સાહિત્યચર્યા/નહેરુનો મિજાજ : બે પ્રસંગો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નહેરુનો મિજાજ : બે પ્રસંગો

સમય ૧૯૫૨, સ્થળ અમદાવાદ. પ્રસંગ એમ. જી. સાયન્સ કૉલેજનો વાર્ષિકોત્સવ. જવાહરલાલ નહેરુ ત્યારે તાજેતરમાં જ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બની ચૂક્યા હતા. આ વાર્ષિકોત્સવમાં એમને અતિથિવિશેષ તરીકે પધારવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. સવારના સમયે કૉલેજના મકાનની આગળના પટાંગણમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રોતાવૃન્દમાં કૉલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો તો હોય જ પણ આજુબાજુની કૉલેજો તથા અમદાવાદની અન્ય કૉલેજોના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઉપરાંત અનેક પ્રતિષ્ઠિત નાગરિકો અને અનેક નહેરુપ્રેમીઓ પણ હતા. પાંચેક હજારનું શ્રોતાવૃંદ હશે. આરંભમાં સ્વાગત, આચાર્યનું પ્રવચન વગેરે કોઈપણ કૉલેજના વાર્ષિકોત્સવમાં સ્વાભાવિકપણે હોય એવી ઔપચારિક વિધિઓ પછી નહેરુ એમનું પ્રવચન કરવા ઊભા થયા. જગતના અનેક અન્ય મહાન વ્યક્તિઓની જેમ નહેરુએ કદી અગાઉથી તૈયાર કર્યું હોય, લખ્યું હોય અથવા ગોખ્યું હોય એવું પ્રવચન કર્યું નથી. એમણે હંમેશ પ્રસંગને અનુકૂળ અને સન્મુખ જે શ્રોતાઓ હોય એમની શક્તિ અને કક્ષાને અનુલક્ષીને જ પ્રવચન કર્યું છે. અંગ્રેજીમાં જેને Extempore Speech તત્ક્ષણ પ્રવચન, તત્કાલ પ્રવચન કહે છે એવું પ્રવચન કર્યું છે. વિજ્ઞાનની કૉલેજનો વાર્ષિકોત્સવ હતો અને સન્મુખ સેંકડો યુવાનો હતાં એટલે આરંભમાં બેત્રણ મિનિટ તો જાણે પૂર્વાપર સંબંધ વિનાની કંઈક આડીઅવળી વાતો દરમ્યાન એમણે એમના પ્રવચનનો વિષય શોધી કાઢ્યો. વિષયની શોધ માટે આટલી મિનિટો એમને માટે બસ હતી. એમણે કહ્યું, ‘Now I will talk about the Industrial Revolution as a scientist.’ વિજ્ઞાનના વિદ્યાર્થીઓને ભારે આશ્ચર્ય થયું. વિજ્ઞાનીઓ તો અમે, આ નહેરુ વળી ક્યારના વિજ્ઞાની? એ તો રાજકારણના જીવ. મોટા ભાગના વિદ્યાર્થીઓને એ ખબર ન હતી કે એમની વયે નહેરુએ ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજમાંથી વિજ્ઞાનની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. વળી નહેરુના વક્તવ્યનો કંઈક એવો પણ અર્થ હતો કે તેઓ હવે ઔદ્યોગિક ક્રાંતિ વિશે છેલ્લી બેત્રણ મિનિટની પૂર્વાપર સંબંધ વિનાની કંઈક