ ધરાવનાર સત્યાનંદ જેવા આગેવાનની દોરવણી હેઠળ થયેલું સંતાનસંપ્રદાયનું સંગઠન અને તેમની કાર્યપ્રણાલી વગેરેના વર્ણને બંગાળના ચિત્તને વર્ષો સુધી દેશમુક્તિની અને આત્મબલિદાનની તેમજ દેશમુક્તિ માટે ગુપ્તસંગઠનની પ્રેરણા આપ્યા કરી છે; એ ઐતિહાસિક હકીકત છે. અને આથી જ ડૉ. શ્રીકુમાર બંદ્યોપાધ્યાયે પોતાના ગ્રંથ `બંગસાહિત્યે ઉપન્યાસેર ધારા’માં આનંદમઠનું વિવેચન પૂરું કરતાં ઉપસંહારમાં કહ્યું છે કે : ``પરંતુ `આનંદમઠ’નું સાચું ગૌરવ વાસ્તવ નવલકથા તરીકે નથી. બંગાળના વાચકવર્ગ ઉપર એણે જે દૃઢમૂલ આધિપત્ય જમાવ્યું છે, તેવું કોઈ ધર્મગ્રંથ સિવાય બીજા કોઈ પણ પ્રકારના સાહિત્યના ભાગ્યમાં બન્યું નથી. એમ કહેવામાં લગારે અતિશયોક્તિ નથી કે, ‘આનંદમઠે’ આધુનિક બંગાળને જન્મ આપ્યો છે, આધુનિક બંગાળીના હૃદયને અને મનને ઘડ્યાં છે. જે દેશપ્રેમ આજે પ્રત્યેક શિક્ષિત બંગાળીની સહિયારી માનસસંપત્તિ થઈ પડ્યો છે, તેના પ્રથમ અંકુર બંકિમચંદ્ર જ રોપ્યા હતા; યુરોપના દેશપ્રેમને તેમણે બંગાળીની વિશિષ્ટ પરિસ્થિતિમાં, બંગાળીની વિશિષ્ટ પૂજા-સામગ્રીની મદદથી, બંગાળીના હૃદયના ભક્તિચંદનથી ચર્ચીને બંગાળમાં સ્થાપ્યો હતો. વર્તમાન યુગની એવી કોઈ રાજકીય સંસ્થા નથી, જેની પહેલી પ્રેરણા ‘આનંદમઠ’માંથી ન આવી હોય; બંગાળીના રાજકારણનું વૈશિષ્ટ્ય, રાજકીય ભાષણની ભાષા સુધ્ધાં બંકિમની કલ્પનાના રંગેરંગાઈ ગયાં છે. બંકિમે મૂર્તિપૂજક બંગાળીના માનસ-સ્વર્ગમાં એક નવી દેવી પ્રતિમા સર્જીને સ્થાપી છે; બંગાળીના હૃદયની ભક્તિને એક નવે માર્ગે વહેવડાવવી છે. દુનિયાના જે કેટલાક યુગપ્રવર્તક ગ્રંથો છે, તેમાં ‘આનંદમઠ’ એક પ્રધાન સ્થાનનો અધિકારી છે. ‘વંદે માતરમ્’ આજના બંગાળીનો વેદમંત્ર છે. એટલા માટે જ ‘આનંદમઠ’નો કેવળ સાહિત્ય તરીકે વિચાર કરીએ તો એનો સંપૂર્ણ મહિમા અને પ્રભાવ નહિ સમજી શકાય. એનું સ્થાન સાધારણ સાહિત્યલોક કરતાં અનેકગણું ઊંચે છે.’ (પૃ. ૯૦-૯૧). રાજા રામમોહનમાં આપણે જોયું કે તેમના ઉદાર એકેશ્વરવાદમાંથી જ તેમનો વિશ્વમાનવવાદ પ્રગટ્યો હતો અને સ્વાધીનતા અને સમાનતા માટેનો તીવ્ર અનુરાગ પણ એનું જ ફળ હતું. રાજા રામમોહનનો રાષ્ટ્રપ્રેમ સંકુચિત રાષ્ટ્રવાદના દૂષણોથી મુક્ત હતો અને આખા વિશ્વના માનવો સાથે તેઓ આત્મીયતા અનુભવતા હતા. આમ, એમની રાષ્ટ્રભાવનાનું અધિષ્ઠાન આધ્યાત્મિક હતું. બંકિમમાં પણ એ અધિષ્ઠાન કાયમ રહે છે. સશસ્ત્ર યુદ્ધનું સમર્થન પણ તે વૈષ્ણવધર્મને આધારે કરવા પ્રયત્ન કરે છે, એ પણ આપણે જોયું. ઉત્તર જીવનમાં બંકિમ ઉપર ગીતાના નિષ્કામ કર્મયોગ અને ભક્તિનો ખૂબ પ્રભાવ પડ્યો હતો અને તેને આધારે એમણે સંતાનોના યુદ્ધપ્રયાસનું સમર્થન કર્યું છે. સંતાનોને પોતાને રાજ્ય નથી જોઈતું. તેઓ હિંદુ ધર્મ ઉપર આવેલી આફત દૂર કરવા માતાપિતા, ઘરબાર બઘું છોડીને નીકળ્યા અને દેશ અને ધર્મ ઉપરનું મ્લેચ્છોનું આધિપત્ય દૂર કરી પાછા પોતપોતાના સંસારમાં ચાલ્યા જવાના છે. એટલે આ યુદ્ધ ધર્મયુદ્ધ છે – પ્રાપ્ત કર્તવ્ય છે અને તે નિષ્કામભાવે બજાવવાનું છે, અને માટે એમાં દોષ નથી. શ્રી અરવિંદમાં પણ હિંસા અહિંસાનો વિચાર ઉચ્ચ ભૂમિકાએ ગૌણ કે અપ્રસ્તુત બની જાય છે એવું વલણ જોવા મળે છે; અને ઘણા વિપ્લવવાદીઓ મૃત્યુને ભેટવા ગીતા હાથમાં રાખીને જતા હતા એ પણ આ વિચારસરણીનો જ પ્રભાવ સૂચવે છે. બંગાળમાં માતાની પૂજા તો હતી જ, તેનો જ લાભ લઈને બંકિમે અહીં દેશને – જન્મભૂમિને માતારૂપે રજૂ કરી બંગાળીઓના હૃદયની આવેગમય ભક્તિને નવે માર્ગે વાળી. આ રીતે રાજા રામમોહનનો જે ઉદાર વિશ્વમાનવવાદી આધ્યાત્મિક ભૂમિકાવાળો દેશપ્રેમ હતો તેને અમુક રીતે સંકુચિત કરવામાં આવ્યો એમ પણ કહી શકાય. દેશને દેવતા બનાવ્યો એટલે એમાં અસત્ય, અત્યાચાર, અસહિષ્ણુતા વગેરે અનેક દૂષણોને પેસવાનો માર્ગ મળ્યો અને એનો જ હવે આવતા રવીન્દ્રનાથે વિરોધ કરવો પડ્યો તે આપણે હવે જોઈશું. બંકિમચંદ્રે જેમ આપણા દેશને રાષ્ટ્રગીત આપ્યું તેમ રવીન્દ્રનાથે આપણા દેશને અને બાંગ્લાદેશને એમ બે સ્વતંત્ર રાષ્ટ્રોને રાષ્ટ્રગીત પુરાં પાડ્યાં. દુનિયાના ઇતિહાસમાં આવો દાખલો બીજો મળવો મુશ્કેલ છે. રવીન્દ્રનાથને આધ્યાત્મિકતાની પેઠે દેશપ્રેમનો પણ સમૃદ્ધ વારસો મળ્યો હતો અને તે ઉત્તરોત્તર વધુ ને વધુ સમૃદ્ધ થતો રહ્યો. આજે આપણે જેને ‘નૅશનલ ઇન્ટિગ્રેશન’ કહીને છીએ એનું સ્પષ્ટ દર્શન આપણને રવીન્દ્રનાથમાં થાય છે. આપણા રાષ્ટ્રગીતની શરૂઆત જ જુઓને—


