સૌરાષ્ટ્રની રસધાર ભાગ-2/કરપડાની શૌર્ય કથાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કરપડાની શૌર્ય કથાઓ




1. ‘સમે માથે સુદામડા’
પહેલો પોરો રેનરો, દીવડા ઝાકમઝોળ,
પિયુ કંટાળો કેવડો, ધણ કંકુની લોળ.

જુવાન કાઠી જુગલની મિલન-રાતનો એવો પહેલો પહોર હતો. દીવડો ઝાકમઝોળ બળે છે. બાવીસ વરસનો મામૈયો ખાચર, પાંચાળના ડુંગરમાં રમી રમી રાતોચોળ બનેલો કાઠી જુવાન એ રાતે કોઈ સુગંધી કેવડા સમો ફોરે છે, એને રોમેરોમથી પહાડની જુવાની મહેકે છે, અને હજી પરણીને તાજી ચાલી આવતી કાઠિયાણી પિયુ ભેળી હિંગળોકિયે ઢોલિયે બેઠી બેઠી કંકુની પૂતળી જેવી દીસે છે. વાતો કરતાં કરતાં ઓચિંતાની કાઠિયાણી ઓઝપાઈ ગઈ. એનું મોં કાળું પડી ગયું. મામૈયા ખાચરે પૂછ્યું૰ : “શું છે, કેમ ચકળવકળ જુઓ છો?” “કાઠી! મને આ ઓરડામાં કોઈક ત્રીજા જણનો ઓછાયો પડ્યો લાગ્યો.” “લે ગાંડી થા મા, ગાંડી! કોક સાંભળશે તો તને બીકણ કહેશે. આંહીં કોની મગદૂર છે કે પગ દઈ શકે? ડેલીએ મારો સાવજ લાખો કરપડો ચોકી દઈ રહ્યો છે.” કાઠિયાણી નવી પરણીને ચાલી આવતી હતી. બહાદુરની દીકરી હતી. બીકણ ગણાઈ જવાના ડરથી એ ચૂપ રહીને પતિની સોડમાં સૂઈ ગઈ, પણ એની આંખો ઘણી લાંબી વાર સુધી ઓરડાની દીવાલો ઉપર ફરતી રહી. ઓરડો જાણે હસતો હતો. અસલમાં કાઠીઓના ઓરડાની અંદર એક પછીતની પડખોપડખ બીજી પછીત ચણાતી. વચ્ચે રહેલા પોલાણને પછીતિયું કહેવાતું. મોયલી પછીતમાં નાનું એક બારણું રાખતા અને એ બધું ગુપ્ત રહે એટલા માટે આખી પછીતે ચાકળા, ચંદરવા, તોરણ અને વાસણની રૂપાળી માંડ માંડી દેતા. કાઠિયાણીને જેવું ઘર શણગારતાં આવડ્યું છે એવું બીજું કોણે શણગારી જાણ્યું છે? એ ગાર કરે છે ત્યારે કોણ જાણે એના હાથમાંથી કેવા કેવા રંગ નીતરે છે! એના ઓળીપામાં જે સુંવાળપ ઝળકી ઊઠે છે તે એની હથેળીઓની હશે કે એના હૈયાની? ચાકળા-ચંદરવાનું ઓઢણું ઓઢીને જાણે ચારેય ભીંતો હસતી લાગે છે; પણ એ ભીંતોના અંતરમાં શું છે? કાળું ઘોર પછીતિયું! જોઈ જોઈને થાકેલી એની આંખો મળી ગઈ. મામૈયો ખાચર તો ક્યારનોય ઘોરતો હતો. બેલડી ભરનીંદરમાં પડી એ વખતે એ હસી રહેલા ઓરડાના ચંદરવા ખસેડીને પછીતિયામાંથી ત્રણ જણ નીકળ્યા. ઊંઘતા મામૈયાનું ગળું વાઢીને ચૂપચાપ નીકળી ગયા. થોડી વારે ભીનું ભીનું લાગતાં કાઠિયાણી જાગી ગઈ. કારમો બનાવ દેખીને એણે ચીસો પાડી. સુદામડા ગામની આખી વસ્તી નીંભણી નદીને કાંઠે દરબાર મામૈયા ખાચરને દેન દેવા ભેગી થઈ અને પછી ચર્ચા ચાલી. સુદામડાના ચોકીદાર લાખા કરપડાએ વસ્તીને હાકલી : “દરબારનો મારનાર બીજો કોઈ જ નથી, એનો સગો ભાઈ શાપરવાળો લાખો ખાચર જ છે. લાખાને ગરાસનો લોભ લાગ્યો છે; ભાઈને મારીમારીને એને ભૉં ભેળી કરવી છે; ને આજ એ આંહીં કબજો લેવા આવશે.” વસ્તી ચૂપ રહી. માંહોમાંહે સહુ ગુસપુસ કરવા માંડ્યા : “ભાઈએ ભાઈઓ વઢે એમાં આપણે શું? કયે સવાદે આપણે માથાં કપાવીએ?” ડાહ્યો કાઠી લાખો કરપડો બોલ્યો : “ભાઈઓ, આવો, આપણે ઠરાવ કરીએ કે આજથી સુદામડાનો ધણી કોઈ એક જણ નહિ; એક ગરાસ ખાય અને બીજા સહુ એની મજૂરી કરે એમ નહીં; આજથી ‘સમે માથે સુદામડા’ : એટલે જેને ઘેર જે જે કંઈ ગરાસ ચાસ હોય તે આજથી એની અઘાટ માલિકીનો : સુદામડાની વસ્તી જ સુદામડાનો રાજા. ખબરદાર! આપો લાખો ખાચર આવે કે મોટો ચક્રવર્તી આવે, આપણે એકએક સમશેર લઈને સુદામડાનો બચાવ કરવાનો છે. છે કબૂલ?” વસ્તીએ કબૂલ કર્યું : તે દિવસથી, સંવત 1006ની આસપાસથી, ‘સમે માથે સુદામડા’ બન્યું. સહુને પોતપોતાની જમીનના અઘાટ હક મળી ગયા. સહુને ‘મારું સુદામડા’ ‘મારું સુદામડા’ થઈ પડ્યું. પોતાપણાનો કૉંટો ફૂટ્યો.

