સાહિત્યચર્યા/પિરાન્દેલોની નાટ્યપ્રતિભા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પિરાન્દેલોની નાટ્યપ્રતિભા

લુઇજી પિરાન્દેલોનો જન્મ ૧૮૬૭માં ઇટલીના સિસિલી ટાપુના દક્ષિણ-પશ્ચિમ તટપ્રદેશના આગ્રિજેન્તોમાં થયો હતો. એમણે પ્રથમ સિસિલીના ઉત્તર-પશ્ચિમ તટપ્રદેશના પાલેર્મોમાં, પછી રોમમાં અને અંતે જર્મનીના બોનમાં અભ્યાસ કર્યો હતો. બોનમાં એમને પ્રથમ પ્રેમનો અનુભવ પણ થયો હતો. એમનાં માતા-પિતાનું લગ્નજીવન પિતાની અણસમજો અને ગેરસમજોને કારણે સુખી ન હતું. પિતાએ એમનો વિવાહ એક પિતરાઈ બહેન સાથે કર્યો હતો પણ પછી ૧૮૯૪માં એમના વ્યાપારમાં ભાગીદાર એવા મિત્રની સ્વરૂપવાન પુત્રી આન્તોનિએલ્તા પાર્તુલાનો સાથે પિરાન્દેલોનું લગ્ન કરાવ્યું હતું. લગ્ન પછી દંપતીએ રોમમાં નિવાસ કર્યો હતો. પૂરની કુદરતી આફતમાં પિરાન્દેલોના સસરાની સલ્ફરની ખાણ નાશ પામી હતી અને પત્નીને એનો ભારે આઘાત લાગ્યો હતો અને પછી પગમાં પક્ષઘાત થયો હતો. એથી હવે પિરાન્દેલોને રોમમાં આજીવિકા અર્થે અધ્યાપન અને લેખનકાર્ય કરવાનું અનિવાર્ય થયું હતું. પછી ૧૯૦૪માં પત્ની પાગલ થઈ ગયાં હતાં. પતિ પ્રત્યેની ઈર્ષ્યામાં એમનું પાગલપણું પ્રગટ થતું હતું. પિરાન્દેલોને આ લગ્નથી ચાર સંતાનો – ત્રણ પુત્રો અને એક પુત્રી - થયાં હતાં. પાગલ થયા પછી પત્ની સંતાનો સાથે સિસિલીમાં વસ્યાં હતાં. એથી પિરાન્દેલોને દીર્ઘકાલીન વિરહનો અનુભવ થયો હતો. પત્ની સંતાનોને – સવિશેષ તો પુત્રીને – હાનિરૂપ ન થાય એ માટે અંતે ૧૯૧૮માં પત્નીને પાગલખાનામાં દાખલ કર્યાં હતાં. આમ, પિરાન્દેલોનું અંગતજીવન – લગ્નજીવન પોતાને માટે અને સંતાનોને માટે દારુણ યાતનારૂપ હતું. પિરાન્દેલોનાં સર્જનો – ટૂંકી વાર્તા, નવલકથા અને નાટકોમાં એમનાં લગ્નજીવનનો આ કરુણ અનુભવ પરોક્ષપણે પ્રગટ થયો છે. પિરાન્દેલોએ એમના સર્જકજીવનના આરંભમાં ૧૮૮૩-૮૪માં એક કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો હતો. ૧૮૯૪થી ૧૯૧૯ લગીમાં એમણે ત્રણસો ઉપરાંત ટૂંકી વાર્તાઓ લખી હતી. વર્ષના જેટલા દિવસ એટલી ટૂંકી વાર્તાઓ એટલે કે ત્રણસો પાંસઠ ટૂંકી વાર્તાઓ લખવી હતી પણ લખી શક્યા ન હતા. એમની ટૂંકી વાર્તાઓના પંદર સંચયો થયા હતા. ૧૯૦૪થી એમણે નવલકથાઓ લખવાનો આરંભ કર્યો હતો. ૧૯૧૩ લગી એમણે નવલકથાઓ લખી હતી પછી એમણે નાટકો લખવાનો આરંભ કર્યો હતો. ૧૯૧૦થી ૧૯૩૬ લગીમાં એમણે તેંતાલીસ નાટકો લખ્યાં હતાં. એમાંથી અઠ્ઠાવીસ નાટકો એમની ટૂંકી વાર્તાઓનાં નાટ્યરૂપાંતરો હતાં. ૧૯૩૪માં એમને નોબેલ પારિતોષિક અર્પણ થયું હતું. ૧૯૩૬માં ૬૯ વર્ષની વયે રોમમાં એમનું અવસાન થયું હતું.

