સોનાની દ્વારિકા/સત્તર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

સત્તર

સુરેન્દ્રનગર શહેરની વચોવચ ફાર્મહાઉસ જેવા વીઘાએકના બંગલાની લોનમાં શેઠ કાંતિલાલ પરીખ આંટા મારી રહ્યા હતા. સવારનો સમય એટલે આમેય થોડી નિરાંત હતી. શેઠના મનમાં એમ કે બને તો આજે સખપર એક આંટો દઈ આવું. ઘણા દિવસથી જવાયું નથી ને માસ્તરને તો મળાયું જ નથી. સુરેન્દ્રનગરમાં આટઆટલી સમૃદ્ધિ અને પ્રવૃત્તિ છતાં એમના મનથી સખપર ઘડી વારેય છૂટતું નથી. ગમે એમ તોય જલમભોમકા. હજી બાપદાદાવારીનું જૂનું ખખડધજ મકાન એમનું એમ જાળવી રાખ્યું હતું. છોકરાઓ ઘણી વાર કહેતા, ‘બાપુજી! તમે કહો છો કે મારું જન્મસ્થાન છે એટલે હું છું ત્યાં સુધી તો રાખવું જ છે. અમને એનો વાંધો નથી, પણ પાયામાંથી જ નવું કરી નાંખીએ તો?’ પણ, શેઠને ખાતરી હતી કે મકાન ભલે જૂનું થઈ ગયું છે, પણ છે મજબૂત એટલે એમાં કંઈ જ સુધારાવધારા નથી કરવા. જરૂરી હોય એવું સામાન્ય રિપેરિંગ કરાવીને પણ જેમનું તેમ રાખવાના મતના હતા. ડેમ ઉપરથી આવેલી પવનની એક ઠંડી લહેરખી ચારે બાજુની નાળિયેરીઓને ઝુલાવી ગઈ. ઉનાળામાં ખાખરો, ગરમાળો અને ગુલમહોર રંગોળી કરે. બાકી બારે માસ મીઠા લીમડા અને ચિકુડી, સીતાફળી અને દાડમડી એકબીજાની સ્પર્ધામાં વધ્યે રાખે. કેસર કેરીના બે આંબા કાંતિલાલના પરિવારને અને સંબંધીઓને તૃપ્ત કરતા. નાનાં-મોટાં રંગબેરંગી ફૂલછોડનો તો પાર જ નહીં! બંગલા ફરતે દસબાર ફૂટ ઊંચી તો દીવાલ. વળી એના ઉપર તારની વાડ. કોઈને અંદર આવવું હોય તો ગેટ પર બેઠેલા ચોકીદારોને પાર કરીને આવવું પડે. પક્ષીઓ આખો દિવસ કલરવ કરતાં રહે ને એની સાથે સૂરજદાદો તડકાછાંયડાની રમત રમ્યા કરે. આખા બગીચાનો દેખાવ જોઈને કાંતિલાલને ઉમળકો આવી ગયો. દૂર કંઈક કામ કરતા માળીને ઈશારો કરીને બોલાવ્યો. ‘જી શેઠ!’ કહીને હાથમાં ખુરપી સાથે એ ઊભો થઈ રહ્યો. શેઠ એની સામે જોયા વિના જ બોલ્યા: ‘એલા પોપટ! આંબામાં ખાતર ક્યારે લગાવ્યું’તું?’ ‘જી શેઠ! પનરક દી થ્યા હશ્યે...’ ‘આ વખતે બરોબર ધ્યાન આપજે! કેરી ઓહઓ થાશે એવું લાગે છે....’ ‘જી શેઠ!’ કહી પોપટ ઊભો રહ્યો, પણ શેઠ તો ચાલતાં ચાલતાં જ વાત કરતા હતા એટલે એ પણ પાછળ પાછળ ચાલવા લાગ્યો. શેઠનેય કંઈ સૂઝ્યું નહીં, એટલે અણધાર્યો સવાલ કર્યો. ‘શું આવ્યું પરિણામ આ વખતે તારાં છોકરાંઓનું?’ ‘જી શેઠ! બધાંની પરક્ષા તો હજી હવે થાશ્યે...!’ ‘હું તો ગઈ પરીક્ષાનું પૂછું છું...’ ‘જઈ ઈ ૫... ૨... ક્ષા માં તો બધ્ધાં પાશ્ય. મોટો નવમીમાં, ઈનથી નાનો હાતમીમાં ને સોડી પાંચમીમાં....’ આ વાત પોપટ એકથી વધુ વખત શેઠને કહી ચૂક્યો હતો! ‘સારું! કંઈ કામકાજ હોય તો કહેજે!’ શેઠ એવી રીતે બોલ્યા કે એમાં પોપટને પાછાં પોતાના કામે લાગી જવાનો આદેશ પણ થઈ ગયો! કાંતિલાલે થોડા આંટા માર્યાં અને પછી પોર્ચમાં પડેલી નેતરની ખુરશીમાં બેસી ગયા. ધોતિયાનો છેડો ટાલ ઉપર ફેરવીને પરસેવો લૂછ્યો. ટિપોય પર પડેલું છાપું હાથમાં લીધું. હજી નજર માંડે ત્યાં તો મોટો દીકરો નયનેશ આવીને ‘જેશ્રીકૃષ્ણ’ કહેતો સામેની ખુરશીમાં બેઠો. બાપુજીએ છાપામાંથી મોઢું બહાર કાઢ્યું. નયનેશના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ હતી એ વાંચતાં એમને વાર ન લાગી. સીધું જ પૂછ્યું : ‘શું વાત છે? આજ કેમ વહેલો ઊઠી ગયો? આમ તો મોડો જ કહેવાય. પણ તારી ટેવ પ્રમાણે વહેલો...’ ‘બાપુજી! હવે મિલ ચલાવવાનું અઘરું થતું જાય છે... બહારનું ટેરેલિન એટલું બધું ઠલવાય છે તે આપણી પોપલિનનો કે વેજાનો તો કોઈ ઉપાડ જ રહ્યો નથી! કામદારોના પગાર જ માંડ થાય એવી સ્થિતિ છે.... આમાં આપડા બધાં ખર્ચાપાણી તો ક્યાંથી નીકળે?’ ‘તો શું કરવું છે?’ ‘કામદારોને ફંડના પૈસા ને બધું આપીને છૂટા કરીએ તોય પચીસેક લાખ ઉપર વાત જાય...’ ‘પણ બેટા, આપણે મિલ બંધ નથી કરવી... પોણું સુરેન્દ્રનગર એના ઉપર નભે છે! એ બધાના નિસાસા ન લાગે?’ ‘પણ, માલનો ઉપાડ બિલકુલ છે જ નહીં. તાકાનાં ગોડાઉન ભરીને શું કરવું?’ સખપર જવાવાળી વાત મનમાં જ રહી ગઈ અને એક સેકન્ડમાં જ શેઠે વિચાર કરી લીધો. કહે કે- ‘કાલ સવારે જ એમ્બેસેડર તૈયાર કરાવો. આપણે બેય અમદાવાદ જઈએ અને શેઠશ્રી અંબેલાલભાઈને મળીએ... એ બહાને તારે પરિચય પણ થશે. જરૂર કંઈક રસ્તો કાઢી આપશે.’ ‘પણ બાપુજી! એમના તરફથી જ ઓર્ડર આવતા બંધ થઈ ગયા છે... ઘણા વખતથી કોઈ ઓર્ડર નથી. મેં એમના મેનેજર સુબોધભાઈને વાત કરી જોઈ. પણ, એ તો કહે કે, ‘અમારું પ્રોડક્શનેય પડ્યું રહે છે, એમાં તમારું ક્યાંથી ઉઠાવીએ? મંદી આવી જ ગઈ છે!’ ‘એમાં સુબોધનું કંઈ નો હાલે.... એ તો અંબેલાલ શેઠને જ કહેવું પડે!’ ‘અને હા, ભરતનેય પૂછી લેજે.... જો આવવું હોય તો તૈયાર થઈ જાય. એનેય ભેગો લેતા જઈએ. એલ. ડી. ઉતારીને પછી આગળ જઈશું.’ બીજે દિવસે કાંતિલાલ અને બંને દીકરા મોટરમાં નીકળ્યા. રસ્તામાં નયનેશે ભરત સાંભળે એમ મિલવાળી વાત છેડી. તરત જ કાંતિલાલે એને અટકાવ્યો. કહ્યું કે, ‘ભરતનું આમાં કામ નહીં! એ તો બરોબર ભણે અને એન્જિનિયર થાય એટલું પૂરતું છે.’ ‘પણ, બાપુજી એને તો ભણવા કરતાં ક્રિકેટમાં વધારે રસ છે કહે છે કે ભારતીયટીમ તરફથી રમવું છે...’ ‘તું એનાં વખાણ કરે છે કે ટીકા? એમાંય કંઈ ખોટું નથી... ભલે રમતો... એલા ભરતા! તું બેટિંગમાં કે બોલિંગમાં?’ ‘ઓલરાઉન્ડર...! ભરત જરા શરમાતો શરમાતો બોલ્યો. ‘કંઈક હરખું ઉકાળજે.... આપડે કંઈ એકલી ફિલ્ડીંગ નથી ભરવાની...!’ ‘બાપુજી મને કોલેજે બધી જ છૂટ આપી છે... તમને ખબર ન હોય પણ અમદાવાદના ક્રિકેટમાં મારું નામ છે...! ‘કેમ મને નો ખબર હોય? ગયા વખતે તું રણજીટ્રોફીમાં તેરમો ખેલાડી હતો કે નહીં?’ ભરતને કંઈ બોલવા જેવું રહ્યું નહીં! થોડી વાર મૌન છવાયું. શેઠે જ ચુપકીદી તોડી. ડ્રાયવરને કહે કે, ‘મહિપતસંગ! ધૂનમાં ને ધૂનમાં વિઠ્ઠલગઢ વયું નો જાય! આપડે ભજિયાં ને ચા નક્કી છે ઈ ખબર છે ને?’ મહિપતસંગે માથું ધુણાવીને હા કહી. દૂરથી ગઢ દેખાણો એટલે કાંતિલાલે સાથળ ઉપર મૂકેલી ટોપી માથે મૂકી. બેય હાથથી બરાબર ગોઠવી. ચાંચ સરખી કરી. આગળ બેઠેલા ભરતને વાંસામાં ટપલી મારી અને મજાક કરી- ‘તને ખબર છે? રસિકલાલ પરીખ પણ આંયાંનાં ભજિયાં ખાધા વગર જતા નહીં! મેં અને એમણે ઘણી વાર ખાધાં હશે... હવે તું કો’ક વાર ગવાસ્કરને લઈને આવજે!’ ‘ભરતે સિક્સર મારી : ‘બાપુજી હું તો નવાબ પટૌડીનેય બોલાવી લઈશ!’ મોટર ઊભી રહી એટલે શેઠ રેશમી ઝભ્ભાની ચાળ સરખી કરતાં કરતાં ઊતર્યા. બંડીના બેય ખિસ્સામાં હાથ નાંખીને ભજિયાંવાળાને ત્યાં ગયા ત્યાં તો એકદમ જગ્યા થઈ ગઈ. ખુરશીઓ મંડાઈ ગઈ. બેય છોકરા અને શેઠ ગોઠવાયા. ડ્રાયવરે જરા દૂર જગ્યા લીધી. દુકાનનો માલિક જાતે ઓર્ડર લેવા આવ્યો. એટલામાં તો બસસ્ટેન્ડે ઊભેલાં સહુ લોકો કુતૂહલથી જોવા લાગ્યા. કાંતિલાલ શેઠનાં દર્શન એમના માટે એક અવસર ગણાય. ભરપેટ નાસ્તો અને ચા-પાણી કર્યાં પછી શેઠ કહે કે- ‘એક સૂત્ર સાંભળી લ્યો. સવારના પહોરમાં પેટની અને મોટરની ટાંકી ફુલ્લ જ હોવી જોઈએ. પછી આખા દિ’માં ઠેકાણું પડ્યું નો પડ્યું!’ ભરત એકદમ હસી પડ્યો. નયનેશ સામે જોઈને કહે કે આ સૂત્ર તો હવે મોઢે થઈ ગયું છે... બાપુજી તમે પચાસ વાર બોલી ચૂક્યા છો..…’ હવે હસવાનો વારો શેઠનો હતો... એલ. ડી. ની હોસ્ટેલના દરવાજે ભરતને ઉતારીને મોટર શાહીબાગ તરફ દોડવા લાગી. જઈને ગેસ્ટહાઉસમાં બંને જણ બેઠા. પાણી પીધું એટલી વારમાં શેઠશ્રીનો સંદેશો આવ્યો. સીધા ડાઈનિંગ ટેબલ પર જ જવાનું હતું. ત્રણેયને જમવાનું અલગ અલગ પીરસાતું હતું. નયનેશે જોયું કે અંબેલાલ શેઠ તો આપણે સુરેન્દ્રનગરમાં જમીએ છીએ એ કરતાંય સાદું જમે છે. માત્ર રોટલો, તાંજળિયાની ભાજી અને કઢી...! વાતવાતમાં અંબેલાલ શેઠે જાતે જ નયનેશનો પરિચય કરી લીધો. જમતાં જમતાં કહે કે- ‘કાંતિલાલ! આ નયનેશ તો તમારી જ કોપી છે!’ નયનેશ જરા પોરસાયો એટલે પૂછ્યું, ‘મિલ તો હવે તું જ સંભાળે છે ને?’ ‘હા. હુંય બેસું છું. પણ બાપુજીને તો કંઈ ખાસ હોય તો જ તકલીફ આપું.’ જમતાં જમતાં ચમચી અંબેલાલના હાથમાં રહી ગઈ અને પ્રશ્ન કર્યો : ‘બધું બરાબર ચાલે છે ને? અમારે ત્યાંથી તમને કેટલો ઓર્ડર મળે છે?’ નયનેશ જરા ખમચાયો એટલે કાંતિલાલે વાત ઉપાડી લેવા હોઠ ખોલ્યા કે તરત શેઠશ્રી કહે કે, ‘નયનેશને જ કહેવા દો!’ નયનેશમાં એકદમ હિંમત આવી ગઈ. સહેજ ધીમા સાદે કહે કે- ‘પોણું સુરેન્દ્રનગર અને સખપર સહિત આજુબાજુનાં ગામોના સામાન્ય મજૂરો આપણી જયભારત મિલને આધારે નભે છે એ આપ જાણો છો. કેટલાક વખતથી અમારો માલ અહીં આવતો નથી... એટલે...!’ ‘એવું કેમ?’ ‘મેનેજર સુબોધભાઈ કહે છે કે ટેરેલિનનો જમાનો આવી ગયો છે. એ રેયોનનું કપડું ટકાઉ ઘણું એટલે પોપલિનને તો કોઈ હાથ ન અડાડે...’ ‘તો શું કરશો?’ શેઠશ્રીએ નયનેશને જ ઉપચાર પૂછ્યો. ‘આ સંજોગમાં તો મિલ બંધ કરવી પડે અથવા લાઈન બદલવી પડે!’ ‘બદલીને કઈ લાઈનમાં જવું જોઈએ?’ શેઠશ્રીને હતું કે કદાચ આ હીરો જમીનની લે-વેચ કે કન્સ્ટ્રકશનના બિઝનેઝ તરફની કોઈ વાત કરશે. પણ એમના આશ્ચર્ય વચ્ચે નયનેશે કહ્યું કે- ‘બાપુજીની ઈચ્છા મિલ બંધ કરવાની નથી. અને મારો પણ એ જ મત છે. પણ, ખર્ચાપાણી તો નીકળવા જોઈએ ને? કામદારોને દર વર્ષે વધારો અને બોનસ શેના ઉપર આપવાં?’ ‘તો પછી તમેય ટેરેલિન ચાલુ કરી દો ને! ધમધોકાર ચાલશે!’ ‘ચાલે જ નહીં, દોડે... પણ, કાલાં-કપાસનું માર્કેટ તૂટી પડે! અત્યારે બધો ઝોક એ બાજુનો જ છે. આખું જાપાન આ ધંધામાં લાગી પડ્યું છે પણ, એ કેટલું ખતરનાક છે એની ક્યાં કોઈને ખબર છે? આપણી મુખ્ય વસતી જ મજૂરોની અને લગભગ આઠ મહિના તો ગરમી પડે.... એમની ચામડીનું શું થાય? કોઈ સમજતું નથી.... એટલે એ ધંધો તો આપણાથી ન થાય. હા, આપણી આવક વધી જાય પણ એવું ન કરાય.... એ કરતાં તો બધા કામદારોને રોકડા ગણી દેવા સારા... પછી તો જેવાં એમનાં નસીબ...’ ‘તો પછી શું ઉકેલ કાઢવો?’ શેઠશ્રી બોલ્યા. ‘મને તો નથી સૂઝતું, પણ કંઈક વચ્ચેનો માર્ગ કાઢીએ તો બધું જળવાઈ રહે. અને આ પ્રશ્ન આજે અમને નડે છે, કાલે આપના સુધી આવશે. આપ તો જાણો જ છો કે અમદાવાદ આપની મિલોનાં ભૂંગળે જાગે છે અને ભૂંગળે ઊંઘે છે... પાછી અમારે તો આ એક જ મિલ અને આપને તો મિલો ચલાવવાની! અંબેલાલને લાગ્યું કે છોકરો છે પાણીદાર! એટલે પોતે જે યોજના આવતાં વર્ષે અમદાવાદમાં પોતાની મિલોમાં કરવા ધારતા હતા તેની વાત કરવાનું અને પ્રાયોગિક ધોરણે જયભારત મિલમાં શરૂ કરાવવાનું વિચાર્યું. | નયનેશનો ખભો થાબડીને કહે કે- ‘પોપલિન અને સો ટકા કોટનનો જમાનો હવે જઈ રહ્યો છે એ કબૂલ. ટેરેલિનવાળા ઘર ભાળી ગયા છે એય કબૂલ. પણ આપણે એય વિચારવું જોઈએ કે લોકોને ટકાઉ અને મજબૂત છતાં વજનમાં હલકા કાપડમાં રસ છે. એ દેખાવમાં સારું લાગે ને સસ્તું પણ પડે. આપણે પ્રોડક્શન અને માર્કેટ બંને ટકાવવાં હોય તો, એવું કરીએ કે સડસઠ ટકા કોટન અને તેત્રીસ ટકા રેયોન મિક્સ કરીએ. થિકનેસ બરોબર જળવાઈ રહે તો બંને હેતુ સરે. લોકો પ્લાસ્ટિક જેવા ટેરેલિનને થોડોક વખત વાપરી-થાકીને ફેંકી દેશે. વળી આપણને સફેદીમાં તો કોઈ પહોંચી શકે તેમ નથી! પોપલિનના વિકલ્પે એવું કપડું આપીએ કે ઈસ્તરીની ઘડી એમની એમ રહે ને પહેરનારની ચામડીને નુકસાન પણ ન થાય! આપણા બિઝનેસનો અને જાહેરાતનો આ મુખ્ય મુદ્દો બનવો જોઈએ.’ શેઠશ્રી આ બધું લગભગ એકશ્વાસે બોલી ગયા. એમણે જરાક વિરામ લીધો કે તરત નયનેશે એક પ્રશ્ન રજૂ કર્યો: ‘અત્યાર સુધી આપણે કોટનને સફેદી આપવા જે કેમિકલ્સ વાપરીએ છીએ એ જ કેમિકલ આ રેયોન ઉપર કેવી અસર કરશે એ પણ જોવું જોઈશે. કેમકે કોટન ચડી જાય અને રેયોન ઊતરે તો કપડું સંકોચાઈ જાય અથવા વળ ખાય એવું ન થાય?’ કાંતિલાલ આ બધી વાતો સાંભળી રહ્યા હતા ને મનોમન ખુશ થઈ રહ્યા હતા. એક તો શેઠશ્રી જે ઝીણી ઝીણી વિગતો, જાણે પોતે જાણતા જ નથી એમ નયનેશ પાસેથી જાણે છે અને બીજું, નયનેશ પૂરા આત્મવિશ્વાસથી નિસબતપૂર્વક જવાબ આપી રહ્યો છે! પોતે આ સંવાદનો આનંદ માણી રહ્યા હતા એટલે વચ્ચે બોલવાનું ઠીક ન લાગ્યું. ‘નયનેશ એ બાબતે તું ચિંતા ન કર. આપણા કેમિકલ ડિપાર્ટમેન્ટમાં ગુણવંતભાઈ ઓઝા કરીને એક માણસ છે એને હું સુરેન્દ્રનગર મોકલીશ. એ બધું સેટ કરી આપશે. રેયોન અને કોટન મિક્સ થશે તો કાપડમાં થોડી ચમક પણ આવશે. તમે સડસઠ તેત્રીસ ટેરીકોટનનું ઉત્પાદન કરવા માંડો. બધો માલ અહીં મોકલી દેવાનો. જો ચાલ્યું તો અહીંની આપણી બધી મિલો એ લાઈન ઉપર ચાલશે. આ બાબતે મારે મારા દીકરા સિદ્ધાર્થ જોડે થોડી વાત થઈ છે. લોકો પણ એકલા રેયોનને બદલે આ મિક્સ મટિરિયલ જલદી સ્વીકારશે.’ નયનેશ એકદમ ખુશ થઈ ગયો એટલું જ નહીં, ઊભા થઈને શેઠશ્રીને વંદન પણ કર્યાં. અંબેલાલ શેઠે પણ ઊભા થઈને એને આશીર્વાદ આપ્યા અને પોતે કાંતિલાલ સામે જોઈને એક વાત ઉમેરી : ‘અમુક જૂના સાંચા રાખજો જ. આપણે એના ઉપર વેજું વણવાનું ચાલુ રાખવું છે. વેજું તો ગરીબોનો આધાર છે અને રહેશે. એટલે એક બાજુ આ ટેરિકોટન અને બીજી બાજુ આ લંગરછાપ જાડું વેજું ખેતરના કામ માટે ચલાખા ને કેળિયાં બનાવવા ને એવાં બીજાં કામમાં મજેથી દોડશે!’ બંને બાપ-દીકરો સંમત થયા એટલે શેઠશ્રી કહે કે- ‘હું સુબોધને સૂચના આપું છું કે જયભારત કોટન મિલના નામનો વીસ લાખનો ચેક બનાવડાવીને મોકલી આપે. તમારે જે મશીનરી જોઈએ તે મુંબઈથી મગાવી લો. વધારાના હોય એ સાંચા કાઢી જ નાંખો. એટલે ભાર ઓછો...’ નીકળતી વખતે કાન્તિલાલને અને નયનેશને મૂકવા બારણાં સુધી અંબેલાલ આવ્યા. ‘આવજો... આવજો...’ થયું ને પિતાપુત્ર મોટરમાં બેઠા. નયનેશના મનનું આશ્ચર્ય હજી શમ્યું નહોતું. એની નજર આગળથી શેઠશ્રીની છબિ ખસતી નહોતી. એ જાણે કે એકેએક શબ્દ ફરી ફરીને સાંભળી રહ્યો હતો! ડ્રાયવર તો મહિપતસિંહ જ હતા, પણ વળતાં મોટર જાણે કે બમણા વેગથી દોડતી હતી. બાપદીકરા બેયને એમ લાગ્યું કે સુરેન્દ્રનગર ફટાફટ આવી ગયું. જેલચોક પાસે મોટર આવી ત્યારે જયભારત કોટન મિલ્સની નવી પાળી શરૂ થવાની વ્હિસલ વાગી રહી હતી. વ્હિસલ સાંભળીને રસ્તે જતા અનેક લોકોએ પોતાની ઘડિયાળ પણ જોઈ લીધી! મોટર બંગલામાં પ્રવેશી અને હેડલાઈટના અજવાળામાં શેઠ કાંતિલાલનો રૂની પૂણી જેવો સફેદ બંગલો ચમકી રહ્યો હતો!

***