સ્વાધ્યાયલોક—૩/વાન રામોં યીમેનેઝની કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વાન રામોં યીમેનેઝની કવિતા

યીમેનેઝને ભારતવર્ષના આત્માનો પરિચય છે કારણ કે ભારતવર્ષનો આત્મા રવીન્દ્રનાથનાં કાવ્યોમાં પ્રગટ થયો છે અને એ કાવ્યોનો યીમેનેઝના સહકારથી એની પત્ની ઝેનોબીઆએ સ્પૅનિશમાં અનુવાદ કર્યો છે. અહીં આપણે યીમેનેઝની કવિતાનો અને એ દ્વારા આધુનિક સ્પેનના આત્માનો પરિચય કરીએ. એમ કરવાની આપણી ફરજ છે. યીમેનેઝને હમણાં નોબેલ પારિતોષિક મળ્યું છે માટે જ નહિ, યીમેનેઝે ભારતવર્ષના આત્માનો પરિચય કર્યો છે માટે જ નહિ; પણ આપણે આજકાલ એવા જગતમાં વસીએ છીએ કે આપણી ગરજે દેશેદેશની કવિતાનો અને એ દ્વારા દેશેદેશના આત્માનો પરિચય કર્યા વિના હવે આપણો છૂટકો નથી. રાજકારણના માણસો જ્યારે કહે છે કે જગત નાનું થતું આવે છે, જગત એક થતું આવે છે, જગત વધુ ને વધુ પાસે આવે છે ત્યારે આ લખનારને હસવું આવે છે અને વહેમ પણ આવે છે; અને પછી જ્યારે સાહિત્યકારોને મુખેથી એવું એવું સાંભળવા મળે છે ત્યારે જ વિશ્વાસ આવે છે, એ સાચું છે એમ માન્યામાં આવે છે. ટી. એસ. એલિયટ પછી નોબેલ પારિતોષિકનો કવિ વિજેતા સ્પેનનો વાન રામોં યીમેનેઝ હોય એમાં સંપૂર્ણ ઔચિત્ય છે. આ બન્ને ભિન્ન ભિન્ન પ્રદેશના અને પ્રકૃતિના કવિઓમાં એક સામ્ય છે. આ બન્ને કવિઓએ મનુષ્યની સભાનતાની સીમાઓનો વિસ્તાર કર્યો છે, એલિયટે આંતરદર્શન દ્વારા અને યીમેનેઝે બહિર્જગતના પદાર્થો અને પ્રતીકોની સહાયથી આત્માના આવિષ્કાર દ્વારા. આથી આ બન્ને કવિઓ એ માત્ર કોઈ એક ભાષાના કે પ્રદેશના કે પ્રજાના કવિઓ નથી પણ સમગ્ર માનવજાતના કવિઓ છે. યીમેનેઝનો જન્મ ૧૮૮૧માં એન્ડેલ્યુઝીઆના મોગેર (Moguer) નામના સમુદ્રતટ પરના ગામમાં થયો હતો. એના કાવ્યની પ્રત્યેક પંક્તિ એ એન્ડેલ્યુઝીઅન છે એમ પ્રતીતિ કરાવે છે. છતાં એ લાંબો સમય માદ્રિદમાં અથવા એની નિકટ રહ્યો છે અને અત્યારે અનેક સ્પૅનિશ કવિઓની જેમ સ્પેનની બહાર — અમેરિકામાં વસે છે. જો કે હમણાં જ સમાચાર આવ્યા છે કે એ હવે અનેક વર્ષોના સ્વેચ્છાપૂર્વકના દેશવટા પછી સ્વદેશમાં પાછો આવીને વસશે. સુખી અને સમૃદ્ધ કુટુંબમાં જન્મ્યો છે એટલે જન્મથી જ સ્વભાવે સહેજ જુદો છે. ઉપવનો, ચિત્રો, સંગીત અને એકાંત એને અતિ પ્રિય છે. ટૂંકમાં, સ્વભાવે એ સૌંદર્યોપાસક છે. આત્માની શાંતિ અને કામના કલાકોનું એણે કાળજીપૂર્વક અનેક અડચણો અને આડખીલીઓથી, અનેક જંજાળોથી — ખુદ જીવન નામની જટિલ જંજાળથી પણ — સતત રક્ષણ કર્યું છે. ૧૯૦૦ની સાલમાં જ્યારે માદ્રિદ ગયો ત્યારે ત્યાંના કવિજનોનો એને પરિચય હતો છતાં એમના સંસારથી એ અળગો જ રહ્યો. કવિતાથી પર અને પાર એનું અસ્તિત્વ જ નથી. એથી કાવ્ય એ જ એનું જીવન છે. એ આજીવન કવિતાલેખક છે. નવી રચના ન થાય ત્યારે પ્રગટ રચનાઓમાં પાઠાન્તર, પરિવર્તન, નિત્યનવીન સૌંદર્યનું સર્જન અને સંપૂર્ણતા માટેનો આગ્રહ એ એની લાક્ષણિકતા છે. નાજુક પ્રકૃતિનો આ માનવી આમ તો માંદગીને કારણે મંદ છે પણ એનો વાર્તાલાપ વિનોદ અને વક્રોકિતઓ તથા ક્યારેક તો નરી દુષ્ટતાથી દીપે છે, એનું સંવેદન સૂક્ષ્મ છે, એની દૃષ્ટિ તીક્ષ્ણ છે, એનો કાન ચપળ છે અને એના હસ્તાક્ષર સુંદર છે. સ્પેનના અનેક બુદ્ધિજીવીઓની જેમ યીમેનેઝ પણ આરંભથી જ ‘ઇન્સ્ટિટ્યૂસીઓં લીબ્ર દ એન્સેનાન્ઝા’ અને ‘રેસીદેન્સીઆ દ એસ્ટ્યુદીઆંત’ની અસરમાં આવ્યો. ૧૪ વર્ષની વયે એન્ડેલ્યુઝીઆ અને માદ્રિદનાં સામયિકોમાં કાવ્યોના પ્રકાશનથી એણે કવિજીવનનો આરંભ કર્યો. ત્યારે આધુનિકતા(modernismo)નું આંદોલન સ્પેનના સર્વ જીવનક્ષેત્રો — ધર્મ, સમાજ, વિજ્ઞાન, કળા અને સાહિત્ય–માં રોમેન્ટિસિઝમમાંથી મુક્તિ માટે પ્રતિકાર રૂપ હતું. આ પ્રબળ આંદોલનનો પ્રણેતા હતો આ શિક્ષણસંસ્થાઓનો સ્થાપક ડોન ફ્રાન્સિસ્કો ગીનેર દ લો રીઓ. એની દ્વારા સ્પેનમાં વિચાર અને ભાવની એક નવીન પ્રવૃત્તિનો પ્રારંભ થયો. યીમેનેઝ અને માકાડો બન્ને કવિઓ ૨૦મી સદીના રુબેન ડારીઓની સ્પૅનિશ કવિતામાંના ફ્રેંચસ્વરૂપ અને આ શિક્ષણસંસ્થાઓની સરજત યુનેમ્યુનોની કવિતામાંના વસ્તુ અને વિચાર તથા ૧૯મી સદીના સ્પૅનિશ કવિ બેકેરની કાવ્યભાવનાથી પ્રભાવિત હતા. પાછળથી યીમેનેઝ ૧૯૨૦ પછી પ્રાચીન સ્પૅનિશ કવિતાના પુનરુત્થાનને પરિણામે ૧૬મી સદીના સ્પૅનિશ કવિઓ ગોન્ગોરા અને ગાર્સીલાસોના રનેસાંસપ્રેરિત માનવપ્રેમથી પણ પ્રભાવિત હતો. આ બન્ને કવિઓની આરંભની કવિતામાં ડારીઓના કાવ્યસ્વરૂપ અને યુનેમ્યુનોના કાવ્યવસ્તુનો સમન્વય થયો અને એમાંથી એમની અને એમના સમકાલીનોની સમગ્ર કાવ્યપ્રવૃત્તિનો વિકાસ થયો. યીમેનેઝના કવિજીવનના પહેલા સ્તબક (૧૮૯૫ — ૧૯૦૭)માં પ્રકૃતિનાં પ્રતીકો દ્વારા કવિની મનોદશા પ્રગટ થાય છે. એમાં એન્ડેલ્યુઝીઆનાં ઉપવનો અને એની લીલી જાજમો પર રેલાતા ચંદ્રના રૂપેરી રસનું પ્રાધાન્ય છે. એમાં પાનખરના પ્રારંભની મંદતાનું અને મધુર વ્યથાનું વાતાવરણ છે. પાછળથી સ્પૅનિશ કવિઓને પ્રિય થઈ પડનારા હરિત રંગની તો અહીં રેલમછેલ છે:

