સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/પ્રત્યયની વ્યંજકતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પ્રત્યયની વ્યંજકતા

સિતાંશુનું એક કાવ્ય છે ‘જન્મીલું મરણ’. ‘જન્મીલું’ એ નવ – શબ્દઘડતરથી અને ‘જન્મીલું મરણ’ એ પ્રયોગમાં રહેલા વિરોધથી આપણે સૌ ચમત્કૃત થવાના, પણ કાવ્યશાસ્ત્ર એનું એમ વિશ્લેષણ કરે કે અહીં ‘ઈલું’ પ્રત્યય વ્યંજક બને છે. ‘ઈલું’ પ્રત્યય સ્વભાવવાચક - ધર્મવાચક છે : ‘જન્મીલું’ એટલે જન્મશીલ, જન્મના સ્વભાવવાળું. આપણે સામાન્ય રીતે એમ વિચારીએ છીએ કે જે જન્મે છે તેને અવશ્ય મૃત્યુ હોય છે. એટલે કે જન્મમરણના ધર્મવાળો છે. આમ મૃત્યુની અવશ્યંભાવિતા આપણે ઉપસાવીએ છીએ. પણ મરણને જન્મીલું કહેવાથી એક જુદું જગતદર્શન વ્યક્ત થાય છે – મરણ પછી પણ પુનર્જન્મ છે, વિનાશ પછી પણ પુન:સર્જન છે, મૃત્યુ એ ખરેખર અંત નથી, પૂર્ણવિરામ નથી. જીવન પ્રત્યેની એક આસ્થાનો ઉદ્ગાર આ શબ્દપ્રયોગ બની રહે છે. અહીં પ્રત્યયની વ્યંજકતા છે એમ કહેવાય. ‘લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું, એમાં પગલીનો પાડનાર દ્યોને, રન્નાદે!’ એ લોકગીત-પંક્તિનો વિચાર કરો. એમાં સંબંધવિભક્તિનો ‘નો’ પ્રત્યય કેવો કાર્યસાધક બન્યો છે! ‘પગલી પાડનાર’ એવી રચના નથી, પણ ‘પગલીનો પાડનાર’ એવી રચના છે તેથી કેટલો ફરક પડી જાય છે! પહેલી રચનામાં સકર્મક કૃદંત છે એમ કહેવાય ‘પાડનાર’નું કર્મ ‘પગલી’. બીજી રચનામાં ‘નો’ પ્રત્યય છે જે બે નામપદોને જોડે છે એમ કહેવાય. એથી ‘પાડનાર’ દૃઢ રીતે વ્યક્તિવાચક પદ બની જાય છે અને પ્રત્યયનું ‘નો’ એ રૂપ પુરુષવ્યક્તિનું સૂચન કરે છે. દીકરાની ઝંખનાને વ્યક્ત કરતું આ ગીત છે ને એમાં ક્યાંયે ‘દીકરો’ શબ્દ વપરાયો નથી, દીકરાને આ રીતે જ મૂર્ત કરવામાં આવ્યો છે. આમ, અહીં પણ પ્રત્યયને વ્યંજક બનતો જોઈ શકાય છે. રામનારાયણ પાઠકનું ‘છેલ્લું દર્શન’ ઉદ્બોધન રૂપે રચાયેલું કાવ્ય છે અને આજ્ઞાર્થનાં ક્રિયારૂપો લઈને આવે છે – ‘ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થશો.’ તાત્પર્ય એવું છે કે આ પ્રસંગે કશી રોકકળ કરવી, આંખને જરાય ભીની કરવી ઉચિત નથી. મૃત વ્યક્તિને મંગલ પદાર્થોનો અર્ધ્ય આપવો જ ઉચિત છે. પણ અહીં વિધ્યર્થની વાક્યરચના નથી, આજ્ઞાર્થની છે. આ આજ્ઞાર્થનાં રૂપોનું પ્રયોજન શું છે? એથી શું વિશેષ સિદ્ધ થાય છે? આજ્ઞાર્થનાં રૂપોથી આદેશાત્મકતા આવે છે. કવિ આ કંઈ અન્યોને ઉદ્દેશીને જ કહેતા નથી, જાતને ઉદ્દેશીને પણ કહી રહ્યા છે. તેથી જાણે અતિ – મન (સુપરમાઇન્ડ)ના આદેશો આમાં સંભળાય છે ને કર્તવ્યતામાં ગંભીરતાનો અર્થ ઉમેરાય છે – ભાર ઉમેરાય છે. અહીં મને ગાંધીજીની આત્મકથાની પ્રસ્તાવનાનું વાક્ય – “મારા જેવા અનેકોનો ક્ષય થાઓ, પણ સત્યનો જય થાઓ. અલ્પાત્માને માપવા સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનો’ – યાદ આવે છે. ગાંધીજીનું કથયિતવ્ય વિધ્યર્થથી પણ મૂકી શકાય’ – ‘મારા જેવા અનેકોનો ભલે ક્ષય થાય, પણ સત્યનો જય થવો જોઈએ. અલ્પાત્માને માપવા સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનવો જોઈએ.’ પણ જોઈ શકાય છે કે આજ્ઞાર્થથી જે આદેશાત્મકતા અને અનુલ્લંઘનીયતાનો અર્થ આવે છે તે વિધ્યર્થના પ્રયોગમાં આવતો નથી. કાવ્યશાસ્ત્ર આવી ક્રિયાપદના કાળઅર્થદર્શક રૂપની વ્યંજનાત્મકતા પણ સ્વીકારે છે.