સોનાની દ્વારિકા/સોળ

સોળ

એ વખતે હું ચોથા કે પાંચમા ધોરણમાં. ત્યારે બા-બાપુજી ને ભાઈઓ સખપર રહે અને દાદીમા ઘર ખેતરની સંભાળ રાખવા વતનગામ ખેરાળીમાં જૂના ઘરે રહે. આમ તો બેય ગામ એક જેવાં જ કહેવાય, કેમકે બંને વચ્ચે માંડ એકાદ ગાઉનું અંતર હશે. માના હાથવાટકા તરીકે હું એમની સાથે રહેતો. અમારા ગામની ઊંચા ઓટલાવાળી નિશાળે ભણું. ભૂંગળા જેવી લાંબી રાખોડી ચડ્ડી. જાદવજી મેરાઈએ ચડ્ડી કરતાંય ખિસ્સા થોડાં લાંબાં રાખેલાં, તે ચાલું ત્યારે એના બેય ખૂણા બહાર નીકળે! વાદળી રંગની પોપલિનનો બુશકોટ. બુશકોટની બાંય અને કોલર ઉપર તે વખતની ફેશન પ્રમાણેની કાળીધોળી તૂઈ. વારતહેવારે સફેદ ઝભ્ભો અને સુરવાળ પહેરું. લાંબા ઓડિયા વાળ, પગમાં હવાઈ કંપનીની અઢી રૂપિયાવાળી સ્લીપર. ખભે થેલી. થેલીમાં સરળ અંકગણિત, દેશી હિસાબ, ભારતી વાચનમાળા, સોમાલાલ શાહની ચિત્રપોથી, સીસાપેનોના ટુકડા, ઘસાયેલા રબ્બર, વચ્ચેથી તોડેલી ભારત પતરી, સૂર્યોદય કંપનીની પાટી અને ફૂટપટ્ટી, ખાતાખાતાં બચી ગયેલી માટીની પેનના ટુકડા. નિશાળની દીવાલે કેટલીકને તો ઘસી ઘસીને અણી કાઢેલી. પથ્થરમાં પણ ઘીસી પાડી દીધેલી. પાછું માથામાં ધૂપેલ તેલ નાંખ્યું હોય એમાં વાળ ઉપર પેન ઘસીએ. મનમાં એમ કે પેન પાકી થાય. પણ, પછી પાટીમાં લખવા જઈએ ત્યારે અક્ષર જ ન પડે! આ ઉપરાંત બાકસની છાપો, તાજ, પનામા અને કેવેન્ડર સિગારેટનાં ખોખાં, એમાં આવતાં ચમકતા ચાંદી જેવા કાગળ, છાપામાંથી કાપેલા ફોટા અને તે સિવાયની અનેક વસ્તુઓ જેને આપણે કચરો કહીએ એ બધું જ મારા દફતરમાંથી મળી આવે! ભગવાનસિંહ ભઈલાના દીકરા જયવીરસિંહ મારી સાથે ભણે. જયવીરમાં દરબાર હોવાની તલભારેય અકોણાઈ નહીં, એકદમ સીધોસાદો, એટલે મને એની સાથે સારું ભળે. એને ગણિત આવડે ને મને ગુજરાતી. એ કારણસર અમારી ભાઈબંધી પાકી. જો કે મારાં માને હું દરબારો ભેગો ભળું એ ઓછું ગમે. એમનો એક તકિયા કલામ: ‘રાજા વાજાં ને વાંદરા... ક્યારે શું કરે. ઈનો વશવા નહીં!’ અમારા વર્ગમાં એક બીજોય ભીખલો હતો. એના બાપાનું નામ માધાભાઈ. શિક્ષક હાજરી પૂરતી વખતે ‘ભીખા માધા’ એટલું બોલે એ પહેલાં આખી નિશાળ સાંભળે એમ ભાર દઈને ‘જય... વિંદ’ એવી રાડ નાંખે. એને જયહિન્દ શબ્દની ખબર જ નહોતી! એનો હાથઊથલોય ઘણો! ગમે ત્યારે ગમે એને મારી બેસે! માળો લોંઠકોય એવો તે ગમ્મે તેની પદુડી કઢાવે! કોઈની પણ નવી પેન્સિલ પડાવી લે, કોઈ ન આપે તો હાથમાંથી ખેંચી લઈને દાંતમાં નાંખીને