સાહિત્યિક સંરસન — ૪/પેલે પાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
12. પેલે પાર

ચેતન શુક્લ

Chetan Shukla 1.jpg

આખુંય ચોમાસું નદીમાં વહીને દરિયે પહોંચી ગયું છે એટલે હવે નદીનો પટ સંકોચાયેલો છે. શિયાળાના માંદલા તડકાથી શેકાઈ ગયેલી કિનારાની રેતીને બાથમાં ભીડીને આવતા ઠંડા પવનો નદીના પાણીને સ્પર્શીને વધુ ટાઢા બનીને વહે છે. મને હવે આવા ટાઢા પવનની કોઈ તમા નથી. નદીના પહોળા રેતાળ પટના વળાંકે હજુય આખો સૂરજ દૃશ્યમાન થાય છે અને એનાં કિરણો વડે આખી નદી અત્યારે તાંબાવર્ણી લાગી રહી છે. હું જે જગ્યાએ બેઠો છું એ નદીનો કિનારો હોવા છતાં કિનારો કહી શકાય એમ નથી, કારણ કે આ જગ્યા નદીની સપાટીથી બે-ત્રણ માથોડાં ઊંચે આવેલી છે. નદીનાં ખળખળ વહેતાં પાણી તરફ જવા માટે આ ભેખડ કહી શકાય એવી ઊંચી જગ્યાએથી એક કેડી જેવો રસ્તો પણ છે. કેડી અને નદી બંને અત્યારે વેરાન લાગે છે. રોજ સાંજે કોઈ યોગી પોતાની સાદડીનો વીંટો ખોલે અને બિછાવે એમ જ મારું છે. હું મારા ગામ તરફ પીઠ કરીને આરામથી એક નાનકડા મંદિરના ટેકે બેઠો છું. મંદિર ઉપર એક બોર્ડ લગાવેલું છે - ‘રાધાકૃષ્ણ મંદિર’ અને કૌંસમાં લખ્યું છે ‘પ્રેમનું મંદિર’. તેની જીર્ણ થયેલી ધજામાં થતો પવનનો ફફડાટ મારા મનને આંદોલિત કરી મૂકે છે. થોડે દૂર મંદિરની વાડની સમાંતર ફૂલોથી લચી પડેલાં નાના-મોટાં છોડવાં છે. એક ખૂણામાં તુલસીવન છે. અને એની આગળ એક કાળા પડી ગયેલાં મોટા પથ્થરની આસપાસ કેટલાંય નારિયેળનાં છોંતરાં પડ્યાં છે. ગામના યુવાન-યુવતીઓની બાધા અહીં વધેરાઈ છે. આમતેમ વેરણછેરણ થયેલી છે. ગામની અમુક યુવતીઓ તો લાકડાં વીણવા નીકળવાના બહાને ભરબપોરે આવીને પોતાની બાધાનું શ્રીફળ વધેરી જાય છે. સાંજ પડવાના આરે પહોંચેલા સમયમાં મારું ધ્યાન સામે કિનારે સ્થિર છે. રોજની જેમ જ. કોઈ પ્રતીક્ષા ક્યારેક સમયની પાર જઈને બેઠી હોય છે અને એ પ્રતીક્ષાનો પણ કોઈ કિનારો નથી હોતો એવું સ્વીકારવા માટે જેટલો સમય જોઈતો હોય એ સમયની મર્યાદા પણ ક્યારની પૂરી થઈ ગઈ છે. એવો પણ એક સમય હતો જ્યારે બંને કિનારા પર વસેલાં ગામ વચ્ચે એક જ નાવ હતી. એ એક જ નાવ વિશે કોઈને રાવ નહોતી કારણ કે ત્યારે તો બંને ગામ વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ હતા. વરસમાં ત્રણેક મહિના જ બે કાંઠે વહેતી નદીના પટમાં એ સિવાયના દિવસોમાં ખેતી થતી. અમે મિત્રો સાથે એ નદીપટમાં રમતો રમતા, ખાસ તો કબડ્ડી રમતા. બંને ગામ વચ્ચે જ્યારે મેચ હોય ત્યારે તો જાણે અડધું ગામ પોતાના ગામના ખેલાડીઓને જોવા આવતું. હું અમારા ગામનો કેપ્ટન હતો. એક વાર સામેના ગામના સરપંચ વાલજીના હાથે મેચ જીતવા બદલ મને ટ્રોફી અપાઈ ત્યારે એ વાલજીની દીકરી તારિણી પણ ત્યાં હાજર હતી. બધાં એને તરુ કહેતાં. જોકે એ સમયે એની આંખોમાં જે ભાવ હતો એ મારા માટે કોઈ ટ્રોફીથી વિશેષ હતો. એ દિવસથી અમને બંનેને જીવવું પણ ફૂલ ખીલવા જેવું લાગવા માંડ્યું હતું. હું કાયમ નદી સાથે વાતો કરું છું. હું સ્થિર અને એ વહેતી નદી. બંને વચ્ચેનો સંવાદ પ્રવાહી. પણ એ સરકી જતી પ્રવાહીતામાં નદી જ એકમાત્ર સાક્ષી છે એવી એક ઘટનાના મારા પ્રશ્નો અને ઉત્તરો વહી જાય છે. સામે કાંઠે થોડે દૂર, દરિયા તરફના વહાવના માર્ગમાં એક જીર્ણ મંદિર છે. રોજ પરોઢિયે ધુમ્મસની ચાદર પછીતે અંતર્ધ્યાન થઈ જતા એ મંદિરનો આકાર અત્યારે હું સ્પષ્ટ જોઈ શકું છું. મંદિર શાપિત છે એવું એ ગામના લોકો કહે છે એટલે એનો જીર્ણોદ્ધાર થયો નથી. તેનાં ગર્ભગૃહની ઉપર શિરછત્ર સમાન ઘુમ્મટ જેવું પથ્થરિયું આવરણ છે પણ ત્યાં ધજા ફરકતી નથી. બહારના મંડપમાં ખંડિત નંદીની આસપાસ પથ્થરોના સ્તંભ જ રહ્યા છે પણ એ સિવાય કશુંય નથી. સૂરજનો ઢળતો તાપ ત્યાં અજવાળું પાથરતો હતો એટલે આખોય ખંડેર-પરિસર પણ દૃશ્યમાન હતો. ત્યાં જ હું તરુને પહેલી વાર એકાંતમાં મળ્યો હતો. આખુંય ગામ મેળામાં ઉત્સવનો પાલવ પકડીને મ્હાલી રહ્યું હતું ત્યારે અમે બંને ત્યાં ઊભાં હતાં. સાવ મૌન. એકબીજાની સામું એકધારું જોતાં પણ અચકાતાં હતાં. ઉંમર ભલે પુખ્ત હતી પણ વિચારોમાં તો બાલિશતા જ હતી. ત્યારે એણે મને ચંપાના ફૂલોનો એક ગુચ્છો આપ્યો હતો અને તરત જ એ પાછી ફરી ગઈ હતી. એના સ્મરણ સાથે જ મને અત્યારે પણ એ સુગંધ અનુભવાય છે. ફૂંકાયેલા આછા પવનમાં એ સુગંધને બાથમાં ભીડીને એનાં ઝાંઝરનો રણકાર પણ નદીના પ્રવાહને વટાવતો મારી તરફ વહી આવ્યો. એ અવાજથી એકાએક શું થયું એ સમજવું મુશ્કેલ છે...