સ્વાધ્યાયલોક—૧/ગ્રંથસંસ્કૃતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગ્રંથસંસ્કૃતિ

‘આજના જેવા સંકુલ સંક્રાંતિયુગમાં ભવિષ્યવાણી ભાખવી એ એક બાલિશ ચેષ્ટા જ કહેવાય.’ આ વર્ષે લેડનમાં ‘International Publishers’ Association Congress’ સમક્ષ જ્યૉર્જ સ્ટાઇનરે એમના વક્તવ્યમાં આ વિધાન કર્યું છે. એથી એમણે એમના વક્તવ્યના શીર્ષક ‘The End of Bookishness?’માં અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. વક્તવ્યમાં કોઈ આગાહી કે ભવિષ્યવાણી નથી. એમાં ગ્રંથો અને ગ્રંથસંસ્કૃતિના ભાવિ અંગે નિદાન અને પૂર્વાનુમાન છે. ‘ગ્રંથનો યુગ, એના પ્રશિષ્ટ અર્થમાં, હવે ધીમે ધીમે. પણ અસ્ત પામી રહ્યો છે.’ ૧૫૫૦થી ૧૯૫૦ લગી આ યુગનું અસ્તિત્વ. એમણે આ ચારસો વર્ષ જેટલા ટૂંકા સમયગાળા દરમ્યાનનો આધુનિક ગ્રંથો અથવા ગ્રંથસંસ્કૃતિનો વિકાસ આલેખ્યો છે. એનો આરંભ મનુષ્યજાતિના ઇતિહાસમાં મહાન — કદાચ સૌથી મહાન — એવા બૌદ્ધિક આંદોલન ‘પુનરુત્થાન’ (Renaissance)માં છે. પુનરુત્થાનમાં અનેક પ્રચંડ પરિબળો પ્રગટ થયાં — યંત્રવૈજ્ઞાનિક (મુદ્રણ), રાજકીય (રાષ્ટ્રવાદ, કેન્દ્રીકરણ), સામાજિક-આર્થિક (મધ્યમ વર્ગ, ફુરસદ, અવકાશ, મૌન), સાંસ્કૃતિક (વ્યક્તિવાદ, ગુણવત્તાવાદ, સાક્ષરતા) અને મનોવૈજ્ઞાનિક (દ્વિદલ વ્યક્તિત્વ, એકાકીરણ). આ પરિબળોએ જગતનું ક્રાંતિકારી પરિવર્તન કર્યું અને એક નવી સંસ્કૃતિનું નિર્માણ કર્યું. આજે જગત એક નૂતન સંસ્કૃતિના ઉંબર પર ઊભું છે. નવાં પરિબળો — યંત્રવૈજ્ઞાનિક, રાજકીય સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક અને મનોવૈજ્ઞાનિક — પુનરુત્થાનમાં પ્રગટ થયાં હતાં એથી યે વધુ પ્રચંડ એવાં પરિબળો સક્રિય થયાં છે. આ પરિબળો પુનશ્વ જગતનું ક્રાંતિકારી પરિવર્તન કરશે, એક નવી સંસ્કૃતિનું નિર્માણ કરશે. આ નવી સંસ્કૃતિના કેન્દ્રમાં ચક્ર જેનું પ્રતીક છે એવું મુદ્રણ અને યંત્રોનું યંત્રવિજ્ઞાન નહિ પણ વીજાણુવર્તુલ જેનું પ્રતીક છે એવું વીજાણુ યંત્રવિજ્ઞાન છે અને એ મંત્રવિજ્ઞાનનું એની પર વર્ચસ્ હશે. આ વીજાણુ યુગમાં ‘ગુટનબર્ગ નિહારિકા’નું જોતજોતામાં જ પરિવર્તન થશે. વીજાણુ માધ્યમો — સિનેમા, રેડિયો, ટેલીવિઝન, કૉમ્યુટર, રેકૉર્ડ, ટેઇપ કૅસેટ અને એવાં એવાં હવે પછી આવનારાં અનેકાનેક માધ્યમો — એ જેમણે ગ્રંથસંસ્કૃતિનું નિર્માણ કર્યું તે સૌ પ્રકિયાઓ અને પરિબળોની ક્ષણિકતા પુરવાર કરી છે અને ગ્રંથની કેન્દ્રવર્તિતા અને એકચક્રિતાને આહ્વાન આપ્યું છે. પ્રત્યાયનનાં આ નવાં માધ્યમો અને એમની નવી પદ્ધતિઓ — એટલે કે આવતી કાલનો ‘ગ્રંથાલયો’એ ‘વાચનની પ્રશિષ્ટ ક્રિયા’ પર અતિક્રમણ કર્યું છે અને પરંપરાગત ગ્રંથપ્રણાલિના વારસા’નું અવમૂલ્યન કર્યું છે. આ એક કટોકટીની ક્ષણ છે. સ્ટાઇનરે એમના વક્તવ્યમાં સૂચક ક્ષણે સૂચક પ્રશ્ન પૂછો છે, ‘આ ‘વીજાણુ નિહારિકા’માં ગ્રંથોનું અસ્તિત્વ હશે? કે પછી એ અદૃશ્ય થશે? એમના વક્તવ્યને અંતે સ્ટાઇનર કહે છે, ‘મારું વક્તવ્ય એ કોઈ નૈરાશ્યમય કરુણપ્રશસ્તિ નથી. આપણે આ બધું જાણીએ છીએ છતાં ગ્રંથો, આ વીજાણુયુગમાં પણ, અદૃશ્ય ન પણ થાય. ગ્રંથો વિરુદ્ધ ઘણું બધું થાય છે, કહેવાય છે છતાં ‘વાંચનનાં ગૃહો’માં અથવા ‘ગ્રંથોના મઠો’માં આ લઘુમતી સંસ્કૃતિ (લઘુમતી મૂલ્ય નહિ. અને વળી ગ્રંથ-સંસ્કૃતિ એ બહુમતી સંસ્કૃતિ તો ક્યારે હતી?) તરીકે, આ રહસ્યમય ઘટના તરીકે અસ્તિત્વમાં રહેશે. ઇરેસ્મસને એનો અનુભવ હતો. એ જ્યારે એક ઘોરઅંધારી રાતે ઘરે પાછા ફરતા હતા ત્યારે એમણે કાદવમાં એક નાની છાપેલી કાપલી જોઈ, એને ઉપાડી, અને ઝબૂક પ્રકાશમાં ધરી, આભારપૂર્વકના આનંદના ઉદ્ગાર સાથે. વીજાણુ યુગમાં મનુષ્યો કહેશે, ‘ગ્રંથનું મૃત્યુ થયું છે, ગ્રંથ ઘણું જીવો!’ આ વસ્તુવિષય પર આ વીજાણુયુગના પયગંબર સમા માર્શલ મેક્લુહને એક ગ્રંથત્રયી રચી છે — ‘The Gutenberg Galaxy’, ‘Understanding Media’ અને ‘The Medium Is the Message’. જેમણે ગ્રંથના ભાવિ વિશે આશાભર્યું સ્વપ્ન સેવ્યું છે તે સૌએ આ ગ્રંથત્રયી વાંચવી રહી. ૧૯૮૮

*