સ્વાધ્યાયલોક—૪/મૃત્યુંજયી રૂપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મૃત્યુંજયી રૂપ

મૃત્યુ રવીન્દ્રનાથને માટે માત્ર કાવ્યનું વસ્તુ ન હતું, પણ જીવનનો અનુભવ હતો. એમના જીવનકાળ (૧૮૬૧-૧૯૪૧)માં એમના વિશાળ સંયુક્ત કુટુંબ (દેવેન્દ્રનાથને પંદર સંતાનો, એમાં રવીન્દ્રનાથ ચૌદમું સંતાન)માંથી અનેક વ્યક્તિઓનાં મૃત્યુ ઉપરાંત એમના વ્યક્તિગત કુટુંબમાંથી પાંચ વ્યક્તિઓનાં મૃત્યુ થયા હતાં — ૧૯૦૨માં ૨૯ વર્ષની વયે પત્ની મૃણાલિનીદેવી, ૧૯૦૩માં ૧૪ વર્ષની વયે ક્ષયથી વચેટ પુત્રી રેણુકા (રાણી), ૧૯૦૭માં ૧૩ વર્ષની વયે કૉલેરાથી નાનો પુત્ર શમીન્દ્રનાથ (ખોકા, શમી, શમી ઠાકુર), ૧૯૧૮માં ૩૨ વર્ષની વયે ક્ષયથી સૌથી મોટી પુત્રી માધુરીલતા (બેલા) અને ૧૯૩૨માં ૨૦ વર્ષની વયે એકનો એક દૌહિત્ર અને સૌથી નાની પુત્રી મીરાંનો પુત્ર નીતીન્દ્રનાથ (નીતુ). રેણુકા પરિણીત પણ નિ:સંતાન, શમીન્દ્રનાથ અપરિણીત, માધુરીલતા પરિણીત પણ નિ:સંતાન, નીતીન્દ્રનાથ અપરિણીત. ૧૯૪૧માં રવીન્દ્રનાથના મૃત્યુ પછી ૧૯૬૧માં સૌથી મોટા પુત્ર રથીન્દ્રનાથ (ખોકા)નું મૃત્યુ, રથીન્દ્રનાથ પરિણીત પણ નિ:સંતાન, ૧૯૬૯માં સૌથી નાની પુત્રી મીરાંનું મૃત્યુ, મીરાં પરિણીત, પણ હમણાં જ જોયું તેમ, ૧૯૩૨માં એકના એક પુત્ર નીતીન્દ્રનાથનું મૃત્યુ. આમ, ૧૯૬૯માં રવીન્દ્રનાથનું વ્યક્તિગત કુટુંબ નામશેષ થયું હતું. મૃત્યુનો આ અનુભવ અને આ અનુભવનો રવીન્દ્રનાથના જીવન અને કવન પર પ્રભાવ એ આ નાનકડી પુસ્તિકાનો પ્રધાન વિષય છે. અર્વાચીન યુગમાં ભારતમાં રવીન્દ્રનાથનું જે સ્થાન છે એવું જ ફ્રાંસમાં વિક્ટર હ્યુગોનું સ્થાન છે. હ્યુગોને પણ મૃત્યુનો આવો જ અનુભવ હતો અને એ અનુભવનો હ્યુગોના જીવન અને કવન પર આવો જ પ્રભાવ હતો. એનું આ લઘુગ્રંથના વાચનથી સહજ સ્મરણ થાય છે. આ લઘુગ્રંથમાં ચાર નિબંધો છે. પ્રત્યેક નિબંધમાં એક વ્યક્તિના મૃત્યુના અનુભવનું આલેખન કરવામાં આવ્યું છે. આ આલેખન દ્વારા આ ચારે વ્યક્તિઓના વ્યક્તિત્વનો શક્ય એટલો સંપૂર્ણ પરિચય થાય છે. રેણુકાનું લાડનું નામ રાણી. મસ્તીખોર અને માથાભારે, જિદ્દી અને જબરી, સ્વમાની અને અભિમાની પણ. અહીંતહીં દોડાદોડ અને જ્યારે ત્યારે બૂમબરાડા. કોઈ રોક નહિ, કોઈ ટોક નહિ. અલ્પ વયે પણ એ મહાપ્રાણ. એનામાં અદમ્ય અને અશમ્ય પ્રાણશક્તિ. એક જ શ્વાસે સમસ્ત વિશ્વને એના ગલોફામાં ગ્રસી શકે એવો હતો એનો મિજાજ. તદ્દન બેકાબૂ અને બેલગામ. છતાં નિરાસક્ત, જાણે કોઈ સંન્યાસિની! સાવ સાદી. ખાવુંપીવું, પહેરવુંઓઢવું બધું સાદું. શોખ નહિ, શણગાર નહિ. ટોળટપ્પાં નહિ, ટાપટીપ નહિ. રૂપમાં બેલા જેવી સુંદર નહિ, સામાન્ય. રથી(ખોકા) ઊંઘમાં હોય ત્યારે એને ચુંબન અને ત્રાસ, એની સાથે મારપીટ અને ઠેલંઠેલા; ભોજન માટેનાં માછલાંમાં બે જીવતાં માછલાં જોઈને ચિત્કાર અને રુદન, પાળેલું પંખી મૃત્યુ પામ્યું જાણીને મૂંગી મૂંઝવણ અને શબ્દહીન શોક, જન્મદિને વ્હાઇટ વે લેડલોમાંથી ભેટરૂપ ફ્રૉકના લીરા અને ચીરા, ૧૨ વર્ષની વયે ત્રણ જ દિવસમાં લગ્ન થયું એથી લગ્નસમયે માથું નીચું નાખીને બેસી રહી એમાં લગ્ન અંગેની અમાન્યતા અને અપ્રસન્નતા, અલમોડામાં માંદગી સમયે ‘મને ઘેર લઈ જાઓ!’ તથા કલકત્તામાં મૃત્યુ સમયે ‘બાબા, पिता नोऽसि બોલો!’ પિતા સમક્ષના આ ઉદ્ગારો — આ સૌમાં એની કઠોરતા અને કોમળતા, કરુણા અને કરુણતા પ્રગટ થાય છે, એનું વૈવિધ્યપૂર્ણ વ્યક્તિત્વ પ્રગટ થાય છે. શમીન્દ્રનાથનું લાડનું નામ ખોકા, શમી, શમી ઠાકુર. નાનો શમી એટલે આબેહૂબ નાનો રવિ. નાનપણમાં જ ‘બાબા જેવો છું’, ‘બાબા જેવો મોટો થઈશ’ એવી એની પ્રતીતિ. ‘બધું મારી જેમ કરે છે’, ‘બધો મારા જેવો થશે’ એવી ત્યારે રવીન્દ્રનાથની પણ પ્રતીતિ. સુંદર દેહ, તેજસ્વી બુદ્ધિ, ઉદાર હૃદય, રસિકતા, સૌન્દર્યપ્રિયતા, સંવેદનશીલતા — જે રવીન્દ્રનાથના ગુણો તે સૌ એના ગુણો. એનામાં રવીન્દ્રનાથની જ પ્રતિભા. સૌ — રવીન્દ્રનાથ સુધ્ધાં — એનાથી પ્રભાવિત — સૌને એનું આકર્ષણ. જેટલું એને રવીન્દ્રનાથનું આકર્ષણ એટલું જ રવીન્દ્રનાથને એનું આકર્ષણ. સૌને — રવીન્દ્રનાથ સુદ્ધાંને અને એને પોતાને પણ આશા-અપેક્ષા કે એ બીજો રવીન્દ્રનાથ થશે. રામાયણ-મહાભારતનું વાચન, ગાન, કાવ્યચર્ચા, અભિનય, મુખપાઠ, ક્રિકેટ, બાગકામનો શોખ અને શ્રમ, ભુવનડાંગામાં પિતાના નિર્દેશ પ્રમાણે હોમિયોપથીના ઔષધ દ્વારા રોગીઓની સેવા અને શુશ્રૂષા, ૧૯૦૭માં સરસ્વતી પૂજાના દિવસે શાંતિનિકેતનમાં પ્રથમ વાર જ ઉત્સવનું મૌલિક આયોજન — આ સૌ પ્રવૃત્તિઓ અને પ્રસંગોમાં એનું વિશ્વતોમુખી વ્યક્તિત્વ પ્રગટ થાય છે. સાચ્ચે જ એ ‘લાવણ્યે પૂર્ણ પ્રાણ’ હતો. માધુરીલતાનું લાડનું નામ બેલા. અપરૂપ સુંદર, જાણે મીણની પૂતળી, જાણે દેવકન્યા. એના આ અનિન્દ્ય અલૌકિક સૌંદર્યને કારણે એ સૌને પ્રિય. જ્યાં ને ત્યાં, સ્વયં રવીન્દ્રનાથને મુખે પણ, એના સૌંદર્યની સ્તુતિ થાય. રથી અને રાણીથી એનો ભિન્ન સ્વભાવ. એને રવીન્દ્રનાથનો વારતા-વિનોદનો વારસો. નાનપણમાં ત્રણેક વર્ષની વયે પિતાને કહ્યું હતું, ‘બાબા, વારતા કહો!’. મૃત્યુ સમયે બત્રીસ વર્ષની વયે પણ પિતાને એ જ કહ્યું હતું, ‘બાબા, વારતા કહો!’. લગ્ન પછી વારતાઓ રચી અને સામયિકોમાં પ્રકાશન કર્યું. પતિ અને એમના મિત્રો સાથે પણ હાસ્ય-વિનોદ. મા વિનાનાં ભાઈબહેનોમાં સૌથી મોટી એટલે એમને પ્રેમ, આનંદ અને આશ્વાસન આપવાનું એનું જે કર્તવ્ય એનું એણે પૂર્ણપણે પાલન કર્યું હતું. જોકે પોતે રવીન્દ્રનાથ પર સંપૂર્ણપણે આશ્રિત — અવલંબિત. પિતા જગપ્રસિદ્ધ મહાપુરુષ એટલે અસંખ્ય પ્રવૃત્તિઓ અને પ્રવાસોમાં વ્યસ્ત, એથી પોતાને એકલતાનો અનુભવ. એ અંગે પિતાને ઉપાલંભ. સાતેક વર્ષની કિશોરવય હતી ત્યારે શીતની ઋતુમાં એક નિર્ધન નિરાશ્રિત પાગલને પોતાના ઘરમાં આશ્રય આપવામાં ન આવ્યો એની એને ભારે વ્યથા. માતાના મૃત્યુથી અને એથીયે વિશેષ તો નાની બહેન રાણીના મૃત્યુથી અસહ્ય આઘાત. સ્વવિસ્મૃત સંન્યાસી એવા ઍન્ડ્રુઝ પ્રત્યે અપાર આદર. એનું શિક્ષણ રવીન્દ્રનાથે સ્વયં કર્યુ હતું. સંસ્કૃત, અંગ્રેજી, કાલિદાસ, શેક્સ્પિયરનું વાચન. લગ્નની ભેટ તરીકે પણ પુસ્તકો. એનું નામ પણ ‘પહેરામણી પુસ્તકાલય’. લગ્ન પછી મુઝફરપુરમાં ચૅપમૅન બાલિકા વિદ્યાલયનું સંચાલન. શિશુઓ, જીવજંતુ, વનસ્પતિ, પ્રકૃતિ પ્રત્યે સમભાવ-આત્મભાવ. આ સૌમાં એનું પરલક્ષી વ્યક્તિત્વ પ્રગટ થાય છે. નીતીન્દ્રનાથનું લાડનું નામ નીતુ. કોમળ, સંવેદનશીલ, આશાસ્પદ. સૌથી નાની પુત્રી મીરાંનો એકનોએક પુત્ર અને પોતાનો એકનોએક દૌહિત્ર — પૌત્ર ગણો તો પૌત્ર, કારણ કે અન્ય સૌ પુત્રો, પુત્રીઓ નિ:સંતાન એથી રવીન્દ્રનાથને એની પ્રત્યે વિશિષ્ટ પ્રેમ. ૨૦ વર્ષની વયે મુદ્રણકળાના અભ્યાસ અર્થે રવીન્દ્રનાથે એને જર્મની મોકલ્યો હતો. આટલી નાની વયે એ પરદેશમાં એકલો અને ક્ષયનો પ્રાણઘાતક એવો અસાધ્ય રોગ થયો. ત્રણેક માસ સતત આદિથી અંત લગી તન, મન અને ધનથી પણ ઍન્ડ્રુઝની સેવાશુશ્રૂષા. અંતિમ દિવસોમાં માતાપિતા મીરાં અને નગેન્દ્રનાથની પણ સેવાશુશ્રૂષા. લગભગ અંત સમય લગી આ ગંભીર રોગની જાણ કરવામાં આવી ન હતી એથી એનાથી પોતે અજ્ઞાત. અંત સમયે ઑક્સિજન પર. મૃત્યુની આગલી રાતે કંઈક અસ્વસ્થતા પણ મૃત્યુ સમયે સંપૂર્ણ સ્વસ્થતા. પરદેશમાં મૃત્યુ અને પરદેશમાં જ અંતિમ સંસ્કાર. મૃત્યુ સમયે રવીન્દ્રનાથની અનુપસ્થિતિ. એની આ એકલતામાં, એના આ સાહસ અને મૃત્યુ સાથેના સંઘર્ષમાં એનું વીરત્વપૂર્ણ વ્યક્તિત્વ પ્રગટ થાય છે. આ લઘુગ્રંથના નિબંધોની વિશેષતા એ છે કે લેખકે ચારે વ્યક્તિઓનાં રેખાચિત્રોમાંથી એકેય ચિત્રને પોતાની કલ્પનાથી વિભૂષિત કર્યું નથી, પોતાના અનુમાનથી વિકૃત કર્યું નથી. એમાંની એકેએક રેખા, એમાંનો એકેએક શબ્દ આધારભૂત છે. પ્રમાણભૂત છે. કુટુંબીજનો, સ્વજનો, અંગત આત્મીય મિત્રો — સવિશેષ ઍન્ડ્રુઝ, પિયર્સન, જગદીશચન્દ્ર, પ્રશાન્તચન્દ્ર — ના રવીન્દ્રનાથ પરના પત્રો તથા રવીન્દ્રનાથના એમના પરના પત્રો ઉપરાંત અન્ય આઠ લેખો-ગ્રંથો — આટલી પ્રકાશિત-અપ્રકાશિત સામગ્રીમાંથી અનેક વિગતો એકત્ર કરવામાં આવી છે. આ લઘુગ્રંથ ઇતિહાસ નથી, એથી એમાં સંદર્ભો કે પૂર્વોક્ત સામગ્રીનો ઉલ્લેખ નથી. આ સચ્ચાઈને કારણે આ પવિત્ર ચિત્રો છે. રવીન્દ્રનાથનું લગ્ન ૧૮૮૩માં જેસોરના મધ્યમ વર્ગના અને ઠાકુરકુટુંબની જેમ જ નિમ્ન વર્ણના પિરાલી બ્રાહ્મણ વેણીમાધવ રાયચૌધરીની રંગેરૂપે સામાન્ય અને અલ્પશિક્ષિત કન્યા ભવતારિણી સાથે થયું હતું. રવીન્દ્રનાથનો જન્મ ૧૮૬૧માં અને ભવતારિણીનો જન્મ ૧૮૭૩માં. લગ્નસમયે રવીન્દ્રનાથનું ૨૨ વર્ષનું વય અને ભવતારિણીનું ૧૦ વર્ષનું વય. બન્નેના વયમાં ૧૨ વર્ષનું અંતર. લગ્ન પછી રવીન્દ્રનાથે પત્નીનું નવીન નામકરણ કર્યું હતું — મૃણાલિનીદેવી. ૧૯૦૨માં મૃણાલિનીદેવીનું મૃત્યુ. આમ, રવીન્દ્રનાથનું ૧૯ વર્ષનું લગ્નજીવન. એમાં એમને પાંચ સંતાનો — ત્રણ પુત્રીઓ અને બે પુત્રો — માધુરીલતા (૧૮૮૬), રથીન્દ્રનાથ (૧૮૮૮) રેણુકા (૧૮૮૯), મીરાં (૧૮૯૧) અને શમીન્દ્રનાથ (૧૮૯૪). રવીન્દ્રનાથ પિતા થયા ૧૮૮૬માં, ત્યારે એમનું ૨૫ વર્ષનું વય; વિધુર થયા ૧૯૦૨માં, ત્યારે એમનું ૪૧ વર્ષનું વય. વિધુર થયા ત્યારે સૌથી મોટી પુત્રી માધુરીલતાનું ૧૬ વર્ષનું વય અને સૌથી નાના પુત્ર શમીન્દ્રનાથનું ૮ વર્ષનું વય. (વચલાં ત્રણ સંતાનોમાં રથીન્દ્રનાથનું ૧૪ વર્ષનું, રેણુકાનું ૧૩ વર્ષનું અને મીરાંનું ૧૧ વર્ષનું વય) આમ, મૃણાલિનીદેવીના મૃત્યુ પછી રવીન્દ્રનાથને ૪૧ વર્ષની વયે પિતા ઉપરાંત ૮ થી ૧૬ વર્ષની વચ્ચેની વયનાં પાંચ સંતાનોની માતા તરીકેનો પાઠ ભજવવાનું થયું હતું, માતા તરીકેનું કર્તવ્ય બજવવાનું થયું હતું. મૃણાલિનીદેવીનું મૃત્યુ ૧૯૦૨માં, રેણુકાનું ૧૯૦૩માં, શમીન્દ્રનું ૧૯૦૭માં. ૧૯૦૧માં લગ્ન પછી માધુરીલતાનો બંગાળથી પણ દૂર સાસરવાસ મુઝફરપુરમાં, ૧૯૦૬માં રથીન્દ્રનાથ કૃષિવિજ્ઞાનના અભ્યાસ અર્થે અમેરિકામાં, એ જ વર્ષમાં મીરાંનું લગ્ન એથી એનો પણ સાસરવાસ કલકત્તામાં. આમ, ૧૯૦૬ પછી રવીન્દ્રનાથ ૧૯૪૧માં એમના મૃત્યુ લગી જીવનભર સતત ૩૫ વર્ષ લગી એમના અંગત જીવનમાં એકલવાયા. ૧૯૦૧માં મૃણાલિનીદેવી વિદ્યમાન હતાં ત્યારે રવીન્દ્રનાથે બે મોટી પુત્રીઓ — માધુરીલતા અને રેણુકા–નાં લગ્ન એકાદ માસને અંતરે કર્યાં હતાં. વળી રેણુકાનું લગ્ન તો ત્રણેક દિવસમાં જ કર્યું હતું. ત્યારે માધુરીલતાનું ૧૪ વર્ષનું વય અને રેણુકાનું ૧૨ વર્ષનું વય. (પછી ૧૯૦૭માં મીરાંનાં લગ્ન કર્યાં હતાં ત્યારે એનું ૧૬ વર્ષનું વય.) રવીન્દ્રનાથ મહર્ષિ દેવેન્દ્રનાથના પિતૃભક્ત અને આજ્ઞાંકિત પુત્ર એથી એમનું પોતાનું લગ્ન પણ ૧૦ વર્ષની વયનાં મૃણાલિનીદેવી સાથે થયું હતું. પણ ઠાકુરકુટુંબ તો પ્રગતિશીલ કુટુંબ અને આ સમયે રવીન્દ્રનાથ તો પરિપક્વ પ્રબોધમૂર્તિ અને બાળલગ્નના વિરોધી એવા વત્સલ પિતા. છતાં પોતાની બન્ને મોટી પુત્રીઓનાં લગ્ન એમની નાની વયે, લગભગ એકસાથે અને કંઈક આકુળતાપૂર્વક કર્યાં એ અંગે ‘શાથી?’ એવો પ્રશ્નાર્થ છે. મૃણાલિનીદેવીને પણ એનું આશ્ચર્ય થયું હતું. એમને પણ પ્રશ્ન થયો હતો. સ્વયં રવીન્દ્રનાથને પણ થયો હશે — બલકે થયો હતો. ઠાકુરકુટુંબ પ્રગતિશીલ અને બ્રહ્મોસમાજમાં પ્રતિબદ્ધ એવું કુટુંબ એથી સ્તો ઉચ્ચ વર્ણના સનાતની બ્રાહ્મણોની દૃષ્ટિમાં નિમ્ન વર્ણના પિરાલી બ્રાહ્મણોનું કુટુંબ. એથી કન્યાને માટે વર દુર્લભ હશે? વરપ્રાપ્તિ અંગે ભય અને શંકા હશે? એ વર્ષે અંગત જીવનમાં આર્થિક અને આધ્યાત્મિક સંઘર્ષ હતો એથી એમના હૃદય પર ચિંતાનો ભાર હશે? જોકે આ પ્રશ્નની અપેક્ષાએ જ આ સમયે એમણે એક માર્મિક કાવ્ય રચ્યું હતું એમાં એમણે માટીના મનુષ્યમાં કવિનું દર્શન કરવાનો વ્યર્થ પ્રયત્ન કરવો નહિ એવું સૂચવ્યું છે. રવીન્દ્રનાથ નિરુત્તર છે. માધુરીલતાનું લગ્ન શરત્કુમાર સાથે કર્યું હતું. દેવેન્દ્રનાથે પહેરામણીમાં પાંચ હજાર રૂપિયા આપ્યાં હતાં. રવીન્દ્રનાથને પહેરામણી પસંદ નહિ પણ શરત્કુમાર પસંદ. એ ઉદ્યમી, દૃઢનિશ્ચયી, કમાઉ પણ ખર્ચાળ હતા. સૌથી વિશેષ તો માધુરીલતા એમને પસંદ. રવીન્દ્રનાથ પ્રસન્ન હતા. માત્ર લગ્નપ્રસંગે મોટા ભાગના મિત્રોની અનુપસ્થિતિને કારણે સહેજ અપ્રસન્ન હતા. લગ્નજીવનનાં આરંભનાં વર્ષો દંપતી બંગાળથી પણ દૂર મુઝફરપુરમાં વસ્યાં હતાં. રવીન્દ્રનાથે શરત્કુમારને