‘હરિત હતી એ મુગ્ધા, હરિત, હરિત !
હરિત નયન, વળી હરિત કેશ !’
                (‘લા વર્દેસીલા’–હરિત)

વળી એવું જ બીજું તત્ત્વ છે ઇન્દ્રિયરાગી ચિત્તસંસ્કારવાદ (Impressionism):

‘મેં વારિ ને પુષ્પની યષ્ટિકાથી
મારી પ્રિયાને, કરતી જવા જયાં !’
          (‘લા કાસ્તીગાદા’ — ફ્રાન્સીનાનો બાગ)

એના કાવ્યવસ્તુમાં વર્લેનની અને ક્યારેક લાફોર્ગની અસરો સ્પષ્ટ છે. પણ એમાં આ સિમ્બોલિસ્ટ (પ્રતીકવાદી) કવિઓના લય અને છંદનો નહિ પણ સ્પૅનિશ લોકકવિતા, બેલાડ્ઝના આઠ માત્રાના પરંપરાગત છંદમાં વિવિધ લયભંગીઓ અને સ્વરભારનો એણે કુશલ કલાત્મક ઉપયોગ કર્યો છે. સરળતા, સ્વાભાવિકતા અને સંપૂર્ણતા એનાં પ્રધાન લક્ષણો છે. યીમેનેઝે એના કવિજીવનના બીજા સ્તબક(૧૯૦૭ — ૧૯૧૭)માં લઘુક લયને સ્થાને રુબેન દારીઓના વિશિષ્ટ આલેક્ઝાંદ્રિનનો પ્રલંબ લય યોજ્યો. એની કવિતામાં સંકુલતા પ્રવેશી અને એનું કાવ્યવસ્તુ કરુણપ્રશસ્તિનું હતું એથી રુબેન ડારીઓ પોતાના પ્રદેશ વિશે પ્રયત્ન છતાં જે સિદ્ધ ન કરી શક્યો તે યીમેનેઝે આ કાવ્યોમાં એના એ જ લયમાં સિદ્ધ કર્યું. ‘દક્ષિણનો સમુદ્ર’ (‘માર દેલ સુર’) કાવ્યમાં દક્ષિણ સ્પેનનાં તાપ અને તેજ સજીવ બન્યાં છે. એનો તાપ આપણને કઠે છે અને એનું તેજ આપણી આંખોને આંજે છે:

‘ઘેરી ભૂરી મધ્યાહ્નનિદ્રાની ધખેલી આ અલસતામાં
સળગતો સૂર્યમાં કેવો બગીચો ! વાસ પ્રજળ્યાં કૈં ગુલાબોની !
ઊછળતી સ્થિર ને પત્રોસહિતના પુષ્પહારોની વચે ભરતી,
હજારો હોય હીરા તેજલીંપ્યા આ તરંગોમાં ઝળકતા !

પીતવર્ણા ઘુમ્મટો ને કૈં મિનારા દૂર સળગે
અબ્ધિતટના સ્વપ્નવીંટ્યા શહેરમાં.
લપકે, હસે, પલકે ક્ષણિક છાયા
તહીં ઘરછાપરે નેવાં, દીવાલો, કાચબારીની !

ઘડેલા રૌપ્યના પંખા ખૂલે જલને વિશે,
ઊંડાણમાં, જ્યાં સ્તબ્ધ પલ્લવપુંજ લીલી નીંદમાં;
ને શાંતિ આ સૂમસામ એમાં નાવડી સરતી
ધવલ ને સઢફૂલી, આ અગ્નિજ્વાલાના ખડક વચ્ચે.’