પિરાન્દેલોએ ૧૮૮૩માં ૧૬ વર્ષની વયે કવિતાથી એમના લેખક જીવનનો આરંભ કર્યો હતો. એ લીઓપાર્દીની પરંપરામાં નૈરાશ્યની કવિતા હતી પણ પિરાન્દેલોએ એમના લેખકજીવનના અંતે મનુષ્યના જીવનમાં ‘કંઈ લાખો નિરાશા’માં ક્યાંક ‘અમર આશા છુપાઈ’ છે, ‘જીવનનો આરંભ નૈરાશ્યની પેલે પાર થાય છે’ એવો અણસાર અનુભવ્યો હતો. આરંભમાં એમની ટૂંકી વારતાઓ અને નવલકથાઓમાં વાસ્તવનો પ્રભાવ હતો. એમાં કેંદ્રમાં બે વિશ્વયુદ્ધોની વચ્ચેના સમયના સિસિલીના મધ્યમવર્ગના મનુષ્યોનું જીવન હતું પણ પછી અંગતજીવનનો આત્મલક્ષી અને પ્રત્યક્ષ કરુણ અનુભવ અને વ્યાપક મનુષ્યજીવનનો પરલક્ષી અને પરોક્ષ કરુણમિશ્રિત હાસ્યપ્રેરક અનુભવ એમની ટૂંકી વારતાઓ અને નવલકથાઓમાં તથા સવિશેષ તો એમનાં નાટકોમાં પ્રગટ થાય છે. એમાં મિથ્યાનો પ્રભાવ છે. પિરાન્દેલોની સર્જકપ્રતિભાની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ તો એમનાં નાટકો છે. આ નાટકોને કારણે હજુ તો ‘અસ્તિત્વવાદ’ અને ‘ઍબ્સર્ડ’ શબ્દોનો જન્મ પણ થયો ન હતો ત્યારે પિરાન્દેલો અસ્તિત્વવાદી અને એબ્સર્ડવાદી હતા. આ બે વાદો તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જગતભરમાં, સવિશેષ ફ્રાંસમાં પ્રચલિત અને લોકપ્રિય થયા પણ તે પૂર્વે પિરાન્દેલોનાં નાટકોમાં એનો આગોતરો અણસાર છે. પિરાન્દેલોનાં નાટકોમાં મનુષ્ય વિશેનું, જગત અને જીવન વિશેનું, વ્યક્તિ અને સમષ્ટિ વિશેનું મોટે ભાગે લગભગ એકનું એક એવું ‘દર્શન’ અનેક દૃષ્ટિકોણથી પ્રગટ થાય છે. એથી એમના નાટ્યલેખનના આરંભના સમયમાં પિરાન્દેલો ફિલસૂફ છે અને એમને કોઈ વિશિષ્ટ અને વ્યવસ્થિત ફિલસૂફી છે, એમનામાં ‘પિરાન્દેલિસ્મો’ – પિરાન્દેલોવાદ - છે અને એ ફિલસૂફી, એ વાદ એમનાં નાટકોમાં પ્રગટ થાય છે એવી એક માન્યતા હતી. પિરાન્દેલોએ પણ આ માન્યતાને આરંભમાં પ્રોત્સાહન આપ્યું હતું. ૧૯૦૮માં એમણે એમની કળાની વિભાવના વિશે એક વિસ્તૃત નિબંધ ‘લ્યુમોરિસ્મો’ પણ પ્રગટ કર્યો હતો. આ સદીના આરંભમાં હાઈડેગરના ગ્રંથોનો ઇટાલિયન ભાષામાં અનુવાદ થયો હતો. છતાં ઇટાલિયન સાહિત્યમાં પરંપરાથી જ ફિલસૂફી અને મનોવિજ્ઞાનનો કોઈ વિશેષ પ્રભાવ ન હતો. દ્વિતીય વિશ્વયુદ્ધના સમયમાં તથા યુદ્ધોત્તર સમયમાં યુરોપીય સાહિત્યમાં - સવિશેષ ફ્રેંચ અને જર્મન સાહિત્યમાં અસ્તિત્વવાદની ફિલસૂફી અને અસ્તિત્વવાદી નવલકથાનું મહત્ત્વ હતું. ઇટાલિયન રાજકારણમાં ત્યારે બે દાયકાથી સરમુખત્યારશાહી હતી. કદાચને એ કારણે ઇટાલિયન સાહિત્યમાં વ્યક્તિસ્વાતંત્ર્ય અને વૈયક્તિકતાનો જેમાં મહિમા હોય એવી ફિલસૂફી અને નવલકથાનું મહત્ત્વ ન હતું, એમાં સામાજિક સભાનતા અને સામાજિક વાસ્તવનું મહત્ત્વ હતું. અલબત્ત, પિરાન્દેલોને બર્ગસોં અને નિત્શેની ફિલસૂફીનો પરિચય હતો. એ ફિલસૂફી પ્રત્યે એમનામાં એક સહૃદયમાં હોય એવી સહાનુભૂતિ પણ હતી છતાં પિરાન્દેલો ફિલસૂફ નથી અને એમનાં નાટકોમાં કોઈ વિશિષ્ટ અને વ્યવસ્થિત ફિલસૂફી નથી. પિરાન્દેલો માત્ર નાટકકાર છે. ૧૯૩૫માં જીવનને અંતે પોતે ફિલસૂફ નથી અને પોતાનાં નાટકોમાં કોઈ વિશિષ્ટ અને વ્યવસ્થિત ફિલસૂફી નથી, પોતે કેવળ કલાકાર છે, નરવા નાટકકાર માત્ર છે એવું વિધાન એમણે કર્યું હતું. પિરાન્દેલોનાં નાટકોમાં એમનું મિથ્યા અંગેનું જે અનુભવદર્શન છે તે કારણે જ નહિ પણ સવિશેષ તો એ અનુભવદર્શન હાડચામ અને લોહીમાંસના મનુષ્યો રૂપે મૂર્તિમંત થાય છે એ કારણે જ પિરાન્દેલો કલાકાર છે, સર્જક છે, નાટકકાર છે. પિરાન્દેલોએ એમનાં પાત્રો વિશે ૧૯૧૧માં અને ૧૯૧૫માં એમ બે વાર વિધાન કર્યું હતું કે સ્વપ્નો એમને છેડે-છંછેડે છે અને પાત્રોમાં સાકાર થાય ત્યારે જ એમને છોડે છે. એમનાં પાત્રો ‘જીવંત જન્મ્યાં છે એટલે એમને જીવવું છે.’ પિરાન્દેલોમાં નાટક સાધન અને ફિલસૂફી સાધ્ય નથી, ફિલસૂફી સાધન અને નાટક સાધ્ય છે. એમનામાં ફિલસૂફીને ખાતર નાટકનું અસ્તિત્વ નથી, નાટકને ખાતર ફિલસૂફીનું અસ્તિત્વ છે.