આડીઅવળી વાતોની જેમ નહીં પણ વ્યવસ્થિતપણે બોલશે. આ ભારે આશ્ચર્યને કારણે સમગ્ર શ્રોતાવૃન્દ જાણે નહેરુની મશ્કરી કરતું હોય, હાંસી કરતું હોય, ઉપહાસ કરતું હોય એમ ખડખડાટ હસી પડ્યું. બેત્રણ મિનિટની મહેનત પછી વિષય શોધ્યો હતો અને પ્રથમ વાક્યે જ આવું ખડખડાટ હાસ્ય! નહેરુનો મિજાજ ગયો. નહેરુને જુઓ તો લાલચોળ, રાતાપીળા. મુખની એકેએક રેખામાં રોષ. નહેરુએ ગર્જના કરી, ‘You are laughing at a wrong time!’ આખું વાતાવરણ નહેરુની ગર્જનાથી હચમચી ગયું. સેંકડો શ્રોતાઓ એક સેકંડમાં જ સ્તબ્ધ. કોઈ જોરથી તમાચો મારે ને તમ્મર આવે એવું એકેએક શ્રોતાએ જાણે કે અનુભવ્યું. સૌના શ્વાસ અધ્ધર. કોઈને શ્વાસ લેવાના પણ હોશકોશ નહીં. એટલે કોઈનો શ્વાસ પણ સંભળાય નહીં. એટલી શાંતિ સર્વત્ર વ્યાપી ગઈ. એવી શાંતિ કે હવે સ્વયં નહેરુ જ આ શાંતિથી સ્તબ્ધ. નહેરુની ગર્જનાથી શ્રોતાઓની જે સ્થિતિ હતી તેવી જ હવે શ્રોતાઓની આ શાંતિથી નહેરુની સ્થિતિ હતી. તરત જ નહેરુને પોતે શું કર્યું તે સમજાયું. એમણે કહ્યું, ‘Oh, but I am getting angry at a wrong time’ અને સમગ્ર શ્રોતાવૃન્દ ફરીથી ખડખડાટ હસી પડ્યું. પણ બીજી વારના આ ખડખડાટ હસવામાં નહેરુ પણ હતા, નહેરુ પણ ખડખડાટ હસી રહ્યા હતા. ૧૯૫૭માં ગુજરાતમાં મહાગુજરાતનું આંદોલન પુરજોસમાં ચાલતું હતું. ત્યારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીએ એના વિદ્યાર્થીઓની એક સભાનું આયોજન કર્યું હતું અને જવાહરલાલ નહેરુને પ્રવચન માટે આમંત્રણ આપ્યું હતું. એચ. એલ. કૉમર્સ કૉલેજના મકાનની આગળના ક્રિકેટ ગ્રાઉન્ડ પર એક મોટો ઊંચો મંચ બાંધવામાં આવ્યો હતો. સવારનો સમય હતો. મંચ પર ગુજરાત યુનિવર્સિટીના તે સમયના ઉપકુલપતિ, દ્વિભાષી મુંબઈ રાજ્યના તે સમયના મુખ્ય મંત્રી વગેરે ઉપસ્થિત હતા. ક્રિકેટ ગ્રાઉન્ડ હજારો શ્રોતાઓથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. સ્વાગત આદિ ઔપચારિક પ્રવચન પછી નહેરુ પોતાનું પ્રવચન કરવા ઊભા થયા. હજુ તો એ એમના પ્રવચનનું પ્રથમ વાક્ય ઉચ્ચારે તે પૂર્વે જ કૉલેજની સામે કૉલેજની હોસ્ટેલ છે તે સ્થળેથી હજારેક વિદ્યાર્થીઓનું એક જૂથ સરઘસ આકારે ક્રિકેટ ગ્રાઉન્ડ પર આવી પહોંચ્યું અને શ્રોતાવૃન્દની વચ્ચેથી ગ્રાઉન્ડમાં પ્રવેશ્યું. શ્રોતાઓમાં ધાંધલ ધમાલ અને ઘોંઘાટ ઘોંઘાટ. આ મહાગુજરાતપક્ષી વિદ્યાર્થીઓના હાથમાં મોટું બેનર હતું : ‘We want MahaGujarat’ અને શ્રોતાઓની વચમાં ક્રિકેટ ગ્રાઉન્ડની અધવચ નહેરુની બરોબર સામે આવીને દૂર ઊભું રહ્યું અને સતત ‘We want MahaGujarat! We want MahaGujarat’નો મોટે મોટેથી સૂત્રોચ્ચાર કરતું જ રહ્યું. નહેરુ એમના પ્રવચનો આરંભ સુધ્ધાં કરી ન શકે એવો આ વિદ્યાર્થીઓનો સૂત્રોચ્ચાર. પછી નહેરુનો મિજાજ ગયો. એમણે સૌ પ્રથમ તો ઉપકુલપતિને કહ્યું, ‘યે કૌન હૈ? યે વિદ્યાર્થી હૈ યા બંદર હૈં? યે કૌન બંદર મેરે સામને નાચતે હૈં? આપ યુનિવર્સિટી ચલાતે હૈં? ક્યા યે બોટાનિકલ ગાર્ડન હૈ યા યુનિવર્સિટી હૈ?’ એટલામાં દ્વિભાષી મુંબઈ રાજ્યના તે સમયના ‘શિસ્તપ્રેમી’ મુખ્ય મંત્રીએ મંચની ડાબી બાજુ પર પાછળના ભાગમાં શ્રોતાઓની નજરે ન પડે તેમ પોલીસમેન ઊભા હતા એમને મંચની આગળના ભાગમાં શ્રોતાઓ ભણી જવાનો ઇશારો કર્યો. આ ડહાપણ કોને સૂઝ્યું એની નહેરુને ખબર ન હતી. પણ એનું પરિણામ શું હોય એની એમને ખબર હતી. એટલે એમણે ભારે ગુસ્સાથી કહ્યું, ‘કિસ ગધેને યે કિયા?’ પોલીસમેનની આ હિલચાલને કારણે વિદ્યાર્થીઓમાં વધુ ઉશ્કેરાટ થયો. એમણે બેવડા જુસ્સાથી સૂત્રોચ્ચાર કર્યો. એટલે હવે નહેરુએ એમને કહ્યું, ‘આપ કૌન હૈં?’ આપ વિદ્યાર્થી હૈ યા બંદર? યે બંદર મેરે સામને નાચતે હૈં? આપ કો મહાગુજરાત ચાહિયે? નહીં મિલેગા, કભી નહીં મિલેગા. ક્યોં કી આપ કો સિર્ફ મહાગુજરાત હી નહીં ચાહિયે, આપકો ઔર ભી કુછ ચાહિયે. (મહાગુજરાતના આંદોલનમાં આંદોલનકારોની માગણી એ હતી કે મહાગુજરાત તો થવું જ જોઈએ, પણ મુંબઈ મહારાષ્ટ્રમાં ન જવું જોઈએ. મુંબઈમાં કેન્દ્રનું શાસન હોવું જોઈએ.) ઇસ લિયે આપ કો મહાગુજરાત કભી નહીં મિલેગા. અગર આપકો હિન્દુસ્તાનમેં નહીં રહેના હૈ તો આપ ચલે જાઈએ. આપ નિકલ જાઈએ. આપ કિધર ભી જાઈએ. આપ પાકિસ્તાન ચલે જાઈએ. આપ અરબ સમુદ્રમેં ડૂબ જાઈએ. લેકિન આપકો મહાગુજરાત નહીં મિલેગા.’ નહેરુની આ ગર્જનાથી અગાઉના પ્રસંગમાં આવ્યું હતું એવું જ પરિણામ આવ્યું. વિદ્યાર્થીઓના સૂત્રોચ્ચાર એકદમ બંધ. પારાવાર શાંતિ અને મૌન. એકાએક ઓચિંતા જ નહેરુએ મૃદુમંદ નમ્રઋજુ આર્દ્ર અવાજે એટલા જ પારાવાર પ્રેમથી કહ્યું, ‘સંસાર મેં જિતના પ્રેમ મૈંને પાયા હૈ ઇતિહાસ મેં કિસી આદમીને નહીં પાયા. ઇસ લિયે મૈં આપ કા અહેસાનમંદ હૂં.’ અને નહેરુએ કાટખૂણે નીચા નમીને શ્રોતાઓને નમન કર્યું. એકાદ મિનિટ લગી નમન કર્યું. અને પછી એકાદ કલાક લગી પરમ શાંતિ વચ્ચે પ્રવચન કર્યું. ઑક્ટોબર ૧૯૮૭