‘ધિરજાંગ! ધિરજાંગ! ધિરજાંગ!’ કાનના પડદા તોડી નાખે તેવા ઘોર નાદ કરતો બૂંગિયો ઢોલ બજવા લાગ્યો, અને સુદામડામાં રાજગઢના કોઠામાં ચારણની વાર્તા થંભી ગઈ. જુવાન કાઠીડાઓનો ડાયરો ગુલતાન કરવા બેઠો હતો તેના હોશકોશ ઊડી ગયા. માણસોએ દોડતા આવીને કહ્યું : “પીંઢારાનું પાળ આવ્યું. આથમણો ઝાંપો ઘેરી લીધો.” જુવાનો સામસામા જોવા લાગ્યા; ગામમાં કોઈ મોટેરો હાજર નહોતો. લાખો કરપડો તમામ મોટેરાઓને પાળમાં લઈને નળકાંઠા તરફ ગયો છે. સોળ-સોળ અને અઢાર-અઢાર વરસના ઊગતા જુવાનો દિઙ્મૂઢ બનીને બેઠા રહ્યા. હાય હાય, કાળઝાળ પીંઢારાઓનું કટક આવ્યું. કાચા મૂળાની જેમ સહુને એ કરડી ખાશે! કોઠાની પછવાડેની બારીએથી એક ધીરો અવાજ આવ્યો : “જેઠસૂર! ભોજ! નીકળી જાવ! ઝટ નીકળી જાવ!” બે જુવાનોએ પાછલી બારીએ નજર કરી. નીચે બે ઘોડાં સાબદાં કરીને એક આધેડ આદમી ઊભેલ છે. ઇશારો કરે છે : “બેય જણા ઝટ ઊતરી જાવ; ચડીને ભાગવા માંડો.” બે જુવાનો જીવને વહાલો કરીને કોઠેથી ઠેકવાની તૈયારી કરે છે, ત્યાં તો જેણે વાર્તા માંડી હતી તે ચારણે બેયની વચ્ચેથી બારીની બહાર ડોકું કાઢ્યું : “કોણ, માણસૂર ખવડ? આપો માણસૂર ખવડ ઊઠીને — કરપડાઓનો ભાણેજ ઊઠીને — અટાણે ગામના જુવાનોને ભગાડે છે? અરે! પેટના દીકરા ભોજને તો ઠીક, પણ સુદામડાના શિરોમણિ લાખા કરપડાના દીકરા જેઠસૂરનેય ભગાડે છે? હાય રે હાય, આપા માણસૂર ખવડ! કાઠીઓનું આથમી ગયું કે?” “લે, બસ કર, કાળમુખા!” એમ બોલીને એ ઘોડાવાળો માણસૂર ખવડ જુવાનોને લલચાવવા માંડ્યો : “બેટા ભોજ! ભાણેજ જેઠસૂર! જીવતા હશું તો સાત વાર સુદામડું ઘેર કરશું. ભીંત હેઠ ભીંસાઈ નથી મરવું. ભાગો, ઝટ ભાગો!” માણસૂર ખવડનો દીકરો ભોજ તો ખાબકી પડ્યો. ઘોડીએ ચડી ગયો, પણ જેઠસૂર ચારણની સામે જોઈ રહ્યો. ચારણે કહ્યું : “બાપ ઘેરે નથી ને તું સુદામડું છોડીશ? અને ‘સમે માથે સુદામડું’ શું ભૂલી ગયો? આજ લગી ગરાસ ખાવો ગળ્યો લાગ્યો, ને રક્ષા કરવા ટાણે તું તારા મામા માણસૂરની ઘોડીએ ચડી જીવ બચાવીશ, જેઠસૂર!”


સૂદલગઢ સૂનો કરે, (જો) જેઠો ભાગ્યો જાય,
(તો) એભલ ચાંપો આજ, લાજે લાખણશિયાઉત!

