સ્વાધ્યાયલોક—૬/વરસનો કાવ્યવ્યાપાર
આપણી ભાષામાં ૧૯૫૬ના વરસનો કાવ્યવ્યાપાર કેવોક છે એનો કંઈક ક્યાસ ‘કવિતા ૧૯૫૬’માંથી કાઢી શકાય. આજની આપણી કવિતાની ખૂબીઓ અને ખામીઓનો આ વાર્ષિક કવિતાસંચય અચ્છો ખ્યાલ આપે છે. સંપાદક શ્રી સુરેશ દલાલ ૧૯૫૩થી આપણી કવિતાના આવા વાર્ષિક સંચયો પોતાને હિસાબે ને જોખમે પ્રગટ કરે છે. આ એમનો ચોથો સંગ્રહ છે. પોતે કવિતા લખે છે એમનો કવિતાપ્રેમ સાચો છે એનો પુરાવો આ સંચયો છે. કોઈ પણ ભાષાની કવિતાની આબોહવા કેવીક છે એ જોવા-જાણવાનું ઉત્તમ સાધન આવા સંચયો છે. અંગ્રેજી ભાષામાં એડવર્ડ માર્શના ‘જોર્જીઅન પોએટ્રી’ (૧૯૧૧-૧૯૨૨)ના પાંચ સંચયો, ૧૯૨૨થી ટોમસ મોલ્ટર્નના ‘ધ બેસ્ટ પોએમ્સ’ના વાર્ષિક સંચયો (હમણાંથી અદૃશ્ય થયા છે!) અને ૧૯૫૨થી પી. ઇ. એન. તરફથી ‘ન્યૂ પોએમ્સ’ના વાર્ષિક સંચયો પ્રગટ થતા રહ્યા છે. ૧૯૫૩થી આપણી સાહિત્ય અકાદમી ભારતની ભિન્ન ભિન્ન ૧૪ ભાષાઓની દસદસ કવિતાનો વાર્ષિક સંચય ‘ભારતીય કવિતા’ પ્રગટ કરે છે. આવા સંચયો સર્વત્ર અને સર્વદા અભિનંદનીય છે. આવા સંચયોની એક મુખ્ય મર્યાદા એના સંપાદકની રુચિ-અરુચિ છે. પણ એ મર્યાદા અનિવાર્ય છે. એ તો આનાકાની વિના સ્વીકારી લેવી જ રહી. પણ સંપાદકની એક અન્ય મર્યાદા પણ છે કે જે વિશે કદાચને સંપાદકને પોતાને પણ અસંતોષ હોય. વરસમાં સમારંભો અને સામયિકોમાં મૌખિક કે મુદ્રિત રૂપે જે રચનાઓ રજૂ થાય એટલું જ એનું કાર્યક્ષેત્ર, એમાંથી જ પસંદગી કરવાની એટલે મને કે કમને આ સમારંભો અને સામયિકોની મર્યાદા સંપાદકે સ્વીકારવી જ રહી, જેમ આપણે એની રુચિ-અરુચિની મર્યાદા સ્વીકારવી જ રહી તેમ. આપણા કવિતાના સમારંભોમાં સભારંજની એટલે કે હળવી કે હલકી કૃતિઓ રજૂ કરવાનો આપણા કવિઓને હજુ પણ વિશેષ રસ છે. એ કૃતિઓમાં કવિતા ન હોય એમાં શી નવાઈ! અત્યારનાં આપણાં સામયિકો કેવી કક્ષાનાં છે તે સૌ જાણે છે. અત્યારનાં આપણાં ઘણાં સામયિકો બાલમાનસ ધરાવે છે, કહો કે બાલિશ છે. કોઈને લોકશિક્ષણ તો કોઈને ધર્મ, તો કોઈને સાંપ્રદાયિક પ્રચારનો વળગાડ છે. નવો વિચાર, નવી વાસ્તવિકતા, નવું બૌદ્ધિક સાહસ આદિને એમાં સ્થાન નથી. કોરી જગા પડી હોય તો ક્યાંક કવિતાનો રસ પીરસ્યાનો લ્હાવો પણ તંત્રીઓ લે છે. તો કોઈક વળી એમના નિષ્ક્રિય વાચકોને નિયમિત કાવ્યરસ પાયાની ધન્યતા અનુભવે છે. આમ, સાચી અને સાહસિક કવિતા પ્રગટ ન થાય એની કવિઓ અને તંત્રીઓ પૂરેપૂરી કાળજી લે છે. પછી વાર્ષિક