સ્વાધ્યાયલોક—૪/ઐક્યવિધાયક અધિવેશન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઐક્યવિધાયક અધિવેશન

રવીન્દ્રનાથે ‘નૈવેદ્ય’માં એક અત્યંત ભાવોદ્રેકપૂર્વકની પ્રાર્થના રચી છે. એમાં કવિએ એમની ભારતવર્ષની — ભવિષ્યના ભારતવર્ષની કલ્પના સાકાર કરી છે, કવિએ એને સ્વર્ગ કહ્યું છે. પ્રાર્થના અતિ પ્રસિદ્ધ છે છતાં વિધિની વક્રતા એ છે કે એની ભાવના કવિના દેશવાસીઓ જાણે કે ભૂલ્યા છે. ‘ગીતાંજલિ’માં એનો અંગ્રેજી અનુવાદ છે. એમાં અંતિમ પંકિતમાં એમણે આ પાઠમાં નથી તે શબ્દ ‘સ્વતંત્રતાના સ્વર્ગમાં’નો ઉલ્લેખ કરીને એટલો ઉમેરો કર્યો છે. સ્વતંત્રતાના એક જ દાયકામાં આપણે કવિની આ ભાવનાના ભૂક્કા બોલાવ્યા છે. કવિના આ સ્વપ્નનો નાશ કરવાનો જાણે કે આપણા વ્યવહારપુરુષોનો પરમ પુરુષાર્થ લાગે છે. પ્રાર્થનાને અંતે કવિ ગાય છે ઃ ‘ભારતેરે સેઈ સ્વર્ગે કરો જાગરિત’ — ભારતને એ જ સ્વર્ગમાં જાગૃત કરો! કયા સ્વર્ગમાં? એનાં વર્ણનો આરંભની બાર પંક્તિઓમાં છે, એમાંનું એક વર્ણન છે ઃ ‘જેથા ગૃહેર પ્રાચીર આપન પ્રાંગનતલે દિવસશર્વરી વસુધારે રાખે નાઈ ખંડ ક્ષુદ્ર કરિ’ — જ્યાં ઘરની સાંકડી ભીંતો દિવસ ને રાત પોતાના પ્રાંગણમાં વસુધાને છિન્નભિન્ન અને ક્ષુદ્ર ન કરે! માત્ર અરધી સદીમાં જ કવિનો આ ભય જાણે કે ભવિષ્યવાણી જેવો ભાસે છે. આપણું રાષ્ટ્ર કોઈ પણ ક્ષણે છિન્નભિન્ન થાય એવો આજે ભય છે, આપણા રાજકારણી માણસોનો એવો મિજાજ છે. રાજકારણી માણસો કદાચ તોડે, પણ સંસ્કારસેવકો તો હંમેશા જોડે. જેમ જેમ જગતના શાણાઓ જીવનને વધુ ને વધુ વિચ્છિન્ન કરશે તેમ તેમ સંસ્કારસેવકો વધુ ને વધુ ઐક્યવિધાયક થશે. કારણ કે કવિઓ અને કલાકારોનો ધર્મ છે પ્રેમ અને પ્રેમનું પરિણામ છે ઐક્ય. આવો એક ઐક્યવિધાયક પ્રયોગ ‘નિખિલ ભારત બંગસાહિત્ય સંમેલન’ રૂપે ડિસેમ્બરની ૨૯મીથી ૩૧મી લગી અમદાવાદને આંગણે થશે. જે કવિએ સંવાદના, સ્વતંત્રતાના સ્વર્ગની પ્રાર્થના કરી છે એ જ કવિએ ઐક્યવિધાયક હસ્તે આ સંસ્થાની સ્થાપના ૧૯૨૨માં તીર્થસ્થાન કાશીમાં કરી હતી. ત્યારે એનું નામ હતું ‘પ્રવાસી સાહિત્ય સંમેલન’. વિચાર તદ્દન મૌલિક છે અને યુગધર્મથી પ્રેરિત છે. આ કોઈપણ એક ભાષાનું સાહિત્ય સંમેલન નહિ, પણ ‘પ્રવાસી સાહિત્ય સંમેલન’ પરિવ્રાજકોનું, રાષ્ટ્રની આધ્યાત્મિક એકતાના પ્રણેતાઓનું સાહિત્ય સંમેલન છે. જડ અને સ્થિર નહિ પણ પ્રવાસી એટલે કે હરતું ફરતું, ઘેર ઘેર ને ઠેર ઠેર સંવાદ અને સંવાદના સૌંદર્યનો સંદેશો, આધ્યાત્મિકતા અને આધ્યાત્મિકતાની એકતાનો સંદેશો પહોંચાડતું ‘પ્રવાસી સાહિત્ય સંમેલન’ છે. આજ લગીમાં એના ૩૨ અધિવેશનો ભરાયાં છે. અમદાવાદનું આ અધિવેશન ૩૩મું છે. આજ લગીમાં બંગાળની બહાર દિલ્હી, મુંબઈ, મદ્રાસ, ગૌહત્તી, આગ્રા આદિ મહત્ત્વનાં નગરોમાં એણે પ્રવાસ કર્યો છે. પહેલી જ વાર એનું અમદાવાદમાં