[હે લાખા કરપડાના દીકરા જેઠા, જો સુદામડું મૂકીને તું આજ તારા બાપની ગેરહાજરીમાં નાસી જા, તો કાઠી કોમના વીર ચાંપરાજ વાળા અને એભલ વાળાના [1] નામને કલંક ચડે.] ચારણની આંખો લાલચટક બની ગઈ. કોઠો હલમલી ઊઠ્યો. દેવીપુત્રનું મુખ દીપી રહ્યું. એ દેખીને જેઠસૂરે કહ્યું : “મામા, બસ, થઈ રહ્યું. હવે મારે પગે તો બેડી પડી ગઈ. તમને જીવ વહાલો છે, તો ભોજાને લઈને ભાગવા મંડો.” માણસૂર ખવડ ચારણને ગાળો દઈને ભોજાની સાથે ભાગી નીકળ્યો. ચારણ કોઠા ઉપર ઊભો થઈને બુલંદ નાદે ગામને બિરદાવવા લાગ્યો. એનાં ગીતો-છંદોએ ગામ આખાને પાનો ચડાવ્યો. પણ તોય હજુ જેઠસૂર કોઠેથી નીચે ઊતરતો નથી. સેજકપુરના ભાગદાર વોળદાન ખવડે વાડીએ કોસ હાંકતાં હાંકતાં સુદામડાનો તરઘાયો ઢોલ સાંભળ્યો; બળદની રાશ હેઠી મૂકીને પરબારી એણે ઢાલ-તરવાર ઉપાડી કોઠાની બારીએ સાદ કર્યો : “જેઠા, સોનબાઈ માતાની કૂખની કીર્તિ કરતાંય આજ જીવતર વહાલું થઈ પડ્યું કે? આમ તો જો, આ તરવાર લઈને કોણ નીકળ્યું છે?” જ્યાં જેઠસૂર નીચે બજારમાં નજર કરે, ત્યાં તો એની માતા સોનબાઈ! જગદમ્બા ઉઘાડે માથે ખડગ લઈને બજારમાં આવી ઊભી છે. “માડી! એ માડી! મોડો મોડો તોય આવું છું, હો!” એવી હાક દેતો જેઠસૂર ઊતર્યો. બીજા પંદર-વીસ કાઠીઓ ઊતર્યા. મોખરે ચાલી ભવાની કાઠિયાણી મા આઈ સોનબાઈ. મધચોકમાં મુકાબલો થયો. એક બાજુ પંદર-વીસ કાઠી ને બીજી બાજુ બસો પીંઢારા. પણ એક બાજુ વીર જનેતા હતી ને બીજે પક્ષે પાપ હતું. પીંઢારાના સાઠ માણસો કાઠીના ઝાટકા ખાઈને પડ્યા. ઠેઠ આથમણે ઝાંપે પીંઢારાને તગડી ગયા. પણ ત્યાં તો જેઠસૂર અને વોળદાન, બેય જણા ઘામાં વેતરાઈ ગયા. જાણે મૉતને પડકારો કર્યો હોય કે ‘જરાક ઊભું રહે, ઝાંપો વળોટવા દે!’ એવી રીતે એ બેય જણા પાળને ઝાંપા બહાર કાઢ્યા પછી જ પડ્યા. પીંઢારા ચાલ્યા ગયા; ગામ લૂંટાયું નહિ; પણ સોનબાઈની કાયા ઉપર પાંચ ઘા પડી ચૂક્યા હતા. જેઠો અને વોળદાન આઘે પડ્યા પડ્યા ડંકતા હતા, તે બેયનાં માથાં પોતાના ઢીંચણ ઉપર રાખીને એક છાપરીની નીચે માતાજી પવન નાખવા મંડ્યાં. રાત હતી. શત્રુઓ ક્યાં સંતાઈ રહ્યા છે તેની કોઈને જાણ નહોતી. ખોળામાં બે જુવાનોનાં માથાં ટેકવીને આઈ સમાધિમાં બેઠાં હતાં. એમાં ઓચિંતાના એ ઝૂંપડીને ચોયદિશ આગના ભડકા વીંટળાઈ વળ્યા. કાંટાના ગળિયા ખડકીને આગ ચેતાવનાર પીંઢારા હતા. પોતાના પ્રાણ છૂટ્યા ત્યાં સુધી આઈ સોનબાઈએ દીકરાના અને ભાણેજના દેહ ઉપરથી અંગારા ખેર્યા હતા. ત્રણેય જીવતા જીવ સુદામડાને પાદર ‘સમે માથે સુદામડા’ને ખાતર સળગી ભડથું થઈ ગયા. એ ત્રણેયની ખાંભીઓ આજે આથમણે ઝાંપે ઊભેલી છે.


2. ફકીરો કરપડો

સુદામડાવાળા કનૈયા કુંવર જેવા મામૈયા ભાઈનું ખૂન થયું. તેવી જ રીતે ઉબરડાવાળા ભાઈ કલા ખાચરને પણ દારૂમાં કોઈએ ઝેર દીધું; એનો વંશ ગયો. આ બીજા ભાઈને મારનાર પણ લાખો ખાચર હતો એમ બોલાય૰ છે. ઉબરડાની ચોકીદારી પણ કરપડા જ કરતા હતા. ફકીરા કરપડાની અવસ્થા પાકી હતી. એના હાથમાં હવે તો તરવાર ધ્રૂજતી હતી. પણ લાખો ખાચર ઉબરડાનો ગરાસ ભોગવે, તે પહેલાં તો મારે મરી ખૂટવું, એવી એની પ્રતિજ્ઞા હતી. બગડ ગામમાંથી ખાચરોનો એક દીકરો લાવીને એણે ઉબરડાની ગાદી પર બેસાડ્યો. એનું નામ વેળો ખાચર. એક દિવસ ફકીરો કરપડો ઘેર નથી. મૂળુ ખાચર અને લાખો ખાચર ઉબરડે ચડી આવ્યા. કરપડાની બાઈઓને હરણ કરી છોબારી ગામે ઉપાડી ગયા. પણ મૂળુ ખાચર પવિત્ર હતા. બાઈઓને એમણે બહેનો કરીને રાખી. મૂળુ ખાચર નહોતા ત્યારે કરપડાઓ પણ ધ્રાંગધ્રા