પણ મારો જમણો હાથ જ્યાં જમીનને સ્પર્શેલો હતો, તેની આસપાસ ઊગેલું નમાલું અને નમી પડેલું ઘાસ એકદમ આભ તરફ મીટ માંડતું ઉન્નત થઈ ગયું. જાણે ધરતીની ત્વચાના રૂંવાડાં હોય એમ. થોડી ક્ષણો એ રણકાર પડઘાયા જ કર્યો અને એના ઘટતાં આંદોલનની સાથે પેલી સુગંધ પણ પવનની મંદતા સાથે દૂર થવા લાગી. ખંડેરની જમણી તરફના એક લીલાંછમ ખેતરના એક ઘરમાંથી એકધારી ગતિએ ધુમાડો આભને આંબવા નીકળી રહ્યો છે. એ ધુમાડો અત્યારે આડી લીટીમાં ફેલાઈ ગયો છે. ધુમાડાનો વાદળ બનવા માટેનો ઊર્ધ્વગામી પ્રવાસ કદાચ અટવાઈ ગયો છે. મને યાદ આવ્યું કે એક વાર હું ચૂલો માંડતો હતો ત્યારે ચૂલામાંનો અગ્નિ પણ જીદે ચડ્યો હતો. મારી ફૂંકો કારગત નીવડતી નહોતી. ભાભી મારા પ્રયાસોને ત્રાંસી આંખે જોઈને હસી રહ્યાં હતાં એટલે મોટાભાઈ બોલ્યા, ‘એમાં હસે છે શેની... સમય આવે એને બધુંય આવડી જશે.’ ત્યારે ભાભી મોઘમમાં બોલી હતી કે ‘આમેય એણે હમણાંથી આગ સાથે રમત કરવા માંડી જ છે.’ ત્યારે ધુમાડાની સાખે મારી આંખોમાં પાણી ફરી વળ્યાં હતાં. અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. અહીં આ કિનારે જ આવ્યો હતો. વચ્ચે વહેતી નદીના સંપર્ક સિવાય બંને ગામમાં જવાના રસ્તા જુદા હતા. બંને જિલ્લાઓ પણ જુદા અને એટલે અમારી શાળાઓ પણ જુદી હતી. પૂનમના દિવસે નદીના તટમાં અથવા મંદિરના પ્રાંગણમાં કોઈને કોઈ ઉત્સવ વર્ષોથી યોજાતો હતો. દૂર દૂરથી કોઈ ભજનમંડળી કે ડાયરાઓ આવે અને એ રાતને વધુ અજવાળવાનું કામ કરતાં. એ દિવસે તો ખાસ અમારું મળવાનું શક્ય બનતું પણ એ સિવાય ક્યારેક શનિવારે અમે મળતાં. સામે કાંઠાના એ ખંડેર બની ગયેલાં જીર્ણ મંદિરમાં જ. મારા અમુક મિત્રો જ એ વાત જાણતા અને મને ચેતવતા કે એ શાપિત મંદિરમાં જવાય જ નહીં. મારા માટે તો તરુને મળવું એ એક વરદાન જેવું હતું એટલે આ બીજો કશો વિચાર હું કરતો જ નહોતો. ઢળતી સાંજે હનુમાનજી-મંદિરમાં થતી આરતીની વેળાએ અમારે મળવાનું થતું. આરતીનો અવાજ બંધ થતાં જ તરુ ઘર ભણીની વાટ પકડી લેતી. અને હું આંખો બંધ કરીને ક્યાંય સુધી એ મુલાકાતના કેફમાં ત્યાં જ ઊભો રહેતો. અમારી મુલાકાતો વિશેની વાતો વાલજી સરપંચના કાને પહોંચી ગઈ. મારા મોટાભાઈને ગામમાં બોલાવીને ચીમકી આપી દીધી હતી. મોટાભાઈએ કશું બોલ્યા વગર રસ્તો કાઢ્યો અને મને અમદાવાદ જઈને ભણવાનો આદેશ આપી દીધો. શહેરમાં જવાની બધી જ વ્યવસ્થા એમણે કરી દીધી હતી. એક વરસ સુધી તો હું ગામમાં પાછો પણ આવી ન શક્યો. હું અને તરુ એકબીજાનાં સ્મરણોના સહારે સતત જોડાયેલાં જ રહ્યાં. એ જ અરસામાં તરુને આગળ ભણવાને બદલે લંડનસ્થિત કોઈ સંબંધીના કુટુંબમાં