આગમન છે. એનું ૧૯૫૧માં નવું નામસંસ્કરણ કર્યું છે — ‘નિખિલ ભારત બંગસાહિત્ય સંમેલન’. ‘પ્રવાસી’ શબ્દને સ્થાને ‘નિખિલ ભારત બંગ’ એવો નવો શબ્દપ્રયોગ કર્યો છે એમાં પણ ભાર ‘બંગ’ પર નહિ પણ ‘નિખિલ ભારત’ પર છે, એવી એની કાર્યવહી ને કાર્યસિદ્ધિ છે. એક તો એ બંગાળની બહાર કાર્ય કરે છે અને જે જે સ્થળે કાર્ય કરે છે તે તે સ્થળની ભાષા પર પણ એટલો જ ભાર મૂકે છે, તે તે સ્થળની સાહિત્ય અને સંસ્કારની સાધના અને બંગાળની સાહિત્ય અને સંસ્કારની સાધના વચ્ચે સંવાદ સ્થાપે છે. આ અધિવેશનના કાર્યક્રમ પરથી અવશ્ય પ્રતીતિ થશે કે આ સંસ્થા એક વિરલ ઐક્યવિધાયક સંસ્થા છે. આ સંસ્થા સૈકાઓથી સિદ્ધ એવી આપણી સાંસ્કૃતિક એકતાને આજના યુગના સંદર્ભમાં, આજની રાજકીય અનેકતાના યુગના સંદર્ભમાં સંજીવની સમાન છે. રવીન્દ્રનાથનું સ્વપ્ન સિદ્ધ કરવાનો એનો પુરુષાર્થ છે અને આજના આપણા રાજકારણી મહાપુરુષોનો સામનો કરવાનું એનું સાહસ એ એની નમ્રતા છે. તો વળી જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ જેવા રાજકારણી પુરુષોનો ભૂતકાળમાં એને સક્રિય સહકાર સાંપડ્યો હતો એ એનું સદ્ભાગ્ય છે. ૧૯૪૯માં દિલ્હીની શાખાના પ્રથમ પ્રમુખને સ્થાને લોકસભાના પ્રમુખ હતા. તો ૧૯૫૬માં યુનેસ્કો અધિવેશન પ્રસંગેની એની ભારતીય સમિતિને આ સંસ્થાનો સક્રિય સહકાર સાંપડ્યો હતો અને અધિવેશનના પ્રમુખપદે, અલબત્ત, સાહિત્યકારો, કળાકારો, કેળવણીકારો, વિજ્ઞાનીઓ અને તત્ત્વચિંતકો જ વિરાજે છે. જેમ આ સંસ્થાના નામમાં ‘બંગસાહિત્ય સંમેલન’ શબ્દપ્રયોગ છે છતાં એ માત્ર બંગસાહિત્ય પૂરતી જ મર્યાદિત નથી પણ ‘નિખિલ ભારત’ની સંસ્થા છે. (બંગસાહિત્યને બહાને એ ભારતીય સાહિત્યની પ્રવૃત્તિ કરે છે, અનેકભાષી ભારત વર્ષમાં આજ લગી ભલે અનેક સાહિત્યો હોય પણ રાષ્ટ્રના ઇતિહાસમાં હવે એ યુગ આવ્યો છે જ્યારે એ ભારતીય સાહિત્યોએ ભારતીય સાહિત્ય થવું, અનેકતા દ્વારા એકતાની રીતે થવું અનિવાર્ય છે. પોતપોતાનું સ્વતંત્ર, આગવું, મૌલિક, નિરાળું સ્વરૂપ એવું તો વિકસાવવું કે જેથી એનું વિશાલતર, બૃહદતર, વ્યાપક એટલે કે ભારતીય સ્વરૂપ સિદ્ધ થાય એ અનિવાર્ય છે.) તેવી જ રીતે એના નામમાં ‘સાહિત્ય સંમેલન’ શબ્દપ્રયોગ છે. છતાં એ માત્ર સાહિત્ય પૂરતી જ મર્યાદિત નથી પણ સાહિત્યેતર અન્ય કળાઓની પણ સંસ્થા છે એ પણ એના કાર્યક્રમ પરથી પ્રતીત થશે. આ કાર્યક્રમની સાહિત્યપ્રવૃત્તિ છે કવિસંમેલન અને બંગાળી તથા ગુજરાતી સાહિત્ય વિભાગો. પ્રથમ દિવસે જ બપોરે જ પ્રમુખના પ્રવચનમાં કલકત્તા યુનિવર્સિટીના ઉપકુલપતિ પ્રો. સિદ્ધાંત (તેઓ અંગ્રેજી સાહિત્યના અચ્છા જાણકાર છે) બંગાળી સાહિત્યના વિવિધ સ્વરૂપોની રૂપરેખા આપશે અને બંગાળમાં અન્ય કળાપ્રકારોની પ્રવૃત્તિઓનો પરિચય કરાવશે. પછી સાંજે કવિસંમેલન પ્રસિદ્ધ બંગાળી કવિ પ્રેમેન્દ્ર