કટકા કરી નાંખે. નવીનકોર પાટીમાં કાંકરા ઘસીને આંકા પાડી દે, દફતર ઉપર પતરીથી છેકા મૂકે, કોઈની સાથે વાંધો પડે તો સાથળના મૂળમાં વળ દઈને ચોંટકા ભરે, બચકાં ભરી લે, જળોયાંવાળી પાટી ઊભી મારે! કો’કને કંપાસનું ખૂણિયું મારે તો કોઈની ફૂટપટ્ટી તોડી નાંખે! પતરાની ફૂટપટ્ટી હોય તો બેય હાથે વાળીને ઊલિયું બનાવી નાંખે! હાથીના બાપનીય સળી કરી આવે કે વડનાં વાંદરાં પાડી આવે એવો! હાલતાં ને ચાલતાં ઇરાદાપૂર્વક કોઈનું દફતર ઠેબે લેતો જાય, કારણ વિનાની મારામારી કરે. ઉંદરડાની જેમ એવું તો દોડે કે કોઈનાય હાથમાં ન આવે. દોડતો દોડતો એવી લોંકી ખાય તે પાછળ પડનારો ગડથોલું ખાઈને હેઠો પડે! ભીખલો ખી ખી ખી એવું હસીને ભાગી જાય! કોણ જાણે કેમ એને બીજા બધાંને રંજાડવામાં અનેરો આનંદ મળતો. આ ભીખલાએ એક દિવસ કોઈ પણ જાતના કારણ વિના જયવીરને લાફો ચમચમાવી દીધો! જયવીરસિંહે વર્ગશિક્ષક પૂનમભાઈને કહેવાને બદલે વર્ગ છોડીને જતાં રહેવાનું નક્કી કર્યું. કુંવર રોતા રોતા ડેલીએ આવ્યા. ભઈલાએ એમનો ગાલ જોયો. રાતો ચોળ. ચારેય આંગળીઓની લાલઘૂમ દેખાય એવી છાપ. જોઈને ભગવાનસિંહ ભઈલાથી રહેવાયું નહીં. એમણે જયવીરને પૂછ્યું : ‘તમને કોણે માર્યું?’ ‘ભીખલાએ...’ ‘હમણાં આવવા દે! કરું બરોબરનો સીધો!’ એમ કહીને જયવીરને અંદર ઘરે લઈ જવા ગગજીને કહ્યું ને પોતે ડેલી પાસે બહાર બેઠા ધારિયું લઈને! થોડી વારમાં જ નિશાળ છૂટી. રોજ મારી હાર્યે જયવીર હોય. આજ તો હું એકલો હતો. ઘરે મા મારી વાટ જોઈ રહેલાં. દડબડ દડબડ કરતાં બધાં છોકરાંઓ ભેગો હુંય નીકળ્યો! મને વાતનો કંઈ ખ્યાલ નહીં! ઊભી પાટીએ મને આવતો જોઈને ભગવાનસિંહ બાપુ અચાનક ઊભા થયા ને મારી સામે આવ્યા. હું તો સાવ નાનું છોકરું કહેવાઉં ને એ તો હેય મોટા ભડભાદર! એકદમ ગુસ્સે થઈને એમણે મોટ્ટા અવાજે ત્રાડ નાંખી : ‘શું છે તારું... નાઆઆમ?’ ‘હું તો એકદમ ગભરાઈ ગયેલો તે અવાજેય ન નીકળ્યો, પણ ઠાકરશીભાનો છોટિયો બોલી વળ્યો- ‘બાપુ! ઈનું નામ ભીખલો સે!’ ‘ભીખલો’ શબ્દ સાંભળતાં જ બાપુ લાલચોળ! સટ્ટાક દઈને એક લાફો મારા ડાબા ગાલે... હું તમ્મર ખાઈને નીચે પડી ગયો. આંખમાંથી આંસુ નીકળે પણ જીભ ન ખૂલે! આખું શરીર પરસેવો પરસેવો. છોટિયો એકદમ ભાગ્યો... હું માંડ માંડ મારું થેલું ભેગું કરીને ઘરે આવ્યો. એટલી વારમાં તો માને ખબર પડી ગયેલી કે મેં ભઈલાનું કંઈક અટકચાળું કર્યું છે ને એમણે મને માર્યો છે! મા પણ લાલઘૂમ! જેવો ઘરે ગયો ત્યાં બીજા ગાલે બીજી બે પડી! ‘એવડા મોટ્ટા ભઈલાનો ચાળો કરાય?’ છોટિયો તો માને કહીને એના ઘરમાં કોઠી પાછળ સંતાઈ ગયેલો! કોઈ મારી સાક્ષી પૂરવાવાળું હતું નહીં. મારું મોઢું સૂઝી ગયેલું ને દાંતમાંથી લોહી નીકળે! માનું ધ્યાન ગયું એટલે પાણિયારેથી પ્યાલો ભરીને પાણી આપ્યું ને કહે કે- ‘હળવો હળવો કોગળા કર્ય. હમણેં હારું થઈ જાશ્યે! પણ મારા ગાલ સાવ ખોટા પડી ગયેલા તે કોગળા તો શું? એક શબ્દ પણ કેમ બોલવો એય સમજાતું નહોતું! બહાર ફળિયામાં લઈ જઈને માએ મારું મોઢું જોયું ને એમનું હૈયું હાથ ન રહ્યું. પોતાનું કપાળ ફૂટવા માંડ્યાં : ‘અરેરે મેં આ શું કર્યું? ફૂલ જેવા સોકરાને…’ પછી ધીમે ધીમે મારું મોઢું ઊઘડ્યું. જયવીરસિંહને મેં નહીં, પણ માધાબાપાના ભીખલાએ માર્યા છે અને એના બદલે મેં માર ખાધો છે એમ કહ્યું અને માએ રણચંડીનું રૂપ ધર્યું! એકદમ હાકોટો કરીને મને પૂછ્યું : ‘હાચું બોલ! નકર જીવતો દાટીન તારી ઉપર હાલીશ! તેં ભઈલાના દીકરાને માર્યો’તો? હાક મારીને ફરી પૂછ્યું : ‘હાચું બોલ! નકર નારિચાણિયા હનમાનની આંણ્ય...’ મેં જરા મક્કમતાથી કહ્યું કે ‘ના. જયવીરભઈને મેં નથી માર્યા.’ માને ખાતરી થઈ ગઈ એટલે પોતે હાથમાં પરોણી લીધી ને મને કહે કે- ‘ઊભો થા!’ મને થયું કે હજીય મારશે કે શું? બીતો બીતો માંડ ઊભો થયો. માએ મારો હાથ પકડ્યો ને પોતે આગળ થયાં. બારણાને દીધી સાંકળ અને સીધાં જ ભગવાનસિંહ ભઈલાની ડેલીએ! ભઈલા હજી ડેલીની દોઢીએ જ બેઠા હતા. આજુબાજુ બીજા દરબારો અને વસવાયાં બેઠાં હતાં. માને જોયાં એટલે થોડોક ખ્યાલ તો એમનેય આવી ગયો કે કંઈક ખોટું થઈ ગયું છે. એકદમ ઊભા થઈને સામે આવ્યા, સહેજ છોભીલા થઈને કહે : ‘જે નારાયણ ગોરાણીમા! આજ તો આ નાના મા’રાજને જરાક ડારો દેવો પડ્યો!’ એમ કહીને મારી સામે જોયું. હું નીચું જોઈ ગયો! ‘ભઈલા! સોકરાનો વાંક આવે તો, ડારો તો શું મેથીપાક દેવાનોય તમારો હક સે પણ, આજ તમારા બાપુ જીવતા હોત ને તો લાજ કાઢીન ઈમની હાંમે તમારી ફરિયાદ નોંધાવત! પણ હવે કુને જઈન કે’વું? મારા સોકરાએ નાના ભઈલાને નથી માર્યા. મારનારો બીજો હતો… તમ્યે ખરું કર્યા વના જ મારા પૂમડા જેવા સોકરા ઉપર હાથ ઉપાડ્યો? તમને વચારેય નો આવ્યો કે આ કુનું લોઈ સે? તમને સરમેય નો અડી ને બ્રામણના સોકરા ઉપર હાથ ઉપાડ્યો? હજી તો હું જોગમાયા જેવી બેઠી સું તોય? બોલાવો માલીપાથી તમારાં માને! મારે ઈમને કે’વું સે કે આ તમારા પાટવીનાં પરાક્રમ જોવો!’ માનો અવાજ એકદમ મોટો થઈ ગયો! ડેલીમાં એના પડઘા ગૂંજી રહ્યા! ઠેઠ અંદર દરબારગઢ સુધી એક વિધવા ડોશીનો અવાજ પહોંચ્યો... માની જ ઉંમરના વિધવા હેમીમા માથે ઓઢીને આવી ઊભાં! ‘જે નારા’ણ! ગોરાણીમા! એ આવીને નીચે જમીન પર બેસી ગયાં. પાલવનો છેડો પકડીને માને પાયલાગણ કર્યું. ઊભાં થતાં પૂછે : ‘ગઢમાં પધારો ને આંયાં ડેલીમાં ચ્યમ ઊભાં સો?’ માનો પ્રકોપ હજી શાંત થયો નહોતો. બે વિધવા ડોશીઓ. એક ગામ ધણીયાણી ને બીજી ગોરાણી. એકનો દીકરો ને બીજીનો પૌત્ર. એક જુવાનજોધ દરબાર અને બીજો બ્રાહ્મણનો બટુક! માએ ગુસ્સો ઠાલવ્યો. વળી વળીને એક જ વાત- ‘મારા સોકરા ઉપર... ભઈલા અકારથ હાથ ઉપાડે જ ચ્યમ?’ હેમીમાએ બધી હકીકત મેળવી. જયવીરને બોલાવીને ખાતરી કરી. પછી આંખમાં આંસુ સાથે કહે- ‘મારા દીકરાથી પાતક થઈ જ્યું સે ગોરાણીમા! આના અપરાધમાંથી તો ચ્યમ કરીન સૂટાય? પણ હું ભઈલાને કહું સુ કે તમારા પગ પકડીન માફી માગે!’ ભઈલાનું ધારિયું તો એમ જ પડી રહ્યું ને ચહેરા પરથી નૂર-તેજ ઊડી ગયાં. એ આ બે જોગમાયાઓનો પ્રતાપ જીરવી શક્યા નહીં. ઊભા થયા ને મારાં માના પગ પકડી લીધા. ‘ગોરાણીમા મને માફ કરો...’ ‘ભઈલા! દેવઆજ્ઞાએ કઉં સું… જીનો ગનો કીધો હોય ઈની માફી માગવી ઘટે! ન્યા’ તો ઈમાં જ!’ ક્ષણનાય વિલંબ વિના ભઈલા મારી તરફ ફર્યા. મારા મનમાંથી એમની બીક હજી ગઈ જ નહોતી અને આ બધું હજી સમજાતું નહોતું! હું માના પાલવની પાછળ ભરાઈ ગયો. માએ બાવડું પકડીને મને બહાર કાઢ્યો અને કહે- ‘સીધો ઊભો રે’ જનોઈબંધ બામણ ઊભો રે’ ઈમ! ન્યા’ની વાતમાં માથું કાઢતાં શરમૈંયે નંઈ...’ હું એમ જ ઊભો રહ્યો ને ભઈલાએ વાંકા નમીને મારા પગને સ્પર્શ કર્યો... ‘મા’રાજ મને માફ કરો.... અજાણ્યે મારો હાથ ઊપડી ગયો હતો…’ હેમીમાનો ભારેખમ અવાજ સંભળાયો : ‘ભઈલા ભગવાનસંગ! આમ માફી નો મગાય! માથેથી સાફો ઉતારો ને બેય હાથમાં લ્યો તો...!’ માએ ભઈલાના હાથ પકડી લીધા. બસ મારા દીકરા બસ! ગમે ઈમ તોય તમ્યે ગામધણી કે’વાંવ... ન્યા’ને હાટે આટલ્યું બસ કે’વાય! સાફો ઉતારો તો મને મરતી ભાળો! ભઈલા.... તમ્યેય મારા દીકરા ખરા કે નંઈ? પણ હવેં પસીથી પાણી લ્યો કે કો’દિ’ કોઈનાય સોકરા ઉપર હાથ નંઈ ઉપાડું!’ નકર મારા જેવી ભૂંડી બીજી નહીં ભાળો!’ ઘેર આવીને માએ મારા ગાલ ઉપર હળદરનો લેપ કર્યો! એ ઘટના પછીથી ભગવાનસંગ ભઈલા સામે હું આવી જાઉં તો પોતે નીચું જોઈ જતા એ મને યાદ છે! બીજે દિવસે માધાબાપાના ભીખલાએ મારા નવા ને નવા કંપાસબોક્સમાંથી બધી વસ્તુઓ નિશાળનાં નળિયાં ઉપર ફેંકી દીધી. બે અણિયાળું પરિકર ખોરડાના મોતિયા સાથે ભટકાઈને પાછું પડ્યું. એની આંખ બચી ગઈ, પણ કપાળમાં વાગ્યું! એટલે એનો બધો ગુસ્સો મારા ઉપર ઠાલવવા, કંપાસબોક્સને જમીન પર મૂકીને એના પર કૂદકા માર્યા. વર્ગશિક્ષક પૂનમભાઈની નજર પડે એ પહેલાં તો ચપ્પટ પતરું કરી મૂક્યું! પછી હેંહેંહેં એવું હસ્યો! મને એટલો બધો ગુસ્સો આવી ગયો કે શરીરનાં રૂવાંડાં ઊભાં થઈ ગયાં. મુઠ્ઠી વાળીને એક ઘુસ્તો દઈ દેવાનું મન થયું, પણ એની શારીરિક તાકાત સામે હિંમત ન ચાલી પણ, કોણ જાણે કેમ, મારાથી એવું વિચારાઈ ગયું કે- ‘આ હાળો ટણપીનો મરી જાય તો હારું! કાયમનું હખ થઈ જાય!’ એ દિવસ શનિવાર હતો એટલે નિશાળ બાર વાગ્યે છૂટી ગયેલી. મેં આવીને ખાધું અને તરત હાથમાં ‘ટારઝનનાં પરાક્રમો’ ચોપડી લઈને પતરાની ઓરડી ઉપર થઈને લીમડે ચડ્યો. લગભગ બે વાગ્યાના સુમારે ભીખલો આવીને મને કહે, ‘ચાલ વાડીયે!’ મારે નથી આવવું તારી ભેગું! હું તારી હાર્યે નથી બોલતો! ‘નો બોલ્ય તો કંઈ નહીં, પણ હેઠો તો આવ્ય. એક વસ્તુ બતાડું!’ મને થયું કે જો હું નીચે નહીં જાઉં તો આ પાણાવાળી કરશે. એટલે ચોપડી ઓયડીના છાપરે મૂકીને નીચે ઊતર્યો! મેં કહ્યું- ‘બતાવ વસ્તુ!’ એની પાસે કંઈ બતાવવા જેવું તો હતું નહીં, એટલે એક બાજુથી ચડ્ડી ઊંચી કરીને એની પપૂડી બતાવી! કોણ જાણે ક્યાંથી મારામાં હિંમત આવી ગઈ તે મેં એની પપૂડી પકડીને સ્કૂ ચડાવતો હોય એમ મયડી નાંખી! એને અંદાજ નહોતો કે હું આવું કરીશ. એકદમ ઢીલોઢફ થઈ ગયો મને કહે, ‘હાલ્યને ભઈબંધ... એમ કરીને એણે મારા ખભા ઉપર હાથ મૂક્યો. એક ક્ષણ તો મને થયું કે જઉં એની સાથે વાડીએ. પહેલાંય અમે ઘણી વાર ગયેલા. તાજાં તાજાં રીંગણ, ગાજર અને ટામેટાં ખાવાની મજા! પણ પછી મને વિચાર આવ્યો કે આ પપૂડીનો બદલો લેવા મને કૂવામાં તો નહીં નાંખી દે! એટલે મેં ચોખ્ખી જ ના પાડી દીધી ને માથેથી એક ગાળ દીધી- ‘રાંડના નથી આવવું તારી હાર્યે!’ ‘ભઈબંધ હવે એવું નંઈ કરું લે બસ? કીધું અટૂલ્યે કીધું બસ! માના હમ! ભગવાનના હમ બસ!’ એમ કરીને એણે પોતાના હાથની વેંત લાંબી કરી. અંગૂઠો મોઢામાં રાખીને ટચલી આંગળી લાંબી કરી અને મને બુચ્ચા કરવા કહ્યું! મેં બુચ્ચા તો ન કરી પણ બીજી મણ એકની હોફાવી... સાંજ પડતાં તો દેકારો થયો. સીમમાં હતાં એટલાં બધાં ભીખલાની વાડીયે ભેગાં થઈ ગયાં હતાં. કોઈ કહેતું હતું કે નાની એવી ખાટલીને રાશ્યું બાંધીને ઉતારો તો ઈને ઈમાં હુવડાવી દેવાય! કૂવામાં બે તરવૈયા આમથી તેમ લોંકી ખાતા હતા. ભીખલાનો રબ્બર જેવો દેહ માંડ માંડ ખાટલીમાં નાખ્યો. બહાર ઊભેલા બધાએ ખાટલી ખેંચી લીધી. ઠેકડા મારતો મારતો ગયેલો ભીખલો ખાટલીએ ચડીને ઘેર આવ્યો! આખું ગામ એક જ ઘરમાં ભેગું થઈ ગયું હતું. કોઈને કંઈ કામે, બે ડગલાં ચાલવું હોય તોય પગ મૂકવાની જગ્યા રહી નહોતી. ઘરની વચોવચ ફળિયામાં મૂકેલી ખાટલી પર, ભીખો સૂતો હતો. એની મા અને કાકીઓ હાથમાં ને પગમાં ગરમાવો લાવવા બામ ઘસતાં હતાં. હવાની લહેરખી આવે ત્યારે એના વાળ સ્હેજસાજ ફરફરી ઊઠતા. માધાબાપાને અને ગામના એકોએક માણસને ખાતરી થઈ ગઈ હતી કે ભીખલાના પંડયમાં પવન નથી. પણ, એની મા જીવતીને હજી એમ જ કે હમણાં મોરછા ઊતરી જશે અને ભીખલો પાછો હતો એવો થઈ જશે. ‘સ્વામિનારાયણબાપા... સ્વામિનારાયણબાપા…’ એમણે તો ધ્રૂજતા દેહે રટણ ચાલુ કરી દીધું. કોઈનામાં એવી હિંમત નહોતી કે જીવતીની પાસે જઈને સાચી વાત કહે! જાણતાં છતાં લોકોએ તોડ કાઢ્યો : ‘એલા કો’ક સુરન્નગર જાવ ને તાત્કાળી… દાકતર પાટડિયાસા’બ્યને તેડી આવો!’ જીવતીને લાગ્યું કે પાટડિયાસા’બના હાથમાં જહ છે તે આવશ્યે કે તરત મારો દીકરો બેઠો થાશ્યે! બે કલાકે લેમ્બ્રેટા ઉપર ભૂડભૂડ કરતા પાટડિયાસાહેબ આવ્યા. એ આવે ત્યાં સુધીમાં સ્તબ્ધતાએ વાતાવરણને થીજાવી દીધું હતું. માણસોએ મારગ કરી દીધો. નહીં નહીં તોય સોએક માણસ ભેગું થઈ હતું. પણ જરાય અવાજ નહીં. એકાબીજાના શ્વાસ સંભળાય એવી શાંતિ પથરાઈ ગઈ હતી. પાટડિયાસાહેબે નાડ હાથમાં લીધી. હાથ-પગના નખ જોયા. પછી બેય કાનમાં નળી ગોઠવી ને સ્ટેથોસ્કોપનો ત્રીજો છેડો ભીખાની છાતી પર મૂક્યો. જેમને ખાતરી હતી એય બેએક ક્ષણ આશામાં આવી ગયાં. તરત જ ડોકટરે કાનમાંથી નળી કાઢી અને સંકેલી લીધી. બેગમાં મૂકતાં મૂકતાં કહે, ‘ઘણું મોડું થઈ ગયું છે! તરત સારવાર મળી હોત તો…’ આ શબ્દની સાથે જ રોકકળ અને છાતી કૂટવાનું શરૂ થઈ ગયું! હું તરત જ મારા ઘરે આવી ગયો! બાજુવાળાં ભાભીએ હાંકોટો કર્યો: ‘ભીખલા! તને યાં જાવાનું કોણે કીધું હતું?’ માએ કીધું- ‘હવે ઈને કોઈ ઈ નામે નો બોલાવશો! વિદ્યાધરના નામે જ બોલાવજો!’ મને થયું કે જો હું ભીખલાની સાથે ગયો હોત તો કદાચ આ ઘટના ન બની હોત! કાયમને માટે ભીખલો ગયો ને મારું નામેય લેતો ગયો! હજી પણ મને મારું એ વાક્ય ચેન લેવા દેતું નથી- ‘આ હાળો ટણપીનો મરી જાય તો હારું! કાયમનું હખ થઈ જાય!’

***