સંચયનો સંપાદક શું કરે? ના, ‘કવિતા ૧૯૫૬’ના સંપાદક પર કોઈ સંકુચિતતાનો આક્ષેપ તો નહિ જ કરી શકે. તેઓ ઉદાર, અતિઉદાર છે. ‘કવિતા ૧૯૫૬’માં ૫૮ પાનાંઓમાં ૪૭ કવિઓની ૮૩ કૃતિઓ છે. (હવે પછીના સંચયમાં સંખ્યા ઓછી કરીને ગુણવત્તા વધારી ન શકાય?) નર્યા અકાવ્યના અનેક આબાદ નમૂના એમાં હાજર છે. આશ્વાસન એટલું છે કે વરસની કોઈ પણ સારી કૃતિ ભાગ્યે જ એમાં ગેરહાજર હોય! જો કે અહીં જે કૃતિઓ છે તે કવિઓની સારામાં સારી કૃતિઓ ન પણ હોય. ૧૯૫૬ની સારામાં સારી કૃતિઓ કવિઓની કાવ્યપોથીમાં અપ્રગટ જ પડી હોય! અહીં જે વિચારો સૂઝ્યા છે તે આ ૮૭ કૃતિઓ પરથી જ સૂઝ્યા છે. એમને આજની સમગ્ર ગુજરાતી કવિતા કે આજના સૌ ગુજરાતી કવિઓ સાથે કંઈ જ સંબંધ નથી. અહીં જે કૃતિઓ છે એ પરથી કહી શકાય કે અત્યારે કયા કવિઓએ વનપ્રવેશ કર્યો છે, કયા કવિઓને બેતાલાં આવ્યાં છે, કયા કવિઓનો હાથ કાચો છે કે હજુ કેળવાયો નથી, કલમ પર બરાબર બેઠો નથી. એ પણ કહી શકાય કે પાકી વયના કવિઓ કાચી કવિતા કરે છે ને કાચી વયના કવિઓ પાકી કવિતા કરે છે. અમુક સમય પછી અમુક પ્રકારનું વસ્તુ અને અમુક પ્રકારનું સ્વરૂપ કાલગ્રસ્ત ગણાય એટલે કે અસ્વીકાર્ય ને અપ્રમાણિક ગણાય એટલું સામાન્ય જ્ઞાન કે ભાન પણ જેમને ન હોય એવા કેટલાક ભોળા, ભાવુક ને ભલા જીવને પણ કવિ થવાનો કેવો મોહ હોય છે! અહીં કવિતા કરતાં કવિતાનો આભાસ વિશેષ છે. અહીં મધ્યકાલીન માનસ છે. યોગ, માયા, પરમેશ્વર આદિ વિશે માત્ર અર્થહીન પરિભાષાનો ઉપયોગ એટલે કે કૃતક-રહસ્યવાદ છે. રાધાકૃષ્ણની ગવાયેલી – ચવાયેલી જરીપુરાણી જુનવાણી પ્રેમલક્ષણા ભક્તિ છે. પ્રકૃતિ અને ગોપસૃષ્ટિનાં સામાન્ય સપાટિયાં વર્ણનો છે. એટલે કે કૃતક – લોકગીતશાઈ છે. પોકળ પ્રશસ્તિઓ છે. ગઝલોની સસ્તી મસ્તી છે. ‘અહમ્’ની પામરતાનું પ્રદર્શન છે. ક્ષણિક લાગણીને પાળવા પંપાળવાનું પ્રલોભન છે. એકાદ વિચારને વટાવી નાખવાની નરી લોલુપતા છે. વાગ્મિતા છે, વાગાડંબર છે. કાવ્યાભાસી પદાવલિ છે, પ્રચલિત શબ્દપ્રયોગો છે. છાપાળવાપણું છે. છીછરા છંદો છે, પોલાં પ્રતીકો છે, લયનો લોચો છે. પ્રાસનો ત્રાસ છે. પરિણામે આ સંચયમાં મુખ્યત્વે ગીતો, ગઝલો અને મુક્તકો જ માત્ર છે. કેટલુંક સૂચક છે. એના એ જ ભાવ, એના એ જ વિચાર, એનાં એ જ સ્વરૂપો — પરિણામ? નરી નીરસતા! કોઈપણ વાર્ષિક સંચયનું આ સદ્ભાગ્ય છે! ‘પુષ્કળ કવિતા માત્ર…’ એ બલવન્તરાયના કાવ્ય ‘પૂછું મને કટેવ’માં જે વર્ણનો છે એના અનેક આબાદ નમૂના અહીં છે. જાણે કે આટલે વર્ષે પણ કવિઓનું એ આહ્વાન ન હોય કે ‘લખું મને કટેવ’! ટૂંકમાં, અહીં કેટલીક નરસિંહ-મીરાંના સમકાલીન ઉપકવિઓની અને કેટલીક દયારામના સમકાલીન ઉપકવિઓની કૃતિઓ છે. અને સંચયનું નામ છે ‘કવિતા ૧૯૫૬’ તો શું આ સંચયમાં ૧૯૫૬ની કવિતા નથી? અલબત્ત, છે જ સ્તો! જેમાં અર્વાચીન માનસનો મિજાજ હોય, સમકાલીન સંવેદન હોય, સર્જક અવનવીનતા હોય, સાચો સાહસિક અને પ્રમાણિક પ્રયોગ હોય, વસ્તુ અને સ્વરૂપની મૌલિકતા હોય, વાસ્તવિકતા હોય, પ્રતીતિજનકતા હોય, સ્પર્શક્ષમતા હોય, ઘનતા હોય; એક જ શબ્દમાં જેમાં કવિતા હોય એવી અડધો ડઝન કૃતિઓ આ સંચયમાં છે? જેમાં ભાષાના કલ્પનાત્મક અને સર્જનાત્મક ઉપયોગ દ્વારા એની સમૃદ્ધિમાં સહેજ પણ વૃદ્ધિ થાય એવી અલ્પસંખ્ય કૃતિઓ આ સંચયમાં છે? ભાષાની કોઈ નવીન શક્તિ કે શક્યતા, ગજુ કે ગુંજાયશ પ્રગટ કરે એવું કંઈ છે? આ પ્રશ્નો તો કોઈપણ સંચય વિશે અનિવાર્ય પૂછવાના રહે. અને જો એનો સંતોષકારક ઉત્તર સાંપડે તો જ સંચય સાર્થ થાય. ‘જુદાઈ ક્યાં?’ કૃતિમાં ૧૯૫૬માં આપણી રાષ્ટ્રીય એકતાની જે કરુણ સ્થિતિ હતી અને હજુ છે એના સંદર્ભમાં એક સુન્દર કાવ્યક્ષમ વિચાર છે, પણ એની એટલી સુન્દર અભિવ્યક્તિ નથી. એનાં બે મુખ્ય કારણો છે : અર્થહીન પુનરાવર્તન અને ગદ્યાળુતા. એમાં કવિનો હાથ વરતાતો નથી, કવિનો અવાજ સંભળાતો નથી. એથી એમાં કાવ્યનો રણકો નથી. ‘આવ્યો છું તો’માં સુન્દર કાવ્યક્ષમ ભાવ છે. સરલતા છે, સ્વાભાવિકતા છે. પણ એક અંતિમ પંક્તિ ‘ગહનમાં ગળતો જાઉં!’થી આ સર્વ ગુણોને વેડફવાની ઉડાઉગીરી છે. ‘વળાવી બા આવી’માં માનવપ્રેમ ધબકે છે. પણ વિષય તદ્દન સામાન્ય છે. ‘શું શું સાથે લઈ જઈશ હું?’માં માનવજીવનનો આનંદ અને ધન્યતા છે પણ નાયકના પ્રવાસી આત્માના પૃથ્વી પરના અનુભવોની વ્હીટમેનિક યાદી છે જે ગમે તેટલી લાંબીટૂંકી કરી શકાય (વળી કૌંસમાં બ્રાઉનીગેસ્ક વિચાર પણ છે!) એ એની મર્યાદા છે. સંચયની સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી અને સૌથી વધુ સફળ કૃતિઓ છે : ‘આ આયનામાં’, ‘અશ્વ’ અને ‘છિન્નભિન્ન છું.’ (આ ત્રણ કૃતિઓ પરંપરિત માત્રામેળ છંદમાં છે એ સૂચક છે. અત્યારે કવિનું મનોગત વ્યક્ત કરવા માટે અક્ષરમેળ છંદો કરતાં માત્રામેળ છંદો કવિઓને વધુ અનુકૂળ અને સફળ લાગે છે.) ‘આ આયનામાં’ ૧૯૫૬માં મુંબઈ-અમદાવાદમાં આપણી પામરતાનું આપણે વિરાટ પ્રદર્શન જોયું. આપણે આપણામાંનો પશુ પ્રગટ કર્યો એના સંદર્ભમાં આ કૃતિ વિશેષ સમજાય એવી શક્યતા છે. કવિ આપણી સામે આપણા સાચા સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવવા આયનો ધરે છે. અથવા તો કવિ આત્મસંભાષણ કરે છે અને એમાં સાથોસાથ આપણી પણ વાત કરે છે. પૂછે છે. ‘આ આયનામાં શું જુવે છે?’ (મેરીઅન મૂરના કાવ્યની જેમ આ કાવ્યમાં કાવ્યનું શીર્ષક એ કાવ્યની પ્રથમ પંક્તિનો જ ભાગ છે.) કવિ જાણે છે કે આપણને સગી બે આંખે, એ આંખો છતાં તો આપણે આંધળા જ છીએ એથી આપણામાં જે વન છે તે નહિ જડે. પછી ‘મળ્યું?’ એમ પૂછીને ખાતરી કરે છે. આપણને વન જડશે તો ય એમાં પશુ નહિ જડે એથી કહે છે, ‘બરાબર જો’, અને પછી પશુનું વિગતે વર્ણન કરે છે અને ચેતવે છે (કવિની સહાનુભૂતિ સ્પષ્ટ છે) કે આ પશુને શોધવા માટે ઝીણી નજર જરૂરી છે પણ એ પશુને પકડી રાખવા માટે એથી પણ વધુ ઝીણી નજરની જરૂર છે અને જો આ પશુ છટકી ગયું તો… સર્વનાશ ને સાથે સાથે આત્મનાશ. જવાબ આપણે જાન્યુઆરી અને ઑગસ્ટ ૧૯૫૬માં જાણી લીધો છે. અત્યારે આપણા સમાજમાં જે અસંયમ પ્રગટ્યો છે એ પ્રત્યે આ કાવ્યમાં એકસાથે કટાક્ષ અને કરુણા છે. અભિવ્યક્તિમાં નાટ્યાત્મકતાની નવીનતા, આધુનિકતા છે. ‘અશ્વ’ એ અશ્વનું આબેહૂબ વાસ્તવિક ચિત્ર તો છે જ પણ સાથેસાથે આજના યુગમાં સ્થાનભ્રષ્ટ અને માનભ્રષ્ટ થયેલા મનુષ્યનું એક અત્યંત વાસ્તવિક અને એટલું જ કરુણ અને સંપૂર્ણ પ્રતીક છે. કવિ એટલો તો કંપે છે કે ‘હોટલે ચ્હાની હૂંફાળી બાષ્પને’ રોકવા ચાહી રહે છે. ત્યાં જ સામે ગાડીએ જોતરેલો અશ્વ અસહાયતા અને લાચારીથી અનિવાર્યપણે વરસાદના પાણીમાં ભીંજાય છે. એની કેશવાળીની ઉપમા ‘બ્રશ સમી કાપેલ’માં કવિએ એના કૃત્રિમ યંત્રવત્ જીવનની કરુણતા વ્યક્ત કરી છે. અને પછી ‘ક્યારનો ડૂબી ગયો એ હોત’ એમ કહીને કૌંસમાં એટલે કે કાનમાં કહ્યું છે, ‘તો એય પણ કૈં ઠીક જેવું થાત’ ત્યાં કવિની કરુણા પરાકાષ્ઠાએ પહોંચે છે. એમાં અશ્વની નિ:સારતાને કારણે સાચી સઘન સહાનુભૂતિ પ્રગટે છે. અને પછી શીતમાં એનું પુચ્છ — આખી કાય ધ્રૂજી ઊઠે છે ‘અગ્નિની જ્વાળા’ની જેમ. આ ઉપમામાં જે નથી તેનું સ્મરણ કરીને, જેનો અભાવ છે એનો ઉલ્લેખ કરીને વેદનાને વધારી મૂકે છે. અને પછી અશ્વની — અને કવિની નહિ? — વિમાસણ વ્યક્ત થાય છે. ‘સૂર્યનો રથ જે વહે તે સપ્તમાંથી એક પોતે ક્યાંથી અહીં આવી પડ્યો!’ અંતિમ શબ્દ છે ‘પડ્યો’. કાવ્યનો વિષય છે પતન, અધ:પતન; અશ્વનું અને મનષ્યનું. બન્ને કયાં હોવા જોઈએ અને કયાં છે? અને કોણ જાણે શાથી? કવિને અભિપ્રેત હોય કે ન હોય પણ સૌથી કરુણ સ્થિતિ સૂર્યની છે. હવે છ અશ્વથી એનો રથ કેવો ચાલતો હશે? અવ્યવસ્થિત મનુષ્ય જો સ્થાનભ્રષ્ટ ને માનભ્રષ્ટ થાય તો ઈશ્વરનો આ સંસાર લથડે કે નહિ? કેટલો કરુણ વેધક વ્યથાનો પ્રશ્ન છે! સંચયનું સર્વશ્રેષ્ઠ કાવ્ય છે ‘છિન્નભિન્ન છું’. કવિની બૌદ્ધિક પ્રમાણિકતા એના કેન્દ્રમાં છે. જીવનના અને કવનના આરંભે ‘વ્યક્તિ મટી હું બનું વિશ્વમાનવી’ની ભાવના ગાનાર કવિ હવે અધવચ આવીને એકરાર કરે છે કે ‘છિન્નભિન્ન છું’. વિશ્વમાનવી તો વેગળો રહ્યો પણ વ્યક્તિ પણ એકકેન્દ્ર નથી. ‘માની લીધેલી એકતા વ્યક્તિત્વની શતખંડ ત્રુટિત મેં નજરોનજર દેખી લીધી છે.’ એમ પ્રમાણિકપણે પોકારે છે. ‘થઈ ર્હેવું નિર્ભ્રમિત એ ય અમોઘ જ્ઞાન’ અને ‘યથાર્થ જ સુપથ્ય એક’ એમ આગળ ગાનાર કવિમાં જ આટલી સત્યપ્રિયતા ને પ્રમાણિકતા હોય! આરંભની ઉપમાઓ પછી ‘સ્વિચ ઑફ્ કરી દઉં’ અને ‘બુલબુલાટ’ જેવા પ્રયોગો; રાગ-દ્વેષ – ભયની ત્રિમૂર્તિને સંબોધનો પછી ‘કખગઘનેયે’ અને ‘કિચૂડ ખટ-ચૂં કિચૂડ-ચૂં-ખટ’; ‘પ્રિયતમ શ્રીમાન, દ્વિ તી ય — હૃ દ ય અને ભૂતપૂર્વ’ નો પરિચય અને પછી કવિ અને દુનિયા — બન્નેની દુનિયાદારી; અંતે ‘કોણ જાણે?’ અને ‘કદાચને ના કરી શકે તો…’ની અશ્રદ્ધા તથા આરંભના એકરારનું પુનરાવર્તન ‘છિન્નભિન્ન છું’ આદિ કાવ્મયય તત્ત્વો દ્વારા આ કૃતિમાં વસ્તુની એકતા અને સ્વરૂપ(બોલચાલની બાની અનિવાર્ય છે કારણ કે આ આત્મસંભાષણ છે)ની સચ્ચાઈ તથા કાવ્યનું સૌંદર્ય સિદ્ધ થાય છે. છંદ છિન્નભિન્ન લાગે છે પણ ઝીણવટથી જોતાં જણાશે કે એમાં અનેક છંદોના ઘટકો દ્વારા એક પ્રકારનો સંવાદ છે. કવિનું વ્યક્તિત્વ છિન્નભિન્ન લાગે છે પણ ઝીણવટથી જોતાં બૌદ્ધિક પ્રમાણિકતા એ જ શું વ્યક્તિત્વની એકતા નથી? અથવા તો એની આશા કે શક્યતા નથી? અનેક એકરારો દ્વારા એ વ્યક્તિત્વ કંઈક એકકેન્દ્ર થાય છે. કમમાં કમ આ કાવ્ય રચ્યા પછી કવિનું વ્યક્તિત્વ પૂર્વે હતું એથી કંઈક ઓછું છિન્નભિન્ન હશે. આમ, આ અને આવાં કાવ્યો જ સાચા અર્થમાં આધ્યાત્મિક અનુભવોની આત્મકથા છે. આ ત્રણે કૃતિઓ એમની વિચારની સઘનતા, ભાવની તીવ્રતા અને અનુભવની ગહનતાને કારણે ગુજરાતી ભાષામાં જે ૧૯૫૬ના વરસનો કાવ્યવ્યાપાર થયો એની સિદ્ધિઓ છે. એકંદરે એમ કહી શકાય કે ગુજરાતના કવિનું કાળજું ઠેકાણે છે.
૨૦ એપ્રિલ ૧૯૫૭