સ્વાધ્યાયલોક—૧/ગ્રંથસૂચિ
રાષ્ટ્રીય પુસ્તકમેળાએ નિમિત્ત પૂરું પાડ્યું, પ્રકાશકોને વિચાર સૂઝ્યો, અભ્યાસીઓએ એ વિચારને વધાવ્યો — સરવાળે આ સૂચિ આપણને પ્રાપ્ત થાય છે.
સૂચિપત્રોથી માંડીને અનેક ઉદ્દેશથી અનેક પ્રકારે અનેક સૂચિઓ આજ લગીમાં સુલભ તો હતી. પણ વ્યક્તિગત વાચકો, શાળા-મહાશાળાઓ, જાહેર-ખાનગી ગ્રંથાલયો અને સમાજની અન્ય સંસ્કાર- સંસ્થાઓના ઉપયોગ માટે પાંચેક સૈકાના સમૂહ ગુજરાતી સાહિત્યનાં સૌ મહત્ત્વનાં પુસ્તકોની સૂચિ કોઈ એક જ સ્થાને હાથવગી ન હતી. હવે આ સૂચિથી એ ઊણપ પુરાશે એમ કહી શકાય.
રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, જયંત કોઠારી અને ચિમનલાલ ત્રિવેદી — આ ચાર સુસજ્જ અને સંપન્ન અભ્યાસીઓએ વારંવાર ચર્ચાવિચારણા પછી આ સૂચિ તૈયાર કરી છે. સૂચિ તૈયાર કરતી પહેલાં વર્ગીકરણની પદ્ધતિ અને મૂલ્યાંકનનું ધોરણ — આ બે પ્રશ્નો અંગે એમને નિર્ણય કરવાનો હતો. એમણે સાહિત્યસ્વરૂપો પ્રમાણે પુસ્તકોનું વર્ગીકરણ કરવું એવો નિર્ણય કર્યો અને પછી નહિ ઉન્નતભ્રૂ, નહિ અવનતભ્રૂ, પણ મધ્યમભ્રૂ એવા ધોરણે પુસ્તકોની પસંદગી કરી છે. આવી સૂચિ સ્વભાવત: જ અપૂર્ણ હોય છે. એને બે પ્રકારની જન્મસિદ્ધ મર્યાદાઓ હોય છે. સાહિત્યિક રુચિ એ અનિવાર્યપણે અનંત વિવાદનું ક્ષેત્ર છે. ન પસંદ કરવા જેવું પુસ્તક પસંદ થાય અને પસંદ કરવા જેવું પુસ્તક પસંદ ન થાય. વળી આ સૂચિ અંતિમ નથી. આ તો માત્ર આરંભ છે. હવે પછી જે પુસ્તકો લખાશે-છપાશે એના અનુસંધાનમાં આ સૂચિમાં સુધારાવધારા માટે હંમેશનો અવકાશ છે. ઉપરાંત પ્રકાશનસંસ્થા પ્રકાશનવર્ષ, પુસ્તકકદ, પૃષ્ઠસંખ્યા, મૂલ્ય આદિ વિગતોના ઉમેરા માટે પણ અવકાશ છે. સુજ્ઞો આ સંદર્ભમાં આ સૂચિને સદ્ભાવ અને સમભાવથી જોશે.
‘જીવીશ બની શકે તો એકલાં પુસ્તકોથી’ — આવી મહત્ત્વાકાંક્ષા ઉચ્ચારનારના જીવનમાં એવી પણ ક્ષણ આવે કે જ્યારે એ એમ પણ ઉચ્ચારે કે, ‘ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી...’? એક સંસ્કારી મનુષ્યના અને પ્રજાના જીવનમાં પુસ્તકોના સ્થાન અંગેનું સત્ય આ બે આત્યંતિક કક્ષાઓની વચમાં વસે છે. એકલાં પુસ્તકોથી જીવવાનું ન બની શકે તે ભલે, પણ પુસ્તકો વિના એકલું જીવવાનું પણ સંસ્કારી મનુષ્યથી અને પ્રજાથી ન બની શકે, ન બની શકવું જોઈએ. આ પૃથ્વી પર મનુષ્યની તથા પ્રજાની જો કોઈ સૌથી વધુ સંસ્કારી પ્રવૃતિ હોય તો તે પુસ્તકો લખવાં તથા પુસ્તકો વાંચવાં-વસાવવાં. શબ્દની સૃષ્ટિ એ પરમેશ્વરની સૃષ્ટિ જેવી જ આનંદ અને આશ્ચર્યથી સભર છે. કોઈ પણ સમાજમાં આવી સૂચિનું હોવું એ પ્રજાજીવનના બૌદ્ધિક-આધ્યાત્મિક સ્વાસ્થ્યનું ચિહ્ન છે. આશા છે કે ગુજરાતી સાહિત્યનાં મહત્ત્વનાં પુસ્તકો વાંચવા-વસાવવામાં વ્યક્તિઓને અને સંસ્થાઓને આ સૂચિ સહાયરૂપ નીવડશે.
(નેશનલ બૂક ટ્રસ્ટ, દિલ્હીના ઉપક્રમે અમદાવાદમાં ૮મા રાષ્ટ્રીય પુસ્તક મેળા નિમિત્તે ગુજરાતી સાહિત્ય પ્રકાશક અને વિક્રેતા મંડળ દ્વારા પ્રકાશિત ૧૯૭૧-૧૯૭૬ના ગુજરાતી સાહિત્યનાં મહત્ત્વનાં પુસ્તકની સૂચિ માટેનું પ્રાસ્તાવિક. પ જાન્યુઆરી ૧૯૭૭)