‘શિશિર દૃશ્ય: હિમ’ (‘એસ્તામ્પા દ ઇન્વીએર્નો’) અને ‘દ્વીપ’- (‘ઇસ્લા’)માં એક અણસારામાં, ઈષત્ ઈશારા માત્રથી, સૂચનની સહાયથી ધ્વનિ રૂપે વર્ણન કર્યું છે પણ યીમેનેઝે એની પ્રારંભની કવિતામાં પ્રદેશો અને પદાર્થોનું કાવ્ય લાઘવથી નહિ; સંયમ, સંક્ષેપ અને સાદગીથી નહિ પણ સમૃદ્ધ અને અલંકારયુક્ત વીગતપૂર્ણ શૈલીમાં અને ચૂંટેલા કાવ્યમય શબ્દોમાં કર્યું છે. ‘ગ્રામદેવળ’ (‘કેતેદ્રાલ દ પ્યુબ્લો’)માં દક્ષિણના ગ્રામપ્રદેશમાં ઘઉંનાં ખેતરોની વચ્ચે નદી અને બાગની નિકટ ઊભેલા એક દેવળનું આબેહૂબ ચિત્ર આપણાં ચક્ષુ સમક્ષ સજીવ ખડું થાય છે એટલું જ નહિ પણ ગ્રીષ્મઋતુનું એની આસપાસનું વાતાવરણ પણ જીવંત બને છે; એટલી વિગતો અને એટલા અલંકારો એમાં છે. આરંભનાં કાવ્યોમાંના કરુણનો છેદ એણે કટાક્ષથી ઉડાવ્યો છે અને તે પણ કરુણરસનાં કાવ્યોના જ છંદોલયમાં. દેવળમાં સંગીતનું શિક્ષણ આપતી સાધ્વીની મીઠી મશ્કરી કરતાં અને સંગીતની બૅન્ક જેવા દેવળમાંની ધાર્મિક વૃદ્ધાની મુક્ત મઝાક કરતાં કાવ્યો એણે રચ્યાં, જેને એણે ‘અવળવાણી’ (‘પોએઝીઆ અલ રેવ’) કહી. આ યીમેનેઝનાં ઉપેક્ષિત કાવ્યો છે. પણ એમાં એના વ્યક્તિત્વનું વિશિષ્ટ સ્વરૂપ પ્રગટ થાય છે એનું એના વાચકોને સતત સ્મરણ થવું જરૂરી છે. યીમેનેઝે પદાર્થોનાં વર્ણન, અનુકરણ અથવા અભિવ્યક્તિ દ્વારા એમના અસ્તિત્વના આકારમાંથી અંતે પદાર્થો નહિ પણ એમની પર પથરાતા પ્રકાશને કાવ્યનો વિષય બનાવ્યો. પદાર્થોનું નહિ પણ એમને અજવાળતા પ્રકાશનું આલેખન એ ચિત્રકારનો સર્જનવ્યાપાર છે, અને યીમેનેઝે એક વાર ચિત્રકાર થવાનું સ્વપ્ન પણ સેવ્યું હતું. ‘અંતિમ પ્રકાશ’ (‘લુઝ અલ્તીમા’)માં ચિત્રશૈલી અને પંક્તિઓની લોલવિલોલ ગતિનું અદ્ભુત મિશ્રણ છે. આ કાવ્યમાં કદાચ કૃત્રિમતા લાગે પણ ‘આત્માની અસિ’ (‘લા એસ્પાદા’)માં તો સાચું કાવ્ય જ છે, સાચું દર્શન જ છે. આ સમયનું યીમેનેઝનું સર્વશ્રેષ્ઠ સર્જન તો એની ‘આધ્યાત્મિક સૉનેટો’ (‘સૉનેટો એસ્પિરિત્યુઆલ’) છે. એમાં એણે ૧૬મી સદીના સઘન સૉનેટસ્વરૂપનું અથવા તો ૧૭મી સદીના સૉનેટસ્વરૂપનું એની સંકુલતા વિના અને સરળતા સાથે અથવા તો ૧૯મી સદીના સૉનેટસ્વરૂપનું એની વાગ્મિતા વિના અને નવી સાદગી સાથે પુનર્જીવન કર્યું છે. ‘શૂન્યતા’ (‘નાદા’), ‘પોતાના આત્માને કવિનું સંબોધન’ (‘આ મી આલ્મા’) વગેરે સૉનેટો હીડેગર (Heidegger) અને સાર્ત્ર (Sartre)ની આધુનિક યુગની ફૅશનેબલ ફિલસૂફી ‘અસ્તિત્વવાદ’ (existentialism)ની અપેક્ષા કરે છે. યીમેનેઝ અને સ્પૅનિશ પ્રજામાં તો આ મનોદશા આરંભથી જ સહજ અને સ્વાભાવિક છે. અસ્તિત્વવાદ સ્પેનમાં સ્વભાવગત છે, જન્મજાત છે. અરબ સંસ્કૃતિની અસર, યુરોપની ખ્રિસ્તી સત્તાનો સિતમ, અંધાધૂંધી અને આંતરવિગ્રહ, ભૂંડાભૂખ ડુંગરા અને ભૂખરી ભોમ, ભૂખમરાની ભૂતાવળો વગેરેને કારણે સૈકાઓથી સ્પેન સૂમસામ સૂતું છે, એમાં શૂન્યતા છે, અન્ય કૈં જ નથી; છે એક માત્ર અસ્તિત્વ. યુનામ્યુનોમાં આ શૂન્યતાનો, અભાવનો ભાવ તીવ્ર છે. માકાડોમાં પાછળથી પ્રગટ્યો, યીમેનેઝમાં તો પહેલેથી જ હતો. એનું ઉત્તમ ઉદાહરણ:

‘દિનેદિન સુરક્ષતો સતત આમ શાખા તું તો !
કદાચ પ્રગટે ગુલાબ ! બહુ આશ ! તું તત્પર
દિનેદિન રહે ! ધરે શ્રવણ દેહના દ્વાર પે,
કદાચ અણચિંતવ્યું શબદબાણ છૂટેય તે !