પરણાવવાની વાત પણ નક્કી થવા લાગી હતી. એ વર્ષે એક કુટુંબીના લગ્નપ્રસંગે હું ગામ આવ્યો ત્યારે ભાભી દ્વારા મને બધી જાણ થઈ હતી. રાઘવ મારો ખાસ મિત્ર. મેં એને આ બધી મૂંઝવણ જણાવી. અમે બીજે દિવસે પડતા પૂનમના મેળામાં સામે પાર જવાનું નક્કી કર્યું. સાંજે હું માથે ફેંટો બાંધીને અજાણ્યો લાગું એવા વેશમાં લોકોની વચ્ચેથી નીકળીને એ જીર્ણ મંદિરે પહોંચ્યો. સંધ્યાઆરતી થયા પછી ગામના લોકો નદીકિનારે આવેલા શિવમંદિરના પ્રાંગણમાં ડાયરાની રમઝટમાં મસ્ત બન્યા હતા, ત્યારે છેવટે એકાદ કલાક રાહ જોયા બાદ તરુ ત્યાં આવી પહોંચી. તે દિવસે એના પ્રેમમાં આવેગ પૂનમના દરિયા જેવો હતો. રાઘવે એના કોઈ સગા દ્વારા તરુને સંદેશો મોકલાવી દીધો હતો. એટલે તરુ તો ઘર છોડવાની હોય એવી તૈયારી સાથે આવી હતી. આવી અપેક્ષા ન હોવાથી હું તો ત્યારે બઘવાઈ ગયો હતો. પણ તરુની તૈયારી સામે એક પુરુષ તરીકે હથિયાર હેઠા મૂકવાનું તો કેવી રીતે વિચારી શકું. એટલામાં જ રાઘવ આવી પહોંચ્યો અને એના કોઈ સંબંધીની નાવમાં બેસીને દસેક કિલોમીટર દૂરના હરિહરાનંદ આશ્રમ પર પહોંચી જવા જણાવ્યું. રાઘવના મનમાં જે યોજના હતી એ મને જણાવી દીધી. મારી પાસે કોઈ તાત્કાલિક વિકલ્પ નહોતો એટલે હું અને તરુ ચોરીછૂપીથી કિનારે પહોંચીને નાવમાં બેઠાં. પરંતુ વાલજીના માણસોને ગંધ આવી ગઈ હોવાથી એ લોકોએ અમારો પીછો શરૂ કર્યો. બંને ગામના યુવાનોમાં તણાવ સર્જાયો ને લોકો ડાયરો પડતો મૂકીને પોતપોતાને ઘેર પાછા આવ્યા. મારા મોટાભાઈ સાથે રાઘવે વાત કરી એટલે એ પણ ચિંતામાં પડ્યા પણ ત્યારે અમે તો નાવમાં નીકળી ચૂક્યાં હતાં. મોટાભાઈ અને તેમના મિત્રો મારી સલામતી માટે ટ્રેક્ટર જેવાં સાધનો લઈને ધોરીમાર્ગ વાટે આશ્રમ પર જવા નીકળ્યા. કારણ કે વાલજી અને તેની પહોંચ વિશે મોટાભાઈ સહિત આખું ગામ પરિચિત હતું. મોટાભાઈ તો પ્રાથમિક શાળાના શિક્ષક હતા પણ વાલજીને તો રાજકારણીઓ અને પોલીસ સાથે નજીકના સંબંધો હતા. મોટાભાઈ અને એમના સાથીઓએ કિનારા પર ઘણી રાહ જોઈ પણ અમારા કોઈ સગડ ત્યાં સુધી ન પહોંચ્યા... બંને ગામના યુવાનો અમારી શોધમાં હતા. ત્યારે થોડા ગાઉ દૂર અમારી નાવ તૂટેલી-ફૂટેલી અવસ્થામાં મળી આવી હતી. પૂનમનાં અને પરોઢનાં અજવાળાં વચ્ચેનાં ધૂંધળા અંધારામાં હું એ લોકોને મળી આવ્યો હતો. મારાં ઠંડા થઈ ચૂકેલાં શરીરે અમારા ગામનાં લોકોનાં લોહી