રાજની મદદ લઈને છોબારી આવ્યા. આવીને પોતાની બાઈઓને હાથ કરી. માણસો ફકીરાને કહે : “મૂળુ ખાચરનાં ઘરનાંને લઈને આપણે આપણું વેર વાળીએ.” ફકીરાએ જવાબ દીધો : “બાપ! વહુનાં આણાં હોય પણ કાંઈ માનાં આણાં હોય? મૂળુ ખાચરના ઘરમાં આઈ છે, તે આપણી મા કહેવાય.” ભાઈઓને ઘેર પહોંચાડ્યા પછી ફકીરો કરપડો રાજસાહેબનાં માણસો સાથે ભટકતો હતો. મચ્છુ નદીને કિનારે એ બધા ચાલતા હતા. ત્યાં તો સામે કાંઠે ખાચર ભાઈઓનું કટક ઊભેલું દેખ્યું. દેખીને ફકીરાએ પોતાનાં અને રાજસાહેબનાં તમામ માણસોને પાછાં વાળી દીધાં. “બીજા સહુ બચે એટલા માટે હું એકલો આખા કટકને રોકીશ. મને મારવામાં બધા રોકાઈ જશે. હું હવે જિંદગી જીવી ચૂક્યો છું; મને મરવા દ્યો, તમે આપણા ધણીને સંભાળો”, એમ કહીને એણે પોતાના વંશના જુવાનોને ઉબરડાનો માર્ગ પકડાવ્યો અને પછી નદીને કાંઠે કાંઠે એણે ઘોડી દોડાવી. વચ્ચે ઓરિયાનો બાંધેલ ઊંચો ધોરિયો આવ્યો, તે વટાવ્યો. પણ બીજે જ ડગલે એક ભગદાળું આવ્યું; તેમાં પડતાં ઘોડીનો પગ ભાંગ્યો. બચવાની બારી રહી નહિ, કેમ કે સામે કાંઠે પણ શત્રુઓનું કટક દોડતું આવે છે. તરવાર કાઢીને ફકીરો એકલો ઊભો રહ્યો. સામે કાંઠેથી એ એકલવાયા સ્વામીભક્ત વીરને મૂળુ ખાચર ધારી ધારીને નિહાળી રહ્યા. ફકીરાની ધોળી ધોળી દાઢીમૂછ પવનના ઝપાટામાં ફરકતી હતી; આથમતા સૂરજનાં કિરણ એની તરવાર ઉપર રાસ રમતાં હતાં; નદીનાં પાણી એ બુઢ્ઢા મોઢા ઉપર ઝળાંઝળાં થતાં હતાં; અને ફકીરો પડકારતો હતો : “હાલ્યા આવો, મૂળુ ખાચર, હાલ્યા આવો.” મૂળુ ખાચરે પોતાની ફોજને કહ્યું : “ખબરદાર, એની ઉપર બંદૂક છોડશો મા. ઊભા ઊભા એનાં દર્શન કરો. આવું રૂપ ફરી કે’દી દેખવાના હતા! વાહ વીર, વાહ! રંગ છે તારી જનેતાને.” પણ એવું દર્શન કરવા માટે લાખા ખાચરની પાસે આંખો નહોતી. એની નજરમાં તો ઉબરડાની કાળી કાળી રસાળી જમીન રમતી હતી. એણે પોતાના માણસને ઇશારો કર્યો, ગોળી છૂટી : હ મ મ મ : ફકીરો ઢળી પડ્યો. જખમમાંથી ખળળળ ખળળળ લોહીનો ધોરિયો છૂટ્યો છે, ફકીરાના શ્વાસ તૂટવા મંડ્યા છે. પણ છેલ્લી ઘડીએ એ શું કરતો હતો? પોતાની પછેડીની ફાંટમાં ધરતીની ધૂળ ભેગી કરતો હતો. સામે કાંઠેથી સ્વર આવ્યો : “ફકીરા કરપડા! મરતી વખતે ચાળો ઊપડ્યો કે શું?” આ કાંઠેથી જવાબ ઊઠ્યો : “ના, બાપ! આ તો મારા ધણીની ધરતીને મરતો મરતોય બાંધી જાઉં છું. ત્યાં જઈને કહીશ કે મારા ધણી! મરતાં મરતાંયે તારી જમીન લીધી છે, દીધી નથી.”


લીધી પણ દીધી નહિ, ધણિયુંવાળી ધરા,
કીધી કરપડા, ફતેહ આંગત ફકીરિયા!

ફકીરાના રામ ઊડી ગયા. મૂળુ ખાચરે એના પગ પાસે બેસીને આંસુ પાડ્યાં. એણે પ્રતિજ્ઞા લીધી કે ઉબરડાની ચપટી માટી પણ મારે હવે ન ખપે. ફકીરા કરપડાની ખાંભી અત્યારે મચ્છુને કાંઠે મોજૂદ છે.


3. વિસામણ કરપડો

ધણીની ધરતી સાચવતો ફકીરો કરપડો મચ્છુને કાંઠે મર્યો, પણ પોતાની ખાનદાનીનું લોહી પોતાના વંશને વારસામાં દેતો ગયો. ફકીરાની ત્રીજી પેઢીએ ઉબરડામાં વિસામણ કરપડો થયો, અને વેળા ખાચરની ત્રીજી પેઢીએ ભોજ ખાચર થયા. છ વરસના અને એકના એક વહાલા દીકરા ભોજનું કાંડું વૃદ્ધ વિસામણને ભળાવીને ભોજના બાપ દેવ થઈ ગયા. ભોજની મા તો વહેલાં ગુજરી ગયેલાં. ભોજને સાંભરતુંયે નહિ હોય કે માનું મોં કેવું હશે. ભોજને કમરીબાઈ નામે બહેન હતાં. તે જામનગર તાબે દહીરા ગામના દરબાર શાદૂલ ધાધલના ઘરમાં હતાં. લોકો કહેતા હતા કે કમરીબાઈ તો આઈ વરૂવડીનો અવતાર છે. બાપુ ગુજર્યાના ખબર પડતાં કમરીબાઈએ શાદૂલ ધાધલને કહ્યું, “કાઠી, મારા