બૅરિસ્ટર થવા વિલાયત પણ મોકલ્યા હતા. એ વિલાયતથી પાછા આવ્યા પછી હાઈકોર્ટમાં એમણે પ્રવેશ કર્યો ત્યારે દંપતી કલકત્તામાં શ્રીરામપુર રોડ પર ભાડાના ઘરમાં વસ્યાં હતાં. લગ્નજીવનનાં ૧૭ વર્ષ પછી માધુરીલતાને ક્ષયનો રોગ થયો હતો. અને કલકત્તામાં ક્ષયથી એમનું મૃત્યુ થયું હતું. રવીન્દ્રનાથ રેણુકાના શિક્ષણની વ્યવસ્થા કરી શક્યા ન હતા, પણ એના લગ્નની વ્યવસ્થા કરી શક્યા હતા. એનું લગ્ન સત્યેન્દ્રનાથ સાથે થયું હતું. સત્યેન્દ્રનાથ રવીન્દ્રનાથને પસંદ, એ રેણુકાને યોગ્ય, સુંદર, વિનમ્ર અને વિનયી. ઍલોપથીનો અભ્યાસ કર્યો હતો. લગ્ન પછી વધુ અભ્યાસ અર્થે વિલાયત જશે ત્યાં લગીમાં રેણુકાનું લગ્નજીવનને યોગ્ય વય અને વર્તન થશે એવું રવીન્દ્રનાથને આશ્વાસન હતું. મિત્રોની અનુપસ્થિતિમાં ત્રણ દિવસમાં જ લગ્ન થયું હતું. લગ્નથી રેણુકા અપ્રસન્ન. મિત્રોની અનુપસ્થિતિથી રવીન્દ્રનાથ પણ સહેજ અપ્રસન્ન. સત્યેન્દ્રનાથ યુરોપ ગયા ત્યારે રેણુકા પિયરમાં શાન્તિનિકેતમાં વસ્યાં હતાં. પાછા આવ્યા પછી રેણુકાને ક્ષયનો રોગ થયો હતો. સારવાર માટે રવીન્દ્રનાથ રેણુકાની સાથે અલમોડા ગયા હતા. પછીથી સત્યેન્દ્રનાથ પણ સાથે થયા હતા. પછી સૌ અલમોડાથી કલકત્તા પાછા આવ્યા હતા. લગ્નજીવનના બે વર્ષમાં જ — અને મૃણાલિનીદેવીના મૃત્યુ પછી એક જ વર્ષમાં — કલકત્તામાં ક્ષયથી રેણુકાનું મૃત્યુ થયું હતું. ૧૯૦૨માં મૃણાલિનીદેવીનું મૃત્યુ થયું પછી રવીન્દ્રનાથે એમને અંજલિરૂપે ‘સ્મરણ’નાં કાવ્યો રચ્યાં હતાં. હવે રવીન્દ્રનાથ પાંચ નાની વયનાં સંતાનોના જીવનમાં માતારૂપ પણ હતા. મૃણાલિનીદેવીના મૃત્યુ પછી એક જ વર્ષમાં રેણુકાનું મૃત્યુ થયું હતું. આ અનુભવોમાંથી એમણે ‘શિશુ’નાં કાવ્યો રચવાનો આરંભ કર્યો હતો. રેણુકાના ક્ષય રોગનું નિદાન થયું ત્યારે શાન્તિનિકેતનમાં એમણે એની સમક્ષ ‘पिता नोऽसि’ના મંત્રનો પાઠ કર્યો હતો. પછી કલકત્તામાં, અલમોડામાં અને પાછા કલકત્તામાં રાતદિવસ સતત રેણુકાની સમગ્ર સારવાર સમયે મૃત્યુશય્યા પાસે રેણુકાની ઇચ્છાથી ફરીથી ‘पिता नोऽसि’ના મંત્રનો પાઠ કર્યો હતો. સાત વર્ષ પછી એમણે આ મંત્રનું ગીત પણ રચ્યું હતું. શમીન્દ્ર ૧૯૦૭માં દુર્ગાપૂજાની રજાઓમાં મિત્ર ભોલાની સાથે એના મામાને ઘેર મુંગેર ગયો હતો. ત્યાં એને કોલેરા થયો હતો. સમાચાર આવ્યા કે તરત જ રવીન્દ્રનાથ મુસાફર ગાડીને વાર હતી તેથી માલગાડીમાં મુંગેર ગયા હતા. પિતા-પુત્રનો મેળાપ થયો પછી થોડીક જ વારમાં શમીન્દ્રનું મૃણાલિનીદેવીના મૃત્યુ પછી પાંચ વરસે એમની મૃત્યુતિથિએ જ મૃત્યુ થયું હતું. અંતિમ સંસ્કાર પછી રવીન્દ્રનાથથી રોવાઈ ગયું હતું. તરત જ શાંતિનિકેતન પાછા આવ્યા ત્યારે પણ શાંતિનિકેતન શમીન્દ્રની સ્મૃતિથી અને એને પ્રિય એવા ગીત — ‘એ કી લાવણ્યે પૂર્ણ પ્રાણ’–ની સ્મૃતિથી સભર ભર્યું હતું એથી રોવાઈ ગયું હતું. જીવનભર એમને વારંવાર એકાન્તમાં એકલા હોય ત્યારે શમીન્દ્રનું સ્મરણ થાય અને ત્યારે એ ક્યાંક ખોવાઈ જાય અને એમનાથી રોવાઈ જાય. જ્યારે કોઈની સાથે વાતચીતમાં શમીન્દ્રનો