હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/એ સકળ કથા ય જીવનની છે અને અણકથી બધી વાત પણ
Jump to navigation
Jump to search
એ સકળ કથા ય જીવનની છે અને અણકથી બધી વાત પણ
એ નિખાર મેઘધનુનો પણ એ હવાના રંગની ભાત પણ
હું ય આગિયાની ઝબક વિશે હું ય ઓસબુંદમાં ઝગમગું
ઢળે એની આંખમાં રાત પણ લસે એની આંખે પ્રભાત પણ
એ તો ભરતીઓટમાં હલચલે અને સ્થિર મોતીની છીપમાં
એ ઝળાંઝળાં છે લહર લહર એ ચમક દમક છે અજાત પણ
વળી પથ્થરોમાં એ ઝાંખરે વળી પળ કૂંપળમાં એ વાયરે
એ બીડેલી આંખમાં મૌન છે એ ઊઘડતા હોઠમાં વાત પણ
જે વહે નહીં એ વહન છે એ જે છીપે નહીં એ તરસ છું હું
એ અભયનું દાન છે શિર ઉપર અને શિર ઉપર છે એ ઘાત પણ
છંદવિધાન
લલગાલગા લલગાલગા લલગાલગા લલગાલગા