ઉકાળવાનું કામ કર્યું. ત્યારે તરુ ક્યાં ગઈ એ પ્રશ્ન પણ એવો જ સળગતો હતો. પ્રતીક્ષા અનંતકાળની હોય એનો કેફ જુદો જ હોય છે એ હવે મને સમજાઈ ગયું છે. શાતિર એવા વાલજીની દીકરી તરુના ઝાંઝર હજુય મને સંભળાય છે. એનાં અવાજના આકારો હું કળી શકું છું... એ ક્યાંક તો હશે જ. આ અવાજો અને સુગંધોનું આહ્વાન તરુ ક્યાંક હાજર છે એની સાબિતી આપતું રહે છે. પણ આ અસમંજસભરી સ્થિતિનું કોઈ વર્ણન શક્ય નથી. કારણ કે બંને કિનારે અભાવ છે-એક સ્થળે મુસાફર અધૂરો છે અને બીજે તો આખી મુસાફરી જ અધૂરી રહી છે. ત્યારે કોઈ શિકારી પંખીએ ભરેલી ઉડાનના ફફડાટે આખાય વાતાવરણનો સન્નાટો ડહોળી નાખ્યો. મેં નદીના પાણી તરફ નજર ફેરવી. સૂરજને પાણીમાં ડૂબાડીને નદીના પાણીની ટાઢક આખા વાતાવરણમાં પ્રસરતી હોય તેવું અનુભવાયું. સામે કિનારે ઊભેલી કોઈ નાવડીમાંનો પ્રકાશ નદીના પાણીમાં તગતગતો હતો. જોકે પાણી તો તે દિવસે ધુમાડા અને અગ્નિની સાખે આખા ગામના યુવાનોની આંખોમાં તગતગતાં હતાં. ભડભડ બળતી ચિતા રાખમાં પલટાય એની રાહમાં ગામના યુવાનો ત્યાં સમસમીને ઊભા હતા. આંખોમાં પ્રસરી રહેલી લાલાશથી એમનાં આંસુનું પાણી જાણે પથ્થર બની ગયું હતું. સામેના ગામનાં લોકોને તરુને શોધવાનું અભિયાન પડતું મૂકવાનું કહેનાર વાલજી પર બધાંને શંકા હતી. ગુસ્સો પણ હતો. ત્યારે પણ મોટાભાઈએ કેટલો સંયમ જાળવ્યો હતો. ગામના લોકોનાં ગુસ્સાને એમણે ઠાર્યો હતો. બે ગામ વચ્ચેના સંબંધોમાં વધુ ખટાશ ન આવે એટલે પ્રેમના ઉત્તમ પ્રતીક તરીકે એક અખંડ દીવો પ્રગટાવીને નાનકડું મંદિર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. પ્રેમનું મંદિર. નાનાભાઈની એક અનોખી યાદ. ગામના યુવાનોએ એ પ્રસ્તાવ સહર્ષ સ્વીકાર્યો અને એ ગામના લોકો એ પારથી પણ જોઈ શકે એમ સૌથી ઊંચી ભેખડ પર આ મંદિર બનાવ્યું. ખબર નહીં પણ કેમ મને કાયમ સામે પાર જવાના વિચારો આવે છે. હજુય કેમ આવે છે એ કોઈ મોટો પ્રશ્ન નથી. સામે પાર શું રહ્યું છે એની પણ મને તો હવે ખબર નથી રહી. બસ જવાની તાલાવેલી જ મને યાદ રહી છે અને એનાં કારણો પર ધુમ્મસનું આવરણ ચડી ગયું છે. સ્થિર પાણી પર જેમ લીલ બાઝી જાય એમ જ આ ધુમ્મસ પર પણ લીલ બાઝી ગઈ છે જે મારા સિવાય કોઈ જોઈ શકતું નથી. સામે પાર કોઈ મને બોલાવે છે--બોલાવતું હતું. કોણ હતું એનો ચહેરો યાદ રાખવાને બદલે હજુય કોઈ બોલાવે છે