તરંગ ન વિચારનો કદિ વહે અનસ્તિત્વથી
લહે જ નહિ તાહરી સતત મુક્ત છાયા થકી
વિશાલ ઝબકાર; રાતભર જાગતો તું રહે
સદા નિજ ગ્રહે, ચહે જીવનનું જ અસ્તિત્વ તું !

અમર્ત્ય નિજ મૂકતો અસર સર્વ વસ્તુ વિશે,
પછી અ–ધરલોકમાં ઝલક રૂપ તું ધારતો,
ફરી અસરયુક્ત વસ્તુ સરવે વિશે જન્મતો.

ગુલાબ તુજ, શી થશે સહુ ગુલાબની આકૃતિ !
વિચાર તુજ, તેજની; શ્રવણ, સર્વ સંવાદની;
સજાગ સહુ ધારશે ઉડુગણોય તારી સ્થિતિ !’
     (‘આ મી આલ્મા’ — પોતાના આત્માને કવિનું સંબોધન)

યીમેનેઝની કવિતા જ્યારે પંખીઓના સ્વરો, ગુલાબની સુગંધ અને વિવિધ રંગોથી વિપુલ પ્રમાણમાં વિભૂષિત હતી અને એમાં જ્યારે રૂપકો, ઉપમાઓ, વિશેષણો, પ્રતીકો અને છંદોમાં કાવ્યશક્તિ મંદ હતી ત્યારે સંપૂર્ણતા માટેના એના પૂરા પ્રયત્નો છતાં એમાં ક્લાંતિ વરતાતી હતી, ત્યારે જ આ સૉનેટોનું સર્જન થયું એ એક મોટું આશ્ચર્ય જ નહિ, આશ્વાસન પણ છે. આ જ સમયે ૧૯૧૪માં યીમેનેઝે ‘પ્લેટેરો અને હું’ (‘પ્લેટેરો ઇ યો’) એની જગપ્રસિદ્ધ પદ્યમય ગદ્યકૃતિ પણ રચી. આ ગદ્યકૃતિ સરવેન્ટીસની ‘ડોન કીહોટી’ની પરંપરામાં છે. કારણ કે યંત્રવાહનના યુગ પૂર્વે દક્ષિણ સ્પેનમાં ગર્દભસવારી કરતી સ્પૅનિશ પ્રજા આબેહૂબ સાન્કો પાન્ઝા જેવી લાગતી હતી. આમ તો આ ગદ્યકૃતિનો વિષય છે કવિ અને એનું રૂપેરી ખોલકું પણ વાસ્તવમાં એન્ડેલ્યુઝીઆના સમુદ્રતટ પરના સૂરજના શ્વેતપ્રકાશમાં સળગતા કવિના જન્મસ્થાનની સમગ્ર પ્રજા એનો વિષય છે. આ જ સમયે યીમેનેઝે યેટ્સ, એ. ઈ. અને બ્લેઇકનું વાચન કર્યું (બ્લેઇકના ‘ટાઇગર’નો અનુવાદ કર્યો), વળી સીન્ગના ‘રાઇડર્સ ટુ ધ સી’નો અને રવીન્દ્રનાથનાં કાવ્યોનો (પત્ની ઝેનોબીઆ સાથે) અનુવાદ કર્યો. આ વાચન અને અનુવાદના અનુભવની કોઈ અસર એની કવિતા પર ન પડી. પણ એણે પ્રવાહી છંદના પ્રયોગોનો પ્રારંભ કર્યો. આ પ્રવાહી છંદ એટલે ‘ફ્રી વર્સ’ નહિ પણ કોઈ ને કોઈ પરંપરાગત સ્પૅનિશ છંદની ભિન્ન ભિન્ન માપની પંક્તિઓનો સમુચ્ચય. એણે પ્રાસ અને સમપ્રમાણ શ્લોકનો ત્યાગ કર્યો. અને આઠ સદીથી સ્પૅનિશ કવિઓને પ્રિય એવા અનુરણન(assonance)નો અને વિષમપ્રમાણ શ્લોકનો પ્રયોગ કર્યો. યીમેનેઝના કવિજીવનમાં આ ક્રાન્તિકારી પરિવર્તન છે. યેટ્સમાં પણ આવું જ પરિવર્તન થયું હતું જે એણે ‘એ કોટ’ કાવ્યમાં નોંધ્યું છે. યીમેનેઝે કવિતાના નર્યા અર્ક સિવાયનું સઘળું ત્યજી દીધું. આ પરિવર્તનનું સંપૂર્ણ બ્યાન એણે શીર્ષક વિનાના એક કાવ્યમાં કર્યું છે:

