‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/`રૂપાંતર’ વિશે : નીતિન મહેતા
નિતીન મહેતા
[અમૃત ગંગર, વિશે]
સંપાદકશ્રી, એપ્રિલ-જૂન ૨૦૦૯ના અંકમાં આવેલું ‘પ્રત્યક્ષીય’ સદ્. જયંત ગાડીતનું ઉચિત પરિપ્રેક્ષ્યમાં આંતરદર્શન કરાવે છે. જયંતભાઈના વ્યક્તિત્વનાં કેટલાંક ઉત્તમ પાસાંઓ, એમનો વિદ્યાવ્યાસંગ, પોતાની સાહિત્ય-કળા વિશેની ચોક્કસ માન્યતાઓ ઇત્યાદિ પાસાંઓની તમે સમભાવથી નોંધ લીધી છે. અને વિવેચક જયંત ગાડીત વિશેનાં તમારાં નિરીક્ષણો પણ ખૂબ ગમ્યાં. આ જ અંકમાં અમૃત ગંગરનો ‘મેઘે ઢાકા તારા’ લેખ નવલકથા તથા સિનેમાના માધ્યમની ભિન્નભિન્ન વિશેષતાઓને ઉજાગર કરે છે. સિનેમાકળાનું માધ્યમ વિશિષ્ટ છે, એની ભાષા જુદા જ પ્રકારની છે. બન્નેનાં કથનવર્ણન જુદી જુદી રીતે કળા સિદ્ધ કરવાની મથામણો કરે છે. નવલકથા એ સિનેમાની Pretext છે. ઘણી વાર આપણે ત્યાં સિનેમાની ચર્ચામાં કેટલાક ભાવકો માત્ર સિનેમાનો સાર કહી જાય છે અને એનું અર્થઘટન આપી જાય છે. અમૃત ગંગરે ‘મેઘે ઢાકા તારા’ની દરેક ફ્રેમની વિશેષતા તપાસી છે, તેના કથાતત્ત્વને તથા પાત્રના સંવેદનને મૂર્ત કરતી સિનેમેટોગ્રાફી સંગીતનું તત્ત્વ એ પાસાંઓ સાથે ઋત્વિક ઘટકે કેવું કામ કર્યું છે ને ભારતીય સિનેમામાં તેનું પ્રદાન કેવું છે તે એક પછી એક દૃશ્યોની કલાકીય મીમાંસા દ્વારા દર્શાવી આપ્યું છે. સાથે સાથે કૅમેરો સ્વયં પાત્રોનાં જીવનના જુદા જુદા સમયોને કેવો જીવંત બનાવતો જાય છે તેનું વર્ણન, ફેલિતોની ફિલ્મ તથા ઋત્વિક ઘટકની આ તથા અન્ય ફિલ્મનાં સંગીતનાં આંતરમિશ્રણો, રચનાનું આંતરકૃતિત્વ કયા કયા કેન્દ્રો પર રહી ફિલ્મને Classic બનાવે છે તેની નોંધ સભાનતાથી લેવાઈ છે. વિસ્થાપન ને નિર્વાસન અંતે મૃત્યુની ત્રિજ્યામાં એકાકાર થઈ છે તે નોંધ પણ અર્થઘટનની શક્યતાઓને ઉઘાડી રાખે છે. અમૃત ગંગરની સંદર્ભ નોંધમાંથી ૧૬મી નોંધ વાંચતાં સાર્ત્રની એક વાતનું સ્મરણ થઈ આવ્યું. એક ઓરડામાં પથ્થર મૂકવા માટે આપણે કયો અવકાશ પસંદ કરીએ છીએ, એક પથ્થર ઓરડાના વાતાવરણને, અવકાશને જુદી જુદી જગ્યાએ ગોઠાવતાં કેવો બદલી નાખે છે તે વાત ‘વૃક્ષ’ના સંદર્ભ જુદી રીતે તપાસી શકાય. આમ તો ઘણું લખી શકાય પણ અહીં અટકું. એ બાબતની મારી ક્ષમતા ઓછી.
મુંબઈ : ૧૫ નવેમ્બર ૨૦૦૯
– નીતિન મહેતા
[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૦૯, પૃ. ૩૯-૪૦]