સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/પદની વ્યંજકતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

પદની વ્યંજકતા

કાન્તના ‘ઉદ્ગાર’ કાવ્યની આ પંક્તિ આપણને જાણીતી છે – ‘પ્રમત્તાવસ્થામાં નજર પણ નાખું જગ ભણી.’ બ.ક.ઠાકોર, રામનારાયણ પાઠક વગેરે આપણા વિવેચકોએ પ્રમત્તાવસ્થા એટલે પ્રમાદની અવસ્થા એવો અર્થ કર્યો છે – ‘પ્રમાદની અવસ્થામાં હું જગત પર નજર નાખી લઉં છું.’ મને ‘પ્રમત્તાવસ્થા’નો આપણને પરિચિત અર્થ છોડવાની જરૂર લાગતી નથી, ને એમાં ‘પણ’ એ અવ્યયપદ ચાવીરૂપ બનતું જણાય છે – ‘પ્રેમની મસ્તીની અવસ્થામાં જગત તરફ નજર પણ નાખી લઉં’ – ‘ક્યારેક મન થાય તો નજર રાખી લઉં, પ્રેમની પ્રમત્તાવસ્થા જ મને ઇષ્ટ છે, જગત તરફ તો માત્ર ક્યારેક નજર કરી લેવાની, – આવો ભાવ અહીં સૂચવાય છે. કાવ્યમાં પ્રિય પાત્ર સાથેના સંબંધ અને જગત સાથેના સંબંધનો મેળ બેસાડવાની મથામણ છે તેનું આ પંક્તિમાં નિર્વહણ છે. એમાં પ્રિય પાત્ર પ્રત્યેનો પ્રેમસંબંધ જ પોતાને માટે સર્વસ્વ છે, જગત સાથેનો સંબંધ તો પ્રસંગોપાત્ત ને આકસ્મિક રહેવાનો એવી કાવ્યનાયકની મન:સ્થિતિ દર્શાવાય છે – પ્રેમની પ્રમત્તાવસ્થામાં નાયકની મનસ્વિતાનો રંગ ઉમેરાય છે. કાવ્યશાસ્ત્ર અહીં ‘પણ’ એ અવ્યયપદ વ્યંજક બને છે એમ કહે. મેઘાણીના ‘નીંદરભરી’ એ હાલરડા-ગીતમાં ‘હાલાં વાયાં ને હોડી વેગે ચડી’ એ પંક્તિમાં સંયોજક-પદ ‘ને’ પણ વિશેષ સંકેતો લઈને આવે છે. ‘ને’ આમ તો સમુચ્ચયવાચક સંયોજક. એક ઘટનામાં બીજી ઘટના ઉમેરે પણ અહીં એ કેવળ સમુચ્ચયવાચક નથી એ સ્પષ્ટ છે. ‘અમે સ્ટેશને પહોંચ્યા ને ગાડી ઊપડી ગઈ’ ‘એ ઊભા થયા ને સભામાં શાંતિ પ્રસરી ગઈ’ એવી ઉક્તિઓ યાદ કરો એટલે એનો ખ્યાલ આવશે. ‘ને’ અહીં સમકાલિકતા અને સદ્ય ક્રિયાકારિત્વ સૂચવે છે : ‘હાલાં વાયાં તેનાથી તરત જ હોડી વેગે ચડી.’ આ સદ્ય ક્રિયાકારિત્વ હાલાંને મહિમા અર્પે છે અને કાવ્યોપકારક બને છે.