જનગણમનઅધિનાયક જય હે ભારતભાગ્યવિધાતા!
પંજાબ સિંધુ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગ,
વિંધ્ય હિમાચલય યમુના ગંગા ઉચ્છલ જલધિતરંગ,
તવ શુભ નામે જાગે, તવ શુભ આશિષ માગે,
{{gap|4em}]ગાહે તવ યશગાથા !
જનગણમંગલદાયક જય હે ભારતભાગ્યવિધાતા!

બીજી કડીમાં એ વધારે સ્પષ્ટ બને છેઃ

અહરહ તવ આહ્વાન પ્રચારિત, શુનિ તવ ઉદાર વાણી,
હિંદુ બૌદ્ધ શીખ જૈન પારસિક, મુસલમાન ખ્રિસ્તાની

એટલું જ નહિ

પૂરવ પશ્ચિમ આસે તવ સિંહાસન પાસે
પ્રેમહાર હય ગાઁથા.

જનગણ–ઐક્યવિધાયક જય હે ભારતભાગ્યવિધાતા! આમાં ‘પ્રેમહાર’ અને ‘જનગણ-ઐક્યવિધાયક’–એ બે શબ્દો ખાસ મહત્ત્વના છે. ‘નૅશનલ ઇન્ટિગ્રેશન’નો ભાવ ‘ગીતાંજલિ’માંના ‘હે મોર ચિત્ત.’ ગીતમાં ખૂબ સુંદર રૂપે રજૂ થયો છે. હું એમાંથી થોડો ભાગ ઉતારીશ. શરૂઆતમાં જ કવિ પોતાના ચિત્તને પુણ્યતીર્થરૂપ આ ભારતરૂપી માનવના મહાસાગરને તીરે જાગવાનું ઉદ્બોધન કરે છે :

હે મોર ચિત્ત પુણ્યતીર્થે જાગો રે ધીરે
એઇ ભારતેર મહામાનવેર સાગર-તીરે
હેથાય દાઁડાયે દુબાહુ બાડાયે નમિ નરદેવતારે
ઉદાર છંદે પરમાનંદે વંદન કવિ તાઁરે.

આમાં નરદેવતાને વંદન કરવાનું કહ્યું છે તે તરફ ધ્યાન ખેંચું છું. ભારતમાં અનેક જાતિઓના મેળો જામેલો છે તેથી એને માનવનો મહાસાગર કહેલો છે. એ વાત હવેની કડીમાં આવે છે :

કેહ નાહિ જાને કાર આહ્વાને ક્ત માનુષેર ધારા
દુર્બાર સ્રોતે એલો કોથા હતે સમુદ્ર હલ હારા.
હેથાય આર્ય, હેથા અનાર્ય હૈથાય દ્રાવિડ, ચીન
શકહુણદલ પાઠાન મોગલ ઍક દેહે હલ લીન.

[કોઈને ખબર નથી કે કોના આહ્વાનથી માણસોના કેટલાય પ્રવાહો કોણ જાણે ક્યાંથી ખાળી ન શકાય એવા ધસમસતા પ્રવાહો આવીને આ સમુદ્રમાં ભળી ગયા. અહીં આર્યો, અનાર્યો, દ્રાવિડ, ચીની, શક, હુણ, પઠાણ અને મોગલો એક દેહમાં લીન થઈ ગયા.]

પશ્ચિમે ઓજિ ખુલિયાછે દ્વાર,
સેથા હતે સબે આને ઉપહાર.
દિબે આર નિબે, મિલાબે મિલિબે જાબે ના ફિરે
એઈ ભારતેર મહામાનવેર સાગરતીરે.
રણધારા બાહિ જયગાન ગાહિ ઉન્માદ કલરવે
ભેદિ મરુપથ ગિરિપર્વત જારા એસેછિલ સબે,
તારા મોર માઝે સબાઈ વિરાજે કેહ નહે નહે દૂર,
આમાર શોણિતે રયેછે ધ્વનિતે તાર વિચિત્ર સૂર.
હે રુદ્રવીણા, બાજો, બાજો, બાજો,
ઘૃણા કરિ દૂરે આછે જારા આજો,
બન્ધ નાશિબે, તારાઓ આસિબે દાઁડાબે ઘિરે –
એઈ ભારતેર મહામાનવેર સાગરતીરે.

