સાહિત્યચર્યા/‘વનવેલી’ – અનિયતકાલિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘વનવેલી’ – અનિયતકાલિક

‘નાટક માટે હજી સુધીના બધા પ્રયત્નોમાં મને સૌથી કાબેલ વનવેલી છંદ જ જણાયો છે. પણ તેના પણ ખૂબ પ્રયત્નો થવાની જરૂર છે... વનવેલીમાં અનેક રીતે નવા નવા પ્રયત્નો થઈ શકે એવા મને તર્કો થાય છે.’ ‘નાટકોની ઉક્તિ માટે હું... વનવેલીને સમર્થ ગણું છું. તે મનહર ઘનાક્ષરીના ચતુરક્ષર સંધિનાં આવર્તનોનો બનેલો છે. એ સંધિમાં લઘુગુરુનો કોઈ ક્રમ નથી એટલે વાક્યરચનાને કોઈ લઘુગુરુસ્થાન સાચવવા કે અમુક માત્રાઓ પૂરી કરી આપવા મરડવાની જરૂર પડતી નથી. વાક્યરચના ગદ્યના ક્રમને યથેચ્છ અનુસરી શકે છે, તેટલી જ ભાવને આવશ્યક હરકોઈ વાક્યભંગીને પણ ધારણ કરી શકે છે. વળી, તેમાં વાક્યો ગમે તેટલાં લાંબાંટૂંકાં આવી શકે છે, અને વાક્યો પંક્તિમાં ગમે ત્યાંથી શરૂ થઈ ગમે ત્યાં પૂરાં થતાં તેના મેળને હાનિ થતી નથી, મૂળ રચનાના પ્રાસ કાઢી નાંખ્યાથી તેમાં પંક્તિ પણ રહેતી નથી, જોકે સામાન્ય રીતે તેમાં સંધિનાં ચાર આવર્તનોની એટલે સોળ અક્ષરની પંક્તિ પડાય છે. આનો મેળ આવર્તનાત્મક છે એટલે તેમાં યતિનો પ્રશ્ન રહેતો નથી. મનહર, ઘનાક્ષરી લાંબી પરંપરાથી અર્થને અનુસરીને ગેયતા વિના પઢાતા આવ્યા છે.’ – રામનારાયણ વિ. પાઠક ઉપર્યુક્ત અવતરણોમાં આપણા એક ઉત્તમ કવિ-વિવેચકે વનવેલી છંદની પ્રવાહી પદ્ય માટેની પાત્રતા વિશેનો અભિપ્રાય અને એના પ્રયોગો વિશેનો આગ્રહ વ્યક્ત કર્યો છે. એ અનુસાર એના અનુસંધાનમાં અમે વનવેલી છંદમાં ઊર્મિકાવ્યો, કથનકાવ્યો અને નાટ્યકાવ્યો (સંવાદકાવ્યો અને પદ્યનાટકો)ના વધુ પ્રયોગો થવા જોઈએ અને એક જ સ્થળે અવારનવાર એનું પ્રકાશન અને ઉત્તમ પાઠકોના સ્વમુખે એનું પઠન થવું જોઈએ એવા આગ્રહ સાથે ‘વનવેલી’ નામથી અનિયતકાલિક સામયિક પણ પ્રગટ કરવાનું વિચાર્યું છે. આજ લગીમાં ગુજરાતી ભાષામાં કેશવ હર્ષદ ધ્રુવ, રામનારાયણ વિ. પાઠક, ઉમાશંકર જોશી, હીરા રા. પાઠક આદિ સર્જકોએ પદ્યનાટક, સંવાદકાવ્ય અને ઊર્મિકાવ્યનાં સ્વરૂપોમાં મધ્યમ કદની મહત્ત્વાકાંક્ષી કૃતિઓમાં તથા અન્ય કેટલાક સર્જકોએ લઘુ કદની કૃતિઓમાં પ્રયોગો કર્યા છે. વળી, આજ લગીમાં ગુજરાતી ભાષામાં પ્રવાહી પદ્ય સિદ્ધ કરવા માટે અનુષ્ટુપ, પૃથ્વી, હરિગીત, મનહર આદિ છંદોમાં પણ પ્રયોગો થયા છે. એ સૌ પ્રયોગોની મહત્તા અને મર્યાદા સુપરિચિત છે. પણ એ સૌની સરખામણીમાં પ્રવાહી પદ્યના સંદર્ભમાં અને ગુજરાતી ભાષાની વિલક્ષણતાના સંદર્ભમાં વનવેલીની સવિશેષ યોગ્યતા અને પાત્રતા છે એવો લગભગ સર્વમાન્ય અનુભવ અને અભિપ્રાય છે. એથી એની શક્યતાઓ જાણવા અને પ્રમાણવા માટે હજુ એના અનેક વધુ પ્રયોગો થાય એ આવશ્યક છે. જાન્યુઆરી ૨૦૦૦