મિત્રના પ્રમુખપદે મળશે. આ લખનાર એનું ઉદ્ઘાટન કરશે. એમાં બંગાળી અને ગુજરાતી કવિઓ ભાગ લેશે. (બંગાળી કાવ્યોનો ગુજરાતી અનુવાદ અને ગુજરાતી કાવ્યોનો બંગાળી અનુવાદ રજૂ કરવાની વ્યવસ્થા પણ વિચારી છે.) બીજે દિવસે સવારે બંગાળી સાહિત્ય વિભાગનું ઉદ્ઘાટન ગુજરાતમાં બંગાળી ભાષાના અભ્યાસી અને અનેક સુંદર બંગાળી સાહિત્યકૃતિઓના અનુવાદક નગીનદાસ પારેખ કરશે અને પ્રમુખપદે પ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર બિભૂતિ મુખર્જી હશે. જ્યારે ગુજરાતી સાહિત્ય વિભાગનું ઉદ્ઘાટન રસિકલાલ પરીખ કરશે. (કોઈ બંગાળી નહિ? બંગાળમાં ગુજરાતી ભાષાસાહિત્યનો કોઈ અભ્યાસી વહેલામાં વહેલી તકે જન્મે એમાં બંગાળનું અને ગુજરાતનું પણ સદ્ભાગ્ય છે. પણ એ ક્ષણ માટે હજુ સહેજ રાહ જોવી રહી.) એના પ્રમુખસ્થાને કવિ ઉમાશંકર જોશી હશે. પ્રથમ દિવસે જ કલાપ્રદર્શનનું ઉદ્ઘાટન થશે. કલાપ્રદર્શનનું સ્થળ છે અખંડાનંદ હૉલ. અધિવેશનના ચારે દિવસ આ કલાપ્રદર્શન ખુલ્લું રહેશે. એમાં બંગાળી અને ગુજરાતી ચિત્રકારો અને શિલ્પીઓની કલાકૃતિઓ રજૂ થશે. ગુજરાતની અનેક કલાકારીગરીની કૃતિઓ પણ રજૂ થશે. કલાપ્રદર્શનની વિશિષ્ટતા એનો પુસ્તક વિભાગ છે. એમાં તાજેતરમાં પ્રસિદ્ધ થયાં હોય એવાં બંગાળી પુસ્તકો રજૂ થશે. અને આજ લગીમાં બંગાળીમાંથી ગુજરાતીમાં અનુવાદ થયો હોય એવાં અનુવાદ-પુસ્તકો પણ રજૂ થશે. અહીં ગુજરાતના પુસ્તકાલય મંડળને આજ લગીમાં બંગાળીમાંથી ગુજરાતીમાં અનુવાદ થયો હોય એવા એકેએક અનુવાદ-પુસ્તકની યાદી તૈયાર કરી-કરાવીને પ્રગટ કરવાની વિનંતી કરવાની આ પ્રસંગે તક ન લેવાય? એક મધુર અકસ્માત છે કે આપણી એક પ્રકાશનસંસ્થાએ અધિકારી અનુવાદકો દ્વારા જેનો અનુવાદ થયો હોય એવી શરદબાબુની ૨૬ નવલકથાઓનો એક સમુચ્ચય ‘શરદ ગ્રંથાવલિ’ને નામે આ વર્ષે જ પાંચ ભાગમાં પ્રગટ કર્યો છે. બીજે દિવસે સાંજે સંગીત અને કળા વિભાગનું ઉદ્ઘાટન શાન્તિનિકેતનના પ્રસિદ્ધ આચાર્ય શાંતિદેવ ઘોષ કરશે. એમાં ગુજરાતના પ્રસિદ્ધ કલાશિક્ષક રવિશંકર રાવળ અતિથિવિશેષ હશે અને પ્રમુખસ્થાને બંગાળના પ્રસિદ્ધ કલાવિવેચક રાજ્યેશ્વર મિત્ર હશે. શાંતિદેવ ઘોષ અને એમના અન્ય મિત્રો અહીં ચાર દિવસ રોકાશે. આશા છે કે અમદાવાદના રવીન્દ્રસંગીતપ્રેમીઓ એમનો જેટલો શક્ય એટલો બધો જ લાભ લેશે. એ જીવનનો એક લ્હાવો છે. ત્રીજે દિવસે સવારે સમાજ અને સંસ્કૃતિ વિભાગનું ઉદ્ઘાટન મગનભાઈ દેસાઈ કરશે અને પ્રમુખસ્થાને દક્ષિણારંજન બોઝ હશે. સાંજે બાલ સાહિત્ય વિભાગનું ઉદ્ઘાટન રમણલાલ સોની કરશે અને પ્રમુખસ્થાને લીલા મઝૂમદાર હશે. ઉપરાંત ત્રણ દિવસ રોજ રાતે રાસ, ગરબા નૃત્ય અને નાટકના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે તથા ચોથા દિવસે નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

૨૧ ડિસેમ્બર ૧૯૫૭


*