ઉલ્લેખ થાય ત્યારે પણ ગદ્ગદ કંઠે એ ઉલ્લેખ થાય અને એમનાથી રોવાઈ જાય. ‘શિશુ’નાં સૌ કાવ્યોમાં શમીન્દ્ર અને એની સ્મૃતિ ચિરંજીવ છે. રવીન્દ્રનાથે શાંતિનિકેતનમાં શમીન્દ્રે જેનું પ્રથમ વાર આયોજન કર્યું હતું તે ઉત્સવોની પરંપરા રચી હતી. પ્રતિવર્ષ આ ઉત્સવો થાય છે. આ ઉત્સવો એ શમીન્દ્રનું સ્મારક છે. આજે પણ શાંતિનિકેતનના વાતાવરણમાં એ ‘લાવણ્યે પૂર્ણ પ્રાણ’નો ધ્વનિ સતત ગુંજી રહ્યો છે. મૃણાલિનીદેવી, રેણુકા અને શમીન્દ્રના મૃત્યુ પછી રવીન્દ્રનાથે રથીન્દ્રનાથ, માધુરીલતા અને મીરાંને એમનો સમગ્ર સ્નેહ અર્પણ કર્યો હતો. ઇંગ્લૅન્ડથી માધુરીલતા માટે લાલ સાડી અને કિનાર મોકલી હતી. પાર્ક સ્ટ્રીટમાં એને નવડાવી હતી. દાર્જિલિંગમાં એને દૂધ પિવડાવ્યું હતું. ૧૯૧૭માં માધુરીલતાના ક્ષય રોગનું નિદાન થયું ત્યારે રવીન્દ્રનાથ એકલવાયા હતા. ત્યારે બે પરમ મિત્રો પરદેશ હતા, ઍન્ડ્રૂઝ ફીજીમાં અને પિયર્સન ચીનમાં હતા. રવીન્દ્રનાથ માધુરીલતા સાથે કલકત્તા ગયા હતા. નાનપણમાં જ્યારે માધુરીલતાએ રવીન્દ્રનાથને કહ્યું હતું કે ‘બાબા, વારતા કહો!’ ત્યારે રવીન્દ્રનાથે માધુરીલતાના નિર્ધન, નિરાશ્રિત એવા પાગલ અંગેના અનુભવ પરથી ‘કાબુલીવાલા’ વારતા રચી હતી. ત્યારે એમણે માત્ર માધુરીલતાને જ નહિ પણ સમગ્ર જગતને એક ઉત્તમ વારતા કહી હતી. ‘મીની’ના પાત્રમાં માધુરીલતા અને એની સ્મૃતિ હવે ચિરંજીવ છે. મૃત્યુ સમયે જ્યારે માધુરીલતાએ રવીન્દ્રનાથને છેલ્લી વાર કહ્યું, ‘બાબા વારતા કહો! ત્યારે રોજ એની પથારી પાસે એમણે ‘પલાતકા’ની પદ્ય વાર્તાઓ રચી હતી. ‘પલાતકા’નાં કાવ્યોમાં, સવિશેષ તો અંતિમ કાવ્ય ‘શેષ પ્રતિષ્ઠા’માં એમાંની ૨૨ વર્ષની વયની નાયિકામાં — અને શીર્ષક સુધ્ધાંમાં — માધુરીલતા અને એની સ્મૃતિ ચિરંજીવ છે. માધુરીલતાના મૃત્યુ પછી રવીન્દ્રનાથે હવે એકલી મીરાંને એમનો સમગ્ર સ્નેહ અર્પણ કર્યો હતો. નીતુ મીરાંનો એકનોએક પુત્ર. ક્ષયના રોગથી મૃત્યુ થયું ત્યારે તે જર્મનીમાં હતો. નીતુનું મૃત્યુ રવીન્દ્રનાથની અનુપસ્થિતિમાં થયું હતું. માંદગીના ત્રણેક મહિના એન્ડ્રૂઝે પત્રો અને તારથી રવીન્દ્રનાથને નીતુના સમાચાર સતત મોકલ્યા હતા. મૃત્યુ પછી જર્મનીમાં જ ત્યાંના સમાધિસ્થાનમાં નીતુનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. ત્યારે રવીન્દ્રનાથ કલકત્તામાં પ્રશાન્તચંદ્રના ઘરે હતા. નીતુનું મૃત્યુ થયું છે એવો રૉઇટરનો સંદેશો વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયો ત્યારે પ્રશાન્તચન્દ્રે રવીન્દ્રનાથને નીતુના મૃત્યુના સમાચાર આપ્યા હતા. (નીતુનું મૃત્યુ ઑગસ્ટની ૭મીએ થયું હતું. ૯ વર્ષ પછી ૧૯૪૧માં રવીન્દ્રનાથનું મૃત્યુ પણ ઑગસ્ટની ૭મીએ થયું હતું.) રવીન્દ્રનાથે મીરાંના જીવનની આ કરુણતા વિશે ‘દુર્ભાગિની’ કાવ્ય રચ્યું હતું. નીતુને અંજલિ રૂપે ‘વિશ્વશોક’ કાવ્ય રચ્યું હતું. એક વાર શમીન્દ્ર પણ આમ અચાનક ચુપચાપ ચાલ્યો ગયો હતો. ફરીથી નીતુ પણ એમ જ ચાલ્યો ગયો. રવીન્દ્રનાથે ‘પુનશ્ચ’ કાવ્યસંગ્રહ નીતુને અર્પણ કર્યો હતો. રવીન્દ્રનાથે આ ચાર મૃત્યુના અનુભવનો અનેક પત્રોમાં ઉલ્લેખ કર્યો છે. આ અનુભવમાંથી અનેક ઊર્મિકાવ્યો, કથાકાવ્યો, નાટકો, શિશુનાટકો — સવિશેષ ‘ડાકઘર’ અને ‘અમલ’ — નું સર્જન કર્યું છે. આ લઘુગ્રંથમાં આ પત્રો અને કાવ્યોમાંથી કેટલાંક અવતરણો છે. રવીન્દ્રનાથ એકલતા અને આનંદનાં કવિ છે. ભર્યું ભર્યું નગર કલકત્તા, ભર્યું ભર્યું કુટુંબ ઠાકુરકુટુંબ, એમાં એમનો જન્મ. ભર્યું ભર્યું એમનું જીવન, અનેક વ્યક્તિઓ ને વ્યવહારો, પ્રવૃત્તિઓ અને પ્રવાસોથી સભર એવું ખાસ્સાં એંશી વર્ષનું દીર્ઘ જીવન. છતાં અથવા તો એથી જ એમના જીવનમાં એકલતા હતી. એનાં અનેક કારણો હશે — બલકે હતાં. પણ એમાં એક મુખ્ય કારણ એમનો મૃત્યુનો અનુભવ. મૃત્યુની અનંત છાયામાં એમનું જીવન વિકસ્યું હતું. એ સૌની પાસે પાસે અને છતાં દૂર હતા. વળી સૌ એમની પાસે પાસે અને છતાં દૂર હતાં. આ હતો એમનો જગત સાથેનો સંબંધ. એનું રહસ્ય એમનો મૃત્યુનો અનુભવ છે. ‘એકલા ચલો!’ એ એમના જીવનસંગીતનો સા હતો, એમના જીવનપદની ધ્રુવપંક્તિ હતી. પણ એમની આ એકલતા એ શૂન્યતા ન હતી. એમનું આ એકાન્ત એ રિક્તતા ન હતી. એમાં એમણે એક વિરાટ વિશ્વ વસાવ્યું હતું. એમનું વિપુલ સાહિત્ય એના સાક્ષીરૂપ છે. ‘આછે દુઃખ આછે મૃત્યુ’ — દુઃખ છે, મૃત્યુ છે એ સત્ય એમણે સ્વીકાર્યું હતું. મૃત્યુની વેદના, યાતના એમણે અનુભવી હતી. આ લઘુગ્રંથને પાને પાને એનું પ્રમાણ છે. વિશ્વક્રમમાં દુઃખને પણ સુખ જેટલું જ સ્થાન છે. વિશ્વવ્યવસ્થામાં મૃત્યુને પણ જીવન જેટલું જ મહત્ત્વ છે. એ એમની સૂઝસમજ હતી. આ વિશ્વમાં મૃત્યુ અને વેદના છલોછલ છે. ‘રોદનભરા એ વસંત.’ રુદનભરી આ વસંત, વસંત પણ રુદનભરી છે એ તો રવીન્દ્રનાથ જ ગાઈ શકે. મૃત્યુની વેદનામાંથી સંવેદના અને સંવેદનામાંથી સમસંવેદનાનો એમને અનુભવ થયો હતો. પોતાના દુઃખ દ્વારા એ પારકાના દુઃખ પ્રત્યે, સમસ્ત વિશ્વના દુઃખ પ્રત્યે સંવેદન, સમસંવેદન અનુભવી શક્યા હતા. આમ, મૃત્યુ અને દુઃખ દ્વારા એ અન્ય મનુષ્યો, પ્રકૃતિ, સમસ્ત વિશ્વ અને એ સૌના સર્જનહાર પરમેશ્વર સાથે ઐક્ય અનુભવી શક્યા હતા. એથી જ વિશ્વથી અલગ હતા છતાં વિશ્વ સાથે એક હતા. અને એથી જ એમની એકલતા એ સભરતા હતી. પૂર્ણતા હતી. ઈશ્વરને અર્પણ કરવા જેવી જો કોઈ ભેટ મનુષ્ય પાસે હોય તો તે આંસુ! આમ, મૃત્યુ અને દુઃખનો અર્થ એ જાણી શક્યા હતા. મૃત્યુ અને દુઃખનું મૂલ્ય એ પ્રમાણી શક્યા હતા. આ ઐક્ય એ જ આનંદ અને એ જ અમૃત. આ ઐક્ય માટે, આ આનંદ અને અમૃત માટે અનેક કારણો હશે — બલકે હતાં પણ એમાં એક મુખ્ય કારણ દુઃખ અને મૃત્યુનો એમનો આ અનુભવ. જીવનમાં દુઃખ છે, જગતમાં મૃત્યુ છે છતાં અથવા તો એથી જ એમના જીવનમાં આનંદ હતો. દુઃખ અને મૃત્યુની વચમાં જ, દુઃખ અને મૃત્યુ દ્વારા જ એમણે આનંદ અને અમૃતનો અનુભવ કર્યો હતો. રવીન્દ્રનાથે જીવનના આરંભે જ વાલ્મીકિના સંદર્ભમાં ‘ભાષા ઓ છંદ’ કાવ્યમાં વેદનાના આ સત્યનું દર્શન કર્યું હતું ઃ ‘અલૌકિક આનંદેર ભાર 
વિધાતા જાહારે દેય, તા’ર વક્ષે વેદના અપાર.’