સત્ય શું છે? વાસ્તવ શું છે? આ પ્રશ્નનો ઉત્તર અશક્ય છે. કારણ કે એ ઉત્તર તર્ક કે બુદ્ધિથી, ઊર્મિ કે લાગણીથી પ્રાપ્ત કરવાનું શક્ય નથી અને મનુષ્યમાં એ ઉત્તર પ્રાપ્ત કરવાનું અન્ય કોઈ કરણ કે સાધન નથી. એથી પિરાન્દેલોનાં નાટકોમાં આ પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત કરવાનો કોઈ ઉપક્રમ નથી પણ એમાં એ ઉત્તરની અનુપસ્થિતિમાં મનુષ્યનું શું થાય અથવા મનુષ્યનું શું ન થાય, એ પ્રશ્નનો ઉત્તર – બલકે એ પ્રશ્નના અનેક ઉત્તરો પ્રાપ્ત કરવાનો ઉપક્રમ છે. એથી પિરાન્દેલોનાં એકાધિક નાટકોમાં – ૪૩ નાટકોમાં આ એકમેવ ઉપક્રમ છે. એ અર્થમાં પિરાન્દેલોનાં ૪૩ નાટકો એ અંતે એક જ નાટક છે, એક જ નાટકનાં નાનાવિધ રૂપાંતરો છે. આ જગતનો કોઈ નિયંતા ન હોય, એનું અસ્તિત્વ ન હોય, જગતમાં અને જીવનમાં કોઈ નિયતિ ન હોય, એનું અસ્તિત્વ ન હોય, કોઈ નિયંતા કે કોઈ નિયતિકૃત નિયમથી જગતનું અને જીવનનું સર્જન અને સંવર્ધન થતું ન હોય, એથી જગતમાં અને જીવનમાં સુશ્લિષ્ટતા અને સુવ્યવસ્થા ન હોય, સુસંગતતા અને સંવાદિતા ન હોય તો પણ મનુષ્ય તો છે જ, એનું અસ્તિત્વ તો છે જ અને એને આ જગતમાં જ જીવવાનું છે, એને આ જગતમાં જ જીવવું રહ્યું. જગત સતત ગતિશીલ છે અને જીવન સતત પરિવર્તનશીલ છે. એથી જગતમાં અને જીવનમાં ઇદમ્ સર્વમ્ – જે કંઈ છે તે સર્વ સર્વદા, સર્વત્ર, સર્વથા અનિત્ય છે, અધ્રુવ છે, અસ્થિર છે, અસ્થાયી છે, ક્ષણિક છે, સાપેક્ષ છે; કશું નિત્ય નથી, ધ્રુવ નથી, સ્થિર નથી, સ્થાયી નથી, શાશ્વત નથી, નિરપેક્ષ નથી. મનુષ્યને આવા જગતમાં આવું જીવન જીવવાનું છે, જીવવું રહ્યું. એ માટે મનુષ્યે કંઈક થવાનું છે, કંઈક કરવાનું છે, કંઈક થવું રહ્યું, કંઈક કરવું રહ્યું. એને માટે એણે પસંદગી – બલકે પસંદગીઓ કરવાની છે, પસંદગીઓ કરવી રહી. જર્મન ચિન્તક કાર્લ જાસ્પર્સે કહ્યું છે, ‘I choose and therefore I am. If I am not, I do not choose’ – હું પસંદગી કરું છું માટે હું છું, મારું અસ્તિત્વ છે. હું ન હોઉં, મારું અસ્તિત્વ ન હોય તો જ હું પસંદગી ન કરું.’ એટલે કે મનુષ્ય પસંદગી કરે છે માટે જ મનુષ્ય છે, મનુષ્યનું અસ્તિત્વ છે. મનુષ્ય પસંદગી ન કરે તો મનુષ્ય હોય જ નહિ, મનુષ્યનું અસ્તિત્વ હોય જ નહિ. ૧૭મી સદીમાં ફ્રેન્ચ ચિંતક દેકાર્તે કહ્યું હતું, ‘I think and therefore I am’ – હું વિચારું છું માટે હું છું, મારું અસ્તિત્વ છે. ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં – સવિશેષ દ્વિતીય વિશ્વયુદ્ધ પછીના સમયમાં પિરાન્દેલો અને અન્ય અનેક અસ્તિત્વવાદી સર્જકો અને ચિંતકો દેકાર્તના આ વિધાનને જાણે કે પ્રશ્નાર્થે છે. ટૂંકમાં, મનુષ્ય માટે પસંદગી અનિવાર્ય છે. આમ, જીવવું એટલે જ પસંદગી કરવી અથવા પસંદગી કરવી એટલે જ જીવવું. આ પસંદગી કરવાની પૂર્વશરત, પૂર્વ આવશ્યકતા છે સ્વતંત્રતા. પસંદગી કરવા માટે મનુષ્ય સ્વતંત્ર હોય એ આવશ્યક છે. મનુષ્યમાં પસંદગી કરવાની સ્વતંત્રતા ન હોય તો મનુષ્ય પસંદગી કરી જ ન શકે. સ્વતંત્રતા વિના મનુષ્યને માટે કશીય પસંદગી કરવી અશક્ય છે. સ્વતંત્રતા એ આ સૂક્ષ્મ અને માર્મિક અર્થમાં, આ સંદર્ભમાં મનુષ્યનો જન્મસિદ્ધ અધિકાર છે. ટૂંકમાં, મનુષ્ય માટે સ્વતંત્રતા અનિવાર્ય છે. સ્વતંત્રતા દ્વારા મનુષ્યની આ પસંદગીઓ એટલે કે અભિપ્રાયો, અનુમાનો, માન્યતાઓ, મૂલ્યો, પ્રતીતિઓ, પ્રતિજ્ઞાઓ, શ્રદ્ધાઓ, શ્રેયો, નિષ્કર્ષો, નિર્ણયો, નીતિઓ, નિયોજનો, ખ્યાલો, ખુલાસાઓ, દાખલાઓ, દલીલો, તર્કો, વિચારો, ઊર્મિઓ, લાગણીઓ ઇત્યાદિ ઇત્યાદિ. પણ મનુષ્યની આ પસંદગીઓ સતત ગતિશીલ એવા જગતમાં અને સતત પરિવર્તનશીલ એવા જીવનમાં થાય છે. પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિઓ, કાર્યો, ઘટનાઓ, સંયોગો, સંદર્ભો બધું જ ગતિશીલ અને પરિવર્તનશીલ છે. એથી આ પસંદગીઓ પણ ગતિશીલ અને પરિવર્તનશીલ છે – ક્ષણે ક્ષણે, ડગલે ને પગલે ગતિશીલ અને પરિવર્તનશીલ છે. એથી આ પસંદગીઓમાં ક્રમબદ્ધ અને શ્રેણીબદ્ધ પરિવર્તનો થાય છે. પિરાન્દેલોના એક નાટકનું શીર્ષક છે : ‘Each In His Own Way’ – ‘સૌ સૌના તાનમાં’. એમાં સૌ પાત્રો સૌ સૌના તાનમાં છે. આ નાટકમાં ‘ઘડીકમાં આમ અને ઘડીકમાં તેમ’ એ ઉક્તિનું ધ્રુવપંક્તિની જેમ વારંવાર પુનરાવર્તન થાય છે. હમણાં એક પસંદગી અને પછી અન્ય – ક્યારેક એનાથી ભિન્ન અથવા તો ક્યારેક એનાથી તદ્દન વિશેધી પસંદગી અને વળી, પાછી એનાથી પણ ભિન્ન અથવા તદ્દન વિશેધી અન્ય પસંદગી – આમ ક્રમબદ્ધ અને શ્રેણીબદ્ધ પસંદગીઓ થાય છે એનું નામ જ જીવન. જીવન એ નકશા વિનાનું ચણતર છે. જીવન એ કોઈ પાંજરું નથી કે ચોકઠું નથી, કોઈ માળખું નથી કે સૂત્ર નથી, કોઈ Form નથી કે Formula નથી, જીવનને કોઈ ઘાટ નથી કે આકાર નથી – જેમાં મનુષ્ય જન્મતાંવેંત જ જડાઈ-પકડાઈ જાય. જિવાતાં જિવાતાં જે કંઈ થાય, જે કંઈ જિવાય તે જીવન. એથી અન્યથા કોઈ જીવન છે જ નહિ. એથી જ પિરાન્દેલોના એક નાટકનું શીર્ષક છે ‘As You See Me’ – તમે મને જેવી જુવો છો તેવી છું. એમાં સીસા – એક અજ્ઞાત સ્ત્રીપાત્ર – કહે છે, ‘Life is nothing. ‘To be’ means to build oneself’ – જીવન તો કંઈ નથી. હોવું એટલે થવું. એટલે કે પોતે પોતાનો ઘાટ ઘડવો. જીવન એ એક અવિરામ, અવિશ્રાંત, અસ્ખલિત, અનિરુદ્ધ એવું સતત સહજ, સ્વયંસ્ફુરિત, સહસા, સ્વયંભૂ નાટક છે, Improvisation છે. જીવન નામે નાટકમાં કોઈ પ્લોટ, પૂર્વયોજિત, પૂર્વનિશ્ચિત, પૂર્વનિર્ણિત વસ્તુવિષય નથી. જિવાતાં જિવાતાં જે જિવાય તે જીવન. ટૂંકમાં, મનુષ્યને માટે પસંદગીઓમાં સતત પરિવર્તનો અનિવાર્ય છે. પણ મનુષ્યની આ પસંદગીઓ સતત ગતિશીલ અને સતત પરિવર્તનશીલ છે એથી મનુષ્યની સતત દોલાયમાન ચિત્તવૃત્તિ અને પ્રવૃત્તિ હોય છે. એથી મનુષ્યને આભાસો, ભ્રમણાઓ, પ્રતારણાઓ, આશ્ચર્યો, વિસ્મયો, આઘાતો, સંઘર્ષો આદિનો અનુભવ થાય છે. ખરું શું ને ખોટું શું? સાચું શું ને જૂઠું શું? – એવા પ્રશ્નો થાય છે. પિરાન્દેલોના એક નાટકનું શીર્ષક છે : ‘Right You Are, If You Think You Are’ – તમને જો લાગે કે તમે સાચા છો તો લ્યો, તમે સાચા છો બસ! હવે જાઓ જગતમાં અને જીવો અને જુઓ અને જાણો કે તમે કેવા અને કેટલા સાચા છો – એવું આ નાટકમાં પિરાન્દેલોનું આહ્વાન છે. વળી, મનુષ્યની પસંદગીઓમાં આ સતત પરિવર્તનોને કારણે એને અકળતા, અનિશ્ચિતતા, અનિર્ણયાત્મકતા, વક્રતા, વિશેધાભાસ, દ્વિધા, વિષમતા, વિચિત્રતા, વિસંવાદિતા આદિનો અનુભવ થાય છે. વળી, એને અસારતા, નિ:સારતા, અસંગતિ, વિસંગતિ, વિમાસણ, વિચ્છિન્નતા આદિનો અનુભવ થાય છે એટલે કે Absurdનો અનુભવ થાય છે અને વળી, એને નિરાધારતા, નિરાશ્રિતતા, અસહાયતા, અસુરક્ષિતતાનો અનુભવ થાય છે. વળી, મનુષ્યની પસંદગીઓમાં આ સતત થતાં પરિવર્તનોને કારણે મનુષ્યના વ્યક્તિત્વનો હ્રાસ થાય છે, એની અસ્મિતાનો લોપ થાય છે, એની Identity, ઓળખનું અસ્તિત્વ અંકાતું જ નથી. મનુષ્ય જાણે કે એક વ્યક્તિ નથી, અનેક વ્યક્તિઓનો સમુચ્ચય