અન્વેષણા/૩. વેદ, ઋત અને વરુણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search





વેદ, ૠત અને વરુણ



वेद શબ્દ સંસ્કૃત ક્રિયાપદ विद् ‘જાણવું’ એ ઉપરથી થયો છે અને એનો શબ્દાર્થ થાય છે ‘જ્ઞાન’. લક્ષણાથી હિન્દુઓના પ્રાચીનતમ અને સર્વમાન્ય ધર્મગ્રન્થો वेद તરીકે ઓળખાય છે. श्रुति એટલે શ્રવણક્રિયા. વેદકથિત સત્યોનું પ્રાચીન કાળના ઋતુઓને પ્રત્યક્ષ શ્રવણ થયું, માટે वेदનો પર્યાય श्रुति પણ છે. વેદના મંત્રોનું કેટલીક પ્રતિભાશાળી વ્યક્તિઓને ‘દર્શન’ થયું, તેથી ॠषीणाम् इदम् आर्षम् એ ન્યાયે વેદની વાણી ‘આર્ષ’ વાણી કહેવાય છે, અને એ ‘દર્શન’ કરનાર વ્યક્તિઓ ‘મંત્રદ્રષ્ટા ઋષિઓ’ તરીકે ઓળખાય છે. વેદમંત્રોનું દર્શન કે શ્રવણ અમુક ઋષિઓને થયું હોવા છતાં, આ કારણે, વેદ અપૌરુષેય અથવા ઈશ્વરપ્રણીત ગણાય છે. વેદ એ મનુષ્યપ્રણીત નથી, પણ પરમાત્માનો પોતાનો ઉદ્ગાર કે ‘નિ:શ્વસિત’ છે એમ ‘બૃહદારણ્યક ઉપનિષદ’ કહે છે. એ જ વસ્તુ પૌરાણિક કથાઓમાં એમ કહેવાઈ કે બ્રહ્માનાં ચાર મુખમાંથી ચાર વેદ ઉદ્ભવ્યા છે. વેદની આજ્ઞાઓ ‘પ્રભુસંમિત’ અર્થાત્ માલિકની આજ્ઞાઓ જેવી નિશ્ચિત અને સર્વમાન્ય છે, અને તેથી આપણી ચાલુ ભાષામાં કોઈ પણ નિશ્રિત વિધાન કે આજ્ઞાને ‘વેદવાક્ય’ કહેવામાં આવે છે. વેદો ચાર છે : ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. દેવોને ઉદ્દેશીને થયેલી પ્રાર્થનાઓ કે સ્તુતિઓના એ સંગ્રહ છે. આવા સંગ્રહને ‘સંહિતા’ નામ આપવામાં આવ્યું છે. એમાં સૌથી પ્રાચીન અને મહત્ત્વની છે ઋગ્વેદસંહિતા. ઋગ્વેદસંહિતા એટલે ‘ઋચાઓ’નો અર્થાત્ દેવતાઓની સ્તુતિપ્રાર્થનાઓનો સંગ્રહ. એનાં દશ ‘મંડલ’ અથવા ભાગ છે. એમાં બધાં મળી ૧,૦૧૭ સૂક્તો છે અને ૧૦,૬૦૦ ઋચાઓ છે. બીજાથી સાતમા મંડળ સુધીના મંત્રોના દ્રષ્ટાઓ અનુક્રમે ગૃત્સમદ, વિશ્વામિત્ર, વામદેવ, અત્રિ, ભરદ્વાજ અને વસિષ્ઠ ગોત્રના ઋષિઓ છે. આઠમું મંડળ કાણ્વ ગોત્રના ઋષિઓનું જણાય છે. પહેલું, નવમું અને દસમું એ ત્રણ મંડળો જુદા જુદા ઋષિઓનાં છે. સામ એટલે ‘ગાયન’. સામવેદ એ યજ્ઞ વખતના ગાનનો વેદ છે. સામવેદનું, સ્વતંત્ર સંહિતારૂપ મહત્ત્વ મર્યાદિત છે, કેમકે એમાંના માત્ર પંચોતેર સિવાય સઘળા મંત્રો ‘ઋગ્વેદ’માંથી લેવાયેલા છે, અને સોમયજ્ઞમાં ઉદ્દ્ગાતાએ કયા મંત્રનું કયે સ્થાને ગાન કરવું એ દર્શાવવા માટે એની સંકલના થયેલી છે. यजुस् એટલે ‘યજ્ઞની પ્રાર્થનાઓ.’ યજુર્વેદ એ યજ્ઞનો અને યજ્ઞ કરાવનાર અધ્વર્યુનો વેદ હોઈ તેમાં યજ્ઞની ક્રિયાઓનું પ્રાધાન્ય છે. ઋગ્વેદમાંની ઋચાઓ યજુવેદમાં છે, પણ તે ઉપરાંત ગદ્યમાં રચાયેલા બીજા મંત્રો પણ એમાં છે. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણ વેદને પ્રાચીન ગ્રન્થોમાં ‘ત્રયી’ અથવા ‘ત્રયી વિદ્યા’ નામથી ઓળખવામાં આવ્યા છે, એથી ચોથા અથર્વવેદનું મહત્ત્વ પાછળથી સ્વીકારવામાં આવ્યું હશે એમ કેટલાક વિદ્વાનો માને છે. પરંતુ એમાંનો કેટલોક ભાગ ઋગ્વેદ જેટલો જ પ્રાચીન છે એમાં શંકા નથી. બ્રાહ્મણગ્રન્થો, આરણ્યકો અને ઉપનિષદોને પણ વ્યાપક અર્થમાં વેદ અથવા શ્રુતિનો ભાગ ગણવામાં આવે છે. બ્રાહ્મણગ્રન્થો ब्रह्मन् અર્થાત્ યજ્ઞને લગતા છે; વેદના મંત્રો અને યજ્ઞનો વિધિ એ બંનેનો પરસ્પરનો સંબંધ શો છે એ સમજાવવાનો બ્રાહ્મણગ્રન્થોનો ઉદ્દેશ છે. અરણ્યમાં વસીને રચાયેલી અધ્યાત્મચિન્તનની કૃતિઓ તે ‘આરણ્યકો.’ સાધકોએ સાથે બેસીને ‘નિષદ્યાપૂર્વક’ કરેલી એ વેદાન્તની અધ્યાત્મસાધનાનું સાતત્ય ‘ઉપનિષદો’માં છે, અને એ જ વેદાન્તની ફિલસૂફીનો પાયો છે. વેદની પ્રત્યેક સંહિતાનાં બ્રાહ્મણો, આરણ્યકો અને ઉપનિષદો જુદાં જુદાં ગણવામાં આવે છે. આમ, ભારતીય ઇતિહાસ, ધર્મ, ફિલસૂફી, જ્ઞાનવિજ્ઞાન, સદાચાર અને નૈતિક મૂલ્યોનાં મૂળ વૈદિક જીવન અને સાહિત્યમાં છે. અહીં વેદની સંહિતાઓ અને તેમાંયે મુખ્યત્વે ઋગ્વેદસંહિતાને આધારે સદાચાર અને તદ્વિષયક ભાવનાઓ અને વિચારોનો ખ્યાલ આપવાનો હું પ્રયત્ન કરીશ. વૈદિક ધર્મ સ્તુતિ, પ્રાર્થના કે કર્મકાંડમાં પર્યાપ્ત થતો નહોતો, માત્ર બાહ્ય આચારોમાં મર્યાદિત નહોતો. શૌર્યપૂર્ણ અને ઉલ્લાસભર્યું વીરતામય જીવન અનુભવવા સાથે વૈદિક આર્યોના નીતિમત્તા અને સદાચાર વિષેના, વિશ્વવ્યવસ્થામાં મનુષ્યના સ્થાન વિષેના વિચારો સ્પષ્ટ હતા. સાંસારિક વ્યવહાર અને ધાર્મિક જીવન વચ્ચે તેમણે ભેદ પાડયો નહોતો; એ બંનેય પરસ્પરનાં પૂરક હતાં—અથવા આગળ વધીને કહીએ તો, એકરૂપ હતાં. ‘ઋગ્વેદ’ના દસમા મંડળના ૧૧૭મા સૂક્તમાં સદાચાર અને પુણ્યકાર્ય વિષે મંત્રદ્રષ્ટા ઋષિ કહે છે— ‘જેની પાસે શક્તિ હોય તેણે ગરીબને આપવું જોઈએ અને ભાવીના દીર્ઘ પંથનો આગળથી વિચાર કરવો જોઈએ. રથનાં ચક્ર ઉપરનીચે ફરે છે તેમ લક્ષ્મી હમણાં એક માણસ પાસે આવે છે અને પછી વળી બીજા પાસે જતી રહે છે...હળ વડે ખેતી કરવામાં આવે ત્યારે ધાન્ય પાકે છે; માણસ પોતાના પગ હલાવે ત્યારે માર્ગ ઉપર પ્રયાણ કરી શકે છે; જે બ્રાહ્મણ બોલે છે તે મૂંગા રહેનાર કરતાં વધારે કમાય છે; જે મિત્ર આપે છે તે કૃપણ કરતાં અનેકગણો ચડિયાતો છે’ વળી, એ જ મંડળના ૭૧મા સૂક્તમાં કહ્યું છે— ‘જ્યાં ધીર પુરુષો ડહાપણ સાથે વાણી વદે છે અને ચાળણીથી દાણા ચાળી નંખાય તેવી રીતે શબ્દોને સાફ કરીને પ્રયોજે છે ત્યાં મિત્રો પરસ્પરની મિત્રતા સમજી શકે છે તથા એમની વાણીમાં ભદ્ર એવી લક્ષ્મીનો વાસ થાય છે......જે મનુષ્ય પોતાના સાચા મિત્રને ત્યજી દે છે એની વાણીમાં કંઈ શુભ કરવાની શક્તિ હોતી નથી; એ જે કંઈ સાંભળે છે તે વૃથા સાંભળે છે; સુકૃત અર્થાત્ સદાચારના પંથને તે જાણતો નથી.’ નીતિમત્તા અને સદાચાર વિષેના ખ્યાલો એ સમયના કેટલાક શબ્દપ્રયોગોમાંથી પણ સ્પષ્ટ થાય છે. ધર્મ એટલે ઉત્તમ વિચાર અને તેનું આચારમાં પાલન; એ શબ્દ સંસ્કૃત धृ અર્થાત્ ‘ધારણ કરવું’ એ ધાતુ ઉપરથી થયેલો છે. જે ઉત્તમ આચારવિચાર વડે આ વિશ્વનું ધારણ થાય છે તે धर्म. वृह् એટલે ‘વૃદ્ધિ પામવું’ એ ધાતુ ઉપરથી व्रह्मन् શબ્દ થયો છે. એ શબ્દનો મૂળ અર્થ ‘વૃદ્ધિ—વિકાસ—વિશાળતાનું તત્ત્વ—સમસ્ત વિશ્વમાં વ્યાપેલું બૃહત્ ધાર્મિકતાનું તત્ત્વ’ એવો છે. ‘ધાર્મિક વૃત્તિ—પરમાત્માની સ્તુતિ—યજ્ઞ’ એવો તેનો અર્થ વેદમાં છે. યજ્ઞ એ પરમાત્માની મૂર્તિ હોઈ એ ઉપરથી દેવતાવાચક ‘બ્રહ્મા’ શબ્દ થયો અને પુરાણકથામાં બ્રહ્મા સમસ્ત સૃષ્ટિના કર્તા મનાયા. યજ્ઞના ચાર ઋત્વિજો -હોતા, ઉદ્દ્ગાતા, અધ્વર્યુ અને બ્રહ્મા—તે બ્રહ્માનાં ચાર મુખ અને એમના માટે થયેલી વેદની ચાર સંહિતાઓ તે બ્રહ્માનાં મુખેથી નીકળેલા ચાર વેદ એમ ગણાયું. આગળ જતાં વેદાન્તના તત્ત્વચિન્તનમાં व्रह्मन् શબ્દ જગતમાં સર્વત્ર વ્યાપેલા ચૈતન્યરૂપ નિરાકાર ઈશ્વર માટે