એ મારા માટે મહત્ત્વનું છે. જાણે એક આખું વિશ્વ મારી સામેના કિનારે મને બોલાવે છે. મારી સ્મૃતિમાં અકબંધ રહેલું સામે પારનું ગામ, ત્યાંના મંદિરો, ને સામે નદીના વળાંકે ઊભેલી ટેકરી કે ખેતરો કે ઝાડીઝાંખરા બધુંય હજુય એમ ને એમ છે- અકબંધ. મારી આંખોએ આજે ફરીથી પેલે પાર રહેલાં એ ગામમાં સફર આદરી. નજર ગામની ગલીઓ ને મુઠ્ઠીભર દુકાનોનું બજાર વટાવીને મધ્યમાં આવેલા ચોકમાં પહોંચી. એક મેડીવાળું ઘર અવાવરું બનીને ઊભેલું છે - હજુય એમ જ. શરૂઆતમાં વાતો સાંભળેલી કે વાલજી તો એના કુટુંબકબીલા સાથે વિદેશ સ્થાયી થઈ ગયો છે. પછી એના કોઈ સગડ નથી. નિરાશા સાથે ત્યાંથી ત્વરિત પરત ફરતી મારી નજર એકાદ ક્ષણ માટે પેલાં ખંડેર પાસે જઈને અટકે છે. લાગે છે કે આ ખંડેરમાં લખાયેલી કે કંડારાયેલી કેટલીય કથાઓ પર સમયનાં આવરણ ચડી ગયાં છે. થાય છે કે અહીં મારી જેમ કેટલાયની સફરની ભગ્નતાના શિલાલેખ લખાયાં હશે. નજર ધૂંધળી બની જાય છે. ભગ્નતા અહીં ભલે ઊભી હોય અડીખમ, પણ મારી આંખમાંથી ઓગળીને નદીના પાણીમાં વહેલા આંસુનાં ટીપાંઓનું....થેમ્સ નદીના કિનારે ટપકેલા આંસુઓ સાથે દરિયામાં થતું મિલન આજેય યથાવત્ છે. ત્યારે મને ખ્યાલ આવ્યો કે હમણાં ઊડેલું પેલું શિકારી પંખી એમનેમ તો નહોતું જ ઊડ્યું. કેટલાક લોકો ટેકરી ચઢીને આ મંદિર તરફ આવી રહ્યાં હતાં. આજે તો બંને ગામના લોકો આવી રહ્યા હતા. એ લોકોનાં હાથમાં ધજા છે. આજે પૂનમ હશે એ નક્કી. મારી નદીકિનારાની મોકળાશ સંકોરાઈને મંદિરમાં પ્રવેશી ગઈ. અખંડ દીવાનું થોડું તેજ વધ્યું. તેના આછા પ્રકાશમાં ગામના યુવાનોના ચહેરા સ્પષ્ટ જોઈ શકાતા હતા પણ હવે મને એ કોઈની ઓળખ રહી નથી. હું ઓળખું આ નદી, કિનારો અને પેલે પારનું ગામ. મારે તો આ ધજા ફરકતી રહે એટલું જ કામ.

= = =

સમ્પાદકીય સમીક્ષાત્મક નોંધ

પહેલા પ્યારની સચ્ચાઇ પણ નિષ્ફળતા, અને એ સમગ્ર સંવેદનપટનું સાદ્યન્ત નિરૂપણ કરતી ચેતનની આ વાર્તા સ્વાભાવિક છે કે વાચનરસને જાળવી જાણે. આમ તો આ નિરૂપણ - બે ગામ - વચ્ચે નદી - મન્દિરો અને પોતા પર જે કંઈ વીત્યું તેનું કથન છે. એ પરિવેશમાં થયેલી એની -રચના પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્રમાં છે તેથી કહેવું જોઈએ કે- નાયકની, આવનજાવન, આતુરતા, પ્રતીક્ષા, અપેક્ષા વગરેથી ભીનો એનો એકધારો અવાજ પણ રચનાને સુવાચ્ય રાખે છે.