છે. મનુષ્યને જાણે કે એક ચહેરો નથી, અનેક ચહેરા છે. મનુષ્ય જાણે કે બહુમુખી, બહુરૂપી છે. એને અનેક સ્વરૂપો છે. મનુષ્ય જાણે કે નવા નવા ચહેરા અને મુખવટા, નવા નવા વાઘા અને વેશ ધાર્યા કરે છે. એક ધાર્યો ન ધાર્યો ત્યાં તો ઉતાર્યો અને બીજો ધાર્યો, બીજો ધાર્યો ન ધાર્યો ત્યાં એ પણ ઉતાર્યો અને ત્રીજો ધાર્યો – એમ સતત ધાર્યા જ કરે છે. પિરાન્દેલોના પૂર્વોક્ત નાટકમાં નાયિકા સિન્યોરા પોન્ઝા કહે છે, ‘As for myself, I am nothing... I am what people think I am’ – મારી દૃષ્ટિમાં હું કંઈ જ નથી. હું તો માત્ર લોકો મને જેવી ધારે છે તેવી જ છું. પિરાન્દેલોનાં નાટકોનાં સર્વસંગ્રહનું શીર્ષક છે. ‘Naked Masks’ – ‘નગ્ન મહોરા’. એમાં પિરાન્દેલોનાં સૌ નાટકોનું રહસ્ય પ્રગટ થાય છે. મનુષ્ય એની સ્વતંત્રતા દ્વારા એના વિચાર, વાણી અને વર્તનની પસંદગી કરે છે પણ એ વિચાર, વાણી અને વર્તન એ કેવો ચહેરા વિનાનો, વ્યક્તિત્વ વિનાનો મનુષ્ય છે એટલું જ સિદ્ધ કરે છે. આમ, એની પસંદગી અને એની સ્વતંત્રતા એ અંતે વરદાન પણ છે અને શાપ પણ છે એવું સિદ્ધ થાય છે. ફેંચ ભાષામાં એક કહેવત છે, ‘Le bossu ne voit point sa bosse, mais il voit celle de son confrere.’ – ખૂંધો મનુષ્ય પોતે પોતાની ખૂંધ કદી જોઈ શકતો નથી, પણ એ અન્ય મનુષ્યની ખૂંધ જોઈ શકે છે. ક્યારેક મનુષ્યો પોતાને અને અન્ય મનુષ્યોને જેવા છે તેવા જોઈ શકે છે તો ક્યારેક જોઈ શકતા નથી. ક્યારેક મનુષ્યો પોતાની ઉપર અને અન્ય મનુષ્યો ઉપર હસી કે રડી શકે છે તો ક્યારેક હસવું કે રડવું હોય તો પણ હસી કે રડી શકતા નથી. મનુષ્યને એનાં બાહ્યદેહમાં કે વસ્ત્રોમાં ડાઘ કે છિદ્ર નથી એની ખાતરી હોય પણ એના અંતરાત્મામાં ડાઘ કે છિદ્ર નથી એની ક્યારેક ખાતરી હોય છે તો ક્યારેક હોતી નથી. વળી, મનુષ્યની પસંદગીઓમાં આ સતત પરિવર્તનોને કારણે મનુષ્યને પલાયન, પાગલપણ અને પ્રપંચોનો આશ્રય પ્રાપ્ત કરવાનું; ઘૃણા, તિરસ્કાર અને ધિક્કારનો આધાર પ્રાપ્ત કરવાનું તથા રોષ, ભય અને શંકાનું રક્ષણ પ્રાપ્ત કરવાનું અનિવાર્ય થાય છે. એથી વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચે અણસમજો અને ગેરસમજો થાય છે, વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચે અનુલ્લંઘનીય ગર્તા રચાય છે અને