પ્રયોજાયો. વૈદિક આર્યોની આવી જ એક મહત્ત્વની વિભાવના અને તેને વ્યક્ત કરતો શબ્દ છે ऋत. એનો પ્રથમ અર્થ તો છે ‘નિયમ’. પણ તે ઉપરથી વિશ્વમાં જે અબાધ્ય નિયમ અને લોકોત્તર વ્યવસ્થા પ્રવર્તે છે એને માટે પણ ऋत શબ્દ વપરાયો. વસંત પછી ગ્રીષ્મ અને ગ્રીષ્મ પછી વર્ષા આવે એ નિસર્ગક્રમ માટેનો ऋतु શબ્દ પણ તે ઉપરથી વ્યુત્પન્ન થયેલો છે. બાહ્ય સૃષ્ટિના નિયમનો જ નહિ, મનુષ્યની નીતિ અને ધર્મના નિયમનો પણ ऋतમાં સમાવેશ થાય છે. આથી ऋत અને सत्य શબ્દો ઘણી વાર સાથોસાથ પ્રયોજાય છે. ऋत એટલે યજ્ઞના સ્થાપિત નિયમો તેમ જ વિશ્વવ્યવસ્થા અને મનુષ્યનીતિના શાશ્વત નિયમો. વૈદિક ઋષિઓ કુદરતની ઘટના તરફ બાલસહજ આશ્ચર્ય અને કુતૂહલની દૃષ્ટિથી જુએ છે. એક ઋષિ પૂછે છે, ‘સૂર્ય આકાશમાંથી કેમ પડી જતો નહિ હોય?’ બીજા ઋષિ આશ્ચર્યપૂર્વક પ્રશ્ન કરે છે, ‘તારાઓ દિવસે ક્યાં જતા હશે?’ ત્રીજાને વળી અચંબો થાય છે કે ‘સર્વ નદીઓનું પાણી હંમેશાં સમુદ્ર તરફ જાય છે, છતાં સમુદ્ર કદી ઊભરાઈ જતો કેમ નહિ હોય?’ સૂર્યચંદ્રના અસ્તોદય અને ઉષાનું નિત્ય પુનરાગમન જોઈને નિસર્ગમાં વ્યાપેલા અવિચલ નિયમનો ઋષિઓને અનુભવ થયો. વૈદિક સૂક્તોમાં નીતિવસ્થાનું તત્ત્વ, આ કારણે, સુસ્પષ્ટ છે. વૈદિક દેવતાઓ સદ્દગુણ અને સચ્ચાઈના સાથી છે, પરંતુ શઠની સામે માયા આચરતાં તે અચકાતા નથી. સર્વ દેવોમાં નીતિમાન વરુણદેવ સત્યના સાથી છે, પણ છેતરપિંડી કરનારા શત્રુઓ સાથે કપટ કરતાં એ સંકોચ કરતા નથી. વરુણ એ વિશ્વવ્યવસ્થાના અને નીતિના નિયમોને અર્થાત્ ऋतને ધારી રાખનાર પ્રતાપી દેવ છે. વરુણની સ્તુતિનાં સૂક્તો એ ઋગ્વેદનાં સૂક્તોનો બહુ ગૌરવાસ્પદ ભાગ છે, અને એમાંથી આપણા તત્કાલીન પૂર્વજોના જીવનમાં સમરસ થયેલી ઈશ્વરપરાયણતા તથા નીતિ અને સદાચારવિષયક ભાવનાઓની ઝાંખી થાય છે. वरुण શબ્દ वृ એટલે ‘વીંટવું-આચ્છાદિત કરવું’ અથવા वृ ‘પસંદ કરવું’ એ ધાતુ ઉપરથી થયેલો છે. પરમાત્માનું સર્વને વીંટીને રહેલું સ્વરૂપ અથવા સર્વ વડે પસંદ કરાયેલું સર્વજ્ઞ, અંતર્યામી સ્વરૂપ—એવો वरुणનો અર્થ છે. વરુણની પ્રકૃતિ અને સત્તાનું સ્વરૂપ બને ત્યાં સુધી ઋગ્વેદના શબ્દોમાં આપણે જોઈએ. વરુણ એ દૂરદૃષ્ટિ અને સહસ્ત્રનેત્ર