બાપનું ગામતરું છે અને ભાઈ ભોજના મોઢામાં હજી દૂધિયા દાંત છે! એને મારા પિતરાઈઓ જીવતો નહિ રહેવા આપે, માટે હાલો, આપણે ઉબરડે જઈને રહીએ.” ત્યાં તો બહેનને પણ સ્વર્ગાપરનું તેડું આવ્યું; બહેન મરવા સૂતાં; પણ જીવ કેમેય જાતો નથી. આપા વિસામણે ઢોલિયા પાસે બેસીને પૂછ્યું : “બહેન, તું તો વરૂવડીનો અવતાર : અને જીવ કેમ જાતો નથી?” બહેને જવાબ દીધો : “કાકા, મારા ભોજનું શું થાશે?” “કાં માડી! ભોજની ફિકર શેની! એની રખેવાળી કરનારા એના બે કાકા બેઠા છે ને!” “વિસામણ કાકા, ભોજ મરે તો ગરાસ કોને જાય?” “એના કાકાને.” “બસ! સમજ્યા, બાપ?” “સમજ્યો, બેટા! લે ત્યારે સાંભળ. ભોજ જે દી મરશે તે દી સ્વર્ગાપરને મારગે ઉબરડાનો એકેએક કરપડો બે ડગલાં ભોજની મોઢા આગળ માંડશે. માટે, મારા બાપ! તારા જીવને સદ્ગતિ કર.” કમરીબાઈના પ્રાણ એટલું સાંભળીને છૂટી ગયા. પણ આ બધી વાતો ભોજ ખાચરના પિતરાઈઓના કાને ગઈ. એ બધાને પગથી માથા સુધી ઝાળ થઈ. ભોજને ટૂંકો જ કરવો એવો મનસૂબો ઘડાયો. બહેન ગઈ એટલે તો દરબારગઢ ઝાંખો પડી ગયો. વિસામણ ડોસાએ ઓરડામાં આવીને જોયું તો ઓળીપો બગડી ગયેલો, ચાકળા-ચંદરવા વીંખાઈ ગયેલા અને માંડ્યનાં વાસણ કાળાં પડેલાં. ‘મારા બાળારાજાના ઓરડા આમ રઝળતા કેમ રખાય! ગઢની આબરૂના કાંકરા થઈ જાય ને!’ એમ વિચાર કરીને એણે આઠ વર્ષના ભોજનો વિવાહ કર્યો. ગોસળ ગામની ચૌદ વરસની રંભા જેવી કાઠિયાણી આણી. જુવાન કાઠિયાણી પોતાના ઘરમાં માંડછાંડ કરવામાં તલ્લીન બની ગઈ. ધણી કેવડો છે એ ધ્યાન કરવાનું ભાન એને રહ્યું નહિ. એંશી-એંશી વરસના બે કરપડાને આપા વિસામણે ડેલીએ ચોકી કરવા બેસાડ્યા. રોજ સવારે ગઢમાંથી વડારણ આવીને લોટના બે શગભર્યા સૂંડા ડેલીએ મૂકી જાય, ને બેય કરપડા આખો દિવસ સાધુ-બ્રાહ્મણને છાલિયું લોટ આપે. ગઢમાં એક કૂતરું પણ બે બુઢ્ઢા કરપડાની રજા વગર પેસી ન શકે. વિસામણ કરપડાને જીવો નામે એક દીકરો હતો. એ જીવો અને કરપડાના બીજા સત્તર તેવતેવડા જુવાનો સવાર પડે ત્યારથી ભોજભાઈને વીંટી લ્યે, તે રાતે સૂવાટાણે નોખા પડે. પિતરાઈઓને તો હજાર વાતે પણ વેર કરવું હતું. પોતાનાં ઘોડાં લઈને ભોજની સીમ એ ભેળવવા મંડ્યા, એટલે એક દિવસ વિસામણ કરપડાએ એ બધાં ઘોડાં બાંધી દીધાં. પિતરાઈઓએ ધ્રાંગધ્રાના રાજસાહેબ પાસે જઈને લાલચ દીધી કે ‘જો ભોજને ઠેકાણે કરો, તો અમારો અરધો ગરાસ તમને આપીએ.’ રાજ મનુભા વિસામણ કરપડાને ‘વિસામણ કાકા’ કહી બોલાવતા. મોરબી અને ધ્રાંગધ્રા વચ્ચે મીઠાના અગર માટે જ્યારે તકરાર પડી હતી ત્યારે રાજસાહેબને જો કોઈએ જિતાવ્યા હોય તો તે વિસામણ કાકાએ. વિસામણ કાકા કરપડાઓનાં માથાં લઈને રાજસાહેબની વહારે ગયેલા. પણ ગરાસની લાલચે બધા ગુણ ભુલાવી દીધા. રાજસાહેબે વિસામણ કાકાને ધ્રાંગધ્રે તેડાવી લીધા. કાકાની ઘોડીને ગઢની માંહ્યલી ઘોડારમાં બંધાવી દીધી. ડેલીની મેડી ઉપર જ કાકાને સીસમનો ઢોલિયો ઢળાવી દીધો. પોતાની થાળીમાં જ કાકાને જમાડવા મંડ્યા. કોઈ રાજાના જેવી કાકાની ચાકરી થવા લાગી. પણ કાકાને ક્યાંય રેઢા ન મૂકે. કાકા કેદી બન્યા. બીજી તરફથી રાજસાહેબે ત્રણસો બંદૂકદારોને તૈયાર કરી, એક દિવસ સોપો પડ્યે ઉબરડામાં પેસાડી દીધા. બંદૂકદારો ભોજના પિતરાઈની ડેલીમાં સંતાઈ ગયા. સવાર પડ્યું. ખળાવાડમાં તલનાં ઓથડાં ખંખેરવાનાં હતાં તેથી ભોજભાઈને પટેલ ખળાવાડે પધારવાનું કહી ગયો. અઢાર જુવાનજોધ કરપડાની વચ્ચે વીંટાઈને ભોજ ખળાવાડે ગયો. ગામ ખાલી થયું. દૈવને કરવું હશે તે સવારે વહેલો એક