અનુનય/મિત્રો કહે છે કે –

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મિત્રો કહે છે–

મિત્ર કહે છે : તારી કવિતામાં
ઊંડું જીવનદર્શન નથી,
ગંભીર ચિન્તન નથી,
જ્ઞનું ડહાપણ નથી.

વાત ખરી છે :
હજી હું અજ્ઞાનના ‘અ’થી
આશ્ચર્યના ‘આ’ સુધી જ પહોંચ્યો છું —

જુઓને
આ ગુલાબના છોડ ઉપર
સાંજે મેં જે કળી જોઈ
તે સવારે આંખ ઉઘાડીને
મને જોઈ રહે છે!

આ એક કીડી
કોણ જાણે ક્યાંથી આવીને
ઊંચે મૂકેલા ગોળના ડબ્બા સુધી પહોંચી ગઈ!

ઘરમાં ચકલીના માળામાંથી
એક સવારે અચાનક
ચીંચીં કરતી ચાંચ બહાર ડોકાઈ!

આ બિલાડીનું બચ્ચું
મારા પગને ઘસાઈને
ગોળ ગોળ ફર્યા કરે છે!

આવાં આવાં આશ્ચર્યોથી
ઘેરાયેલો હું
ડહાપણના ‘ડ’ સુધી ક્યાંથી પહોંચું?!
 – પહોંચવામાં ડહાપણ છે
એવા ડહાપણથી પણ
હું હજી બહુ દૂર છું કદાચ.

૫-૭-’૭૫