છે. અથર્વવેદમાં વર્ણન છે કે વરુણના દૂત સ્વર્ગમાંથી ઊતરીને પૃથ્વી ઉપર ભ્રમણ કરે છે અને પોતાનાં સહસ્ત્રાવધિ નેત્રોથી સર્વ વર્ગોનું નિરીક્ષણ કરે છે. વરુણ અને મિત્ર એ બે દેવોની જોડી મિત્રાવરુણ તરીકે ઓળખાય છે. વરુણ અને મિત્રની દેવી સત્તાનું નામ ‘માયા’ છે. એ ગૂઢ શક્તિના બળથી વરુણ નિયમો ચલાવે છે અને તેથી ‘માયી’ એવું તેમનું વિશેષણ સાર્થક છે. સૃષ્ટિના કાયદાનો વરુણ અધિપતિ છે. તેનાં શાસન સ્થિર છે એવું વિધાન વારંવાર આવે છે. આ વિશ્વનો તે ‘સુક્ષત્ર’ એટલે કે સારા બળવાળો રાજા છે, ‘સમ્રાટ’ છે, પ્રાણીમાત્ર એના નિયમથી બંધાયેલ છે. પવિત્ર નિયમ તે ‘વ્રત ‘; આથી એ ‘ધૃતવ્રત’ કહેવાય છે. એ નિયમ પોતે પાળે છે અને આપણે પાળીએ એમ ઇચ્છે છે; તેથી ‘ધૃતવ્રત’ વિશેષણ વરુણનું યજન કરનાર યજમાનને પણ લગાડવામાં આવે છે. ऋतस्य गोपा અર્થાત્ ‘ઋતના રક્ષક’ અને अमृतस्य गोपा અર્થાત્ ‘અમૃતના રક્ષક’ તરીકે એ ઓળખાયા છે. પોતાનાં શાસનનો ભંગ કરનાર પાતકીઓને તે કડક શિક્ષા કરે છે અને તેમને પાશ વડે બાંધે છે. વરુણના નિયમોનો ભંગ કરવો એનું નામ જ પાપ. વરુણ અસત્યને ધિક્કારે છે, છતાં પશ્ચાત્તાપ કરનાર પ્રત્યે એ રહેમ નજરથી જુએ છે. એની પ્રાર્થના કરનાર માનવીએ એના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય છતાં તેને એ ક્ષમા કરે છે અને વગર વિચાર્યે જેણે નિયમો તોડ્યા હોય એની પ્રત્યે કૃપાદૃષ્ટિથી જુએ છે. વરુણની પાસે સેંકડો કિંબહુના હજારો ઉપાયો છે. એ મૃત્યુને દૂર કરે છે અને પાતકમાંથી મુક્તિ આપે છે. પોતાના ભક્તો સાથે વરુણ મિત્રના નાતાથી વર્તે છે. ટૂંકામાં, ‘આકાશમાં તેમ જ નીતિના આચરણમાં પ્રગટ થતું, સર્વને આવરીને રહેલું પરમાત્માનું સ્વરૂપ’ એ વરુણ છે. વરુણની સ્તુતિરૂપ અનેક સૂક્તો ઋગ્વેદમાં છે, એમાંથી એક ઉત્કૃષ્ટ સૂક્તનું સારગ્રાહી ભાષાન્તર હું અહીં રજૂ કરું છું. ઋગ્વેદના પહેલા મંડળનું આ ૨૫મું સૂક્ત છે અને ઋષિ શુન:શેપ છે. એમાં કુલ ૨૧ ઋચાઓ છે. વરુણને આર્જવભરી પ્રાર્થના કરતાં શુનઃશેપ એમાં ગાય છે— હે વરુણદેવ ! અમે એવા સાધારણ મનુષ્યો છીએ કે પ્રતિદિન તારા વ્રતનો ભંગ કરીએ છીએ, તોપણ અમને તારા ક્રોધનો ભોગ બનાવીશ નહિ(૧-૨). સારથિ જેમ ધૂંસરીમાં જોડાયેલા ઘોડાને છોડે તેમ અમે પ્રાર્થનાઓ વડે તારા મનને મૃદુ બનાવીએ! હે વરુણ, અમારા પ્રત્યે દયા કર (૩)! પક્ષીઓ માળા તરફ ઊડે તેમ અમારી વૃત્તિઓ કલ્યાણની ઈચ્છાથી તારી તરફ દોડે છે (૪). દીર્ઘ દૃષ્ટિવાળા વરુણને ક્યારે અહીં લાવીશું, જેથી તે અમારા ઉપર દયા કરે ? (૫). મિત્ર અને વરુણ એ બે દેવો સમાન હવિ સ્વીકારે છે; વ્રત ધારણ કરનાર યજમાનને તેઓ ફળ આપ્યા વિના રહેતા નથી (૬). અંતરિક્ષામાં ઊડતાં પક્ષીઓનો અને સમુદ્રમાં ફરતાં નાવનો માર્ગ જે જાણે છે; દિવસ અને પખવાડિયાં સહિત બાર માસને અને તેમાંથી ઉત્પન્ન થતા અધિક માસને જે જાણે છે; સર્વવ્યાપી, વિશાળ અને ઊંચા વાયુના માર્ગને તથા તેનીયે ઉપર વસનાર દેવોને જે જાણે છે એવો સુક્રતુ અને ધૃતવ્રત વરુણ દૈવી જળમાં આસન જમાવીને પોતાનું સામ્રાજ્ય ચલાવે છે (૭-૧૦). જે થયેલી છે અને જે થવાની છે એવી સર્વ અદ્ભુત ઘટનાઓ ત્યાં બેઠેલો સર્વજ્ઞ વરુણ જુએ છે (૧૦). એ સુક્રતુ આદિત્ય આપણા માર્ગો કલ્યાણમય કરો અને આપણાં આયુષ્યની વૃદ્ધિ કરો (૧૨)! હિરણ્યમય વસ્ત્ર અને કવચ વરુણે ધારણ કરેલાં છે અને આસપાસ એના દૂતો બેઠેલા છે. (૧૩). વંચકો મનુષ્યોના દ્વેષીઓ એને કંઈ ઈજા કરી શકતા નથી; એ દેવને કોઈના આક્રમણનો ડર નથી (૧૪). એની કૃપા કદી પણ અધૂરી હોતી નથી; એ અમારાં ઉદર સુધી પહોંચે છે અર્થાત્ અમને તૃપ્ત કરે છે (૧૫). ગાયો પોતાનાં ગૌચર તરફ વળે તેમ મારી પ્રાર્થનાઓ સર્વદર્શી વરુણને ઈચ્છતી એની તરફ વળે છે (૧૬). હે દેવ ! હું સોમરસ લાવ્યો છું; એથી ચાલ, આપણે હવે વાર્તાલાપ કરીએ. હોતાની જેમ, તારા પ્રિય સોમરસનું તું પાન કર (૧૭). એ વિશ્વદ્રષ્ટાને મેં જોયો છે, એના રથને પૃથ્વી ઉપર ઊતરતો મેં જોયો છે, મારી પ્રાર્થનાનો તેણે સ્વીકાર કર્યો છે (૧૮). હે વરુણ ! મારું આવાહન સાંભળ અને મારા પ્રત્યે કરુણા કર. રક્ષણ મેળવવાની ઉત્સુકતાથી હું તારી પ્રાર્થના કરું છું (૧૯). હે મેધાવી ! સ્વર્ગ અને પૃથ્વી સમેત વિશ્વનો તું રાજા છે; અમારી વિનંતી સાંભળીને તેના ઉત્તર આપ (૨૦). અમારો સૌથી ઉપરનો, વચ્ચેનો અને નીચેનો પાશ તું છોડી નાખ, જેથી અમે નવજીવન પ્રાપ્ત કરીએ(૨૧)!’

[‘બુદ્ધિપ્રકાશ,’ માર્ચ ૧૯૬૬]