પણ સૌથી મોટી વાત છે એની આલંકારિક ભાષા. ખાસ તો એણે કરેલાં વર્ણનો. દાખલા તરીકે -- (નિરૂપણમાં વધારે ઉપકારક શબ્દો કે શબ્દગુચ્છોને મેં અવતરણચિહ્નમાં મૂકીને હાઇલાઇટ કર્યા છે). -- આખુંય ‘ચોમાસું’ ‘નદીમાં વહીને’ દરિયે પહોંચી ગયું છે એટલે હવે નદીનો પટ ‘સંકોચાયેલો’ છે -- શિયાળાના ‘માંદલા’ તડકાથી ‘શેકાઈ’ ગયેલી કિનારાની રેતીને ‘બાથમાં ભીડીને’ આવતા ઠંડા પવનો નદીના પાણીને ‘સ્પર્શીને’ વધુ ટાઢા બનીને વહે છે. -- આખુંય ગામ મેળામાં ‘ઉત્સવનો પાલવ’ પકડીને મ્હાલી રહ્યું હતું ત્યારે અમે બંને ત્યાં ઊભાં હતાં. -- ત્યારે કોઈ શિકારી પંખીએ ભરેલી ‘ઉડાનના ફફડાટે’ આખાય ‘વાતાવરણનો સન્નાટો’ ડહોળી નાખ્યો. -- ‘પૂનમનાં અને પરોઢનાં અજવાળાં વચ્ચેનાં ધૂંધળા અંધારામાં’ હું એ લોકોને મળી આવ્યો હતો. આ દાખલા સૂચવે છે કે નાયક સ્વભાવે ઋજુ છે. એ ભલે કવિ નથી પણ કવિસ્વભાવનો છે. એ કારણે એનું વર્તન પણ અસામાન્ય છે. દાખલા તરીકે -- ‘પણ મારો જમણો હાથ જ્યાં જમીનને સ્પર્શેલો હતો, તેની આસપાસ ઊગેલું નમાલું અને નમી પડેલું ઘાસ એકદમ આભ તરફ મીટ માંડતું ઉન્નત થઈ ગયું. જાણે ધરતીની ત્વચાના રૂંવાડાં હોય એમ. થોડી ક્ષણો એ રણકાર પડઘાયા જ કર્યો અને એના ઘટતાં આંદોલનની સાથે પેલી સુગંધ પણ પવનની મંદતા સાથે દૂર થવા લાગી.’ ટૂંકમાં, એના વીતક દરમ્યાનની એની તમામ ક્રિયા-પ્રતિક્રિયાઓમાં, અન્યો સાથેની સઘળી વર્તણૂકમાં, એનો એ સ્વભાવ પ્રતિબિમ્બિત થયેલો છે. સંભવ છે કે કેટલાક વાચકોને એની ભાષા, સ્વભાવ, વર્તન, વ્યક્તિત્વ ગમી જાય પણ એ જ કારણે કેટલાકને એ ન પણ ગમે, રચનામાં અતિશયિત અને અનુચિત પણ લાગે. જોકે એને નિષ્ફળતા મળી, આ પારથી પેલે પાર--થેમ્સ લગી--વિકસી, પણ કદાચ એવા કવિસ્વભાવને લીધે એ હજી ટકી રહ્યો છે. કહે છે -- ‘અહીં મારી જેમ કેટલાયની સફરની ભગ્નતાના શિલાલેખ લખાયાં હશે. નજર ધૂંધળી બની જાય છે...ભગ્નતા અહીં ભલે ઊભી હોય અડીખમ, પણ મારી આંખમાંથી ઓગળીને નદીના પાણીમાં વહેલા આંસુનાં ટીપાંઓનું....થેમ્સ નદીના કિનારે ટપકેલા આંસુઓ સાથે દરિયામાં થતું મિલન આજેય યથાવત્ છે’.

= = =