સ્વાધ્યાયલોક—૩/યોર્ઝ ઝીલેંની કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


યોર્ઝ ઝીલેંની કવિતા

૨૦મી સદીના બે મહાન સ્પૅનિશ કવિઓ વાન રામોં યીમેનેઝ અને ફેડરીકો ગાર્શીઆ લૉર્કા. એમાં યીમેનેઝ પુરોગામી ને લૉર્કા અનુગામી. યીમેનેઝનો જન્મ ૧૮૮૧માં ને લૉર્કાનો ૧૮૯૯માં. આ બન્ને કવિઓ સદ્ગત થયા છે. લૉર્કા ૧૯૩૬માં ને યીમેનેઝ ૧૯૫૮માં. સ્પેનના વિદ્યમાન કવિઓમાં એક મુખ્ય કવિ તે યોર્ઝ ઝીલેં (Jorge Guillen) છે. સ્પેનના આંતરવિગ્રહને કારણે ૧૯૩૮માં ઝીલેંએ સ્વેચ્છાએ દેશવટો લીધો ત્યારથી તે અમેરિકામાં વસે છે. અમેરિકન યુનિવર્સિટીઓમાં અધ્યાપન કાર્ય કરે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના આમંત્રણથી ૧૯૫૭–૫૮માં ઝીલેંએ સ્પૅનિશ કવિઓ પર ચાર્લ્સ એલિયટ નોર્ટન વ્યાખ્યાનો આપ્યાં તે હાર્વર્ડ યુનિવર્સિટીએ ૧૯૬૧માં‘Language and Poetry’ને નામે પ્રસિદ્ધ કર્યાં તેથી અને ૧૯૬૧ના સપ્ટેમ્બરમાં બેલ્જિયમમાં The International Poetry Prize of Brussels, Biennales Internationales de Poesie એને અર્પણ થયું તેથી હવે સ્પેનની બહાર અન્ય દેશોના કવિતારસિકોનું ધ્યાન ઝીલેંની કવિતા પર કેન્દ્રિત થયું છે. ચાર્લ્સ એલિયટ નોર્ટન વ્યાખ્યાનોમાં છેલ્લું એટલે કે છઠ્ઠું વ્યાખ્યાન છે ‘The Language of the Poem-One Genera-tion.’ આ પેઢી તે ૧૯૨૦થી ૧૯૩૬ના ગાળાના સ્પૅનિશ કવિઓની પેઢી. એટલે કે ઝીલેં પોતે જે પેઢીનો છે તે પેઢી. એ પેઢીના કવિઓની કવિતા વિશેની પોતાની સૂઝસમજ ઝીલેંએ સહૃદયતાપૂર્વક અને સંવેદનશીલતાપૂર્વક પ્રગટ કરી છે. આ સૂઝસમજની સહાયથી આ પેઢીના કવિઓની કવિતાના સૌંદર્યનો અને ઝીલેંની પોતાની કવિતાના સૌંદર્યનો સવિશેષ પરિચય પામી શકાય છે. ૧૯૨૫માં સ્પેનના બૌદ્ધિક જીવનના કેન્દ્ર સમા માદ્રિદમાં સ્પૅનિશ કવિતાના ઇતિહાસનો એક મહાન બનાવ બન્યો. ૧૮૯૧થી ૧૯૦૫ની વચ્ચે જેમનો જન્મ થયો છે તેવા Pedro Salinasથી માંડીને Manuel Altolaguirre લગીના સૌ મુખ્ય કવિઓનું મિલન થયું. આ કવિઓએ એક વિશિષ્ટ પ્રકારની કવિતાનું સર્જન કર્યું છે. અને ત્યારથી તેઓ સૌ પરસ્પરના નિકટના મિત્રો બની ગયા. આ કવિઓનો કોઈ વાદ કે વાડો નથી, એમનો કોઈ પંથ કે પ્રચાર નથી. પણ એમનામાં કવિતા વિશેની તાત્ત્વિક સમજનું સામ્ય છે. એમને નથી કશાનો પક્ષ કરવાનો કે નથી કશાનો પ્રતિકાર કરવાનો. સ્પૅનિશ કવિતાની સમગ્ર પરંપરાનો એમને આત્મીય પરિચય છે. સ્પેનના સંસ્કારવારસાથી તેઓ તીવ્રપણે સભાન છે. ભવિષ્યના મહાન અને મુક્ત સ્પેનનું સર્જન કરવાનું એમને સ્વપ્ન છે. એમાંના ઝીલેં સહિત ચાર કવિઓએ આ પરંપરાનો અને વારસાનો ઔપચારિક અભ્યાસ કર્યો-કરાવ્યો છે. તેઓ અધ્યાપકો છે. લૉર્કા એમનો પ્રતિનિધિ છે. પુરોગામી કવિ યીમેનેઝ એમનો કવિઆદર્શ છે. સ્પૅનિશ કવિતા ઉપરાંત મુખ્યત્વે બૉદલેરથી સર્રિયાલિઝમ લગીની ફ્રેંચ કવિતાનો એમને આત્મીય પરિચય છે. ઇંગ્લૅન્ડના The Criterion અને ફ્રાન્સના Nouvelle Revue Francaise જેવા જ સ્પેનના Or-tega y Gasset સંપાદિત Revista de Occidente સામયિકમાં એમની કવિતાનું મુખ્યત્વે પ્રકાશન થયું છે. કવિતાને આ કવિઓ એકસાથે રહસ્યમય સર્જન અને સભાન કળા સમજે છે. એમની કવિતાને આત્મા અને દેહ બન્ને છે. એથી જ સમકાલીન ફ્રેંચ કવિતામાં Pure Poetryને નામે જે ગ્રંથગરબડ થઈ અને Surrealismને નામે જે અગડંબગડં ચાલ્યું એમાંથી આ સ્પૅનિશ કવિતા મુક્ત છે. આ કવિતામાં ૧૯મી સદીની કવિતામાં છે તેવો ઊભરો કે ઉદ્રેક, આવેગ કે આવેશ નથી. ૨૦મી સદીની કવિતામાં છે તેવી અરાજકતા કે અંધાધૂંધી નથી. એમાં સંયમ છે અને એથી જ સઘનતા અને તીવ્રતા છે. એમાં વાસ્તવિકતા (realism) નથી, વાસ્તવ (reality) છે. લાગણીવેડા નથી, લાગણી છે. ઊર્મિલતા નથી, ઊર્મિ છે. એમાં બુદ્ધિનો અને હૃદયનો બન્નેનો ઉપયોગ થયો છે. એમાં વિચાર છે અને સંગીત છે એટલે કે સંગીતમય વિચાર છે અથવા વિચારમય સંગીત છે. એમાં છંદનું અને લયનું વૈવિધ્ય અને વૈચિત્ર્ય છે. એમાં કોઈ અકાવ્યમય તત્ત્વનો પુરસ્કાર નથી તો કોઈ કાવ્યમય તત્ત્વનો તિરસ્કાર નથી. એની સામે અણસમજ અથવા ગેરસમજને કારણે દુર્બોધતા અને શુષ્કતાનો આક્ષેપ થયો છે. આ કવિતા કોઈ પણ સાચી કવિતા જેટલી સરલ અથવા તો સંકુલ હોય એટલી સરલ અને સંકુલ છે. આ કવિઓનો પરમ પુરુષાર્થ કાવ્ય સિદ્ધ કરવાનો છે. તેઓ કાવ્યને એક સ્વયંપર્યાપ્ત અને સ્વયંસિદ્ધ વિશ્વ સમજે છે. એથી એમણે કોઈ ધાર્મિક, સામાજિક કે રાજકીય પંથની દીક્ષા લીધી નથી, કોઈ પક્ષની કંઠી બાંધી નથી. તો એમણે કવિતા શું એની વ્યાખ્યા પણ બાંધી નથી, એનું શાસ્ત્ર રચ્યું નથી, એનો સિદ્ધાંત સ્થાપ્યો નથી. કવિતા વિશે સંવાદો અને આત્મસંભાષણો કર્યાં છે. એમને પૂછવામાં આવે કે તમે કયા પ્રકારની કવિતા કરો છો તો તેઓ તરત કહે કે કવિતાના પ્રકારની. એમને પૂછવામાં આવે કે તમે કઈ રીતે કાવ્ય સિદ્ધ કરો છો તો તેઓ તરત કહે કે જે કોઈ રીતે કાવ્ય સિદ્ધ થાય તે રીતે. એમણે જીવન, મૃત્યુ, પ્રેમ અને પ્રકૃતિ વિશે કાવ્યો કર્યાં છે, પરમેશ્વર વિશે પરમેશ્વરની જેમ જ મૌન સેવ્યું છે. તેઓ એકમેકના પડઘા પાડતા નથી. પ્રત્યેકને પોતાનો આગવો અવાજ છે. વાતચીતમાં તેઓની વાણી એકસરખી હોય છે પણ જે ક્ષણે તેઓ સત્ય અને સૌંદર્યનો સાક્ષાત્કાર કરવા કોરા કાગળની સમક્ષ સમાધિ ધરે છે ત્યારે પ્રત્યેકની વાણી મૌલિક હોય છે. એમની શોધ છે સાચા અને સુંદર શબ્દ માટેની. સમકાલીન કવિમિત્રોની કવિતા વિશેની ઝીલેંની આ સૂઝસમજની સહાયથી ઝીલેંના કવિમિત્રોની કવિતાના જ સૌંદર્યનો નહિ પણ ઝીલેંની પોતાની કવિતાના સૌંદર્યનો પણ સવિશેષ પરિચય પામી શકાય છે. ૧૮૯૩માં વાલ્લાદોલીદમાં જન્મ પામનાર અને ૧૯૧૭થી આજ લગી ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, સ્પેન અને અમેરિકાની યુનિવર્સિટીઓમાં સ્પૅનિશ સાહિત્યનું અધ્યાપન કરનાર આ કવિના એકમાત્ર કાવ્યસંગ્રહ Cantiloનું પ્રથમ પ્રકાશન ૧૯૨૮માં માદ્રિદમાં થયું ત્યારે તેમાં ૭૫ કાવ્યો હતાં. ત્યાર પછી ૧૯૩૬, ૧૯૪૫ અને ૧૯૫૦માં એની સંવર્ધિત આવૃત્તિઓનું પ્રકાશન થયું એમાં બુએનોસ એરિસમાં પ્રકાશિત અંતિમ આવૃત્તિમાં ૩૩૪ કાવ્યો છે. આ છે ઝીલેંનું આજ લગીનું સમગ્ર કાવ્યસર્જન. Cantiloની કવિતામાં જે સરલતા છે તે કોઈ પણ સાચી કવિતામાં હોય છે તેવી ભ્રામક સરલતા છે. આ કવિતા સંકુલ છે. છતાં સ્પષ્ટ છે. કવિ વિશ્વની વિચિત્ર વિવિધતામાં એકતાનું દર્શન કરે છે. બાહ્યજગત અને આંતરજગત વચ્ચે સંવાદિતાનું દર્શન કરે છે. અને આ દર્શન અનુરૂપ આકારમાં અને અવાજમાં પ્રગટ કરે છે. એમાં સંયમ અને સ્વસ્થતા છે, સૌંદર્ય છે, હીરાના જેવું શાંતશીતલ તેજ છે. પણ આપણા જગતના અને આપણા જીવનના સંદર્ભમાં ઝીલેંની કવિતાની વિશિષ્ટ મહાનતા હોય તો તે ઝીલેંની અસ્તિત્વ પ્રત્યેની શ્રદ્ધાને કારણે. એની કવિતામાં જગતની અદ્ભુતતા પ્રત્યે આશ્ચર્ય અને જીવનની અદ્વિતીયતા પ્રત્યે આનંદ પ્રગટ થાય છે. ઝીલેં બે વિશ્વયુદ્ધના યુગનો કવિ છે અને સ્પૅનિશ કવિ હોવાથી બે વિશ્વયુદ્ધની વચ્ચે એક વધુ યુદ્ધનો અને એને કારણે સ્વેચ્છાએ દેશવટાનો અનુભવ કરનાર કવિ છે. એટલે તો ઝીલેં કહે છે, ‘My certainty is founded in the dark’ (મારી શ્રદ્ધા અંધકારમાંથી ઊગી છે). એને અંધકારનો અનુભવ છે. પણ એ અંધકાર આપણે અનુભવીએ છીએ અથવા તો આપણા યુગના નિર્વેદના અને નિરાશાના પયગંબરોએ ભાખ્યો છે તે અંધકાર નહિ. એનો અંધકાર એ પ્રકાશની આશા વિહોણો અંધકાર નથી. કારણ કે એ કહે છે, ‘That strong unknown thing by night will break through whatever seals it and from the deep abyss draw up those first splendours that are still so far from death’ (એ પ્રબલ અજ્ઞાત વસ્તુ રાત્રિ દરમ્યાન બધા જ વજ્રબંધો છેદીભેદીને પ્રગટશે અને હજુ જે મૃત્યુથી અતીવ દૂર છે એવા પ્રથમ પ્રકાશના વૈભવને ઊંડી ગર્તામાંથી બહાર આણશે). એ પ્રકાશના ગર્ભરૂપ અંધકાર છે. ઝીલેંનો અંધકાર એ તો જે અંધકારમાંથી મનુષ્ય જન્મે છે, જાગૃત થાય છે અને પ્રકાશ પામે છે તે અંધકાર છે. એ અંધકારમાંથી જન્મ, જાગૃતિ અને પ્રકાશ પામીને મનુષ્ય ગાઈ ઊઠે છે:

I, here, now,
Wide awake, existing here and now,
Once again, marvelous adjustment.’

હું, અહીં, અત્યારે,
પૂર્ણ જાગૃત, અહીં અત્યારે અસ્તિત્વ ધરાવતો,
પુનરપિ, અદ્ભુત વ્યવસ્થા.

એ પ્રકાશ પામીને તો મનુષ્ય આ જગતની અદ્ભુતતા પ્રત્યે આશ્ચર્ય અને જીવનની અદ્વિતીયતા પ્રત્યે આનંદ અનુભવે છે. ‘Ecstasy of Bliss’ (આનંદની સમાધિ) નામના કાવ્યને અંતે કવિ કહે છે:

‘More, more and yet more !
Towards the sun, in swift flight,
The fulness makes its escape,
Now I am only song !’

વધુ, વધુ અને વળી વધુ !
સૂર્યની પ્રતિ, ત્વરિત્ ગતિ,
પૂર્ણતા સરી રહી !
હવે હું માત્ર ગીત !

અને ‘Ardor’ (ઉત્સાહ) નામના કાવ્યને અંતે કવિ કહે છે:

                  ‘To be
More, and to be the most now,
To mount up to marvel,
So mine, that it’s here already,
It commands me ! The light leads.’

                  વધુ
હોવું, અને હવે સૌથી વધુ હોવું,
જે મારું છે અને હવે અહીં જ છે,
તે આશ્ચર્યની પ્રતિ ઊછળવું,
એ મને આદેશે છે. પ્રકાશ મને દોરે છે.

આ કોઈ ભીરુ કે ભાગેડુની ભયભીત ચીસ નથી. પણ અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવનાર, કેવળ હોવું એ જેનો પ્રચંડ પુરુષાર્થ છે એવા ધીર અને વીર નરનો બુલંદ ઉદ્ગાર છે. એ કહે છે:

‘I wish to be.
To be ! That suffices me.
Absolute happiness.’

હું ઝંખું છું કેવળ હોવું !
હોવું ! એ મારે માટે પૂરતું છે.
પૂર્ણ આનંદ છે.

ઝીલેં એક જ કાવ્યગ્રંથનો કવિ છે. એની કવિતામાં મહિમા છે, મહત્તા છે; પ્રશસ્તિ છે, પુરસ્કાર છે. એ કવિ છે આશ્ચર્યનો, આનંદનો, આશાનો, એને મનુષ્યના આત્મામાં શ્રદ્ધા છે એ કારણે.

‘Joy of joys — the soul beneath the skin.’
   આનંદોનો આનંદ — ત્વચા નીચેનો આત્મા.

Cantiloમાં એણે એનું અંતિમ શ્રદ્ધાવચન ઉચ્ચાર્યું છે:

‘Let the dead bury their dead,
Never their hope.’

મૃતજનો ભલે એમનું જે કંઈ મૃત છે તે દાટી રાખે,
પણ એમની આશા તો કદી જ નહિ.

આધુનિક વિશ્વની સંકુલતામાં આ દર્શનની સરલતાની કવિતા એ સૌ આશ્ચર્યોનું આશ્ચર્ય છે. ભવિષ્યના યુગો આપણા યુગને નાસ્તિવાચક નહિ પણ અસ્તિવાચક યુગ કહેશે તો તે ઝીલેં જેવા કવિઓની કવિતાને કારણે. એ કવિતાનું પ્રેમપૂર્વક અને કૃતજ્ઞતાપૂર્વક સ્વાગત કરીએ !

૧૯૬૨


*