સુમન શાહની વાર્તાસૃષ્ટિ/પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પરિચય



સુમન શાહ


(૧ નવેમ્બર, ૧૯૩૯) — જન્મ/વતન : ડભોઈ


ગુજરાતી સાહિત્યક્ષેત્રે વાર્તાકાર નવલકથાકાર નિબન્ધકાર સમીક્ષક અનુવાદક અને તન્ત્રી/સમ્પાદક તરીકે જાણીતા પ્રો. ડૉ. સુમન શાહનો જન્મ ૧ નવેમ્બર ૧૯૩૯ના રોજ વડોદરા પાસેના ડભોઇમાં થયો હતો. આખું નામ, સુમનચન્દ્ર ગોવિન્દલાલ શાહ.

ગુજરાતી સાહિત્યના પ્રાધ્યાપક તરીકેની ૪૨ વર્ષની કારકિર્દીમાં એમણે ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય-સિદ્ધાન્તનું અધ્યાપન સવિશેષે કર્યું. ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને પ્રોફેસર-ઇમૅરિટસ પદે હતા. અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં વિઝિટિન્ગ ફૅલો અને યુનિવર્સિટી ઓવ પૅન્સિલ્વેનિયામાં રાઇટર-ઇન-રેસિડેન્ટ રૂપે પણ એમણે સેવાઓ આપી છે. પીઓરીઆ ઇલ્લિનૉય કૉલેજ સૅન્ટરમાં એમણે ભણાવ્યું છે.

એમનાં ૭૭થી વધુ પ્રકાશનો છે. પીએચડી પદવી માટેનો એમનો શોધનિબન્ધ ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ ગ્રન્થસ્વરૂપે પ્રકાશિત છે. એમના ૬ વાર્તાસંગ્રહો પ્રકાશિત છે. એમનો દાવો રહ્યો છે કે એમની પ્રત્યેક વાર્તારચના ચોખ્ખા અર્થમાં ‘સર્જન’ છે. જોકે, ૫૭-થી વધુ વર્ષથી વાર્તાસર્જન કરતા આ વાર્તાકાર ઇચ્છે છે કે પોતે ૨૦૦-થી વધુ વાર્તાઓ લખી શકે, જેથી, વિશ્વ-સાહિત્યમાં બેસે એવી કદાચ બે-એક બની આવે. ૨૦૦૮માં એમના ‘ફટફટિયું’ વાર્તાસંગ્રહ સંદર્ભે કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હીનો એમને અવૉર્ડ અપાયો છે.

તેઓ કૉલમનવીસ છે. ૧૯૮૫થી ૨૦૨૦ દરમ્યાન એમણે ‘સમકાલીન’ ‘ગુજરાત સમાચાર’ ‘સમભાવ’ અને ‘નવગુજરાતસમય’ દૈનિકોમાં મુખ્યત્વે સાહિત્યવિષયક કૉલમો લખી છે. તેઓ ‘ફેસબુક’ પર પણ અવારનવાર લખે છે.

વૈશ્વિકીકરણ અને પ્રાદેશિક સાહિત્ય, ઉપરાન્ત, સાહિત્ય-અધ્યયન-અધ્યાપનના પ્રશ્નો એમના વર્તમાન ધ્યાનવિષયો છે. વિશ્વ-સાહિત્ય, આધુનિક અને અનુ-આધુનિક સાહિત્ય એમનાં પ્રમુખ રસક્ષેત્રો છતાં એમની સઘળી નિસબત અને ખેવના ગુજરાતી સાહિત્યના સુધાર અને વિકાસ માટે રહી છે.

એ ખેવનાને તેઓ પોતાનો કાયમી ધ્યાનમન્ત્ર ગણે છે. એ ખેવનાભાવથી પ્રેરાઇને એમણે ૨૨ વર્ષ લગી ‘ખેવના’ સામયિક ચલાવ્યું. ઉપરાન્ત, ‘સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ’, ‘સન્નિધાન’ તેમજ ‘પુનરપિ’ જેવાં અનૌપચારિક સંગઠનો રચીને ઉપકારક કાર્યશિબિરો કર્યા.

એમને ૧૯૬૨માં રવીન્દ્રનાથ ટાગોર ચન્દ્રક, ૧૯૬૪માં હરગોવિન્દદાસ કાંટાવાલા સુવર્ણચન્દ્રક, ૨૦૧૩-માં પ્રેમાનંદ સુવર્ણચન્દ્રક અર્પણ થયા છે. ૨૦૧૪-માં ગુજરાત સરકારે સાહિત્યકાર ગૌરવપુરસ્કાર અને ૨૦૧૭માં ગુજરાત સાહિત્ય અકાદમી એમને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સમીક્ષા-પારિતોષિકથી પુરસ્કાર્યા છે.

કાલિદાસ, બાણ, રવીન્દ્રનાથ ટાગોર, શેક્સપિયર, ચેખવ, દૉસ્તોએવ્સ્કી, સાર્ત્ર, કાફ્કા, કામૂ, હૅમિન્ગ્વે, કાલ્વિનો, નિત્શે, બૅકેટ, માર્ક્વેઝ, બોર્હેસ, પિન્ટર વગેરે એમને સદા ગમતા સાહિત્યકારો છે. ભરત મુનિ, કુન્તક, ઍરિસ્ટોટલ, એલિયટ, દેરિદા વગેરેનાં સાહિત્ય-દર્શન એમનાં ગમતીલાં વિચાર-મનનક્ષેત્રો છે.

એમણે ભારતના વિવિધ શહેરોના તેમજ ઇન્ગ્લૅન્ડ અમેરિકા ધ નેધરલૅન્ડ્સ જર્મની ફ્રાન્સ સ્વિત્ઝર્લૅન્ડ આફ્રિકા થાઇલૅન્ડ વેટિકન-રોમ અને ગ્રીસ દેશોના પ્રવાસ કર્યા છે.

શૈશવથી એમને ભક્ત-કવિ દયારામ ઘણા પ્રિય, કેમકે પોતે દયારામના ગામના છે. અઠવાડિયે ઓછામાં ઓછી એક વિદેશી ફિલ્મ જોવી કે સાથી જડી આવે તો એની જોડે ચેસ રમવી એ એમના કાયમના શોખ છે.

૨૦૦૨-થી ઔપચારિક રીતે નિવૃત્ત આ સાહિત્યકાર નિરન્તરની શબ્દોપાસનાને કારણે વર્તમાનમાં ય એટલા જ સક્રિય રહ્યા છે.