‘પ્હેલ્લી મળી’તી જદિ મુગ્ધબાલા
નિર્દોષતામાં જ સુસજ્જ એ હતી,
અને હતી મેં શિશુ જેમ ચાહી.
પછી ધર્યા શાં, ભગવાન જાણે,
આભૂષણો કલ્પનના તરંગે,
મેં ધિક્ કહ્યું; કેમ ? ન હુંય જાણું !
સમૃદ્ધિમાં ગૌરવપૂર્ણ રાજતી
રાજ્ઞી સમીયે કદી તો થઈ હતી…
શું ઝેર ને શી કટુતા ! શી મૂર્ખતા !
અને પછી વસ્ત્ર થઈ ફગાવતી
ત્યારે જ સામું હસતો થયો હું.
ને સત્વરે આ પરિવર્તનોમાં
નિર્દોષતા પૂર્વ તણી ફરી ધરી,
શ્રદ્ધાય થૈ સ્થાપિત ત્યાં પુનશ્ચ !
પછી સર્યું જ્યાં પટ એટલુંયે
ચક્ષુ સમીપે પ્રગટી જ નગ્ન…
હે મુગ્ધ મારી કવિતા ! ભવોર્મિ !
તું નગ્ન ને તું મુજની સદાની !’

યીમેનેઝના કવિજીવનના ત્રીજા સ્તબક(૧૯૧૭થી આજ લગી)માં એની કવિતાની સાથોસાથ જ એના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તનો થયાં. એ પ્રેમમાં પડ્યો, પ્રિયતમા ન્યૂ યૉર્ક ગઈ તો એ પાછળ પાછળ ન્યૂ યૉર્ક ગયો. ત્યાં સંવનન કર્યું, પ્રેમ સંપાદન કર્યો અને લગ્નનો વિધિ પતાવીને પત્ની સાથે સ્પેન પાછો આવ્યો. આ પ્રણય અને પરિણયની કથા એણે ‘કવિની વાસરી’ (‘દીઆરીઓ દ અં પોએતા રેસીઆં કાસાદો’)માં આલેખી છે. આ અમેરિકા પ્રવાસની કોઈ તીવ્ર અનુભૂતિ યીમેનેઝને ન થઈ, તો લોર્કાની જેમ ન્યૂ યૉર્કથી એણે આઘાત પણ ન અનુભવ્યો. ન્યૂ યૉર્કે અન્ય કવિઓની જેમ યીમેનેઝ પર, એની કલ્પના ને સર્જકતા પર કે સંવેદન પર કોઈ કામણ ન કર્યું, કોઈ કીમિયો ન કર્યો. પણ એની એક શ્રેષ્ઠ કૃતિની પ્રેરણા તો એણે અવશ્ય એમાંથી પીધી અને તે કૃતિ એટલે માકાડોને અર્પણ કર્યું તે કાવ્ય ‘નિશીથ’ (‘નોક્તર્નો’). સાગરપેટા ન્યૂ યૉર્કના બારા પર જે કાવ્ય કર્યું — ‘ધૂમ્ર અને સુવર્ણ’ (‘હ્યુમો ઇ ઓરો’) — તે એણે સંગીતકાર મિત્ર અને એની પત્ની આંરીક અને આમ્પારો ગ્રાનાદોને અર્પણ કર્યું. સ્વદેશાગમન સમયે ઍટલેન્ટિકના ઉલ્લંઘનનો અનુભવ એના હાડમાં એવો તો વ્યાપી ગયો કે ‘કવિની વાસરી’ એ રીતે ગદ્યપદ્યમાં સમુદ્રનું જ કાવ્ય છે. ૧૯૧૬ના જૂનની ૬ઠ્ઠીની રાતે એણે ‘સલામ અમેરિકા’ (‘રેમોર્દીમીઆન્તો’ — વ્યથા) કાવ્ય કર્યું અને સમુદ્રયાત્રામાં બે વિશિષ્ટ — સંકુલ અને સમસ્યા રૂપ — કાવ્યો રચ્યાં: ‘વક્રતા’ (‘કોવેકસીદાદ’) અને ‘સમુદ્રનું ગુલાબ’ (‘રોઝા દેલ માર’). જૂનની ૧૫મીએ એણે અત્યાર લગીનું એનું લાંબામાં લાંબું (૪૬ પંક્તિનું) અને સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી કાવ્ય ‘વિદાય’ (‘પાર્તીદા’) રચ્યું. જેનું એણે પછીથી માદ્રિદમાં સુંદર રેકોર્ડિંગ પણ કરાવ્યું. આ પછી એણે લઘુ કૃતિઓના અનેક સંગ્રહો પ્રકટ કર્યા. પણ હવે પ્રશ્ન એ હતો કે હવે પછી એની કવિતાનો ભવિષ્યનો કાર્યક્રમ શો ? ‘કેવળ કવિતા’ (pure poetry) તો નહિ જ. ફ્રાન્સમાં એ પ્રકારની કવિતા અવળે પંથે પડી ગઈ હતી. કવિતા એ ચિત્તની એક અવસ્થા, મનોદશા (state of mind) છે. એથી કવિતા એટલે કેવળ કવિતા નહિ પણ કવિતા એટલે સંપૂર્ણ સ્પષ્ટ વિચારની અભિવ્યક્તિને અનુરૂપ સ્પષ્ટ શબ્દોની શોધ. હવે પછી યીમેનેઝની કવિતાના વિષયો છે સમુદ્ર અને સર્જકપ્રેરણા. ૧૯૧૭માં સર્વસંગ્રહની મર્યાદિત આવૃત્તિ ‘હીસ્પાનીક સોસાયટી ઑફ અમેરિકા’ તરફથી પ્રગટ થઈ અને ૧૯૨૨માં માદ્રિદમાં એની સુધારેલી-વધારેલી આવૃત્તિ પ્રગટ થઈ. સમકાલીન કવિતાનાં વહેણો અને વલણોથી પોતે પૂરો વાકેફ છે એમ પુરવાર કરતાં બે સંગ્રહો યીમેનેઝે ૧૯૨૪માં પ્રગટ કર્યા: ‘પોએઝીઆ (આં વેર્સો)’ અને ‘બેલ્લેઝા’. બધી જ વયનાં બાળકો માટેનો સંગ્રહ ‘પોએઝીઆ ઇ પ્રોઝા’ ૧૯૩૪માં પ્રગટ થયો. ૧૯૩૬ લગી સતત મર્યાદિત આવૃત્તિઓ અને અન્ય અંગત પ્રકાશનો પ્રગટ થયાં. ૧૯૩૬માં ‘કાન્સીઓં’માં નવાં અને સુધારેલાં જૂનાં કાવ્યો પ્રગટ થયાં; છેકભૂસની આ પ્રવૃત્તિથી વાચકોને અને વિવેચકોને યીમેનેઝે વારંવાર આશ્ચર્ય અને આઘાતના અનુભવો કરાવ્યા છે. ૧૯૩૬માં આંતરવિગ્રહ સમયે યીમેનેઝ માદ્રિદમાં જ રહ્યો અને સ્પૅનિશ પ્રજાને જે જે પ્રકારે ઉપયોગી અને આશ્વાસક થવાય તે તે સર્વ પ્રકારે ઉપયોગી અને આશ્વાસક થવા તત્પર રહ્યો. શેરીઓમાં શિહરાતાં બેઘર બાળકોને પોતાના ઘરમાં એકઠાં કરીને એમની આગળ કૈંક ને કૈંક વાંચીને એમને આનંદ આપ્યો અને જ્યારે બિનજરૂરી અને નકામા નાગરિકોને ન છૂટકે સ્પેન છોડવાનો સમય આવ્યો ત્યારે યીમેનેઝે માતૃભૂમિમાંથી વિદાય લીધી અને અમેરિકામાં આવીને એ વસ્યો, પહેલા હવાનામાં અને પછી ફ્લોરિડામાં. આ સ્વેચ્છાએ દેશત્યાગ કર્યો ત્યારે એની કેટલીક કૃતિઓ ખોવાઈ ગઈ અને કેટલીકની હસ્તપ્રતો ચોરાઈ ગઈ. ૧૯૪૪માં બુએનોસ એરિસમાં સર્વસંગ્રહની પુનરાવૃત્તિ પ્રગટ થઈ. ૧૯૪૬માં ‘લા એસ્તાસીઓં તોતાલ કોં લા કાન્સીઓં દ લા નુવા લુઝ’ નામે નવો સંગ્રહ પ્રગટ થયો. ૧૯૨૪થી યીમેનેઝ પ્રેરણાનો કોઈ નવો જ પ્રદેશ શોધતો હતો અને તે પ્રદેશ એટલે બેધ્યાન અને બેખબર મનુષ્યને માટેના અનાયાસ અને અલસ સૌંદર્યનો પ્રદેશ. એનો પરિચય ‘પ્રાચીર બહારનું પ્રભાત’ (‘ઓરોરા દ ત્રાસમુરો’), ‘શાંતિ’ (‘લા પાઝ’), ‘પડછાયાનું ગુલાબ’ (‘રોઝા દ સોમ્બ્રા’)માં થાય છે, અને સૌથી વિશેષ તો આ સૌંદર્ય અને પ્રેરણાનો પ્રદેશ પ્રગટ થાય છે ‘પેક્તો’ નામના કાવ્યયુગ્મમાં. આ બે કાવ્યો યીમેનેઝની મૌલિક અવનવીન સર્જકપ્રતિભાના પ્રતીક સમાં છે. આ કાવ્યો અવારનવાર અનેક કાવ્યસંચયોમાં પ્રગટ થયાં હતાં પણ યીમેનેઝે ૧૯૪૬માં જ પ્રથમ વાર સંગ્રહમાં સામેલ કર્યાં. યીમેનેઝની ગદ્યકૃતિ ‘પ્લાતેરો ઇ યો’ અત્યંત લોકપ્રિય અને જગપ્રસિદ્ધ છે. ૧૯૪૨માં બુએનોસ એરીસમાં સ્પૅનિશ ભાષાનું અપૂર્વ ગદ્ય પ્રગટ થયું: ‘એસ્પાનોલ દ ત્રે મુન્દો’, જેમાં પ્રસિદ્ધ સ્પેનીશ પુરુષો — ગીનેર, કોસીઓ વગેરેનાં ચિરસ્મરણીય રેખાચિત્રો છે. એન્ડેલ્યુઝીઆનો આ એકાન્તપ્રિય કવિ સ્વેચ્છાએ માદ્રિદમાં લગભગ પચીસ વર્ષ વસ્યો, એના રાજમાર્ગોનો કોલાહલ કાને ધર્યો. ત્યાં રેસીદેન્સીઆની કૉલેજો વચ્ચેના બાગબગીચાનું જ નહિ પણ આ સદીની સ્પૅનિશ કવિતાનું પણ સર્જન અને સંવર્ધન કર્યું. યીમેનેઝનું અને એના યુગનું સ્પેન મૃત્યુ પામ્યું છે પણ એની કવિતા સદાય જીવશે. માદ્રિદનો વાહનવ્યવહાર જોઈને એ કકળી ઊઠ્યો હતો: ‘આ ઘેટાનાં ટોળાં !’ એમાં ડૉન કીહોટીનો અને યુગયુગાન્તરનો કેસ્ટીલનો આત્મા જાણે કે અકળામણ અનુભવતો હતો છતાંય યીમેનેઝનો આત્મા એ કોઈ ભાગેડુનો ભીરુ આત્મા ન હતો. એક મહાનગરની વચમાં વર્ષો લગી વસીને એનું સૌંદર્ય, એનું કાવ્ય જાણી માણી શકે એવો એ એક સાહસપ્રિય કવિ છે. પદાર્થો, પ્રતીકો, લય (લઘુ, પ્રલંબ ને પ્રવાહી), લાઘવ, સરલતા, સંપૂર્ણતા, ચિત્રાત્મક નરી નક્કર વાસ્તવિકતા વગેરે તત્ત્વો દ્વારા કાવ્યમાં અત્યંત છટકણા સૂક્ષ્મ ભાવોને સહેજમાં છતા કરનાર, સર્જનથી કદી સંતોષ ન પામનાર સતત વિકાસશીલ, સૂક્ષ્મ સંવેદનશીલ અને સભાન એવો સાહસપ્રિય સર્જકકવિ છે. સંવેદને જે સર્જન કર્યું એને સમજવામાં અને સંપૂર્ણતાથી સાકાર કરવામાં એણે એની બુદ્ધિનો કસ કાઢ્યો છે અને સૂક્ષ્મ, સ્પષ્ટ અણિશુદ્ધ પંક્તિઓ આપી છે. એથી યીમેનેઝનો (અને કોઈ પણ કવિ નામને લાયક મનુષ્યનો) કવિ લેખે જો કોઈ સર્વશ્રેષ્ઠ ગુણ હોય તો તે એની બૌદ્ધિક પ્રામાણિકતા. યીમેનેઝનો કવિઆદર્શ, એની કાવ્યભાવના ‘ઇન્તેલીજેન્સીઆ’ કાવ્યમાં વ્યક્ત થાય છે:

‘હે પ્રેરણા-સૂઝ, મને તું આપ
સુયોગ્ય જે નામ બધી જ વસ્તુનું.
… જેથી બને આ મુજ શબ્દ સાચે
જાતે જ વસ્તુ —
મારે જ માટે મુજ આત્મસર્જી !’

૧૯૫૬


*