[પશ્ચિમે આજે દ્વાર ખોલી નાખ્યાં છે. ત્યાંથી બધા ઉપહાર લઈને આવે છે. આપશે અને લેશે, બીજાને પોતામાં ભેળવી દેશે અને પોતે બીજામાં ભળી જશે – પાછા નહિ જાય, આ ભારતના માનવોના મહાસાગરને તીરે. યુદ્ધના પ્રવાહમાં જયગાન ગાતા ગાતા ઉન્માદ કલરવ કરતા કરતા મરુભૂમિના માર્ગો અને ગિરિપર્વતને ભેદીને જેઓ બધા આવ્યા હતા, તેઓ બધા જ મારી અંદર વિરાજે છે, કોઈ કહેતાં કોઈ દૂર નથી. મારા લોહીમાં તેના વિચિત્ર સૂર ગાજ્યા કરે છે. હે રુદ્રવીણા, વાગી ઊઠ, આજે પણ ઘૃણા કરીને જેઓ દૂર રહ્યા છે તેઓ પણ આવશે, બંધ નાશ પામશે, અને આ ભારતના માનવોના મહાસાગરને તીરે ઘેરીને ઊભા રહેશે.] એ જ ગીતને અંતે સહુના સ્પર્શથી પવિત્ર કરેલા જલથી માતાનો અભિષેક કરવા માટે કવિ બધાને આહ્વાન કરે છે અને તેમાં બ્રાહ્મણોને મન શુચિ કરીને બધાના હાથ પકડવાનું અને બધો અપમાનભાર જેનો દૂર થયો છે એવા પતિતોને પણ જોડાવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. હું એ ઉતારું છું :

એસ હે આર્ય, એસો અનાર્ય હિંદુ મુસલમાન–
એસ એસ આજ તુમિ ઇંગરાજ એસ એસ ખ્રિસ્ટાન.

આમાં અંગ્રેજો અને ખ્રિસ્તીઓને ‘એસો એસો’ – આવો આવો એમ વિશેષ આગ્રહપૂર્વક આમંત્રણ કરવામાં આવ્યું છે તે જોયું હશે. હવે કહે છે :

એસ બ્રાહ્મણ, શુચિ કરિ મન ધરો હાત સબાકાર,
એસ રે પતિત, હક અપનીત સબ અપમાનભાર.
માર અભિષેકે એસ એસ ત્વરા
મંગલઘટ – હયનિ જે ભરા,
સબાર પરશે પવિત્રકરા તીરર્થનીરે
આજિ ભારતેર મહામાનવેર સાગરતીરે.

