સાહિત્ય પલ્લવ – ભાગ ૧/વન-વર્ણન
[‘જય જય ગરવી ગુજરાત!’ નર્મદની રાષ્ટ્રભક્તિનો આપણને ખ્યાલ આપે છે તો ‘વન-વર્ણન’ નર્મદના પ્રકૃતિ-કાવ્યનું એક સારું ઉદાહરણ છે. વર્ણન સાદું અને સરળ છે, અને એની ખૂબી વારંવાર વાંચ્યાથી સારી રીતે સમજાશે. ‘ગાતી કુંજ ધીમે જ સૂરે,’ ‘કૂપ સારંગી વાગે,’ વગેરે અતિ કાવ્યમય વાક્યો આ કાવ્યમાં ઠેર ઠેર વેરાયેલાં પડ્યાં છે.આ સંગ્રહમાંનાં બીજાં પ્રકૃતિ-કાવ્યો સાથે આને સરખાવતી વખતે એ યાદ રાખવાની જરૂર છે કે, નર્મદને તો જ્યાં રસ્તા ન હતા ત્યાં રસ્તા કરવાના હતા, જ્યારે તેની પછીના કવિઓ માટે તો ધોરી રાજમાર્ગો થઈ ચૂક્યા હતા. અને આમ છતાં નર્મદનું આ કાવ્ય બીજાં એ પ્રકારનાં ઉત્તમ કાવ્યોની હારમાં સરસ રીતે સ્થાન લઈ શકે એવું છે. ૩૫. દિનાંત સીમા — દિવસને અંતે, સાંજ પૂરી થાય તે સમયનું ઝળઝળું. ૩૬. પોકળી —ખાલી જગ્યા.]
(માલિની)
સરસ પવન ટાઢો મંદ વાસિત આવે,
સફળ વસતું અંગે હોંશ આનંદ લાવે;
વન ઉપવન સંધાં દીસતાં રમ્ય રંગી,
નવલ જ અનુરાગે પ્રાણીઓ છે ઉમંગી.
વિધ વિધ વિધ રંગે ફૂલડાં શોભી બહેકે, ૫
ઊંચી નીચી ઘટ પત્રે વેલીઓ ખૂબ લહેકે;
મધુર રસ ફળો તે સર્વને પાસ તેડે,
વળી મીઠું પચરંગી પંખીઓ ગાય કોડે.
વિવિધ ફૂલલતાએ ખીલતા માંડવાઓ,
તરુણ તરુતણા છે ડોલતા છાંયડાઓ; ૧૦
હરખથી નર માદા પંખી ઝૂલે હીંડોળે,
મધુરસ સુખ તે લે ભાગ્યશાળી જ હોયે.
પરવતતણી ટોચે મોર કોયલ આંબે,
મધુર રવ કરે છે ધન્ય સાદે જ લાંબે;
દિવસ સુરખી મારે કુમળે સૂર્યતાપે, ૧૫
નિરમળ શશિયોગે રાત તો રમ્ય લાગે.
અતિશ ગરમ કિરણે સૂર્ય સંધે પ્રકાશે,
મૃગજળ બહુ ભાસે ક્ષારવાળી જગાએ;
સખત લૂ વરસે ને ચોદિશા શૂન્ય થાયે,
નદી સરવરકેરાં પાણી સુકાઈ જાયે. ૨૦
બહુ ડર ઉપજાવે ખેતરો તો તપેલાં,
ઘર મૂકી કરવા તે રે પ્રવાસો ન સ્હેલા;
અતિશય ઉકળાટો વાદળી તાપ લાવે,
શ્રમ સહજ કરતાં લોક થાકી જ જાયે.
ખૂબ લટકતી આંબે દીસતી કેરીઓ ને, ૨૫
અવર ફળ ઘણાંયે દે રસો મિષ્ટ મોંને;
હરિત ગુરુ તરુઓ શોભતાં પાતરાંથી,
સુખ સરવ જીવોને આપતાં છાંયડાથી.
પરવતની તળેટી તેથી થોડેક દૂરે,
સુણું અટકતી ગાતી કુંજ ધીમે જ સૂરે; ૩૦
સરખી મધુર ચૂં ચૂં કૂપ-સારંગી વાગે,
છરર પડતું પાણી નિર્મળું રમ્ય લાગે.
ચરી કરી વળતું તે પાછું ગોવારું જોઉં,
રૂડું કરતું જ બેં બેં ટોળું ઘેટાનું જોઉં;
વળી રમણીય જોઉં થંડ દિનાંત સીમા, ૩૫
રસ પીઈ બની કેફી રે શમું પોકળીમાં.
સ્વાધ્યાય