વૈયક્તિક સ્વાતંત્ર્ય અને સામાજિક નીતિ-નિયમો વચ્ચે સંઘર્ષ થાય છે અને અંતે પરસ્પર હિંસા અને ક્રૂરતાનું પ્રદર્શન થાય છે. પિરાન્દેલોનાં નાટકોમાં માનવજીવનની આ દારુણ વેદના, આ ભીષણ યાતના, આ અનિવાર્ય કરુણતા તથા એની પ્રત્યે એમની અનુકંપા, સહાનુભૂતિ અને કરુણા પ્રગટ થાય છે. પિરાન્દેલોના જીવનનાં અંતિમ વર્ષોમાં અને એમનાં અંતિમ નાટકોમાં મનુષ્યને એની આ નરકયાત્રા પછી તમિસ્રલોકની યાત્રામાં અદૂરના ભવિષ્યમાં જ જીવનને જેવું છે તેવું એના નગ્ન સ્વરૂપમાં જોવાનું, વેશ-વાઘા કે મહોરાં-મુખવટા વિનાના એના ચહેરાને જોવાનું બળ અને સાહસ પ્રાપ્ત થશે, મનુષ્યજાતિ પરસ્પર માન, આદર, સમજ, સહિષ્ણુતા અને પ્રેમના અપૂર્વ અને અભૂતપૂર્વ મૂલાધાર પર એની માનવતાનો મહાપ્રાસાદ રચશે અને અંતે સુખ અને શાંતિનો અક્ષય અધિકાર પ્રાપ્ત કરશે એવી આશા અને શ્રદ્ધાના સમ પર પિરાન્દેલોની નાટ્યપ્રતિભાનું મહાસંગીત વિરમે છે. પિરાન્દેલોના ‘દર્શન’ને કારણે ફિલસૂફી અને મનોવિજ્ઞાન, વાસ્તવ અને કલ્પના, હાસ્ય અને કારુણ્ય, શાણપણ અને પાગલપણના સંગમસ્થાન પર એમનાં નાટકોનું સર્જન થયું છે. એમાં પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિઓ તથા વસ્તુવિષયને અનુરૂપ અને અનુકૂળ તથા નવલકથાનું કથનાત્મક એકસ્તરીય નહિ પણ નાટકમાં જે અનિવાર્ય તે દ્વિસ્તરીય શૈલીસ્વરૂપ છે. એમણે સમકાલીન – બલકે સર્વકાલીન યુરોપીય નાટક અને રંગભૂમિની રૂઢિઓ અને પરંપરાનો પરિહાર કર્યો છે અને નાટકમાં નાટક તથા નાટકની બહાર નાટકની યુક્તિ-પ્રયુક્તિઓ યોજી-પ્રયોજી છે. એમાં કથા કે કથન નથી, ઘાટ કે ઘટના નથી એથી આ નાટકો વાચનમાં કદાચ ક્લિષ્ટ અને દુર્બોધ લાગે પણ મંચનમાં સરળ અને સ્પષ્ટ લાગે છે. આ નાટકોમાં પાત્રો રંગભૂમિ પર ઉપસ્થિત થાય છે પછી એ પાત્રો પ્રસંગો અને પરિસ્થિતિઓ પ્રમાણે એમના સ્વકીય વેગ-આવેગથી ક્રિયા-પ્રતિક્રિયાઓ કરે છે અને પિરાન્દેલો નેપથ્યમાં અનાસક્તિભાવે, નિષ્કામભાવે, તટસ્થભાવે, સાક્ષીભાવે એની પ્રતીક્ષા અને નિરીક્ષા કરે છે. તો આ છે પિરાન્દેલોની, જગતના એક મહાન નાટકકારની નાટ્યપ્રતિભા.

(પિરાન્દેલો રચિત નાટક ‘Each in His Own Way’ના જનુભાઈ છોટાલાલ મહેતાકૃત અનુવાદ ‘સૌ સૌના તાનમાં’ની દ્વિતીય આવૃત્તિના પ્રકાશન પ્રસંગે વક્તવ્ય. ૫ ઑગસ્ટ ૨૦૦૦)