અનુનય/ઘરમાં બાળકનું આગમન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઘરમાં બાળકનું આગમન

ઘણાં વરસથી ઘર વ્યવસ્થિત હતું,
મોટેરાં આચારસંહિતાનું
ચુસ્ત પાલન કરતાં હતાં :
પલંગ ઉપર કૂદાકૂદ ન થાય
ચાદર મેલી ન કરાય
પુસ્તકો રખડતાં ન રખાય
એનાં પાનાં વળાય નહીં, ફડાય નહીં
કોઈ વાંચતું હોય ત્યારે ઘાંટા પડાય નહીં
કારણ વગર હસાય નહીં
કારણ વગર રડાય નહીં
શિસ્તભંગ એટલે શિષ્ટતાનો ભંગ!
 
પણ આ અવનીનું આગમન
એટલે અચલાયતન ઉ૫ર આક્રમણ!
એણે તો આવતાંવેંત જ
આચારસંહિતા ઉપર છાપો માર્યો
એનાં ઘણાં પાનાં ફાડી નાખ્યાં–
હવે પલંગની ચાદર મેલી થાય છે
પુસ્તકો આખા ઘરમાં ફરે છે
દેવો હવે રમકડાં સાથે
રખડવા નીકળી પડે છે!

એ હસે છે રડે છે ત્યારે
કાર્યકારણનું અમારું આખું
વ્યાકરણ જ રદ થઈ જાય છે!
એનું એક એક પગલું
એટલે શિસ્તભંગનું પગલું –

પગલે પગલે
વ્યવસ્થા પાતાળમાં ચંપાઈ જાય છે.
ભગવાન બડો શરારતી છે (કવિ છે ને!)
એને ય તે
ચપોચપ વ્યવસ્થા નહીં, લીલા ગમે છે!

૨૮-૧૨-’૭૫