બાવો ભોજના પિતરાઈઓની ડેલીએ લોટ માગવા ગયો. ત્યાં એણે દાઢીવાળા ત્રણસો બંદૂકદાર દેખ્યા. ખળાવાડે જઈને એણે બાતમી દીધી. વિસામણ કાકાનો સપૂત જીવો કરપડો આખી રમત કળી ગયો. ભોજ ખાચરના માગણિયાત ખોડા રાસળિયાને બોલાવ્યો. બે ઘોડાં મંગાવ્યાં. રાસળિયાને કહ્યું : “ભોજભાઈને તાબડતોબ ગોસળ પહોંચાડી એના સસરાને સોંપી આવ. જોજે હો, તારો ધણી છે.” ખોડો ભોજ બાપુને લઈ ગોસળ ચાલ્યો. ગોસળ સાયલાનું ગામ હતું. પોતાના સત્તરેય ભેરુબંધોને ખબરદાર કરીને જીવો પાછલી બારીએથી પોતાના ફળિયે આવ્યો. પોતાની ફળી અને ભોજ ખાચરની ફળી વચ્ચે એક બારી હતી. તેમાં થઈને ભોજભાઈની ડેલીએ આવ્યો. આવીને એંસી વરસના બેય કરપડાના કાનમાં વાત કહી : “ત્રણસો બરકંદાજ આવી પહોંચ્યા છે. ભોજભાઈને તો ગોસળ ભેગા કર્યા, પણ આઈનું શું થશે? આઈને મારે ઓરડે લઈ જઈને ગોસળ મોકલાવી દઉં? ભલે પછી એ કમજાતો આવીને ગઢના ગાભા વીંખવા હોય તો વીંખી જાય.” બેય બુઢ્ઢાઓએ ધોળાં ધોળાં માથાં ધુણાવ્યાં. બેય જણા બોલ્યા : “ના રે, બાપ! બાપડી આઈએ આટઆટલી મહેનતે ઓરડા શણગાર્યા એ કાંઈ રેઢા મેલાય? આઈ બાપડી આંસુડાં પાડી પાડીને અરધી થઈ જાય ને!” “પણ હું છું ને! આઈને હું લઈ જાઉં છું.” તરવાર ખેંચી લાલચોળ આંખ કરી એંશી વરસના બે ડોસા બોલ્યા : “જીવા, અમને આંહીં તેં નથી બેસાડ્યા; તારે બાપે બેસાડ્યા છે. એ આવશે ને કહેશે તો ઊઠશું. બાકી તો આંહીં જ મરશું. ગઢમાંથી એક માટલું પણ બીજે ક્યાંય નહિ ફેરવવા દઈએ. એંશી વરસે શું અમે દાઢીમાં ધૂળ ઘાલશું?” જીવો ચાલ્યો ગયો. હવે ધીંગાણા વિના બીજો ઉપાય ન રહ્યો. અઢારે જણા વરરાજા બનીને ઉઘાડી તરવારે ગામમાં ચાલ્યા. મોખરે જીવો ચાલતો હતો ત્યાં તો સત્તર જણામાંથી એક સાવજ જેવો જુવાન દોડીને મોઢા આગળ થયો. જીવો કહે : “કેમ, ભાઈ?” “કેમ શું વળી? તું મોટો ને હું શું નાનો છું? પહેલી ગોળી તો હું જ ઝીલીશ.” ત્યાં તો ધડિંગ ધડિંગ ધડિંગ કરતી ત્રણસો ગોળીઓ સામેથી વછૂટી. પણ રામ રાખે એને કોણ ચાખે? અઢાર જણામાંથી એક લાખાને પગે જ જખમ થયો. એક ગાય અને એક પનિહારી ઘવાયાં, બાકીના સત્તરેય મરદોએ એ ધુમાડાના ગોટેગોટની અંદર ઉઘાડી તરવારે દોટ મૂકી. ત્રણસો બરકંદાજોને ડેલીએ દાબી દીધા. ફરી વાર બંદૂકો ભરાય ત્યાં તો અઢારેય તરવારો પાકલ શેરડી જેવા વેરીઓને વાઢવા મંડી. ડેલીમાં એક સીદી ને જીવો કરપડો મંડાણા ને ડેલી બહાર લાખો એક સિપાઈને પછાડી માથે ચડી બેઠો. દુશ્મનોનો સોથ વળી ગયો. બચ્યા તે ભાગી છૂટ્યા. ઘવાયેલો વાઘ જેમ વકરી જાય, તેમ લાખો પણ ઝનૂને ચડ્યો. એ દોડ્યો દુશ્મનોના ઓરડા ઉપર. ઓરડાની ઓસરીમાં દુશ્મનોનાં બે છોકરાં કિનખાબનાં ઘોડિયાંમાં સૂતાં હતાં. બીજાં સાદાં, મેલાં ઘોડિયાંમાં વડારણોનાં બે છોકરાં સૂતેલાં. લાખાની ત્રાડ સાંભળીને કાઠિયાણીઓ તો ઓરડામાં ભરાઈ ગઈ, પણ રંગ છે દાસીઓને! એમણે તરત જ પોતાના છોકરાઓને કિનખાબનાં ઘોડિયાંમાં સુવાડી દીધા, અને દરબારના કુંવરોને પોતાના છોકરાની જગ્યાએ સુવાડ્યા. કાળભૈરવ જેવો લાખો ત્યાં પહોંચ્યો, જઈને કિનખાબનાં ઘોડિયાંમાં પોઢેલાં બાળકોને છેદી નાખ્યાં. કાઠિયાણીઓ અને દાસીઓની રડારોળ થઈ રહી. એ કાળી કિકિયારી સાંભળીને જીવો કરપડો દોડતો આવ્યો. છોકરાને હણાયેલ જોઈને જીવાએ કહ્યું : “ધિક્, લાખા! લોહીનો આટલો બધો તરસ્યો? આ આપણી માયું નથી? એનાં છોકરાં આપણા ભાંડું નહિ? આ તેં કોને મારી નાખ્યા? ભાગી જા, પાપિયા!” લાખાને બહાર કાઢ્યો ત્યાં સુધી દાસીઓએ આંસુ રોકી રાખ્યાં હતાં, પણ પછી ન રહેવાયું. પોતાનાં બે ગભુડાંને મરેલાં ભાળીને એમણે છાનું રોઈ લીધું. જીવો કહે : “રંગ છે તમને! તમે જ સાચી ક્ષત્રી જનેતા. બહેનો, હવે ફડકો રાખશો મા. હું ઊભો છું.” એ જ વખતે વેલડાં જોડાવીને જીવાએ એ બધી બાઈઓને બગડ મોકલી દીધી. ત્યાર પછી આ વંશ બગડમાં જ ચાલ્યો છે, પાછા ઉબરડે આવ્યા જ નથી. ધ્રાંગધ્રાના બરકંદાજો ભાગી નીકળ્યા, પછી કરપડાઓને બીક લાગી કે હમણાં ધ્રાંગધ્રાની તોપો આવી પહોંચશે; તેથી ઉબરડું છોડી અઢારેય જણા ગોસળ ચાલ્યા ગયાન્મ

હવે, જે રાત્રે ધ્રાંગધ્રાના બરકંદાજો ઉબરડામાં દાખલ થયા તે રાત્રે ધ્રાંગધ્રામાં શું બન્યું? ડેલીને માથે મેડી ઉપર મખમલના ગાદલામાં વિસામણ કરપડો સૂતેલ છે; પણ એને ઊંઘ આવતી નથી. એના મનમાં આફરડા આફરડા થડકારા થવા લાગ્યા. મનમાં થયું કે અત્યારે ને અત્યારે ચડી નીકળું. પણ એની ઘોડી ક્યાં? દરવાજે દરબારના જીવા જમાદારની ચોકી હતી. જીવાને એણે કહ્યું : “મારી ઘોડી લાવો.” “વિસામણ કાકા, હવે રામરામ કરો.” “કાં, બાપ?” “ઘોડીયે મળે નહિ, ને તમારાથીયે નીકળાય નહિ. મારો રોટલો તૂટે, મારા હાથમાં બેડી પડે.” વિસામણ કરપડાએ જીવાને મોંએથી બધી વાત જાણી. અત્યાર લગીમાં તો ઉબરડાનો બાળધણી જમદ્વારે પહોંચ્યો હશે, એવી ગણતરી એણે કરી લીધી. બુઢ્ઢાની આંખમાં ઝળઝળિયાં આવ્યાં. કપાળમાં મૉતની કરચલીઓ પડી ગઈ. “એ જીવા! એ બાપ! કેમેય કરીને મને જાવા દે. મારું જીવ્યું ધૂળ થઈ જાય છે!” “બને જ નહિ.” ડોસો કરગરવા લાગ્યો. એના હૈયામાં નિમકહલાલી રોતી હતી. જીવાએ નિમકહલાલી અનુભવી હતી. ડોસાના કાલાવાલાએ એની છાતી પણ પિગળાવી. પોતાના ભાણેજને બોલાવીને એણે પોતાનો ઘોડો મંગાવ્યો. વિસામણ કરપડાને ઘોડે બેસાડી, લગામ ભાણેજના હાથમાં સોંપી. જ્યાં સવાર પડે ત્યાં કરપડાને નીચે ઉતારી તાબડતોબ પાછા આવવાની ભાણેજને ભલામણ કરી. “કાકા, જોજો હો, મારાં છોકરાં ન રઝળાવતા.” “હો બાપ!” વિસામણ કરપડો ચાલ્યો. સવાર પડ્યું એટલે ડોસાને નીચે ઉતારીને ઘોડો પાછો વળી નીકળ્યો. પણ હજી તો ઉબરડું ક્યાંય આઘું રહ્યું. એંશી વરસનો ડોસો આજ આફતના ખબર સાંભળીને જ અરધો તો મરી ગયો છે, ફડકો પડવાથી એની કેડ ભાંગી ગઈ છે. વળી ઉપર ભાલું, તરવાર અને અફીણના ખડિયાનો ભાર છે. હાલતો જાય છે, નિસાસો નાખતો જાય છે, ને ઘડી ઘડી પોરો ખાતો જાય છે, વચમાં સુંદરી ગામ આવ્યું. સુંદરીમાં પોતાનો ઓળખીતો એક ચારણ રહેતો હતો. ચારણને એણે ખૂબ ખવરાવેલું. ત્યાં એ ઘોડું માગવા ગયો. ચારણે ઘોડું તો ન દીધું, પણ ઊલટો જાકારો દીધો. દુઃખી કાઠી ચાલી નીકળ્યો. રસ્તામાં એક વાણિયો ને એક ગરાસિયો મળ્યા. વાણિયાની રાંગમાં ગરાસિયાની ઘોડી રમતી આવતી હતી. ગરાસિયે કહ્યું : “અરે વિસામણ કાકા! આમ પગપાળા કાં?” “બાપ, ઘોડી મને પાડીને ભાગી ગઈ. મને વાગ્યું છે. ચલાતું નથી. સામે ગામ પહોંચાય તો ઘોડું લઈ લઉં.” ઘોડી ગરાસિયાની હતી. ગરાસિયો કહે : “શેઠ, ઊતરો; કાકાને સામે ગામ પહોંચાડવા પડશે.” ઘોડી ઉપર રાંગ વાળીને વિસામણે ઘોડીના ડેબામાં એડી મારી. ઘોડી ચાલી નીકળી. રજપૂતનું મોં ફાટ્યું રહ્યું; એ બોલ્યો : “કાકા, દગો?” ચાલતી ઘોડીએ ડોસો કહેતો ગયો : “બા, ફિકર કરશો મા. કાલ સવારે તમારી ઘોડી પાછી પહોંચાડીશ. આ તો દગો કહો, તો દગો!” એમ કહીને વિસામણ કરપડે ઘોડી વહેતી મૂકી. બપોરે ઉબરડે આવ્યો. બધા સમાચાર લઈને ગોસળ ગયો. ત્યાંથી અઢારેય જુવાનોને લઈ ગીરમાં ગયો. ત્યાંથી જેતપુર દરબાર મૂળુ વાળાની મદદથી ધ્રાંગધ્રા સામે બહારવટું માંડ્યું.