[હે આર્યો આવો, અનાર્યો, હિંદુઓ અને મુસલમાનો આવો, અંગ્રેજો તમે પણ આજે આવો આવો, ખ્રિસ્તીઓ તમે પણ આવો આવો. બ્રાહ્મણો તમે મન પવિત્ર કરીને આવો અને સૌના હાથ પકડો. હે પતિતો આવો, બધાં અપમાનોનો ભાર દૂર થાઓ. માતાના અભિષેકને માટે તમે ઝટ આવો આવો. બધાના સ્પર્શથી પવિત્ર કરેલા તીર્થનીરથી મંગળઘટ હજી ભરાયો નથી – આજે આ ભારતના માનવોના મહાસાગર તીરે.] આમાં બ્રાહ્મણોને મન પવિત્ર કરીને આવવાનું કહ્યું છે, માતાનો અભિષેક બધાના સ્પર્શથી પવિત્ર થયેલા નીરથી કરવાનો છે – અને એ હજી બાકી છે તે ખાસ નોંધપાત્ર છે. ઉપરનું ગીત લખાયા પછી બે દિવસે લખાયેલું ગીત આજે ‘નૅશનલ ઇન્ટિગ્રેશન’ની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે. આપણે અસ્પૃશ્યતાને કાયદાપોથીમાં અને બંધારણમાં માન્યતા આપી નથી, પણ સમાજજીવનમાં એ કલંક આજે પણ એવું ને એવું કાયમ છે. આ ગીત માનવ પ્રત્યે આચરાતા એ ભયાનક અપમાન સામેનો પુણ્યપ્રકોપ જ્વાલામયી શાપસમી વાણીમાં રજૂ કરે છે. હું એનો શબ્દશઃ ગદ્ય અનુવાદ ઉતારું છું : `હે મુજ દુર્ભાગી દેશ, જેઓનું તેં અપમાન કર્યું છે, તેમના જેવું જ અપમાન તારે વેઠવું પડશે. મનુષ્યના અધિકારથી જેમને તેં વંચિત રાખ્યા છે, જેમને સામે ઊભા રાખ્યા છતાં તેં ખોળોમાં સ્થાન દીધું નથી, તેમના બધાના જેવું જ અપમાન તારે વેઠવું પડશે. `મનુષ્યના સ્પર્શને રોજ રોજ દૂર રાખીને તેં માણસના પ્રાણમાં વસતા ઠાકોરની ઘૃણા કરી છે. વિધાતાના રુદ્ર રોષથી દુષ્કાળને આંગણે બેસી તારે બધાની સાથે વહેંચીને અન્નપાન ખાવાં પડશે. તે બધાના જેવું જ અપમાન તારે વેઠવું પડશે. `તારા આસન ઉપરથી તેમને તેં જ્યાં હડસેલી મૂક્યા, ત્યાં તારી શક્તિને પણ તેં અવહેલનાપૂર્વક દેશવટો દીધો. ચરણે રોળાઈને તેઓ જ્યાં ધૂળમાં રગદોળાય છે ત્યાં નીચાણામાં તું ઊતરી આવ, નહિ તો તારો ઉગારો નથી... `જેને તું નીચે નાખે છે, તે તને નીચે બાંધી રાખશે, જેમને તેં પાછળ રાખ્યા છે, તે તને પાછળ ખેંચી રહ્યા છે. અજ્ઞાનના અંધારની આડશ પાછળ તેં જેમને ઢાંકી રાખ્યા છે, તેઓ તારા મંગલ આડે ભયંકર આડશ રચી તારા મંગલને ઢાંકી રહ્યા છે. તારે તેમના જેવા જ અપમાન વેઠવાં પડશે. `સેંકડો સૈકાઓ થયાં તારે માથે અપમાનનો બોજો લદાતો આવે છે, તો૫ણ તું માનવમાં વસતા નારાયણને નમસ્કાર કરતો નથી; તો૫ણ તું આંખો ઢાળી જોઈ શકતો નથી કે તે હીન પતિતોના ભગવાન ધૂળમાં જઈને ઊભા છે?... `તું જોતો નથી કે તારે બારણે મૃત્યુદૂત આવીને ઊભો છે, તેણે તારા જાતિના અભિમાન ઉપર અભિશાપ ચોડી દીધો છે. જો તું બધાને નહિ બોલાવે, હજીયે જો તું દૂર ખસીને ઊભો રહીશ અને તારી ચારે કોર અભિમાનનો કોટ રચી પોતાની જાતને બાંધી રાખીશ તો તારે મૃત્યુસમયે ચિતાભસ્મમાં તો સૌના સરખા થવું જ પડશે.’ રવીન્દ્રનાથનો દેશપ્રેમ ખૂબ જ ઉજ્જ્વળ હોવા છતાં, એમની રાષ્ટ્ર-ભાવના પ્રબળ હોવા છતાં, એમણે દેશને ધર્મ કે સત્યને સ્થાને કદી બેસાડ્યો નથી. એમ કરવાથી કેવા ભયંકર પરિણામ આવે છે એનો એમને બંગભંગની ચળવળ દરમ્યાન પ્રત્યક્ષ અનુભવ થયો હતો અને તેનું પ્રભાવક ચિત્ર એમણે ‘ઘરે બાહિરે’માં આલેખ્યું છે. ત્યાં એમણે નિખિલને મોઢે કહેવડાવ્યું છે કેઃ `દેશની સેવા કરવા હું તૈયાર છું, પણ હું વંદન તો તે સત્યને જ કરીશ જે દેશ કરતાં ખૂબ ઊંચે આસને વિરાજે છે. દેશને જો હું દેવ માનીને વંદન કરું તો દેશનું સત્યાનાશ વાળ્યું ગણાય.’ બીજી એક જગ્યાએ તે કહે છેઃ `જ્યાં જ્યાં દેશ એમ કહે છે કે હું મને જ અંતિમ ધ્યેય માનીશ ત્યાં ત્યાં તે ફળ પામતો હશે, પણ આત્માને ગુમાવે છે. જ્યાં જ્યાં તે મહત્તમને સૌથી મહત્તર માને છે ત્યાં ત્યાં કદાચ તે ફળ કશું જ નહિ પામતો હોય, પણ પોતાના આત્માને તે પામે છે.’ અહીં આપણને બાઇબલના શબ્દો યાદ આવ્યા વગર રહેતા નથી કે For what is a man profited, if he shall gain the whole world, and lose his own soul? કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાનો આત્મા ખોઈ બેસે, તો એમાં એ ખાટ્યો શું? (મા. ૧૬) અહીં આપણને ગાંધીજીનું સ્મરણ થશે, તેઓ પણ કહેતા કે મારે સ્વરાજ જોઈએ છે, પણ સત્યને ભોગે નહિ. ‘ઘરે બાહિરે’માં માસ્ટર મશાય એક જગ્યાએ નિખિલને કહે છેઃ `પૉલિટિક્સમાં પણ ધર્મને વેચી મારીએ અને દેશને મહત્ત્વ આપીએ એ ન ચાલે. મને ખબર છે, યુરોપને ગળે આ વાત નથી ઊતરતી. પણ એટલે કંઈ યુરોપ જ આપણો ગુરુ છે એમ માનવા હું તૈયાર નથી. સત્યને ખાતર મરીને માણસ અમર થાય છે, જો કોઈ જાતિ સત્યને ખાતર મરી જાય તો તે પણ માનવ ઇતિહાસમાં અમર થઈ જશે.’ (૨૩૬) રવીન્દ્રનાથે ૧૯૦૮માં લખેલો એક પત્ર અહીં યાદ આવે છે. તેમણે તે પત્રમાં લખ્યું હતું: `માત:, એટલું ચોક્કસ યાદ રાખજે કે પોતાના કે પરિવારના કે દેશના કામમાં ધર્મનું ઉલ્લંઘન કરીશું તો ઈશ્વર માફ નહિ કરે. જો મહાન ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે પણ પાપનો આશ્રય લઈશું તો તેનું પ્રાયશ્ચિત્ત કરવું જ પડશે. વિધાતાના આ નિયમની વિરુદ્ધ બળવો કરવો નકામો છે. દેશની જે દુર્ગતિ અને જે દુઃખ આપણે આજ સુધી ભોગવતા આવ્યા છીએ તેનું ઊંડું કારણ આપણી જાતિની અંદર રહેલું છે – ગુપ્ત કાવતરા દ્વારા સ્ત્રીપુરુષની હત્યા કરીને આપણે તે કારણ દૂર નહિ કરી શકીએ, આપણા પાપનો બોજો સતત વધતો જ જશે. આ મામલામાં જે બધા કાચી ઉંમરના બાળકો અને વિચલિતબુદ્ધિ યુવકોને સજા થઈ છે તેમને માટે હૃદય વ્યથા અનુભવ્યા વગર રહી શકે જ નહિ – પરંતુ એટલું યાદ રાખવું જ પડશે કે આ સજા આપણા બધાની સજા છે – ઈશ્વરે આપણને એ વેદના આપી છે – કારણ, વેદના વગર પાપ દૂર થઈ જ ન શકે – સહિષ્ણુતાપૂર્વક એ બધું જ આપણે સહન કરવું પડશે – અને ધર્મના પ્રશસ્તતર પથને જ સ્વીકારવો પડશે. પાપને રસ્તે રસ્તો ટૂંકો થાય છે એવો આપણને ભ્રમ હોય છે અને તેથી જ અધીરા થઈને આપણે તે તરફ દોડીએ છીએ, પરંતુ ઉતાવળ કરવા જતાં જ સફળતાને ખોવી પડે છે. આજે આપણો રસ્તો પહેલાં કરતાં અનેકગણો લાંબો થઈ ગયો – હવે ફરીથી આપણે અનેક દુઃખ, અનેક બાધા અને વિલંબમાં થઈને પસાર થવું પડશે. ઈશ્વરની ઇચ્છા આગળ માથું નમાવીને ફરીથી આપણે યાત્રા શરૂ કરવી પડશે – ગમે તેટલાં કષ્ટ આવે, રસ્તો ગમે એટલો લાંબો હોય, અવિચલિત ચિત્તે આપણે ધર્મને જ અનુસરીએ. બધી દુર્ઘટનાઓ અને બધા ચિત્તક્ષોભની વચ્ચે ઈશ્વર આપણને એવી શુભ બુદ્ધિ આપો. એ જ. ૨૩ વૈશાખ ૧૩૧૫.’ ગાંધીજી અનેક વાર કહેતા કે મારો રસ્તો લાંબો લાગે છે પણ છે ટૂંકામાં ટૂંકો, તેનું અહીં સ્મરણ થયા વગર રહેતું નથી. બીજા બંગાળી લેખકોમાંથી પણ આ રીતે ઉતારા ટાંકી શકાય, પણ મેં એવા ત્રણ લેખકોમાંથી ઉતારા આપ્યા છે, જેમનો પ્રભાવ બંગાળી માનસ ઉપર વધારેમાં વધારે પડ્યો છે, બલ્કે જેમણે બંગાળી માનસને ઘડ્યું છે. એટલે હું દ્વિજેન્દ્રલાલ રાય, નજરુલ ઇસ્લામ વગેરેમાંથી ઉતારા આપતો નથી અને અહીં જ અટકું છું.