— વિધાતા જેને અલૌકિક આનંદનો ભાર અર્પે છે તેના હૃદયમાં અપાર વેદના હોય છે. આમ, રવીન્દ્રનાથને માટે દુઃખ અને મૃત્યુ સત્ય છે. શિવ છે. સુંદર છે. રુદ્રનું દક્ષિણ મુખ રમ્ય છે એવું એમનું મૃત્યુનું દર્શન હતું. રવીન્દ્રનાથના મૃત્યુના અનુભવમાં ક્યાંય મનોરુગ્ણતા નથી, ક્યાંય હૃદયદૌર્બલ્ય નથી. એમાં દુઃખ હોવા છતાં એમણે મૃત્યુનો સ્વીકાર કર્યો હતો અને એ સ્વીકાર દ્વારા એ મૃત્યુને અતિક્રમી ગયા હતા, એ અમૃતના અધિકારી થયા હતા. એમણે મૃત્યુમાં જીવનનો જય અનુભવ્યો હતો. એથી જ એ પરમ શ્રદ્ધાપૂર્વક કહી શક્યા હતા ‘આમિ પરાભૂત હઇબ ના.’ — હું હાર માનવાનો નથી. આ લઘુગ્રંથના શીર્ષકરૂપ એમની કાવ્યપંક્તિમાં પણ એ જ સૂચન છે. એથી જ આ લઘુગ્રંથના લેખકે અનુવાદકને પત્રમાં લખ્યું હતું, ‘આ ગ્રંથમાં રવીન્દ્રનાથનું મૃત્યુંજયી રૂપ છે.’ અર્વાચીન યુગમાં જર્મન કવિ રિલ્કેને પણ દુઃખ અને મૃત્યુનું કંઈક આવું જ દર્શન હતું. એમને આનંદ અને અમૃતનો કંઈક આવો જ અનુભવ હતો એનું આ લઘુગ્રંથના વાચનથી સહજ સ્મરણ થાય છે.

અણમોલ રત્ન સમું આ નાનકડું પુસ્તક ગુજરાતી ભાષામાં જડવા માટેની અનુવાદક મોહનદાસ પટેલની પાત્રતા સ્વયંસિદ્ધ છે. ૧૯૩૦માં ક્ષિતિમોહન સેનની સૂચનાથી અને કરુણાશંકર માસ્તરની સહાયથી એ શાંતિનિકેતન ગયા હતા અને ૧૯૩૪ લગી ત્યાં રહ્યા હતા. ત્યાં એમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. એમણે રવીન્દ્રનાથનું પ્રથમ દર્શન કર્યું શાંતિનિકેતનની આમ્રકુંજમાં. ત્યારે રવીન્દ્રનાથનાં પગલાં જે માટીમાં પડ્યાં હતાં તે માટી એમણે છાતીએ. ગળે અને માથે ધરી હતી, બંગાળીમાં ગુસ્સો કરી શકે એટલું બંગાળી હવે એ શીખ્યા છે એમ જાણ્યું ત્યાર પછી જ રવીન્દ્રનાથને સંતોષ થયો હતો, ક્ષિતિબાબુ, નંદબાબુ, મલ્લિકજી અને અન્ય અનેક ગુરુજનોના એ પ્રીતિપાત્ર હતા. એમનું બોલવુંચાલવું, પહેરવુંઓઢવું બધું જ બંગાળી. એમના રૂપરંગ બંગાળી. એમની ઊર્મિશીલતા અને ઉત્સાહપૂર્ણતા બંગાળી. એ શાંતિનિકેતનનું સંતાન છે. જાણે કે ગુજરાતનું સંતાન જ નથી. જાણે કે એમનો જન્મ ગુજરાતમાં થયો જ નથી. એ હજુ શાંતિનિકેતનમાંથી બહાર આવ્યા જ નથી. એ બંગાળી બોલે ત્યારે બંગાળીભાષી વ્યક્તિ માની ન શકે કે એ ગુજરાતી છે અને ગુજરાતીભાષી વ્યક્તિ માની ન શકે કે એ બંગાળી નથી. એ શાંતિનિકેતન અને રવીન્દ્રનાથ વિશે વાત કરે ત્યારે તમે શાંતિનિકેતન ગયા નથી અને તમે રવીન્દ્રનાથને જોયા નથી એવું ક્ષણભર તો તમે માની ન શકો. એ વાત એ કંઈક ગદ્ગદ કંઠે અને સહેજ ભીની આંખે કરે. આ અનુવાદ પ્રસંગે આપણે એમને અનુરોધ કરીએ, અનુનય કરીએ કે એમના શાંતિનિકેતન અને રવીન્દ્રનાથના અનુભવો વિશે એક પુસ્તક એ ગુજરાતીમાં લખે! આ અનુવાદમાં ક્યાંક ક્યાંક લઢણો અને ક્યારેક ક્યારેક શબ્દાવલિ પણ મૂળ બંગાળીમાં છે તેવી ને તેવી જ છે, કોઈ કોઈ લયલહેકા પણ તેવા ને તેવા જ છે. એથી એમાં મૂળ પુસ્તકની સુવાસ વહી આવી છે. અને અનુવાદક મૃત્યુ જેવા ગહનગભીર વસ્તુવિષયને અનુરૂપ એવી ગૌરવપૂર્ણ શૈલી સિદ્ધ કરી શક્યા છે. જેમણે જે હાથે સંતાનોનું જીવન જતનથી સાચવ્યું હોય અને પછી એ જ હાથે એને મૃત્યુને સોંપ્યું હોય તે સૌને માટે આ લઘુગ્રંથમાં મોટું આશ્વાસન છે કે કરે છે જે મૃત્યુનો સ્વીકાર 
વરે તેને અમૃતનો અધિકાર.

(સોમેન્દ્રનાથ બસુના બંગાળી ગ્રંથ ‘તબે તાઈ હોક’ના મોહનદાસ પટેલકૃત અનુવાદ ‘તો ભલે તેમ જ હો’ની પ્રસ્તાવના. ૩ જુલાઈ ૧૯૯૪.)

*