કરપડાના બહારવટાએ ધ્રાંગધ્રાને ડોલાવી નાખ્યું. આખરે જીવા જમાદારે વિચાર કર્યો : ‘આ પાપ મારે માથે છે. મેં એને જીવતો જાવા દીધો ત્યારે આમ બન્યું ને! એની વાંસે મારે જ મરવું જોઈએ.’ જીવો જમાદાર ઘોડે ચડ્યો. રાજસાહેબે ઘણો સમજાવ્યો, પણ જીવો માન્યો નહિ. પોતાની ફોજ સાથે એ ઉબરડે જઈ રાત રહ્યો. સવારમાં પડાવ ઊપડ્યો ત્યારે ગાયોનું ધણ પહર ચરીને ઝાંપામાં દાખલ થતું હતું. ગાયોની ધકબકને લીધે ઘોડેસવારોનાં ઘોડાં થંભી રહ્યાં. ગાયો ઘોડાંને શિંગડે મારવા લાગી એટલે સવારો ભાલાં લઈને ગાયોને મારવા લાગ્યા. આ નિર્દયતા જોઈ ગોવાળની આંખમાં લોહી વરસ્યું. એ બોલ્યો : “ગાયનાં શીંગ નથી ખમાતાં, તો કરપડાનાં ભાલાં શૅ ખમાશે? આ પડ્યા તમારા કાકાઓ — આ સીમાડાની તળાવડીએ. જાઓ ને મરદ હો તો!” ગોવાળને ખૂબ માર મારીને ફોજ તળાવડી તરફ ચાલી નીકળી. રાતે માવઠું થયેલું, એટલે બહારવટિયાના સગડ તો ચોખ્ખા હતા. તળાવડીએથી એ ટુકડી નીકળીને ગઈ હતી. નીકળીને સુદામડાને પડખે ભમરના ડુંગરામાં આશરો લઈ લીધો હતો. એ ડુંગરમાં એક ઊંડું નેરું છે. ઉપરવાસ થઈને એ નેરામાં દાખલ થવાય છે. બીજો રસ્તો નથી. બેય કાંઠે ભયંકર ઊંચી ભેખડો ઊભી છે. નિરાધાર બહારવટિયાઓને આશરો લેવા માટે જ જાણે કુદરત માતાએ આ જગ્યા બનાવી હશે. સત્તર જણા એ નેરામાં બેસી ગયા. અઢારમો લાખો કરપડો નેરાને કાંઠે એક ધાર ઉપર ચાડીકો બનીને બેઠો. ત્યાં તો આઘેથી ધ્રાંગધ્રાની ગિસ્તની ખેપટ ઊડતી દેખાણી. લાખાને એકલા લડીને જશ લેવો હતો તેથી એણે પોતાના સાથીને કહ્યું : “જા, નેરામાં જઈને હોકો ભરી આવ.” ગિસ્ત આવી તેને લાખાએ કાંઠે જ થંભાવી દીધી. જીવો જમાદાર એકલો અંદર ઊતર્યો. હાથમાં ભરેલી બંદૂક હતી. જીવો કરપડો ઘોડી પર ચડીને હેઠવાશ ભાગવા મંડ્યો અને કહેવા લાગ્યો : “જીવા જમાદાર, તેં મારા બાપને તે દી બચાવ્યો છે. આજ શીદ એ ગણ ભૂલવછ? શું મોઢું લઈને હું તારા ઉપર ઘા કરું?” જીવા જમાદારે પડકારા કર્યા : “જીવા, જે કાળે જે ધરમ! હવે ભાગ મા; હમણાં તારી ઘોડીનો ગાભ નીકળી પડશે.” “તારી પાસે ભરી બંદૂક છે એટલે ડરાવતો હોઈશ, કાં?” “આ લે, બંદૂક!” કહીને જીવા જમાદારે બંદૂક ફેંકી દીધી. બેય જીવા બરછીએ આવ્યા. કરપડાનો ઘા બરાબર જીવા જમાદારના પેટમાં વાગ્યો. ઘોડી ઉપરથી એ લથડ્યો, પણ એક પગ પેંગડામાં ભરાઈ રહ્યો; ઘોડી આંટા ફરવા મંડી. જમાદાર ઢસડાણો. કરપડે નીચે ઊતરીને જમાદારને છૂટો કર્યો ત્યારે જમાદાર બોલ્યો : “જીવા, હું સૈયદ છું. મારી કાયા ઢસડાણી તેમ તારું બહારવટુંયે ઢસરડાશે. હું તો મરું છું, પણ ભાઈ, મારો છોકરો હાલ્યો આવે છે, એને બચાવજે. તારા બાપને બદલે મારો દીકરો દેજે.” જીવો જમાદાર મરી ગયો : એના દીકરાને કરપડા અડક્યા નહિ. જીવાની દફનક્રિયા કરીને કરપડા ગીરમાં ઊતરી ગયા. આખરે જેતપુરના મૂળુ વાળાએ રાજસાહેબ સાથે વિષ્ટિ કરીને કરપડાઓનું બહારવટું પાર પડાવ્યું. કરપડાને એક સો સાંતીની જમીન મળી અને ભોજ ખાચરને પણ એનો ગરાસ પાછો સોંપાયો. અત્યારે કરપડા પોતાની જમીન ખાય છે. પણ ભોજ ખાચર બીજી પેઢીએ નિર્વંશ ગયા, એટલે ધ્રાંગધ્રાએ ઉબરડાનો ગરાસ ઊંચકાવી લીધો છે.



  1. આ બે પુરુષોની કથાઓ માટે જુઓ વાર્તાઓ ‘વાળાની હરણપૂજા’ અને ‘ચાંપરાજ વાળો.’